સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/હનુભાઈ
લાઠી ગામની સીમમાં ધોળી શેરડીનો દોઢ-દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે — જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધાણા છે કે માંહે ચકલુંય માર્ગ કરી શકે તેમ નથી. બાર-બાર મહિના થયા પટેલના ચાર દૂધમલિયા છોકરાઓએ દિવસ અને રાત કોસ હાંકી હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડી જમાવી છે. ચિચોડાની ચીસો ગાઉ ગાઉને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થાતા હોય તેમ ગામડે ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા, સાધુ કે ફકીર-ફકીરાં તો કીડિયારાંની જેમ ઊભરાણાં છે. આજ લાઠીના ધણી લાખોજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢે શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું : “પટેલ, જસદણના ધણી શેલા ખાચરની દાઢમાં ધરતીના સવાદ રહી જાય એવી શેરડી ખવરાવજો, હો કે!” પોરસીલો પટેલ ભારા ને ભારા વાઢી ડાયરાની સામે પાથરવા મંડ્યો. દરબાર શેલો ખાચર અને એના ત્રણસો અસવારો ‘હાંઉ, બા, હાંઉ!’, ‘ઢગ્ય થઉ ગી, બા, બસ કરો!’ — એમ બોલતા બોલતા માથાબંધણાંના ઊંડા ઊંડા પોલાણમાંથી ધારદાર સૂડીઓ કાઢીને એ અધમણ અધમણ ભારના સાંઠાને છોલવા મંડ્યા. પાશેર પાશેર ભારનાં માદળિયાંની ઢગલીઓ આખી પંગતમાં ખડકાવા માંડી; અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ, પોતાના મોઢામાં કેમ જાણે ચિચોડા ફરતા હોય તેમ, ચસક ચસક એ પતીકાંને ભીંસી ભીંસી ચૂસવા લાગ્યા. અમૃતરસના ઘૂંટડા પીતી પીતી કેમ જાણે દેવ-દાનવોની સભા બેસી ગઈ હોય એવી મોજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી. “વાહ લાખાજી! શેરડી તો ભારે મીઠી!” દરબાર શેલા ખાચરે વખાણ શરૂ કર્યાં. લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો : “હા, બા! મીઠપ ઠીક છે. ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામે છે.” ત્યાં કાઠી-ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો : “બા, આથી તો પછેં ગળપણનો આડો આંક આવી ગયો હો! અમૃતના રોગા ઘૂંટડા ઊતરે છે.” “હા, બા!” ફરીવાર લાખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. “તમ જેવા ભાઈઓની દયામાયા, કે લાઠીનાં લોક બાપડાં મહેનત કરીને ગદર્યે જાય છે.” પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મના બોલ બોલવાની બૂરી આદત હતી, તેથી હમણાં કંઈક બરછી જેવો બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી શેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણોય માર્યો, છતાં રંગે ચઢેલો કાઠી-ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઊઠ્યો : “ભણેં, બા લાખાજી! આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો! આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે?” લાખાજીથી ન રહેવાયું : “ખબર નથી, બા! તમારા વડવાઓનાં માથાં વાઢી વાઢીને ખાતર ભર્યું છે, એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા?” લાખાજીથી એટલું બોલાઈ ગયું, અને એનાં વેણ પડતાં તો ‘થૂ! થૂ!’ કરતા તમામ કાઠીઓ શેરડીનાં માદળિયાં થૂંકી નાખીને બેઠા થઈ ગયા. સહુની આંખો રાતીચોળ થઈ ગઈ. રંગમાં ભંગ પડ્યો, અને આંખો કાઢીને કાઠીઓ ચાલવા મંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતામાં ઘી હોમ્યું : “એ બા! લાઠીમાં બરછિયું ઘણીયુંય મળે છે. એકેક બાંધો છો તે હવે બબ્બે બાંધજો ને લાઠીને ઉખેડી નાખજો!” શેરડીનો રસ ખારો ધૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો.
ઉત્તરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીંસ થાતી આવે છે; દખણાદી દશે આંસોદર, લીલિયા અને કુંડલાનો ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે; ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ-ભીમોરા જેવાં ખાચરોનાં જોરાવર મથકો બરછી તોળીને ઊભાં છે; અને આથમણી કોર ચિત્તળ ને જેતપુરનો વાળા ડાયરો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે —
કાઠી બળ થાક્યા કરી, કટકે ત્રાઠી કેક,
(તોય) અણનમ નોઘાટી એક, (તારી) લાઠી લાખણશિયડા!
[હે લાખાજી ગોહિલ, કાઠીઓ બળ કરીને થાક્યા, ઘણાં લશ્કર તારા ગામના માથે ત્રાટક્યાં, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે; તેમ તમારી જમીન પણ નથી ઘટી.]
મારુ, માટીવટ તણું, બળ દાખછ બળ ફોડ્ય,
કાઠી ચારે કોર, (વચ્ચે) લાઠી, લાખણશિયડા!
[હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તેં તોડ્યું છે. અને તારું માટીપણું (પુરુષત્વ) પણ તું અન્યને દેખાડી રહ્યો છે. ચારેય બાજુ કાઠી છે, અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે.]
એ જોરાવર લાખાજીના લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફટાયા હોવાથી જિવાઈમાં લીંબડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઊતર્યા. એની બરછીની સાધના જબરી હતી. પીઠા ચાંદસૂર નામનો ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના એકસો ઘોડેસવારને લઈને ચડતો ને ચોમેર હાક બોલાવતો. પણ હનુભાઈ કહેતા : “જો મારી સીમમાં પીઠો ચાંદસૂર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એનાં ઘોડાં ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં.” આવાં કડક વેણ તો રણકાર કરતાં પીઠા ચાંદસૂરને કાને પહોંચ્યાં, મૂછોને ત્રણ વળ દઈને પીઠો લીંબડા લૂંટવા આવ્યો : પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈને પોતાનાં વેણ તો સ્વપ્નેય સાંભરતાં નહોતાં, એટલે એણે ગફલતમાં પોતાનાં બધાં ઘોડાં બહાર મોકલી ફક્ત પાંચ જ અસવાર લીંબડે રાખ્યા હતા. આજ લીંબડા લૂંટાયાની એને જાણ થઈ એટલે ચાર આયર અને ભગા ભૂતૈયા નામના સરદારને લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા. લીંબડાથી અઢી ગાઉ ઉપર, લાખાવાડ ગામને સીમાડે, ડુંગરાની સાંકડી નાળ્યમાં, દુશ્મનો સાથે ભેટા થયા; પણ શત્રુ પાસે જાડાં માણસો હતાં. એ ધીંગાણામાં હનુભાઈના ત્રણ આયર કામ આવ્યા, એટલે ભગા ભૂતૈયાએ હાકલ કરી : “બાપુ, હવે ભાગો.” “ફટ્ય! હનુભાઈ ભાગે?” “હા, હા; જુઓ હમણાં રંગ દેખાડું. તમને નહિ લજાવું! ફિકર કરો મા. હું વેંતમાં છું.” બેય અસવારે ઊભી નાળ્યે નીચાણમાં ઘોડાં વહેતાં મૂક્યાં. વાંસોવાંસ પીઠાએ પોતાની ઘોડી છોડી. ઊંટવઢ મારગની અંદર એ ત્રણ-ચાર ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે એકસો ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો બરાબર લગોલગ પહોંચ્યો. એક ભાલું ઝીંકે તો હનુભાઈ ધૂળ ચાટતા થાય એટલી જ વાર હતી. પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો : હનુભાઈની પીઠ ઉપર સોનાના કૂબાવાળી ઢાલ ભાળી. એણે પછવાડેથી ચીસ પાડી : “એ હનુભા, છોડી નાખ્ય, છોડી નાખ્ય — ઢાલ છોડીને નાખી દે, જો પ્રાણ વહાલા હોય તો!” પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી : “હાં બાપુ, હવે ઝીંકો બરછી.” હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળ ઝીંક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળ્યમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી, એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને એ વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો થયો. લાઠીની લાઠીધણી, ચોડી છાતીમાંય, પીઠાને પડમાંય, કાઠી ગળમીંડું કર્યું. [હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તેં દુશ્મનની છાતીમાં જ ચોડી. અને બાળકો જેમ ગળમીંડાની રમત રમીને પોતાના સામાવાળાને પોતાના કૂંડાળામાં રોકી રાખે છે, તેમ તેં પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડારૂપી કૂંડાળામાં પૂરો કર્યો.]
એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો; આવીને બોલ્યો : “બાપુ! મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું. મારા છોકરાને રાબ પાવા એક ડૂંડુંય ન રહ્યું.” “કોણે ભેળ્યું, ભાઈ?” કુંવરે પૂછ્યું. ‘કુંવર’ એ હનુભાઈનું હુલામણું નામ હતું. “ભાવનગર મહારાજ વજેસંગજીના કટકે.” “એ શી રીતે?” “મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. મારગકાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડાં ડૂંડાં હીંચકતાં હતાં. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પૉંક પાડવા ડૂંડાં વાઢ્યાં ને બાકી રહ્યું તેની, ઘોડાને જોગાણ દેવા, કોળી કોળી ભરી લીધી. હવે મારાં પારેવડાં શું ખાશે, બાપુ?” એમ કહીને કણબી રોઈ પડ્યો. કુંવર હસી પડ્યો; જવાબ દીધો : “એમાં રુએ છે શીદને, ભાઈ? એ તો વજેસંગજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય! આપણે એમનો ચારગણો બાજરો વસૂલ કરશું, લે બોલ્ય. તારો બાજરો તું કેટલો ટેવતો હતો?” “બાપુ, પચીસેક કળશી.” “બરાબર! હવે તેમાંથી સાડા બાર કળશી તો અમારા રાજભાગનો જાત ને?” “હા, બાપુ!’ “ત્યારે જા, તારા ભાગનો સાડા બાર કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા. પછી વખત આવ્યે હું અને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું.” પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડુ કરતાં વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયો.
ખળાટાણું થયું. લીંબડાને પડખે જલાલપર અને માંડવા નામે ભાવનગરનાં બે ગામ આવેલાં છે. બરાબર ખળાં ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલપર પહોંચ્યા, અને તજવીજદારને કહ્યું : “અમારો બાજરો બાપુ કઢારે લઈ ગયા છે, માટે આ ખળામાંથી ત્રણસો કળશી બાજરો આજ તમારાં ગાડાં જોડીને લીંબડે પહોંચતો કરો.” દિગ્મૂઢ થયેલા તજવીજદારે કહ્યું : “પણ બાપુ, મને કાંઈ — ” “હા, હા, તમને કાંઈ ખબર ન હોય; પણ મને તો ખબર છે ને! ઝટ બાજરો પહોંચાડો છો કે નહિ? નહિતર હું મારી મેળે ભરી લઉં?” તજવીજદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવો ત્રણસો કળશી બાજરો લીંબડે પહોંચાડ્યો, અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડ્યા. વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટ્ય આવી છે. પણ એમ પરબારા એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુભાઈને એક હોંકારે હાજર થાય તેવી તૈયારી હતી. કુંવરને શિખામણ આપવા એમણે ભાવનગર બોલાવ્યા. મહારાજા વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર દેવા જેટલી બેઅદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આકડિયાવાળા વીકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા. કચેરીમાં મહારાજાની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અદબપૂર્વક બેઠા છે. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતાં વીકાભાઈને પૂછ્યું : “વીકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપર-માંડવાનાં ખળાં ભરી ગયા!” “એ તો હોય, બાપ! એ પણ આપના જ કુંવર છે ને? એટલાં લાડ ન કરે?” વીકાભાઈએ મીઠો જવાબ વાળ્યો. “પણ, વીકાભાઈ! અવસ્થાના પ્રમાણમાં સહુ લાડ સારાં લાગે ને! અને હવે કંઈ કુંવર નાના નથી. આજ એ લાડ ન કહેવાય, પણ આળવીતરાઈ કહેવાય.” મહારાજાનાં વેણમાં જ્યારે આટલી કરડાકી આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો : “પણ મહારાજ! કુંવરે તો રાણિયુંને ઘણુંય કહ્યું કે, હાલો, આપણે બધા લાણી કરવા સીમમાં જાયીં, એટલે રોટલા જોગું કમાઈ લેશું, માણું માણું મૂલ મળશે. પણ રાણિયુંએ ગઢમાંથી કહેવરાવ્યું કે, ભૂખ્યાં મરી જાયીં તો ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું ઓઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી તો દા’ડી કરવા નહિ જાયીં; ભાવનગરને ભોંઠામણ આવે એવું કેમ કરાય?” “એટલે શું?” “બીજું શું? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો!” “કાં?” “મહારાજનાં ઘોડાંને જોગાણની તાણ પડી, ને મહારાજના સપાઈનાં છોકરાં પૉંક વિના રોતાં’તાં, તે સો વીઘાંના ખેતરનો બાજરો ભેળી દીધો!” વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઊતરી ગયો પણ મોં મલકાવીને એમણે કહ્યું : “ભલા આદમી! પચીસ કળશીને સાટે ત્રણસો કળશી બાજરો ભરી જવાય?” વીકોભાઈ કહે : “બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે સો-સો કળશી ભર્યો છે. ખેડુ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત.” “સાચું! સાચું! ખેડુનાં આંસુ તો સાચાં મોતી કહેવાય. રંગ છે તમને, કુંવર!” મહારાજાએ કુંવરની પીઠ થાબડી; રોકીને મહામૂલી પરોણાગત કરી. બપોરે મહારાજના કુંવર જસુભા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતાં રમતાં જસુભાની એક પાકી સોગઠી ઢિબાઈ ગઈ. કુંવરે જસુભાની આંગળી જોરથી દાબી કહ્યું : “યુવરાજ! અત્યારે તો અમારા — લાઠી ભાયાતોના — ગરાસ પૈસા આપી આપીને બાપુ માંડી લ્યે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે તેમ અમે એ બધાં ગામ પાછાં કઢાવશું, હો!” જસુભાની આંગળી એટલા જોરથી ભીંસાણી કે લોહીનો ટશિયો નીકળ્યો. એણે જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર આ છોકરાઓને ગરાસ ખાવા નથી દેવાનો. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા.
એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે; આઘે આઘે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીંબડા દેખાતું હતું. લીંબડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું; બાકી, આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉચ્ચારી : “જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠૂંઠું ઊભું છે તે બહુ નડે છે, હો!” “ફિકર નહિ, બાપુ! કાઢી નાખશું.” એવો માર્મિક જવાબ ગોવાળિયાઓએ વાળી દીધો. આ જેઠો અને મેરામ બાપ-દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની સાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીઓને ભળાવી દીધું. મહારાજ ઘેર આવ્યા. ફરી વાર બોલ્યા : “ગોવાળિયાઓ, મારા વાંસામાં ડાભોળિયું ખૂંચે છે, હો!” તુરત ચાકરો દોડીને પૂછવા મંડ્યા : “ક્યાં છે, બાપુ? લાવો કાઢી નાખીએ.” મહારાજ કહે : “ભા, તમે આઘા રહો. તમારું એ કામ નથી.” ગોવાળિયા બોલ્યા : “બાપુ, ડાભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રે’વું ક્યાં?” “બાપ, હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં.” “ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપાડ્યે કાઠિયાવાડ હલમલી ઊઠશે, અને ક્યાંય જીવવા નહિ આપે. પણ મહારાજે ભાવનગરનું અભયવચન આપ્યું. ઘાટ ઘડાણો. જેઠા ગોવાળિયાએ કહ્યું : “પણ, મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસુંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગંદ લીધા છે; અને હવે કેમ કરશું? મહારાજની પાસેય બોલે બંધાણા!” “બાપુ! એક રસ્તો સૂઝે છે. ખીજડિયાવાળા લાઠી-ભાયાતોની સાથે હનુભાઈને મોટું મનદુઃખ છે. આપણે લીંબડા ઉપર ન જવાય, પણ ખીજડિયાનો માલ વાળીએ; હનુભાઈ કાંઈ ખીજડિયાવાળા સારુ ચડવાના નથી. એટલે મહારાજને કહેવા થાશે કે, ‘શું કરીએ, હનુભાઈ બહાર જ ન નીકળ્યો!’ આમ પેચ કરીએ તો સહુનાં મોઢાં ઊજળાં રહે એવું છે.”
ત્રણ દિવસ થયાં હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. કોઈ પૂછે, તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે; પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. ત્રણ દિવસ પહેલાં પછેગામના કોઈ જોષી આવેલા. એણે ભવિષ્ય ભાખ્યું હતું કે, “આ ત્રણ દિવસમાં તમારે માથે ઘાત છે માટે બહાર નીકળશો મા!” હનુભાઈ બોલ્યા : “ભટજી! હું હનુભાઈ! મૉતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં? ડાયરામાં બેઠા વિના મારે ગળે કસુંબો શૅ ઊતરે?” પણ રાણી કાલાવાલા કરવા લાગ્યાં : “ત્રણ દિવસ દેખી-પેખીને શીદ બહાર જવું? ધીંગાણાનો ગોકીરો થાય તે ટાણે હું આડી ન ફરું, મારા લોહીનો ચાંદલો કરીને વળામણાં આપું. હુંય રજપૂતાણી છું. પણ ઠાલા ઠાલા જોષીનાં વેણને શીદ ઠેલવાં? અમારા ચૂડા સામું તો જરા જુઓ!” કુંવરનું હૈયું પીગળી ગયું. છાનામાના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા. આજ એ કાળ-દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ પડશે એટલે કુંવરની બેડીઓ તૂટશે. કેદમાં પડેલો ગુનેગાર પોતાના છુટકારાની છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યો હોય તેમ, કુંવર વાટ જોતા તલપી રહ્યા છે. એના નખમાંય રોગ નથી. દસેય દિશામાં કોઈ જાતના માઠા વાવડ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઊઠીને મેડીને પાછલે ગોખે દાતણ કરે છે, ત્યાં નીચેથી કાળવાણી સંભળાણી : “બંકો હનુભા કસુંબાની ચોરીએ બસ આમ બાયડિયુંની સોડ્યમાં પડ્યો રે’?” બરછી જેવાં વેણ કુંવરને કાને પડ્યાં. કુંવર ડોકું કાઢે ત્યાં નીચે ચારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કસુંબાપાણી બરાબર નહિ મળ્યા હોય, એટલે આજ અત્યારે હનુભાઈને ભાળી જવાથી એણે દાઝ કાઢી. એ ચારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો. કુંવરે જવાબ દીધો : “ગઢવા! હું લાઠી ગયો હતો. રાતે મોડો આવ્યો. ચાલો, હમણાં ડેલીએ આવું છું.” પોતે છતા થઈ ગયા! હવે કાંઈ ભરાઈ રહેવાય છે? રાણી કરગર્યાં : “અરે, રાજ! આજુની સાંજ પડવા દ્યો, પછી તમતમારે કસુંબાની છોળો ઉડાડજો! બધાનાં મે’ણાં ભાંગજો. પણ બે બદામના કાળમુખા ચારણને બોલે કાં મારાં વેણને ઠેલો! આજ મારું જમણું અંગ ફરકે છે.” પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસુંબામાં ગરકાવ છે. ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે, ખીજડિયાનો માલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડિયામાં કોઈનું ગજું નથી. “ઠીક થયું!” ડાયરામાં કોઈ બોલ્યું : “આપણા અદાવતિયાને આજ ખબર પડશે.” “બોલો મા! એવું બોલો મા! અદાવતિયા તોય મારા ભાઈ!” — એમ કહેતાં જ હનુભાઈ ઊભા થઈ ગયા. “અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપિ લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહું? ઘોડી! ઘોડી! અરે, કોઈ મારી ઘોડીને અહીં લાવો. મારા ભાઈઓને આજ ભીડ પડી છે.” છોકરો ઘોડી લેવા ગયો. રાણીજીએ મૉતના પડઘા સાંભળ્યા. રાણીજીએ કહ્યું : “એક વાર એને આંહીં મોકલો. એક વાર મોઢું જોઈ લેવા દ્યો, પછી ભલે જાય, પણ મળ્યા વિના ઘોડી છોડવા નહિ દઉં.” પણ હનુભાઈને અને કાળને છેટું પડે છે. એને ફડકો છે કે રજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે ચીસ પાડી : “ઘોડી ગઈ ઘોળી! આ વછેરાને પલાણો.” “બાપુ! હજી તાજો ચડાઉ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે?” “આજ મારું હૈયું મારા કબજામાં નથી. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. મને ઝટ વછેરો આપો!” વછેરા ઉપર સામાન માંડ્યો. હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા. જાતાં જાતાં લીંબડાના ઝાંપાને હાથ જોડ્યા. વસ્તીને છેલ્લા રામરામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો. રજપૂતાણીએ ગોખલામાંથી ડોકું કાઢ્યું. પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહિ. મારતે ઘોડે કુંવર આકડિયે આવ્યા; આકડિયે વીકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યાં : “ચોર ગાયુંને કઈ દશ્યે હાંકી ગયા?” “કુંવર, પછી કહું, પ્રથમ છાશું પીવા ઊતરો.” “ગઢવા, અટાણે — મૉતને ટાણે?” “પણ તમારે તે માલનું કામ છે કે બસ બાધવાની જ મરજી થઈ છે?” “કાં?” વીકાભાઈએ વાત કરી : “અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા; કહીને ગયા કે પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો તો આવવા દેજો, પણ કુંવર હોય તો રોકીને કહેવરાવજો એટલે એકેએક કાન ગણીને આપી દેશું. અમે આજ ન કરવાનો કામો કરી બેઠા છીએ; પણ શું કરીએ? મહારાજ આગળ જીભ કચરી છે.” “બસ ત્યારે!” કુંવર બોલ્યા : “મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે? બાકી, મારા ભાઈયુંને માથે હાથ પડે એટલે મારે મરવું જ જોવે ને, વીકાભાઈ!” હનુભાઈ છાશું પીવા રોકાયા. જ્યાં કસુંબો લિયે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વીકાભાઈની સાથે શાંતિથી કસુંબો ઘોળે છે! ફતેસંગ ન રહી શક્યા. એણે ત્રાડ નાખી : “એ કુંવર! અટાણેય કસુંબાનો સવાદ રહી ગયો કે? આ ચારણ તને ગોવાળિયા ભેળો નહિ થાવા આપે! હું જાણું છું.” એમ કહીને એણે તો ઘોડાં વાજોવાજ મારી મૂક્યાં. હનુભાઈએ સાદ કર્યો : “એ ભાઈ! ઊભો રહે, જરા સમજી લે! હું આવું છું.” પણ ફતેસંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો. હાથમાં અંજલિ ભરી હતી તે ભોંય પર ઢોળીને હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા. બોલ્યા : “બસ, વીકાભાઈ! હવે હું નહિ જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે. હું જાણું છું કે એ આખાબોલો સખણો નહિ રહે. મારા નસીબમાં આજ કસુંબો નથી, ભાઈ! મારો વછેરો લાવો!” માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછેરાએ બટકું ભરીને એની આંગળીએ લોહી કાઢ્યું. કહે : “કુંવર! લોહી — ?” “બસ વીકાભાઈ! હું જાણું છું, આજ મારે માથે કાળ ભમે છે. પણ હવે હું છટકીને ક્યાં જાઉં? હવે તો હરિ કરે તે ખરી!” ચડીને હનુભાઈ ચાલ્યા, પહોંચ્યા. ઢોર બધાં નેરામાં ઊભાં છે. ગોવાળિયા કસુંબા ઘૂંટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈને જોતાં જ ગોવાળિયા બોલ્યા : “ભલે આવ્યા, કુંવર! કાનેકાન ગણીને લઈ જાઓ. તમારી ઉપર અમારો હાથ ન હોય.” માલને વાળીને ફતેસંગ પોતાના માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસુંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે. એને માથે માથું ડોલે છે. જેઠા ગોવાળિયાએ પોતાના હાથની અંજલિ ભરી છે. હનુભાઈએ પણ પોતાના હાથમાં કસુંબો લીધો છે. બેય જણ સામસામા ‘અરે, વધુ પડતું! મરી જાઉં, બા!’ — એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું : “હે ખૂટલ કાઠી!” “હશે, બા! ગઈ ગુજરી!” જેઠો બોલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું : “કાઠીનો તે વિશ્વાસ હોય, બા? કસુંબો હવે કઈ હોંશે પીવો? ખૂટલ કાઠી!” “પત્યું, ભા! હવે એ વાત ન સંભારો!” પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી ‘કાઠી ખૂટલ’ એવો ઉચ્ચાર નીકળ્યો, ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલિ ઉડાડી નાખી અને કહ્યું : “બાપુ, સાંભળતા નથી? કઈ વારનો જે ‘ખૂટલ! ખૂટલ!’ કહ્યે જ જાય છે એને વળી કસુંબા કેવા? ઊઠો, બાળો એનું મોઢું!” હનુભાઈ બોલ્યા : “મેરામભાઈ! તું સાચું કહે છે; મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારેય રમત રમી નાખવી છે. ઊઠ! ઊઠ! સાત વાર કહું છું કે કાઠી ખૂટલ! હવે ઊઠ છ કે નહિ?” બેય જુવાનો ઘોડે ચડ્યા. બેય જણાએ ઘોડાં કૂંડાળે નાખ્યાં : આગળ મેરામ ને વાંસે કુંવર; બીજા બધાય બેઠા બેઠા જુએ છે. કુંવર હમણાં મેરામને ઝપટમાં લેશે કે લીધો, લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલાં ખરા બપોરના સૂરજને સામો જવાબ દઈ રહ્યાં છે. આસપાસની ધારો સામા હોકારા કરી રહી છે. ઘોડાની કારમી હણહણાટી અને શત્રુઓના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાંના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું છે. મેરામને માથે ભાલો ઝીંકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બોલ્યો : “એ કુંવર! છોકરાની સાથે? લાજતો નથી?” “આ લે ત્યારે ભાયડાની સાથે.” એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાનો પીછો લીધો. આગળ જેઠો, વચમાં કુંવર, પાછળ મેરામ : દુશ્મનાવટ જાગી ગઈ, મિત્રતા ભુલાઈ ગઈ. બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જડતર કરી દીધું. પણ એક અભિમન્યુને સાત જણાએ ગૂડ્યો, તેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતાં મરતાં કુંવરે આંખોની પાંપણોને પલકારે દોસ્તોને છેલ્લા રામરામ કીધા. કાઠીઓએ કુંવરના મોંમાં અંજલિ ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરશિયા જોડાણા :