સ્વાધ્યાયલોક—૧/રાષ્ટ્રીય પુસ્તકમેળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાષ્ટ્રીય પુસ્તકમેળો

આરંભે જ અમદાવાદના નાગરિકો સાથે હાથ મિલાવીને એમને કહેવું જોઈએ : તમારા પુસ્તકપ્રેમ માટે તમને અભિનંદન! સાથે સાથે સૌ વિક્રેતાઓ અને પ્રકાશકોની પીઠ થાબડીને એમને કહેવું જોઈએ : તમારી સાદી, સરલ, સુન્દર વ્યવસ્થા માટે તમને ધન્યવાદ! અને નૅશનલ બુક ટ્રસ્ટને પુષ્પાંજલિ અર્પીને એમને કહેવું જોઈએ : અમદાવાદમાં રાષ્ટ્રીય પુસ્તકમેળો યોજવાના તમારા નિર્ણય માટે તમારો આભાર! નૅશનલ બુક ટ્રસ્ટ એક રાષ્ટ્રીય સ્વાયત્ત સંસ્થા છે. વધુ ને વધુ વિષયો પર વધુ ને વધુ સુન્દર અને સસ્તાં પુસ્તકો પુસ્તકપ્રેમીઓ પાસે જાય અને વધુ ને વધુ પુસ્તકપ્રેમીઓ આવા પુસ્તકો પાસે જાય, પુસ્તકો વસાવે અને વાંચે અને પુસ્તકોનો સદુપયોગ થાય — આ અંગે વારંવાર વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવાનો એનો હેતુ છે. આ હેતુ સિદ્ધ કરવાને એ પ્રકાશન અને વિતરણ અંગે પરિસંવાદો, લેખન-અનુવાદ- પ્રકાશન-વિતરણ અંગે વર્કશૉપ્સ, પ્રાદેશિક પુસ્તક-પ્રદર્શનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાઓ આદિનું આયોજન કરે છે. આજ લગીમાં એણે દિલ્હીમાં ૧૯૭૨માં યુનોના પુસ્તકવર્ષમાં અને ૧૯૭૬માં એમ કુલ બે આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાઓ; મુંબઈમાં ૩, કલકત્તામાં ૧, મદ્રાસમાં ૧, દિલ્હીમાં ૧ અને હૈદરાબાદમાં ૧ એમ કુલ ૭ રાષ્ટ્રીય પુસ્તકમેળાઓ તથા ૧૬ રાજ્યોમાં કુલ ૭૬ પ્રાદેશિક પ્રદર્શનો યોજ્યાં છે. આંતરાષ્ટ્રીય પુસ્તકમેળામાં વિવિધ વિશ્વભાષાઓનાં પુસ્તકોનું, રાષ્ટ્રીય પુસ્તકમેળામાં વિવિધ ભારતીય ભાષાઓનાં પુસ્તકોનું અને પ્રાદેશિક પુસ્તકપ્રદર્શનોમાં પ્રાદેશિક ભાષાનાં પુસ્તકોનું વિવિધ પ્રકાશકો અને વિક્રેતાઓ દ્વારા, પુસ્તક ઉદ્યોગ અને પુસ્તકવ્યાપારના સક્રિય સહકાર દ્વારા સુન્દર સુયોજિત સ્ટૉલો પર પ્રદર્શન અને વેચાણ થાય છે. હજારો પુસ્તકપ્રેમીઓ દેશપરદેશનાં અનેક પ્રકાશકોનાં લાખો સુન્દર અને ઉત્તમ પુસ્તકો એક સ્થળે અને એક સમયે એકસાથે જોઈ શકે છે અને ખરીદી શકે છે. નૅશનલ બુક ટ્રસ્ટે આઠમો રાષ્ટ્રીય પુસ્તકમેળો અમદાવાદમાં સંસ્કારકેન્દ્રમાં જાન્યુઆરીની ૧૫થી ૨૪મી લગી યોજ્યો. એમાં દેશના કુલ ૧૧૦ જેટલા પ્રકાશકો અને વિક્રેતાઓએ વિવિધ ભારતીય ભાષાઓનાં પુસ્તકો પ્રદર્શિત કર્યાં. એમાં કુલ ૪૦ જેટલા પ્રાદેશિક એટલે કે ગુજરાતના પ્રકાશકો અને વિક્રેતાઓ હતા. કુલ ૭૦,૦૦૦ જેટલા પુસ્તકપ્રેમીઓએ આ પુસ્તકમેળો માણ્યો. પ્રાદેશિક પ્રકાશકો અને વિક્રેતાઓની તથા પુસ્તકપ્રેમીઓની આ સંખ્યા આજ લગીના સૌ રાષ્ટ્રીય પુસ્તકમેળાઓમાં વિક્રમ સંખ્યા હતી. આ પ્રસંગે ‘ગુજરાતી પ્રકાશનનાં આગામી દસ વર્ષ’ પર એક પરિસંવાદ યોજવામાં આવ્યો. એમાં પ્રકાશનની વર્તમાન પરિસ્થિતિ, વિકાસશીલ દેશમાં પ્રકાશનના પ્રશ્નો, પાઠ્યપુસ્તકો, વિતરણના પ્રશ્નો, દૈનિકો અને સામયિકોનું અવલોકનો દ્વારા પુસ્તકપ્રચાર-પ્રસારમાં અર્પણ, લેખક- પ્રકાશક-સંબંધ — આ મહત્ત્વના વિષયો પર નિબંધવાચન થયું. એમાં ચર્ચાવિચારણાને અંતે ૩૦ જેટલા લેખકો, તંત્રીઓ, ગ્રંથાલયીઓ, પ્રકાશકો, વિક્રેતાઓએ પુસ્તક સુન્દર, સસ્તાં અને સુલભ થાય, પુસ્તકોની ગુણવત્તા અને સંખ્યામાં વૃદ્ધિ થાય, નગરો અને ગ્રામપ્રદેશોમાં પુસ્તકાલયો અને પુસ્તકવાચનપ્રવૃત્તિનો વિકાસ થાય, પુસ્તકોનો સદુપયોગ થાય એ અંગે કેટલાંક વાસ્તવિક અને વ્યવહારુ સૂચનો કર્યા. આ ઉપરાંત બાળસાહિત્યનાં પુસ્તકોના ચિત્રકારો માટે એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું. એમાં વ્યાખ્યાનો-ચર્ચા-વિચારણાઓ દ્વારા નહિ પણ ચિત્રકાર્ય દ્વારા આ ચિત્રકળાની શક્યતાઓ અને સમસ્યાઓ, ચિત્રકાર-પ્રકાશક-સંબંધ, આ ચિત્રકળાના ટૂંકી મુદતના અભ્યાસક્રમો આદિ અંગેની પ્રવૃત્તિ મુખ્ય હતી. સાથે સાથે પ્રકાશનસંચાલન અંગેનો તથા વિક્રેતાઓ માટેનો તાલીમ અભ્યાસકમ પણ યોજવામાં આવ્યો. આ પુસ્તકમેળો સાચા અને પૂરા અર્થમાં મેળો હતો. હજારો સ્ત્રી, પુરુષ અને બાળકો પરંપરાગત મેળાઓમાં મહાલે એમ જ આ આધુનિક મેળામાં મહાલ્યાં. આ મેળાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ હતી એનું શાંત, શીતળ, આહ્લાદક વાતાવરણ. સંસ્કારકેન્દ્રની ભવ્યસુન્દર ઇમારતમાં વિસ્તારથી આ મેળો યોજવામાં આવ્યો હતો. ઇમારતના ભોંયતળિયે અને પહેલે માળે તથા ઇમારતની બાજુમાં એમ ત્રણ મંડપોમાં નાનામોટા સ્ટૉલોની વ્યવસ્થા હતી. પ્રવેશદ્વાર પાસે પુસ્તકબજાર પણ હતું. ત્યાં મોટા વળતરે પુસ્તકોનું વેચાણ થતું હતું. એનું અનોખું આકર્ષણ હતું. સ્ટૉલોમાં જગાની પૂરતી મોકળાશ હતી, વિદ્યુતનો પૂરતો પ્રકાશ હતો. ક્યાંક ક્યાંક તો ધૂપસળીની સુવાસ પણ હતી. સૌથી વધુ સુન્દર એવા ત્રણ સ્ટૉલોને પારિતોષિકો પણ અર્પણ થયાં. ધ્વનિયંત્રમાંથી સર્વત્ર સતત વાદ્યસંગીતના મંદમધુર સૂરોનું પ્રસારણ થતું હતું. વિવિધ વિષયોનાં, વિવિધ કિંમતનાં (એક અદ્યતન વિદેશી મોગલ લઘુચિત્રવિષયક પુસ્તકની કિંમત પ હજાર, એક ૧૮મી સદીના વિદેશી વનસ્પતિવિષયક પુસ્તકની કિમત ૯ હજાર રૂપિયા હતી.), વિવિધ રૂપરંગનાં, વિવિધ આકાર-કદનાં (પેપરબૅક્સથી ડીલક્સ આવૃત્તિઓનાં) પુસ્તકો હતા અનેક વયનાં, અનેક વર્ગનાં, અનેક સ્તરકક્ષાનાં, અનેક રસ-રુચિની પુસ્તકપ્રેમીઓ હતાં. પુસ્તકોને જોવાં એ તો લહાવો હતો જ, પણ એ પુસ્તકોને એકાગ્ર આનંદથી જોતાં પુસ્તકપ્રેમીઓને જોવાં એ અધિક લહાવો હતો. અને તેમાંય અસંખ્ય બાળકોએ આ મેળામાં સદ્ભાગ્યે બાળસાહિત્યમાં જે અસંખ્ય પુસ્તકો હતાં તે પ્રત્યે જે પ્રેમ પ્રગટ કર્યો અને માબાપમાં પ્રગટાવ્યો એમાં તો આ મેળાની ધન્યતાનો જ અનુભવ થયો. એમાં એક રાષ્ટ્ર તરીકે આપણે માટે મોટી આશાનું ચિહ્ન હતું. પુસ્તકમાં જે લખાણ હોય છે એ મનુષ્યના મગજની સરજત છે, એ જ્ઞાન છે, વિજ્ઞાન છે; પણ પુસ્તક નામનો પદાર્થ પોતે મનુષ્યના બે હાથની સરજત છે, એ યંત્રવિજ્ઞાન છે. ૧૫મી સદીમાં જર્મનીમાં ગુટેનબર્ગે મુદ્રણનું યંત્રવિજ્ઞાન શોધ્યું પછી આજ લગીમાં જગતભરમાં એનો અદ્ભુત અને અસાધારણ વિકાસ અને વિસ્તાર થયો છે. આપણા દેશ જેવા વિકાસશીલ દેશમાં આવા પુસ્તકમેળાઓનું સવિશેષ મૂલ્ય છે. એથી પુસ્તકો પ્રત્યેનો પ્રેમ જ માત્ર નહિ પણ યંત્રવૈજ્ઞાનિક માનસ પણ કેળવાય છે. પુસ્તક પણ જાણે માનવસર્જિત પુષ્પ ન હોય એમ મોહક અને મઘમઘતું હોય છે! અસંખ્ય મનુષ્યોના આ પુસ્તકપ્રેમનો પ્રત્યુત્તર ગુજરાત પુસ્તક વિક્રેતા પ્રકાશક મહામંડળ અને નૅશનલ બુક ટ્રસ્ટ ગુજરાતનાં નગરો અને ગ્રામપ્રદેશોમાં વરસે વરસે પ્રાદેશિક પુસ્તક-પ્રદર્શનો અને વારંવાર આવા રાષ્ટ્રીય પુસ્તકમેળાઓ યોજીને જ આપી શકે. આશા છે કે સંયુક્ત ઉપક્રમે તેઓ આ પ્રત્યુત્તર આપશે. ૧૯૭૭

*