સોરઠી ગીતકથાઓ/13.બાનરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
13.બાનરો

આ પણ પુરુષના પલટી ગયેલા હૃદયની અને સ્ત્રીના અવિચલ પ્રેમની કરુણ કથા છે. જુવાનનું નામ બાનરો અથવા બાનરશી છે : જાતે આહીર છે, પોતે કાંડોરડા ગામનો વાસી હશે, એવો એક દુહામાં ઇશારો છે. યુવતીના નામનો દુહામાં નિર્દેશ નથી. કોઈ મૂળાંદે એવું નામ કહે છે. આખી કથામાં બાનરાનું પાત્ર પોતે આવીને ક્યાંયે ડોકાતું નથી. ત્યજાયેલી પ્રેયસી પોતે જ પોતાના ઉદ્ગારો વાટે આપવીતી કહે છે. પ્રથમ બંને વચ્ચે પ્રીતિ બંધાઈ. ભાદર-તટે ભરાતા કોઈક મેળામાં બેય ભેળાં થયાં હશે. વીસે વીસ દુહા સાક્ષી પૂરે છે કે આહીર-કન્યા એ જુવાનના ગરવા ગુણો ઉપર મોહીને મન અર્પણ કરી બેઠી હશે. મેળાની શૌર્યભરી રમતોમાં, રાસ-ગરબીઓમાં ને ચાતુરીમાં બાનરશી બીજા સહુથી સવાયો દેખાયો હશે, બાકી, દેહનાં પડછંદ પાતળિયાં રૂપ તો આહીરડાઓને જન્મથી જ વરેલાં હોય છે. પણ કોણ જાણે શા કારણે આ પ્રેયસીનાં સગાં એ સંબંધનો વિરોધ કરીને બેઠાં. વાત એટલે સુધી વધી ગઈ કે બાનરો જો હવે આવે તો બંદૂકે દેવો. બંદૂકથી બીને બાનરો બદલી ગયો. બહાદુર બનીને પોતાની તલખતી પ્રેમિકાને બચાવવા — અરે મોં દેખાડવાય ન આવ્યો! પ્રેમિકા સંદેશા કહાવે છે, પણ જવાબ નથી મળતો ત્યારે પછી આશા ત્યજે છે. બાનરો કહાવે છે કે હવે તો આપણો સંબંધ બંધાવો દોહ્યલો છે. બીજું કોઈ ઠેકાણું ગોતી લેજે. આ ટેકીલી નારી નવા નેહ કરવા ના પાડે છે. આંબેથી ઊઠીને બાવળ પર બેસવું એના હૃદય-પંખીથી બને તેમ નથી. પણ એને અંદેશો પડે છે : કદાચ બાનરાનું અંતર બીજે તો નહીં ઠર્યું હોય! શોધમાં નીકળી પડે છે. ઊની લૂ ખાઈ ખાઈ, પગે ચાલી ચાલી, એના સુકોમળ શરીરનો બરડો પણ બેવડ વળી જાય છે. એ-ના એ જ ભાદરકાંઠાના મેળામાં જઈ ગોતે છે, પણ બાનરો નથી જડતો. આખરે એને ખાતરી થાય છે કે બાનરો બીજાનો થઈ ગયો. પછી એના જીવનમાં તો ‘ગર સળગી, ગઝબ થયો, સળગ્યાં સાતે વન!’ પછી તો અગ્નિને બાથ ભરવી રહી. જીવ ક્યાંય જંપતો નથી. મન બળવા માટે મસાણે દોડે છે. પોતાનો પ્રેમીજન ખૂટલ નીવડે એ વેદનાની તો વાત જ શી કરવી? એ બધી જ્વાળાઓને આ સ્ત્રી પી ગઈ. પોતાનાં શિયળ સંકોડીને બેસી ગઈ. જીવનમાં સ્વેચ્છાપૂર્વક ‘બ્રહ્માણીનો રંડાપો’ સ્વીકારી લીધો. સદાની એકલદશા સ્વીકારી. 

ફરિયું ફેર ઘણા, (પણ) ટાંપળિયલ ટળિયું નહીં; મનડું મેઢ તણા બેલ વારે બાનરા! [1] [ઓ બાનરા! મારું મન, ઘાણીના બળદની માફક ઘણાંયે ચક્કર ફર્યું, પણ એની ડોકમાં નાખેલું ચોગઠું એના તકદીરમાંથી ટળ્યું નહિ. તારા પ્રેમને અનંત કૂંડાળે મારું હૃદય વેદનાનો ભાર વહેતું ફરતું જ રહ્યું.]

સો સો સાદ કર્યે, સાનુમાં સમજ્યો નહીં, કેદુકનો કાને બાનરશી બે’રો થિયો! [2] [તને ઘણા સાદ પાડ્યા, તું ઇશારેય સમજ્યો નહીં. ઓ બાનરા! તું કાને બહેરો ક્યારથી બની ગયો છે?]

ફળિયામાંથી ફકીર, ફેરી દઈ પાછો ફર્યો; (મ) અમુંથો આહિર, બાનરશી બીજો થયો! [3] [જેમ કોઈ ફકીર ભીખ માગવા માટે આવે અને ફળીમાં આંટો દઈને પછી અજાણ્યો બની ચાલ્યો જાય, તેવી જ રીતે, તું પણ ઓ આહીર! મારા જીવનમાં આંટો મારીને બસ નિસ્બત ત્યજી ચાલ્યો ગયો. બદલી ગયો.]

બંદુકની બીકે, આંયાં લગ આવ્યો નહીં, અલબેલા આવ્યે! બખતર પેરીને બાનરા. [4] [હે સ્વજન! મારાં સગાંઓ આપણા સ્નેહનાં વિરોધી રહ્યાં એટલે તેઓ તને બંદૂકે મારશે એવી બીકે શું તું ન આવ્યો? સાચો સ્નેહ હોય તો, ઓ વહાલા! તું બખતર પહેરીને આવ.]

પોટા પાંખ વન્યા, માળા વિણ ક્યાં મેલીએ? બે દિ’ની વાતુંમાં, બાનરશી બીજો થયો! [5] [હે બાનરા! મારા કૌમાર-જીવનરૂપી પાંખ વિનાના પોટાને — બચ્ચાને — માળા વિના હું બીજે ક્યાં જઈ મૂકું? ને તું બે દિવસમાં જ શું બદલી ગયો, થાકી ગયો!]

પરથમ દૈ ને, બોલ, પાછાં પતળીએં નહીં; કાપે કાળજ કોર (તોય) બાદલીએં નૈ, બાનરા! [6] [એમ કેમ બદલાય! પ્રથમ કોલ દીધા પછી કેમ છટકી શકાય? કોઈ કલેજું કાઢી નાખે તો પણ કેમ પલટાય?]

મોંઘેરા મળતે, સોંઘાં સાટવીએં નહીં; લઈએં લખ ખરચે, બે પખ સરખાં, બાનરા! [7] [મારે સારુ આટલાં સંકટો વહોરવાં પડે છે તેથી મારી પ્રીત તને મોંઘી પડે છે, ખરું? બરાબર છે. મોંઘા ભાવની વસ્તુ જ્યાં સુધી મળી શકતી હોય, ત્યાં સુધી સોંઘી ચીજ ન ખરીદવી ઘટે. લાખ રૂપિયા ખરચીને પણ એવી જ ખરીદીએ કે જેનાં બંને પડખાં સરખાં હોય, ચાહે જેટલો ભોગ આપીને એવું પ્રિયજન સ્વીકારીએ, કે જેનાં બંને પક્ષો (મોસાળ અને પિતૃકુળ) ખાનદાન હોય. સોંઘું મળે તે તો તકલાદી જ નીવડે.]

પોપટ હોય તો પઢાવિયેં, સૂડાને નોય સાન, મધદરિયે મેલી કર્યાં, બાનરા! કેનાં બાન? [8] [પોપટને પઢાવી શકાય, પણ સૂડાને શબ્દો ઝીલવાની અક્કલ નથી હોતી, તેમ સાચા પ્રેમીને તો પ્રેમપાઠ શીખવી શકાય, પણ તારા જેવા અબુધને હું શું ભણાવું? ઓ નિર્દય બાનરા! મધસાગરે રઝળાવીને તેં મને કોને સોંપી દીધી?]

ભાદર ત્રટે ભરાય, કવલી કાંડોરડા-ધણી! નહીં તું મેળામાંય, બાનરા! કેસું બોલીયેં? [9] [ભાદર તીરે મેળો ભરાય છે હે કાંડોરડાના વાસી! હું ત્યાં ભટકી આવી. પણ તું તો મેળામાં જડ્યો નહિ. એટલે હું બીજા કોની સાથે બોલું? હું નિરાશ થઈને પાછી ચાલી આવી.]

ભોં બીજી ભાળેલ નૈ, કો’ જાવું કિસે, તેં મેલ્યા તિસે બેઠાં છૈયેં, બાનરા! [10] [બીજી કોઈ ભૂમિ તો દીઠી નથી. કહે, હું બીજે ક્યાં જાઉં? તેં મને જ્યાં રઝળતી મૂકીને બેસારી છે, ત્યાં ને ત્યાં જ હું તો બેઠી છું, ઓ બાનરા!]

સગા! સાર કરે, વે’લી વરતાવાં તણી; તેં મેલ્યાં તિસેં બેઠાં છૈયેં બાનરા! [11] [હે સ્વજન! હવે તો આશરે આવેલાની વહેલી સંભાળ લે. તેં જ્યાં બેસારેલી છે ત્યાં જ બેઠી રહી છું.]

તું કહે છે કે મારે હવે બીજા કોઈ ઉપર મન ઢોળવું! ના, ના, એ તો કેમ બને? તું બીજો થયો, પણ હું સ્ત્રી કેમ નીચી ઊતરું?

આંબેથી ઊઠ્યે, બાવળ મન બેસે નહીં, કાંઉ કણ ખૂટ્યે, બીડ ખાવાનું બાનરા! [12] [મારું મન-પંખી અત્યાર સુધી આંબાના મૉર, મંજરી અને શાખો ખાનારું, તે હવે આંબાડાળ્યેથી ઊડીને બાવળના ઝાડ પર નહીં બેસી શકે. ઓ બાનરા! અન્નના દાણા ઘરમાં ખૂટી ગયે, બીડ (ઘાસના કણ) શીદ ખાવાં? શી રીતે ખાઈ શકાય? અનાજ આરોગનારને બીડ ઘાસનાં બીયાં ભાવે જ શી રીતે?]

આંબેથી ઊડેલ, બાવળ મન બેસે નહીં, ચંદણથી ચૂકેલ, વન કોઈ વિસામો નહીં. [13] [સ્વાદિષ્ટ આંબા પરથી ઊડેલું પક્ષીનું દિલ બાવળના ઝાડ પર કેમ જંપે? સુગંધથી ચંદન-વૃક્ષથી વિખૂટા પડેલા પંખીને વનમાં ક્યાંયે વિસામો નથી મળતો.]

કાઠા કેળવતે, કળથીએ મન કોળ્યું નહીં, કાંઉ કણ ખૂટ્ય બીડ ખાવું, બાનરા? [14] [કાઠા ઘઉંને કેળવીને સુંવાળી રોટલી ખાનારનું મન કળથી જેવા કુચાળા ધાન્ય ઉપર શી રીતે ઠરે? અનાજ ખૂટતાં હવે બીડનાં બીયાં ખાવાં કેમ ગમે? તારા પરની ઊંચી પ્રીત ત્યજીને બીજા પુરુષ પર કેમ દિલ ઠરે, ઓ બાનરા!]

ટાઢ્યું ને તડકા, લૂ અમને લાગેલ નૈ; વાંસા વળી ગયા, બેવડ થઈ ગ્યાં, બાનરા! [15] [હે બાનરા! તારી શોધમાં ચાલી ચાલીને અમારા બરડા બેવડા વળી ગયા. અમને આવી ટાઢ ને આવા તાપ, આવો ઊનો પવન કદીયે નહોતો લાગ્યો.]

બેઠલ બઢ્ય ગાળી, સંસા જીં સંકેલો કરે; ઉથડકના ઊઠે, બાનરસી! બીવું પડ્યું. [16] [સસલાની જેમ અંગો સંકોડીનું હું મારી વિશ્વાસરૂપી બખોલ ખોદી તેમાં લપાઈ બેઠી હતી. એમાંથી ઓ બાનરા, તેં મને ઓચિંતાની ન સંભળાવીને ફફડાવી મૂકી.]

કોઈ વખૂટલ વા’ણ, સંઘ આરો સૂઝે નહીં, મધદરિયે મેરાણ! બારે બૂડ્યાં, બાનરા! [17] [મારી સ્થિતિ કોઈ કાફલામાંથી વિખૂટા પડેલા એકાદ વહાણ જેવી થઈ પડી છે. મારાં બારેય વહાણ તો મધસાગરે ડૂબી ગયાં છે; ને મારી એકાકી જીવન-નૌકાને હવે કિનારો જડતો નથી.]

જાણ્યું હત તું જીસ, મારગ તડ મેલે કરે; (તો) અવડી પ્રીત આહીર! બાંધત નૈ અમે, બાનરા! [18] [ઓ બાનરા! તું મને આમ રસ્તાને કાંઠે અંતરિયાળ મૂકીને ચાલ્યો જઈશ એવું જો મેં જાણ્યું હોત, તો આવી ગાઢ પ્રીતિ હું તારી સાથે બાંધત જ શા માટે, ઓ આહીર!]

બજારે બેસાય નહિ, ઘરમાં ઘર્યું ન થાય, મન મસાણે જાય, બળવા સારુ, બાનરા! [19] [હવે તો નથી બજારમાં તારી વાટ જોઈ બેસી શકાતું — શરમ લાગે છે; કે નથી ઘરમાં પેસીને જીવ જંપતો. ઘર ખાવા ધાય છે. હવે તો મન સ્મશાને બળી મરવા માટે દોડી રહ્યું છે.]

ગર સળગી ગઝબ થિયો, સળગ્યાં સાતે વન, લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને, બાનરા! [20] [હે બાનરા! આ તો જીવનની અંદર મોટી પહાડી ઝાડી સળગી ઊઠી હોય, એક સામટાં સાત જંગલમાં દાવાનળ લાગ્યો હોય, અને જાણે કે એ લાખો લાકડાંને મેં મારી બાથમાં લઈ લઈ સળગાવ્યાં હોય, એવી જ્વાળાઓ મારા અંતરમાં જલી રહી છે.]

હૂતું તે હારાવિયાં, નવો ન થિયે નેહ, (આ તો) ભવોનાં ભવ શેહ, બામણ્ય રાંડી બાનરા! [21] [જીવનમાં જેટલું હતું તે તો સર્વસ્વ તો હારી ગયાં. હવે નવેસર કાંઈ સ્નેહસંબંધ થઈ શકશે નહીં. એટલે મારી હાલત તો બ્રાહ્મણીના રંડાપા જેવી થઈ ગઈ. એક વાર વિધવા થયેલી બ્રાહ્મણી જેમ ફરીને પરણી શકતી નથી, તેમ મારે પણ, ઓ બાનરા, તું જીવતો છતાં સદાનો રંડાપો આવ્યો.]

મારગમાં મઢી કરે મન બેસીને મુનિ થીયું, નવળી વાચ વળે, બીજા સામી, બાનરા! [22] 