સૌરાષ્ટ્રની રસધાર/કામળીનો કૉલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કામળીનો કૉલ

“આ ગામનું નામ શું, ભાઈ?” “નાગડચાળું. ક્યાં રે’વાં?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા!” “ચારણ છો?” “હાં, આંહીં રાતવાસો રે’વું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહીં?” “હા, હા. દરબાર સાંગાજી ગોડની ધીંગી ડેલી છે ને, ગઢવા! પાધરા હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી. ગઢવા! હાંકો પાધરા.” એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. ‘આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો, ગામ આખાનાં વાછડાં ચારે, ને હું કોટવાળ તોયે મારાં ત્રણ વાછડાંની ચરાઈની કોરી માગી હતી દીકરે! આજ આ ગઢવો જો એને ભેટી જાય, તો એની ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે? ગઢવો નખ્ખેદ પાનિયાનો લાગે છે, એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. હું નાગડચાળાનો કોટવાળ!’ એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો. અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા : “અરે ભાઈ! આંહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે? કોઈ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો? અમે પરદેશી છીએ.” એક નાનકડા ઝૂંપડાનું બારણું ઊઘડ્યું. અંદરથી ભરવાડ જેવો મેલોઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો. હાથનાં ધીંગાં કાંડાંમાં ફક્ત રૂપાનાં બે કડલાં પહેરેલાં. ગજ ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી હતી. “કોનું ઘર પૂછો છો?” “બાપ! દરબાર સાંગાજી ગોડની ડેલી ક્યાં આવી?” આંહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ, હું સાંગડો ગોડ નામનો રજપૂત છું, આ મારો કૂબો છે, મારી બુઢ્ઢી મા છે. તમારે શું કામ છે?” “ભાઈ! મારે દરબાર હોય તોય શું, ને તું કૂબાવાળો રજપૂત હોય તોય શું? મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે. હું ચારણ છું; હિંગળાજ જાઉં છું.” “આવો ત્યારે.” કહીને સાંગડે ગઢવીને ઝૂંપડામાં લીધા. એની બુઢ્ઢી મા પાડોશીઓને ઘેર દોડી ગઈ. તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના આણીને વાળુ રાંધવા મંડી. દરમ્યાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદ્રેસ ગામના કવિ ઈસરદાનજી પોતે જ છે. “આપ પંડ્યે જ ઈસરદાનજી, જેને કચ્છ, કાઠિયાવાડ ને મરુધર દેશનાં માનવી ‘ઈસરા પરમેસરા’ નામે ઓળખે છે?” હસીને ઈસરદાનજી બોલ્યા : “હું તો હરિના ચરણની રજ છું, ભાઈ! જગત ચાહે તેમ ભાખે.” “કવિરાજ! તમારી તો કંઈ કંઈ દૈવી વાતું થઈ રહી છે. એ બધી વાત સાચી છે?” “કઈ વાતું, બાપ?” “લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવાં કવિ-પત્નીને ઠાકરિયો વીંછી કરડાવ્યો ને મૉત કરાવ્યું!” “જુવાનીના તૉર હતા, બાપ સાંગા! હસવામાંથી હાણ્ય થઈ ગઈ. ચારણ્યે મને વીંછી કરડ્યાની બળતરા થાતી દેખી મે’ણું દીધું. મેં એને પારકાની વેદનાનો આત્મ-અનુભવ કરાવવા સારુ વનનો વીંછી લાવી કરડાવ્યો. ચારણીનો જીવ નીકળી ગયો.” “હેં દેવ! આઈ પાછાં નગરમાં અવતરીને આપને મળી ગયાં એ વાત સાચી?” “ભાઈ! ઈશ્વર જાણે ચારણી એ-ની એ જ હશે કે નહિ. મને તો એ જ મોઢું દેખાણું. મને સોણલે આવતી’તી ચારણી.” “દેવ! પીતામ્બર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ શી વાત હતી?” “બાપ! હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો. રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી. પણ હર વખત દરબાર પોતાના કાવ્યગુણ પીતામ્બર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા માથું હલાવે. એ દેખી દરબારની મોજ પાછી વળી જાય, મારા લાખોનાં દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડ્યો. હું એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તરવાર લઈ એને ઘરે ગયો. “આંગણામાં તુળશીનું વન : મંજરીઓ મહેક મહેક થાય : લીલુંછમ શીતળ ફળિયું : ચંદ્રના તેજમાં આભકપાળા ગુરુ, ઉઘાડે અંગે જનોઈથી શોભતા, ચોટલો છોડીને બેઠેલા : ખંભા ઉપર લટો ઢળી રહી છે. ગોરાણી પડખે બેઠાં છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર સમશેર ઝીંકવા મારો હાથ તલપી રહેલ, પણ આ બેલડી દેખીને મારું અરધું હૈયું ભાંગી ગયું. “પછી ગુરુએ ગોરાણીને વાત કહી. કહ્યું કે૰ ‘ગોરાણી! દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે. શું એની વિદ્યાનાં વખાણ કરું? એનાં કવિત-છન્દો સાંભળી મારા ઉરનાં કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય! ગોરાણી! એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુલોકના માનવી ઉપર ઢોળે છે, લક્ષ્મીની લાલચે રાજાનાં ગુણગાનમાં વાપરે છે, એ દેખીને મારો આત્મા ઘવાય છે. અહોહો! એ વાણી જો જગત્પતિનાં ગુણગાનમાં વળે તો! તો એ કવિતાથી ચોરાશીના ફેરા તો પતી જાય, ને જગતમાંયે પ્રભુભક્તિની પરમ કવિતા રચાઈ જાય. ગોરાણી! એના હરેક કાવ્યથી સભા થંભે છે. રાજા રાવળ જામની છાતી ફાટે છે, રાજા મારી સામે જોવે છે, હું અસંતોષથી ડોકું ધુણાવું છું, મારા મોળા મતને લીધે રાજાની મોજ મારી જાય છે. ને જુવાન ચારણ મારા ઉપર બળીજળી જાય છે. હું એને દુશ્મન દેખાતો હોઈશ; પણ ગોરાણી! મારા મનની કોણ જાણે? હું તો આવી રસનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢીને ઈશ્વરભક્તિમાં વાળવા મથું છું,’ “બાપ સાંગા! પીતામ્બર ગુરુનું આવું કથન સાંભળતાં જ મારાં ગાત્રો ગળી ગયાં. હું ન રહી શક્યો. તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ તરવાર પીતામ્બર ગુરુને ચરણે ધરી. એમના ખોળામાં માથું ઢાળ્યું, અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી. મારા ‘હરિરસ’ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે


લાગાં હું પહેલો લળે, પીતાંબર ગુરુ પાય,
ભેદ મહારસ ભાગવત, પાયો જેણ પસાય.”

સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો, ત્યાં તો માએ વાળુ પીરસ્યું. સાંગાએ પોતાને ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈસરદાનજીને તેની ઉપર બેસાડ્યા. કવિએ એ ગરીબની આછીપાતળી રાબછાશ કોઈ રાજથાળી કરતાંયે વધુ મીઠાશથી આરોગી. જમીને ઈસરદાનજીએ કહ્યું : “ભાઈ, મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું.” “માગો, દેવ! મારી પાસે હશે તે બધું આપીશ.” “ફક્ત આ તારી ઊનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ.” “ભલે, બાપુ! પણ મને એક વચન આપો.” “વચન છે.” “હું વીનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે આંહીં થઈને પધારો. હું આપને માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે.” ઈસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા. આંહીં સાંગાએ કામળીની ઊન કાંતવા માંડી. વગડામાં કોઈ નદીને કાંઠે વાછડાં ચરતાં ફરે, વાછડાંને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિનાં ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી ફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાંત્યા કરે છે. આઠેય પહોર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે ‘મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે, ભેળો હુંયે તરી જઈશ.’ ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો. અને વાછડાં ચોમાસાની વાટ જોવા લાગ્યાં. વાછડાંને ચોમાસું તો આવી મળ્યું, પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયો. વાવાઝોડું મચ્યું. મુશળધાર મે’ વરસવા લાગ્યો અને ગામની નદી બેય કાંઠે પ્રલયકારી પાણીના કોગળા કાઢવા લાગી. સાંગો વાછડાં લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી મા ઝૂરશે. આ વાછડાં આંહીંને આંહીં થીજી જશે, ને હવે બહુ તાણ નથી રહ્યું, એમ વિચારી સાંગો વાછડાંને હાંકી પાણીમાં ઊતર્યો. બીજાં બધાં વાછડાં તો ઊતરી ગયાં, પણ સાંગાએ જેનું પૂંછડું ઝાલ્યું હતું તે વાછડો મધવહેણમાં લથડ્યો. સાંગો તણાયો. કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઊઠ્યાં : ‘એ ગયો, એ તણાયો.’ પણ એને બચાવવા કોઈ ન પડ્યું. પાણીમાં ડબકાં ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે? એને બીજું કાંઈ ન સાંભર્યું :


જળ ડૂબંતે જાય, સાદ જ સાંગરીએ દિયા,
કહેજો મોરી માય, કવિને દીજો કામળી.

[પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ‘ઓ ભાઈઓ, મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે.’]


નદીઆં, વેળુ, નાગ : સાદ જ સાંગરીએ દિયા,
તોશો કાંઈ ત્યાગ, મન જોજો માઢવ તણું.

[નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે, છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે ‘કવિને કામળી દેવાનું ન ભૂલજો.’ એને બીજું કાંઈ નથી સાંભરતું. હે સાંગા, કેવો તારો ત્યાગ! માઢવ રાજા રોજ ચારણોને લાખપસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન આવે.]


સાંગરીએ દીધા શબદ, વહેતે નદપાણી,
દેજો ઈસરદાસને, કામળ સહેલાણી.

[વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.] માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો. નદીનાં મોજાં એને દરિયામાં ઉપાડી ગયાં. થોડે દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોસીએ પોતાની પાંપણોનાં પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછ્યું : “સાંગો ક્યાં?” ડોસી કહે : “સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી લ્યો, બારોટજી!” ચતુર ચારણ ડોસીનાં આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું-પીવું હરામ કર્યું. ડોસીએ છેવટે કહ્યું : “સાંગાને તો નદી-માતા તાણી ગઈ.” ચારણ કહે : “એમ બને જ નહિ. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે?” “અરે દેવ! સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ જાતાં જાતાં તમને કામળી દેવાનું સંભારતો ગયો છે, હો! પાણીમાં ગળકાં ખાતાં ખાતાં પણ એણે તો તમને કામળ્ય દેવાની જ ઝંખના કરી’તી.” “સાંગાના હાથથી જ કામળી ન લઉં, તો હું ચારણ નહિ. ચાલો, બતાવો, ક્યાં ડૂબ્યો સાંગો?” ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ, અને કહ્યું : “સાંગો આંહીં તણાયો.” “સાંગા! બાપ સાંગા! કામળી દેવા હાલ્ય!” એવા સાદ કરી કરીને કવિ બોલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીનાં નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે, વળી પાછી રોઈ પડે છે; ત્યાં તો નદીમાં પૂર ચડ્યું, પાણીના લોઢ પછાડા ખાઈ ખાઈ કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધો : “સાંગા! કામળી દેવા હાલજે, મારી કામળી! હરિની પૂજાને મોડું થાય છે!” “આવું છું, દેવ, આવું છું!” આઘેથી એવો અવાજ આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂંછડું ઝાલીને સાંગો તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાઝી પડ્યો. એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પીને સાંગો ફરી વાર મોજાંમાં સમાયો; ઈસરદાને છેલ્લો દોહો કહ્યો :


દીધાંરી દેવળ ચડે, મત કોઈ રીસ કરે,
નાગડચાળાં ઠાકરાં, સાંગો ગોડ સરે.

[નાગડચાળાના હે ઠાકોર! તમે કોઈ રીસ કરશો મા કે હું સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણિ શા માટે બનાવું છું; કારણ કે એ તો ખરેખરો દિલદાતાર ઠર્યો. દિલનો દાતાર હોય તેનું જ ઈંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એક વાર મુખથી કહેલું દાન મરતાં મરતાં પણ દેવા માટે તરફડવું એની બલિહારી છે.]