સોરઠ, તારાં વહેતાં પાણી/૩૩. અમલદારની પત્ની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૩. અમલદારની પત્ની

લખમણ બહારવટિયાનો અંજામ પિનાકીએ આગગાડીમાં જ જાણી લીધો. ‘મામી’ પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી. ડુંગરામાં બનેલો મામલો મુસાફરોની જીભ ઉપર રમતો હતો. “પણ આ તો ગોરા બે સાહેબોની જવાંમર્દી, હો ભાઈ!” એક મુસાફર કહેતો: “દેશી અમલદાર તો, કે’ છે કે, ડરીને પૂજામાં બેસી ગિયો’તો!” પિનાકીને ફાળ પડી: મોટાબાપુજીની વાત તો નથી થતી ને? મોટાબાપુજી કદી ડરે? “ગોરાનાં કશાં જ પરાક્રમ નો’તાં, ભાઈ!” એક ડોશીએ સમજ પાડી: “અફીણ ભેળવીને લાડવા ખવાર્યા લાડવા! મીણો ચડ્યો ને બહારવટિયા મૂવા.” ‘અરર! મોટાબાપુજીએ આવો કાળો કામો કર્યો હશે?’ પિનાકીનો આત્મા વલોવાયો. મુસાફરોની વાતો આગળ ચાલી. “ને કાળાં કામાંની ખરી કરનારી ઓલી વેરાગણ ઉપર તો હવે શી શી નહિ થાય? જનમટીપ દેશે.” “તો વળી પાછી એ જોગટી ત્યાંથી જેલ તોડશે.” “એને ફાંસી કાં નથી દેતા?” “એને ફાંસી નયે દિયે. કેને ખબર, કદાચ એના પેટમાં તો લૂંટારાનું ઓધાન હોય.” “કાળી નાગણી છે, હો ભાઈ! એક જુવાન આવ્યો એને ઈશક કરવા, એને બંદૂકે દીધો ઈ સાપણે.” “ઈ બધું જ હવે એના મુકડદમામાં નીકળશે.” મુકદ્દમો ચાલશે એવું જાણીને પિનાકીને હોશ આવ્યા. ‘મામી’નો મેળાપ થવાનું ઠેકાણું સાંપડ્યું. મામી બહારવટાની આગમાં ભૂંજાઈને કોણ જાણે કેવીય થઈ ગઈ હશે. એનાં દેવતાઈ શીલ ઉપર બદનામી ચડાવનાર લોકો કેટલાં બધાં દોષિત હતાં! એક બસો વીઘા ગૌચરની જમીનમાંથી આ વિનાશ જાગ્યો, કેટલાં જીવતરો રોળાયાં! ને મામીને પણ શી વીતી ને શી વીતવી બાકી હશે! ઘેર પહોંચીને એણે મોટાબાપુજી વિષે તપાસ કરી. કોઈ ન કહી શક્યું કે બહારવટિયા પરની ચડાઈમાં એ શા માટે શામિલ ન થયા. એટલું જ જાણ્યું કે સાહેબના તોછડા બોલ ન સહેવાયાથી એમણે કીરીચ-પટો છોડી દીધાં છે ને સાહેબોને મટન ન મળી શકવાને કારણે એમની ફોજદારી તૂટી છે. મોટીબાની આંખોમાં દિનરાત આંસુ દડતાં રહ્યાં. અંબાજીની છબી પાસે અખંડ દીવા બાળતી એ સ્ત્રી બેઠી રહી. એણે ઉપવાસો આદર્યા. બેઠીબેઠી એ બોલતી હતી કે ‘અંબાજી મા, તમારા દીવાનાં દર્શન કરીને તો એ ગયા’તા. એની નીતિનું પાણી પણ મરે નહિ. એ તો સાવજ સરીખા છે, ડરીને ભાગે નહિ. નક્કી આમાં કશોક ભેદ છે. તમારી તો મને પૂરી આસ્થા છે, મા! તમે અમારું અકલ્યાણ કદાપિ ન થવા દો’. દરમિયાન તો મહીપતરામને પાછા આવવાનું ફરમાન ગયું હતું. પોતાની ગફલતનો જવાબ આપવા એ હાજર થયા. રાતના ત્રણ વાગ્યાની ગાડીમાં એ આવ્યા. આવીને પહેલી ભેટ એણે જાગરણ ખેંચતી પત્નીની કરી. એણે કબૂલ કર્યું: “તારાં અંબાજીમાએ આપણી રક્ષા કરી છે.” “બધું જૂઠું?” “ના, બધું સાચું, ને કાલે તો રસ્તે પડવાનું થશે. પણ મને બીજા ધણીની નોકરી જડી ગઈ છે.” “કોની?” “પ્રભુની. એણે મારી ચાકરી ન નોંધી હોત તો હું મારે પોતાને જોરે થોડી જ આ ટક્કર ઝીલી શક્યો હોત?” પત્ની ચૂપ રહી. ધણીના નૈતિક વિજયનું મૂલ્ય એને ન સમજાયું, અંબાજી માનું સત ક્યાં ગયું? ઘીના દીવા શું ફોગટ ગયા? વાટ્યો વણી-વણી શું હથેળી અને સાથળ નાહક ઘસ્યાં? પતિએ કોઈક દૈવી અવસર જતો કર્યો છે, એવું આ સ્ત્રીને લાગ્યું: “જગતમાં આવડી બધી નીતિ અને સચ્ચાઈ પાળવાની શી જરૂર હતી? એવી સાચુકલાઈને આવતી કાલે કોઈ કરતાં કોઈ વખાણવાનું નથી. બધા તમને વેવલા ગણશે. કોઈ પાઘડી નહિ બંધાવે!” “તું પણ નહિ?” મહીપતરામે હસીને પૂછ્યું. “હું પણ જગત માયલી જ એક છું ને? તમારું મોઢું જગતને વિશે ઊજળું રહે એ જ મને તો ગમે ને! કાલ સવારે તો અહીં ચારચાર ઓર્ડરલી પોલીસમાંથી એકેય નહિ હોય. કાલે અહીં સિપાઈઓની બાયડીઓ બેસવા નહિ આવે, સેવપાપડ વણાવવા નહિ આવે, મારા કેરીનાં અથાણાં કરાવવા પણ નહિ આવે.” “આપણે અહીં રહેશું જ નહિ ને?” પતિએ ખળભળી પડેલી પત્નીના કાનની બૂટો પંપાળી. “આપણી ઊતરતી અવસ્થા બગડી. હવે જ્યાં જશું ત્યાં નામોશી પણ ભેળી ને ભેળી જ માથા પર ભમશે. મારો ભાણો હવે ઠેકાણે પણ ઝટ નહિ પડે.” ધણીની સંસારી ચડતીમાં જ જેના હૈયાની તમામ મહત્ત્વાકાંક્ષા અને અભિલાષાઓ સમાપ્ત થતી હતી, ધણીના નોકરી-જીવનની બહાર જેને કોઈ પણ જાતનું નિરાળું જીવન નહોતું, જીવનના કોડ નહોતા, આશા-નિરાશા નહોતી, ઓઢવા-પહેરવાના કે માણવાના મનોરથ નહોતા, અક્કલ નહોતી, નજર નહોતી, વાંછના નહોતી, હર ઉનાળે કેરીનું ‘સોના જેવું પીળું ધમરક’ અથાણું ભરવું અને સિપાઈઓની ઓરતોને વાટકી વાટકી ભરી એ અથાણું ચાખવા આપવું એ ઉપરાંત જેને કોઈ વર્ષોત્સવ નહોતો, અને ધણીના ઢોલિયામાંથી રોજ રોજ માકડ વીણવાની તેમ જ ધોયેલી ચાદર બિછાવવા માટે ઓર્ડરલી જોડે લમણાઝીક કરવાની જેને આદત પડી હતી — તેવી સ્ત્રી પતિની ‘હાકેમી’ના આવા ધ્વંસની નૈતિક બાજુ ન જોઈ શકે તેમાં નવાઈ નહોતી. સવાર પડવાને હજુ તો વાર હતી, પણ પત્નીએ પથારી છોડી હતી: તે વખતે પિનાકી આવીને મોટાબાપુને ઢોલિયે બેઠો. એના હૈયામાં ઉમળકા સમાતા નહોતા. મોટાબાપુજીનાં નસ્કોરાં કોઈ ‘શન્ટિંગ’ કરતા એન્જિનનો આભાસ આપતાં હતાં. એ શન્ટિંગ જરાક બંધ પડતાં જ પિનાકી મોટાબાપુજીના પડખામાં બેઠો. નાનપણની એ ટેવ હજુ છૂટી નહોતી. “કેમ ભાણા? ક્યારે આવ્યો?” મોટાબાપુજીએ ભાણેજના બરડા ઉપર હાથ પસાર્યો. જુવાનીએ ગૂંથવા માંડેલા ગઠ્ઠા અને પેશીઓ ભાણેજના ખભા ને પીઠ ઉપરથી વીણી શકાય તેટલાં ઘાટીલાં લાગ્યાં. “બાપુજી,” પિનાકીએ પૂછ્યું: “બહારવટિયાને અફીણ તમે તો નથી ખવરાવ્યું ને?” “ના, બેટા.” “તો ઠીક; મેં માન્યું જ નહોતું.” “ત્યારે તું તો મારી ભેરે છો ને?” “કેમ નહિ?” “તારી ડોશી તો મોં વાળવા બેઠી છે.” “હું એની સામે સત્યાગ્રહ કરીશ.” “શું કરીશ?” “સત્યાગ્રહ.” “એટલે?” “હું ઘી-દૂધ ખાવું બંધ કરીશ.” “આ કોણે શીખવ્યું?” “ગાંધીજીએ.” “એ ઠીક. ગાંધીજી હજુ તો ચાલ્યા આવે છે ત્યાં છોકરાંને બગાડવાય લાગી પડ્યા!” પિનાકીને ઓછું આવ્યું. ગાંધીજીના આવવાની સાથે જ દેશમાં નવી લહરીઓ વાઈ હતી. ‘સત્યાગ્રહ’ શબ્દ ઘરઘરને ઉંબરે આફળતો થયો હતો. પ્રત્યેક ઘરમાં એકાદ છોકરો તો મૂંડાતો હતો. કોઈ પણ વાતમાં પોતાનું ધાર્યું ન થતાં અગાઉ છોકરાં રિસાતાં, તેને બદલે હવે ઘી-દૂધ ત્યજતાં ને કાં ઉપવાસ કરતાં. ‘સત્યાગ્રહ’ એ ‘રિસામણા’નું નવું સંસ્કાર-નામ બન્યું હતું. મોટીબા સાંભળી ગયાં. એ ભેંસની ગમાણમાંથી જ આવતાં હતાં. એણે કહ્યું: “તારે ઘી-દૂધનો સત્યાગ્રહ કરવો જ નહિ પડે. આપોઆપ થશે.” “કેમ?” ઊઠેલા મહીપતરામે પૂછ્યું. “મારી મોરલા જેવી ભેંસ તો જશે ને?” “લે બેસબેસ, ઘેલી!” મહીપતરામે જવાબ આપ્યો: “આમાંથી એક પણ ઢોર વેચવાનું નથી. એ ભેંસ, બેઉ ગાયો અને મારી ઘોડી — ચાર જીવ મારા ઘરમાં પહેલાં; ને પછી તું, ભાણો પણ પછી. ખબર છે?” “ચારનાં પેટ ક્યાંથી ભરશો?” “ચોરી કરીને! તારે તેનું કાંઈ કામ?” “ખરે ટાણે તો મોટા સાધુ પુરુષ થવા બેઠા, ને હવે ઢોરોને માટે ચોરી કરવા નીકળશો! જોયા ન હોય તો!”