સોરઠી સંતવાણી/જેને દીઠે નેણલાં ઠરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેને દીઠે નેણલાં ઠરે

જેને દીઠે નેણલાં ઠરે
બાયું! અમને એડા એડા સંત મળે.
ઉરમાંથી એક બુંદ પડે નૈ,
ભગત નામ નવ ધરે;
નરક છોડાવીને ન્યારા રે’વે
અમર લોકને વરે. — બાયું.
ચાલતાં નર ધરતી ન દુવે,
પાપ થકી બહુ ડરે;
શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા,
પૂછી પૂછીને પાઉં ધરે. — બાયું.
ત્રિગુણ પૂતળી રમે સુનમાં,
અનઘડ ઘાટ જ ઘડે;
ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,
ખોજે તેને ખબરું પડે. — બાયું.
કાયાવાડીનો એક ભમરલો,
સંધ્યાએ ઓથ ધરે;
આરે સંસારમાં સંત સુહાગી,
બેઠા બેઠા ભજન કરે. — બાયું.
વર્ષાઋતુનો એક હિમ-પોપટો,
નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં
સ્વાતિનાં બિન્દુ ઠરે,
બાયું! અમને એડા એડા સંત મળે.

[લખમો]

અર્થ : જેને જોતાં નેત્રો ઠરે એવા સંત મને ક્યાંય મળે? જેના પેટમાંથી મનની વાતનું એક બિન્દુ પણ બહાર ન પડે, જે ભગત એવું પોતાનું નામ ન ધરે, જે આપણને નરકમાંથી છોડાવીને પોતે જાણે કંઈ કર્યું જ નથી એવી રીતે નિરાળા રહે એવા કોઈ સંત મને મળે? ધરતી પણ દુભાય નહીં એવી રીતે ચાલે, પાપથી ડરે. વિવેકથી શબ્દ ઉચ્ચરે, સાવધ રહી પગલું મૂકે, એવા સંત મને ક્યાંય મળે? માનવીના ચિદાકાશ (સુન)માં સત્ત્વ, રજસ્ ને તમસ્ની બનેલી ત્રિગુણાત્મક પૂતળી જેમ રમે છે, અણઘડ્યા વિચાર-ઘાટ ઘડ્યા કરતી હોય છે, તેમ ગુરુના શબ્દો પણ એવાં રહસ્યો રચતાં હોય છે. એ તો જેઓ શોધે તેને ખબર પડે. કાયારૂપી વાડીમાં એક ભમરો છે, કે જે દિવસે રમી રમી સાંજે ઓથ મેળવી બેસી જાય છે. વર્ષાઋતુના હિમ-પોપટા (ઝાકળનો જળ-પરપોટો) રૂપી માનવ-જન્મ આખરે ખરી પડીને જળમાં જળ બની જાય છે. પણ ભજનિક લખમાના સ્વામી સાચા ગુરુની સાથે જો સંબંધ જોડાય, તો માનવ-પ્રાણ ઝાકળનો પરપોટો બનવાને બદલે સ્વાતિનું બિન્દુ બને છે, જે છીપરૂપી માનવ-જીવનમાં પડી મોતીરૂપે ઠરે છે.