સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/દેહના ચૂરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દેહના ચૂરા

નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં : અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ : એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે. અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીનાં પડો નીચે સમાતો, ક્યાંક થોડો બહાર દેખાતો, ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો, રાજુલાનો ડુંગર, સોમનાથનો ડુંગર, કાતરધાર અને ધુંવાસનો ડુંગર, એવાં એવાં નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે. ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈ વળે છે. એ આખીય શિખરમાળાએ મોટાં ફળ-ઝાડ કે બહોળી નદીઓનાં નીર નિપજાવ્યાં નથી. માત્ર બાવળ અને કેરડાની ઝાડીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે. છતાં એણે જોગીદાસ બહારવટિયાને ઓથ દીધી છે અને ચારણો, આહીરોની ગાયો-ભેંસોને અખૂટ ઘાસનું અક્ષયપાત્ર દીધું છે. એ આખી ડુંગરમાળનો સાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે એંસી વીઘાની જમીન પર પલોંઠી વાળીને બેઠો છે. આખોય ડુંગર ‘પોલો’ કહેવાય છે, કેમ કે એની અંદર અનેક ભોંયરાં છે. અંધારા, સાંકડાં, હિંસક પ્રાણીઓને છુપાવવાનાં ભોંયરાં નહિ, પણ સરખેસરખા કંડારેલા ઓરડાઓ, જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈ જઈને ઉતારા કરે છે. એક પણ ગુફા અણસરખી કે અણઘડ રીતે કોરેલી નથી. તમામને કોઈ પ્રવીણ કારીગરે શોભીતા, પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે. ફક્ત બારણાં જ ચડાવવાં બાકી હોય એવાં સરખાં તો પથ્થરનાં બારસાખ છે. ત્રણ-ત્રણ ઓરડે અક્કેક મીઠા પાણીનું ટાંકું છે. એ ટાંકાં કેટલાં ઊંડાં છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી. ગુફાએ ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે. એ બધુંયે પથ્થરોમાંથી કંડારી લીધેલું છે. કહે છે કે આંહીં પાંડવો વસતા. સાચેસાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે. પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી. આપણે તો દોઢસો-બસો વરસ પૂર્વેની એક પ્રેમકથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભારીએ છીએ. આપણને નથી માલૂમ કે અક્ષર ન લખી જાણનારી એ કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીંતો ઉપર એકાંતે બેઠાં બેઠાં પોતાના પ્રેમીજન રાણા રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલાઘેલા લીટા કર્યા હશે! ચભાડ આહીરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોડિયે ભરનીંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે. ધુંવાસના ડુંગર ઉપરથી ટાઢે પહોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે. ગીતનાં વેણ તો હો....હે....હૂ...હે.... સિવાય બીજાં કોઈ સમજાતાં નથી, પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઊઠે છે. એકાંતે વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સૂરો કાઢી અડખે-પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે. એક માનવી ગાય, અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય, એવી સરજુઓ ગવાય છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. નવરંગી ઝગારા કરતાં નક્ષત્રો પણ નૃત્ય કરતાં કરતાં ધરતીની સરજુ સાંભળે છે. સાંભળતી સાંભળતી આહીર-કન્યા કુંવર કાગાનીંદરમાં ઢળે છે. ઊઠવાનું મન થાય છે, પણ ઉઠાતું નથી. સરજુના સૂર હવામાં તરે એવાં હળવાં છતાં કુંવરનાં પોપચાં ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે. આંખડીઓ ઊઘડી ઊઘડીને ઘેરાય છે. આભમાંથી બે તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દીસે છે. પ્રભાતે ટાંકાને કાંઠે પાણી ભરતી પનિયારીઓની વચ્ચે વાતો થતી હતી, તે કુંવર મૂંગી મૂંગી સાંભળે છે : “આટલું બધું વહેલું ઈ કોણ આરડે છે?” “ઓલ્યો વાંગરનો રબારડો રાણો : આંહીં ધુંવાસને ડુંગરે ભેંસું લઈને આવ્યો છે.” “અધરાતુંનો ઊંઘવા જ દેતો નથી.” “અને દીએ જોયો હોય તોય બી મરીએ એવો છે. વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજા જોઈ લ્યો!” સરજુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વળગ્યું. રોજ ભાંગતી રાતે એની નીંદર ઊડી જાય છે. અને ધુંવાસના શિખર ઉપર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઊભેલો એક શ્યામવરણો જુવાન રબારી હીરે મઢેલા આભ સામે નજર રાખી ફુલાવેલી છાતીએ માતાનાં અકળ અગમ ભજનો ગાતો હોય, એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે. સરજુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે. પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સૂરથી બંધાઈ. પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાનાર રબારીને નજરોનજર જોયો. પોતાના ભાઈ બાપ પણ ખાડું ઘોળીને સાણાના ડુંગરમાં ધુંવાસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સહુની ભેંસો ભેળી થઈને ચરે છે. માંદણાં ખૂંદે છે, મૂંગી મૂંગી જાણે રાણા-કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે. નાનાં ઝાડવાંની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ-બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બૂડી ગઈ. કાળો મેહુલો, કાળી કોયલ, ધોળાં અમૃત દેનાર કાળી ભેંસો, કાળો વાસુકિ નાગ, કાળો ભમરો એવી એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામસુંદર રબારી રાણો પણ મળી ગયો. કુંવરને જોઈ ત્યારથી રોજરોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાનાં ખાડુંને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતાં તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને, એટલી નજર કરીને દુહા રેલાવ્યે જાય છે :

રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં,
આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં.

[આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.]

કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,
(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય.

[કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.]

બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,
હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.

[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.]

બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા,
ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને.

[આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકાં (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે!]

બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું,
મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની.
બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે,
છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની.

[બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાંપોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.] એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. એ માયામમતા બાંધતાં બાંધતાં અબુધ પ્રેમીઓને એટલું પણ ભાન ન રહ્યું કે બન્નેની જાતો જુદી છે : એક રબારી, ને બીજી છે ચભાડ આહીરની દીકરી : મીટેમીટ મિલાવી બેય જણાંએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ છેદાઈ ગયા. રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે-લૂગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે. પોતાને રીઝવવા માટે જ જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસ ત્રણ રોટલા ચડાવ્યા, તોય જાણે ભૂખ રહી ગઈ. ઝરણાને કાંઠે જઈને કુંવર તાંસળીઓ ઊટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો. પાણીનો ખોબો ભરતાં ભરતાં રાણાએ પૂછ્યું : “આજ જનમગાંઠ લાગે છે, કુંવર!” નીચાં નેણ ઢાળીને કુંવરે કહી દીધું કે “હવેથી મને બોલાવીશ મા, રાણા! કાંઈક રીત રાખતો જા.” “કાં?” “મારું સગપણ થયું છે.” એમ કહીને એણે અરધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું. “ઠીક, જીતવા!” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી. થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો!

રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં,
સાજણ ઘેરે સામટે, આણાત ઊઘલિયાં.

[જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ રૂડાં કેશૂડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.] ભલે જાય! ભલે જાય! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય! એ પરાઈ બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય — આપણે ઘેર કે બીજાને ઘેર — એને ઈશ્વર સુખી જ કરજો!

બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ,
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ.

[અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.] પણ —

થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ,
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.

[ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.] અને વળી —

કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ,
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ.
પણ —
હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ,
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.

હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો!

*

મેલ્યું વાંગર ને માઢિયું, મેલી મવાની બજાર,
ડગલાં દી ને રાત, ભરવા પડે ભેરાઈનાં.

રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વહેવાર નથી રહ્યો, છતાં પણ કુંવર ન જાણે તેમ એને નીરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહિ. એણે સદાને માટે પોતાનાં ગામ વાંગર ને માઢિયું[1] તજી દીધાં. મહુવા[2]ની બજારે હટાણું કરવાનું ધુંવાસને ડુંગરથી છેટું થઈ પડ્યું. એટલે વારે વારે ઘી વેચવા ને કપાસિયા લેવા રાણો ભેરાઈ[3] બંદરે જવા લાગ્યો.

રાણો કે’ રહિયું નહીં, તનડું ટેક ધરી,
કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું.

મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી, વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો, અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું?

જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય,
ખોરડ ખાવા ધાય, મન વાર્યું વરે નહિ.

જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલાં, જૂના નેસડામાં રહેનારાં ભેરાઈવાળાં આહીરિયાં ત્યાંથી ઉચાળા ભરીને ઊપડી ગયાં હતાં. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી-પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભમ્યો પણ —

કાગા જમત હે આંગણે, ખનખન પથારા,
સાણા, સાજણ ક્યાં ગિયાં, મેલીને ઉતારા?

ત્યાંયે એ છિન્નભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજ્જડ, નિર્જન છે. રાણો સાણા ડુંગરને પૂછે છે, ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં?’ સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો : ‘ચાલ્યાં ગયાં!’ રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધ્યગીરમાં પેઠો. રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા-ચૂંકા વળાંક લેતી, ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે :

ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ,
રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુજાં સેણ.

[હે રાવલ નદી, જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ?] કોઈએ જવાબ આપ્યો નહિ. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂનાં ભીંતડાં ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે, તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો.

*

કુંવરને ક્યાં લઈ ગયા હતા? નાંદીવેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરનાં સાસરિયાંને મળ્યા જ કરતા હતા, અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધાં નાંદીવેલે નિરાંત કરીને રહ્યાં.

સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ,
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.

સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે, અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કહેવરાવે છે કે રાણા, અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે, ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવેલે આવજે. એમ થાતાં થાતાં તો —

આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ,
રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.

[આસમાનમાં મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો સાંભર્યો, કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.]

કોટે મોર કણુકિયા, વાદળ ઝબૂકી વીજ,
રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.

[ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજનાં દર્શન કરતો હશે; અત્યારે અમારી બન્નેની નજરું ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે; હાશ! આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો! એવું ચિંતવી ચિંતવીને બીજચંદ્રનાં દર્શન કરે છે.]

રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,
ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.

[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠી છે. વટેમાર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહિ, ફક્ત રામરામ કહેવરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે —

રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,
છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!

[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] અને —

રાખડિયું રાણા, બળેવની બાંધી રહી,
છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે.

[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો :

સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે.

સાણામાં દિલ જંપ્યું નહિ. ત્યાંથી બે ગાઉ ધુંવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા, અને કુળલાજ વારેવારે આડી આવીને ઊભી રહેવા લાગી. છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી, રાણાનું રડતું હૃદય, સીધેસીધું નહિ પણ આંટા લેતું, અચકાતું અચકાતું, જોરાવરીથી ખેંચાતું ખેંચાતું, આખરે નાંદીવેલામાં આવ્યું. આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે —

કુંવર ઊછળે તો મર ઊછળ, (તું) શીદ ઊછળછ સાણા,
કુંવરને કાલ્ય મનાવશું, (તું) પડ્યો રે’ને પાણા!

[હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે. એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે?]

*

કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંયે અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં ને ભીતરમાં સડસડી રહી છે. એમ કરતાં કરતાં કુંવરનાં આહારપાણી પણ ઓછાં થઈ ગયાં. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું. સ્વામી પૂછે છે : “આ શું થયું?” કુંવર કહે છે : “શી ખબર?” સ્વામીએ શરીર તપાસ્યું. અબુધ માણસે રોગ પારખ્યો : વહુને સારણગાંઠ થઈ છે! સાંભળીને મનમાં કુંવર બોલી : સારણગાંઠ્યું, સગા, કાળજની કળાય નૈ, (એનાં) ઓસડ અલબેલા, રાણાની આગળ રિયાં. [હે મારા નાદાન સ્વામી (સગા), એ સારણગાંઠો તો કાળજાની અંદર થઈ છે. તને એ નહિ દેખાય, અને એની દવા પણ કોઈ પાસે નથી. એ ઓસડ તો અલબેલા રાણાની પાસે જ રહ્યું.] પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું : એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ!” અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી, એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂપ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ.

*

સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો. ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલીચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા! કા! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે!

ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે,
કે’ને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી?

[હે કાગડા, તું આ વન વીંધીને ક્યાંથી આવે છે? તેં કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે કુંવર જઈને ઊતરી છે, હે કાગારાણા? મારી કુંવરને તું પિછાને છે?]

પાતળપેટાં, પીળરંગાં, પસવને પારે,
કુંવર કુંપો કાચનો, ઊતર્યાં કિયે આરે?

[પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે; રંગ તો ચંપકવરણો પીળો છે; પસવ નામના પ્રાણી જેવી સુંવાળી તો એની કાયા છે; કાચના શીશા સરખી નાજુક છે; એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે કાગારાણા?]

અને, હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે —
ગર લગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પિયો,
કાગા ભણજો કુંવરને, રાણો ચાચઈએ રિયો.

રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથપગ ગળી ગયા છે એનું પેટ વધી ગયું છે અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહિ થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો! કૉ! કૉ! કૉ! કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઊડી ગયો, અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાંનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચાં બિડાતાં નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે.

રાણા જોને રાત, પૃથવીને પોરો થયો,
(પણ) ન સૂવે નીંદરમાંય, હૈયું કાંકણહારનું.

[હે રાણા, આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ ને માનવી પોઢી જાય છે. નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સરજાયા છે.] અને હાય રે! આ બધાં વીતકો ક્યાંથી વીત્યાં? મેં શા માટે ડાંગર, માંઢિયું ને ડોળિયું જેવાં વતનનાં ગામડાં મૂકીને આ ગીરના મારગ લીધા?

આછર પાણી આંબડે, ચરવા કંકોળેલ કાસ,
મેયુંને નો મેલાવિયેં, ડોળેસરનો વાસ.

[આંબડા કૂવાનાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ : એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો?] હાડકાંના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે. હવે પોતાના પ્રાણ ઝાઝા દિવસ ટકશે એવી એને આશા નથી. પોતાની પથારી વીંટીને બેઠેલી ભેંસોને પોતે હાથ જોડીને વારંવાર વીનવે છે કે ‘માતાજિયું! હવે તમે તમારે માર્ગે ચડી જાઓ, કોઈ ઘરધણીનો આશરો ગોતી લ્યો. હું તો હવે તમને સાચવી નહિ શકું.’ પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જાતી. એનો ચારનારો પથારીએ પડ્યો છે. એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠેય પહોર ચોકી કરે છે. રાત પૂરી થવા આવી છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. રાત્રિ જાણે કોઈ જુગજુગની વિજોગણ હોય અને એના કાળાભમ્મર કેશ વીખરાઈ પડ્યા હોય એવું અંધારું આખી ગીર ઉપર પથરાયું છે. એવે પરોડિયે જાણે તારોડિયા, ઝાડવાં ને ડુંગરા એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સાંભળવા માટે ટાંપીને બેસી રહ્યાં છે. પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે. કુંવર! કુંવર! કુંવર! એવા ઉચ્ચાર ચાલે છે, અને સૂતેલા રાણાને કાને કાગાનીંદરમાં ભણકારા આવે છે : ‘રાણા! રાણા! રાણા!’ ઝબકીને જાગ્યો : “કોણ ઈ?” સામે હાડપિંજરે જવાબ દીધો : “હું કુંવર!” બન્ને જણાં સપનામાં હોય તેમ સામસામાં મીટ માંડી રહ્યાં. જુએ છે, પણ મનાતું નથી : અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડપિંજરો સૂમસામ ઊભાં રહ્યાં. પરોઢની કિરણ્યો ઊઘડી. બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા. રાણાએ કુંવરનું ઉઘાડું, ઓઢણા વિનાનું અંગ દીઠું. “અરર! કુંવર, આ શું!’

(તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી કોણે ચોડિયાં?
કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની.

[તારા ફૂલ સમા દેહ ઉપર, ઓ ચભાડ જાતના આહીરની દીકરી, આ ડામ કોણે દીધાં? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે તારી કાયા બગાડી?] “અને રાણા! તારે શરીરે આ શું થયું?” આંસુભરી આંખે કુંવરે પૂછ્યું. “કાંઈ નહિ, કાંઈ નહિ, આપણા બેયનાં કાળલગ્નની આ તિથિ આવી. બેયને વિધાતાએ પીઠી ચોળી દીધી છે. વાહ આપણાં રૂપ! જગતનાં કયાં જોડલાં આવાં રૂપાળા હતાં!” “રાણા! ભાગીને આવી છું. પણ મરવા આવી છું. લગન કરીને ઘરસંસાર માંડવા નથી આવી હો!” “હું સમજું છું, કુંવર! આ ભવમાં ઘરસંસાર હવે મંડાઈ રહ્યા. હવે છેલ્લે ક્યારે પાણી છે. જીવવા સારુ ભેળાં થવાય નહિ. આવ, બેસ, બથ ભરીને મરવા દે.” “હાં! હાં! રાણા! હાડકાં ખડખડી પડશે.”

રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહિ,
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.

બંનેએ પરસ્પર આલિંગન લીધાં. થોડી વારે બન્નેનાં ખોળિયામાંથી ભીંસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડાં જેવાં બે શરીરો સામસામાં બથમાં ભીંસાઈને વળગી રહ્યાં.

*

આ રીતના મૃત્યુની બીનાનો, મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે. તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે — રાણો સોડ્ય તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી. એણે ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો. પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સૂતાં સૂતાં જ કહ્યું : “હવે રેવા દ્યો ને, માવડી!” ‘માવડી’ શબ્દ સાંભળતાં જ કુંવરથી બોલાઈ ગયું : “એ તો હું કુંવર છું, રાણા!” “તું કુંવર? બસ, થઈ રહ્યું, મેં તને માવડી કહીને બોલાવી. હવે મારી માબહેન થઈ ચૂકી.” પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બહેન કરીને રાખી. એના દાઢીવાળાને (પતિને) બોલાવ્યો. કુંવરને મોટો કરિયાવર કર્યો અને પાછી ઘેર વળાવી. ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સહુ ભેરાઈ ગયાં. કુંવરે રાણાને કહેવરાવ્યું : “ભાઈ, હવે આંહીં આવીને તું રહે, તો મારું કાળજું ઠરે.” રાણાએ જવાબ કહાવ્યો :

આછર પાણી આંબડે, ચરવા કંકોળેળ કાસ,
મેયુંને નો મેલાવીએં, ડોળેસરનો વાસ.

[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કૂવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહિ દઉં. વળી,]

મેયું, દાદર ને માછલાં, (એને) પાણી હુંદો પ્યાર,
રાણો કે’ રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.

[ભેંસો, દેડકાં અને માછલાં : એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવાં પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢાં ન મેલાય.]


  1. ભાવનગર જિલ્લાનાં ગામ.
  2. ભાવનગર જિલ્લાનાં ગામ.
  3. જૂનાગઢનું ગામ.