સોરઠી બહારવટિયા ભાગ-2/ભીમ પાંચાળિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીમ પાંચાળિયો

બાપુનું ગામતરું થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફરાબાદ સુધીનો દરિયા-કિનારો પણ એ ઘોડાના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.

મારગ જે મુંબઈ તણે, જળબેડાં ન જાય,
શેલે સમદર માંય, જહાજ જોગીદાસનાં.

[મુંબઈ નગરને જળમાર્ગે જહાજો જઈ શકતાં નથી, કેમ કે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.] એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા. વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઊપડી ગઈ. આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિ : એવા સોગંદ લઈને ઠાકોર ઊભા થયા, હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારેય દિશાએથી ઠાકોરની ફોજ બહારવટિયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઊઠી. મૂંઝાયેલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઊભેલા હોવાના સમાચાર સાંભળી પાછો વળે છે. ક્યાં જવું તે સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે. એવી હાલતમાં જોગીદાસ ભંડારિયા ગામને પાદર નીકળ્યા. જોગાનજોગે પાદરમાં જ એક પુરુષ ઊભા છે. ઘોડી પાદરમાં ઊતરતાંની વાર જ બેય જણે અન્યોન્યને ઓળખી લીધા. “ભીમ પાંચાળિયા, રામ રામ!” “ઓહોહોહો! મારો બાપ! જોગીદાસ ખુમાણ!” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળિયા નામના ચારણે બહારવટિયાને બિરદાવ્યો :

ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ,
નાવે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો!

[હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા ઘણા રાજારૂપી સર્પોને પોતાના કરંડિયામાં પકડી પાડે છે, પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદમાં ન મોહાયો. તેં તો ફૂંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.] “ભીમ પાંચાળિયા! આજ એ દુહો ખોટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસિયો કરંડિયે પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.” દોટ કાઢીને ભીમ પાંચાળિયે જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી અને કહ્યું, “એમ તે ક્યાં જઈશ, બાપ? તો પછેં ભંડારિયાને પાદર નીકળવું નો’તું. રોટલા ખાધા વિના તો જવાશે નહિ!” “હાં હાં, ભીમ પાંચાળિયા, મેલી દ્યો. આજ તો નહિ જ.” “પણ શું છે એવડું બધું?” “વાંસે ઠાકોર વજેસંગજી છે ને ચોગરદમ અમારી દશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.” “હવે ભેટ્યા ભેટ્યા વેરીઓ! જોગીદાસ શિરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગે ભંડારિયાને સીમાડે ઊભા થઈ રે’વું પડે, મારા બાપ! મૂંઝાવ છો શીદ? ઊતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.” જોગીદાસ અચકાય છે. “અરે બાપ! કહું છું કે તારું રૂંવાડુંય ખાંડું ન થવા દઉં! એલા ઝટ આપણે ઓરડે ખબર દ્યો કે ઊભાં ઊભાં રોટલા-શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.” જમવાની વરદી આપીને ચારણ ભંડારિયાને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે હાલ્યો. હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્રસ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે — કડકે જમીંનું પીઠ, વ્રહમંડ પડ ધડકે વજા, નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભના ધણી! [હે વજેસંગજી! હે પેરંભ બેટના ધણી! તારે ઘેર તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.] “ખમા ગંગાજળિયા ગોહિલને! બાપ, અટાણે શીદ ભણી?” “ભીમ પાંચાળિયા, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.” “જોગીદાસ તો મારા ખોળામાં છે, બાપ! તમે શીદ ધોડ કરો છો?” “ભીમ પાંચાળિયા, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે — કાં હું નહિ ને કાં જોગીદાસ નહિ.” “પણ બાપા, ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકું શિરામણ સારુ ઊતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમેયે શિરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શિરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી હેઠા ઊતરીને જરાક આંટા મારો.” “ભીમ પાંચાળિયા! તમે મારા શત્રુને આશરો દીધો?” “એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને, બાપ! હું તો ગા છું. મારું પેટ ચીરવા કાંઈ હિંદુનો દીકરો હાલશે? અને આ તો જોગીદાસ જેવો પરોણો. પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય? ને પછી ક્યાં પકડાતો નથી? ભાવેણાના મહારાજને તો હજારું હાથ છે, બાપા!” ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઊતરી ગયો. ‘પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય?’ એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું. “ઊતરો, હેઠા ઊતરો, બાપા!” ચારણે ફરી વાર આજીજી કરી. “ભીમ પાંચાળિયા!” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યું : “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઊતરે તો તો મહારાજની માએ ધૂળ ખાધી કહેવાય, ખબર છે?” “બોઘા કામદાર!” કોચવાયેલા ચારણના મોંમાંથી વેણ વછૂટી ગયું : “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે; બાકી તો વાણિયા-ભામણની માને અનાજ વીણતાં વીણતાં ધૂડ્યની ઢેફલી હાથમાં આવે તો મોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી!” ચારણનું મર્મવચન સાંભળીને ઠાકોરનું મોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળિયા! જાવ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે, એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાવ, હું આજ જોગીદાસને જાવા દઉં છું.” ઠાકોર હાથી વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.