સોરઠ, તારાં વહેતાં પાણી/૪૭. એક જ દીવાસળી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૭. એક જ દીવાસળી?

બીજી જ પલ — અને આખું દંગલ જ્યુબિલી બાગના કોનોટ હોલને દરવાજે આવી પહોંચ્યું. પોલીસના હાથમાંથી વછૂટીને પંદર-વીસ ગામડિયા હોલની અંદર ધસારો કરતા હતા. તમામ સભાજનો — એજન્ટ સાહેબ સુધ્ધાં — ખડાં થઈ ગયાં, અને એ ગામડિયાની કાગારોળ મચી રહી. સ્પષ્ટ અવાજો પણ સંભળાયા: “ગરીબપરવર! અમને મોકલ્યા તે ટાણે અમારા ખોળામાં ખજૂર નાખ્યો! ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું?” “ક્યા હય?” કોઈ તોતિંગ ઝાડને વેરતા કરવત જેવો અવાજ કાઢતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા: “ક્યા, હુલ્લડ મચાના હય? કોન હય?” “ગરીબપરવર!” એ વીસ માણસોનો આગેવાન ફાટેલાં ખાખી કપડાં પહેરીને ટટાર ઊભો રહ્યો. બાંયના લબડતા ચીરાને ઝુલાવતો એનો જમણો હાથ તાજી શીખેલી લશ્કરી સલામીની છટાથી લમણા પર મુકાયો, ને એણે કહ્યું: “ગરીબપરવર! અમે તમને જ ગોતીએ છીએ. આ તે સરકારને થઈ શું ગયું? અમને બસરે મોકલ્યા તયેં અમે સરકારના લાડકા દીકરા હતા, ને આજ પાછા ત્યાંથી અમને કોઈ ચોર-લબાડની જેમ ધકેલી શા માટે મૂક્યા? શ્યા વાસ્તે અમારી આંહીં કોઈ સાર નથ લેતું? આ ત્રણ-ત્રણ મહિનાનાં અમારાં પેન્શન પણ કેમ અટકીને ઊભાં છે?” પાગલની પેઠે એ બોલતો રહ્યો, ને એજન્ટ સાહેબ, દરબાર સાહેબો, અન્ય સભાસદો વગેરેને પોલીસે પાછલે બારણેથી પસાર કરી દીધા. “અચ્ચા! અચ્ચા! બાબાલોગ!” ગોરો હાકેમ પ્રલાપને રૂંધતો એકલો ઊભો. “ટુમ કીડરસે આટે હો?” “આપણે ગામથી, સા’બ; વિક્રમપુરથી. અમને ન ઓળખ્યા? હું વીરમ, આ ભાણો, પેથો...” બોલનાર આગેવાને ઓળખાણ કરાવવાનો પ્રયત્ન માંડ્યો. ગોરા હાકેમે પોતાની આજુબાજુ જોયું. ડાબી બાજુ જરા દૂર સુરેન્દ્રદેવજીને ઊભેલા જોયા. પોતાના હાથ વચ્ચે સુરેન્દ્રદેવની ગરદન ચીપીને કેરીના છોતરાની માફક ફગાવી દેવાનું એને દિલ થયું. પણ એણે મિજાજને મ્યાન રાખ્યો. એણે પેલાઓને કહ્યું: “બાબાલોગ, ઉપર ચલો! હમારે પાસ આઓ! અપને ગામ ચલો. ઈડર ગરબડ મટ મચાવો.” એમ કહીને એ બહાર ચાલી ગયા, ત્યારે સુરેન્દ્રદેવજીએ પેલા ચીંથરેહાલ વીસ ખાખી પોશાકધારીઓ પ્રત્યે હાથ જોડીને કહ્યું: “કાઠિયાવાડી બહાદુરો, મારે તમારાં જ દર્શન કરવાં હતાં.” ચાલ્યા જતા ગોરાને કાને એ વાક્ય પહોંચી શકે તેટલી કાળજી તો સુરેન્દ્રદેવના કંઠે ઈરાદાપૂર્વક રાખી જ હોવી જોઈએ, કેમકે ગોરા હાકેમે એક વાર પછવાડે જોયું. “અરે, મશ્કરી કાં કરો, બાપુ?” વીસ જણામાંથી એક જુવાનના એ શબ્દોમાં કચવાટના સૂર હતા: “અમે જાણી લીધું છે કે હવે તો અમે કાળમુખા બની ગયા.” “અમને ગાડીએ ને આગબોટુંમાં બેસાર્યા’તા તે દી જોવા આવવું’તું ને, ભાઈ મારા!” બીજાએ પણ મિજાજ ખોયો. “હાલો હાલો હવે પાછા.” ત્રીજાએ પોતાની સામેના ખંડમાં સૂનકાર જોઈ કહ્યું: “આંહીં કોની પાસે — આ મૂએલા દાઢિયાળાની છબીયુંની પાસે રાવ કરો છો?” સહુનું ધ્યાન ગયું. સોરઠના જૂના રાજાઓની છબીઓ ત્યાં પ્રેતો જેવી ચોંટી હતી. આખું સભાગૃહ ખાલી હતું. પટાવાળો ઝાડુ કાઢતો હતો. “ના ના, બેસો ને!” એક પહેરેગીર પોલીસે આંખના ખૂણા તીરછા કર્યા. “તમને સહુને મોકલ્યા હોત તો ખબર પડત કે આવાં વેણ અમારાં હૈયાંમાં કેવાં ખૂંચતાં હશે.” આગેવાનનો આટલો ઠપકો પોલીસ પર ઝડપી અસર કરી ગયો. પોલીસનું મોં ઝંખાયું. પેલા વીસમાંથી એકે ઉમેર્યું: “તમે ને અમે — સૌ ભોળા ભોટ છીએ, સૌ ગામડિયા! ચડાઉ ધનેડાં! કોઈક વાંસો થાબડે ત્યાં તો કટકા થઈ જવા તૈયાર!” “સાચું કહ્યું.” પોલીસને પોતાને વિષે પણ પોરસ ચડ્યો. “લ્યો, બીડી પીશો?” વીસ રંગરૂટો માંયલા એકે પોતાના ખાખી સાફામાંથી એક થોકડી બીડીની કાઢીને પોલીસની સામે ધરી. પોલીસ એ બીડી લઈ શક્યો નહિ. એણે પા જ કલાક પર આ જ જુવાનને દરવાજામાં દાખલ થતો રોકતાં રોકતાં પોતે ચાબુક ફટકાવ્યો હતો. ચાબુકની શેડ્ય ઓચિંતી એના ગાલ ઉપર ચોટી ગઈ હતી. જુવાન જરા ગોરાવર્ણો હતો. એવા ઊજળા ગાલ ઉપર ચાબુકની શેડ્યનો ડાઘ લીલો કીડો જાણે કે ચામડી નીચે પેસી ગયો હોય તેવો દેખાતો હતો. “લ્યો લ્યો, પીવો પીવો; બસરાની બીડી છે.” જુવાને પોલીસને આગ્રહ કરીને બીડી આપી. પોતે જ દીવાસળી ઘસી. તેની એક જ જ્યોતમાંથી પોતે, એ પોલીસે ને બીજા ત્રણ-ચાર જણાએ બીડીઓ ચેતાવી લીધી. પોતાના શબ્દોથી દુભાયેલા આ રંગરૂટોને છોડી સુરેન્દ્રદેવજી થોડે દૂર ગયા હતા. બગીચાની ફૂલવેલીઓ પર હાથ ફેરવતા ફેરવતા એ હજુ આ લોકોને દૂરથી નીરખતા હતા. તેમણે આ લોકોને પોલીસની જોડે એક જ દીવાસળીની જ્યોતમાંથી બીડીઓ પેટાવતા જોયા ત્યારે એનું દિલ વિચારે ચડ્યું: આ નાનું અને રોજેરોજનું દૃશ્ય શું પોતાના હૈયામાં કોઈ આગાહી સંઘરી રહ્યું હતું? એક જ દીવાસળીએ બીડીઓ ચેતાય છે, તે શું ફક્ત બીડીઓ જ છે? હૈયાં પણ નથી ચેતાતાં? ઓ પેલા ખેડૂતો જ્યુબિલી જોવા નીકળ્યા. એ પણ, જુઓ, રંગરૂટોના જૂથની પાસે થંભ્યા. દીવાસળી માગી. ચલમો ચેતાવી. ચલમ એક પછી એક પંદર હાથમાં ફરી રહી છે. પ્રત્યેક મોં એ એકની એક નળીમાંથી કલેજામાં તમાકુના ધુમાડાની ફૂંકો ભરે છે. નાની એવી ચલમની ભૂંગળી આ સર્વની ઉપરછલી વિવિધતાને ભુલાવી અંદરનું એકપણું જગાવે છે. ધુમાડાની અક્કેક સટ તેમના ભેદોને ભૂંસે છે. જો જો: ચાબુક મારનારનો ચહેરો અને ચાબુકના ફટકા ઝીલનાર ચહેરો, અજાણ્યા બીજા બધા ચહેરા — સર્વ ચહેરા — પર એક જ જાતની રેખાઓ અંકાય છે; એક જ ધૂમ્રલેખા છવાય છે; એક જ લાગણીઓનું વાતાવરણ ગણાય છે. તેઓ કોણ જાણે શી વાતો કરતા હશે! એવાં ચિંતનોની નાવ આ એકલવિહારી દરબારને ભાવિના અસીમ સાગર પર રમાડતી ગઈ. સુરેન્દ્રદેવજી દરવાજા તરફ ચાલતા થયા. “કોણ છે આ ધોબો?” એક રંગરૂટે પૂછ્યું. પોલીસની એને હવે બીક નહોતી રહી. “વકીલ છે?” “દરબાર છે.” સિપાઈએ બસરાની બીડીઓનો અણધાર્યો લહાવ પેટ ભરીભરીને લેતેલેતે કહ્યું. “ઠેકડી કરવા આવ્યો’તો મામો!” “ના, ના; તમે જાણતા નથી. ઊંધી ખોપરી છે. સરકારને ગાંઠતો નથી.” “રાજા થઈને શીદ આવા ગામડિયા વેશ કાઢે છે? માનતો કાં નથી?” “રાજા ને રૈયત — એવા ભેદને એ માનતો નથી. સહુને સરખા ગણે છે.” “ગણ્યાંગણ્યાં સૌને સરખા! મારો બેટો મખીચૂસ હશે. મૂડી ભેળી કરતો હશે. અહીંથી મૂડી જમાવીને મારા દીકરા બધા વલ્યાતે જઈ વાડિયું ને બંગલાની જમાવટ કરી રિયા છે. ભાઈના સમ! અમને આગબોટમાં બધીય ખબરું પડી.” “પણ આમનું એવું નથી.” “ગરાસિયો છે ને? એનાં ઊડાં પેટ તમે ન સમજો.” બોલનાર જુવાન પોતાને બડો અનુભવી માનતો હતો. “લ્યો, હવે હાલોહાલો; ધાન ભેળા તો થાયેં.” એક ભૂખ્યા થયેલાએ યાદ કરાવ્યું. “જવાય નહિ;” પોલીસે કહ્યું: “હાલો, હોટલમાં ચા પિયે.” “પણ, ભાઈ, અમે ઝાઝા જણ છયેં.” “જેના રામ રાજી હોય તેને જ ઝાઝા જણ હોય. હાલો.” ખેંચીતાણીને પોલીસ આ પંદર-વીસ જણને હોટલમાં લઈ ગયો. ‘એકવીસ ડબલ કોપ’નો ઓર્ડર દીધો. પછી હજામત વિનાની પોતાની ઝીણીઝીણી વધેલી દાઢીને કાતરા મનાવવા માટે પોતે વારેવારે દાઢી ઉપર હાથ નાખવા લાગ્યો.