સોરઠી બહારવટીયા - 2/૯.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

બેટ શંખોદ્ધાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગેાળા તપાસે છે. પૂછે છે: “ભાઈ દેવા! શો શો સરંજામ હાથમાં આવ્યો?” “ઓગણીસ તોપો.” “રંગ! બીજું?” “ફતેમારીઓ, સુરોખાર ને ગંધકથી ભરેલી." “વાહ રણછોડ! જેવું લીધું છે તેવું જ સાચવજે દેવા! હજી મરદુંના મામલા વાંસે છે.” “જેવી રણછોડરાયની મરજી, જોધાભા!” દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારીયાના જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપાચુપ જોધો ઉભો ઉભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી “જોધા ભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભુંડા હતા?” પીંડારીયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યું: “તમારા મોઢાં કાળાં કરો. માનું દૂધ લજાવ્યું ભા! તમે રજપૂતનાં ફરજંદ છો?” એકેએક પીંડારીયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું “કોના ઉપર જુલમ થયો છે ભાઇ?” “મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.” “શું થયું?” “એને ઝાલીને અભડાવ્યા” “કોણે પાપીએ?” “રણમલ પીંડારે.” “શા સારૂ?” “દંડ લેવા સારૂ.” “બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.” રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ ફેરવી અને વચનો કહ્યાં: “આટલા સારૂ હું પીંડારીયાઓને તેડી લાવ્યો'તો ખરૂં ને રણમલ! જા, તુંને તે ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી કયાં છે ભાઈઓ?” “જાંબુવંતીજીના મંદિરમાં સંતાણા છે.” “હાલો મંદિરે.” મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી. અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખર્ચ ચુકવવો. બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે બંદૂક તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મ્હોંમાગ્યા દંડ ચૂકાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે પોતાને રહેવા માટે હરકોઈના ધર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢી મૂછ વાળો એક વાઘેર સાત હથીઆર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે, સામે શેઠીયો થર! થર! ધ્રુજે છે, અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં છાતીમાં આ હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુ : “તે પહેલાં તો બેલી! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે? રંગ છે વાઘેરાણીની કૂખને!” એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈ જમૈયાવાળો આદમી ખસીઆણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઉતરીને જોધાને પગે લાગ્યું, અને સહુએ પોકાર કર્યો કે “જોધા બાપુ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો? કહો તો અમે ઉચાળા ભરીએ. કહો તો માલ મિલ્કત મેલીને હાથે પગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો. ' જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે, વચ્ચે જોધો પોતે બેઠો છે, મુળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે, જોધાએ વાત શરૂ કરી : “ભાઈ દેવા! બેટા મુરૂ!” “બોલો કાકા!” “આપણે ચોર લૂંટારા નથી. રાજા છીએ, આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટીયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ પાછું હાથ કરી, રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ,” “સાચી વાત.” “અને આ વસ્તી આપણાં બેટા બેટી છે.” “કબૂલ.” “આપણે માથે રણછોડરાય ધણી છે.” “ખમ્મા રણછોડ!” “ત્યારે રજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદ: પહેલું-વસ્તીના વાલની વાળી પણ ન લુંટવી. બીજું–ઓરતોને બ્હેન દીકરી લેખવી. ત્રીજું-જાત્રાળુને લૂંટવાં તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસુલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકી પહેરામાં મેલી આવવાં. “બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને?” “તેને તોપે ઉડાવવો. મુળુ બોલ્યો. પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યો. “કહો, ઈદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મુળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો! સજા કરીશ.” “ધન્ય છે બાપુ! " મહાજનની છાતી ફાટવા લાગી. “ઉભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો, તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘર દીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઉઠવાનું છે. આ તો લડાઈ છે. પોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા'તા?” “કબૂલ છે બાપુ!" કહીને મહાજને ઠરાવ ઘડ્યો. “જે રણછોડ! જે રણછોડ!” એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.