સોરઠ, તારાં વહેતાં પાણી/૪૮. વિધાતાએ ફેંકેલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૮. વિધાતાએ ફેંકેલો

“બહુ ખોટું કર્યું. આપ ઉતાવળિયા છો. આ લોકોને ઓળખતા નથી. કોના જોરે કૂદંકૂદા કરો છો?” આવા ઠપકા તે રાત્રિએ સુરેન્દ્રદેવજીના ઉતારાના ઉંબરામાંથી ઉપરાઉપરી શરૂ થયા. વકીલ મિત્રો તેમ જ અમલદાર સ્નેહીઓ પગરખાં ઉતારતાં ઉતારતાં જ એમના ઉપર વાક્યોની ઝડી વરસાવવા લાગ્યા. સૌની જોડે પોલીસના નાના ઉપરી સાહેબ પણ શિખામણ દેવા આવ્યા. સહુની વતી તેમણે કહ્યું: “આપને શું એમ લાગે છે કે અમે આંહીં બેઠેલા બધા દેશાભિમાનથી પરવારી ગયેલા છીએ?” “પણ શું છે આટલુ બધુ?” અનુસ્વારો વગરનાં ઉચ્ચારણોવાળું આ વાક્ય સુરેન્દ્રદેવજીના મોંના મલકાટની વચ્ચે મઢેલ કોઈ તસવીર જેવું લાગતું હતું. એમના મોંમાં હૂક્કાની રૂપેરી નળી હતી. “બીજું તો શું? તમે રાજદ્વારી બનવા સર્જાયેલ જ નથી.” એક વકીલે એમ કહીને એવો ભાવ મૂક્યો કે પોતાનામાં રાજનૈતિક ડહાપણ ભાવિના કોઈ મોકાની રાહ જોતું ભરાઈ બેઠું છે. “આમાં રાજદ્વારી લાયકી-નાલાયકીની વાત ક્યાં આવી?” સુરેન્દ્રદેવજીએ કહ્યું: “મારું તો લોહી ઊકળે છે એક જ વાત માટે કે વિધાતા મને આંહીં સોરઠમાં તેડી લાવેલ છે. તમારા લોકો અને ઈતિહાસકારો સોરઠી શૂરાતનોની વાતો લખે છે, પણ આ બહાદુરોને હાથમાં લેનાર કોઈ ક્યાં છે?” “તમે હાથમાં લેશો?” પોલીસ અધિકારીએ પૂછ્યું. “શા માટે નહિ? જુઓ, તમારાથી કશું અજાણ્યું નથી. તમે મારે ત્યાં આવીને આડીઅવળી, ત્રાંસી નજર કરો તે કરતાં તો હું જ તમને હમેશાં મારી પ્રવૃત્તિ ખુલાસાવાર કહેતો રહ્યો છું. હજુ પણ હું તમને વીનવું છું કે ત્રાંસી નજરે તમે મને પૂરેપૂરો નહિ જોઈ શકો: મને સામોસામ નિહાળો.” “પણ — અરે — આ—” પોલીસ-ઓફિસરે પોતાની સજ્જનતાનો પરપોટો ફૂટી જતો જોયો. “હું તમને પ્રહારો નથી કરતો. હું તમને પણ મારો સ્નેહી ગણી, એક કાઠિયાવાડી ગણી ઠપકો આપું છું કે મને સીધી નિગાહમાં નિહાળો. જુઓ, જામનગરની સીમના રાજરક્ષિત દીપડાને બથોબથ લડી મારનાર આ વખતુભા: જુઓ, એ મારી સામે જ બેઠો છે. એને દરબારે સીમનો દીપડો મારવાના અપરાધ બદલ દંડ્યો ને કેદમાં પૂર્યો. એ અત્યારે મારી પાસે આવેલ છે ને મેં અને મારી સીમમાં ખેડૂતોના ખેતરોની ચોકી કરવા રોકેલ છે. લખી લ્યો તમારી ડાયરીમાં, ને એનો ફોટો પણ પાડવો હોય તો પાડી લ્યો.” એ વખતુભા નામનો જુવાન એક ખૂણામાં ઊભો હતો. એના એક હાથના પંજા પર પાટો હતો. એ પંજાને દીપડો ચાવી ગયો હતો. “શાબાશ!” પોલીસ-અધિકારીએ વખતુભાની સામે જોઈ આંખો એકાગ્ર કરી: “તું ક્યાંનો છે, છોકરા?” “ક્યાંના છો તમે, વખતુભા?” સુરેન્દ્રદેવજીએ પોતાના તોછડા વાક્યને વિનયવંતું કરીને ઈરાદાપૂર્વક સુધાર્યું છે, તે વસ્તુ પોલીસ-અધિકારી જોઈ શક્યા. “સડોદરનો છું.” વખતુભાએ સુરેન્દ્રદેવજી સામે જોઈને જવાબ વાળ્યો. “અને ઓલ્યો રઘુવીર પણ આપને ત્યાં રહીને રસ્તે ચડી ગયો, હો!” પોલીસ-અધિકારીએ પોતાની ગરુડ-દૃષ્ટિ પુરવાર કરી. “શા માટે ન બને? એનો પૂર્વ-ઈતિહાસ હું પૂછતો નથી. કોઈ કહે છે કે એ સરકારી જાસૂસ છે ને કોઈના પ્રમાણે એ નાસી છૂટેલો રાજદ્રોહી જન્મટીપિયો છે. મેં તો એને ગામેગામ અખાડાની જ કામગીરી સોંપી છે. મારા ખેડૂતો એક વર્ષ પૂર્વે તમારા આવતા-જતા પોલીસોની વેઠ્ય કરતાં વટાવમાં ગાળો ખાતા. તેઓ આજે બળદનાં જોતર છોડી નાખીને જવાબ આપે છે. તે મારા આ રઘુવીરના પ્રતાપે.” “મને ખેદ એક જ વાતનો થાય છે,” પોલીસ-અધિકારી ચાલતી વાતને રેલગાડીના ડબાની માફક પાછલા પાટા પર ધકેલી નવી વાતનું વેગન મૂળ લાઈન પર ખેંચી લાવ્યા: “કે રાવસાહેબ મહીપતરામ નિરુપયોગી થઈને મૂઆ. તે જો આપના હાથમાં પડ્યા હોત તો તો પૂરાં એંશી વર્ષની આવરદા ભોગવીને જ જાત.” “હા, ઠીક સંભાર્યું. વખતુભા, સવારે આપણે રજવાડે જતાંજતાં મહીપતરામભાઈને ખોરડે થતા જવું છે, હોં કે! ભાણાની ખબર કાઢવી છે.” “હા જી.” “એ છોકરો પણ ઊંધી ખોપરીનો છે. આપ ઠેકાણે પાડશો તો પડશે.” પોલીસ-અધિકારી દિલસોજીના હોજ ઠાલવતા હતા. “જોઈ લેવાશે.” “આપના આખા તાલુકાને જ ‘ઊંધી ખોપરી એન્ડ કો.’નું નામ આપવા જેવું છે,” એક વકીલે કહ્યું. “મહીપતરામભાઈની પાસે અમારો પેલો મોપલો સિપાઈ દસ્તગીર હતો, તેને તો પછી આપે જ રાખી લીધો છે ને?” પોલીસ-અધિકારી જાણે કે કોઈના ખુશીખબર પૂછતા હતા. “હા; એની પાસે હતો ખોટા સિક્કા પાડવાનો કસબ, એટલે અમને એ કામ આવી ગયો.” “દરબારી ટંકશાળ તો શરૂ નથી કરી ને!” વકીલ-મિત્રે મર્મ કર્યો. “પૂછો ને આ સાહેબને!” સુરેન્દ્રદેવજીએ પોલીસ-અધિકારી તરફ આંખ નોંધી. “મને નહિ હોય તેટલી જાણ મારે ત્યાંની પ્રવૃતિઓ વિષે એમને તો હશે જ ને?” “મને આપ એટલો નીચ ગણો છો?” “ના, કાબેલ ગણું છું. એ કાબેલિયત આજે નીચ માણસોના હાથમાં પડી છે એટલું જ હું દુ:ખ પામું છું.” “એ દુ:ખનો અંત આપના આવા ઉધામાથી આવવાનો છે?” વકીલે પૂછ્યું. “મને તો મોટો ડર હવે પછીના મામલાનો લાગે છે.” પોલીસ-ઉપરીએ જાણીબૂઝીને એક પ્રસંગની યાદ કરાવી. “શો મામલો?” “વાઈસરોય સાહેબનો દરબાર.” “ને ભય શાનો?” “વાઈસરોયના દરબારમાં તો પધારવું પડશે જ ને!” “હા. આવીશું.” “કયા પોશાકમાં?” “બીજા કયા વળી? — જે પહેરું છું તે જ પોશાકમાં!” “સાંભળો!” પોલીસ-ઉપરીએ વકીલને એવી તરેહથી કહ્યું કે પોતાને અંતરમાં ઊંડું લાગી આવે છે. “ત્યારે શું ભવૈયાનો વેશ કાઢીને જાઉં દરબારમાં?” “અરે બાપુ!” વકીલે ટેબલ પર થપાટ લગાવીને કહ્યું: “રશિયાના લેનિને એના સાથીઓને હમણાં હમણાં શું કહ્યું છે, જાણો છો?” “શું?” “ઘાઘરા પહેરી જવું પડે ને, તોપણ જવું, બેલાશક જવું — જો એમ કર્યે આપણો અર્થ સરતો હોય તો!” “હા, એ એક વાત હવે બાકી રહી છે! વારુ! પણ અર્થ સરતો હોય તો ને? કયો અર્થ?” “આ સોરઠિયા શૂરવીરોની જમાત બાંધવાનો.” પોલીસ-ઉપરીએ કહ્યું: “આપનો તાલુકો હાથમાં હશે તો બધું જ કરી શકશો.” “તાલુકો! તાલુકો વળી હાથમાંથી ક્યાં જવાનો છે?” “રીતસરનો પોશાક પહેરીને દરબારમાં નહિ જાઓ તો તાલુકો જશે.” “એમ? એટલી બધી વાત?” “હા, મહેરબાન!” “પણ હું તો એક ખેડૂત છું, કહો કે મોટો ખેડૂત છું. ખેડૂતના પોશાક ખેડૂત ન પહેરે?” “ઠીક, હું તો એટલું જ કહું કે પહેલેથી લખી પુછાવજો, નીકર આપને દરવાજે રોકશે.” “વારુ! આવવા દો નિમંત્રણ.” “કાઠિયાવાડમાં આપ બે’ક વર્ષ વહેલા આવ્યા હોત?” “તો?” “તો ચારેક બહાદુરોની બૂરી વલે થતી રોકી શકાત.” “કોણ ચાર?” “આજે તો એમાંનું કોઈ હાથ આવે તેમ નથી. એક રૂખડ વાણિયો, બીજો સુમારિયો, ત્રીજો લખમણ પટગર, ને ચોથી રૂખડ શેઠની બાયડી.” “એ બાઈ તો જન્મટીપમાં છે ને?” “હા — એટલે કે જીવતે મુરદું.” “જોઈશું.” કહીને સુરેન્દ્રદેવજીએ કોઈક અંતરીક્ષમાં ગુણાકાર-ભાગાકાર કરનાર જ્યોતિષીના જેવો ચહેરો ધારણ કર્યો. એ ચહેરા ઉપર અંકાતી ને ભૂંસાતી એકેક રેખામાં પોલીસ-અધિકારી કશુંક પગેરું લેતો હતો. “મને બતાવ્યા પહેલાં કોઈ પણ જવાબ નથી લખી નાખવાનો, હો કે! સાફ કહી રાખું છું,” વકીલ-મિત્રે ઊઠતાં ઊઠતાં સુરેન્દ્રદેવજીનો હાથ ઝાલ્યો. “ને હું પણ ઉપયોગનો લાગું તો મને બેલાશક બોલાવજો, બાપુ.” પોલીસ-અધિકારીએ લશ્કરી સલામ કરી. “હવે એ પંચાત અત્યારથી શી કરવી? થશે જે થવું હશે તે!” કહીને સુરેન્દ્રદેવજીએ સ્નેહીઓને વિદાય આપી. એક ઢોલિયા પર ફક્ત ધડકી બિછાવીને જ સૂઈ જવાની ટેવ હતી તે પ્રમાણે એ સૂઈ ગયા. નાના બાળક જેવા એ પુરુષનાં પોપચાં પર નીંદર એક જ મિનિટમાં તો પોતાનાં સસલાં ચરાવવા લાગી.