સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ગરાસણી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગરાસણી!


ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવાં છે. તમે સાથે જશો ને?” “ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ-પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજાં સપારડાં ઘણાં છે.” ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ચાલીસ-પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરામાં સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારી જબ્બર હતો. જે ગાડાની સાથે ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાનાં હતાં. એક વેલડું, બે છોડીઓ, ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધાં હેબતપર ગામે બાને તેડવા ચાલ્યાં. હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબું ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠાં. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો. ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એનાં નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : “ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવા જેવું નથી, હો બાપા! હોશિયાર રે’જો.” ગેમાએ જવાબ દીધો : “એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ.” ગેમો નસકોરાં ગજાવવા લાગ્યો. નસકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : “ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!” ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો : “હું કોણ? હું ગેમો!” આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડાખેડુએ નજર કરી તો આઘેથી તળાવડીમાં આગના તણખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : “ગેમાભાઈ! ગફલત કરવા જેવું નથી, હો!” ગેમાનો તો એક જ જવાબ હતો : “મને ઓળખછ? હું કોણ? હું ગેમો!” ગાડાં તળાવડી નજીક પહોંચ્યાં એટલે ગાડાખેડુને દસ-બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે? એ કોણ? એ તો ગેમો! જોતજોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : “મને ઓળખો છો? હું કોણ? હું ગેમો!” ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો. એક જણે કહ્યું : “એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો.” લૂંટારાઓએ એને બેસાડીને એના હાથપગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી. એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને ‘રણગોળીટો’ કર્યો કહેવાય છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. “કોણ છે વેલ્યમાં? દાગીના ફગાવી દ્યો ઝટ!” લૂંટારાઓએ ત્રાડ દીધી. રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું બદમાશો બોલ્યા કે “ડિલ ઉપરથી ઘરેણું ઉતાર.” બાઈએ બધાં ઘરેણાં ઉતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં. “કડલાં સૉત ઉતાર.” બદમાશોએ બૂમ પાડી. બાઈ વીનવવા લાગ્યાં કે “ભાઈ, આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી, હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખમૈયા કરો ને, મારા વીરા!” “સફાઈ કર મા ને ઝટ કાઢી દે!” “ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો,” એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠાં બેઠાં પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાનાં આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણીને શૂરાતન ચડી ગયું, આડું લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠણભર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા — ચંડીરૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા — જેના પર પડે છે તેને ફરી વાર ઊઠવા નથી આપતો. અઢાર વરસની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા. ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું કે “છોડી નાખો એ બાયલાને.” છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એનાં અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ! વાહ ગરાસણી! વનનાં ઝાડવાં જોઈ રહ્યાં હતાં. ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ. રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતાં ચાલી નીકળ્યાં. સવાર પડ્યું ત્યાં મોણપરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે “બેટા, આંહીં રોકાઈ જાઓ.” “ના, મામા, મારે જલદી ઘેર પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે.” બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો. ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે. ચમક ઊપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં કે “બેટા! બહુ અઘટિત કર્યું. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત!” એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો; પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.