સોરઠી સંતવાણી/હરિનો દેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિનો દેશ

મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહીં વર્ણ ને વેશ રે —
સૂક્ષમ સૂવું ને સૂક્ષમ ચાલવું ને
સૂક્ષમ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે. — મનને.
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે. — મનને.
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને
રે’વું સદાય ઇન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં જે
તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે. — મનને.

[ગંગાસતી]