સોરઠી સંતવાણી/સતાધારનું યાત્રાધામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સતાધારનું યાત્રાધામ

સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠયાત્રા નથી થવાની. આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ. સતાધારનો સ્થાપનાર ગીગો ભગત. સંત ગીગાએ ગીરનાં ભરપૂર ચરિયાણની વચ્ચે સતાધારને ડુંગરગાળે ગાયોની ટેલ માંડી દીધી, અને પરબ વાવડીની સંત દેવીદાસની જગ્યા જેવી જ પરંપરા સ્થાપી ગીગાએ. રક્તપિત્તિયાં, કોઢિયાં, રોગમાં સડી ગયેલાં — જે કોઈ આવ્યાં તેને આશરો આપ્યો. ગીગાનું સતાધાર સોરઠના જૂના કાળમાં નવયુગના કોઈ પણ માનવપ્રેમી સેવાશ્રમનું કાર્ય ઉઠાવનારું ધામ હતું. સંત ગીગાના પિતાનું નામ અલીભાઈ. માતાનું નામ સુરઈ. રહેવાસી તોરી રામપુરાનાં. સોરઠમાં ભયંકર દુકાળ પડતાં ત્રાસ ત્રાસ વર્તેલો. પોતાનાં ઢોરને ઉગારવા માટે સંત ગીગાનો પિતા બાઈ સુરઈને સગર્ભા મૂકીને જતો રહેલો. બાઈ પોતાના કોઈ સગાને ત્યાં ચલાલા જવા નીકળ્યાં. રસ્તે શાપુર ગામ આવતાં બાઈને દીકરો અવતર્યો. આ વાતની જાણ શાપુરના ગરાસિયા અમરભાઈને થતાં તેણે મા–દીકરાને રક્ષણમાં લીધાં. બાળક દોઢ–બે માસનો થયો ત્યાં સુધી પોષણ કર્યું. પણ દુષ્કાળનો દાવાનળ ભયાનક હતો. એટલે અમરાભાઈએ મા–દીકરાને રાજગોર હરખજી મહારાજ જોડે ચલાલે મોકલ્યાં. ચલાલા પણ દુષ્કાળમાં કંપતું હોઈ આ મહેમાનોને જોઈ સૂરીબાઈનાં સગાંનાં મોં કાળાં થઈ ગયાં. એ સ્થિતિમાં સંત આપા દાનાએ કાળનો સામનો કરવા મોટો અનાથ-આશ્રમ શરૂ કરેલો, એટલે એમણે હસતે મોંએ મા–દીકરાને આશરે લીધાં. ગીગાને સંત દાનાએ પુત્ર સમ પાળ્યો. ગીગાએ તથા માએ સંતની નેકટેકથી સેવા કરી. ગીગો જુવાન થયો ત્યારે સંત દાનાએ સૂરીબાઈને કહ્યું કે ગીગાને ન્યાતમાં જઈ વરાવો — પરણાવો. બાઈ સરંભડે કુટુંબમાં ગયાં, ત્રણ–ચાર વર્ષ કાઢ્યાં, પણ ગીગાનું દિલ સંસાર પર લાગ્યું જ નહીં. બાઈ પોતે તો સંસારથી કંટાળીને જ બેઠાં હતાં, એટલે એ તો રાજી થઈને ગીગાને લઈ પાછાં ચલાલે આવ્યાં. જુવાન ગીગાએ જગ્યાની તમામ સેવા કરવા માંડી, ને છેવટે આપા ગીગા સંતપદને પામ્યા. સંતોની આસપાસ ઊભા થયેલા વહેમો, ચમત્કારો, પરચાઓ ને પૂજાઓ તો નાશવંત વસ્તુઓ છે; કાળ એનો ભક્ષ કરી જશે. પણ સંત ગીગાની જીવનકથાને કાળનો કાળ મહાકાળ સુધ્ધાં નહીં ખાઈ શકે. એ કથા તો સદાકાળ આવતી કાલની જ કથા બની રહી જશે. એ કથાની પુનરુક્તિઓ, નવી આવૃત્તિઓ નવા નવા સમાજોની અંદર નીકળતી જ રહેશે. બ્રાહ્મણોના ને ક્ષત્રિયોના સોરઠી દેવ સોમનાથ છો ને રોજ પ્રભાત છેક ગંગાજીથી આવતી કાવડના નીરથી નાહતા; સમાજનાં ઉપલાં પડો છો ને આવા પ્રાણશોષક ક્રિયાકાંડો વડે પોતાની મહત્તા ચાલુ રાખતાં : સમાજના તળિયામાં જે લોકસંસાર જીવતો હતો તેના મેલ ધોવા તો સંત ગીગાના ધામ સતાધાર જેવી જ ગંગાઓ વહ્યા કરતી ને ગીરનું જંગલ માત્ર બહારવટિયાઓને જ નહીં પણ સંતોનેય પોતાની ગોદ આપતું. એવા સતાધારને નિહાળ્યા વિનાની મારી ગીર-યાત્રા અધૂરી રહી છે.

રોઈદાસનો ચર્મકુંડ

સરસાઈ ગામ દીઠું હતું કૉલેજમાં ભણતો હતો ત્યારે. પણ ત્યારે તો મન ઉપર ‘શાકુંતલ’, ‘મેઘદૂત’ અને સ્કૉટ તથા મેથ્યુ આર્નોલ્ડનાં જ ગાઢાં ધુમ્મસ છવાયાં હતાં. બહુ બહુ તો નરસી–મીરાંનાં નામો જાણ્યાં હતાં. જાણીને આખા ભક્તિપ્રવાહ પ્રત્યે અણગમો સેવતો હતો. સંત રોઈદાસનો ચર્મકુંડ જોવા જવાની વૃત્તિ જ શાની થાય? આજે તો રોઈદાસનો નામ-શબ્દ મંત્ર જેવો લાગે છે. ઉત્તર હિંદનો આ ચમાર સંત સોરઠ ધરામાં ક્યારે ઊતરી પડ્યો હશે! કદાચ દ્વારકા વગેરેની તીર્થયાત્રાએ નીકળ્યો હશે; એક ગીર-ગામડે બેસી ગયો હશે. પણ સરસાઈમાં શું એ ચમારકામ કરતો હતો? જે કુંડમાં એને ગંગા-મિલન થયું તે શું આ જ કુંડ? ખબર નથી. ઊંડા ઊતરવાની જરૂર પણ શી છે? મહત્ત્વની વાત તો એ ચમાર સંતે સોરઠમાં અંકિત કરેલ સંસ્કારની છે. એ સંસ્કાર કયો? ભેદની, જડ રૂઢિની ભીંતો ભેદવાનો. કથા આવી છે : રોઈદાસજી તો ચમારકામ કરતાં કરતાંયે પ્રભુમગ્ન હતા. એક દિવસ નદીમાં પોતે કરેલા કુંડ પર બેઠા બેઠા પોતે મૂવેલા ઢોરનું ચામડું ધોવે છે : રસ્તે એક જાત્રાળુઓનો સંઘ નીકળે છે : સંઘમાંથી કોઈકે પૂછ્યું — ટીખળ કર્યું? કે શુદ્ધ ભાવે પૂછ્યું? — પૂછ્યું : “ભક્તરાજ! ગંગાજીમાં નાહવા ચાલો.” સંતે કહ્યું કે, “ભાઈ, મુજ ગરીબનું એ ગજું નથી. પણ ઊભા રહો; આ એક શ્રીફળ લેતા જાવ, ને ગંગામાઈને કહેજો કે રોઈદાસે મોકલ્યું છે. પણ ભાઈઓ, માતાજી હાથોહાથ લ્યે તો જ આપજો; નહીં તો ન આપતા.”

કંકણવંતો હાથ

યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતીરે ઊભાં ઊભાં કહ્યું : “માતાજી, રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે; પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.” હાંસી યાત્રિઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાની નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો : ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું : શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો. કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : “હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?” જવાબમાં જળમાંથી એક કંકણનો ઘા થયો. ગંગાના કાંડા માયલું એક એ કંકણ સંઘે પાછા સરસાઈ પહોંચી સંતને આપ્યું. સંતે એ સુવર્ણ-કંકણને ભેટ મોકલ્યું યોગ્ય સ્થાને — ગામના ઠાકોરને ઘેર. ઠાકોરની કુંવરીએ કંકણની પૂરી જોડ્ય માટે રઢ લીધી. ઠાકોર સંતના ચર્મકુંડે ગયા. કુંડમાં નવાં નીર ઊભરાયાં તેના બુદ્બુદોમાંથી બીજું કંકણ નીકળ્યું. સંતે કુંડમાં ગંગાજી પધાર્યાં પેખ્યાં. ઠાકોર, કંકણના કામી, ગંગાની પ્રસાદીય લેતો જા! ઠાકોરે અંજલિ ધરી : સંતે ચર્મકુંડમાંથી છાપવું ભરી જલ વહોરાવ્યું. સુગાયલો ઠાકોર પ્રાશન કરવાને બદલે કુંડ-જલ બાંયમાં ઉતારી ગયો : પણ એ તો આવળના તૂરા પાણીના ડાઘ : લૂગડા પરથી જતા નહોતા : ધોણ્ય ધોનારી રાજ-બાંદીએ ડાઘ કાઢવા બાંય મોંમાં લઈ ચૂસી : ધોઈને પાછી વળી ત્યારે ધોણ્યની ગાંસડી શિરથી ચાર આંગળ ઊંચેરી ઊપડતી આવે! આ ચમત્કાર-રૂપકનો મર્મ ચાહે તે હો, પણ એક વાત તો વિલસી આવે છે : કે ખરું સત માનવતાનું છે — નથી રાજવટનું. કે નથી તીર્થે તીર્થે ભટકવા જતી આભડછેટિયા ધર્મવૃત્તિનું. ધરતીનાં ધગધગતાં પડો વચ્ચે ગૂંગળાતાં ને રૂંધાતાં ગંગાજી એક કર્મયોગી ચમારને ઘેરે ચાલતાં આવ્યાં અને ઉચ્ચ વર્ણોને એ સેંકડો ગાઉ શોધ્યાંય ન જડ્યાં. રોઈદાસજી અહીં સોરઠધરામાં આવ્યા હશે, રહ્યા હશે, એ તો સંભવિત વાત છે. રાષ્ટ્ર આખો રાજશાસનને હિસાબે તો કોઈક જ વાર એક છત્ર તળે હતો; પણ એની એકરાષ્ટ્રતા તો સંસ્કાર-જીવનની હતી. સંસ્કાર-દૃષ્ટિએ રાષ્ટ્ર એક અને અખંડિત હતું. એક અને અવિભાજ્ય હતું. એક અને સુગઠિત હતું. શાસનની એકતાને તો બ્રિટિશ રાજ આવ્યા પૂર્વે હિંદે ઘણાં વર્ષો સુધી ઝાઝી જાણી નહોતી. એ વાતને છુપાવવાથી શો ફાયદો છે? ‘એકરાષ્ટ્રતા’ ‘એકરાષ્ટ્રતા’ એવા જાપ જપવાની રાજદ્વારી દલીલબાજીનો તો કશો અર્થ જ નથી. સાચી એકારાષ્ટ્રતા જે સંસ્કારની હતી, તેના સ્થાપકો રાજપુરુષો, પત્રકારો ને મુત્સદ્દીઓ નહોતા, પણ આ ‘બાવા’ નામે અળખામણા ને ‘ભગતડા’ નામે ભૂંડા દેખાડવામાં આવેલા સંતો હતા. રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારનીયે ચેલી બની હતી. એનું ભજન છે — મીરાંના નામનું : ચમાર સંત મીરાંના મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે : એ જી મારી સેવાના શાળગરામ!

મીરાં, તમે ઘેરે જાવને!

તમે રે રાજાની કુંવરી, ને

અમે છૈયેં જાતના ચમાર :

જાણશે તો મેવાડો કોપશે,

ચિતરોડો ચોંપે દેશે ગાળ — 
મીરાં, તમે ઘેરે જાવને!

અને છેલ્લી પંક્તિ! —

કાશી રે નગરના ચોકમાં રે
ગરુ મને મળ્યા રોઈદાસ — 
મીરાં, તમે ઘેર જાવને!

રોઈદાસ કાશી નગરીના : રામાનંદ એના મુર્શદ : સોરઠના ચારેય તીરને સાગરજળ છંટાતાં હતાં, તેમ સોરઠી લોકજીવનની પાળે રાષ્ટ્ર-સંસ્કારના સાગર-જુવાળ આવા સંતો દ્વારા રેલાતા હતા. સરસાઈની નદીમાં બતાવાતા જળકુંડને, સંભવ છે કે, લોકોએ ફક્ત રોઈદાસજીના ચર્મકુંડનું પુનિત નામ આપીને એક સ્મારકરૂપ બનાવ્યો હશે. પણ એ સ્મારકો ને એ પ્રતીકો નક્કી કરવાની લોકભાવના એક રીતે નોખી તરી જાય છે. કલકત્તાને સામે કિનારે બેલૂરમઠમાં સ્વામી વિવેકાનંદજીનો ઢોલિયો, અથવા સ્વામીજીએ પીધેલો કોઈ હોકો કે ચીરૂટનો શેષ ભાગ સંઘરી રાખેલ છે. તે થયું પ્રતીક-પૂજાનું ઊતરતું સ્વરૂપ; ને એથી જુદું, આ સંતના જીવનને એક ચર્મકુંડમાં સ્મરણાંકિત કરવું એટલે સાચા માનવ-ગૌરવની સ્થાપના. હિંદુ ધર્મની પુરોહિત-હાથે જઈ પડેલી પ્રણાલિકાઓ સામે લોકહૃદય આવી રીતે જ મૂંગા પુકારો નોંધાવતું હતું. એમ ન હોત તો રોઈદાસની પ્રતિષ્ઠા કોઈ દેવળમાં મૂર્તિરૂપે જ થઈ ગઈ હોત. [‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]