સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/દસ્તાવેજ
ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળો પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજા સાથે ચાર ફેરા ફેરવી દેશું.’ વાંચતાંની જ વાર જુવાને નિસાસો મેલ્યો. શું વેશવાળ તૂટશે? પાંચ-પાંચ વરસનાં ધૂળમાં રમતાં હતાં ત્યારથી પંદર-પંદર વરસ સુધી જેનું ધ્યાન ધરેલું, તે રાજબા શું આજ બીજાને જાશે? નબાપા, નમાયા અને નિરાધાર એ રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાનાં ટીપાં વળી ગયાં. બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી. વારસામાં એને એક ખોરડું મળ્યું હતું, અને બીજું મળ્યું હતું આ બાળપણનું વેશવાળ. આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે : આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણી આવીને જૂનાં વાસણો માંજશે. રૂપાળી માંડછાંડ કરશે, મહિયરથી પટારો ભરીને કરિયાવર લાવશે, અને મામો મનેય પહેરામણી કરશે. પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી ગરાસણીના લાડકોડ, માંડછાંડ, ગારઓળીપા, કરિયાવરના પટારા અને પહેરામણી : બધાયે મલોખાંનાં માળખાંની માફક વીંખાઈ ગયાં. પૂર્વજોનું લોહી એની રગેરગમાં દોડવા લાગ્યું. મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે ‘મારી બાયડી બીજે જાય! એ કરતાં મૉત ભલું! મારું! મરું!’ પણ કોને મારે! કાટેલી તરવારને સજાવવાનાય પૈસા નહોતા. જે વાણિયાને ત્યાં જાગીર મંડાણમાં હતી તેનાં ચરણ ઝાલીને ગરાસિયો કરગરી ઊઠ્યો : “કાકા, આજ મારી લાજ રાખો. મારું મૉત બગડશે; મારી બાયડી જાશે તે પહેલાં તો મારે ઝેર પીને સૂવું પડશે. કાકા, એક હજાર આપો, મારી જાત વેચીને પણ ભરી દઈશ. આ ભવે નહિ અપાય તો ઓલ્યે ભવ તમારે પેટ જન્મ લઈને ચૂકવીશ.” પણ વાણિયો પીગળ્યો નહિ. રજપૂત આ વેપારીના હાથ ઝાલીને રગરગ્યો. એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી જાતું હતું. કાકાએ કાગળ લીધો, કંઈક લખ્યું : “લ્યો ભા, કરો આમાં સહી. અમારું તો વળી જે થાય તે ખરું.” કાગળ વાંચીને રજપૂતનું લોહી થંભી ગયું. એમાં લખ્યું હતું કે ‘એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા-બે’ન સમજીશ.’ રજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા. દસ્તાવેજની નકલ લઈને રૂપિયા એક હજાર સાથે એ ચાલ્યો ગયો. અને રાજબા એના મહિયરમાં બેઠી બેઠી શું કરે છે? ભરથારનાં સ્વપ્નાં જુએ છે. નજરે નહોતો તોયે જાણે આરસપહાણમાં કોઈ કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય, તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચીંથરેહાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે. પિયરિયામાં ગોઠતું નથી. પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે. જેઠ સુદ બીજનો આભમાં ઉદય થયો. તે વખતે જમાઈરાજે સાસરે આવીને ભર દાયરા વચ્ચે કોથળી મૂકીને કહ્યું : “લ્યો, મામા! આ રૂપિયા.” આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો. ફિટકારો દેતા દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા. સાસરિયાનાં મોં શ્યામ બન્યાં અને ઓરડાને ખૂણે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી કન્યા કંપવા લાગી કે, ‘નક્કી, મારા માવતરનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે!’
સસરાના ગામનાં ઝાડવાંને છેલ્લા રામ રામ કરી, રજપૂતાણીને વેલડામાં બેસાડી, રજપૂત પોતાને ઘેર લઈ ગયો. ધડકતે હૈયે રજપૂતાણી ઓરડામાં દાખલ થઈ. એ ઘર નહોતું, સ્મશાન હતું. જેને લૂગડે જરીયે રજ નહોતી અડી એવી લાડમાં ઊછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી. સાસુ-સસરા કે દેરનણંદ વિનાના સૂનકાર ઘરને વાળ્યું. ફરી ફરી વાળ્યું. ઓરડો આભલા સરખો ચમકી ઊઠ્યો. પચીસ-પચીસ વરસ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીંતો ઉપર લટકતા હતા, એના ઉપર ઝાપટ મારીને રજ ખંખેરી. ઓરડામાં હજારો નાનાં આભલાંનો ઝગમગાટ છવાઈ ગયો. રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંઝણો ઢોળતાં ઢોળતાં રજપૂતાણીએ થાળી જમાડી. ધરતીઢાળું મોઢું રાખીને અબોલ રજપૂતે વાળુ કરી લીધું. પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બાળતી બાળતી રજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી. સ્વામી આવ્યો; પથારીમાં તરવાર ખેંચીને પોતાની અને રજપૂતાણીની વચ્ચે ધરી દીધી, પીઠ ફેરવીને એ સૂતો. પથારીની બીજે પડખે રજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી. ઉઘાડી તરવાર આખી રાત પડી રહી. નાનકડી એક તરવાર : કરોડો ગાઉનું અંતર! એવી એવી રાતો એક પછી એક વીતવા લાગી. આખો દિવસ એકબીજાંની આંખોમાં અમી ઝરે છે. અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાતતાળીની રમતો રમે છે. અને છતાંયે રાતની પથારીમાં ખુલ્લી તરવાર કાં મુકાય? રજપૂતાણી આ સમસ્યા કેમેય કરીને ઉકેલી ન શકી. એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એકેય નિશાની નથી. સાથે જ પોઢવા આવે છે. કંઈ પરીક્ષા કરતો હશે? મર્દાનગીમાં કંઈ ખામી હશે? કંઈ મંત્ર સાધતો હશે? કંઈ ન કળાયું. હૈયું વીંધાવા લાગ્યું. અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે. એક, બે ને ત્રણ રાતો વીતી. ચોથી રાતે ઠાકોર આવ્યા. સૂતા. રજપૂતાણી ભીંતને ટેકો દઈને ઊભી રહી. મધરાત થઈ તોયે જાણે આંખનો પલકારો માર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઊભી છે. ઠાકોર બોલ્યા : “કેમ ઊભાં છો?” રજપૂતાણીની આંખમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યાં. “કેમ આંસુ પાડો છો? પિયરિયું સાંભરતું હશે!” “બહુ થયું, ઠાકોર! હવે તો હદ થઈ. પિયરિયાનું વેર શું હજીયે નથી વળી રહ્યું?” “તમારે કહેવું છે શું?” “તમે રજપૂત છો, તેમ હું પણ રજપૂતાણીનું દૂધ ધાવી છું. આખું જીવતર તરવારનાં અંતર રાખો ને! નહીં બોલું.” “ત્યારે આ શું કરો છો?” “ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગું છું. તમારા મારગમાં આડી આવતી હોઉં તો ખસીને મારગ દઉં.” “શેનો ભેદ?” “આ તરવારનો!” “રજપૂતાણી, લ્યો આ વાંચો.” વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતાં વાંચતાં તો રાજબાની આંખો, દીવામાં નવું તેલ પુરાય તેમ ઊજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું : “રંગ છે તારી જનેતાને, ઠાકોર! વાંધો નહીં.”
ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોર દી ચડ્યે છાશ પીવા આવ્યા. પોતે પરોવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલી : “હવે આમ ક્યાં સુધી બેસી રહેશો?” “ત્યારે શું હડિયું કાઢું?” રજપૂત તિરસ્કારથી હસ્યો. “આ લ્યો,” કહીને રજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો. ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો : “આનું શું કરું? કરજ ચુકાવી નાખું? બસ, ધીરજની અવધિ આવી ગઈ? રજપૂતાણી! બાયડીનાં પાલવડાં વેચીને વ્રત છોડાય?” “ઉતાવળું બોલી નાખો મા, ઠાકોર! જુઓ, આમાંથી બે ઘોડિયું લ્યો, બબ્બે જોડ પોશાક કરાવો, ને બે જોડ હથિયારની.” “બીજી જોડો કોના માટે?” “મારે માટે.” “તમારા માટે?” “હા, હા, મારે માટે, નાની હતી ત્યારે બહુ પહેર્યાં છે. તરવારો છાનીમાની સમણી છે. હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની રમતો રમતી હતી. હવે સાચો વેશ સજીશ. તમારો નાનેરો ભાઈ બનીશ.” રજપૂત રમૂજભેર જોઈ રહ્યો.
અંગે વીરનાં વસ્ત્રો-શસ્ત્રો સજીને બેય ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યા છે. વિધાતા પણ પલ વાર વિમાસણમાં પડી જાય કે આને તે મેં નારી બનાવેલ કે નર? આવી રીતે રાજબાની સૂરત બદલી ગઈ છે. આંખમાંથી લાલ ટશર ફૂટી છે. રાજધાનીના દરવાજામાં બેય ઘોડાં નાચ કરતાં કરતાં દાખલ થયાં હતાં, તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી. વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યું : “કોણ છો?” “રજપૂત છીએ.” “કેમ નીકળ્યા છો?” “શેર બાજરી સારુ.” “અહીં રહેશો?” બેય જણાંએ માથું નમાવ્યું. “સગા થાઓ છો?” “હા, નામવર, મામા-ફુઈના.” બેય રજપૂતોની ચાકરી નોંધાણી.
શિકારની સવારીમાં, બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહ વચ્ચે એક જ તસુનું અંતર હતું. પચાસ અંગરક્ષકોની તરવારો શરમાતી હતી, ત્યારે વખતસર એ સાવજના ડાચામાં કોનું ભાલું પેસી ગયું? એ ભાલું રાજબાનું હતું. સાવજ સોંસરવો વીંધાઈ ગયો. તે દિવસથી બેય રજપૂતોને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સોંપાયો. આખી રાત ચોકી દેતાં દેતાં એ રજપૂતોને એક વરસ વીત્યું; હજી વાણિયાના હજારનો જોગ નહોતો થયો. અષાઢની મેઘલી મધરાત ગળતી આવે છે. વરસ-વરસનાં વિજોગી વાદળાં આભમાં જાણે અણધાર્યાં સામાં મળ્યાં અને એકબીજાને ગળે બાથ ભીડીને પથારીમાં પોઢ્યાં છે. નયનમાંથી પ્રેમનાં આંસુ નીતરતાં હોય તેવાં વરસાદનાં ફોરાં ટપક ટપક ધરતી ઉપર પડે છે. એ મધરાતનાં મૂંગા-મધુરાં આલિંગન જાણે કે કોઈ જોતું નથી. માત્ર કોઈ કોઈ નાનકડું ચાંદરડું જ એ મેઘાડંબરના મહેલની ઝીણી ચિરાડમાંથી એની તોફાની આંખ તગતગાવીને નીરખતું મલકી રહ્યું છે. તમરાંના લહેકારની સુરીલી જમાવટ વાદળાંની ઘેરાતી આંખોમાં મીઠી નીંદર ભરી રહી છે. એકબીજાને બચ્ચી લેવાતાં, પ્રીતની ધગધગતી ગરમી પરજળી ઊઠે તેવી જાણે કે વીજળી વ્રળકે છે. સામસામાં હૈયા દબાતાં ‘હાશ! હાશ!’ના ઉદ્ગારો વછૂટે, તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે. તેવે વખતે ઝરૂખાની પરસાળમાં ચોકી દેતા બે રજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી? થાંભલીને ટેકો દઈને ઊભેલા ઠાકોરની આંખ જરાક મળી ગઈ. હાથમાં ભાલાં સોતો એ ઊભો ઊભો જ જામી ગયો. ઠકરાણી એકલી ટે’લે છે. એની આંખ આભમાં મંડાઈ ગઈ છે. એને સાંભર્યું કે અષાઢ આવ્યો, બીજો અષાઢ આવ્યો, બાર મહિના વીત્યા. આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય! વિજોગણ હું એકલી! રંગભીનો સામે ઊભો છે તોય જાણે સો જોજન આઘે ઊભો છે. વાદળાંના ગડગડાટ સાંભળ્યા. વીરાંગના કોઈ દિવસ નહોતી ડરી — સાવજની ત્રાડથીયે નહોતી ડરી — તે આજે ડરી. દોડી સ્વામીને ભેટવા. તસુ એકનું અંતર રહેતાં થંભી. પચાસ ગાઉ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંચકો માર્યો. આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ધસી આવ્યો. એ ઊભી રહી. ઊંઘતા કંથના મોં ઉપર એણે શું જોયું? કદી નહોતું જોયું તેવું રૂપ! વિયોગી, વેદનાભર્યું અને રિબાતું રૂપ! રજપૂતાણી પાછાં ડગલાં દેવા લાગી. રૂપ જોતી જાય, પાછાં ડગલાં દેતી જાય, અને વાદળાંની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડતા જાય. વીરત્વ બધું જાણે એની છાતી ભેદી, બખતર ભેદી નિસાસાને રૂપે બહાર આવ્યું. એક નિસાસો! એક જ! નિસાસો કેટલો તોલદાર હશે! ધરતી ઉપર જાણે ધબ દઈને નિસાસો પડ્યો. આભમાં અજવાળું હોત તો એ દેખાત. કઠોડા ઉપર કોણી ટેકવી અને હથેળીમાં ડોલર જેવું મોં ઘાલી રજપૂતાણી ઊભી રહી. બપૈયો જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો. ‘પિયુ! પિયુ! પિયુ!’ના પડછંદા ગાજી ઊઠ્યા. ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો. સાતેય આકાશનાં અંતર જાણે ભેદાવા લાગ્યાં :
દેશ વીજાં, પિયુ પરદેશાં, પિયુ બંધવારે વેશ,
જે દી જાશાં દેશમેં, (તે દી) બાંધવ પિયુ કરેશ.
[મારા દેશમાં આજ વીજળી થાય છે, પણ પ્રિયતમ તો પરદેશમાં છે. અરે, મારી પડખે જ છે. પણ મારા ભાઈને વેશે! જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જઈશું ત્યારે જ એને બાંધવ મટાડીને પતિ બનાવીશ. ત્યાં સુધી તો ભાઈ-બહેનનાં સગપણ સમજવાં.]
સવાર પડ્યું; હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખો ઊઘડતાં જ વાત કરી કે “આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે.” “એમ? શું? કટકા કરી નાખું.” “ના ના. કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. આ જોડીમાં એક પુરુષ છે, બીજી સ્ત્રી છે. વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે.” “દીવાની થા મા, દીવાની! જોતી નથી, બેઉની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા છે?” “પરીક્ષા કરો. પછી કોણ દીવાનું છે તે જોશો.” “તેં શા પરથી જાણ્યું?” “મધરાતે મારી નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડો નિસાસો સાંભળ્યો. દીવાલો પણ એ નિસાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહો પણ એ બોલી. એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે.” “શી રીતે પારખી શકાય?” “એ રીત હું બતાવું. બેઉ જણાને આપની પાસે દૂધ પીવા બોલાવો. એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઊભરાવા દેજો. બેમાંથી જે રજપૂત એ દૂધ ઊભરાતું જોઈને આકુળ-વ્યાકુળ બને, તેને ઓરત સમજજો. ઓરતનો જીવ જ એવો છે કે દૂધ ઊભરાતું જોઈને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા પણ નહીં કરે. આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બની ઉઘાડી પડી જશે.” બાદશાહે બેઉ રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાવ્યું. દૂધમાં ઊભરો આવ્યો. ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા, તે વિજોગણ રજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી. આકુળવ્યાકુળ બનીને બોલી ઊઠી : “એ....એ દૂધ ઊભરાય!” ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું : “તારા બાપનું ક્યાં ઊભરાય છે?” પણ ભેદ બહાર પડી ગયો. બાદશાહ બંનેને બેગમના ખંડમાં તેડી ગયો. બેગમે મોં મલકાવીને પૂછ્યું : “બોલો, બેટા, તમે બંને કોણ છો? સાચું કહેજો. બીશો નહીં. અભયવચન છે.” ગરાસણીના ગાલ ઉપર શરમના શેરડા પડી ગયા, એનાં પોપચાં ઢળી પડ્યાં. ઊઠીને એણે અદબ કરી! દીવાલની ઓથ આડે એણે પોતાની કાયા સંતાડી દીધી. ગદ્ગદ્ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી. વાણિયાના દસ્તાવેજની વાત કહી. “વાહ રજપૂત! વાહ રજપૂત!” ઉચ્ચારતો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો. એણે કહ્યું : “તમે મારાં બેટા-બેટી છો. હું હમણાં જ તમારે ગામ વાણિયાને રૂપિયા મોકલાવું છું. તમે બેઉ જણાં મારા બીજા મહેલમાં રહો. આજે મારે ઘેરથી જ ઘરસંસાર શરૂ કરો.” ત્યાં તો બેગમ દોડી. પોતાની પાસે રજપૂતાણીના મહામોલા પોશાક હતા તે લઈને હાજર કર્યા. ઠકરાણીને કહ્યું : “લે બચ્ચા, આ પહેરી લે.” બેય જણાંની આંખમાં આંસુ વહેતાં થયાં. અંજલિ જોડીને બેઉ બોલ્યા : “અન્નદાતા, અમારાં સાચાં માવતર તમે જ છો; પણ વાણિયાની પાસે જઈને નાણાં ચૂકવીએ, દસ્તાવેજનો કાગળિયો હાથોહાથ લઈ ચીરી નાખીએ, ત્યારે જ અમારાં વ્રત છૂટશે.” રજપૂત બેલડીને બાદશાહે ગાડાં ભરીને સરપાવ આપ્યો, ગામ તરફ વિદાય કરી. વાણિયાનું કરજ ચુકાવી, બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઊજવી. [કિનકેઈડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. ‘રાજવીર-કથા’ નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો જેસલમેરનો અને આશરો આપનાર ઉદેપુરના રાણા — એ રીતનું નિરૂપણ છે. કોઈ એને મારવાડની, તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી.]