સ્વાધ્યાયલોક—૨/ટી. એસ. એલિયટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ટી. એસ. એલિયટ

ટી. એસ. એલિયટ અંગ્રેજી ભાષામાં ડેન્ટિ અને બૉદલેરની પ્રશિષ્ટ યુરોપીય પરંપરાના એક અનન્ય કવિ છે. એમની કવિતા અર્વાચીન યુગમાં પ્રભુવિહીન વિશ્વમાં આત્માવિહીન મનુષ્ય અને એની મૂલ્યવિહીન સંસ્કૃતિના સંદર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને ધર્મની અનિવાર્યતાની કવિતા છે.

કુટુંબ
 

ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનો જન્મ ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૨૬મીએ અમેરિકામાં મિસૂરીમાં સેન્ટ લૂઈમાં ૨૬૩૫ લોકસ્ટ સ્ટ્રીટમાં થયો હતો. એલિયટ-કુટુંબ અસલ તો ઇંગ્લૅન્ડમાં સમરસેટશાયરમાં ઈસ્ટ કોકરનું વતની. ૧૬મી સદીમાં એક પ્રસિદ્ધ પૂર્વજ તે સાયમન એલિયટના પૌત્ર સર ટૉમસ એલિયટ (૧૪૯૦–૧૫૪૬) શિક્ષણ, રાજનીતિ આદિ પર ‘ધ બુક નેઇમ્ડ ધ ગવર્નર’ (૧૫૩૧) તથા અન્ય ત્રણ ગ્રંથોના માનવતાવાદી વિદ્વાન સર્જક. ૧૬૭૦માં એક પૂર્વજ ઍન્ડ્રુ એલિયટ (૧૬૨૭–૧૭૦૪) ઈસ્ટ કોકરમાંથી સ્વેચ્છાએ નિર્વાસિત થયા અને અમેરિકામાં મૅસેચ્યુસેટ્સમાં બૉસ્ટનમાં બેવર્લીમાં વસ્યા. એ રંગીન સ્પૅનિશ ચામડાના વેપારી. ફર્સ્ટ ચર્ચના સભ્ય, સિલેક્ટમૅન, ટાઉનક્લાર્ક અને પ્રસિદ્ધ સાલેમ ખટલાઓમાં જ્યૂરીના સભ્ય. અન્ય એક પૂર્વજ રેવરંડ ઍન્ડ્રુ એલિયટ (૧૭૧૮–૧૭૭૮) ન્યૂ નૉર્થ ચર્ચમાં મિનિસ્ટર. એમને હાર્વર્ડમાં બે વાર પ્રમુખપદ અર્પણ કરવામાં આવ્યું પણ એમણે અસ્વીકાર કર્યો. એલિયટના પ્રપિતામહ વહાણોના વેપારી. ૧૮૧૨ના યુદ્ધમાં મિલકતનો નાશ થયો પછી વૉશિંગ્ટનમાં અમલદાર. આમ, એલિયટ-કુટુંબ બૉસ્ટનનું એક વિરલ અને વિશિષ્ટ એવું પ્યુરિટન સંપ્રદાયનું સાધનસંપન્ન કુટુંબ હતું. પેઢી-દર-પેઢી એના અનેક સભ્યોએ રાજકારણ, સમાજકારણ, શિક્ષણ, સંસ્કાર, ધર્મ આદિ વિવિધ ક્ષેત્રોમાં મહાન સિદ્ધિઓ દ્વારા અમેરિકન પ્રજાના ઇતિહાસમાં મહત્ત્વનું અર્પણ કર્યું હતું. ૧૮૩૪માં એલિયટના પિતામહ વિલિયમ ગ્રીનલીફ એલિયટ (૧૮૧૧–૧૮૮૭) બૉસ્ટનમાંથી સ્વેચ્છાએ નિર્વાસિત થયા અને મિસૂરીમાં સેન્ટ લૂઈમાં વસ્યા. એ યુનિટેરિયન ચર્ચના સભ્ય અને હાર્વર્ડના સ્નાતક. એમણે સેન્ટ લૂઈમાં યુનિટેરિયન ચર્ચ સ્થાપ્યું. એમાં આરંભથી તે ૧૮૭૦માં સ્વેચ્છાએ નિવૃત્ત થયા ત્યાં સુધી એ મિનિસ્ટર. એમણે સેન્ટ લૂઈમાં એક શાળા — સ્મિથ એકૅડેમી, એક કન્યાશાળા — મેરી ઇન્સ્ટિટ્યૂટ, એકૅડેમી ઑવ્ સાયન્સ અને વૉશિંગ્ટન યુનિવર્સિટી — એમ વિવિધ શિક્ષણસંસ્થાઓ સ્થાપી. વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં એ પ્રથમ પ્રમુખ, મેટાફિઝિક્સના માનદ અધ્યાપક અને ૧૮૭૨માં એના ત્રીજા ચાન્સેલર. સ્ત્રીશિક્ષણ, સ્ત્રીસ્વાતંત્ર્ય, દ્યૂત, મદ્યપાન, વેશ્યાવૃત્તિ તથા રંગદ્વેષનો વિરોધ; આંતરવિગ્રહમાં યુનિયનનો પક્ષ; જેલો, પાગલખાનાંઓ અને દવાખાનાંઓની સ્થાપના-સુધારણા; ૧૮૪૯માં કૉલેરા, આગ અને પૂરમાં રોજ વીસેક કલાક સેવાકાર્ય, પરિણામે જમણા હાથને પક્ષાઘાત — જીવનભરનો એમનો પરિશ્રમ અને પુરુષાર્થ. શહીદી આદિ ધાર્મિક વિષયો પર અઢળક લખાણ. વિવિધ ક્ષેત્રોમાં સક્રિય એવા અગ્રણી નાગરિક અને નેતા. એમનો — અને પછી એલિયટ-કુટુંબનો — જીવનમંત્ર હતો Tace et fac (મૌન અને કર્મ). એલિયટના જન્મના એક વર્ષ પૂર્વે ૧૮૮૭માં એમનું અવસાન થયું. એલિયટના સમગ્ર જીવન અને કાર્ય પર એમનો પ્રબળ પ્રભાવ હતો. એલિયટે એમના શૈશવ વિશે નોંધ્યું છે, ‘મારા પિતામહે નિશ્ચિત કર્યું હતું તે જીવનવ્યવહારનું ધોરણ હતું… હું એમનાથી સભાન રહું એમ મારું પાલન કરવામાં આવ્યું હતું.’ વિલિયમ ગ્રીનલીફ એલિયટ અને ઍબી ઍડમ્સ (ક્રેન્ચ) એલિયટને ચાર પુત્રો. ચારે પુત્રો ધર્મગુરુ થાય એવી પિતાની ઇચ્છા. બે પુત્રો ધર્મગુરુ થયા, એક પુત્ર ધારાશાસ્ત્રી થયા અને એક પુત્ર એટલે કે એલિયટના પિતા હેન્રી વેર એલિયટ (૧૮૪૧–૧૯૧૯) વેપારી થયા. હેન્રી વૉશિંગ્ટન યુનિવર્સિટીના સ્નાતક. ૧૮૬૩માં આરંભમાં અનાજનો વેપાર. પછી ૧૮૭૦માં રસાયણનું કારખાનું કર્યું. એમાં નિષ્ફળ ગયા. પછી ૧૮૭૪માં હાઇડ્રૉલિક-પ્રેસ બ્રિક કંપની — ઈંટોનું કારખાનું કર્યું. એમાં સફળ થયા. એમણે કુટુંબની પરંપરા પ્રમાણે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદારતાપૂર્વક દાન કર્યું. ચિત્ર-સંગીત આદિ કળાઓમાં રસ. પિતાની જેમ કળા, રાજકારણ આદિમાં એ પરંપરાવાદી. પુત્ર ઇંગ્લૅન્ડ ન જાય અને કવિ ન થાય એવી એમની ઇચ્છા. પણ પુત્ર અંતે ઇંગ્લૅન્ડ ગયા અને કવિ થયા એથી પુત્રે જીવન રફેદફે કર્યું એવી લાગણી સાથે ૧૯૧૯માં એમનું અવસાન થયું. તે પૂર્વે ૧૯૧૫માં એલિયટ લગ્ન પછી એકલા અમેરિકા ગયા ત્યારે પિતા-પુત્રનું અંતિમ મિલન થયું. ૧૯૨૦માં એલિયટે પિતૃતર્પણ રૂપે એમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘ધ સેક્રેડ વુડ’ પિતાને મરણોત્તર અર્પણ કર્યો હતો. એલિયટનાં માતા શાર્લોટ ચેમ્પ સ્ટાર્ન્સ(૧૮૪૩–૧૯૨૯)નો જન્મ બાલ્ટિમોરમાં. ૧૮૬૨માં શાર્લોટે શાળાના અભ્યાસને અંતે શિક્ષણકાર્યનો આરંભ કર્યો. ૧૮૬૭થી એ સેન્ટ લૂઈમાં નૉર્મલ સ્કૂલમાં શિક્ષિકા. ૧૮૬૮માં એમણે હેન્રી એલિયટ સાથે લગ્ન કર્યું. એ સેન્ટ લૂઈમાં અગ્રણી સામાજિક કાર્યકર. પણ કવિતામાં સૌથી વિશેષ રસ. કવિ થવાની એમની મહત્ત્વાકાંક્ષા. જીવનભર એમણે મુખ્યત્વે ધાર્મિક વિષયો પર કવિતાસર્જન કર્યું. કેટલાંક કાવ્યોનું મુખ્યત્વે ધાર્મિક સામયિકોમાં પ્રકાશન પણ થયું. ૧૯૦૪માં એમણે ‘મારાં સંતાનોને, એમને વિસ્મરણ ન થાય માટે’ એવા અર્પણ સાથે વિલિયમ ગ્રીનલીફ એલિયટનું જીવનચરિત્ર પ્રગટ કર્યું. એમણે ગદ્યપદ્યમાં એક મહત્ત્વાકાંક્ષી નાટ્યાત્મક કાવ્ય ‘સેવોનારોલા’ રચ્યું. ૧૯૨૬માં એલિયટે પોતાની પ્રસ્તાવના સાથે એ પ્રગટ કર્યું હતું. શાર્લોટની કવિતા એટલે એલિયટની સમગ્ર કવિતાનો કાચો મુસદ્દો. ૧૯૧૯માં પતિના અવસાન પછી એ કેમ્બ્રિજમાં વસ્યાં. ૧૯૨૧માં એ ઇંગ્લૅન્ડ ગયાં ત્યારે માતા-પુત્રનું અંતિમ મિલન થયું. ૧૯૨૮માં એલિયટે એમનો બીજો વિવેચનસંગ્રહ ‘ફૉર લાન્સલૉટ ઍન્ડ્રૂઝ’ માતાને અર્પણ કર્યો હતો. ૧૯૨૯માં એમનું અવસાન થયું. એલિયટના જન્મસમયે માતાનું વય ૪૫ વર્ષનું અને પિતાનું વય ૪૭ વર્ષનું. એમને સાત સંતાનો. એલિયટ એમનું સાતમું અને અંતિમ સંતાન. એલિયટ કવિ થાય એવી માતાની તીવ્ર ઇચ્છા. એલિયટના સમગ્ર જીવન અને કાર્ય પર એમનો પણ પ્રબળ પ્રભાવ હતો. આમ, એલિયટને ધર્મ, કવિતા અને શિક્ષણમાં પિતામહ અને માતાની પ્રેરણા હતી, તો વેપારમાં અને વ્યવહારમાં — આરંભમાં એલિયટ લૉઇડ્ઝ બૅન્કમાં ક્લાર્ક અને પછીથી ફેબરમાં ડિરેક્ટર હતા એમાં — પિતાની પ્રેરણા હતી.

સેન્ટ લૂઈ (૧૮૮૮–૧૯૦૫)
 

સેન્ટ લૂઈ પર ૧૮મી સદીમાં ફ્રેન્ચ નાગરિકોનું અને ૧૯મી સદીમાં જર્મન અને અંગ્રેજ નાગરિકોનું વર્ચસ્. અમેરિકાના મધ્ય પ્રદેશમાં એ વેપાર-ઉદ્યોગનું સધ્ધર નગર. એનું આદર્શવાદી બૌદ્ધિક અને સાંસ્કૃતિક વાતાવરણ. ૨૦મી સદીમાં અમેરિકાનું એક મહાન અગ્રણી નગર થાય એવી શક્યતાઓથી ભર્યુંભર્યું સમૃદ્ધ નગર. ૨૦મી સદીમાં શિકાગો એને ભૌતિકતાથી અતિક્રમી ગયું ન હોત અને ૧૯મી સદીના અંતભાગમાં રાજકીય ભ્રષ્ટાચારથી એની નૈતિકતામાં અધ:પતન થયું ન હોત તો એ આજે એવું નગર અવશ્ય હોત! એલિયટના જીવનનાં પ્રથમ સત્તર વરસ આ સેન્ટ લૂઈમાં. એમનું જીવન સંપૂર્ણપણે કુટુંબમાં સીમિત. માતાપિતા અને ભાઈબહેનોથી સતત સુરક્ષિત. સૌથી નાના અને જન્મજાત બેવડા હર્નિયાનો રોગ એટલે રમતગમત નહિ. મુખ્યત્વે પુસ્તકોની જ દોસ્તી. સ્થૂલ અર્થમાં એકલવાયા નહિ છતાં હંમેશ અત્યંત એકલવાયા. જે ઘરમાં જન્મ તે ઘર આજે અસ્તિવમાં નથી. પણ એમાં પછવાડે બાગ હતો. બાગની નિકટમાં મેરી ઇન્સ્ટિટ્યૂટ. વચમાં ઊંચી ભીંતમાં બારણું, બારણું હંમેશનું બંધ. એલિયટને આ કન્યાશાળાનાં બાળકો જોવાનું કદી થતું નહિ, હંમેશ માત્ર એમનું હાસ્ય સાંભળવાનું થતું. ક્યારેક શાળાના સમય પછી એના ખાલી ચોગાનમાં એકલા એકલા રમવાનું પણ થતું. આ એલિયટનો પ્રથમ અગાધ અનુભવ, કટુમધુર અનુભવ. જીવનભર આ હાસ્ય નિ:સંતાન એલિયટ માટે અને એમની કવિતા માટે એકસાથે આનંદ અને એકલતાનું પ્રતીક બની ગયું. એમની આયા ઍની ડનની પ્રાર્થનાઓ અને છ વરસની વયના બાળક એલિયટ સાથેની ઈશ્વરના અસ્તિત્વ અંગેની ચર્ચાઓનો પણ એમની પર પ્રભાવ. એલિયટ નાનપણથી જ એકસાથે ગંભીર અને ઓછાબોલા તથા તોફાની અને મશ્કરા. શ્લેષના શોખીન. એ ઊંચા, પાતળા અને બહુ રૂપાળા. એમનાં કાન અને નાક અત્યંત સતેજ. તબિયત નાજુક એટલે સાતઆઠ વર્ષની મોડી વયે મિસ લૉકવુડની પ્રાથમિક શાળામાં અભ્યાસનો આરંભ કર્યો. પછી વૉશિંગ્ટન યુનિવર્સિટીના એક વિભાગરૂપ સ્મિથ એકૅડેમીમાં વધુ અભ્યાસ કર્યો. અંગ્રેજી સૌથી વધુ સારો વિષય. રૉજર કૉનાન્ટ હૅચ અંગ્રેજીના શિક્ષક. ભવિષ્યમાં એલિયટ અંગ્રેજી ભાષામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશે એવી એમને પ્રતીતિ. બાર-તેર વર્ષની વયે લૅટિન-ગ્રીકનો અભ્યાસ. લૅટિનમાં સુવર્ણચંદ્રક અને લૅટિનપઠનમાં શ્રોતાઓનો આદર-સત્કાર. બાયરન, શેલી, કીટ્સ, ટેનિસન, રૉસેટી, સ્વિનબર્ન આદિ કવિઓનું વાચન. કુટુંબમાં જેટલો મદ્યપાન, ધૂમ્રપાનનો નિષેધ એટલો જ ‘ટૉમ સૉયર’ અને ‘હકલબરી ફિન’નો પણ નિષેધ. પણ ‘ઍનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અપવાદરૂપ. ‘ધ ડૉન્કી બુક’ (‘દોન કિહોતે’)નાં ચિત્રોમાં ભારે રસ. મિસિસિપી અને મિસૂરી નદીઓનો પણ એવો જ અગાધ અનુભવ. સેન્ટ લૂઈમાં જે શેરીઓ, ગૅસલાઇટ, ધુમ્મસ એનો પણ અવિસ્મરણીય અનુભવ. પ્રત્યેક ઉનાળામાં અસલ વતન ન્યૂ ઇંગ્લૅન્ડ જવાની કુટુંબની પરંપરા. એથી ૧૮૯૬થી ૧૯૦૯ લગી સતત એલિયટને જે સમુદ્ર પરથી પ્રાણવંતા પૂર્વજોનું ઓલ્ડ ઇંગ્લૅન્ડમાંથી આગમન થયું હતું તે કેપ ઍનના સમુદ્રનો પણ એવો જ અગાધ અનુભવ. ૧૮૯૭માં પિતાએ ગ્લૉસ્ટરમાં પથ્થરનું એક મોટું મકાન ‘ધ ડાઉન્સ’ બંધાવ્યું હતું. એલિયટને યાચિંગનો ભારે શોખ. માછીમારો-ખારવાઓને મુખેથી એમના સહનશીલ સાહસિક જીવનની, એમના શૌર્યવીર્યની વાતો સાંભળવાનો પણ એટલો જ ભારે રસ. કિપ્લિંગનું ‘કૅપ્ટન કરેજિયસ’ એમનું પ્રિય પુસ્તક. એલિયટે બાળપણમાં પોતાને માટે એક હસ્તલિખિત ‘ફાયરસાઇડ’ અને એક જીવનચરિત્ર ‘જૉર્જ વૉશિંગ્ટન — એ લાઇફ’ તૈયાર કર્યું હતું. દર સોમવારે ફરી પાછું નિશાળે જવાનું થાય એના દુઃખ વિશે એક કાવ્ય રચ્યું હતું. આ એલિયટનું પ્રથમ કાવ્ય. પછી ફિટ્સજેરલ્ડના અનુકરણમાં નિરાશાવાદી મુક્તકો તથા લીઅર અને બર્હામના અનુકરણમાં હાસ્યનાં કાવ્યો રચ્યાં. આ સૌની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. પછી ૧૯૦૫માં બેન જૉન્સન અને બાયરનના અનુકરણમાં ત્રણ કાવ્યો રચ્યાં અને કેપ ઍનના સમુદ્રના અનુભવ પરથી સમુદ્ર અને સમુદ્રવીરો વિશે બે વાર્તાઓ રચી. ૧૯૦૫માં આ કાવ્યો અને વાર્તાઓનું ‘સ્મિથ એકૅડેમી રેકર્ડ’માં પ્રકાશન થયું હતું. આ એલિયટનું પ્રથમ પ્રકાશન. ૧૯૦૫માં સ્મિથ એકૅડમીમાં પદવીદાન પ્રસંગે વર્ગકવિ તરીકે ચૌદ શ્લોકોનું સ્તોત્ર-‘ઓડ’ રચ્યું અને એનું જાહેરમાં પઠન કર્યું. એની ટાઇપસ્ક્રિપ્ટ અસ્તિત્વમાં છે. સેન્ટ લૂઈમાં રાજકીય ભ્રષ્ટાચારને કારણે નૈતિકતા ન હતી. એલિયટને સમગ્ર નગર પ્રત્યે તિરસ્કાર હતો. એલિયટ-કુટુંબના યુનિટેરિયન ધર્મમાં નૈતિકતા હતી, પણ એમાં એથી વિશેષ કોઈ પરિમાણ — ત્રિમૂર્તિ, આદિમ પાપ આદિનું — નહિ એ કારણે અપર્યાપ્ત હતી. એલિયટને કુટુંબ પ્રત્યે અસંતોષ હતો. એથી ૧૯૦૫માં એલિયટે હંમેશ માટે સેન્ટ લૂઈ અને કુટુંબનો ત્યાગ કરવાનો અને હાર્વર્ડમાં વધુ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને એ બૉસ્ટન ગયા.

બૉસ્ટન (૧૯૦૫–૧૯૧૦)
 

એલિયટ હાર્વર્ડમાં પ્રવેશ માટે હજુ વયમાં નાના હતા એથી ૧૯૦૫માં એક વરસ બૉસ્ટનમાં એમણે હાર્વર્ડમાં પ્રવેશની પૂર્વતૈયારી માટેની બોર્ડિંગ સ્કૂલ મિલ્ટન એકૅડેમીમાં અભ્યાસ કર્યો. અહીં ન કોઈ નોંધપાત્ર અનુભવ થયો, ન કોઈ કાવ્ય રચ્યું. એમણે હંમેશ માટે સેન્ટ લૂઈ અને કુટુંબનો ત્યાગ કર્યો હતો એની એમના ચિત્ત પર કદાચ અસર હોય! એલિયટે ૧૯૦૬માં હાર્વર્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ કર્યો. હાર્વર્ડમાં ત્યારે જેઇમ્સ, સાન્તાયાના, રોઇસ, બૅબિટ, કિટરિજ જેવા મહાન પ્રતિભાશાળી શિક્ષકો હતા. ૧૯૦૬થી ૧૯૦૯ ત્રણ વરસ એમણે બી.એ.નો અભ્યાસ કર્યો. એમના વિષયો હતા ગ્રીક, લૅટિન, જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી, તુલનાત્મક સાહિત્ય, પ્રાચીન કળાનો ઇતિહાસ, પ્રાચીન ફિલસૂફીનો ઇતિહાસ, અર્વાચીન ફિલસૂફીનો ઇતિહાસ અને મધ્યકાલીન ઇતિહાસ. આ અભ્યાસ એમણે ચાર વરસને બદલે ત્રણ વરસમાં પૂરો કર્યો. ૧૯૦૯માં એ બી.એ. થયા. ૧૯૦૯થી ૧૯૧૦ એક વરસ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો. એમના વિષયો હતા અંગ્રેજી, તુલનાત્મક સાહિત્ય, ફ્રેન્ચ અને ઇતિહાસની ફિલસૂફી. એક વરસમાં, ૧૯૧૦માં સૌ વિષયોમાં વિશેષ યોગ્યતા સાથે અંગ્રેજી સાહિત્યમાં એ એમ.એ. થયા. અહીં આ સમયમાં બે શિક્ષકો — બૅબિટ અને સાન્તાયાના — નો એલિયટ પર પ્રબળ પ્રભાવ હતો. એલિયટના પ્રશિષ્ટવાદને બૅબિટની સ્પષ્ટ પ્રેરણા હતી. જોકે બૅબિટમાં ધર્મનો અભાવ એથી એલિયટને એમના માનવતાવાદનો જીવનભર તીવ્ર વિરોધ. તો બૅબિટને એલિયટની ‘ક્રાન્તિકારી’ કવિતા નહિ, પણ એલિયટનું ‘પરંપરાવાદી’ વિવેચન વધુ પ્રિય. સાન્તાયાના સૌંદર્યપ્રેમી. હાર્વર્ડમાં એમનું અમોઘ આકર્ષણ. એમનામાં પ્રશિષ્ટવાદનો પુરસ્કાર. એથી એલિયટના પ્રશિષ્ટવાદને એમનું પણ સૂક્ષ્મ પ્રોત્સાહન. પછીથી એલિયટે પીએચ.ડી. માટે સાહિત્ય નહિ પણ ફિલસૂફીનો વિષય પસંદ કર્યો એમાં એમની પ્રેરણા. અહીં આ સમયમાં નાટક અને રંગભૂમિ માટેનું આંદોલન સક્રિય હતું. એલિયટે ૧૯૦૯–૧૦માં વર્ગમાં ૧૫મીથી ૧૭મી સદીના અંગ્રેજી નાટકનો અભ્યાસ કર્યો હતો, પૂર્વસ્નાતકોએ નાટકો રજૂ કર્યાં એમાં એક ગૌણ પાત્ર પણ ભજવ્યું હતું. છતાં એલિયટ આ આંદોલનમાં એકંદરે નિષ્ક્રિય અને નિરુત્સાહી. કદાચ એલિયટને આ નાટક અને રંગભૂમિમાં પ્રચલિત અને લોકપ્રિય જે વાસ્તવવાદી, માનવતાવાદી, ઉદારમતવાદી, સુધારાવાદી, લોકશાહીવાદી વસ્તુવિષય અને જે પેજન્ટ આદિ શૈલીસ્વરૂપ એમાં રસ નહિ હોય. છતાં આ આંદોલનમાં વ્યાપક સામાજિક, મનોવૈજ્ઞાનિક, આધ્યાત્મિક, ધાર્મિક વસ્તુવિષય અને બોલચાલની ભાષાનો લય, બ્લૅંક વર્સથી ભિન્ન એવો કોઈ છંદ, સંગીત, નવી કૉમેડી આદિ શૈલીસ્વરૂપ અંગેના જે વિચારો હતા તથા નાટકનું સાચું સ્થાન સવેતન રંગભૂમિ પર હોવું જોઈએ, નાટકમાં પ્રેક્ષકોએ સહભાગી થવું જોઈએ એવા સમાજ અને પ્રેક્ષકો સાથે નાટકના સંબંધ અંગેના જે વિચારો હતા એનું પછીથી એલિયટે જે નાટ્યાસર્જન કર્યું અને ૨૦મી સદીમાં પદ્યનાટકનો પુનર્જન્મ કર્યો એમાં અવશ્ય અર્પણ છે. અહીં આ સમયમાં કવિતા માટે કોઈ પ્રેરણા ન હતી, કોઈ પ્રોત્સાહન ન હતું. આ સદીના પ્રથમ દાયકામાં અંગ્રેજી ભાષામાં સમગ્ર અમેરિકામાં કે ઇંગ્લૅન્ડમાં કોઈ મહાન કવિ ન હતો. યેટ્સે અને પાઉન્ડે એમની મહાન કવિતાનું સર્જન બીજા દાયકાથી કર્યું હતું. આમ, અહીં આ સમયમાં એલિયટે સ્વપ્રયત્નથી અને સ્વયંસ્ફુરણાથી કાવ્યસર્જન કર્યું. હાર્વર્ડમાં એલિયટને એક જ અંગત કવિમિત્ર હતા કૉનરેડ એઇકીન. શક્ય છે એમની સાથે આ કાવ્યસર્જનનું સહવાચન કર્યું હોય. ભવિષ્યમાં કવિ થવાનું હશે, કવિતા કરવાની થશે એ વિશે શ્રદ્ધા ન હતી. સાહિત્ય અથવા ફિલસૂફીના શિક્ષક થવું અને શિક્ષણકાર્ય કરવું એવી ઇચ્છા હતી. ૧૯૧૪માં પાઉન્ડ સાથે મિલન થયું પછી જ એલિયટને કવિ હોવા વિશે અને કવિતા કરવા વિશે શ્રદ્ધા જન્મી હતી. પાઉન્ડે કહ્યું છે, ‘એલિયટ સ્વશિક્ષણથી આધુનિક થયા હતા.’ ૧૯૦૬માં ડનની કવિતા, ૧૯૦૭–૦૮માં બૉદલેરની કવિતા, ૧૯૦૮માં હાર્વર્ડ યુનિયનની લાઇબ્રેરીમાંથી આર્થર સીમન્સનો પ્રસિદ્ધ વિવેચનગ્રંથ ‘ધ સિમ્બૉલિસ્ટ મૂવમેન્ટ ઇન લિટરેચર’ (બીજી આવૃત્તિ), ૧૯૦૯માં ફ્રેન્ચ કવિતાનો પ્રસિદ્ધ કાવ્યસંચય ‘પોએત દોઝુરદ્વી’ તથા લાફોર્ગની કવિતા, ૧૯૧૦માં ડેન્ટિની કવિતા, ઉપરાંત સમકાલીન કવિઓ યેટ્સ અને પાઉન્ડની કવિતા — અહીં આ સમયમાં એલિયટે આટલું વાચનમનન કર્યું. ૧૯૦૭થી ૧૯૧૦ લગીમાં ચાર વરસમાં ‘ધ હાર્વર્ડ ઍડવોકેટ’માં કુલ આઠ કાવ્યો પ્રગટ કર્યાં. એમાંથી ત્રણ કાવ્યો લાફોર્ગ આદિ ફ્રેન્ચ કવિઓની કવિતાનું વાચન કર્યું તે પૂર્વે અને બે કાવ્યો વાચન કર્યું તે પછી તરત જ પ્રગટ કર્યાં હતાં, જ્યારે ત્રણ કાવ્યો લાફોર્ગની સમગ્ર કવિતાનું વાચન કર્યું પછી પ્રગટ કર્યાં હતાં. ૧૯૦૯માં એલિયટે લાફોર્ગની સમગ્ર કવિતાના ત્રણ ગ્રંથો પૅરિસથી મંગાવ્યા અને ઉનાળાની રજાઓમાં ગ્લોસ્ટરના સમુદ્રતટ પરના ઘરમાં એકાન્તમાં એકાગ્ર ધ્યાનથી એનું વાચનમનન કર્યું. લાફોર્ગના ત્રણ ગ્રંથો વસાવનાર અને વાંચનાર તરીકે સમગ્ર અમેરિકામાં એલિયટ પ્રથમ હતા. આ આઠ કાવ્યોની તુલના દ્વારા લાફોર્ગના પ્રભાવથી એલિયટની કવિતામાં આમૂલ પરિવર્તન આવ્યું હતું એની પ્રતીતિ થાય છે. આ ઉપરાંત અહીં આ સમયમાં એલિયટે ‘પોર્ટ્રેટ ઑફ એ લેડી’ (૧૯૦૯-૧૦), ‘પ્રીલ્યુડ્ઝ ૧, ૨’ (૧૯૦૯-૧૦) ‘કોંવર્સાસિઓં ગાલાંત’ (૧૯૦૯) — ત્રણ કાવ્યો રચ્યાં અને ‘પ્રુફ્રૉક’નો આરંભ કર્યો. આ કાવ્યોમાં ડેન્ટિ, ડન, બૉદલેર અને લાફોર્ગનો પ્રભાવ છે. લાફોર્ગ દ્વારા એલિયટને એમનો ‘અવાજ’ પ્રાપ્ત થયો. ૧૯૦૯માં એલિયટ ‘ધ હાર્વર્ડ ઍડવોકેટ’ના તંત્રીમંડળમાં સભ્ય થયા. હાર્વર્ડમાં એલિયટ વર્ગકવિ ન હતા, વર્ગસ્તોત્રકાર હતા. ૧૯૧૦માં વર્ગદિન પ્રસંગે એમણે એક સ્તોત્ર — ‘ઓડ’ રચ્યું અને એનું સૅન્ડર્સ થિયેટરમાં પઠન કર્યું અને એ જ દિવસે એ ‘ધ હાર્વર્ડ ઍડવોકેટ’માં પ્રગટ કર્યું. આ ઉપરાંત ૧૯૦૯માં ‘ધ હાર્વર્ડ ઍડવોકેટ’માં ત્રણ અવલોકનો પણ પ્રગટ કર્યાં. ૧૯૧૦ના જૂનમાં હાર્વર્ડની શેરીમાં એમને રહસ્યદર્શન થયું. આ એલિયટનો પ્રથમ ધર્માનુભવ. આ અનુભવ વિશે એમણે એક કાવ્ય ‘સાયલન્સ’ રચ્યું, જે હસ્તપ્રતમાં છે. આ કાવ્યમાં એલિયટના ધર્મપરિવર્તનનું બીજ છે. અહીં આ સમયમાં એલિયટ ‘ગોલ્ડ કોસ્ટ’ના શ્રીમંત વિસ્તારમાં પર, માઉન્ટ ઓબર્ન સ્ટ્રીટમાં વસ્યા. કવિમિત્ર એઇકીને એમનું સુરેખ શબ્દચિત્ર આલેખ્યું છે. ઊંચા, પાતળા, બહુ રૂપાળા; અતડા નહિ પણ શરમાળ; અનેક સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક ક્લબોમાં સભ્ય; ભોજન, નૃત્ય, સંગીત, નાટક આદિ મોજશોખમાં અને રમતગમતમાં સક્રિય. બે રૂમાલ, માથામાં વચમાં સેંથો; સ્વચ્છ, સુઘડ, સંયમી, સુવ્યવસ્થિત વસ્ત્રો. જાતીયતા પ્રત્યે સૂગસંકોચને કારણે સ્ત્રીઓ પ્રત્યે એમને અવિશ્વાસ, તિરસ્કાર. સ્ત્રી, સમાજ અને સમય એ ‘ઍબ્સોલ્યૂટ’ એટલે કે ધર્મ અને પરમેશ્વરની રિપુત્રયી એવું એલિયટનું જીવનદર્શન. એલિયટ-કુટુંબની એક શાખા બૉસ્ટનમાં હતી. કાકા ક્રિસ્ટોફર અને એમની બે દીકરીઓ માર્થા અને એબિગેઇલ — કુટુંબનાં આ સભ્યો અને એમની દ્વારા બૉસ્ટન સ્ટેટ હાઉસ પાસે બીકન હિલ પર એ(મે)ડલીન મોફેટ આદિ શ્રીમંત સમાજનાં અન્ય સભ્યોની ભદ્રસંસ્કૃતિ અને જીવનશૈલીનો એલિયટને અંગત અનુભવ. એમણે આ ભદ્ર સમાજ અને સંસ્કૃતિ વિશે નોંધ્યું છે, ‘તદ્દન અસંસ્કારી સમાજ, પણ એનામાં સંસ્કારિતાના અતિચાર જેવી સંસ્કારિતા હતી.’ નૉર્થ કેમ્બ્રિજમાં રોક્સબરીમાં ગંદા-ગરીબ વિસ્તાર અને એનાં તિરસ્કૃત-બહિષ્કૃત અકિંચન સમાજનાં સભ્યોની લોકસંસ્કૃતિ અને જીવનશૈલીનો પણ એમને અંગત અનુભવ. આ બન્ને પ્રકારના સમાજના સભ્યોની સંસ્કૃતિ અને જીવનશૈલીમાં એમને શૂન્યતા અને શુષ્કતા, નિ:સારતા અને નીરસતા, દુરિત અને દૂષિતતા, ભ્રષ્ટતા અને ભયાનકતાનું દર્શન થયું હતું. ‘મરુભૂમિ’નો આ પ્રથમ અણસાર હતો. ૧૯૦૯–૧૦માં આ બન્ને અનુભવો વિશે એમણે આઠ કાવ્યો રચ્યાં, જે હસ્તપ્રતમાં છે. બૅબિટ અને સાન્તાયાનાના અપવાદ સાથે હાર્વર્ડનું શૈક્ષણિક-સાહિત્યિક વાતાવરણ ઉષ્મા કે ઉત્સાહપ્રેરક ન હતું. બૉસ્ટનનું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ ગ્લાનિ ને ઘૃણાપ્રેરક હતું. એથી ૧૯૧૦માં એલિયટે બૉસ્ટનનો ત્યાગ કરવાનો અને માતાપિતાની સંમતિ વિના, પણ પિતાની આર્થિક સહાય સાથે સોરબોંમાં ફ્રેન્ચ સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ અને એ દ્વારા ફ્રાન્સની પ્રતિભાનો પરિચય કરવાનો નિર્ણય કર્યો અને એ પૅરિસ ગયા.

પૅરિસ (૧૯૧૦–૧૯૧૧)
 

‘કવિતા એટલે ફ્રાન્સ’ એવું એલિયટનું સમીકરણ હતું. પૅરિસ તો લાફોર્ગ અને બૉદલેરની કાવ્યભૂમિ. ૧૯૧૦–૧૧માં પૅરિસમાં હોવું એ કોઈ પણ યુવાન માટે મોટું સદ્ભાગ્ય. પૅરિસના વાતાવરણમાં ત્યારે અનેક સર્જકો, વિવેચકો, વિચારકો, ફિલસૂફો અને મનોવિજ્ઞાનીઓની સર્જકતા અને બૌદ્ધિકતાનો વિદ્યુતસંચાર હતો. પૅરિસ ત્યારે એક મહાન ચૈતન્યતીર્થ હતું. પણ એલિયટને એમાંથી કોઈની સાથે અંગત પરિચય ન હતો. એ અર્થમાં એ પૅરિસમાં એકલવાયા હતા. જોકે એઇકીન ત્યારે પૅરિસમાં હતા. એલિયટ પૅરિસમાં લૅફ્ટ બૅન્ક પરના ૯, રયુ દ લ્યુનિવર્સિતેમાં વસ્યા. પછીથી ૧૯૧૫માં જેમનું દાર્દાનેલમાં યુદ્ધમાં અવસાન થયું તે તબીબી વિદ્યાર્થી ઝાં વર્દેનાલ પડોશમાં જ તે મિત્ર થયા. એલિયટે સોરબોંમાં કૉલેજ દ ફ્રાંસમાં દોઢેક માસ પ્રસિદ્ધ ફિલસૂફ હાંરિ બર્ગસોંનાં સાતેક સાપ્તાહિક વ્યાખ્યાનોમાં હાજરી આપી. પૅરિસમાં ત્યારે બર્ગસોં-ઉદ્રેક વ્યાપ્યો હતો. બર્ગસોંની ફિલસૂફી ધર્મનિરપેક્ષ અને વિજ્ઞાનનિર્ભર હતી એથી એલિયટ પર એનો પ્રબળ પ્રભાવ ન હતો. પણ બર્ગસોંની વિશ્લેષણ દ્વારા નહિ પણ નિરીક્ષણ અને સ્મૃતિ દ્વારા યથાર્થને પામવાની પદ્ધતિનો એમની કવિતા પર પ્રત્યક્ષ પ્રભાવ હતો. પછીથી એલિયટે પીએચ.ડી. માટે સાહિત્ય નહિ પણ ફિલસૂફીનો વિષય પસંદ કર્યો એમાં બર્ગસોંની પણ પ્રેરણા હતી, એવી એલિયટની માતાની માન્યતા હતી. પૅરિસમાં એલિયટનું ‘આક્સિઓ ફ્રાન્સેસ’ — ફ્રેન્ચ આંદોલન — ના પ્રસિદ્ધ નેતા અને પ્રખર રાજકીય વિચારક શાર્લ મોરા સાથે કદાચને એકાદ વાર મિલન થયું. એમણે મોરાની રાજકીય અને સાહિત્યિક ફિલસૂફીનું વાચનમનન કર્યું. મોરાનાં પ્રશિષ્ટવાદ, રાજાશાહી આદિ અંગેનાં મૂલ્યો તથા ‘વિશિષ્ટ, પ્રશિષ્ટ ક્ષણ’ અંગેના જીવનદર્શનનો એલિયટનાં આર્થિક, સામાજિક, રાજકીય અને સાહિત્યિક મૂલ્યો તથા સમગ્ર જીવનદર્શન પર પ્રબળ પ્રભાવ હતો. એલિયટે પ્રસિદ્ધ નવલકથાકાર આલેં ફૂર્નિયે સાથે ફ્રેન્ચ ભાષામાં વાર્તાલાપ કરવાનો અભ્યાસ કર્યો. એમની દ્વારા એલિયટનું એમના મિત્ર પ્રસિદ્ધ વિવેચક અને પછીથી ‘નૂવેલ રવ્યૂ ફ્રાન્સેસ’ના તંત્રી ઝાક રિવિયેર સાથે એકાદ વાર મિલન થયું. એમના સૂચનથી એલિયટે ઝીદ અને ફ્રેન્ચ અનુવાદમાં દૉસ્તૉયેવ્સ્કીની નવલકથાઓનું વાચન કર્યું. વિશેષ તો એલિયટે પછીથી ૧૯૩૨માં પોતાની પ્રસ્તાવના સાથે જેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો હતો તે શાર્લ લૂઈ-ફિલિપની પ્રસિદ્ધ નવલકથા ‘બુબુ દ મોંપાર્નાસ’- (૧૯૦૦)નું વાચન કર્યું. આ નવલકથા એલિયટ માટે પૅરિસના પ્રતીકરૂપ હતી. એ દ્વારા એલિયટ સમક્ષ પૅરિસનાં દૃશ્યો, એના અવાજો, એની મેલીઘેલી શેરીઓ, એની ગંદીગોબરી ગટરો, એની દુર્ગંધ, એની કદરૂપતા, એનાં તિરસ્કૃત-બહિષ્કૃત વેશ્યાઓ, દલાલો, ઘરાકો આદિ-મનુષ્યો, એમની માનવતા, એમની સુન્દરતા આદિનું દર્શન પ્રગટ થયું. બૉસ્ટનની જેમ પૅરિસમાં પણ એલિયટે બુલ્વાર સાબાસ્તોપોલમાં ગંદા-ગરીબ વિસ્તારનો રાતોની રાતો લગી અંગત અનુભવ કર્યો. સાથે સાથે બૉસ્ટનની જેમ પૅરિસમાં પણ એમને કંઈક ધર્માનુભવ થયો. આ બન્ને અનુભવો વિશે એમણે નવ કાવ્યો રચ્યાં, જે હસ્તપ્રતમાં છે. પૅરિસમાં એલિયટે ‘પ્રેલ્યૂડ ૩’ (૧૯૧૧), ‘રૅપ્સડી’ (૧૯૧૧) — બે કાવ્યો રચ્યાં અને ‘પ્રુફ્રૉક’ પર આગળ વધુ કામ કર્યું. પૅરિસમાં એલિયટે બૉદલેર તથા અનુકાલીન પ્રતીકવાદી અને સૌન્દર્યવાદી કવિઓની કવિતાનું એની જન્મભૂમિમાં જ વધુ સૂઝસમજપૂર્વક વાચનમનન કર્યું. એલિયટની કવિતા પર એનો તત્કાલ પ્રભાવ ન હતો. પણ એમણે પછીના દાયકામાં જે કવિતા રચી એની પર (બૉદલેરની કવિતામાં જે નગરકલ્પનો — સર્વોત્કટતાની કક્ષાએ — છે, જે સમકાલીન યુગનું અભિજ્ઞ સંવેદન છે, રૂપવિરૂપ ઉભયનું, જીવનની નીરસતા, ભીષણતા અને ભવ્યતાનું જે દર્શન છે અને જે ધર્મસૂઝ છે એનો ‘જીરોન્શન’ અને ‘ધ વેસ્ટ લૅન્ડ’ પર; લાફોર્ગની કવિતામાં જે નિર્વેદ છે, જે આત્મનિર્ભર્ત્સના છે, જે અવાજ છે એનો ‘પ્રુફ્રૉક’ પર; કૉર્બિયે અને રિમ્બોની કવિતામાં જે મુક્ત છંદ છે એનો ચાર ફ્રેન્ચ કાવ્યો પર; ગૉત્યે અને સાલ્મોંની કવિતામાં જે સ્ફટિકત્વ અને શિલ્પસ્થાપત્ય છે એનો ચતુષ્પદ શ્લોકોમાં સાત કટાક્ષકાવ્યો પર) પ્રબળ પ્રભાવ છે. ઉપરાંત એમણે ક્લૉદેલનાં નાટકોનું પણ વાચનમનન કર્યું. એમનાં નાટકોમાં જે દીર્ઘ પંક્તિઓ છે એનો એલિયટનાં નાટકોમાં જે કોરસ છે એની પર પ્રબળ પ્રભાવ છે. આમ, બર્ગસોં, મોરા અને આ કવિઓને કારણે પૅરિસનો અનુભવ એલિયટના સમગ્ર જીવન અને કાર્યમાં અમૂલ્ય ભેટરૂપ હતો. જોકે પૅરિસના અનુભવથી એલિયટના જીવનમાં કે કાર્યમાં તત્કાલ કોઈ મહાન પરિવર્તન થયું ન હતું. એથી એમણે પૅરિસનો ત્યાગ કરવાનો અને હાર્વર્ડમાં ફિલસૂફીનો વધુ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. વચમાં એમણે એકાદ માસ ઇટલી, બેવેરિયા અને મ્યૂનિકનો પ્રવાસ કર્યો. બેવેરિયામાં હોફમેનસ્થોલનાં નાટકોનું વાચન કર્યું, મ્યૂનિકમાં ‘પ્રુફ્રૉક’ પૂરું કર્યું અને એ બૉસ્ટન પાછા ગયા.

બૉસ્ટન પુનશ્ચ (૧૯૧૧–૧૯૧૪)
 

હાર્વર્ડમાં આ સમયમાં ધર્મનિર્ભર એવી આદર્શવાદી ફિલસૂફીનું નહિ પણ વિજ્ઞાનનિર્ભર એવી વાસ્તવવાદી ફિલસૂફીનું વર્ચસ્ હતું. એથી એલિયટે એ ફિલસૂફીનો અભ્યાસ ન કર્યો, પણ ૧૯૧૧–૧૩માં બે વરસ હાર્વર્ડ ઓરિએન્ટલ સિરીઝના પ્રસિદ્ધ સંપાદક લેનમેન સાથે ભારતીય ભાષાઓ — સંસ્કૃત અને પાલિનો તથા ગીતા અને ધમ્મપદનો તથા ૧૯૧૨–૧૩માં એક વરસ વુડ્ઝ સાથે ભારતીય ફિલસૂફી — પતંજલિનાં યોગસૂત્રોનો અભ્યાસ કર્યો. ભારતીય ફિલસૂફીનો એલિયટનાં ઉત્તમોત્તમ કાવ્યો-નાટકો પર પ્રબળ પ્રભાવ છે. એ વિશે એક સ્વતંત્ર પુસ્તક રચી શકાય. આ ફિલસૂફી એમના કુટુંબની ત્યાગ અને વૈરાગ્યની ફિલસૂફીથી ભિન્ન હતી. પણ તો એ ખ્રિસ્તી ત્રિમૂર્તિ અને આદિમ પાપની ફિલસૂફીથી પણ ભિન્ન હતી. વળી એમને એક અમેરિકન અને યુરોપીય તરીકે વિચારવું અને અનુભવવું એવી ઇચ્છા હતી. એથી એમણે આ અભ્યાસનો ત્યાગ કર્યો. ત્યારે વિલિયમ જેઇમ્સ હાર્વર્ડમાં એક મોટું નામ હતું. પણ એમની વ્યવહારવાદની ફિલસૂફી એલિયટ માટે અપર્યાપ્ત હતી એથી એમને એનું આકર્ષણ ન હતું. ત્યારે બર્ટ્રાન્ડ રસેલ હાર્વર્ડમાં અતિથિ અધ્યાપક હતા. ૧૯૧૪માં એલિયટે એમની સાથે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ક્રેઈગી સ્ટ્રીટમાં એમના નિવાસસ્થાને એલિયટનું એમની સાથે વારંવાર મિલન થયું હતું. એલિયટ ત્યારથી રસેલના ‘પ્રિય શિષ્ય’ થયા હતા. રસેલે હાર્વર્ડના વિદ્યાર્થીઓ વિશે નોંધ્યું છે, ‘અન્ય વીર્યવંત બુદ્ધિમાન બર્બરો હતા, એકમાત્ર એલિયટ જ સંસ્કારી હતા.’ પણ રસેલની ફિલસૂફીમાં બુદ્ધિવાદ હતો, યથાર્થનું દર્શન ન હતું. એથી એ એલિયટ માટે અપર્યાપ્ત હતી. એમને એનું આકર્ષણ ન હતું. હાર્વર્ડમાં આ સમયમાં એલિયટના ચિત્તમાં ‘પ્રુફ્રૉક’માં જેનો ઉલ્લેખ છે તે ‘પ્રબળ પ્રશ્ન’ હતો, પૂર્ણવિરામ ન હતું. બાહ્ય જગત અને આંતરજીવન વચ્ચે તીવ્ર સંઘર્ષ હતો, સમાધાન ન હતું. બે વિરોધી અનુભવો વચ્ચે નાટ્યાત્મક વાદવિવાદ હતો, સંવાદ ન હતો. સ્વપ્ન — બલકે દુ:સ્વપ્ન અને દર્શન વચ્ચે ભેદ હતો, અભેદ ન હતો. ત્યાં ૧૯૧૩માં હાર્વર્ડ સ્ક્વેરમાં એક કિતાબઘર ‘કૂપ’માંથી બ્રૅડલીનો પ્રસિદ્ધ ગ્રંથ ‘એપીઅરન્સ ઍન્ડ રીઆલિટી’ પ્રાપ્ત થયો. બ્રૅડલીની આદર્શવાદી ફિલસૂફીમાં આ સંવાદ, સમાધાન, અભેદની શક્યતા હતી. બૌદ્ધિકતાના બંધનમાંથી આધ્યાત્મિકતા-ધાર્મિકતાની મુક્તિ, જ્ઞાનમાંથી અનુભવ, મિથ્યા દ્વારા યથાર્થની શક્યતા હતી. એથી એમણે ૧૯૧૩માં પીએચ.ડી.ના મહાનિબંધ માટે બ્રૅડલીની ફિલસૂફીનો વિષય પસંદ કર્યો. હાર્વર્ડમાં ત્યારે જોસિઆ રોઇસ ફિલસૂફીના અધ્યાપક હતા. એમની ધર્માભિમુખ સમાજ અને સમાજાભિમુખ ધર્મની ફિલસૂફી હતી. એથી એલિયટે ૧૯૧૩–૧૪માં એક વરસ એમની સાથે ફિલસૂફી, તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ૧૯૧૨–૧૪માં એમને ફિલસૂફીમાં આસિસ્ટંટશિપ અર્પણ કરવામાં આવી હતી. એમર્સન હૉલમાં એમનો વર્ગ હતો. ૧૯૧૩–૧૪માં એ હાર્વર્ડ ફિલૉસૉફિકલ ક્લબના પ્રમુખ હતા. હાર્વર્ડમાં એલિયટ ઍશ સ્ટ્રીટમાં વસ્યા. ત્યારે કવિમિત્ર એઇકીન પણ હાર્વર્ડમાં હતા. એમણે આ સમયના એલિયટનું પણ સુરેખ શબ્દચિત્ર આલેખ્યું છે. હવે માથામાં વચમાં નહિ પણ પાછળ સેંથો, હાથમાં મલાક્કા કેઈન, લૅફ્ટ બૅન્કનો રંગીન પોશાક, એલિયટ હવે ‘યુરોપીય’ થયા હતા. ૧૯૧૩માં મિસિસ હિન્કલીના ઘરમાં સ્વજનો-મિત્રોની સમક્ષ બે નાટકોમાં એમણે ભૂમિકા ભજવી હતી. અહીં એલિયટનું જેની સાથે જીવનભરની — જેનું નામ ન પાડી શકાય તેવી — મૈત્રી તે એમિલી હેઈલ (જ. ૧૮૯૧) સાથે મિલન થયું. (એમિલી જીવનભર અપરિણીત રહ્યાં હતાં. અમેરિકાની કૉલેજોમાં નાટકના વિષયના શિક્ષિકા થયાં હતાં. ૧૯૩૩માં એક વાર અમેરિકામાં અને ૧૯૩૪–૩૫માં બે વાર ઇંગ્લૅન્ડમાં એમનું એલિયટ સાથે મિલન થયું હતું. એમણે એલિયટને બે હજાર પત્રો અને એલિયટે એમને હજારેક પત્રો લખ્યા હતા.) એલિયટે સાઉથ એન્ડમાં એક વ્યાયામશાળામાં જેના પરથી એમણે સ્વીનીનું પાત્ર સર્જ્યું તે બૉક્સિંગના ભૂતપૂર્વ પુરસ્કારવિજેતા આઇરિશ બૉક્સર સ્ટીવ ઓ’ડોનલ પાસે પુરુષત્વ સિદ્ધ કરવા માટે બૉક્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. મિત્રોનું મનોરંજન કરવા માટે અશ્લીલ હાસ્યનાં ત્રણ કાવ્યો રચ્યાં. એની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. આ સમયમાં એલિયટે નહિવત્ કવિતા રચી. ‘પ્રેલ્યૂડ ૪’ (૧૯૧૧) અને ‘લા ફિગ્લિઆ શે પિઆંઝ’ (૧૯૧૧) — બે જ કાવ્યો રચ્યાં. અગાઉ બૉસ્ટન અને પૅરિસની જેમ આ સમયમાં પણ એમને ધર્માનુભવ થયો. આ અનુભવ વિશે એમણે નવ કાવ્યો રચ્યાં, જે હસ્તપ્રતમાં છે. આ કાવ્યોમાં એલિયટના ધર્મપરિવર્તનનો અંકુર છે. ૧૯૧૩–૧૪માં એમણે મરુભૂમિના સંતો અને શહીદોનાં જીવન વિશેના અનેક ગ્રંથોનું વાચનમનન કર્યું. એલિયટ ભવિષ્યમાં હાર્વર્ડમાં ફિલસૂફીના વિભાગમાં અધ્યાપક થશે એ આશા-અપેક્ષાએ એમને ઑક્સફર્ડમાં મેર્ટન કૉલેજમાં એક વરસ અભ્યાસ કરવા માટે શેલ્ડન ટ્રાવેલિંગ સ્કૉલરશિપ અર્પણ કરવામાં આવી અને ૧૯૧૪માં એ ઑક્સફર્ડ ગયા.

ઑક્સફર્ડ (૧૯૧૪–૧૯૧૫)
 

એલિયટ ઑક્સફર્ડ ગયા તે પૂર્વે મારબર્ગ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેના ગ્રીષ્મવર્ગમાં અભ્યાસ કરવા માટે જર્મની ગયા. પણ થોડાક જ દિવસોમાં યુદ્ધનો આરંભ થાય તે પૂર્વે ૧૯૧૪ના ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડ ગયા. એકબે માસ લંડનમાં ૨૮, બેડફર્ડ સ્ટ્રીટમાં વસ્યા. ત્યારે બે કાવ્યો રચ્યાં, જે હસ્તપ્રતમાં છે. ૧૯૧૪ના સપ્ટેમ્બરની ૨૨મીએ લંડનમાં પાઉન્ડના નિવાસસ્થાને એલિયટનું પાઉન્ડ સાથે ઐતિહાસિક મિલન થયું. ઑક્ટોબરમાં એ ઑક્સફર્ડ ગયા. ઑક્સફર્ડમાં મેર્ટન કૉલેજમાં બ્રૅડલી ત્યારે ફેલો હતા. પણ વૃદ્ધાવસ્થાને કારણે અસ્વસ્થ હતા. એથી એલિયટનું એમની સાથે મિલન ન થયું. એલિયટે એમના પ્રિય શિષ્ય જોઆકિમ સાથે ઍરિસ્ટૉટલનું વાચન કર્યું અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો. એલિયટે પાંચેક વરસના મૌન પછી આ સમયમાં પાઉન્ડની પ્રેરણાથી અને પાઉન્ડની કવિતાના પ્રભાવથી બૉસ્ટનનાં કેટલાંક સ્વજનોની સ્મૃતિને આધારે બૉસ્ટનની કટાક્ષકાવ્યોની પરંપરામાં છ કાવ્યો સહિત કુલ સાત કાવ્યો રચ્યાં. એલિયટને ઑક્સફર્ડમાં વધુ એક વરસ અભ્યાસ કરવા માટે હાર્વર્ડના ફિલસૂફીના વિભાગ દ્વારા સહાય અને સુવિધાની ઑફર હતી. પણ એમણે એનો અસ્વીકાર કર્યો. ઑક્સફર્ડમાં એ ‘કોટરી’ના સભ્ય હતા. ડૉડ્ઝ એમના એકમાત્ર મિત્ર હતા. એલિયટ ઑક્સફર્ડમાં એકલવાયા હતા. અને અભ્યાસમાં હવે વધુ રસ ન હતો. એથી ઑક્સફર્ડમાં એમને વસવું ન હતું. હાર્વર્ડ પાછા જવું ન હતું. લંડનમાં પાઉન્ડનું અમોઘ આકર્ષણ હતું. વળી એક વાર પ્રેમમાં નિષ્ફળ ગયા પછી ઑક્સફર્ડમાં ગવર્નેસ થયાં હતાં તે લંડનનિવાસી વિવિયન હે-વુડ સાથે ઑક્સફર્ડમાં બેપાંચ વાર મિલન થયું. એથી લંડનમાં વિવિયન સાથે લગ્ન અને પાઉન્ડ સાથે મૈત્રી કરવાની, બ્રિટિશ મ્યુઝિયમમાં કામ કરવાની આશાએ એલિયટ ૧૯૫૧ના જૂનમાં લંડન ગયા.

લંડન  ઇન્ફર્નો (૧૯૧૫–૧૯૨૭)
 

આ સમય એલિયટના જીવનમાં લગ્ન અને આજીવિકા એટલે કે સ્ત્રી અને ધનને કારણે બાહ્યજગત સાથેના સંઘર્ષનો સમય હતો. એલિયટે ૧૯૧૫ના જૂનની ૨૬મીએ પરસ્પર અલ્પ પરિચય પછી અને બન્નેનાં માતાપિતાની સંમતિ વિના વિવિયન સાથે લગ્ન કર્યું. વિવિયન ચિત્રકાર, નૃત્યકાર, વાર્તાકાર; એલિયટથી વયમાં ચારેક માસ મોટાં; મુક્ત, મનસ્વી, ચંચલ, તરલ, નિખાલસ, સુન્દર અને સુસંસ્કારી; એલિયટ સભાન, સ્વમાની, સંયમી અને સંકોચશીલ; પરસ્પર વ્યક્તિત્વમાં વિસંવાદિતા; બન્નેમાં માનસિક અસ્વસ્થતા, વિવિયનમાં તો અસાધારણ શારીરિક પણ અસ્વસ્થતા, જીવનભર માંદાં-સાજાં-માંદાં સતત આ ક્રમમાં અનેક પ્રકારની માંદગી, વારંવાર મૃત્યુને આરે; એલિયટને લગ્નનો ભારે માનસિક, સામાજિક, આર્થિક બોજ. લગ્ન પછી તરત વિવિયનના પિતાના ઘરમાં હેમ્પસ્ટેડમાં વસ્યાં. પછી તરત રસેલના ફ્લૅટમાં એક ખંડમાં વસ્યાં. કદી ઠરીને ઠામ થયાં નહિ. વારંવાર એક ઘરમાંથી અન્ય ઘરમાં ખસ્યાં. રસેલની ૩૦૦૦ પાઉન્ડનાં ડિબેન્ચર્સની આર્થિક સહાય અને સલાહસૂચન છતાં લગ્ન નિષ્ફળ હતું, નિ:સંતાન પણ હતું. લગ્નની નિષ્ફળતાનો એલિયટે સ્વીકાર કર્યો, વિવિયને કદી ન કર્યો. એલિયટે એમાં પોતાની અશક્તિ અને અપર્યાપ્તતા છે એમ જાત પર દોષારોપણ કર્યું, વિવિયન પર કદી ન કર્યું, માત્ર જીવનભર નિષ્ઠાપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક વિવિયનની સેવાશુશ્રૂષાનું કાર્ય જ કર્યું. આ લગ્નજીવન સંકુલ હતું, એને વિશે અનેક ટીકાઓ અને ટુચકાઓ છે, અટકળો અને અણસમજો છે, સત્ય ક્યાંય નથી. એની નિષ્ફળતાનું રહસ્ય સુલભ નથી. એલિયટે એને વિશે માત્ર વેદનાપૂર્ણ મૌન જ ધર્યું. ૧૯૧૮ના જુલાઈમાં ‘ઓડ’માં આ નિષ્ફળતાનું સ્મારક રચ્યું. ૧૯૧૯માં કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’માં એ પ્રગટ કર્યું. પણ પછી કદી એનું પુનર્મુદ્રણ ન કર્યું. ૧૯૧૫માં એક સત્ર માટે એલિયટ હાઈ વાઈકોમ્બ ગ્રામર સ્કૂલમાં શિક્ષક હતા (વિષયો ફ્રેન્ચ, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ચિત્ર, તરણ આદિ; વેતન ૧૪૦ પાઉન્ડ અને એક વાર ભોજન). પછી ૧૯૧૬માં એક વરસ હાઈગેઇટ જુનિયર સ્કૂલમાં શિક્ષક હતા (વિદ્યાર્થીઓમાં હુલામણું નામ ‘અમેરિકન માસ્ટર’; વેતન ૧૬૦ પાઉન્ડ અને એક વાર ભોજન તથા નાસ્તો). ૧૯૧૬માં પીએચ.ડી. માટેનો બ્રૅડલી પરનો મહાનિબંધ પૂરો કર્યો. હાર્વર્ડમાં એનો સ્વીકાર થયો. નૈતિક ફરજ તરીકે મૌખિક પરીક્ષા માટે હાર્વર્ડ જવાનું વિચાર્યું છતાં ન ગયા. પદવી ભલે પ્રાપ્ત ન થાય પણ હાર્વર્ડ પાછા ન જવું અને ફિલસૂફીના શિક્ષક ન થવું એવો નિર્ણય કર્યો. ૧૯૧૭માં લૉઇડ્ઝ બૅન્કમાં ફૉરિન ઍન્ડ કૉલોનિયલ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે નિયુક્ત થયા (વેતન ૧૨૦–૫૦૦–૬૦૦ પાઉન્ડ). ૧૯૧૮માં યુદ્ધસેવા માટે અમેરિકાના નૌકાસૈન્યમાં પ્રવેશ અંગે પ્રયત્ન કર્યો પણ હર્નિયા આદિ શારીરિક અપાત્રતાને કારણે એમનો અસ્વીકાર થયો (વજન ૧૨૫ પાઉન્ડ, ઊંચાઈ પ’-૧૦”). ૧૯૨૦માં આઈ. એ. રિચર્ડ્ઝે એ કેમ્બ્રિજમાં અંગ્રેજી સાહિત્યના અધ્યાપક થાય એ માટે એમને વિનંતી દ્વારા પ્રયત્ન કર્યો. એમણે એનો અસ્વીકાર કર્યો. સવારના પાંચથી રોજ ચૌદ-પંદર કલાકનું કામ, બૅન્કમાં કારકુની અને અન્ય સમયમાં વ્યાખ્યાનો તથા અવલોકનોનું બિન-સર્જનાત્મક ગદ્યલખાણ — કવિતા માટે, સર્જન માટે સહેજ પણ અવકાશ નહિ એથી પાઉન્ડ, ક્વિન, ઓટોલિન મોરેલ, વર્જિનિયા વૂલ્ફ આદિ મિત્રોએ એ બૅન્કમાંથી મુક્ત થાય એ માટે બે રાહતફંડ, તંત્રીપદ આદિ સહાયનો પ્રયત્ન કર્યો. એમણે એનો પણ અંતે અસ્વીકાર કર્યો. ૧૯૨૫માં એ ફેબર ઍન્ડ ગ્વાયર (૧૯૨૯થી જેનું નવું નામ ફેબર ઍન્ડ ફેબર) પ્રકાશનગૃહમાં તંત્રી તરીકે નિયુક્ત થયા ત્યારે અંતે આ સંઘર્ષનું સમાધાન થયું. એલિયટે કુટુંબની પરંપરા પ્રમાણે પૂરા સમયનો પરિશ્રમ કર્યો. ઉપરાંત ૧૯૧૬–૧૮માં પ્રૌઢશિક્ષણના સાંજના વર્ગોમાં કવિતા અને સાહિત્ય પર વ્યાખ્યાનો; ૧૯૧૬થી સતત વિવિધ સામયિકોમાં સાહિત્ય અને ફિલસૂફીના ગ્રંથોનાં અવલોકનો; ૧૯૧૭માં હેરિયેટ શો વીવરના ‘ધ ઇગોઇસ્ટ’માં ઉપતંત્રી અને સાહિત્યિક તંત્રી, ૧૯૨૧–૨૨માં ‘ધ ડાયલ’માં અને ૧૯૨૨–૨૩માં ‘નૂવેલ રવ્યૂ ફ્રાન્સેસ’માં વિદેશતંત્રી તરીકે નિબંધો અને પત્રો; ૧૯૨૨માં લેડી રોથસ્મીઅરે જેનું આર્થિક આયોજન કર્યું, વિવિયને જેનું નામાભિધાન કર્યું અને પછી ૧૯૨૬માં ફેબરે જેનું પ્રકાશન કર્યું તે પ્રસિદ્ધ સામયિક ‘ધ ક્રાઇટેરિયન’(વધુમાં વધુ ૭૦૦ અને સરેરાશ ૫૦૦ ગ્રાહકસંખ્યા) નો આરંભ કર્યો. એમાં પોતાની ધાર્મિક, સાહિત્યિક, સામાજિક, રાજકીય અને આર્થિક વિચારધારા વિશે સતત ‘કૉમેન્ટરીઝ’ અને અવલોકનો — આટલો વિશેષ પુરુષાર્થ કર્યો. આ સમયમાં એલિયટ એક પછી એક અનેક નિવાસસ્થાનોમાં વસ્યા. પાઉન્ડ દ્વારા એમનો અનેક મિત્રમંડળો અને બૌદ્ધિક-સાહિત્યિક વર્તુળો — સવિશેષ બ્લૂમ્સબરી ગ્રૂપ — માં પ્રવેશ થયો. એમાં અનેક મિત્રો — સવિશેષ ત્રણ સ્ત્રીમિત્રો વર્જિનિયા વૂલ્ફ, ઓટોલિન મોરેલ અને મૅરી હચિન્સન — ની ઉષ્મા અને ઉદારતા, સ્વીકૃતિ અને સહાનુભૂતિનો અનુભવ કર્યો. વર્જિનિયા વુલ્ફના તો એ લાડીલા ‘ગ્રેટ ટૉમ’ બન્યા. ૧૯૧૫માં લગ્ન પછી તરત માતાપિતાને સમજ અને સાન્ત્વન આપવા માટે એકલા અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૨૦માં વિન્ડ્હામ લુઇસ સાથે બ્રિટનીનો પ્રવાસ કર્યો. ત્યારે પૅરિસમાં જૉઇસ સાથે મિલન થયું. ૧૯૨૧માં ત્રણ માસની માંદગીને કારણે ઑગસ્ટની ૨૨મીએ ત્રણ અઠવાડિયાં આરામ માટે માર્ગેઇટમાં ફિલ્ટન હિલ પર આલ્બેમાર્ટ હોટેલમાં ગયા. અહીં ‘ધ વેસ્ટ લૅન્ડ’નો આરંભ કર્યો. પછી ત્રણેક માસ આરામ માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં લોસાંમાં લેઇક લેમાન પર એક આરામગૃહમાં ગયા. અહીં ‘ધ વેસ્ટ લૅન્ડ’ પૂરું કર્યું. જતાં પૅરિસમાં નવેમ્બરની ૧૮મીએ અધૂરું અને આવતાં પણ પૅરિસમાં જ ૧૯૨૨ના જાન્યુઆરીના આરંભમાં પૂરું કાવ્ય પાઉન્ડને બતાવ્યું અને સોંપ્યું. ત્યારે પાઉન્ડે ત્રણ વાર ‘ધ વેસ્ટ લૅન્ડ’નું સીઝેરિયન ઑપરેશન કર્યું. ૧૯૨૬માં વિવિયન તથા ભાઈભાભી સાથે રોમ ગયા. આ સમયમાં એલિયટ અલિપ્ત અને અન્યમનસ્ક મનુષ્ય છે, વિદ્વાન અને મિતભાષી મનુષ્ય છે એવી સર્વત્ર — મિત્રો સુધ્ધાંમાં — માન્યતા હતી. બૉસ્ટન અને પૅરિસની જેમ લંડનમાં પણ દક્ષિણ વિભાગમાં ગંદા-ગરીબ વિસ્તારોનો અનુભવ કર્યો. આ અનુભવ વિશે એમણે એક વાર્તા ‘ઇલડ્રોપ ઍન્ડ એપલપ્લેક્સ’ રચી અને ‘લિટલ રિવ્યૂ’માં એનું પ્રકાશન કર્યું. પાઉન્ડની પ્રેરણાથી એલિયટ ફિલસૂફીથી વિમુખ થયા અને કવિતા પ્રત્યે અભિમુખ થયા. એમણે બે વરસના મૌન પછી ૧૯૧૭–૧૯માં પાઉન્ડના સૂચનથી ચતુષ્પદ શ્લોકોમાં સાત કટાક્ષકાવ્યો અને સ્વયં પ્રેરણાથી ફ્રેન્ચ ભાષામાં ચાર કાવ્યો રચ્યાં. ઉપરાંત એક કાવ્ય ‘જેરોન્શન’ રચ્યું. બૉસ્ટન અને પૅરિસની જેમ આ સમયમાં પણ એલિયટને ધર્માનુભવ થયો. એમણે ૧૯૧૪માં જર્મનીમાં ‘ધ લવ સૉંગ ઑફ સેન્ટ સેબાસ્ટિયન’ અને ૧૯૧૪–૧૫માં લંડનમાં ‘ધ ડેથ ઑફ સેન્ટ નાર્સિસસ’ — બે સંતકાવ્યો રચ્યાં, જે હસ્તપ્રતમાં છે. ૧૯૧૬નું વર્ષ એ એલિયટના જીવનમાં સંકટનું, મહાન પરિવર્તનનું વર્ષ હતું. ૧૯૦૫માં જેમ એમણે હંમેશ માટે કુટુંબ અને સેન્ટ લૂઈનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો તેમ ૧૯૧૬માં એમણે હંમેશ માટે બૉસ્ટનનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. કુટુંબમાં અને સેન્ટ લૂઈમાં ધર્મનો અભાવ હતો, બૉસ્ટનમાં બુદ્ધિનો પ્રભાવ હતો. આમ ધર્મની અભીપ્સાને કારણે એમણે ન્યૂ ઇંગ્લૅન્ડમાંથી ઓલ્ડ ઇંગ્લૅન્ડમાં પ્રયાણ કર્યું. ૧૯૧૬થી એમનાં અવલોકનોમાં ફિલસૂફી અને ધર્મનો અવિચ્છેદ્ય સંબંધ છે એવું સતત સૂચન કર્યું. પાઉન્ડની પ્રેરણાથી એ કવિતા પ્રત્યે અભિમુખ થયા પણ ધર્મથી વિમુખ પણ થયા. જોકે પૂર્વોક્ત સાત કટાક્ષકાવ્યોમાંથી બે કટાક્ષકાવ્યોમાં સમકાલીન ચર્ચ અને એની ધર્મચર્યા પર ક્રૂર કટાક્ષ કર્યો. એમાં એમણે ભલે નકારાત્મક પણ અંતે તો ધર્માનુભવ જ કર્યો. ૧૯૧૯માં ‘જેરોન્શન’માં એક પાત્રના જીવનમાં તથા ૧૯૨૧માં ‘ધ વેસ્ટ લૅન્ડ’માં અને ૧૯૨૫માં ‘ધ હૉલો મેન’માં અસંખ્ય પાત્રોના જીવનમાં ધર્માનુભવના અભાવનાં કરુણ કાવ્યો રચ્યાં. ‘ધ વેસ્ટ લૅન્ડ’ રચ્યું ત્યારે તો બૌદ્ધ ભિખ્ખુ જેવા બની ગયા હતા, કંઈક બૌદ્ધ ભિખ્ખુનું વસ્ત્ર પણ ધારણ કર્યું હતું. ત્યારે એમણે સેન્ટ ઑગસ્ટિનનાં લખાણોનું વાચનમનન કર્યું હતું. ત્યારે ડેન્ટિનું ‘ધ ડિવાઇન કૉમેડી’ કાવ્ય સતત એમની સાથે સાથે ફર્યું હતું. ૧૯૨૩નું વર્ષ એ એમના જીવનમાં પુનશ્ચ સંકટનું, મહાન પરિવર્તનનું વર્ષ હતું. ત્યારે એમના જીવનમાં એકાન્ત અને અસ્વસ્થતાની, વેદના અને વ્યાકુલતાની ચરમ સીમા હતી. ત્યારે એમણે સેન્ટ જૉન ઑફ ધ ક્રૉસની કવિતાનું અને ૧૭મી સદીના અંગ્રેજ ધર્મગુરુઓના સાહિત્યસ્વરૂપની કક્ષાના સમૃદ્ધ ધર્મોપદેશોનું વાચનમનન કર્યું હતું. ૧૯૨૬માં એમણે ચર્ચમાં રોજ પ્રાત:પ્રાર્થનામાં હાજરી આપી હતી અને રોમમાં માઇકેલઍન્જેલોના પ્રસિદ્ધ શિલ્પ ‘પીએતા’ સમક્ષ એ ઘૂંટણિયે પડ્યા હતા. પાઉન્ડ, વિવિયન અને લંડનનો અનુભવ એક અર્થમાં ધર્માનુભવમાં, ધર્મપરિવર્તનની પ્રક્રિયામાં વિઘાતક હતો તો અન્ય અર્થમાં વિધાયક હતો. આ સમયમાં એલિયટના ધર્માનુભવમાં હજુ શ્રદ્ધાનો નહિ, શંકાનો અનુભવ હતો. ૧૯૧૮ના જૂનમાં જે ‘ઓડ’ કાવ્ય રચ્યું એમાં એમની આ શંકા — aboulie — નું સૂચન છે. નરકલોકને અંતે પ્રાયશ્ચિત્તલોકનો આરંભ થાય છે. ‘ધ વેસ્ટ લૅન્ડ’ એ એલિયટની ‘ધ ડિવાઇન કૉમેડી’નો ‘ઇન્ફર્નો’ છે. જેમ ડેન્ટિએ બીઆત્રિસ અને ફ્લૉરેન્સમાંથી ‘ઇન્ફર્નો’નું અને બૉદલેરે ઝાન દુવાલ અને પૅરિસમાંથી ‘લે ફ્લર દ્યુ માલ’નું તેમ એલિયટે વિવિયન અને લંડનમાંથી ‘ધ વેસ્ટ લૅન્ડ’નું સર્જન કર્યું છે. ૧૯૧૫ના જૂનમાં પાઉન્ડના સૂચનથી હેરીએટ મનરોના ‘પોએટ્રી’ માસિકમાં ‘પ્રુફ્રૉક’ કાવ્યનું પ્રકાશન થયું. એલિયટનું આ ઔપચારિક અર્થમાં પ્રથમ પ્રગટ કાવ્ય. પછી જુલાઈમાં ‘બ્લાસ્ટ’ સામયિકમાં ‘પ્રેલ્યૂડ્ઝ’ અને ‘રૅપ્સડી’ બે કાવ્યોનું પ્રકાશન થયું. એલિયટનું ઇંગ્લૅન્ડમાં આ ઔપચારિક અર્થમાં પ્રથમ કાવ્યપ્રકાશન. ૧૯૧૭માં ‘ન્યૂ સ્ટેટ્સમૅન’માં ‘રિફ્લેક્શન્સ ઑન વેર લિબ્ર’ વિવેચનલેખનું પ્રકાશન થયું. એલિયટનું આ પ્રથમ ગદ્યપ્રકાશન. પછી ૧૯૧૮માં અમેરિકામાં પાઉન્ડની કવિતા પર ‘એઝરા પાઉન્ડ, હિઝ મીટ્રિક્સ ઍન્ડ પોએટ્રી’ પુસ્તિકાનું પ્રકાશન થયું. એલિયટનું આ પ્રથમ પુસ્તકપ્રકાશન. આ સમયમાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રુફ્રૉક ઍન્ડ અધર ઑબ્ઝર્વેશન્સ’ (૧૯૧૭, ઝાં વર્દેનાલને અર્પણ), ‘પોએમ્સ’ (૧૯૧૯), ‘આરા વોસ પ્રેક’ (૧૯૨૦), ‘ધ વેસ્ટ લૅન્ડ’ (૧૯૨૨, પાઉન્ડને અર્પણ), ‘પોએમ્સ ૧૯૦૯–૧૯૨૫’ (૧૯૨૫, ‘ધ હૉલો મૅન’ સહિત) — કાવ્યસંગ્રહો તથા ‘ધ સેક્રેડ વુડ’ (૧૯૧૯, પિતાને અર્પણ) — વિવેચનસંગ્રહનું પ્રકાશન થયું. ૧૯૨૬માં કેમ્બ્રિજમાં ટ્રિનિટી કૉલેજમાં ક્લાર્ક વ્યાખ્યાનો આપ્યાં, જે અગ્રંથસ્થ છે.

લંડન  પર્ગેતોરીઓ (૧૯૨૭–૧૯૪૮)
 

આ સમય એ એલિયટના જીવનમાં આંતરજગતમાં સંઘર્ષનો સમય હતો. ૧૯૨૭ના જૂનની ૨૯મીએ ઑક્સફર્ડશાયરના કોટ્સવોલ્ડ્ઝમાં ફિનસ્ટૉકના ચર્ચમાં રેવરન્ડ વિલિયમ ફોર્સ સ્ટીડે એલિયટ પર પવિત્ર જલનો અભિષેક કર્યો. અને આમ અંતે એલિયટે ધર્મપરિવર્તન કર્યું. પછી નવેમ્બરની ૨જીએ એમણે અમેરિકન નાગરિકત્વનો ત્યાગ કર્યો અને અંગ્રેજી નાગરિકત્વનો સ્વીકાર કર્યો. ૧૯૨૮માં પોતે સાહિત્યમાં પ્રશિષ્ટવાદી, રાજકારણમાં રાજાશાહીવાદી અને ધર્મમાં ઍંગ્લો-કૅથલિક છે એવું પ્રસિદ્ધ વિધાન કર્યું. પ્રતિકારમાં ક્યાંક ક્યાંક એલિયટ પ્રત્યાઘાતી અને પલાયનવાદી છે એવો આરોપ-આક્ષેપ થયો. ૧૯૧૫–૨૭માં એલિયટમાં એકંદરે અલિપ્તતા, ઉદાસીનતા અને અન્યમનસ્કતા હતી. હવે એમનામાં જાગતિક સભાનતા હતી. આ સમયમાં એ વ્યાપક પ્રજાજીવનમાં ઓતપ્રોત અને એકરસ હતા. અનેક જાહેર ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ૧૯૩૪થી આયુષ્યના અંત લગી એ ગ્લૉસ્ટર રોડ પરના સેન્ટ સ્ટીફન્સ ચર્ચમાં વૉર્ડન હતા. અહીં એમણે નિયમિત પ્રભાતની માસ વિધિમાં હાજરી આપી. ૧૯૩૩માં લંડનમાં ચર્ચરક્ષાના આંદોલનમાં સરઘસમાં પણ જોડાયા હતા અને સમૂહની સાથે ‘ઑનવર્ડ ક્રિશ્ચિયન સોલ્જર્સ’ ગીત ગાયું હતું. આ સમયમાં એમણે ‘ક્રિશ્ચિયન ન્યૂઝ લેટર’ આદિ અનેક ધાર્મિક સામયિકોનું સંપાદન કર્યું અને અઢળક ધાર્મિક ગદ્ય-લખાણ કર્યું; અનેક ધર્મપરિષદોમાં હાજરી આપી. એ ખ્રિસ્તી ધર્મના સ્વનિયુક્ત પ્રવક્તા હતા. ૧૯૧૫–૨૭માં માત્ર કળા અને સૌંદર્યના સંદર્ભમાં જ કર્યું હતું તેમ નહિ પણ હવે ધર્મના સંદર્ભમાં સાહિત્ય અને સંસ્કૃતિનું મૂલ્યાંકન કર્યું. ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, વેલ્સ, આયર્લૅન્ડ — દેશમાં તેમ જ વિદેશમાં સાહિત્યિક વ્યાખ્યાનો કર્યાં. માત્ર અંગત મિત્રમંડળો કે બૌદ્ધિક સાહિત્યિક વર્તુળોમાં જ નહિ પણ ‘ચેન્ડોસ’ જેવા વ્યાપક ધાર્મિક મંડળોમાં અને ‘ધ મૂટ’ જેવા વ્યાપક બૌદ્ધિક વર્તુળોમાં હાજરી આપી. અનેક સંસ્થાઓમાં, સમિતિઓમાં સભ્યપદ, પ્રમુખપદનો સ્વીકાર કર્યો. એમને વિશાળ વ્યાપક શ્રોતાવર્ગ હતો. એ સાંસ્કૃતિક-સાહિત્યિક સમાજના નેતા હતા. એમણે ‘ન્યૂ ઇંગ્લિશ વીકલી’માં તથા ‘ધ ક્રાઇટેરિયન’માં સતત નિયમિત ‘કૉમેન્ટરીઝ’માં એમનું અંગત ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક, રાજકીય, આર્થિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક જીવનદર્શન પ્રગટ કર્યું. યુદ્ધસમયે સેન્ટ સ્ટીફન્સ ચર્ચ અને ફેબરની ઑફિસની અગાસી પર ફાયરવૉચર તરીકે યુદ્ધધર્મ બજાવ્યો. ૧૯૩૨માં ૧૮ વર્ષ પછી પ્રથમ વાર હાર્વર્ડમાં અને વર્જિનિયામાં વ્યાખ્યાનો માટે અમેરિકા ગયા. ૧૯૪૨માં બિશપ જોર્જ બેલ સાથે પાંચ અઠવાડિયાં સ્વીડનનો પ્રવાસ કર્યો. ૧૯૪૫માં વ્યાખ્યાન માટે પૅરિસ ગયા. ૧૯૪૬માં હાર્વર્ડમાં માનદ પદવી માટે અને ૧૯૪૮માં ફરી એક વાર અમેરિકા ગયા. ૧૯૩૩માં ફેબરના ડિરેક્ટર થયા. ૧૯૩૯માં ‘ધ ક્રાઇટેરિયન’ બંધ કર્યું. ૧૯૪૭માં હર્નિયાનું ઑપરેશન કરાવ્યું. ૧૯૩૦માં એલિયટે ‘ઍશ વેડ્નસડે’ કાવ્ય રચ્યું. ‘ઍશ વેડ્નસડે’ એ એલિયટની ‘ધ ડિવાઇન કૉમેડી’નો ‘પર્ગેટોરીઓ’ છે. આ કાવ્ય એમણે વિવિયનને અર્પણ કર્યું. ૧૯૩૩માં અંતે વિવિયન સાથે — ઍંગ્લો-કૅથલિક હતા એથી — લગ્નભંગ નહિ પણ માત્ર વિચ્છેદ કર્યો. ‘ઍશ વેડ્નસડે’ના અનુસંધાનમાં ૧૯૪૩માં એમણે ‘ફોર ક્વાર્ટેટ્સ’ કાવ્ય રચ્યું. ‘ફોર ક્વાર્ટેટ્સ’ એ એલિયટની ‘ધ ડિવાઇન કૉમેડી’નો ‘પેરેડિસો’ છે. આ બન્ને કાવ્યો પર ડેન્ટિનો અનિર્વચનીય પ્રભાવ છે. ૧૯૪૭માં જાન્યુઆરીની ૨૨મીએ ગ્રીન લેઇન્સમાં નૉર્ધમ્બર હાઉસમાં વિવિયનનું હૃદયરોગથી અવસાન થયું. આ સમયમાં પણ એલિયટ ઠરીઠામ થયા ન હતા. વારંવાર એક ઘરમાંથી અન્ય ઘરમાં ખસ્યા હતા. સેન્ટ લૂઈથી હાર્વર્ડ, પૅરિસ, હાર્વર્ડ, ઑક્સફર્ડ; ન્યૂ ઇંગ્લૅન્ડથી ઓલ્ડ ઇંગ્લૅન્ડ, લંડન અને લંડનમાં પણ અત્રતત્ર — એલિયટ ચિરપ્રવાસી હતા. એમની કવિતામાં પણ સાદ્યંત મરુભૂમિ અને ધર્મયાત્રા છે. એના સંદર્ભમાં એમના જીવનનું આ સત્ય અત્યંત સૂચક છે. આ સમયમાં ‘એરિયલ પોએમ્સ’ (૧૯૨૭–૩૧), ‘ઍશ વેડ્નસડે’ (૧૯૩૦, વિવિયનને અર્પણ), ‘કોરીઓલેન’ (૧૯૩૧), ‘લૅન્ડસ્કેઇપ્સ’ (૧૯૩૨), ‘ફાઇવ ફિંગર ઍક્સર્સાઇસિઝ’ (૧૯૩૨), ‘ધ કલેક્ટેડ પોએમ્સ ૧૯૦૯–૧૯૩૫’ (૧૯૩૬), ‘ઓલ્ડ પૉસમ્સ બુક ઑફ પ્રૅક્ટિકલ કૅટ્સ’ (૧૯૩૯), ‘ફોર ક્વાર્ટેટ્સ’ (૧૯૪૩, અસલ નામ ‘કૅન્સિંગ્ટન ક્વાર્ટેટ્સ’), કાવ્યસંગ્રહો; ‘સ્વીની ઍગોનિસ્ટિસ’ (૧૯૩૨), ‘ધ રૉક’ (૧૯૩૪),‘મર્ડર ઇન ધ કથીડ્રલ’ (૧૯૩૫, હેન્ઝી રીબર્નનું નામાભિધાન, અસલ નામ ‘ફીઅર ઇન ધ વે’), ‘ધ ફૅમિલી રીયુનિયન’ (૧૯૩૯) — નાટકો; ‘ફૉર લેન્સલૉટ ઍન્ડ્રૂઝ’ (૧૯૨૮, માતાને અર્પણ), ‘ડેન્ટિ’ (૧૯૨૯, શાર્લ મોરાને અર્પણ), ‘સિલેક્ટેડ એસેઝ’ (૧૯૩૨, હેરીએટ શો વીવરને અર્પણ), ‘એસેઝ મૉડર્ન ઍન્ડ એન્શિયન્ટ’ (૧૯૩૬) — વિવેચનસંગ્રહો; ‘ધ યુઝ ઑફ પોએટ્રી’ (૧૯૩૩, ચાર્લ્સ વ્હિબ્લીને અર્પણ), ‘આફ્ટર સ્ટ્રેઇંજ ગૉડ્ઝ’ (૧૯૩૪, આલ્ફ્રેડ અને એડા શેફીલ્ડને અર્પણ), ‘ધ આઇડિયા ઑવ એ ક્રિશ્ચિયન સોસાયટી’ (૧૯૩૯) — વ્યાખ્યાનો; ‘નોટ્સ ટોવર્ડ્ઝ ધ ડેફિનિશન ઑફ કલ્ચર’ (૧૯૪૮, ફિલિપ મેરેટને અર્પણ) — નિબંધનું પ્રકાશન થયું.

લંડન  પેરેદિસો (૧૯૪૮-૧૯૬૫)
 

આ સમય એલિયટના જીવનમાં સુખ અને શાંતિનો સમય હતો. ૧૯૪૮માં એમને નોબેલ પારિતોષિક અર્પણ થયું. એ જ વરસમાં એમને ઑર્ડર ઑવ મેરિટનું બહુમાન પ્રાપ્ત થયું. ૧૯૪૯માં વાલેરી ફ્લેચર એમનાં મંત્રી તરીકે નિયુક્ત થયાં. એ એલિયટથી વયમાં ૩૯ વર્ષ નાનાં. ૧૯૫૭ના જાન્યુઆરીની ૧૦મીએ એલિયટે વાલેરી સાથે લગ્ન કર્યું. ૧૮ વર્ષના લગ્નજીવનમાં એલિયટને અ-પૂર્વ સુખ અને શાંતિનો અનુભવ થયો. હવે એલિયટે સ્ત્રી, સમાજ અને સમય — ધર્મની, પરમેશ્વરની આ રિપુત્રયીનો સ્વીકાર કર્યો. હવે એમણે કવિતાનું અપવાદરૂપ સર્જન કર્યું. મુખ્યત્વે નાટકોનું સર્જન કર્યું. એમના હવેના જીવનમાં અને નાટકોમાં એમનું આ જીવનપરિવર્તન પ્રગટ થયું હતું. એમણે એમની ચરિતાર્થતાનું, કૃતાર્થતાનું સારસર્વસ્વ એક જ વાક્યમાં પ્રગટ કર્યું છે, ‘હું જગતનો સૌથી વધુ સદ્ભાગી મનુષ્ય છું.’ ૧૯૪૮ પછીનાં આયુષ્યનાં શેષ ૧૮ વર્ષોમાં એલિયટ વ્યાખ્યાનો, પદવીઓ, પારિતોષિકો, બહુમાનો આદિને નિમિત્તે નવેક વાર અમેરિકા ગયા; વૉશિંગ્ટનમાં સેન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં પાઉન્ડ સાથે અંતિમ મિલન થયું; નોબેલ પારિતોષિકના સ્વીકાર માટે સ્વીડન ગયા. ૧૯૫૪માં એમણે ફેબરની સાથે છ અઠવાડિયાંનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો. ૧૯૫૫માં હેમ્બુર્ગમાં ગુઈથે પર વ્યાખ્યાન માટે જર્મની ગયા. ૧૯૬૩માં વાલેરીની સાથે અમેરિકાનો અંતિમ પ્રવાસ કર્યો. આ સમયમાં કેમ્બ્રિજ, એડિનબરો, લીડ્ઝ, બ્રિસ્ટલ, યેઇલ, પ્રિન્સ્ટન, કોલંબિયા આદિ સોળેક યુનિવર્સિટીઓની માનદ પદવીઓ; યુ. એસ. મેડલ ઑફ ફ્રીડમ, ડલાસ કાઉન્ટીના ડેપ્યુટી શેરીફ, હાર્વર્ડમાં એમર્સન-થૉરો પારિતોષિક, કેમ્બ્રિજમાં મેગ્ડેલીન કૉલેજમાં માનદ ફેલો, જર્મનીમાં ગુઈથે પારિતોષિક, ફ્લૉરેન્સમાં ડેન્ટિ સુવર્ણચન્દ્રક આદિ બહુમાનો દ્વારા એમનો આંતરરાષ્ટ્રીય આદર-સત્કાર થયો. એમનું નાટક ‘ધ કૉકટેઇલ પાર્ટી’ ન્યૂ યૉર્કમાં બ્રૉડવે પર ૩૨૫ વાર ભજવાયું. (રોજની આવક ૭૦૦૦ ડૉલર, કુલ આવક ૧૦,૦૦,૦૦૦ ડૉલર, એમાં એલિયટની આવક ૨૯૦૦૦ પાઉન્ડ, કર બાદ ૪૦૦૦ પાઉન્ડ). અમેરિકામાં એમની અસાધારણ લોકપ્રિયતા. એમના પર વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પત્રકારો, પ્રશંસકોનું આક્રમણ થતું. એમનું સરનામું ખાનગી રાખવું પડે, એમનું નામ ટેલિફોન ડિરેક્ટરીમાંથી કાઢી નાખવું પડે. ૧૯૫૬માં મિનેસોટામાં વ્યાખ્યાન આપ્યું ત્યારે શ્રોતાગૃહમાં ૧૩,૫૨૩ શ્રોતાઓ હતા. (સાહિત્યિક વ્યાખ્યાન માટે મોટામાં મોટી રકમનો ૨૦૦૦ ડૉલરનો પુરસ્કાર અર્પણ થયો હતો.) ત્યારે કવિમિત્ર એલન ટેઇટ યજમાન હતા. આ વ્યાખ્યાન થયું પછીના ટૂંક સમયમાં ટેઇટ ભારત આવ્યા હતા. ત્યારે આ લખનારે અમદાવાદમાં એમને પૂછ્યું હતું, ‘I learn there were about ૧૪૦૦૦ people in the audience when Eliot came to Minnesota for his lecture. Is it true?’ ત્યારે એમણે કહ્યું હતું, ‘Yes, they were there. But you think they came to hear him? No, they came to see him, Eliot does not have as many readers all over the world. How could they be there at one place?’ ૧૯૫૦માં એલિયટની વાર્ષિક આવક ૪૦૦૦ પાઉન્ડ હતી (વેતન ૧૫૦૦ પાઉન્ડ, પુરસ્કાર ૨૫૦૦ પાઉન્ડ). ૧૯૬૫માં મૃત્યુસમયે એલિયટની ૧,૦૫,૨૭૨ પાઉન્ડ (કર બાદ ૭૮,૦૯૫ પાઉન્ડ) એસ્ટેટ હતી. આ સમયમાં ‘કમ્પ્લીટ પોએમ્સ ઍન્ડ પ્લેઝ’ (૧૯૫૨), ‘ધ કલ્ટિવેશન ઑફ ક્રિસ્ટમસ ટ્રીઝ’ (૧૯૫૪), ‘ધ કલેક્ટેડ પોએમ્સ ૧૯૦૯–૧૯૬૩’ (૧૯૬૩) — કાવ્યસંગ્રહો; ‘ધ કૉકટેઇલ પાર્ટી’ (૧૯૫૦, અસલ નામ ‘વન-આઈડ રાઈલી’), ‘ધ કૉન્ફિડેન્શિયલ ક્લાર્ક’ (૧૯૫૩), ‘ધ એલ્ડર સ્ટેટ્સમૅન’ (૧૯૫૮, વાલેરીને અર્પણ, અસલ નામ ‘રેસ્ટ ક્યૉર’), ‘કલેક્ટેડ પ્લેઝ’ (૧૯૬૨) — નાટકો; ‘ઑન પોએટ્રી ઍન્ડ પોએટ્સ’ (૧૯૫૭, વાલેરીને અર્પણ) — વિવેચનસંગ્રહ; ‘નૉલેજ ઍન્ડ એક્સ્પિરિયન્સ’ (૧૯૬૪, વાલેરીને અર્પણ) — મહાનિબંધનું પ્રકાશન થયું. ‘ટુ ક્રિટિસાઇઝ ધ ક્રિટિક’ (૧૯૬૫) — વિવેચનસંગ્રહ; ‘પોએમ્સ રિટન ઇન અર્લી યુથ’ (૧૯૬૭); ‘કમ્પ્લીટ પોએમ્સ ઍન્ડ પ્લેઝ’ (૧૯૬૯) — કાવ્યનાટકસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું. ૧૯૫૦–૫૧માં એલિયટને હૃદયરોગનો હુમલો થયો. પછી એ દર વરસે શિયાળામાં વેસ્ટ ઇન્ડીઝમાં કૅરિબિયન આદિ ટાપુઓ પર અથવા દક્ષિણ આફ્રિકામાં હવાફેર માટે ગયા હતા. ૧૯૫૬માં નર્સિંગહોમમાં ગયા હતા. ભારે ધૂમ્રપાનની ટેવ હતી એનો ત્યારે ત્યાગ કર્યો. ૧૯૬૨–૬૩માં સ્મૉગ-ધૂમ્રસને કારણે ગંભીર માંદગી આવી ત્યારે પાંચ અઠવાડિયાં બ્રોમ્પ્ટન હૉસ્પિટલમાં ગયા હતા. ૧૯૬૫ના જાન્યુઆરીની ૪થીએ એલિયટનું હૃદયરોગથી અવસાન થયું. અસલ વતન ઈસ્ટ કોકરમાં એમની અંતિમ સમાધિ રચવામાં આવી. ઈસ્ટ કોકરમાં સેન્ટ માઇકેલ્સ ચર્ચમાં અને લંડનમાં વેસ્ટમિન્સ્ટર ઍબીમાં બે મૃત્યુપ્રાર્થનાઓ યોજવામાં આવી. સેન્ટ સ્ટીફન્સ ચર્ચમાં અને વેસ્ટમિન્સ્ટર ઍબીમાં પોએટ્સ કૉર્નરમાં બે સ્મારકો રચવામાં આવ્યાં. પોએટ્સ કૉર્નરની સ્મારકશિલા પર એમની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ અંકિત કરવામાં આવી છે, ‘In my end is my beginning’ — મારા અંતમાં મારો આરંભ છે. ૧૯૨૨માં એલિયટે ‘ધ વેસ્ટ લૅન્ડ’ની હસ્તપ્રત મિત્ર ક્વિનને ભેટ આપી હતી. એનું વિસ્મરણ થયું હતું. એથી એ હસ્તપ્રત હવે સદાયની વિલુપ્ત છે એમ માન્યું હતું. ૧૯૫૮માં ક્વિનના વારસોએ એ હસ્તપ્રત ન્યૂ યૉર્કની પબ્લિક લાઇબ્રેરીમાં બર્જ કલેક્શનને ૧૮૦૦૦ ડૉલરમાં વેચી હતી. ૧૯૬૮માં ત્યાંથી એ હસ્તપ્રતનું અકસ્માત્ પુનરુત્થાન થયું હતું અને ૧૯૭૩માં વાલેરીએ એનું સંપાદન-પ્રકાશન કર્યું હતું.

૧૯૮૧

*