સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિવેદન
[પહેલી આવૃત્તિ]

ભાઈશ્રી અમૃતલાલ શેઠે મને ‘સૌરાષ્ટ્ર’માં મારા પ્રવાસોનું વર્ણન લખવાનું સૂચવ્યું, તેનું આ પ્રથમ પરિણામ છે. બીજાં નિરીક્ષણો લખી રહ્યો છું. પ્રવાસનાં વર્ણનો છાપાંના બીજા ખબરો જેટલાં ક્ષણિક મહત્ત્વનાં નથી હોતાં, તેમ અમર સાહિત્યને આસને પણ નથી બેસી શકતાં. એનું સ્થાન બંનેની વચ્ચે રહેલું છે. એ વ્યવસ્થિત ઇતિહાસ નથી, વ્યવસ્થિત ભૂગોળ નથી કે વ્યવસ્થિત સમાજ વા સાહિત્યનું વિવેચન નથી. છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમુચ્ચય છે : ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહીં, પણ સાંજ-સવારના આકાશમાં રેલાતી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો : અસ્તવ્યસ્ત, છતાં યે ગમે છે. કાઠિયાવાડની રેલગાડીમાં અથડાતા-પિટાતા અથવા ઊંચા વર્ગના ડબ્બામાં કોઈ સંગાથી વિના કંટાળો અનુભવતા પ્રવાસી ભાઈ અથવા બહેન! તમારા એકાદ-બે કલાકને આ વર્ણન શુદ્ધ દિલારામ દઈ શકે, કાઠિયાવાડ વિશે તમારામાં થોડો રસ, થોડું કૌતુક ઉત્પન્ન કરી શકે, અને એ ક્ષણિક લહેરમાંથી આ પ્રદેશની પૂરી ઓળખાણ કરવાની વૃત્તિ જગાડી શકે, તો પ્રવાસી પોતે બગાડેલાં કાગળ-શાહીની સફલતા સમજશે. વધુ ધારણા રાખી નથી. ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ વગેરે આજે જુદાં જુદાં ચોકઠાંમાં ગોઠવીને શીખવાય છે. એ પદ્ધતિએ શીખનારાઓને પોતાના વતન પર ખરી મમતા નથી ચોંટતી. પ્રવાસ-વર્ણન આ સર્વનું એકીકરણ કરી, થોડા અંગત ઉદ્ગારોની પીંછી ફેરવી, ત્વરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસભૂમિ પર પચરંગી મનોવિહાર કરાવે છે. પાઠ્યપુસ્તકોની એ ઊણપ જો આ યાત્રાવર્ણન થોડે અંશે પણ પૂરશે તો યાત્રિકનો ઉત્સાહ ઔર વધશે. પ્રાચીનતાનું ખરું દર્શન કરવાની વૃત્તિ રેલગાડીની સગવડોએ મારી નાખી છે. લાંબી, ધીરી, સ્થિર દૃષ્ટિવાળી મુસાફરીઓનો યુગ આથમી ગયો છે. લોક-સમુદાયની સોંસરવા થઈ, તેઓની સાથે જીવન-સમાગમ યોજવાની ઇચ્છા જ હવે આપણામાં રહી નથી. કેવળ દોટાદોટ, ઉપલકિયા દૃષ્ટિ, ઉતાવળિયાં અનુમાનો અને વહેલો વહેલો કંટાળો : એ આજના ઘણા પ્રવાસીઓની દશા થઈ ગઈ છે. રેલગાડીનાં ટર્મિનસો વડે જ આપણા પ્રવાસની લંબાઈ મપાય છે. સ્ટેશનોથી દૂર જાણે કે પ્રાચીનતા, જનતા, પ્રકૃતિની રમણીયતા કે પશુ-પક્ષીની દુનિયા વસતી જ નથી! જૂનાગઢ, વેરાવળ, પોરબંદર અને દ્વારિકા એ ચારમાં જ સૌરાષ્ટ્રનો સર્વાંગી પરિચય સમાઈ ગયો હોવાની આત્મવંચના ચાલે છે. આ પાનાં વાટે પ્રવાસી નમ્ર અવાજ આપે છે, કે અંદર પેસીએ. પ્રાચીન સૌરાષ્ટ્રનાં સાચાં ખંડેરો — કવિતા, સાહિત્ય, જનતા વગેરે તમામનાં ખંડેરો — તપાસીએ. કાંઠે બેસીને કદી દરિયા ડોળાયા નથી. મોટી ગીર, પાંચાળ, ઓખા મંડળ, સૌરાષ્ટ્રનો સાગર-તીર, તમામ પ્રદેશોનું આવું જ અવલોકન આપવાની ધારણા રાખી છે. નકશાની ઊણપ પણ પૂરવાની ઉમેદ છે. આ પ્રવાસ કરાવનાર યુવાન ચારણ મિત્ર ભાઈશ્રી દુલા ભગતનો અને એની મિત્રમંડળીનો હું અતિ ઋણી થયો છું. ભાવનગર : 9-5’28 ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

પહેલી આવૃત્તિના લખાણમાં નવાં ચાલીસ પાનાંનું લેખન ઉમેર્યું છે. આ નવાં ઉમેરેલ પ્રકરણો પૈકી પ્રકરણ-7માં સતાધારની જગ્યાના સંત આપા ગીગાને વિશે જે ઉલ્લેખ છે તેમાં નીચે મુજબ સુધારો કરવાની જરૂર છે : સતાધારની જગ્યાનો સુયશ વર્ણવતાં મેં ત્રણ મુદ્દા લખ્યા છે :

1. જગ્યાના સ્થાપક સંત ગીગા સોરઠની, હલકી મુસલમાન ગણાતી ગધઈ કોમમાં પેદા થયેલા છતાં લોકસમસ્તના સેવક ને પૂજ્ય બન્યા.
2. સંત ગીગાનાં, પતિએ ત્યજેલાં માતા લાખુબાઈને ચલાળાના આપા દાનાએ આશરો આપેલ ત્યારે એમને કોઈ કુકર્મી સાધુથી ગર્ભ રહેલો, લાખુબાઈ કૂવે પડવા જતાં હતાં, પણ આપા દાનાએ ઉગાર્યાં, ગીગા ભગતનો જન્મ થયો, ને માતા-પુત્ર બંને સંતપદે સ્થપાયાં.

આ વાતો મેં મારા ‘સોરઠી સંતો’ના સંગ્રહને આધારે લખેલી. પ્રવાસોમાંથી અનેક મુખે સાંભળી એકઠી કરેલી આ વાતો હતી. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’માં આ બધું બતાવીને સતાધારના એ સંતની પવિત્ર સ્મૃતિઓ નોંધવાનો, તેમજ સોરઠના લોકસંસ્કારની અંદર રહેલી દિલાવર ધર્મભાવના ઉપર પ્રકાશ પાડવાનો મારો હેતુ હતો. પણ આ સંબંધમાં ગધઈ કોમના એક સુશિક્ષિત સ્નેહી ભાઈ ઇસ્માઇલ ભાભાભાઈ ગધઈ મને સુધારા લખી જણાવે છે કે —

(1) સંત ગીગાના જન્મ વિશેની વાત બનાવટી છે, ને કોઈ ભળતા પક્ષોએ ફેલાવેલી છે. એના પુરાવા અમારા બારોટોના ચોપડામાં મોજૂદ છે.
(2) ગધઈ કોમ હલકી નથી ગણાતી. એ એક લડાયક કોમ છે. એ કોમમાં બહાદુર ટેકીલા પુરુષો પાક્યા છે. અત્યારે પણ મોટો ભાગ સિપાહીગીરી કરનારો છે. અમારી જ્ઞાતિ પર કોઈ પણ મહાન કલંક આવેલું નથી. વળી ઇસ્લામી ધર્મમાં ઊંચનીચના ભેદ નથી. અમે ગામડામાં રહીએ છીએ ને હિન્દુ ભાઈઓ જોડે કુટુંબ જેવો વ્યવહાર રાખીએ છીએ. અમારા જ્ઞાતિભાઈઓએ પોતાના જીવના જોખમે આજ સુધી અનેક હિન્દુ ભાઈઓને લૂંટાતા અટકાવ્યા છે.

આ ઉપરાંત ભાઈ શ્રી ઇસ્માઈલ ભાભાભાઈ સંત ગીગાની લોકસેવાના, ક્ષમાભાવનાના, તેમજ સહિષ્ણુતાના કેટલાક સરસ કિસ્સાઓ લખી મોકલે છે : આપા ગીગાને ઇસ્લામી ધર્મનું અભિમાન ન હતું તેમ સૂગ પણ નહોતી. તે તો સંત હતા, અને સારી આલમનાં માણસોને પોતાનાં ભાઈભાંડું ગણતા. કોઈ પણ ગરીબ અપંગ અને અશક્તને ભાળતા તો સેવા કરવા મંડી જતા. ઢોરની બીમારીના પોતે ઇલમી હોઈ કેટલાક ભરવાડ રબારી માલધારીઓને ઢોરનું વૈદક શીખવેલું. ચલાળામાં જગ્યા બાંધી રહેલા ત્યારે ખાખી બાવાઓ, આપા દેવાના ચડાવ્યા, સંત ગીગા પાસે માલપૂડાની રસોઈ માગવા આવેલા. સંત કહે કે નિયમ મુજબ અપાતું હોય તેટલું જ આપીશ. આ પરથી ખાખીઓએ સંતને અસહ્ય માર માર્યો. મરચાંના તોબરા ચડાવ્યા. તે વખતે સંતના ત્રણ-ચાર ગધઈ રક્ષકો હતા તે ખાખીઓની ખબર લેવા દોડી આવ્યા. તેમને વારીને સંતે કહ્યું કે અમારી ત્યાગીની તકરારમાં કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી. ખાખીઓએ સંતને મરચાંના તોબરા ચડાવ્યા અને એ મરી જાય તેટલી હદ સુધી વાત ગઈ ત્યારે અમરેલી ખબર પહોંચાડતાં ત્યાંથી પોલીસપાર્ટી આવી. ખાખીની આખી જમાતને અમરેલી ઉપાડી જવામાં આવી. સૂબા મીર સાહેબ જ્યારે સંતને પૂછવા લાગ્યા ત્યારે તેમણે જવાબ દીધો કે ‘અમારી વેરાગીની તકરારમાં પડવાની તમારે જરૂર નથી. મને કદાચ મારી નાખ્યો હોત તો ય મારે શું પડ્યું રહેવાનું હતું!’ મીર સાહેબે આ ક્ષમાબુદ્ધિથી ખુશ થઈ સંતને પહેરામણી કરી તો તે કપડાં સંતે ખાખીની જમાતના નાગડાને જ આપી દીધાં. અમરેલીના પ્રખ્યાત સૈયદ અવલમિયાં બાપુને કસ્બાના મુસલમાનોએ ઉશ્કેર્યા કે એક મુસલમાન ગધઈ અહીં આવ્યો છે, તે ઇસ્લામી ધર્મથી વિરુદ્ધ ચાલે છે વગેરે વગેરે. આવી ઉશ્કેરણીને પરિણામે એક દિવસ કસ્બાના તમામ મુસલમાનો તેમજ અવલમિયાં સૈયદ સંત ગીગાને મુકામે ચડી આવ્યા. ત્યાં વાતચીતમાં સંત ગીગાની બિનકોમી સમદૃષ્ટિ અને શુદ્ધ સેવાભાવ વિશે અવલમિયાં સૈયદને સત્ય સમજાયું. તેમણે મુસ્લિમોને સમજાવ્યું કે સંત ગીગાની કોઈ છેડતી કરશો ના. એ તો અશક્તો-ગરીબોની સેવા કરે છે, ને સેવા જ માલિકને સહુથી વધુ પ્યારી છે. એવા ખુદાના બંદાની ખોદણી કરનાર દોજખના અધિકારી થશે, વગેરે વગેરે. ઉપર લખી હકીકતો સંત ગીગાના જીવન પ્રત્યે વધુ ને વધુ સન્માન જન્માવે છે. ગીગાનું સતાધાર સોરઠના જૂના કાળમાં નવયુગના કોઈ પણ માનવપ્રેમી સેવાશ્રમનું કાર્ય ઉઠાવનારું ધામ હતું. ગધઈ કોમ સોરઠની એક શૂરવીર સિપાહી કોમ છે એ તો મારી જાતમાહિતીની વાત છે, કોમ તરીકે કોઈ પણ કોમ એક બીજાથી હલકી હોઈ શકે જ નહીં. મુસ્લિમોમાં ગધઈ કોમનું સમાન સ્થાન છે તે જાણી આનંદ થાય છે. સંત ગીગાના જન્મની હકીકત સાચી ધારેલી ત્યારે પણ એ હકીકતમાં મેં એક ઉદાર લોકભાવનાનું દર્શન કરેલું. માનવીને મહાન બનાવનાર એનો જન્મ નથી પણ એની માનવતા, વીરતા, પવિત્રતા છે. અને એ પાપ હતું, તો કોનું હતું? ન સ્ત્રીનું, ન બાલકનું. પણ એ આખી વાત જ જો બનાવટી ઠરે છે, તો તો કોઈ સવાલ જ રહેતો નથી. ઇસ્માઇલભાઈએ મોકલેલ વિગતો આમ છે : સંત ગીગાના પિતાનું નામ અલીભાઈ. માતાનું નામ સુરઈ. રહેવાસી તોરી રામપુરાનાં. સોરઠમાં ભયંકર દુકાળ પડતાં, ત્રાસ ત્રાસ વર્તેલો. પોતાનાં ઢોરને ઉગારવા માટે સંત ગીગાનો પિતા બાઈ સુરઈને સગર્ભા મૂકીને જતો રહેલો. બાઈ પોતાના કોઈ સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યાં. રસ્તે શાપુર ગામે આવતાં બાઈને દીકરો અવતર્યો. આ વાતની જાણ શાપુરના ગરાસિયા અમરાભાઈને થતાં તેણે મા-દીકરાને રક્ષણમાં લીધાં. બાલક દોઢ-બે માસનો થયો ત્યાં સુધી પોષણ કર્યું. પણ દુષ્કાળનો દાવાનળ ભયાનક હતો. એટલે અમરાભાઈએ મા-દીકરાને રાજગોર હરખજી મહારાજ જોડે ચલાલે મોકલ્યાં. ચલાળા પણ દુષ્કાળમાં કંપતું હોઈ આ મહેમાનોને જોઈ સૂરીબાઈનાં સગાંનાં મોં કાળાં થઈ ગયાં. એ સ્થિતિમાં સંત આપા દાનાએ કાળનો સામનો કરવા મોટું અનાથ આશ્રમ શરૂ કરેલું, એટલે એમણે હસતે મોંએ મા-દીકરાને આશરે લીધાં. ગીગાને સંત દાનાએ પુત્ર સમ પાળ્યો. ગીગાએ તથા માએ સંતની નેક-ટેકથી સેવા કરી. ગીગો જુવાન થયો ત્યારે સંત દાનાએ સૂરીબાઈને કહ્યું કે ગીગાને ન્યાતમાં જઈ વરાવો-પરણાવો. બાઈ સરંભડે કુટુંબમાં ગયાં, ત્રણ-ચાર વર્ષ કાઢ્યાં, પણ ગીગાનું દિલ સંસાર પર લાગ્યું જ નહિ. બાઈ પોતે તો સંસારથી કંટાળીને જ બેઠાં હતાં, એટલે એ તો રાજી થઈને ગીગાને લઈ પાછાં ચલાળે આવ્યાં. જુવાન ગીગાએ જગ્યાની તમામ સેવા કરવા માંડી, ને છેવટે ‘સોરઠી સંતો’માં લખ્યા મુજબ આપા ગીગા સંતપદને પામ્યા. આટલી હકીકત ‘સોરઠી સંતો’ના વાચકો પણ સુધારીને વાંચે તેવી વિનંતિ છે. આવી જ શૈલીમાં સોરઠના બીજા પ્રદેશોને રજૂ કરવાની અભિલાષા બરોબર ફળી નથી. ફક્ત સોરઠની નાની એક સાગરપટ્ટીનું પ્રવાસ વર્ણન કરતી ‘સોરઠને તીરે તીરે’ નામની પુસ્તિકા આપી શક્યો છું. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં : ગીરનું પરિભ્રમણ’ અને ‘સોરઠને તીરે તીરે’ બેઉ પ્રયોગો ઘણા આદરપાત્ર બન્યા છે ને એ પ્રયોગે વિરામ ન પામવું જોઈએ એવી મોટા ભાગની માગણી છે. મને ય શોચ થાય છે કે મારા સાંસારિક સંજોગોએ મેં ધારી રાખેલા પ્રવાસોને હાલ તુર્ત તો મુશ્કિલ કરી મૂક્યા છે. ક્ષમા ચાહું છું. મુંબઈ : 15-10-’35ઝવેરચંદ મેઘાણી