સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/ભાગીરથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભાગીરથી

[બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટના પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું. એ ઘટના અને એ કાવ્યને અનુસરતો આ ચારણી પ્રસંગ અને દુહાકાવ્ય છે.] ‘અલ્લા....હુ....અક....બ્બ...ર!’ જૂનાગઢની મસીદના હજીરા ઉપરથી મુલ્લાં બે કાનમાં આંગળી નાખીને નમાજની બાંગ દેતા. મહોલ્લે મહોલ્લે એના અવાજના પડઘા ઘૂમવા લાગતા. અલ્લાના બંદાઓ દૂધ જેવા સફેદ ઝભ્ભાઓ ઝુલાવતા ઝુલાવતા મસીદમાં દાખલ થઈ બિલોરી નીરે છલકાતાં હોજમાં પગ-મોં સાફ કરી, કાબાની મહેરાબ સામે ગોઠણભેર ઝૂકવા લાગતા. બાદશાહની કચેરી વખતે જ્યારે જ્યારે એ બાંગ સંભળાતી ત્યારે કચેરીમાં એક માણસનું મોં મલકતું. એનું નામ હતું નાગાજણ ગઢવી. રા’ માંડળિકનું નિકંદન કઢાવનારી બાઈ નાગબાઈના દીકરાનો એ દીકરો. બાદશાહની કચારીમાં બિરદાઈ કરતો હતો. બાદશાહે પૂછ્યું : “બંદગીને વખતે દાંત કાઢીને મશ્કરી કોની કરી?” “મશ્કરી તો કરી આ બાંગ દેનાર મુલ્લાની.” નાગાજણે મોં મલકાવીને ખુલાસો દીધો. “શા માટે?” “આનું નામ સાચી બાંગ ન કહેવાય.” “ત્યારે બાંગ કેવી હોય?” “ખરાખરીની બાંગ દીધ્યે તો ઘોડા મોંમાંથી ઘાસ મેલી દે.” “ઐસા?” “ગાવડિયું પેટનાં વાછરુંને ધકેલી આઘાં કાઢે.” “ક્યા બાત હૈ!” “ધાવતાં છોકરાં માતાના થાનેલા મેલી દે! અરે ખાવંદ! વહેતાં પાણી થંભી જાય એવી જોરદાર બાંગ દેનાર પડ્યા છે.” પાદશાહે દાઢી પંપાળીને પૂછ્યું : “એવો કોઈ છે?” “હા, નામવર, આ અમારા રાજદેભાઈ!” નાગાજણે મોં મલકાવીને પોતાની સામે બેઠેલા ચારણ રાજદે તરફ આંગળી ચીંધાડી. રાજદે ચારણ નાગાજણ સામે તાકી રહ્યા : “હું?” “હા જ તો, રાજદેભાઈ, આપણા અન્નદાતાથી કાંઈ એવી રીતે છુપાવાય? અલ્લા ઉપર તમારા ઈમાનનો આજે પરચો દેખાડો,” નાગાજણે ઘા કાઢ્યો. “અરે! અરે! ભાઈ નાગાજણ! મારું મૉત....” “રાજદે ગઢવી!” પાદશાહે ફરમાવ્યું : “ત્યારે તો તમારે બાંગ બોલાવવી પડશે. આજે જ તમારો ઈલમ બતાવો.” “અન્નદાતા, બોલો ના; હું દેવીપુત્ર ચારણ, મારે ખંભે જનોઈ : અવતાર ધરી મેં બાંગ બોલાવી નથી કદી.” “માનશો મા, પાદશાહ!” નાગાજણે પોતાની અદાવતના પાસા નાખ્યા : “રાજદેભાઈની બાંગ તો ખલકમાં મશહૂર છે.” પાદશાહે હઠ પકડી. રાજદેના કાલાવાલા માન્યા નહિ. “નાગાજણ!’ રાજદેએ તીરછી નજરે નાગાજણને કહ્યું : “કાળા કામના કરનારા, આજ તેં મારું જીવતર બગડાવ્યું. પણ જોજે હો! હું કૂતરાને મૉતે નહિ મરું.” સાંજનો પહોર થયો. મસ્જિદના ચોગાનમાં મુસ્લિમોની ગિરદી જામી છે, રાજદેભાઈ ધીરે ધીરે ચાલ્યો આવે છે; હજીરા ઉપર રાજદે ચડ્યો, કાનમાં આંગળી દીધી, અને “અલ્લા...હુ....”નો અવાજ જ્યાં ઊપડ્યો અને ધોરિયાનાં પાણી થંભ્યાં, ઘોડાએ તરણાં મેલ્યાં, ધાવતાં છોકરાંએ માનાં થાન છોડ્યાં. મુસ્લિમોમાંથી અવાજ ઊઠ્યો કે : “રાજદે પીર! આજથી તમે રાજદે પીર!” હજીરા પરથી ચારણ ઊતરવા લાગ્યો. ત્રીજે પગથિયે આવ્યો ત્યાં નીચે ઊભેલા દુશ્મન નાગાજણે ઘા કરી લીધો : “રાજદેભાઈ, તમને દફન કરવા કે દેન દેવું?” સાંભળી રાજદે ત્રણે પગથિયાં પાછો ચડ્યો. હાથ જોડી હજીરા ઉપરથી જ એણે ગળતે સૂરે દુહા ઉપાડ્યા :

કાયા લાગો કાટ, શીકલીગર સુધરે નહિ,
નિરમળ હોય નરાટ, ભેટવા તવ ભાગીરથી.

[ઓ માતા ભાગીરથી, હું ક્યાં જાઉં? કાટેલાં લોઢાંને તો સજાવીયે શકાય, પણ આ માનવકાયાને લાગેલા કાટ તો કોઈ સરાણિયો નિવારી શકતો નથી. ઓ મા, એ તો તને ભેટે ત્યારે જ નિર્મળ બનશે. માટે તું આજ આવીને મારી આ ભ્રષ્ટ કાયાને નિખારી નાખજે.]

ગંગાજળ ગટકેહ, નર લટકે પીધો નહિ,
ભવસાગર ભટકેહ, ભૂત હુવા ભાગીરથી.

[હે મૈયા, નીચે નમી નમીને તારા ગંગાજળના ઘૂંટડા જેણે પીધા નથી, તે માનવી ભવસાગરમાં ભૂત સરજાઈને ભટક્યા જ કરે છે. પણ હું આજ તારા પ્રવાહ પાસે કેમ કરીને પહોંચું? મારી ઘડીઓ ગણાય છે.]

ગંગાધારે જાય, પંગોદિક પાણી પીવે,
માનવીઆંરાં માય, ભાગ્ય વડાં ભાગીરથી.

[ઓ માતા, નીરોગી માનવોની તો વાત દૂર રહી, પણ કોઢિયાં કે પાંગળાંય જો તારા ઘાટ પર આવીને તારું નીર ચાખે, તો તેવાં માનવીઓનાં પણ ભાગ્ય ઊઘડી જાય છે, ત્યારે મારા સરીખા નિષ્પાપની આવી ગતિ કાં, જનની?]

ઉઘાડે જઈને ઊંડે, જળમાં આંખ્યું જે,
તેનો વંશ તેડે, વૈકુંઠ મૂકે વણારસી.

[વળી સાંભળ્યું છે, માતા, કે તારા પ્રવાહમાં ડૂબકી મારીને જે માનવી આંખો ઉઘાડે, તેને એકને તો શું પણ તેના આખા વંશને તું વૈકુંઠમાં તેડી જાય છે, દેવી!] ગાતા ચારણનો રુધિરની ધારાઓમાં ભીંજાયેલો દેહ મિનારા પર ઊભો ઊભો આથમતા તેજમાં ભાગીરથી માતાની કીર્તિના જાપ એક પછી એક ઉચ્ચારતો જાય છે. મેદની આખી આ માનવીના લલકારને સમજ્યે-વગરસમજ્યે ઝીલી રહી છે; પણ એના શરીરે હલી શેનું વહી રહ્યું છે? એણે ચલાવ્યું —

પાગે જો તળિયું પડે, જાહ્નવી દશ જાતે,
(એને) પરિયું પીંગલું કરે, વાસર ઢોળે વણારસી.

[માતા, તારી દિશામાં ચાલતાં ચાલતાં જેના પગની પાનીઓ તળાઈ જાય છે, એવાં માનવીને તો અમરાપુરીની અંદર અપ્સરાઓ પગચંપી કરી, પવન ઢોળવા તૈયાર ઊભી છે પણ તારો તે શો ઈલાજ! તારા ધામ સામે હું શી રીતે ડગલું દઉં? બોલો, માડી હોંકારો આપો.] મિનારો ઝૂલવા લાગ્યો. પ્રાર્થનાના સૂર ખેંચાવા લાગ્યા :

જાતલનાં અઘ જાય, જાતલ ને જુવાતલ તણાં,
પાણી પણગામાં માંય, થે વૈકુંઠ વણારસી.

[માડી, તું કેટલી પ્રબળ પાપહારિણી! કેટલી સમર્થ તું! તારા ધામમાં આવીને જાત્રા કરી જનારાઓનાં તો પાપ જાય, પણ એ જાત્રાળુઓને જોવા જનારા સુધ્ધાંયે, તારા નીરનું એક ટીપું પામતાં જ વૈકુંઠ પહોંચી જાય છે, મા, મારી ઓધારણ તું નહિ થા, તો હું કોનું શરણ શોધીશ?] ધરતીના પથરા ખસવા માંડે છે.

હાથે જળ હિલ્લોળ, માથે લઈ મંજન કરે,
પામે વૈકુંઠ પ્રોળ, ભેટંતાં ભાગીરથી.

[માતા, તારાં નીરને હાથથી ઉછાળી મસ્તક પર સ્નાન કરતાં જ વૈકુંઠની પોળમાં વાસ મળે છે. મને પણ તારી એક જ અંજલિ આપી દે. મારો મનુષ્ય-અવતાર સુધારી લઉં.]

આવીને અહત્ર તણો, ઘસે કટકો જો ઘાટ,
(તો) ખેંચે હીંડોળાખાટ, વૈકુંઠ પરિયું વણારસી.

[તારા ઘાટ ઉપર આવીને ચંદનનો એક કટકો ઘસનાર શ્રદ્ધાળુને પણ, ઓ જનની, વૈકુંઠની પરીઓ હીંડોળે ઝુલાવે તેવો તારો પ્રતાપ ગાઉં છું. મને ઉગારવા ધાજે! આજે મારું મૉત બગડે છે.] મસીદના ચોગાનની ચિરાયેલી ધરતીમાંથી છેક પાતાળે પાણી ઝબૂકી ઊઠ્યાં. રાજદેની પ્રાર્થનાના સૂર કાંપવા લાગ્યા.

પ્રાણી દેહ પડે, ગંગાજળ નામે ગળે,
ચટ વૈમાન ચડે, વૈકુંઠ જાય વણારસી.

[રે માતા, તારા નીરમાં નાહનારાંની કે એનેય મળનારાંઓની જ માત્ર સદ્ગતિ થાય છે એમ નથી; પણ — ]

હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,
(તો) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી.

[ઓ મા, જીવતાંયે છો ન પહોંચાય; મૃત દેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય; અરે જેના અંગનાં હાડકાંનો એક ટુકડો પણ તારા કિનારા પર પહોંચે તે માનવીના કુળમાંયે કોઈ ભૂત ન સરજે; પરંતુ મારા હાડપિંજરની એક કણીયે ક્યાંથી તારી પાસે પહોંચશે? મારી અનુકંપા લાવીને મને આંહીં જ આવી પાવન કરી જા, મૈયા!] પાતાળમાંથી પાણી આવે છે. ઊંચે ને ઊંચે ચડતું આવે છે. ઊની વરાળો નીસરે છે. રાજદેનો કંઠ ગળવા લાગે છે.

ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં,
માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.

[રે માતા, તારા નીરમાં નાહનાર, તારું એક બિંદુ પણ પામનાર, કે તારા પંથે પળનાર માનવીની તે શી વાત કરું? હાડકાનો એક ટુકડો પહોંચાડીનેય ભૂતયોનિમાંથી ઊગરી જવાય. એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે? તારા ઉપર થઈને તો આ આભમાં ઊડનારાં પંખીઓ પણ, માત્ર તેઓની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય એવો તારા પુણ્યનો પ્રતાપ છે. ને તેમાંથી હું જ બાતલ રહી જઈશ?]

ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા,
નરલોક, સુરલોક, નાગ, તારેવા ત્રણે ભવન.

[માનવલોક, દેવલોક અને નાગલોક : આકાશ પૃથ્વી અને પાતાળ : એ ત્રણે દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી; અને શું મારાં જ મંદ ભાગ્ય, માડી? હું તો તને પડવા નહિ, ચડવા બોલાવું છું.]

પાસે મર ઊભો પિતા, હર સારીખો હોય,
(પણ) મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.

[આજે મૃત્યુકાળે ભલે, ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી હો તો તો જાણે કે જનેતાવિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જાશે. માટે હે, માતા, આવો! આવો! આવો!]

મોડો આયો માય, તેં ભેગો ઈ જ તારિયો,
પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી.

[ઓ માતા, આજ હું મોડો મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારાઓને તત્કાળ તારનારી છો, પણ મને કદાપિ તારીશ નહિ તોયે શું? મને ભલે તારા સ્પર્શે સ્વર્ગ ન મળે. હું તો તારે ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ.] એટલું કહીને રાજદે ચારણે કમર પરથી ભેટ છોડી. સૌ તાજુબ બનીને જોઈ રહ્યા. ચારણ પોતાના પેટમાં કટાર ભોંકીને પછી જ બાંગ દેવા આવ્યો હતો. એ જ ટાણે ધરતીમાંથી મારગ કરીને નદીજળ ઊછળ્યાં, હજીરાનાં પગથિયાં પછી પગથિયાં ચડ્યાં ને રાજદે ચારણને માથાંબોળ નવરાવીને ધરતીમાં પાછાં સમાણાં — ચારણનો દેહ પડ્યો.

*

[આ ઘટના જૂનાગઢમાં બની કે અમદાવાદમાં તે બતાવનારું પ્રમાણ શોધાયું નથી. કહેવાય છે કે ઘટનાસ્થળ પર રાજદે પીરની મસીદ અને શંકરનું દેવળ : બંને સાથે ઊભા છે.] એ કથાને લગતું એક ચારણી કાવ્ય —

એક સમે વાત મેહમદશાહ આગે અડી,
સરા વેગે ગિયે મેજત માથે ચડી,
બળાક્રમ ગેલવે દિયંતા બાંગડી,
બાળ છાંડે ગિયાં માતરી બીંટડી.          [1]
[એક સમયે મહંમદશાહની પાસે વાત આવી. ચારણ વેગથી મિનારા પર ચડી ગયો. બળવાન કર્મો કરનાર રાજદે ગેલવાએ બાંગ દીધી. ત્યાં તો બાળકોએ માતાનાં સ્તનો છોડી દીધાં.]
તરણ અસ ચરન્તા રિયા જક્કે તકે,
ધકાવે વાછરુ ગાઉં મારે ધકે,
સરેરે રાજડે કરવો સાદ કે,
છત્રાળો પાતશા રિયો ભાળ્યે છકે.          [2]
[અશ્વો તરણાં ચરતા ચરતા જ્યાં હતા ત્યાં જ થંભી રહ્યા. ગાયો પોતાનાં વાછરડાંને ધકેલવા લાગી. રાજદે ચારણે જ્યારે સાદ દીધો ત્યારે છત્રપતિ બાદશાહ પણ છક થઈને જોઈ રહ્યો.]
થિરા ગત કરંતા આભ ઝાંખો થિયો,
લાજ કજ વરણરી દાઢ આગે લિયો,
હજીરા ઉપરથી રાજદે હાલિયો,
પંડ ભૂકા કરી શાહ આગે પિયો.          [3]
[આ દૃશ્ય દેખીને (સૂર્યે) પોતાની ગતિ સ્થિર કરી દીધી. આકાશ ઝાંખું પડ્યું. (રાજદેએ) પોતાના (ચારણ) વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર (દાઢ) પેટમાં લીધી. હજીરા પરથી રાજદે ચાલ્યો અને પોતાના દેહના ચૂરા કરી પોતે પાદશાહની સંમુખ પછડાયો.]
ફાટ મસિતાં અને ગંગજળ ફેલિયો,
કમલ છાંડે પછી સ્નાન લાંગે કિયો,
બાલવો નરોવર અણી પર બોલિયો,
ગઢવિયાં રૂપ એ સરગ માજળ ગિયો.          [4]
[મસીદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું, પોતાનું મસ્તક-કમળ છેદીને રાજદે લાંગવદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર ચારણ બાલવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન એ રાજદે સ્વર્ગમાં સંચર્યો.]
[ભાગીરથીના દુહાઓ : રાજદે ચારણે રચેલા તમામ દુહાઓ તો મળતા નથી, અને આ વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય ચારણોના રચેલા હોવાની આશંકા બતાવાય છે. દુહાઓની જૂની-નવી ભાષા પરથી પણ આ સંદેહ દૃઢ થાય છે.]