સોરઠી સંતવાણી/પીરનો પુકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પીરનો પુકાર

સર્જનનું આ સ્તોત્ર જેસલ નામના સંતે પોતાની તોળલ નામની સ્ત્રી-ગુરુના મૂર્ચ્છિત દેહને સજીવન કરવા માટે એ દેહની સન્મુખ, જ્યોતપૂજનના રાત્રિ-સમારંભમાં ગાયું હતું એવી કથા છે. આમાં ઉત્પત્તિનું તેમજ ભવિષ્યના વિલયનું પણ ગાન છે.

નો’તો રે મેરુ ને નો’તી મેદની,
નો’તા જે દી ધરણી અંકાશ રે હાં હાં હાં
ચાંદો ને સૂરજ જે દી દોઈ નો’તા,
ધણી મારો તે દી આપોઆપ રે હાં હાં હાં
પીર રે પોકારે મુંજાં ભાવરાં રે!
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં
પોતાનાં પુન્ય વગર પાર નૈ
ગુરુ વન્યા તેમ મુગતિ ન હોય રે હાં હાં હાં
હાડ ને ચામ રોમરાઈ નહીં,
નો’તા કાંઈ ઉદર ને માંસ રે હાં હાં હાં
પીંડ પડમાં અધર રિયું,
નો’તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં હાં હાં — પીર રે.
કંકુવરણો રે સૂરજ ઊગશે,
તપશે કાંઈ બાળોબાળ રે હાં હાં હાં
ધરતીનાં દોઈ પડ ધ્રૂજશે
હોંશે કાંઈ હલહલકાર રે હાં હાં હાં — પીર રે.
નર રે મળ્યા હરિના નિજિયાપંથી,
એ જી મળ્યા મને સાંસતીઓ સધીર રે હાં હાં હાં
મુવાં રે તોરલને સજીવન કર્યાં
એમ બોલ્યા જેસલ પીર રે હાં હાં હાં — પીર રે.

[જેસલ]

અર્થ : ઓ ભજનિકો! જે દિવસ ખલક નહોતી, નહોતા મેરુ (પહાડો), નહોતી આ પૃથ્વી, ધરણી નહોતી, આભ સુધ્ધાંય નહોતો, ચાંદો ને સૂરજ પણ નહોતા, તે દિવસે, એ શૂન્યમાં મારો ધણી વિશ્વંભર આપોઆપ સરજાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, તમારો સ્વધર્મ સંભાળો. ખડી થઈ જા. જગતના મોહ તને સ્વધર્મ ચુકાવી રહ્યા છે. શું પુત્ર! શા સંબંધો! પોતાના જ પુન્ય વિના પાર નથી. ગુરુ વિના મુક્તિ નથી. અને આપોઆપ સરજાયેલા આ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતાં હાડકાં, નહોતી, ચામડી રુધિર ને માંસ પણ નહોતાં. પંચ મહાભૂતનું કોઈ ક્લેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ. એને તો શ્વાસોચ્છ્વાસ પણ નહોતા. ને ફરી પ્રભુ પ્રગટશે : તે દિવસે લાલચોળ સૂરજ ઊગીને બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં બેઉ પડ ધ્રૂજશે. બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે, હે મારા જતિ ભાઈઓ! હે સતી! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુણ્ય વગર પાર નથી.