સોરઠ, તારાં વહેતાં પાણી/૪૫. ઉજળિયાતોનાં રુદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૫. ઉજળિયાતોનાં રુદન

પિનાકી પ્રભાતે પાછો રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતાં, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શકતા નહોતા. ગવલણ ‘આવ! આવ! બા...પો! બા...પો! આ લે! આ લે!’ એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી. “કેમ, મોટીબા! આ શું?” પિનાકીએ પૂછ્યું. “ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા!” મોટીબાનું બોખું મોં જાણે ડાકલી બજાવતું હતું. “કોઈ જાતની ચિંતા ન કરજો, બા!” ગવલણે કહ્યું: “મારે ઘેર એક ગાદલા ને ખાટલા સિવાય આ ગાય સારું બધી જ વાતની જોગવાઈ છે. કોઈ વાતે તમારી ગાયને હું દુ:ખી નહિ થવા દઉં.” “એ તો હું પાછી આઠ-આઠ દા’ડે જઈને જોઈ આવીશ ને, બેટા!” મોટીબાએ પિનાકીનું મોં પડી ગયેલું જોઈ દિલાસો દીધો. “ને તમે મારું જ દૂધ બંધાવજો ને, બા; એટલે ભાઈને દૂધ પણ ઈની ઈ જ ગા’નું ખાવું ભાવે.” ગવલણે પણ ભાણાની ઊર્મિઓ ઓળખી લીધી. “ભલે ભલે; જાવ, માતાજી! હવે સુખેથી જાવ!” એમ કહીને મોટીબાએ ગાયને થાબડ મારી. પણ ગાય ન ખસી. કપાસિયાની સૂંડીમાં એણે મોઢું પણ ન નાખ્યું. આખરે ગવલણે જ્યારે એક મહિનાની નાની વાછડીને હાથમાં ઉઠાવી તેડી લીધી, ત્યારે પછી ગાય ‘ભાં-ભાં’ કરતી પછવાડે ચાલી ગઈ. ઘરમાં બેસીને પિનાકીએ નાના બાળકની માફક રડવા માંડ્યું. એણે પોકો મૂકી. મોટાબાપુજી ગયા, એની પોતાની બા પણ ગઈ, ઘોડી ગઈ — તેમાંના કોઈ પણ પ્રસંગે એને એટલું નહોતું લાગ્યું — જેટલું આજ ગાય જતાં લાગ્યું. “એલા, આ ભેંકડા કોણ તાણે છે?” કરતો એક પાડોશી ખેડૂત ખંપાળી લઈને ખડકીએ ડોકાયો. એ ગાડામાં બહારનો ઉકરડો ભરતો હતો. એણે મોંએ મોહરિયું બાંધી લીધું હતું. એનાં ફાટેલાં કપડાં વાંદરાંને શરીરે રૂછાં હોય છે તેના કરતાં જરી પણ વધુ રક્ષણ શરીરને આપતાં નહોતાં. “કેમ રોવો છો, ભાઈ? કોણ — કોઈ...” ખેડૂતને કોઈક સગુંવહાલું મરી ગયું હોવાનો વહેમ આવ્યો, કેમકે તે સિવાયનો કોઈ જીવન-પ્રસંગ ખેડૂતને રોવા જેટલો વિસામો આપતો નથી. “ના રે, નરસીંભાઈ,” મોટીબા પણ ભીની પાંપણે જ બોલ્યાં: “એ તો ગાય વેચી ખરી ને, તે... એમ કે ભાણાને ગાય જરા વા’લી હતી.” “ઓય ભાણોભાઈ!” ખેડૂતને આ ઉજળિયાત આપત્તિમાં રમૂજ જ લાગી. “સગી બાયડી અને છોકરાં વેચી નાખનારાને કે’ દી જોયાં કે સાંભળ્યાં નથી લાગતાં! રોવે જ ને!” ભણેલા પિનાકીને આ ચીંથરેહાલ માણસની મશ્કરી લજ્જાસ્પદ લાગી. બાયડી અને છોકરાંના વેચાણની કોઈક પરીકથા સાંભળવા એના કાન ઊંચા થયા. “શું કહો છો, નરસીંભાઈ?” મોટીબાએ વાત કઢાવવાનું બહાનું ઊભું કર્યું. એનો શોકનો કાળો સાડલો આગમાંથી સળગીને ઊભી થયેલ સ્ત્રીના શરીરની ખોળ સરખો લાગતો હતો. કણબીએ લાંબા હાથ કરીકરીને કહ્યું: “શું કહો છો શું? આ પરમ દા’ડે જ અમારા દેવરાજિયાની બાયડીને ઉપાડીને કબાલાવાળા સંધીઓ હાલ્યા ગયા. ને મારી જ દસ વરસની છોકરીને વીરચંદ શેઠના મારી કનેના લેણા પેટે શેઠને ઘેર મારે મૂકવી પડી છે. મળવા જાઉં છું તો મોઢુંય જોવા નથી પામતો.” “કેમ?” “શેઠાણી કામમાંથી માથું ઊંચું કરવા જ દીયે નહિ. મારો છોકરો માંદો હતો ત્યારેય ન મોકલી ને!” એમ કહેતાં કહેતાં નરસી પટેલે પોતાના કાંડા વતી નાકનાં પાણી લાંબે લસરકે લૂછ્યાં. પિનાકી જોતો હતો કે આવી વાતો કરનાર માણસના કંઠમાં કોઈ વેદનાનો ઝંકાર પણ નહોતો: એ જાણે મેથી અને રીંગણાંની વાતો કરતો હતો. “છોકરી ગજાદાર છે?” મોટીબાએ પૂછ્યું. “ગજાદાર તો ક્યાંથી હોય? એની માને મૂએ ને મારી ભેંશને મૂએ આજે પાંચ વરસ થયાં. પણ દસ વરસની છોકરી ગજાદાર હોય કે ન હોય, કાંઈ નાની કહેવાય, બા? એનો સાસરો રાડ્યેરાડ્યું દીયે છે, કે ઝટ વિવા કર! ઝટ વિવા કર!” “વિવા? અત્યારથી?” “તયેં નહિ? એમાં એના સાસરાનોય શું વાંક? દસ વરસની વહુ ઘરમાં હોય તો રોટલા તો ટીપ્યા કરે ને! વાસીદાં-બાસીદાંય કરવા લાગે ને! એની બચાડાની દૂબળી ખેડ્યમાં દસ વરસની વહુ સો રૂપિયા બચાવી દીયે ને! પણ આંહીંથી એને વીરચંદ વાણિયો શેનો છોડે? એને છોડાવું તો વીરચંદ લેણું વસૂલ કરવા કોરટે ધ્રોડે. દ:ખ કાંઈ થોડાં છે?” એમ બોલીને ખેડૂત હસ્યો. પિનાકીના સ્થિર બનેલા મોં પરથી આંસુ સુકાઈને લપેડા રહ્યા હતા. વહાલી ગાયની જુદાઈ એને સતાવતી ઓછી થઈ હતી, કેમકે એણે વહાલી વહુ-દીકરીઓનાં વેચાણોની કથા સાંભળી. એવી કથાનો કહેનારો ઊલટાનો હસતો હસતો પાછો ચાલ્યો ગયો. એની વેદના ઉકરડાની ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ.