સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/સુહિણી-મેહાર
સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાંની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સાહડ હતું. એ ક્યાંથી આવ્યો છે ને એનાં મા-બાપ કોણ છે તેની ખબર કાંઈ પડતી નહિ. ગામનાં લોકો એને ‘મેહાર’ કહીને જ બોલાવતાં. મે-હાર એટલે ભેંસોનો ગોવાળ તોલા કુંભારની જુવાન દીકરી સુહિણી એને ‘નબાપો’ કહીને ઘણી ઘણી વાર મેણાં દેતી. મેહારને એ મુખનાં મેણાં મીઠાં લાગતાં. મોં દેખાય એવી ઊજળી ઊટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી સુહિણી એક દિવસ બપોરે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંસીની મોજ માણતા મેહારને બૂમો પર બૂમો પાડવા લાગી : “મેહાર! ઓ મેહારડા!” બેઘડી તો મેહાર સાંભળતો નથી. વાંસળીના તૉરમાં એ બેધ્યાન છે. ઝાડની ડાળીએથી મેહારના પગ લટકતા હતા તે સુહિણીએ ઝાલી લીધા. પગ ખેંચાતાં જ મેહારને ભાન આવ્યું. સુહિણી બોલી : “હેઠો ઊતરછ — કે ટાંટિયો ઝાલીને નીચે પછાડું?” મેહાર શરમિંદો બની ગયો. કૂદકો મારીને નીચે ઊતર્યો. પોતે બરાબર કોઈ અડબૂત ભરવાડનો પાઠ ભજવવા મથતો હોય તેમ રુઆબ કરીને બોલ્યો : “શું છે તે અટાણે ચોરને કાંધ મારવાની વેળાએ સંતાપી રહી છો?” “ઘેર પરોણા આવ્યા છે, એને માટે એકાદી ભેંસની બે શેડ્યું પાડી દે જલદી.” “પણ ભેંસું તો બહુ છેટી ગઈ છે. જા, તું એને પાછી વાળી આવ.” “મારી તો જાય ભૂખરાત! હું પટલની દીકરી ભેંસો વાળવા જાઉં, એમ કે? તો પછી તને મારે બાપે શું પાટલે બેસારીને પૂજવા રાખ્યો છે? જા ઝટ ભેંસ વાળી આવ, નીકર રાતે વાળુ નહિ મળે.” મેહારે ચારે તરફ નજર કરી, પણ ભેંસો ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે. સુહિણી બોલી : “દેને વાંભ! હમણાં નીકળી આવશે હશે ત્યાંથી.” માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો : “વાંભ દેતાં તો મને નથી આવડતી!” “ફટ્ય રે ફટ્ય, મેહારડા! વાંભ દેતાં નથી આવડતી ત્યારે મેહાર થયો જ શા સારુ? ડૂબી મરને!” એટલું કહીને સુહિણીએ પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો, મોરના ટૌકા સરખો સાદ દીધો. ઘડી વારમાં તો ઊંચા ઘાસમાંથી ભેંસો બહાર નીકળીને રણકા કરતી દોડી આવી. “લે, હવે દોહી દે.” ખસિયાણો પડીને મેહાર ઊભો રહ્યો. “અરર!” સુહિણીએ કહ્યું : “મેહાર થઈને દોતાં ન આવડે? ધૂળ પડી તારા જીવતરમાં!” પોતાને હાથે જ સુહિણીએ સાજણી ભેંસને દોહી લીધી. એક જ આંચળની શેડ્યો પાડતાં તો તાંબડી છલોછલ ભરાઈ ગઈ. ફીણના ફગર ચડ્યા. તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહિણી ગામમાં ચાલી ગઈ. ચાલતાં ચાલતાં બોલતી ગઈ કે “મેહારડો બોઘો! મેહારડો મૂરખો! એને ન આવડે વાંભ દેતાં કે ન આવડે દોતાં!” સિંધી કુંભારની એ કદાવર કુમારિકાનો સાદ, એના હસવાનો અવાજ અને એનાં પગલાંનો ધમધમાટ, મેહાર નામધારી વિદેશી તાજુબ બનીને સાંભળતો સડક થઈ રહ્યો. સુહિણીની ગાળો તો સદા ઘીની નાળો જેવી જ લાગતી. સુહિણી જે દિવસ ગાળો દઈ જતી તે દિવસ મેહારને શેર લોહી ચડતું. સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી, કેમ કે ગોવાળ તરીકેનાં તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો બાપ તોલો કુંભાર રોજ રોજ છેડાઈ પડતો. માલિકનાં આકરાં વેણ સાંભળીને ગમગીન થઈ જતા મેહારનું મોં વારે વારે ઓશિયાળું બની જતું, અને એ જોઈ જોઈ સુહિણી મેહારનો અફસોસ ઉતારવાના છાનામાના કંઈ કંઈ ઉપાયો લેતી. બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દયાળુ છે, તેથી મેહારની સારસંભાળ લેતી હશે. ચારસો ગધેડાંના અને પંદર ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સ્વપ્નેય ક્યાંથી હોય કે પોતાની લાડઘેલી, ખોટ્યની દીકરી આવા અણઘડ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે! એક વાર સિંધુને કિનારે મેહાર બેઠો છે. પાંચ ગધેડાં ગુમ થવાથી તોલો કુંભાર એને સખત શબ્દોમાં વઢ્યો છે. મેહારના ગોરા મોં ઉપર અફસોસની છાયા પથરાઈ ગઈ છે. તે વખતે સુહિણીનાં પગલાં બોલ્યાં. આવીને તરત જ સુહિણી બોલી ઊઠી : “લેતો જા! કેવો ઠપકો ખાધો! હજુય સાન નથી, બેવકૂફ!” મેણું સાંભળીને મેહારની આંખોમાં ધારાઓ ચાલુ થઈ. સુહિણી સમજી ગઈ. ભરવાડ કદી આવી રીતે રુએ નહિ. એણે મેહારનું કાંડું ઝાલીને કહ્યું : “મેહાર થઈને રોઈ પડ્યો? મેહાર આટલો પોચો હોય કદી!” “સુહિણી! મેં તને છેતરી છે. હું મેહાર નથી.” “તું મેહાર નથી, તો શું શાહજાદો છે, નાદાન?” “શાહજાદો તો નહિ, પણ શાહજાદા જેટલો જ લાડ પામેલો : તવંગર બાપનો બેટો છું.” “કોનો બેટો?” “આજ એ બધું બોલવાનો સબબ જ શો છે?” “ના, મેહાર! આજ ન કહે તો તને સુહિણીના કસમ છે. કહે, આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ?” “સાંભળ ત્યારે, સુહિણી! હું સિંધી નથી, હું તો બુખારાનો મોગલ છું. હું પરદેશી છું. મારા પિતાનું નામ મિર્ઝાઅલી બેગ છે. એને ઘેર દોલતની છોળો લાગી ગઈ છે. મારા પોણોસો વર્ષના બાપને ઘેર, એની જઈફી વખતે એક ઓલિયાના સખુનથી હું અવતરેલો છું. સુહિણી! હું અભણ ભરવાડ નથી. પણ બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કાંઈ કિતાબોનો અભ્યાસ કરીને આ હિન્દોસ્તાંની અંદર મોગલ પાદશાહની મુલાકાતે નીકળ્યો હતો. સફરમાં તકદીર મને આંહીં ખેંચી લાવ્યું. મુસાફરખાનામાં એક સાંજે અમે મુકામ કર્યો. તારા પિતાને ઘેર માટીના વાસણ લેવા આવતાં તને દીઠી. દેખતાં જ દીવાનો બન્યો. મારા પ્યારા સાથી હસનબેગનો વાર્યો ન વળ્યો. મારા જવાહિર ચોરાઈ ગયાં, ખરચી ખૂટી ગઈ, મારો સાથી બુખારમાં પડી મરી ગયો, મારું પવનવેગી ઊંટ પણ ચોરાઈ ગયું, ને હું તારા પ્રેમમાં ફના થઈ આજે સિંધનો મેહાર બન્યો છું. તારાં પિતાનાં ગધેડાં ચારું છું!” પોતાની અજાયબી સંતાડી રાખીને સુહિણીએ ટોણો માર્યો : “એ વાતનો શું તને પસ્તાવો છે, મેહાર? બુખારાની દોલત અને બાપના લાડકોડ ભોગવવા પાછા જવું છે? તો સુખેથી જા, પિંજરાનું બાર હું ખોલી નાખું છું.” “ના, હવે ક્યાં જાઉં? પિંજરના પંખીને હવે જંગલનાં પંખીઓ સંઘરશે નહિ. હવે તો સિંધુને કાંઠે જ કબર કરવી છે.” “ત્યારે આંખોમાં આંસુ શીદ આણ્યાં?” તોલા કુંભારને કાને વાતો પહોંચી કે સિંધુને કિનારે ઘટાદાર વડલાને છાંયડે રોજ રોજ બપોરે સુહિણી ને મેહારના મિલાપ થાય છે. ધીરે ધીરે બાતમી પહોંચી કે બપોરનો સમય બદલાવીને મોડી રાતના અંધારામાં એ જુવાનિયાં મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ન સાંભળે તેવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે. તોલાએ બીજે દિવસ પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડાં-ભેંસો હાંકવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે “શદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે, તો જાનથી મારીને તારા ખૂનથી સુહિણીને નવરાવીશ! જા, નિમકહરામ! ચાલ્યો જા!” સિંધુ નદીને સામે પાર જઈને મેહારે એક ઝૂંપડી બાંધી છે. આખો દિવસ ઈરાની, અરબ્બી કે સિંધી કવિઓની કાફીઓ ગાતો ગાતો ને વાંસળી બજાવતો એ આશક અન્નપાણી લીધા વિના બેઠો રહે છે અને રાત પડે ત્યારે એક મચ્છી તળીને તૈયાર કરે છે. અધરાતને પહોર એ મચ્છીને પોતાના માથા પર ઉઠાવીને. કછોટો ભીડી, સિંધુનાં અતાગ નીરમાં શરીરને પડતું મૂકે છે. હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પોતાની કૌવતદાર ભુજાઓથી પાણી કાપતો કાપતો મગરમચ્છની માફક શેલારા દેતો ઘનઘોર અંધારે કોઈ પણ માનવી યા જાનવરના ડર વગર, અરધા ગાઉનો પટ વટાવી સામે પાર પહોંચે છે; ને એ કિનારા પરથી સુહિણીનો પંજો લાંબો થઈ, મેહારના પંજાને પકડી લઈ, પાણીની બહાર ખેંચી લે છે. એ જ વડલાની ઘટામાં બન્ને જણાં બેસીને મચ્છીની મહેફિલ ઉડાવે છે. પ્યારનો એક પહોર ગુજારીને પાછો મેહાર સિંધુના મસ્ત પહોળા પ્રવાહને વીંઝતો પોતાની મઢૂલીએ પહોંચી જાય છે. એવી તો કંઈક રાતો ગઈ છે. એક પણ રાત મેહારે ખાલી જવા દીધી નથી. સિંધુ નદીના ચાહે તેવા ભયંકર તૂફાને પણ મેહારને આ પાર આવતો અટકાવ્યો નથી. પણ એક અજવાળી રાતે મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો અદ્ભુત હતી. સુહિણી જમતી જાય છે ને કોળિયે કોળિયે મીઠાશની તારીફ કરતી જાય છે : “ઓહો! મેહાર, ભારી મીઠી મચ્છી! રોજ આવી લાવતો હો તો?” મેહાર હસીને કહે છે કે “ભલે, રોજ લાવીશ. પણ થોડા દિવસમાં જ એ મચ્છીનો ખવરાવનાર કોઈ નહિ રહે તો?” એમ વાતો કરે છે. વચ્ચે વચ્ચે મેહારના મોં પર બહુ દર્દ દેખાય છે. કંઈક છૂપી પીડાને પોતે મહામેહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે, સુહિણી પૂછે છે : “તને શું થાય છે. પ્યારા?” “કાંઈ નહિ, કાંઈ નહિ. ચલાવ, વાતો ચલાવ.” ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સુહિણીને કંઈક ભીનું લાગ્યું. અજાયબ બનીને એ બોલી ઊઠી : “ઓહો! આંહીં પાણી ક્યાંથી?” એની નજર મેહારના સાથળ પર પડી. એ સાથળમાંથી લોહીની ધાર ચાલતી હતી! “એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે, સુહિણી!” સુહિણીને આખી વાતનો ભેદ સમજાયો : આજ મેહારને મચ્છી ન મળવાથી એ પોતાની જાંઘમાંથી માંસ કાપી, મસાલેદાર બનાવી, તળીને લઈ આવ્યો હતો! “મેહાર! તુંને ખુદાના કસમ છે, કાલથી હવે મારો વારો શરૂ થાય છે. તું ન આવીશ.” “ત્યારે શું તું આવીશ?” “હા, હું આવીશ.” “તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?” “એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.”
બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ,
આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ,
છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં.
સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે, ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે. “કોણ છે તું, ઓરત?” “મુસાફિર!” “કોણ, સુહિણી?” “હા, અધા! તું તો અલૈયો કે?” “હા, અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી?’ “સિંધુના સામા પારની!” “અરે સુહિણી! તું સિંધુનાં પાણીને પાર કરી શકીશ? તું બચ્ચું છે. તારી તાકાત શી?” “તાકાતનો દેનાર અલ્લાહ છે, અલૈયા! અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે, ભાઈ!” “આટલી જહેમત કોના માટે?” “મારા પ્યારને માટે.” “યા અલ્લા! સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે, તેનીયે તને પરવા નથી?” “ઓ અધા! સાંભળ —
અધા સુણ તું અલૈયા, અલા સુણે અચાર,
હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર,
આંઉં લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર.
“ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.” “અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો :
સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી,
વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી,
સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં.
“તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ — તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મૉતના કેડા તને કોણે બતાવ્યા?” એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે.
ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો,
મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો,
પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં.
હાથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં પેઠી. માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું. ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે, ત્યાં મનડું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સુહિણી સિંધુનાં પાણી વીંધતી જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને અજાણ ન રહી જાય એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીનાં ભયાનક જંતુઓ અને મોજાંઓ પણ ગરીબડાં બની ગયાં છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે.
કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોડ્યમાં સંતાઈ ગયાં છે. રાત સૂનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસરી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડહાપણદાર વારવા જાય છે કે “ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે?” સુહિણી એને જવાબ વાળે છે :
હિકડ્યું ન ઘિરે ઉનહારે, આંઉ સરૈ સિયારે,
તન વિઝાંતી તારમેં, ઓરહજે આરે,
મહોબત તી મારે, (નત) કેર ઘિર હિન કુંનમેં.
“હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઊતરતી નથી, ત્યાં હું સૂસવતા શિયાળામાં પણ મારી રાજીખુશીથી આ પાણીમાં મારું તન વીંઝું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મહોબત મને મારે છે. નહિ તો આવા ઊંડા વમળમાં કોણ પડે?” “ઓ સુહિણી! તું મ જા, મ પડ, નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, એ તને કરડશે.” સુહિણી જવાબ વાળે છે :
બારાં કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ,
મ્હાણું મુલાજો કરી, તિત મહોબતજો માંગ,
કેડો મુંહજો સાંગ, (જુડો) પાણીતાં પાછી વરાં.
“મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે, બત્રીસ ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું, પણ જે માર્ગ પર જતાં બીજાં માનવી સંકોચ પામે છે, તે જ માર્ગ મહોબતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું, તો તો કીંમત રહી મારા આ પ્રેમના પોશાકની! ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં, આ ઇશ્કની કફનીમાં, જો હું ડરીને પાછી જાઉં તો.” એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુનાં હિમ જેવાં નીરમાં ઝંપલાવી, આઘી આઘી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઊભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો ને ડાહ્યો સલાહકાર ઘર તરફ ચાલતો થયો. શિયાળો ગયો; ઉનાળો ગયો; પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે, મોજાં મોભારે અડે એટલે ઊંચે ઊછળવા લાગ્યાં છે. ભાળીને ભે ખાઈ જઈએ, એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત-વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઊભેલો માનવી બોલ્યો :
સુણી સઠે તારમેં, (તો) સિયારો ને સી,
લગી લેહર લેહરતે, સે જુધા કરે જી,
થોડા વિરમી થી, મથેર પર તો કુન્ન કરે.
“ઓ સુહિણી, આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છો? અંદર મોજાં મોજાંને અથડાય છે. તે તારા જીવ ને શરીર જુદાં કરી નાખે તેવા કાતિલ છે. અને વળી તારા માથા ઉપર આ કિનારાની મોટી ભેખડ ફસકીને પાણીમાં પડું પડું થઈ રહી છે, માટે થંભી જા.” “અરે અધા! થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય? મારા મેળાપનો સમય ચાલ્યો જાય, તો મારો પિયુજી તરફડે.” એમ કહીને સુહિણી પાણીના લોઢમાં પડતું મૂકે છે. માછલી જેવી તરવરતી ચાલી જાય છે. જઈને પ્રીતમ સાથે સુખના બે પહોર ગુજારે છે. પાછલી રાતે રોજ પાછી વળી આ કાંઠે આવી ઊતરે છે પોતાની ઇજ્જતના લોભી બાપે સુહિણીને એક ઊંચા કુંભાર કુળના બદસૂરત છોકરાની સાથે પરણાવી. સુહિણીએ નિકાહ વખતે છચોક પોતાને આ શાદી મંજૂર નથી એવું જાહેર કરવા છતાં પણ એને જબરજસ્તીથી પરણાવી. પણ સુહિણી સાસરે ન ગઈ એટલે બાપે સુહિણીના વરને ઘરજમાઈ કરીને રાખ્યો. સુહિણીએ પહેલી જ રાતે વરને ચેતવી દીધો કે “તું મારે ભાઈ-બાપ છો! ફરી વાર મારી ખાટમાં આવતો નહિ.” સગાંવહાલાં સાથેની ભેળસેળ સુહિણીએ છોડી દીધી છે. દુનિયાનાં માનવી સાથે એના મનનો મેળ મળતો નથી. વાતોચીતો એણે કમતી કરી નાખી છે, પાંચ વખત નમાજ પઢવામાં, કુરાનનો પાઠ કરવામાં, અને રોજા રહેવામાં એના દિવસો જાય છે. રાત તો એણે સિંધુને સામે કિનારે બેઠેલ સ્વામીને સોંપી છે. આ બધું એ પરણ્યા કુંભારથી ન જોવાયું. એણે સુહિણીને વસમાં મેણાં માર્યાં. એકલી પડીને સુહિણી વિચાર કરે છે :
નાય ન નમાજું પડે, ગંધ ન ગંધ્યું ધોય,
સંઝે મિંઝ સૂમથી, (સે) પાસા ફેરે પોય,
ઊઠી આધિય રાતજો, (ઈ) કુનિય કાણ રોય,
કડવા વેણ કસાલા, ઈ મખે ને તો ચોય
એડો કાંધ સંધોય, (તડે) વર છડેતી વાણ તરાં.
“આ મારો ધણી, જે નમાજ પણ પઢતો નથી, પોતાના દેહની દુર્ગંધ પણ ધોતો નથી, સાંજ પડતાં જ જે ઘોંટી જાય છે ને પરોડિયે જે પથારીમાં પાસાં ફેરવે છે, અરધી રાતે ઊઠીને જે હાંડલીને માટે (ખાવા માટે) રુએ છે, એવો પુરુષ મને કડવાં મેણાં મારે છે. એવા કંથ સાથે શીદ મારો સંબંધ બંધાયો? હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું.” એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદબોઈ વધતાં જ ગયાં. માબાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બહેતર છે. અને સાચોસાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું. રાત અંધારી છે, પણ વૈશાખ મહિના જેવો વસ્લનો મીઠો માસ ચાલે છે. વહાણના સઢ ચડ્યા હોય તેવી રીતે સુહિણીના આસમાની ઓઢણાના પાલવ પવનની લહેરોમાં ફુલાઈ ગયા છે, જાણે સિંધુને સામે કિનારે ઊડીને જવા માટે સુહિણીને કિરતારે બે પાંખો બક્ષી દીધી છે. સિંધુની છાતી સુહિણીને રમાડવા માટે ઉછાળા મારે છે અને ગેબના તારલા સુહિણીને તરતી જોવામાં ટગર ટગર નજર કરે છે. કિનારે ઊભી રહીને સુહિણીએ દસેય દિશામાં આંખો ફેરવી : આજ તૂફાન નથી. આજના જેવી રાત અગાઉ કદી આવી જ નથી. આજ આખી કુદરત સુહિણીનો સંગાથ કરે છે. દુનિયાએ દૂભવેલીને જાણે દેવતાઓ આદર આપે છે. કછોટો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા! ખમા! કરતાં સિંધુનાં મોજાં એના ફૂલદડા સરીખા શરીરને ઝીલી રહ્યાં છે. પોતાના ચિતરામણવાળા રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ શેલારા દેવા શરૂ કર્યા : અને આજ તો પાણી ને પવન એવાં મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરું! આજ તો જાણે જરા મોડું કરીને મેહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તરવા આવે તો બેય જણાં આંકડા ભીડી દરિયામાં ચાલ્યાં જઈએ એવું દિલ થાય છે. દુનિયાની ગિલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસાતલમાં રહેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી : નદીમાં રહી રહી જ હું મેહારને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંઈક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે! આવા તરંગમાં સુહિણી ગરકાવ છે, ત્યાં તો ઓચિંતો એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે! આ ઘડામાંની માટી પલાળીને વેરાઈ કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું?
હજારનમેં હિકડો, મું ઠોકે ખયમ તે તે થાં,
કચેજો કુંભાર મું, કી ન કયો તેં કલામ,
ધણી લગ ધામ, તું મૌલા મન મેડિયેં.
હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડી વગાડીને ઉપાડ્યો હતો. અરેરે! એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનો સખુન પણ કહ્યો નહોતો, છતાં આ કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હે મૌલા! હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે. એટલું વિચારે છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સુહિણીના તરફડિયાં મારતાં હાથમાં માટી ન રહી. એને તરતાં આવડતું હતું, પણ મેહારને ટગવવાની મોજમાં ને મોજમાં પોતે એટલી ધીરી ધીરી જતી હતી કે સામો કિનારો બહુ છેટે રહી ગયો છે. પોતે થાકી ગઈ! એને તો અજાયબી જ થાય છે કે અરેરે! આ ઘડામાં શું જાદુ થયું!
હજારનમેં હિકડો, મું ચિતામય ચઈ,
વહમેં વલી દાવદ ચેય, પિથુ થ્યો સે પઈ,
સુપક્ક ક્યો મું સઈ, કજા તેં કચો કિયો?
હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું ચિતરામણ કરાવ્યું હતું એવો ઘડો, [કવિ વલી દાઉદ કહે છે કે] આજ શી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયો? મેં જેને પાકો કહ્યો હતો તેને શું મારા કૂડા કિસ્મતે જ કાચો બનાવી નાખ્યો? આ શું થઈ ગયું? કંઈ મહિનાઓ થયાં મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો? ઘડો બદલાયો હતો. સુહિણીનાં માવતરે જ એ કુળબોળામણ દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા જ ચિતરામણવાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સુહિણી તો પ્યારની આંધળી ઉતાવળમાં, દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી હતી. નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે. પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સુહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે. તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે. અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાંસળી.
કિથે ઘંટ વજન? કિથે પીરિયું પાર?
વીર વજાયતો વાંસલી, સાહડ સજી રાત,
કલમેંજી તવાર, લોરી સભેં લંઘયું.
ઓ! આ ટોકરીના રણકાર ક્યાં બજે છે! મારા પ્યારાજીનો કિનારો કેટલે દૂર પડી રહ્યો! મારો બહાદુર સાહડ ગોવાળ [મેહાર] આજ આખી રાત મારી વાટ જોતો વાંસળી વગાડતો દેખાય છે. એ વાંસળીમાંથી જે કલમાના સૂરો બજે છે, તે સૂરોને આધારે મેં દશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે મારા હાથપગમાં કૌવત રહ્યું નથી. વાંસળીના સૂર મીઠા લાગતા હતા. એ ગાનમાં ભંગ પાડવાનું સુહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઊતરવા તૈયાર થયું. મધવહેનનાં મસ્ત મોજાંમાં સુહિણી ખેંચાણી, અને ખેંચાતા ખેંચાતા એણે ‘મેહાર! મેહાર! ઓ મેહાર!’ એવી હૈયાફાટ ચીસો નાખી. એ ચીસો પડતાં જ બંસીના સૂરો થંભી ગયા, અને ‘આવી પહોંચું છું! આવું છું!’ એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું મેલ્યું. ડૂબતી, ગળકાં ખાતી, ને મોજાંની થપાટે ખેંચાઈ જતી સુહિણીએ ચીસ પાડતાં તો પાડી, પણ પછી તુરત એ પસ્તાણી. એને સાંભરી આવ્યું કે પોતાને મીઠું, ગોસ ખવરાવવા માટે મેહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રુઝાયો નથી. નક્કી મેહાર નહિ તરી શકે, મારે ખાતર એનો જાન જશે.
ઘરો ભગો ત ગોરેઓ, શાલ મ ભજે ઘરી,
મુલાંટો મેઆરજો, ભિજી થ્યો અય ભરી,
તાંગો તાર તરી, માન ડિસાં મુંહ મ્યાર જો.
ખેર, ઘડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલ્લાહ, હવે મારા મેળાપની ઘડી મ ભાંગજો! સામે મેહાર પડ્યો છે તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ હશે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી, ઓ ખુદા, તું મને સહાય કરજે! પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સરજાયું હતું. થાકીપાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેનમાં જ આંખે તમ્મર આવવા લાગી : અખીમેં અઝરાયલ દીઠો, (તય) મન તણે તો મ્યાર ક્યાં. પોતાની આંખો સામે એણે મોતના ફિરસ્તા ઇઝરાયલને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું.
ઘિરિ ઘરો હથ કરે, બોર્યાં ઈ બાઉં,
વેચારિય વડ્યું કિયું, વિચ ધરિયા ધાઉં,
વરજ સાડ, પાઉં, તાકું તકી આંહ્યાં.
પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાંયો (ભુજાઓ) બોળીને તરી, છેવટે ડૂબતાં ડૂબતાં દરિયામાંથી (મોટી નદીમાંથી) એ બિચારીએ ધા દીધી કે ઓ વહાલા સાહડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાણીનાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે. “ન આવીશ! ઓ મેહાર! તું ન આવીશ!” એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ઘૂના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સુહિણીનો પત્તો ન લાગ્યો. મેહારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલ ખોળિયું પણ ‘સુહિણી! સુહિણી!’ એવા શબ્દે સાદ કરતું, જાણે સુહિણીની અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું. સવાર પડ્યું. સિંધુ માતાએ બન્ને ડૂબેલા શરીરોને સાથે કરી કિનારા ઉપર કાઢી નાખ્યાં. ભેળાં થયેલાં કુટુંબીઓએ બન્ને જણાંને દફનાવી તે પર કબર ચણાવી. શદાપુર ગામને પાદર આજ પણ આ કબર બતાવાય છે. [આ વાર્તાના વસ્તુ માટે તેમ જ તેની અંદર આવતા ત્રણ-ત્રણ પંક્તિના સિંધી દુહાઓ માટે, કચ્છી લોકસાહિત્યના સંશોધક સ્વ. જીવરામ અજરામર ગોરે સંગ્રહેલા સુહિણી-મેહારની કચ્છી જનકથાના દુહા (‘ગુજરાતી’ : દિવાળી અંક, 1911)નો આધાર લીધો છે. પ્રસ્તુત દુહાઓના પાઠમાં ને તેના અર્થોમાં મને ઘણી ત્રુટિઓ દેખાઈ, તે શામળદાસ કૉલેજના સિંધી પ્રિન્સીપાલ પૂજ્ય શાહાણીજીએ અત્યંત મહેનત કરી તથા પીર શાહ અબ્દ લતીફના પુસ્તકમાંથી વીણી વીણી, સપ્રેમ સુધારી આપી છે. છતાં પ્રિ. શાહાણીનું માનવું છે કે અસલ સિંધી પાઠ આ પદોમાં અશુદ્ધ રહી જાય છે.]