સોરઠને તીરે તીરે/૧. ચાંચની ખાડીમાં
આગગાડી દરિયાકાંઠે ઉપાડી જઈ શકે તેટલા ઓછામાં ઓછા - એટલે કે અઢાર કલાકના ગાળામાં મન સાથે મહાસાગરની કડી પરોવવા હું મથી રહ્યો હતો. પ્રભાતે જ્યારે ગાડીના પાટા અટકીને ઊભા રહી ગયા ત્યારે પોર્ટ આલ્બર્ટ વિક્ટરના જુનવાણી બની ગયેલ બંદર ઉપર હું ઊભો હતો. મારી સામે લાંબી એક દરિયાપટ્ટી ખાડીને રૂપે પડી હતી. સામે કાંઠે ‘ચાંચ' નામનો એક ધરતીનો ફાંટો ડાબા હાથ તરફની ભૂમિમાંથી લીર છૂટી પડી ગઈ હોય તે રીતે બે ગાઉની લંબાઈમાં પડ્યો હતો. જાણે કે ચીભડું ફસકાઈ પડ્યું હોય, ને એક ચીર આખા ફળમાંથી અળગી બની હોય એવું એ દૃશ્ય છે. મોટા દરિયાનાં પાણી એક ગાઉ દૂરથી ઠલવાઈને આ લાંબી નળીમાં જ્યારે જુવાળ ચડાવે છે ત્યારે મહુવા, નવસારી, સૂરત અને મુંબઈ-મલબારનાં નાનાંમોટાં દેશી વહાણો અંદર ચાલ્યાં આવે છે. માતાના પેટ-શી સલામત ખાડી તે જહાજોને સમથળ નીરમાં સેરવતી સેરવતી, શ્રી મહાદેવ દેસાઈએ એક વાર લખેલું તેમ, હીરના દોરામાં મોતીડાં પરોવતી પરોવતી જાણે કે ધરતી-ખોળે ઉઠાવી આવે છે. દરિયા અને પૃથ્વીનાં આલિંગનોને દર પૂનમે અને અમાસે પોતાના હૈયા પર ઊજવતી આ ખારાની જમીનમાં શું શું દફનાયું છે? એક તો ત્રીસ વર્ષો ઉપર આંહીં મરણ પામેલ ભાવનગર રાજ્યના અંગ્રેજ ઈજનેર સીમ્સ સાહેબનું ક્લેવર, ને બીજું એ બાહોશ ઈજનેરનું મહાન સ્વપ્ન. એ સ્વપ્ન હતું અહીં વિદેશી મોટી આગબોટો અડોઅડ ઊભીને માલ ચડાવે-ઉતારે તેવું તરતું બારું બાંધીને જબ્બર એક શહેર જમાવી દેવાનું. એ ખારાની જીવલેણ આબોહવામાં સીમ્સ એક બંગલી બાંધીને વર્ષો સુધી કોઈ તપસ્વી ધૂણીપરની પેઠે પડ્યો રહ્યો. બંદર બાંધ્યું, ખાડી સુધરાવી, રેલના પાટા પથરાવ્યા. આંતરાષ્ટ્રીય વ્યાપારના એક ધીકતા બંદરની કલ્પના બાંધીને બે ગાઉના વિસ્તારમાં નગરની રૂપરેખા દોરી. એક દિવસ એ ખાડીને કિનારે એણે મોટી આગબોટ નાંગરાવી. અંદરથી એક અંગ્રેજને પરબાર્યો કિનારાના પ્લેટફૉર્મ પર પગ મેલાવીને ઉતાર્યો ને એને હાથે બંદરનું ખાતમુરત કરાવ્યું. એ અંગ્રેજ અતિથિનું નામ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર. ઈંગ્લંડના શહેનશાહ પંચમ જ્યૉર્જના એ કાકા થાય. તેના નામનું આ પોર્ટ આબ્લર્ટ વિક્ટર. પણ સીમ્સ સાહેબનું અકાલ મૃત્યુ થાય છે તે સાથે જ એના ભવ્ય સ્વપ્ન પર પડદો પડી જાય છે. એની કલ્પનાનગરી અત્યારે જાણે કે જમીનમાંથી ઊભી થતી થતી અવાચક થંભી ગઈ છે. સમયદેવે ભાવનગર બંદર પર પક્ષપાત વરસાવ્યો, અને સીમ્સ સાહેબની કાબેલિયતે તેમ જ દૂરંદેશીએ જેને આખા કાઠિયાવાડ-ગુજરાતની જોડે અનેક કરામતો વડે સાંકળી દીધું હોત ને છેક યુરોપના ઉંબરમાં મૂકી દીધું હોત, તે પોર્ટ આલ્બર્ટ વિક્ટર અત્યારે ફક્ત દેશી વહાણો પૂરતો જ, રાજુલાની ખાણોના ઘડેલા પથ્થરોનો તથા ચીરોડીનો કંઠાળી વ્યાપાર જોતું, લોકવાણીમાં ફક્ટ ‘પોટ' અથવા ‘પોટો' એવું જ મિતાક્ષરી ને અળખામણું નામ પામેલું ઊભું છે. કાળચક્રના આંટામાં ક્યાંયે કદાચ આ પોર્ટ આલ્બર્ટ વિક્ટરનાં તેજ-તકદીર નિર્માયાં હશે તો તે દિવસ સીમ્સ સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં સાંત્વન પામશે. અત્યારે તો એ ધણીનો રોટલો હક કરવા સારુ પોતાનો દેહ પાડનારા ખાનદાન અંગ્રેજ કાંઠાના લોક ખરા યાત્રિકોના ભાવથી યાદ કરે છે. સીમ્સ સાહેબની સ્વપ્નસૃષ્ટિના બે આવશેષોને હું નહીં ભૂલું: એક તો ચાંચના છેલ્લા બિન્દુની નજીક ખાડીના મુખદ્વાર ઉપર એકા ખડક પર ઉભેલ ‘કંદેલિયો’, ને બીજો બંદર પરનો પગી ઘૂઘો ખલાસી. એ ‘કંદેલિયો’ એટલે સીમ્સ સાહેબે ચણેલી અડીખમ ‘ઓબ્ઝરવેટરી’. “ઘૂઘા પગી, તમને કેટલાં વર્ષ થયાં?” “ઈણી મુંણે શી ખબર્ય, સા’બ? મુંણે કીં યે ઈયાદ નથી.” એ ચાળીસા વર્ષના દેખાતા હસતા માણસે જબાબ દીધો. “ઘૂઘા પગી, વીજળી આગબોટ ડૂબી ગઈ એ તમને યાદ છે?” “ઈ તો સાઈબા, હજી કાલુની જ વાત; ઈ તો સંધુંય મારી સાંભરણ્યમાં. વીજરીની તો ઈ અગિયારમી-બારમી ખેપ હતી. ઈનો કાપ્તાના હતો મશલમાન. ઈણું એકોય મડદુંય ક્યાંઈ ન જડ્યું, એકોય લૂગડૂં-ચીંથરુંય કાંઠે ના નીસર્યું. કારણ કે ઈણે તોફાનની વેરાએ તમામ ઉતારુંને ભંડકમાં ભેરાં કરી દઈ ભંડક બાર્યથી બંધ કરી દીધું’તું ઈમ બોલાય છે. આગબુટ ઈમ ને ઈમ તરિયે જઈ બેઠી. ઈ તો હજી હમણાંની વાત. “ સાચું, વીજળીનો કપ્તાન બિચારો ફકીરમહમ્મદ: પહેલો જ દેશી કપ્તાન: એટલે જ એને આગબોટ પાછી વાળવામાં નામોશી લાગી: એણે શું વિચાર્યું? ભાગું રે તો મારી ભોમકા લાજે, અલ્લા માથે ઈમાન: કાસમ તારી વીજળી! વીજળી રે મધદરિયે વેરણ થઈ. એ રાસડો મને યાદ આવ્યો. “ત્યારે હેં ઘૂઘા પગી, સીમ્સ સાહેબે આ બંદર બાંધ્યું તે તમને યાદ કે?” “ઈયાદ કીમ નઈ, સાબ! હું સીમ સાબની ભેરો જ હુતો ને!” “કેવી રીતે બંદર ખુલ્લું મૂકેલું, હેં ઘૂઘા પગી?” “ઈમ થ્યુ’તું, કે સીમ સાબે સંધુંય તીયાર ટપ્પે કરીને પછે ઠેઠ બંદરથી તે ગામ લગેં બે ગાઉમાં તંબૂ ખેંછાવી રાખેલા. તંબૂની હેઠથી રેલવાઈના પાટા. પછેં તખતસંગ મા’રાજ આવ્યા. સીમ સાબે બે મોટી શલ્યા ઘડાવી રાખી’તી. એક તખતસંગ મા’રાજના નામની ને બીજી ગોરાના નામની. રાતે તખતસંગ મા’રાજના નામની શલ્યા અધ્ધર ટાંગી મેલી’તી. સવારે તો પાયો નાખવાનો હતો. ઈમાં સવારે એકદમ સાબ કે’ કે પાણો બદલી નાખો. મા’રાજ ના નામનો પાણો ઝટ ઝટ છોડી નાખ્યો, ને ગોરાના નામનો પાણો બાંધી વાર્યો. તાં તો મોટી આગબુટ ખાડીમાં ધુંવાડા કાઢતી હાલી આવે છે. માંઈથી ગોરો કનારે ઊતરે છે. તંબૂમાં જાય છે. થોડી વાર થઈ તાં તો તંબૂમાં તારિયું પડી, ને જાહેર થયું કે બંદર પાસ! પછેં ગોરાએ દોરીએ હાથ દીધો, એટલે ખરરર ખટ ગરેડીમાંલો પાણો ખાડામાં ઊતરી ગ્યો. આમ હકીકત બણી'તી સાબ." મને સમજાવવામાં આવ્યું કે પ્રથમ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરનું પાયો રોપવા આવવાનું નક્કી નહોતું. એટલે એમને અભાવે મહારાજ તખ્તસિંહને હાથે પાયો રોપાવી શહેરને ‘તખ્તનગર' નામ આપવાનો સંકેત હતો; ને જો પ્રિન્સ છેલ્લી ઘડીએ પણ આવી પહોંચે તો ‘પોર્ટ આલ્બર્ટ વિક્ટર' નામ પાડવું ઠર્યું હતું. આ પથ્થર પર અમરત્વ અંકાવવાની માનવસહજ લોલુપતા! લોકો તો બાપટા ‘પોર્ટ આલ્બર્ટ વિક્ટર'નેય વીસર્યા, ‘તખ્તનગર' નામ પણ લોકમુખને ન ફાવ્યું! ઓછામાં ઓછું થૂંક ઉરાડવા અને બને તેટલા ઓછા લોચા વાળવા ટેવાયેલી લોક-જીભ આજે ફક્ત ‘પોટો' કે ‘પોર્ટ' કહી પતાવે છે. એ જ જીભ પોરબંદરને ‘પોર' કહે છે, બેટ શંખોદ્વારને ફક્ત ‘બેટ' નામે ઓળખે છે. પણ હું તો ઘૂઘા પગીની ઉંમ્મરનો અંદાજ કાઢી રહ્યો હતો "ઘૂઘા પગી! તમે મૂળથી જ નોકરી કરો છો કે દરિયાઈ ખેપો કરી છે?" "તયેં નઈં? મંબી ને મલબાર ને કાલકોટ (કાલીકટ)ની કૈંક ખેપું કરી છે મીંએ. આમ બસરા લગી જાઈ આવ્યો છું." આ રીતે અનેક ગણતરીઓ ગણતા ઘૂઘા પગીની અવસ્થાનો અંદાજ એંશી પર જાય છે. પણ ઘૂઘો હજુ ૪૦-૪૫ વર્ષનો. તરવરિયો અને અથાક જુવાન દીસે છે. એણ કહ્યું કે "ઈ સામો કળાય છે ને, ઈ કંદેલિયામાં તો સીમ સાબે કૈંક સંચા માંડેલા, દરિયાનાં આર-વીળ્ય (ભરતી-ઓટ), વાવડા, તોફાન, આભનાં લાખતર (નક્ષત્ર), વગેરે સંધીય બાબતુંના હિસાબ ન્યાં થાતા'તા. પછી તો સીમ સાબ મૂવા કેડે સંચા બધા ભાવનગર ભેરા કરી દીધા, ભાઈ!" વિશાળ મહાસાગરથી ખાડી રાણીને અંતરપટ કરી રહેલ ‘ચાંચ' નામની ભૂશિર પાઘડીપને દોઢ-બે ગાઉ લાંબી પડેલી છે. પક્ષીની લાંબી ચાંચના આકાર પરથી એનું નામ પડેલું છે. વિક્ટરની બાજુએ એનાં ખેતરવાડીઓ વાલોળની શિંગો અને રીંગણાંમૂળાનાં રસાળ મીઠાં શાકની સોડમો પાથરી રહેલ છે. ગામનાં ખોરડાં તો ગોઠવાયાં છે મોટા દરિયાની સન્મુખે. દિવસરાત પોતાની ધોળી કેશવાળી ખંખેરીને કિનારાના ઊંચા ભેડા સાથે ઝીંકાઝીંક કરી રહેલ એ ભૂખરો દરિયો ખારવાનાં બચ્ચાંને મોતનો ભય ભુલાવે છે. કાળાન્તરે કાળાન્તરે એ ભૂશિરના કાંઠામાં મોજાંની કોદાળીઓ મારી મારીને થોડાં થોડાં જબ્બર ગાબડાં પટકનાર આ સિંધુ ખારવાનાં બાળને જાણે કાળ-હાલરડાં ગાઈ ગાઈ ઉંઘાડે છે. કોઈ કોઈ વસ્તીના ખોરડા ઉપર તો મેંગલોરી નળિયાં દીપી રહ્યાં છે. ચાંચના ચોરાની પાસે કોડીબંધ પાળિયા ઊભા છે - જૂના તેમ જ નવા. "આ પાળિયા કોના?" "આ સાંઢ્યું માથે બેઠા એટલા રબારીયુંના, ને ઘોડે અસવાર એટલા અમારા કોળીયુંના." "રબારીઓની વસ્તી આંહી હતી?" "મોરૂકી હતી. ધરતી માથે જી વેળા બારવટિયાના ઘોડાં હાલતાં ને જંપવા ન દેતાં. ત્યારે રબારીઓએ માલ ઘોળીને આમાં આશરો લીધેલ." "પછી?" "પછી અમારા ખારવાઓએ આવીને રબારીનો વંશ કાઢ્યો. ધિંગાણાં થતાં તેમાં મૂઆ ઈની આ ખાંભીયું છે. અમે અટાણે કોળી, પણ અમારી શાખ છે મકવાણા, ગોહલ, બારિયા વગેરે રજપૂતોની. એટલે અમારીય ખાંભીયું." "પણ આ નવી ખાંભીઓ છે તે કોની?" "ખાંભી તમામ કાંઈ ધિંગાણે મૂએલાંની જ નથી હોતી. દરિયે બૂડીને મરે, ગળે ફાંસો ખાય, એરુ આભડવાથી મરે - મતલબ કે અસદ્ગતિએ જાય એની સૌની ખાંભી ખોડાય." આ સ્થળોમાં વહાણવટીઓની તમામ ખાંભીઓ ઘોડેસવારના સ્વાંગમાં દીઠી, ત્યારે બેટ શંખોદ્વાર કનેના બરાબર આના જ પુરાતન સ્થાન આરંભડાને પાદર મેં પાંચ વર્ષો પૂર્વે ખુદ વહાણની જ ખાંભી દેખી હતી. પાળિયામાં વહાણનું ચિત્ર કંડાર્યું હતું. "તમારું વહાણવટું કેમ ચાલે છે?" "હવે તમામ ભાંગી ગયું. જૂના વખતમાં આ મોટે દરિયે ચોરીના માલનાં વા'ણ ઊભા રહેતાં, અમને ઝંડી ફરકાવીને જાણ કરતા, એટલે અમારા વડવા આંહીથી મછવા લઈ ત્યાં જઈ પોગતા; અને સસ્તે ભાવે બધો માલ લઈ આવી પછે આસપાસ ગામડાંમાં વેચતા." "તમારા વડવા આંહીં નીકળતાં વહાણોને લૂંટતા નહિ?" "ના રે ના!" દોંગાઈભર્યો જવાબ મળે છે. "પણ અમે ચોરાઉ માલ રાખવાનો ધંધો કરતા એટલે રાજમાંથી સત્તાવાળાઓએ આવીને અમારાં વા'ણોને સળગાવી દીધાં. અમારું વા'ણ બાંધવાનુંય બંધ થયું." "ત્યારે ‘ચાંચિયા' નામ આ ચાંચ પરથી જ પડ્યું હશે ને? આંહીં તો ધમધોકાર ચોરીલૂંટ ચાલતાં હશે જૂના કાળમાં, ખરુંને?" દરિયાઈ લૂંટારા તરીકે નિંદાઈને નાશ પામેલી આ કોમમાં અગાઉ કેવા સાહસ-શૂરાતન ખેડનાર સાગરના સાવઝો પાક્યા હશે તેનો ઈતિહાસ જ ‘અમે ચોરલૂંટારા!' એ મનોદશાની હેઠળ દબાઈ ગયો છે. એની પુરાતન વીરતા ઉપર અત્યારે એક એવી બેઆબરૂનો પોપડો રહી ગયો છે કે કોઈ અવશેષ જ હાથ આવવો કઠિન થઈ પડે છે. ચાંચવાળા વહાણવટીઓ ઘણાખરા ખેડમાં લાગ્યા, કેટલાક ભાવનગર-જાફરાબાદ મજૂરીએ ચડ્યા, ને થોડાક જુવાનો પારકાં વહાણો પર ચડીને ખેપો કરે છે. "ચાંચની શીતળાનું નામ તમે નહિ સાંભળ્યું હોય?" "ના, શીતળા કોણ?" "વરવો નામે આંહીંનો ખારવો હતો. જબરો દરિયાઈ ચોર હતો. એનું નામ જ ‘શીતળા માતા' પડેલું, કેમ કે આ દરિયેથી જે કાંઈ માલ ભરીને વા'ણ નીકળે, તે તમામ જાતના માલમાંથી એનું દાણ ચૂકવવું પડે. આખરે એક દિવસ જાફરાબાદની સીદી સરકારની જાલી-બોટમાં વરવો ઝલાઈ ગયો. એને હાથે કડી પે'રાવી હતી. એમાં વરવો રાતે ઠેકીને ભાગ્યો. જાફરાબાદથી આંહી લગીનો પાંચ ગાઉ દરિયો બાંધેલ હાથે તરીને આવી પોગ્યો." મને થયું: આવી તાકાતને નવી મર્દાઈને માર્ગે ચડાવનાર કોઈ ન મળે? "આ અમારો પુરાતન રૂખડો. ત્રણ મહિના ઉપર વાવડો થયો તેમાં આ પડી ગયો." જડમૂળથી ઊખડી પડીને જમીનદોસ્ત થયેલ એ જાજરમાન વૃક્ષદૈત્યની સામે હું જોઈ રહ્યો. એના થડના પોલાણમાં આખું ગાડું ચાલ્યું જાય, તે પરથી એ જાડનું પરિમાણ કલ્પી શકાશે. એને વડવાઈઓ નથી ઝીણાં ઝીણાં પાન છે. પણ વનસ્પતિના કોઈ ઢૂંઢા રાક્ષસ જેવું એનું કદ અને સ્વરૂપ દીઠું. "આ રૂખડાની ડાળે ડાળે તો, ભાઈ, દર અખાત્રીજે કૈંક હીંચકા બંધાતા, કાયમ આંહીં નાનાં-મોટાં છોકરાં રમતાં, પણ જ્યારે એ પડ્યો ત્યારે પાસે કોઈ જ નહોતું. એ જાણેકે લાગ દેખીને પડી ગયો, કોઈને ઈજા કરી નહિ." ચાંચનો એ ‘રૂખડો' નામે પંકાયે વૃક્ષદૈત્ય લગભગ જાત્રાનું ધામ બની ગયો હતો. એની સાથે પણ કોઈક દેવદેવીને ગોઠવી દઈ ‘ધરમ'ની દુકાન માંડવાની વેળા થઈ ગયેલી. બાપડો હશે કોઈક સંસ્કારી જીવ, કે વખતસર એણે સોડ તાણી લીધી. કેટલો બુજરગ હશે એ રૂખડો? કોઈ ન કહી શકે. એ જ જાતનાં જાજરમાન બે ઝાડ મહુવાના સમુદ્રતીરે દીઠાં. જાણકાર કહે છે કે, ભાઈ, આ ઝાડનાં મૂળ આંહીંનાં નથી, આફ્રિકાને કાંઠેથી આપણા અસલી વહાણવટીઓએ જ એ રોપા આણીને આ ધરતીમાં ચોંપ્યા હશે. અથવા તો આફ્રિકા અને એશિયા બેઉ ખંડો તૂટીને કટકા નહિ થઈ ગયા હોય, એક જ હશે, તે વખતની આ કંઠાળી વનસ્પતિ હશે. તદ્દન કુદરતી રીતે જ જર્જરિત થયેલાં એનાં મૂળિયાં કેટલા કાળાન્તરે આજ આટલી આસાનીથી ઊખડી પડ્યાં હશે! કોઈ વનસ્પતિનો અભ્યાસી હોત તો કહી શકત. ચાંચનો ‘રૂખડો' જતાં હજારો વર્ષનો એક ઈતિહાસ - લેખ ભૂંસાયો છે. સૌરાષ્ટ્ર દેશની કાંઈ કાંઈ તવારીખોનો એ મૂંગો સાક્ષી હશે. સોરઠના રત્નજડિત સાગરતીરની શતકોજૂની ચડાતી-બઢતી એ રૂખડાએ નીરખેલી હશે. કોઈ નામાંકિત મ્યૂઝિયમમાં મૂકવા લાયક એ વૃક્ષદેહ-મમી છે. એનાં પડેપડ કોઈ વેદના પુસ્તકની માફક ઉકેલાવવાં જોઈએ. પણ એ ભાષા ઉકેલનાર જયકૃષ્ણ ઈંદ્રજી હવે નથી. આવા કોઈક કોઈક રૂખડા, સ્વાદિષ્ટ વાલના મહેકતા છોડવા, દુષ્કાળમાં ગરીબોને ધાન્યને અભાવે ટકાવ આપનાર શેવાળિયાની ભાજી, અને ખાડીને કિનારે અર્ધ પાણીમાં ઉગેલાં તમ્મરિયાંના ઝાડવાં: એટલી આંહીથી છેક તળાજા સુધીની કંઠાળ વનસ્પતિ. તમ્મરિયાંનાં ઝાડ તો ભેંસોને માટે ખોળ-કપાસિયાની ગરજ સારે એવું રસાળ ખાણ છે તે આજે જ જાણ્યું. ભાવનગરમાં તો કહે છે કે એનાં ગાડાં ને ગાડાં વેચાય છે, દુધાળાં ઢોરને એ ભાવવાનું કારણ એની ખારાશ છે. દરિયાનાં પાણીમાં જ એ ઊગે છે ને ઊઝરે છે. "અને પટેલ, તમારે દરિયાનાં જીવ કયાં કયાં ખવાય?" પટેલ શરમાઈ ગયા. "ભાઈસા'બ, તમ સરીખાં ઊંચ વરણની અદબ અમુંથી ન છોડાય." "પણ એમાં અદબ છોડવાનું શું છે? એ તો તમારો કુદરતી આહાર છે. અમે ક્યાં તમારાં ઘરમાં દાણા પૂરી દઈએ છીએ કે એ આહાર લેવાની તમને ના પાડીએ?" "ભાઈસા'બ, તમને સૂગ ચડે." "સૂગ શા સારુ ચડે? ફક્ત નામ સાંભળવામાંય સૂગ?" "તયેં જુવો ભાઈ, શેળવો ખવાય, શીંગાળું (જેને માથે કાંટો હોય તે) ખવાય, શેરૂં (જેના ગલોફાંમાં મૂછો હોય ), ઢાંગર મગર (જેને દાંત હોય), પળશો, ગોમલ્યો (વાંકા દાંત વાળો), વરડો (જેના પૂંછડાની લાંબી સોટી થાય), કળશ (એરુ જેવો), પાંભડી (ધોળી), કરચલો, પામેડી, લેપટા, સૂંઢિયું (વાંકું), જીંગો (વાંભ વાંભની મૂછો વાળો), કાગડી, કુંકરો (સૂપડા જેવો), કાળી મચ્છી (થાળી જેવી, પૂછડી વિનાની), એવાં એવાં ખવાય."
"મલાર માછલી, મગરમચ્છ, કણો અને હળેંડું નામે સરપની જાત, ફોફી અને સીંકું, જરીડેડો, એવાં એવાં ન ખાઈએ. જાફરાબાદને દરિયે અટાણે માછીમારોનું એક મોટું પરું વસી ગયું છે. મછવા ભરી ભરીને માછલાં ત્યાં લાવે છે. પછી તમામ જીવના નોખા ઢગલા પાડીને સૂકવણી કરે છે. એના કોથળા ભરી ભરીને એ મુસલમાન શેઠિયા દેશાવર મોકલશે. ન ખવાય તે નોખાં રે'શે. અમારા ઘણા જણ ત્યાં ગયેલ છે." "એને શું રોજી મળે છે?" "રોકડ નહિ, પણ માછલાં જ આપે છે વેપારીઓ." "ન ખવાય તેવા જીવનો બીજો કંઈ ઉપયોગ ખરો?" "તયેં નઈ? ભારી ખપ લાગે. જુઓ, આ પાણીમાં મોટી માછલી ડૂબકી ખાતી ખાતી જાય છે ને, તે મલાર માછલી. એનું આખું શરીર જ તેલનું બનેલું. અમે તો નહિ, પણ મુસલમાન માછીઓ એ મલારને ડબામાં પેક કરીને રાખી મૂકે. થોડે દા'ડે એનું નરદમ તેલ બની જાય. પછી એમાં કાળો કે લાલ રંગ ઘૂંટીને એનાથી વા'ણને ચોપડ કરે, ભારી પાકો રોગાન ચડે છે વા'ણને એનો." અંતમાં એ ચાંચવાસી ઘૂઘાભાઈએ એક જ વાક્યમાં સમેટી લીધું: "જોવો ભાઈ, જેટજેટલી ચીજવસ્તુ જમીન માથે છે, એટલી જ રકમ માતર આ રતનાગર સાગરમાંય ભરી છે. અમને દરિયોલાલ સંધુંય આપી રે' છે." "કહો ત્યારે, તમારી દરિયાઈ દુનિયામાં જળઘોડા હોય છે એ વાત સાચી?" "કેવા જળઘોડા?" "એની એક લોકકથા મારી કને આવી છે તે હું કહું: બોલાય છે કે કચ્છના કોઈ ગામમાં એક નાથબાવાને ઘેર બે તાજણ ઘોડીઓ હતી. એક સાલ મે થતો નથી: ખડ ક્યાંય જડે નહિ: જાતવંત ઘોડીઓ ઠાણમાં બાંધી બાંધી ભૂખે મરે. હવે બાવાને ઘેર એક ચારણ છોકરો ઘોડી ચારવા રહે. એણે કહ્યું, ‘બાપુ, આ દરિયાને કાંઠે ડાભડી ઊભી છે એ પંદરેક દિવસ ચારવા દિયો, ત્યાં મે થાશે.' બાવાજી એ કહ્યું, ‘ભલે ચાર દરિયાકાંઠે, પણ જોજે હો, કોઈ ટારડો પોગી જાય નહિ.' (અર્થાત્ આ ઊંચી જાતની ઘોડીઓને કોઈ હલકા ઘોડાથી ગર્ભ ન રહી જાય,) છોકરો કહે કે, ‘હું બરાબર ધ્યાન રાખીશ.' પછી તો છોકરો દરિયાકાંઠે બેઠો બેઠો ઘોડીઓને ચારે. એમાં એક દિવસ એક તાજણે ઠાણ કર્યું. એ ઠાણની ઘાણ્ય દરિયાઈ ઘોડાને ગઈ. દરિયામાંથી ઘોડો નીકળ્યો, ઘોડી આગળ ગયો, બે ઘડી આળાંપતાળાં કરીને માથે પડ્યો, પડીને પાછો ચાલ્યો ગયો દરિયામાં. છોકરો તો જોઈને દંગ થઈ ગયો. પછી તો મે થયો. ઘોડીઓ ઘેર બંધાઈ ગઈ. પાંચ-સાત મહિના થયા ત્યાં તો તાજણે પેટ મૂક્યું. જોતાં જ બાવાજી ને ફાળ પડી: ‘એલા ભૂંડુ થ્યું, ઘોડી સભર થઈ.' છોકરો તે દિવસની બિના છૂપાવી રહ્યો હતો. તેણે કહ્યું, ‘ના ના બાપુ, એ તો ખડનું પેટ વધ્યું છે.' પણ બાર મહિને ઘોડીએ ઠામ દીધું. વછેરી આવી. પણ શી વછેરીની રૂડપ! કિરતારે હાથ ધોઈ નાખેલ હોય, એવું ચિતરામણ: અને ઘોડીને પાણી પાવા કે ધમારવા તળાવે લઈ જાય તારે વછેરી ભર્યા તળાવ ઉપર છબ છબ છબ હાલે. છોકરો મનમાં ને મનમાં બોલે: વાહ માતાજી! પણ પછી તો વછેરી મોટી થઈ એટલે પરગંધીલી થઈ ગઈ. છોકરા વિના બીજા કોઈને પડખે ઢૂકવા ન આપે. એક દિવસ ભૂજના મહારાવનું માગું આવ્યું, ત્યારે ફાળ પડી. ચડ્યો વછેરી ઉપર. બાવાજીને કહે કે, ‘બાપુ, જાઉં છું - પણ ભૂજ નહિ હો! પગ કચરીને મોટી મેં કરી છે ને શું સવારી કરશે ભૂજનો રાવ?' એમ કહેતોકને ગયો. કચ્છને કાંઠે જઈને નાખી વછેરીને દરિયાની ખાડીમાં. બાર ગાઉની ખાડી તરીને વછેરી કાઠિયાવાડને કાંઠે નીકળી ગઈ. સીસાંગ ગામનો ગરાસિયો હાલોજી ઘોડીઓ ફેરવે ત્યાં જઈને ચડાઉ કરાવી. પછી પોતે ને હાલોજી બેય લૂંટફાટ કરવા ભેળા જાય. વચ્ચે પાણીનાં નવાણ ઊતારવાનાં આવે ત્યારે પોતે સહુની નજર ચુકાવીને વછેરીને ઉતારી લ્યે. એમાં એક વાર બેય જણાએ કુંડલાની નેદીમાંથી ઘોણ્ય લૂંટી, ભાગ્યા. વચ્ચે શેત્રુંજી પડી છે, પાણી આવી ગયું છે, છોકરો કહે. હાલાજી, નાખો ઘોડી. હાલાજી કહે, તું નાખ પહેલી. હાલોજી ગોથાં ખાતો રહ્યો ને છોકરો વછેરીને વહેણ ઉપરથી કાઢી ગયો. હાલોજીની આંખો ફાટી રહી: વાય, ઘોડી વાય! છોકરો કહે કે, હાલોજી, આ લ્યો આ ઘોડી, કારણ કે એ સારુ તમે મને ક્યાંઈક કોઈક દી દગો કરીને મારશો. "આમ વાત ચાલે છે એ તાજણની વછેરીની. દરિયાપીરના ઘોડાથી પાકી, એટલે એનું નામ પીરાણી તાજણ પડ્યું. એના વંશની ઘોડીઓને ઠાણમાં રોજ સાંજે દીવા ને લોબાન કરવામાં આવતા. આ લોકવાયકા ઉપરથી હું પૂછું છું કે એવા દરિયાઈ ઘોડા તમારા દીઠામાં આવેલ છે ક્યાંય?" "જળઘોડલાની તો સરત નથી, પણ જળમાણસડાં દીઠાં છે મલબારને દરિયે. બે હાથ, બે પગ, હાથપગના પોંચા અને આંગળિયું, કાળો વાન, વાંદરા જેવું મોં, ડોકું વગેરે તમામ રીતે આકાર વાંદરાને જ મળતો. પાણીનાં જીવ. પણ કાંઠે નીકળીને નાળિયેરીનાં ઊંચા ઝાડ પર ચડી બરાબર વાંદરાની માફક જ બેસે. માણસનો સંચાર થતાં જ પાણીમાં પેસી જાય. અમારાં વહાણને પડખે હોડકાં તરતાં મૂકીએ તો તે પર પણ આવીને બેસે. પાછાં જળમાં ચાલ્યા જાય. બધી જ ચેષ્ટા માણસ જેવી કરે." "આપણાં કાંઠાના દરિયામાં મોટા મગરમચ્છ ખરા કે?" "ના ભાઈ, આંહીં નથી ભાળવામાં આવતા, મલબારકાંઠે બહુ છે. અમારાં નાનકડાં વહાણની પડખે આવીને અથડાય ત્યારે એવી તો ભે' લાગે કે કદીક જફા પહોંચાડશે. ભારી વિકરાળ, એ તો ભાઈ, બજરંગનો અવતાર છે ખરો ના? એટલે અમે તો એના માથે મીઠું તેલ ચડાવીએ, અડદના દાણા છાંટીએ ને હાથ જોડી કહીએ કે, હે હડમાનજી! ખમા કરો. અમારાં રખવાળાં કરો. આટલું કહેતાં જ મગરમચ્છ વહાણને છોડી ચાલ્યા જાય છે."