સુરેશ જોશી/૬. વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૬. વિવેચન

આથી જ એમનું વિવેચન આમ જોઈએ તો કાર્યશાલા-વિવેચન (WorkShop Criticism) હતું. એમણે પોતાની સર્જનવિભાવના અને સર્જનપ્રક્રિયાને અનુસરીને એક આબોહવા ઊભી કરી તેમજ આધુનિકયુગને એક ચોક્કસ માર્ગ કરી આપ્યો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ‘અર્વાચીનયુગ’ અને ‘આધુનિકયુગ’ની સંજ્ઞાઓનો અર્થ હવે નિશ્ચિત છે. એટલું જ નહિ, એનાં વ્યાવર્તક લક્ષણો પણ હવે તો ઊપસી આવ્યાં છે. આજે જ્યારે અનુ-આધુનિકતાએ પ્રવેશ કર્યો છે, ત્યારે આધુનિકતાનો અર્થ અને એનું મૂલ્ય વધુ સ્પષ્ટ થયાં છે. આધુનિકતાએ કરેલો પુરુષાર્થ એળે ગયો નથી. એણે ખોલેલા વિશ્વસાહિત્યના વિસ્તૃત સીમાડાઓ, એણે સ્થાપેલા સાહિત્ય-કસોટીના આકરા માપદંડો, સાહિત્યને શુદ્ધ સ્વરૂપ લેખે પામવાના અને અનુકરણાત્મક ધરીથી ભાષાત્મક કે સંકેતાત્મક ધરી પર સ્થિર થવાના એના અથાગ પ્રયત્નો, પ્રેરણા અને પરિશ્રમ કરતાં પરિશ્રમ અને પ્રક્રિયાનો સમાદર, વાચકની નિષ્ક્રિયતા અકબંધ રાખતી કૃતિની પારદર્શકતા સામે એણે ધરેલી કૃતિની સમૃદ્વિજ્ઞાપક સંદિગ્ધતા તેમજ સાહિત્યના વાસ્તવની તદ્દન જુદી Ontological Categoryનો પુરસ્કાર - આ સર્વ એનાં સીમાચિહ્નો છે. આ સીમાચિહ્નોને સમર્થ રીતે આંકી આપનાર યુગપ્રવર્તક સુરેશ જોષીનું સ્થાન ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં ઐતિહાસિક રીતે નર્મદ જેટલું જ મૂલ્યવાન છે. યુગપરિવર્તનવેળાએ જે અતિરેક થાય, જે વ્યય થાય, જે ધોરણનાશ સંભવે એનાથી ઇતિહાસને બચાવી શકાતો નથી, પરંતુ એની સામે નવો પ્રાણસંચાર થાય, નવી પરંપરાનો ઉદય થાય, નવી દિશાઓનો ઉઘાડ થાય, નવાં ધોરણો સંભવે એ ઇતિહાસપક્ષે અભૂતપૂર્વ ઉપલબ્ધિ હોય છે. સુરેશ જોષીનું સૌથી મહત્ત્વનું પ્રદાન તે ગુજરાતી સાહિત્યને સાહિત્યની આરપાર જોતા, અર્વાચીનયુગમાંથી, સાહિત્ય પરત્વે જોતા આધુનિક યુગમાં પ્રવેશ કરાવ્યો, તે છે. એમણે ભૌગોલિક નિષ્ઠાને વળગી રહેલી સાહિત્યચેતના સમક્ષ વિશ્વસાહિત્યની ભૂગોળને ખુલ્લી કરી, કૃતિનો અપરોક્ષ સન્નિકર્ષ કેન્દ્રમાં લાવી સાહિત્યચેતનાના અક્ષાંશરેખાંશ બદલી નાખ્યા, એમણે બતાવ્યું કે પ્રતિમાની સાર્થકતા એ કઈ ધાતુમાંથી બની છે એમાં નથી, એની સાર્થકતા એના શિલ્પવિધાનમાં છે, એ ક્ષતિપૂર્ણ ન હોવું જોઈએ. આ શિલ્પવિધાન કે સંવિધાન સુરેશ જોષીના સમસ્ત સર્જનવિવેચનનું આધારબિંદુ છે. એમને મન સાહિત્ય શુદ્ધ એટલે સંવિધાનથી શુદ્ધ. સંવિધાન એટલે રૂપાન્તર. રૂપાન્તર એટલે રસનિષ્પત્તિની ક્રિયા. ભાવને રસ-કોટિએ લઈ જવાનું કવિકર્મ. એ જ આકાર. આકાર કે દર્શન એ કૃતિ સાથે સંકળાયેલું કોઈ પૂર્વનિયત તત્ત્વ નથી, પણ કૃતિની પ્રક્રિયા દ્વારા રચાતા આવતા સંરૂપ (Configuration) સાથે પામવાનું ઋત છે. સુરેશ જોષીએ છેવટ સુધી વિશ્વસાહિત્યના વિવિધ વિવેચન – ઊહાપોહ અને વિવિધ સિદ્ધાન્તપ્રવાહોની પૂરેપૂરી સજ્જતા અને જાણકારી વચ્ચે આ ઋતનું જતન કર્યું છે. સુરેશ જોષીના વિવેચનનો વિસ્તાર દશેક વિવેચનસંગ્રહો સુધી પહોંચે છે. ‘કિંચિત’ (૧૯૬૦) એમનો પહેલો વિવેચનગ્રંથ છે; જેમાં વાદવિવાદ ઊભો કરવાનો, સમસ્યાઓ ઊભી કરવાનો અને એ દ્વારા બૌદ્ધિક જાગૃતિ સંકોરવાનો એમનો ઉદ્યમ છે. કાવ્ય-પ્રતીક અને સાહિત્યશિક્ષણ પરત્વે સદંતર બદલાયેલા અભિગમનો એમાં સ્પર્શ છે. આ પછી ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨) એ ગુજરાતી સાહિત્યમાં આસ્વાદગ્રંથની પહેલ નથી પણ અત્યાર સુધી પ્રકાશિત કાવ્યાસ્વાદના ગ્રંથોમાં માપદંડ બનીને ઊભેલો ગ્રંથ છે. શાસ્ત્રીય પરિભાષાના ચોકઠામાંથી ઉગારી કાવ્યના સર્જનની પ્રક્રિયાના સાક્ષી તરીકે આસ્વાદને એમણે એમાં પુરસ્કાર્યો છે. નરસિંહરાવથી માંડી ગુલામમહોમ્મદ શેખ સુધી ગુજરાતી કવિતા શું સિદ્ધ કરવા મથી રહી છે એનો એમાં મૂલ્યાંકન-આલેખ નહીં પણ આસ્વાદ-આલેખ છે. પાંચ ખંડમાં વિસ્તરેલો ‘કથોપકથન’ (૧૯૬૯) ગ્રંથ નવલકથા અને નવલિકાની વિભાવનાઓ તેમજ એના આસ્વાદની ઉત્કટ માંડણી કરે છે. અહીં પહેલો ખંડ નવલકથાવિભાવનાને તપાસે છે, બીજો ખંડ ગુજરાતી નવલકથાઓમાં લેખકે કરેલાં વિવેચનોનો છે. ત્રીજો ખંડ દોસ્તોયેવ્સ્કી, કાફકા અને કામૂની નવલકથાસૃષ્ટિનો પરિચય કરાવે છે. ચોથો ખંડ નવલિકાવિવેચનનો છે. તો પાંચમો ખંડ પશ્ચિમની નવલિકાનો પરિચય અને ચેખોવ તેમજ ટોમસ માનની નવલિકાઓનો આસ્વાદ કરાવે છે. એક રીતે જોઈએ તો કુલ અઢાર પ્રકરણમાંથી ૯ પ્રકરણ નવલકથાના અને ૯ પ્રકરણ નવલિકા વિશેનાં છે. અહીં ગુજરાતી નવલકથાના ગ્રંથો પરત્વે અત્યંત આકરી બનતી એમની વિવેચના દોસ્તોયેવ્સ્કી, કાફકા અને કામૂની સૃષ્ટિનો પ્રસન્નતાથી પરિચય આપે છે. સમકાલીન કથાસાહિત્ય પરત્વેનો એમનો અસંતોષ અહીં ઠેર ઠેર પ્રગટ થતો જોવાય છે. ૧૯૭૧માં ‘કાવ્યચર્ચા' બહાર પડે છે એમાંથી એક પ્રકરણની અને ૧૯૮૩માં ‘અષ્ટમોઙધ્યાય' બહાર પડે છે એ સમગ્ર ગ્રંથની આપણે પછીથી સઘનવાચના કરવાના છીએ એટલે એનો અહીં માત્ર નિર્દેશ જ કરીએ. ‘શ્રુણ્વન્તુ’ (૧૯૭૨)માં એમણે આપેલાં વ્યાખ્યાનો અને લેખોનો સમાવેશ છે : વિશ્વસાહિત્યના પરિચયમાં રહી એના અગત્યના પ્રવાહોનો અને આપણા સાહિત્યની ગંભીર ક્ષતિઓનો એમણે અહીં નિર્દેશ કર્યો છે. દોસ્તોયેવ્સ્કીની ‘ભોંયતળિયાનો આદમી’ અને ‘ઉંગારેત્તિની કાવ્યસૃષ્ટિ’ આ બે લેખો સંગ્રહમાં મહત્ત્વના બન્યા છે. ‘અરણ્યરુદન’ (૧૯૭૨)માં રૂપનિર્મિતિ અને આકૃતિવાદ સામે ઈહાબ હસને જગાવેલી જેહાદ અને વિવેચનને નામે કેવળ શવચ્છેદનની પ્રવૃત્તિની એમણે નોંધ લેવા માંડી છે. બદલાતી વિવેચનની વૈશ્વિકરૂખને એમણે સતત વેધરકોકની જેમ ગ્રહી છે. આ ગ્રંથ એનું ઉદાહરણ છે. એટલું જ નહિ પણ કોઈ સમન્વયદૃષ્ટિનો પણ એમણે પુરસ્કાર કર્યો છે. એમણે દર્શાવ્યું છે કે બંને વલણો અંતિમમાર્ગી છે. ખરેખર તો કાવ્ય એક પદાર્થ તરીકે અસ્તિત્વ ટકાવી રાખતું હોવું જોઈએ અને સાથેસાથે એની ભાષા વ્યવધાન ન બની રહે અને એની અપરોક્ષ તત્ક્ષણતા જળવાઈ રહે એ જોવું જોઈએ. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (૧૯૭૮) એમનો સંશોધનનો ગ્રંથ છે; જેમાં નરહરિની ‘જ્ઞાનગીતા’ની સમીક્ષિત આવૃત્તિનું સંપાદન કરવાના નિમિત્તે એમણે આ પરંપરાની પૂર્વભૂમિકાનો અભ્યાસ કર્યો છે. અને આ પરંપરાના મૂળને છેક વેદ, ઉપનિષદ્, ભગવદ્ગીતા, તંત્રસાધના, બૌદ્ધસાધના, સન્તપ્રણાલિ અને સૂફીસાધના સુધી પહોંચીને તપાસ્યાં છે. ગુજરાતી મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાને સમજવા આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. ‘ચિન્તયામિ મનસા’ (૧૯૮૨)માં બહુ અધિકૃત રીતે સુરેશ જોષી નવ્યવિવેચન, સંકેતવિજ્ઞાન, ભાષાવિજ્ઞાનાભિમુખ વિવેચન, આધુનિકવાદ અને અનુઆધુનિકવાદને મૂલવવાનો પ્રયત્ન કરે છે. આ વિવેચનગ્રંથો પરથી જોઈ શકાશે કે એમાં વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં કરેલા પ્રવેશથી માંડી સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિ પરત્વે એમની વખતોવખતની પ્રતિક્રિયાઓ છે. સામાજિક મૂલ્ય અને વિષયવસ્તુની પકડમાંથી કથાસાહિત્યને મુક્ત કરી સૌન્દર્યનિષ્ઠ ધોરણો સાથે સાંકળવાનો એમનો ઉપક્રમ આ બધામાં અત્યંત ધ્યાનપાત્ર છે. એમની આ સમસ્ત વિવેચનવિચારણા કોઈ ચુસ્ત શાસ્ત્રીયતામાં કે ચુસ્ત માળખામાં ન હોવાને બદલે વાર્તાલાપી આસ્વાદમૂલક શૈલીમાં થયેલી છે. એમણે પરિભાષાની નિરર્થક બહુલતાને કે બિનજરૂરી સંજ્ઞાઓ અને કૈશિકીવૃત્તિથી થતી વિભાગ-યોજનાઓને દૂર રાખી છે. વળી વૈશ્વિક અભિજ્ઞતા અને બહુશ્રુતતાના એને સતત મળતા સંસ્કારથી એ પૂરેપૂરી ગંભીર અને પ્રામાણિક છે. એમની આવી વિવેચનપ્રવૃત્તિ અંગે કોઈ સામાન્ય વલણો તારવવા કે ઉભડક મૂલ્યાંકન પર પહોંચવા કરતાં એમના કોઈ એક વિવેચનગ્રંથને કોઈ એક વિવેચનલેખને નજીકથી તપાસી શકાય તો સારું, એવા આશયથી પહેલાં ‘અષ્ટમોઙધ્યાય' ગ્રંથને અને ત્યારબાદ ‘કાવ્યચર્ચા'માંથી ‘દક્ષિણ- દૃષ્ટિ-વિવેચન ?’ને હાથ પર લઈશું. ‘अष्टमोऽध्यायः’ સુરેશ જોષીનો આઠમો વિવેચનસંગ્રહ હોવાની સંભાવના છે એથી વિશેષ આ શીર્ષકની કોઈ સૂચકતા હોય એવું લાગતું નથી. સાહિત્ય અને વિવેચનને આધુનિક વલણો ભણી દોરવામાં, એને અપનાવવામાં, આત્મસાત્ કરવામાં સુરેશ જોષીનું કાર્ય ઉદ્દીપકનું રહ્યું છે અને તે અત્યંત મૂલ્યવાન છે. એમના સંપાદકીય પ્રયત્નો અને કેટલાંક વિશેષ પ્રતિમાનોના કારણે એક સમયની સજ્જ ચેતનાને નવી ભૂમિકા માટેનું અનુકૂળ વાતાવરણ મળેલું. પરન્તુ એમના વિવેચને ઉદ્દીપકની ભૂમિકા વખતે જે સૈદ્ધાન્તિક રૂપ લીધેલું (જે તે વખતે અત્યંત જરૂરી પણ હતું) તે ઉદ્દીપકની ભૂમિકા પૂરી થયા પછી જવાબદારીભર્યા પ્રતિભાવ અને પ્રતિપોષણમાં રૂપાન્તરિત થવું જોઈતું હતું, તે પૂરતું થઈ શક્યું નથી એ નોંધપાત્ર ઘટના છે. જરા વધુ વિસ્તારથી સમજીએ : વિવેચન બે પ્રકારનું હોય છે : અવિનિયુક્ત વિવેચન (Macro Criticism) અને વિનિયુક્ત વિવેચન (Micro Criticism). અવિનિયુક્ત વિવેચન સૈદ્ધાન્તિક ભૂમિકા ૫૨ ૨હે છે. સાહિત્ય અંગે તત્ત્વવિચાર કરે છે. સાહિત્યનું સ્વરૂપ નક્કી કરે છે. ક્યારેક આ જ વર્ગમાં સાહિત્યની સાથે સંકલિત અન્ય શાખાઓની વાત કરે છે. સાહિત્ય વિશે સામાન્ય વિધાનો કરે છે અને ઘણુંખરું વાયવી સ્તરે રહે છે. જ્યારે વિનિયુક્ત વિવેચન સાહિત્યવિચારને સાહિત્યવ્યવહાર સાથે સાંકળે છે, કૃતિઓનાં પરીક્ષણ - મૂલ્યાંકનમાં પ્રવેશે છે, સૈદ્ધાન્તિક વિચારને વિનિયુક્ત કરી એની યથાર્થતાને તપાસે છે - અથવા નિર્દેશે છે. અને ઘણુંખરું નક્કર સ્તરે રહે છે. સુરેશ જોષીની વિવેચનવિચારણામાં વિનિયુક્તિનું ધોરણ ઓછું છે. એમનું વિવેચન અવિનિયુક્ત રહી સામાન્ય વિધાનોમાં રાચે છે અથવા તો નક્કર ભૂમિકાએ મૌન પાળે છે. કોઈ પણ વિવેચન જ્યાં સુધી વિનિયુક્તની વધુ માત્રા ન દાખવે ત્યાં સુધી એ વિફળ છે. સુરેશ જોષીનું ‘કવિતાનો આસ્વાદ' એ રીતે ઉત્તમ પ્રદાન હશે પરંતુ આઠ વિવેચન સંગ્રહો છતાં સુરેશ જોષીને પોતાની વિચારધારા પ્રસ્થાપિત નથી લાગતી અને ‘અષ્ટમોઙધ્યાય'માં નોંધવું પડે છે : ‘પ્રયોગશીલતા હવે કુંઠિત થઈ ગઈ છે, એટલું જ નહીં એ પ્રયોગશીલતા એક અનિષ્ટ તત્ત્વ હતંવ એવું પણ બોલાવા લાગ્યું છે.” (પૃ. ૬૧) આ હકીકતનું કારણ એમણે પોતાની સિદ્ધાન્તભૂમિકાને વિનિયુક્તિનું જે બલ પૂરું પાડવું જોઈએ તે બહુ ઓછું પૂરું પાડ્યું છે; અને તેથી એમની સિદ્ધાન્તવિચારણા જે પ્રમાણમાં ગ્રાહ્ય થવી જોઈતી હતી તે પ્રમાણમાં ગ્રાહ્ય થઈ નથી. ‘અષ્ટમોઙધ્યાય’ બીજી રીતે પણ નબળો વિવેચનસંગ્રહ છે. એનાં મુખ્ય કારણો છે :

(૧) નવા વિચારોનો અહીં ઓછો પ્રવેશ છે. પહેલો લેખ નિષેધાત્મક ટીકા પૂરતો ગુજરાતી સાહિત્યને સ્પર્શી શૂન્ય અને એબ્સર્ડ વિશેની વિચ્છિન્ન સામગ્રી આપે છે. કોઈ તાર્કિક દેહ એનો ઘડાયો નથી. બીજા લેખથી નવમા લેખ પર્યંત સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિ વિશે લેખો છે. પણ એમાં સામગ્રી ચર્વિતચર્વણ છે અને મોટે ભાગે વિધાનોની કક્ષાએ છે. ‘આત્મકથા : સાહિત્ય પ્રકાર ?' આખા સંગ્રહમાં જુદો તારવવા જેવો અને નવી વિચારણા સાથે તાજગીભર્યો લેખ છે. ‘ફોર્સ્ટર’, ‘તોલ્સતોય’ અને સીંગર પરના લેખો પરિશ્રમના નમૂના છે, અને એમાં મૂલ્યાંકનના ગજ વિશેષતઃ વિષયલક્ષી અને સામગ્રીલક્ષી છે. (૨) ઘણા લેખો તૂટક છે, ટાંચણકક્ષાના છે. પરિચ્છેદોનું રેણ પણ થતું નથી; અને પરિચ્છેદો છૂટક વેરાયેલા લાગે છે. આનાં ઉદાહરણો ઘણાં છે, પણ પૃષ્ઠ ૪૩ ૫૨ બે પરિચ્છેદોમાં એકનું સમાપન અને બીજાનો ઉઘાડ – ખાસ જોઈએ :

  • “આ કામ સાહિત્ય તાર્કિકતાથી કરતું નથી, એની વૈજ્ઞાનિક ચકાસણી શક્ય નથી. આ કામ સર્જકે વિકસાવેલી સૂઝથી થતું હોય છે. સાહિત્યનું શિક્ષણ વિજ્ઞાન, વાણિજ્ય અને બીજી કેટલીક જ્ઞાનની શાખાઓમાંથી બાકાત રાખવામાં આવ્યું છે એની પાછળ આવા જ કેટલાક, સાહિત્ય વિશેના, પૂર્વગ્રહો કામ કરતા લાગે છે.”
  • “દરેક કાવ્યમાં જે અર્થ રહ્યો છે તેને અંશતઃ જ, સંપૂર્ણતયા નહીં - બીજી સંજ્ઞાઓ દ્વારા અનૂદિત કરી શકાય છે. સ્પષ્ટીકરણના સ્વરૂપનું ગદ્યમાં કરવામાં આવતું ટિપ્પણ કે બિનસાહિત્યિક એવું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આથી ઝાઝું કરી શકે નહીં.”

(૩) અંગ્રેજી પરિચ્છેદોના સીધા તરજુમા થતા હોય એવી ભાષાની શિથિલતા જોવા મળે છે. ક્યારેક, અંગ્રેજી ભાષાના નમૂના પરથી તાત્કાલિક તૈયાર કરેલાં વાક્યોના નમૂનાઓ જડે છે. જેમ કે

  • જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે કામ્યૂ કહે છે કે લોગો કહે છે કે આ યુદ્ધ કાંઈ ઝાઝું નહીં ચાલે; કારણ કે નિઃશંકપણે યુદ્ધ એક બેહૂદી ઘટના છે.” (પૃ. ૧૪)
  • “એવી કોઈ Myth નથી જેમાં એવું કેન્દ્રાનુગામી બળ એટલું પ્રભાવક હોય કે એની પડખે Mythમાં એ ભળી ન જાય.” (પૃ. ૩૩)
  • “રોજબરોજની ભાષામાં જે duplicity ગૂંચવણ અને અસત્યને આપણે સ્વીકારી લઈએ છીએ તેમાંથી મુક્ત રહેવાનો ડોળ કરે છે એવા ખ્યાલ પર એ પદ્ધતિસરનો પ્રહાર કરે છે.” (પૃ. ૩૨)
  • “જ્યારે લેખકો કથા સૂચિતાર્થ વિનાનાં સ્પષ્ટ વિધાનો કરતા થઈ જાય છે ત્યારે વાચકો જે વાસ્તવિકતાથી એ ક્યારનુંય છૂટું પડી ગયું હોય છે તેની જોડે એને ગૂંચવી મારીને નીચે પાડે છે.” (પૃ. ૩૬)

(૪) અનુવાદની એક પ્રચ્છન્ન તરાહ આમ ઠેર ઠેર જોવા મળે છે છતાં સંદર્ભગ્રન્થોનો ક્યાંય ઉલ્લેખ નથી. ફોર્સ્ટર, સીંગર કે તોલ્સતોય પરના લેખોમાં તો હોવો જ જોઈતો હતો. (મને યાદ છે કે ‘લોકસત્તા'માં પોતાની કોલમમાં સુરેશ જોષીએ યહૂદી કવિ યહૂદા એમિચાઈના સંદર્ભમાં જે લખેલું એ સીધું યહૂદા એમિચાઈએ ‘લંડન’ સામયિકને આપેલી એમની મુલાકાત પરથી બેઠું લખેલું છતાં ત્યાં નામનો પણ અણસાર નહોતો.) સુરેશ જોષીના આ જ ગ્રન્થમાં અન્યત્ર વપરાયેલા શબ્દોમાં કહીએ તો આ ‘વ્યુત્પત્તિમત્તાનું આભાસી ગૌરવ’ ઊભું કરે છે. (૫) વિવેચન અહીં ઘણુંખરું સામાન્ય વિધાનોરૂપ રહે છે અને વિધાનો ઝડપથી થયાં હોવાને કારણે અથવા પૂરતી કાળજીથી તૈયાર ન થયાં હોવાને કારણે ક્યારેક સુબદ્ધ નથી વર્તાતાં. જેમ કે પૃષ્ઠ ૨૫ પર ‘કાલજયી સાહિત્ય ?’ના સંદર્ભમાં એમણે લખ્યું છે : “આપણો નવલકથાકાર ભૂતકાળના ઇતિહાસના ખંડેરમાં સામગ્રી શોધવા લાગ્યો છે. સમકાલીન રાજકીય પરિસ્થિતિ વિશે દસ્તાવેજી નવલકથાઓ લખવા લાગ્યો છે.” હવે, નવલકથાકાર ભૂતકાળના ઇતિહાસના ખંડેરમાં સામગ્રી શોધે એ કોઈ દેખીતી સાહિત્યવિરોધી ઘટના નથી. નવલકથાકાર સામગ્રી માટે ક્યાંય પણ જાય-મુખ્ય તો, આવતું પરિણામ છે. સુરેશ જોષી આ વાતથી પરિચિત નથી એવું કહેવાની ધૃષ્ટતા અહીં નથી - પરંતુ વાક્યવિન્યાસ ઝડપથી તૈયાર થયેલા લખાણમાં કેવા પ્રામાદિક રહી જાય છે એ તરફ અંગુલિનિર્દેશ છે. આ રીતે સુરેશ જોષીના આ વિવેચનસંગ્રહમાં સાંપ્રત સાહિત્ય વિશેનો એમનો અસંતોષ કેવળ સામાન્ય વિધાનોનું વલણ લઈને જ સંતોષ મેળવે છે - ચોક્કસ ઉદાહરણો અને એની વિસ્તૃત ચર્ચાને ટાળે છે. ક્યારેક તો પશ્ચિમની પરિસ્થિતિઓની વાર્તા કરતાં કરતાં અહીંની વાતને આકસ્મિક રીતે આમેજ કરી દેવાનું વલણ પણ માત્ર પ્રત્યાઘાતી હોવાની છાપ ઊભી કરે છે. ‘અષ્ટમોઙધ્યાય’માં સુરેશ જોષીની અસામાન્ય વિવેચનચેતનાને સામાન્ય રૂપ લઈને વેડફાઈ જતી જોઈએ છીએ ત્યારે લાગે છે કે એમની પાસેથી એમની સૈદ્ધાન્તિક ભૂમિકાને ફલવતી કરતી વ્યવહારવિવેચના આપણને બહુ ઓછી મળી છે. હવે ‘દક્ષિણદૃષ્ટિ-વિવેચન ?’ લેખને નજીકથી તપાસીએ. સુરેશ જોષીનો ૧૯૬૨નો આ વિવેચન-લેખ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૬૧ના કલકત્તા ખાતે ભરાયેલા ૨૧મા અધિવેશનના વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પ્રમુખીય પરની પ્રતિક્રિયારૂપે તૈયાર થયેલો છે. વિષ્ણુપ્રસાદના વ્યાખ્યાન પર સુરેશ જોષીની પ્રતિક્રિયા અને સુરેશ જોષીની પ્રતિક્રિયા પર આ સઘન વાચન દ્વારા થનારી પ્રતિક્રિયા – એમ ત્રણ વાચનના અર્થઘટનનો અને એ રીતે ગુજરાતી વિવેચનના ઇતિહાસની બદલાતી રૂખનો પરિચય થશે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું વ્યાખ્યાન કુલ ૧૧ ખંડોમાં વિસ્તરેલું છે. જેમાં પહેલા બે ખંડ બંગાળી સાહિત્યનો પ્રભાવ અને માતૃભાષા ઉપરાંત સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીનો કેળવણીની પરિપાટીમાં યોગ્ય સમાવેશ અંગેનો છે. પછી ૩થી ૧૦ ખંડો ગુજરાતી સાહિત્યની કંઈક અંશે સિદ્ધિઓ કહી શકાય એવી બાબતો અંગેના છે; અને ૧૧મો ખંડ રેડિયો, સંગીત, નૃત્ય, નાટકને આવરી લેતો સમાપનનો છે. સુરેશ જોષીએ વિષ્ણુપ્રસાદના વ્યાખ્યાનના ૩થી ૧૦ ખંડમાંના માત્ર અર્વાચીનયુગને પોતાની પ્રતિક્રિયા માટે પસંદ કર્યો છે અને એમાં ય એમની ઉગ્ર પ્રતિક્રિયા તો પોતાના સમકાલીન રચાતા આવતા પ્રયોગશીલ સાહિત્ય પરનાં વિધાનો પરત્વે વ્યક્ત થઈ છે. સુરેશ જોષીએ વિષ્ણુપ્રસાદના સ્પષ્ટ ઊપસી આવતા અભિગ્રહોને બતાવ્યા છે. નરસિંહરાવ અને કાન્તની કવિતાને ‘સૌષ્ઠવસંપન્ન’ જેવી એક સંજ્ઞા હેઠળ મૂકવાના અને કાન્તને નહીં પણ નાનાલાલને સૌથી વિશેષ જાગ્રત કલાકાર તરીકે સ્થાપવાના વિષ્ણુપ્રસાદના પ્રયત્નનો એમણે યોગ્ય રીતે પ્રતિવાદ કર્યો છે. કદાચ નર્મદ-દલપતની કવિતાના સંદર્ભમાં નરસિંહરાવ અને કાન્તને ‘સૌષ્ઠવસંપન્ન’ કહેવાયા હોય તોપણ કાન્ત પરત્વે વિષ્ણુપ્રસાદનું વલણ ઉષ્માભર્યું નથી એવું સુરેશ જોષીનું તારણ વાજબી છે, એટલું જ નહિ, પરંતુ નાનાલાલની રચનામાં વાગ્મિતાને સ્થાને વાગાડમ્બર ક્લેશ કરાવે છે એવો અભિપ્રાય પણ ઉચિત છે. સંવિધાન પરત્વે સભાન સુરેશ જોષીની કલાદૃષ્ટિ કાન્ત તરફના ઉષ્મા વગરના વલણને અને નાનાલાલ તરફના અકારણ પક્ષપાતને સાંખી ન શકે એ સ્વાભાવિક છે. એ જ રીતે વિષ્ણુપ્રસાદ મુનશીને જ્યારે ‘સાચા’ નવલકથાકાર તરીકે ઓળખાવે છે ત્યારે તીવ્ર પ્રતિક્રિયા સુરેશ જોષી બતાવે છે. સુરેશ જોષી ‘સાચા’ વિશેષણને જાળવીને વાપરવાનું તો કહે છે, પરંતુ મુનશીની નવલકથાકાર તરીકેની મર્યાદાઓને પણ બરાબર ચીંધે છે. ‘પટાબાજી જેવા સંવાદ, કાવ્યાભાસી મુલાયમ બાની, પ્રસંગોની ધમાચકડી, એક જ છાપનું ‘પ્રતાપીપણું' - આ બધાનંૈ આકર્ષણ એક કાળે હશે. ગદ્યને ચીપકાવવાની આપણી દૃષ્ટિ, બદલાઈ છે. કહેવાતી ચારુતા કે કાવ્યમયતાના પાતળા વરખને અહીંતહીં ચોંટાડવાથી ગદ્યની કાન્તિ પ્રકટતી નથી. અહીં કથાસાહિત્યમાં સંવાદ, ઘટના કે સંવિધાન પરત્વેની સુરેશ જોષીની વિશેષ દૃષ્ટિ તેમજ ગદ્ય એ કેવળ નિષ્ક્રિય માધ્યમ નથી, એના પર પ્રક્રિયા થાય તોપણ આભાસી પ્રક્રિયા ન ખપે એવા ઉચિત અભિગમનો અણસાર છે. સાથે સાથે ઘટનાઓના અભિધાસ્તરે રહેતા ઘટાટોપની સામે ઘટનાઓની વ્યંજકતા અને એના સૂક્ષ્મ વિનિયોગનો આગ્રહ રાખતા સુરેશ જોષી કહે છે. ‘તલવાર ઉગામીને એકસાથે સો ડોકાં વધેરી નાખવા કરતાં કેટલીક વાર નીચે પડેલા રૂમાલને વાંકા વળીને ઉઠાવવામાં વધારે મોટા પરાક્રમની જરૂર પડે છે.’ તુચ્છ લાગતા કાર્યની અસરને અનેક પરિમાણમાં પ્રસરતી જોનાર સુરેશ જોષી પાસે કથાસાહિત્યને મૂલવવાની નવી દૃષ્ટિ છે. ઉત્કટતાની સાથે તેઓ સૂક્ષ્મતાને પણ એટલી જ અનિવાર્ય ગણે છે. વિષ્ણુપ્રસાદે સ્વામી આનંદના ગદ્યની આગવી સાહિત્યિક છટાનો ઉલ્લેખ નથી કર્યો તેમજ જ્ઞાનગરિમાવાળા સુખલાલજીના ગદ્યનો પણ ઉલ્લેખ નથી કર્યો, એવા રહી ગયેલા અંશો અંગે સુરેશ જોષીનાં ઈંગિતો સાભિપ્રાય છે. ગાંધીજીના સાહિત્યના પ્રભાવની વિગતો સંદર્ભે સુરેશ જોષી સ્પષ્ટ કહે છે કે, ‘પ્રભાવ કેવે સ્વરૂપે ગ્રહવામાં આવે છે, એ પ્રભાવમાંથી શું નિષ્પન્ન થાય છે આ પ્રશ્નો પણ વિચારવાના રહે છે.' સુરેશ જોષીનો આક્રોશ ભક્તિભાવપૂર્વક જીવનદૃષ્ટિનું નવનીત શ્રદ્ધાપૂર્વક પ્રસાદરૂપે લઈ આવેલા લેખકોની દિલચોરી પર છે. વિશ્વમાનવની ભાવનાને કે જીવનદૃષ્ટિના રટણને કારણે કોઈ પ્રમુખ કવિ નહીં બની શકે એવી સુરેશ જોષીની માન્યતા પાછળ સર્જનની પ્રક્રિયાનું ગૌરવ અને કૃતિના સ્વાતંત્ર્યનો મહિમા પડેલો જોઈ શકાય છે. વિષ્ણુપ્રસાદના ‘નવી કવિતા’ની નજીક આવતા બદલાયેલા કાકુની સુરેશ જોષીએ બરાબર નોંધ લીધી છે. એટલું જ નહીં, રાજેન્દ્ર, નિરંજન તેમજ ઉશનસ્, જયન્ત પાઠકને એક પંગતમાં બેસાડવા અંગેનું ઔચિત્ય પણ પડકાર્યું છે. કવિઓના નવા પ્રયોગોમાં વિષ્ણુપ્રસાદને શ્રદ્ધા નથી એ સંદર્ભે સુરેશ જોષી સૂચવે છે કે, ‘કાવ્યના વિષયોની સંકીર્ણતા કે વિસ્તીર્ણતા, પ્રાસંગિકતા કે કાવ્યનિરપેક્ષતા મહત્ત્વની વસ્તુ નથી. આખરે તો કવિએ સ્વીકારેલા ઉપાદાનમાંથી કાવ્ય નીપજી આવે છે કે નહિ તે જ જોવાનું રહે છે.’ સાથે સાથે એ વખતે પ્રચારમાં આવેલા અછાંદસ કે ગદ્યકવિતાને લક્ષમાં રાખી ચોખવટ કરે છે કે ગદ્ય એ કવિના હાથમાં સગવડભર્યું સાધન નથી બનતું. કવિ ગદ્યને વાપરવાની હામ ભીડે ત્યારે અંદરનો કોઈક મોટા પડકારને ઝીલવાને એ કટિબદ્ધ થતો હોય છે. આ અને આવી અનેક પ્રતિક્રિયાઓ બતાવે છે કે સુરેશ જોષીએ સર્જનકર્મને હંમેશાં એક સાહસ કે પડકારરૂપે સ્વીકાર્યું છે. આ પછી ગુજરાતી નવલકથા વિશે વિષ્ણુપ્રસાદને ઉગ્ર અસંતોષ નથી એ સામે સુરેશ જોષીએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. નવલકથાઓનું મૂલ્ય એમાં આવતા સામાજિક વિવેચનને કારણે સુરેશ જોષી કબૂલ કરતા નથી અને વાસ્તવિકતાનો વ્યવસ્થિત અર્થ કરી આપે છે. પોતે વાસ્તવિકતા અને યાથાર્થ્યને અલગ કરે છે તેમજ વાસ્તવિકતાને પાછળ મૂકીને સત્યને કપોલકલ્પિતના ક્ષેત્રમાંથી પણ શોધી લાવવાના દુઃસાહસને ચીંધે છે. વિષ્ણુપ્રસાદે કવિતા અને ટૂંકી વાર્તાને પ્રયોગને નામે બહુ હાણ થશે એવી ભીતિ વ્યક્તિ કરેલી એનો પ્રત્યુત્તર વાળતા સુરેશ જોષી કહે છે કે, ‘પ્રયોગ નહીં થાય તો જે હાણ થશે તેને મુકાબલે આ પ્રયોગોથી થતી હાણ કશી વિસાતમાં નથી.’ અહીં પ્રયોગભીરુ પરંપરાવાદિતા સામે પરંપરાને અતિક્રમી જતી આધુનિકતાનો પ્રતિકાર જોઈ શકાય છે. આ પછી સાહિત્યની સાથે અન્ય કલાઓને સાંકળીને વિષ્ણુપ્રસાદે પ્રયોગોને કેવળ ‘ધ્યાન ખેંચવા'ને માટેનો વિધિ કહીને ઓળખાવ્યા ત્યાં સુધી એમની અનુદારતા સહ્ય છે, પણ સુરેશ જોષીના ‘કિંચિત્’ને અનુલક્ષીને કલાઓ સ્વકીય કિંચિત્ પ્રગટ કરવાનો નવો વિધિ અખત્યાર કરે છે એવા મંતવ્ય તરફ જઈને ‘કિંચિત્’ને અવતરણમાં મૂકી જે સંદર્ભ રચે છે તે અસહ્ય છે. સુરેશ જોષી આ સામે સર્જકમાત્રને સ્વકીય કિંચિત્ પ્રગટ કરવાનો જન્મસિદ્ધ હક છે એવું તારસ્વરે ઉચ્ચારે છે ખરા, પરંતુ આખા લેખમાં આ સ્થાને તટસ્થતા ગુમાવી સુરેશ જોષી વધુ પડતા આળા થઈ ગયા હોવાનું પ્રગટી કરી દે છે. એટલે જ ‘આ કિંચિતને અવતરણચિહ્નોની સાણસાપકડમાં જકડીને કેવું મસળી નાખ્યું છે ?’ જેવો ઉદ્ગાર કરી બેસે છે. પરંતુ ફરી પાછી સ્વસ્થતા સાથે સુરેશ જોષી સૌન્દર્યની સંકીર્ણ વ્યાખ્યા અનુભવવિશ્વના મોટા એવા ખંડનો નિષેધ કરે છે, એની ભૂમિકાને સમજાવતા આગળ વધે છે અને વિષ્ણુપ્રસાદે ભારપૂર્વક જે નવી પ્રયોગશીલ કવિતામાં ‘કવિતાના વ્યાપારનું દર્શન થાય છે, કવિતાનું નહિં’ એવી ફરિયાદ કરી છે એનો પૂરી સિદ્ધાન્તનિષ્ઠાથી પ્રતિકાર કરી પ્રેરણાની સામે પ્રક્રિયા અંગેના વાલેરી-આદર્શનું પ્રસ્થાપન કરે છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાએ પ્રવેશ કર્યા પછી એના પગ સ્થિર કરવા માંડ્યા હોય ત્યારે ૧૯૬૧માં વિષ્ણુપ્રસાદ ક્રોચે, ક્રોલિંગ વૂડની વિચારણા સાથે ચિત્તની અંદર પુદ્ગલ બંધાઈ જાય અને તો જ તે વાહનમાં યથાવત્ ઊતરે એવી કલાવિભાવના ધરે, એ એમનો પ્રજ્ઞાપરાધ છે. સુરેશ જોષીએ વિસ્તારપૂર્વક આ અંગે માધ્યમની શક્યતાઓને તાગવાના પ્રયત્નોમાં સર્જકની શક્તિના મૌલિક આવિષ્કારને અવકાશ રહેલો છે એ વાતને સમર્થિત કરી છે અને આધુનિકતાની આ વિશેષ ભૂમિકાને ઉદ્ઘાટિત કરી આપી છે. તેથીસ્તો ‘કવિ પાસે અનેકગણા શબ્દો હોય છે', એવા વિષ્ણુપ્રસાદના વિધાનને એ સાચું નથી એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી કવિ શબ્દોમાંથી અનેકવિધ શક્તિ ઉપજાવી શકે છે એ સત્યને માધ્યમની વિભાવનાના સંદર્ભમાં સ્પષ્ટપણે આગળ ધરી શક્યા છે. સુરેશ જોષીએ વિષ્ણુપ્રસાદના વ્યાખ્યાન માટે ‘દક્ષિણદૃષ્ટિ વિવેચન ?’ એવો પ્રશ્નાર્થ કર્યો છે અને એને પોતાના લેખના શીર્ષકમાં સમાવ્યો છે. ‘દક્ષિણદૃષ્ટિ’ શબ્દ પણ વિષ્ણુપ્રસાદના વ્યાખ્યાનમાંથી લીધેલો છે. વિષ્ણુપ્રસાદને વિવેચનવ્યવહારમાં બીજા વ્યવહારમાં હોય છે તેવી સમતા અને દક્ષિણદૃષ્ટિ અપેક્ષિત છે. પરંતુ વિષ્ણુપ્રસાદ પોતે જ સમતા અને દક્ષિણદૃષ્ટિ જાળવી શક્યા નથી એવો સંદર્ભ સુરેશ જોષીએ શીર્ષકના કાકુ દ્વારા ઊભો કર્યો છે. ટૂંકમાં, ૧૯૬૨ના સુરેશ જોષીના આ લેખમાં પડેલા બીજરૂપ વિચારો પાછળથી જે વિકાસ પામ્યા. એનો અહીં સારો પરિચય સાંપડે છે.

***