સોરઠી બહારવટીયા/બીજી આવૃત્તિનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજી આવૃત્તિનું નિવેદન

'બહારવટીયા'નાં વૃત્તાંતો પર તરેહ તરેહના તર્કો થઈ રહેલા છે. મને પૂછવામાં આવે છે કે શું લોકોને બહારવટે ચડાવવા છે? પુસ્તકની સચોટ અસર વિષે પણ ભાતભાતનાં કારણો કલ્પાય છે: કોઈ કહે છે કે એના વાચન દ્વારા કતલ અને બદલો લેવાની બાલવાસનાઓ તૃપ્ત થાય છે, તેથી જ યુવકો એના પર આફ્રિન છે! કોઈ કહે છે કે એમાં અંગ્રેજ અધિકારીઓની દુર્દશાનાં જે ચિત્રો આવે છે તે નિહાળવામાં પ્રજાનો અંગ્રેજી રાજ પ્રતિનો સ્વાભાવિક અણગમો સંતોષાય છે તે માટે પ્રજા પ્રેમથી વાંચે છે! વગેરે વગેરે. આવી કોઈ કલ્પનાના ઘોડા છૂટા ન મૂકવા સહુને મારી વિનતિ છે. કેમકે હજુ તો અઢી ત્રણ ગણો ઈતિહાસ બાકી છે. અને મારો સવિસ્તર પ્રવેશક હજુ પાછળ છે. મારો હેતુ રાજદ્વારી નથી, ઐતિહાસિક છે. હું તો, રાજસત્તા જેને કેવળ “હરામખોરો” શબ્દથી પતાવે છે અને બીજી બાજુથી અમુક વર્ગ જેને દેવતુલ્ય બતાવે છે, તે કાઠીઆવાડી બહારવટીયા વિષેનો વિવેક- પૂર્વકનો વિચાર કરવાની સામગ્રી પૂરી પાડી રહ્યો છું. હું તો બહારવટીયાની વીરતા સામે અંગ્રેજોની જવાંમર્દી પણ આલેખી રહ્યો છું. ​પરંતુ, કીનકેઈડ સાહેબ જેવા અનુભવી અને ઈતિહાસ-રસિક સીવીલીયને પણ પોતાના અમલદારી દૃષ્ટિબિન્દુને વશ બની જઈ 'Outlaws of Kathiawar' નામના પુસ્તકમાં કાઠીઆવાડી બહારવટીયાનું જે હાસ્ય- જનક, ઉપરછલું અને પામર ચિત્ર અાંક્યું છે, તે તથા તેનાં જેવાં અન્ય એકપક્ષી ચિત્રોની પ્રામાણિકતા જૂઠી પાડવાની પણ હું જરૂર સમજું છું. વળી મારો આશય તો માત્ર બહારવટીયાનો જ નહિ, પણ એ પ્રત્યેકની આસપાસ છવાયેલા લોક-જીવનનો ઈતિહાસ પણ અજવાળે આણવાનો છે. વિશેષ તો મારો ભવિષ્યનો પ્રવેશક બોલશે. અને હજુ તો જોગીદાસ, જેસો વેજો, રામ વાળો, જોધો માણેક વગેરે જોગી જેવા બહારવટીયા બાકી છે. પ્રથમાવૃત્તિમાં અધુરી રહી ગયેલી એક ફરજ બજાવી લઉં: આ વાતોના સંશોધનમાં ભીમા જતના કુટુંબી ભાઈશ્રી રાણા અાલા મલેકે મને સારી મદદ કરી છે. એ બહાદૂર ભાઈએ કાઠીઆવાડ એજન્સી પોલિસમાં બહારવટીયાનો પીછો લેનાર બાહોશ અધિકારી તરિકેની ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અત્યારે એ ભાઈ જામનગર રાજ્યમાં ફોજદાર છે. જૂના કાળની મર્દાનગીનો, પડછંદ દેખાવડી શારીરિક સંપત્તિનો, અને નેકીનો એ જોવા જેવો નમૂનો છે. એનો હુ આભારી છું. બીજા મદદગાર તે અકાળા ગામના રહેવાશી ભાઈશ્રી વાલજી ઠક્કર છે. એમની ઝીણી દૃષ્ટિ, અને ધીરી ઠાવકી વાણીમાં વિવેકભર્યું આબાદ વર્ણન કરવાની એની શૈલી મને ઘણી ગમી છે. તે ઉપરાંત ભાઈશ્રી ગગુભાઈની હેતભરી અને કીંમતી સહાય તો અવારનવાર મળતી જ રહે છે.