સોરઠી બહારવટિયા ભાગ-2/‘નહિ હટેગા!’
થાણાદેવળી ગામની દરબાર-કચારીમાં લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલી : આભપરા ડુંગર ઉપર, સોન-કંસારીના દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર-વડોદરાની મળી નવસો માણસની ફોજે નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથિયાર છે, દારૂગોળા છે : ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથિયારે ટક્કર લઈ રહ્યા છે. રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગિસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગિસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટિયાઓની પાસે દારૂગોળો ખૂટી ગયો, મૂળુ મરણિયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના ‘જે રણછોડ’ કરી જુદા પડી જાઓ!” પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલા દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઊતર્યા. પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો. ગિસ્ત ભાગી. પોણોસો મરણિયાના હલ્લા નિહાળતાં જ ગિસ્તના આત્મામાંથી રામ ગયા. આડીઅવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઊપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા! પે ભજો મા! નિમક લજાવો મા; જુવાન્યો, ભજો મા!” પણ ગિસ્ત તો ભાગી તે ભાગી જ. “ખબરદાર!” મૂળુએ માણસોને કહ્યું, “ભજાને માથે ઘા ન કરજો હો કે!” ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટિયાનું બિરદ હતું તે પ્રમાણે વાઘેરો બંદૂકો વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઊભેલો દીઠો : જાણે મસ્જિદમાં નમાજ પઢતો હોય એવો અચળ બની ઊભો છે. એને મૉતનો ડર નથી. બૂંગણ ઉપર દારૂગોળા ને હથિયારોનો પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છે; અને એ બધાંની વચ્ચે ઊભો છે એક જુવાન આદમી : હાથમાં છે જમૈયો : જમૈયો ચક! ચક! ચક! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છે : આરબ છે : ભેટમાં ત્રણ-ચાર જમૈયા ધરબ્યા છે. ધસારો કરતો બહારવટિયો ઊભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા અને હુકમ કર્યો, “એને કેડી દઈ દ્યો, ભા : ઈ બહાદુર છે : નવસોમાંથી એકલો ઊભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.” માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી. પણ શત્રુ ખસતો નથી. એ તો ઊભો જ છે : હાથમાં ઉગામેલો ચક! ચક! જમૈયો : ઠરેલી આંખો : ભરેલું બદન : ગુલાબના ગોટા જેવું મોં : એવો શત્રુ ભાગી ગયેલી ગિસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે બૂંગણ ઉપર ઊભો છે. એકલો ઊભો છે. બહારવટિયો નીરખી નીરખીને જોઈ રહ્યો. બોલ્યો, “શાબાશ બેલી! છાતીવાળો જુવાન! ચાલ્યો જા, દોસ્ત : તુંને ન મરાય! તું શૂરો : ચાલ્યો જા!” તોય આરબ ઊભો છે. બહારવટિયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે. આકળો બહારવટિયો ફરી પડકારો કરે છે કે “હટી જા, જુવાન, ઝટ હટી જા!” જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો, “નહિ હટેગા!” “અરે બાપ! હટી જા. તું આંહીં જાને નથી આવ્યો.” “નહિ હટેગા! હમ નિમક ખાયા! હમ નહિ હટેગા!” “અરે ભા! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.” “યે મેઘજીન, ઔર દારૂગોળા, હમારા સર સાટે હૈ; સર પડેગા પીછે ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમને નિમક ખાયા.” બહારવટિયાએ આ વિલાયતી જુવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓ તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે? બોલો ભાઈઓ!” માણસો બોલતા નહોતા, જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યા હતા, જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નિમક ખાયા.” મૂળુએ આજ્ઞા કરી, “આવો બેલી! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઊઠો, ને આ જુવાનની હારે જુદ્ધ માંડો. બાકી તો ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે.” બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઊઠીને આરબ સાથે બાખડ્યો. નિમકની રમત રમતો આરબ આખરે પડ્યો. મૂળુએ મરતા શત્રુની પીઠ થાબડી. “શાબાશ તારી જણનારીને, જુવાન!” આરબની લાશ ઉપર બહારવટિયાએ કિનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધૂપ દીધો અને મુસલમાનની રીતે એની મૈયત કાઢીને બહારવટિયાએ જુવાનને દફનાવ્યો. વાત કરનાર મકરાણી અભરામે કહ્યું કે “બાપુ! હુંયે ઈ નવસો જણાની ગિસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી હું ઝાડીની ઓથે સંતાઈ ગયો’તો. સંતાઈને મેં આ આખોય કિસ્સો નજરોનજર દીઠો’તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”