સ્વાધ્યાયલોક—૩/વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ

વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિમાં એમના અંગત તથા જાહેર જીવનમાં હતી એટલી જ વિપુલતા અને વિવિધતા છે. એમણે વિપુલ પ્રમાણમાં કવિતા, નાટક, નવલકથા, નિબંધ, પત્ર, પ્રવાસ, પ્રવચન, નોંધપોથી આદિ વિવિધ સાહિત્યપ્રકારોમાં સર્જન કર્યું છે. હ્યુગોની સર્વતોમુખી સર્જકપ્રતિભા છે. પણ કવિતામાં એમની સર્જકતાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. હ્યુગો મુખ્યત્વે કવિ છે. હ્યુગોએ, અલબત્ત, અતિલેખન કર્યું છે. પણ એમની ઉત્તમ કવિતા એ ફ્રેન્ચ ભાષાની પણ ઉત્તમ કવિતા છે. આ સૌ સંદર્ભમાં રવીન્દ્રનાથ સાથે હ્યુગોનું સામ્ય છે. કોઈએ આંદ્રે ઝિદને પૂછ્યું, ‘ફ્રેન્ચ ભાષાનો સર્વશ્રેષ્ઠ કવિ કોણ ?’ આંદ્રે ઝિદે કહ્યું, ‘અફસોસ ! વિક્ટર હ્યુગો.’

પૂર્વતૈયારી
 

કહે છે કે ૧૮૦૩માં જાન્યુઆરીમાં અગિયાર માસની વયે શિશુ વિક્ટરે‘papapa-papapa-papapa-papapa’ એવો જે પ્રથમ ઉદ્ગાર કર્યો તે ફ્રેન્ચ કવિતામાં સૌથી વધુ પ્રશિષ્ટ અને પ્રચલિત એવા બાર શ્રુતિના આલેક્ઝાંદ્રિન છંદમાં હતો. ૧૮૮૫માં મેની ૨૫મીએ ત્યાશી વર્ષની વયે મૃત્યુશય પરથી એમણે ‘C’est ici le combat du jour et de la nuit’ — સેતિસિ લ કોંબા ધ્યુ ઝુર એ દ લા નુઈ’ — અહીં જ છે દિવસ અને રાત્રિ વચ્ચેનો સંગ્રામ — એવો જે અંતિમ ઉદ્ગાર કર્યો તે પણ આલેક્ઝાંદ્રિન છંદમાં છે. એની વચમાં એમણે લગભગ ૧૮૦૦૦૦ પંક્તિઓ — અન્ય છંદોમાં અન્ય હજારો પંક્તિઓ ઉપરાંત — આલેક્ઝાંદ્રિન છંદમાં રચી હતી. ૧૮૦૭-૧૮૦૮માં સાતેક માસ વિક્ટરે માતાની સાથે ઇટલીનો પ્રવાસ કર્યો. હ્યુગોની કવિતામાં ઇટલીની પ્રકૃતિનો પ્રભાવ છે. પછીથી એક કાવ્યમાં નોંધ્યું છે તેમ ૧૮૦૯માં શૈશવમાં વિક્ટરને ત્રણ ગુરુ ઃ પૅરિસમાં ૧૨, એંપાસ દે ફઈઆતિનના એમના ઘરની પાસેનો બાગ, વૃદ્ધ ધર્મગુરુ લારિવિએર અને માતા સોફી. બાગમાં પ્રકૃતિની રમ્યતા અને રુદ્રતાનો અનુભવ કર્યો. લારિવિએર સાથે ગ્રીક-લૅટિનનો અભ્યાસ તથા ટેકિટસ-વર્જિલ આદિનો અનુવાદ કર્યો. માતાને વિક્ટરના ભાવિમાં અચળ શ્રદ્ધા હતી. ૧૮૧૧-૧૮૧૨માં એકાદ વરસ વિક્ટરે માતાની સાથે સ્પેનનો પ્રવાસ કર્યો અને સ્પૅનિશ ભાષાનો અભ્યાસ કર્યો. હ્યુગોનાં નાટકોમાં હેર્નાની, રુઈ ગોમેઝ દ સિલ્વા, દોન સાલ્યુસ્ત, રુઈ બ્લા, દોન સોલ આદિ પાત્રોના સર્જનમાં સ્પેનની સ્વાતંત્ર્યપ્રિય પ્રજાની પ્રકૃતિનો પ્રભાવ છે. ૧૮૧૨ ઃ વિક્ટરે અશ્લિલ નવલકથાઓ અને ફિલસૂફીના ગ્રંથોનું વાચન કર્યું. હ્યુગોની નવલકથાઓ અને નાટકો પર આ વાચનનો પ્રભાવ છે. સ્વપ્રયત્નથી પિંગળનો અભ્યાસ કર્યો. ૫૦૦ પંક્તિનું કાવ્ય ‘Le Deluge’ (લ દેલ્યુજ, ઝંઝા) રચ્યું. હ્યુગોનું આ પ્રથમ કાવ્ય. કરુણનાટક ‘Le Chateau du Diable’ (લ શાતો ધ્યુ દિઆબ્લ, સેતાનનો દુર્ગ)નો એક ખંડ રચ્યો. હ્યુગોનું આ પ્રથમ નાટક. આ કાવ્ય તથા નાટકની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. હ્યુગોએ હસ્તપ્રતોની આરંભની દસ નોંધપોથીઓનો નાશ કર્યો હતો, પછીની નોંધપોથીઓ અસ્તિત્વમાં છે. ૧૮૧૬ ઃ જુલાઈની ૧૦મીએ નોંધપોથીમાં નોંધ્યું, ‘Je veux etre Chateaubriand ou rien’ (ઝ વ એત્ર શાતોબ્રિઆં ઉ રિઆં, થવું તો શાતોબ્રિઆં, નહિ તો કંઈ નહિ). સેંકડો પંક્તિઓનું પ્રકીર્ણ કાવ્યોનું ગુચ્છ રચ્યું. પાંચેક માસના અલ્પ સમયમાં ૧૫૦૮ પંક્તિનું કરુણ પદ્યનાટક ‘Ir-tamene’ (ઇર્તામેન) રચ્યું. માતાને અર્પણ કર્યું. એમાં હ્યુગોનો નાપોલેઓં — સરમુખત્યારશાહી પ્રત્યેનો તિરસ્કાર અને બુર્બો — રાજાશાહી પ્રત્યેનો પુરસ્કાર પ્રગટ થાય છે. વર્જિલ-હોરેસનો અનુવાદ કર્યો. (પછીથી ૧૮૩૭માં ‘મારા કવિ’, ‘મારા દિવ્ય ગુરુ’ વર્જિલ પર ડેન્ટિપરંપરામાં એક પ્રશસ્તિકાવ્ય રચ્યું. પૉલ વાલેરીએ નોંધ્યું છે, ‘લૅટિન કવિઓમાંથી એમણે એમના ગુરુ તરીકે વર્જિલ અને સવિશેષ તો હોરેસને પસંદ કર્યા એ અત્યંત સૂચક છે !’) ૧૮૧૭ ઃ અભ્યાસના આનંદ વિશેનું ૩૩૪ પંક્તિનું એક કાવ્ય આકાદેમી ફ્રાંસેસ દ્વારા ‘ઉલ્લેખનીય’ કાવ્ય તરીકે જાહેર થયું. અપૂર્ણ (પ્રથમ બે અંક) કરુણ પદ્યનાટક ‘Athelie’ (આથેલી) રચ્યું. ૧૮૧૮ ઃ ઑપેરા-કોમિક ‘Hazard’(હાઝાર્દ, સદ્ભાગ્ય) રચ્યું. ‘Les Vierges de Verdun’ (લ વિએર્જ દ વેર્દુન, વેર્દુનની કુમારિકાઓ) કાવ્ય રચ્યું. દ્વિઅંકી કરુણ ગદ્યનાટક ‘Inez de Castro’ (ઇનેઝ દ કાસ્ત્રો) રચ્યું પંદરેક દિવસમાં વિદ્રોહ વિશે એક લઘુનવલ ‘Bug-Jargal’(બુગ-જાર્ગાલ)નો કાચો મુસદ્દો તૈયાર કર્યો. ‘Adieu a l’Enfance’ (આદિય આ લાફાંસ, શૈશવને વિદાય) કાવ્ય રચ્યું. સેંકડો પંક્તિઓનું પ્રકીર્ણ કાવ્યોનું ગુચ્છ રચ્યું. ૧૮૧૯ ઃ એક જ રાતમાં હાંરી કાત્રની પ્રતિમાની પુનઃપ્રતિષ્ઠા પર કાવ્ય રચ્યું. એને તુલુસની આકાદેમીનો સુવર્ણપદ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો. ‘La Vandee’ (લા વાંદે) કાવ્ય રચ્યું. શાતોબ્રિઆંને અર્પણ કર્યું. સૌથી મોટા ભાઈ આબેલની સહાયથી એનું પ્રકાશન કર્યું. હ્યુગોનું આ પ્રથમ પ્રકાશન હતું. આદેલને સંબોધનરૂપ પ્રથમ પ્રેમકાવ્ય ‘Premier Soupir’ (પ્રમિએર સુપિર, પ્રથમ નિઃશ્વાસ) રચ્યું. ૧૮૨૦ ઃ દયુક દ બેરીના મૃત્યુ પર એક કાવ્ય પ્રગટ કર્યું. રાજા લુઈ ૧૮માએ આંખમાં આંસુ સાથે એ વાંચ્યું અને હ્યુગોને ૫૦૦ ફ્રાંનો પુરસ્કાર અર્પણ કર્યો. ૧૮૧૫થી ફ્રાંસમાં રાજાશાહીની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એથી રાજા લુઈ ૧૮મા દ્વારા la jeune France (લા ઝન ફ્રાંસ, યુવાન ફ્રાંસ)ના તેજસ્વી યુવાનોની શોધનો એ સમય હતો. દયુક દ બોર્દોના જન્મ પર એક કાવ્ય રચ્યું. શાતોબ્રિઆં સાથે મિલન થયું. ૧૮૨૧ ઃ વૉલ્ટર સ્કૉટની પરંપરામાં નવલકથા ‘Han d’Islande’ (હાં દિસલાંદ)નો આરંભ કર્યો. મોટા ભાઈઓ આબેલ અને યુજેનની સહાયથી વિક્ટરે ૧૮૧૯થી ૧૮૨૧ લગી સોળેક માસ સાહિત્યિક દ્વિમાસિક ‘Le Conservateur Lit-teraire’ — (લ કોંઝર્વાતર લિતરેર)નું સંપાદન કર્યું. એમાં લઘુનવલ ‘બુગ-જાર્ગાલ’ તથા ૧૧ ઉપનામોથી ૨૨ કાવ્યો અને ૧૧૨ લેખો જેટલું લખાણ પ્રગટ કર્યું. ૧૮૨૨ ઃ અંતે મોટા ભાઈ આબેલની સહાયથી પૂર્વોક્ત કાવ્યોમાંથી કેટલાંક કાવ્યોનું સંકલન કર્યું અને કાવ્યસંગ્રહ ‘Odes et Poesies diverses’ (ઓદ એ પોએસી દિવેર્સ, સ્તોત્રો અને પ્રકીર્ણ કાવ્યો) પ્રગટ કર્યો. આદેલને અર્પણ કર્યો. હ્યુગોનું આ પ્રથમ ઔપચારિક પ્રકાશન હતું. આ પ્રકાશનથી ફ્રેન્ચ ભાષાના સર્વશ્રેષ્ઠ કવિની મહાન કાવ્યયાત્રાનો આરંભ થયો. રાજા લુઈ ૧૮માએ પ્રસન્નતાથી પુનશ્ચ ૮૦૦ ફ્રાંનો પુરસ્કાર અને ૧૨૦૦ ફ્રાંનું વર્ષાસન અર્પણ કર્યું. વિક્ટર ઇજનેર કે વકીલ થાય એવી પિતાની ઇચ્છા હતી. એથી ઍકૉલ પૉલીતેક્નિકમાં પ્રવેશ માટે ૧૮૧૬માં લીસે લુઈ-લ-ગ્રાંમાં ગણિત, વિજ્ઞાન તથા ડ્રૉઇંગનો અને ૧૮૧૮માં કાયદાનો અભ્યાસ કર્યો. વિક્ટર કવિ થાય એવી માતાની ઇચ્છા હતી. વળી શાતોબ્રિઆંની જેમ કવિ થવું એવી વિક્ટરની દૃઢ પ્રતિજ્ઞા હતી. એથી ૧૮૧૪થી ૧૮૧૮ લગી રોજ રાતના ઘરશાળાના કાતરિયામાં મીણબત્તીના પ્રકાશમાં લેખનકાર્ય કર્યું. નોંધપોથીઓમાં લેખનની આસપાસ હાંસિયામાં ચિત્રાલેખન પણ કર્યું. આમ, કલાયાત્રાનો પણ આરંભ થયો. હ્યુગો બ્લેઇકની જેમ ચિત્રકાર પણ હતા. વિક્ટરમાં અદ્ભુત નિરીક્ષણશક્તિ અને અસાધારણ સ્મરણશક્તિ હતી. આયુષ્યના આરંભના બે દાયકામાં જ પ્રશિષ્ટ શૈલીસ્વરૂપ, રોમેન્ટિક વસ્તુવિષય; કવિતા, નાટક, નવલકથા, આદિ પ્રમુખ સાહિત્યપ્રકારોમાં સર્જન — આ પૂર્વતૈયારી એક મહાન પ્રતિભાશાળી સર્જકની પૂર્વતૈયારી હતી.

કવિતા
 

Odes et Poesies diverses (૧૮૨૨), Nouvelles Odes (૧૮૨૪), Odes et Ballades (૧૮૨૬), Les Orientales (૧૮૨૯), Les Feuilles d’Automne (૧૮૩૧), Les Chants du Crepuscule (૧૮૩૫), Les Voix Interieures (૧૮૩૭), Les Rayons et les Ombres (૧૮૪૦), Les Chatiments (૧૮૫૩), Les Contemplations (૧૮૫૬), La Legende des Siecles I (૧૮૫૯), Les Chansons des Rues et des Bois (૧૮૬૫), L’Annee Terrible (૧૮૭૨), La Legende des Siecles II (૧૮૭૭), L’Art d’etre grand-pere (૧૮૭૭), Le Pape (૧૮૭૮), La Pitie Supreme (૧૮૭૯), Religions et Religion (૧૮૮૦), L’Ane (૧૮૮૦), Les Quatre Vents de ૧’Esprit (૧૮૮૧), La Legende des Siecles III (૧૮૮૩), La Fin de Sa-tan (૧૮૮૬), Toute la Lyre (૧૮૮૮), Dieu (૧૮૯૧), Les An-nees Funestes (૧૮૯૮), Dernier Gerbe (૧૯૦૨), Ocean (૧૯૪૨), Fragments (૧૯૫૧). ‘ઓદ એ બાલાદ’ (સ્તોત્રો અને કથાકાવ્યો, ૧૮૨૬)માં હ્યુગોએ પૂર્વના બે કાવ્યસંગ્રહો ‘ઓદ એ પોએસી દિવેર્સ’ (સ્તોત્રો અને પ્રકીર્ણ કાવ્યો, ૧૮૨૨) તથા ‘નુવેલ ઓદ’ (નવાં સ્તોત્રો, ૧૮૨૪)નું પુનર્મુદ્રણ તથા ૧૮૨૪ પછી જે બાલાદ રચ્યાં તેનું ઉમેરણ કર્યું છે. આમ, વાસ્તવમાં આ કાવ્યસંગ્રહથી હ્યુગોની છ દાયકાની સુદીર્ઘ કાવ્યયાત્રાનો આરંભ થાય છે. સ્તોત્રોમાં વસ્તુવિષય છે જાહેર જીવન તથા અંગત જીવનનાં પાત્રો અને પ્રસંગો, બાહ્ય જગતના અનુભવો તથા આંતરજગતની અનુભૂતિઓ. એમાં સમકાલીનતા છે, ૧૬મી સદીની સ્તોત્રકવિતાની પરંપરા છે, પ્રશિષ્ટતા અને વાગ્મિતા છે. સમકાલીન કવિઓ શાતોબ્રિઆં અને લામાર્તિનનો પ્રભાવ છે, એથી એમાં હ્યુગોનું રાજાવાદી અને ખ્રિસ્તી ધર્મવાદી માનસ પ્રગટ થાય છે. કથાકાવ્યોમાં વસ્તુવિષય છે દંતકથાઓ અને લોકકથાઓ. એમાં મધ્યકાલીનતા છે, હ્યુગોના ઇટલી-સ્પેનના પ્રવાસોનો પ્રભાવ છે, અંગ્રેજી અને જર્મન બેલડ્ઝ તથા સ્કૉટ, ગુઇથે આદિ કવિઓની બેલડ્ઝની પ્રેરણા છે, રંગદર્શિતા, ચિત્રાત્મકતા, સંગીતમયતા અને ભાવમયતા છે. હ્યુગોનો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે એથી એમાં પૂર્વકાલીન-સમકાલીન કવિઓનું અનુસરણ હોય એ સ્વાભાવિક છે, પણ એમાં જે સ્વાતંત્ર્ય માટેનો પ્રેમ અને ન્યાય માટેનો આગ્રહ છે, હૃદયની ઉષ્મા અને કલ્પનાની તરંગલીલા (fantasy), લયનું વૈવિધ્ય અને છંદનું વૈચિત્ર્ય છે એમાં હ્યુગોની મૌલિકતા પણ છે. ‘લે ઝોરિઆંતાલ’ (પૌરસ્ત્યો)માં સ્પેન, આફ્રિકા, વિશેષ તો ગ્રીસ અને નિકટ પૂર્વના પ્રદેશો વિશેનાં કાવ્યો છે. સમકાલીન રંગદર્શી કવિઓમાં પૂર્વનું આકર્ષણ, ૧૮૨૧-૧૮૨૭માં ગ્રીસ-તુર્કીનું યુદ્ધ, ૧૮૨૪માં બાયરનનું અવસાન આદિમાં આ કાવ્યોની પ્રેરણા છે. હ્યુગોએ બાઇબલ, શાતોબ્રિઆં, બાયરન, સ્પેનનાં મધ્યકાલીન બેલડ્ઝ ‘રોમાંસરો’, ગ્રીસ-ઈરાન- અરબસ્તાનની કવિતાનું જે વાંચન કર્યું હતું તથા ‘cenacle’(સનાક્લ) સાહિત્ય-વર્તુલમાં લામાર્તિન, વિન્યી, મ્યુસે, ગોતિયે, નોદિયે, દાવિદ દાંઝેર, દલાક્ર્વા આદિ કવિઓ-શિલ્પીઓ-ચિત્રકારોનો જે પરિચય કર્યો હતો એનો પ્રભાવ છે. આ સમયમાં હ્યુગો ૧૧ ર્‌યુ નોત્ર-દામ-દે-શાંમાં વસ્યા હતા. લામાર્તિનની જેમ એમને પૂર્વનો અંગત અનુભવ ન હતો. હ્યુગોનું પૂર્વ એટલે એમના આ નિવાસસ્થાનનો વિસ્તાર અને એની પશ્ચિમે ગ્રેનેલની ટેકરીઓ પરનો સૂર્યાસ્ત. એના વાતાવરણ અને રંગોમાંથી એમણે એમના પૂર્વનું સર્જન કર્યું છે. આ એમની કલ્પનાનો કીમિયો છે. આ કાવ્યોમાં રંગોની આતશબાજી છે. એમાં ફ્રેન્ચ કવિતામાં પ્રથમ વાર ‘સ્થાનિક રંગ’નો મહિમા થયો છે. પણ એમાં માત્ર રંગો, ચિત્રો, પાત્રો કે પ્રસંગો જ નથી પણ અનેક ઉદારમતવાદીઓની જેમ ગ્રીસનાં સૌંદર્ય અને સ્વાતંત્ર્ય માટેની હ્યુગોની આવેશપૂર્વકની અપીલ પણ છે. શાતોબ્રિઆંમાં ફ્રેન્ચ રંગદર્શિતાવાદનું બીજ હતું. ૧૮૨૦માં લામાર્તિનના કાવ્યસંગ્રહ ‘Les Meditations’ (લે મૅદિતાસિઓં, ચિન્તનો)માં એનો અંકુર હતો, હવે હ્યુગોના આ કાવ્યસંગ્રહમાં એ અંકુર મહોરી-ફોરી ઊઠે છે. એમાં ફ્રેન્ચ રંગદર્શિતાવાદને એક પ્રચંડ આંદોલનનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. હ્યુગો આ કાવ્યોમાં સૌ સમકાલીનો — લામાર્તિન, વિન્યી સુધ્ધાં — ને અતિક્રમી જાય છે. હવે પછી હ્યુગો એટલે ફ્રાંસના સૌ યુવાનોના નેતા અને સૌ યુવાન કવિઓના ગુરુ. આંદ્રે ઝિદનો આ પ્રિય કાવ્યસંગ્રહ હતો. ‘લે ફઈ દોતોન’ (પાનખરનાં પાન)માં પૂર્વના બે કાવ્યસંગ્રહોની જેમ જાહેર જીવન અને બાહ્ય જગતનાં, દૂરનાં સમય અને સ્થળનાં કાવ્યો નથી પણ મુખ્યત્વે પ્રથમ પુરુષ એકવચનનાં કાવ્યો છે. શીર્ષકમાં સૂચન છે તેમ જીવનની ભરવસંતમાં સુખની પાનખરનાં કાવ્યો છે. આ વિધિવક્રતાને કારણે એમાં સંઘર્ષ છે. ૧૮૩૦માં આદેલ અને સેંત-બવ વચ્ચે લગ્નેતર સંબંધ થયો હતો. આ પતિદ્રોહ અને મિત્રદ્રોહને કારણે હ્યુગોના અહમ્‌ પર પ્રથમ વાર આઘાત થયો હતો. એના પ્રત્યાઘાત રૂપે આ પાનખર અને આ પાન એટલે કે આ કાવ્યો. એમાં ‘પામે ન જે પ્રેમ છતાંય અર્પે’ એવા મનુષ્યની મહાન વેદના છે. આ આઘાતને કારણે એમાં શૈશવ, યૌવન, માતા, પત્ની, સંતાનો, કુટુંબ, દાંપત્ય, વાત્સલ્ય, પ્રેમ, મૈત્રી આદિનું સુખદ મધુર સ્મરણ પણ છે. એમાં ક્યાંય રોષ કે પ્રતિકાર નથી, ક્યાંક ઈર્ષ્યા છે, સર્વત્ર શોક છે, શોકનો શાંત સ્વીકાર છે, દુર્ભાગ્યની સમક્ષ સ્વસ્થ શરણાગતિ છે, સહનશીલતા છે. એમાં શબ્દો પર પ્રભુત્વ છે એથી નરી સરળતા દ્વારા કટુતામાંથી મધુરતા પ્રગટ થાય છે. સ્વની વેદના દ્વારા સર્વ પ્રત્યે સંવેદના છે. અકિંચન મનુષ્યો માટે પ્રેમ અને હવે એમને એકમાત્ર પરમ પ્રિય પુત્રી લેઓપોલ્દિનમાં શ્રદ્ધા છે એથી એને માટેની પ્રાર્થનામાં મનુષ્યમાત્ર માટેની પ્રાર્થના છે. મનુષ્યની ક્ષણિકતા અને પ્રકૃતિની શાશ્વતતા વિશે ચિન્તન છે. સામાન્ય મનુષ્યોના સામાન્ય ભાવો અપૂર્વ અને અનાયાસ કલાકૌશલ્ય દ્વારા અસામાન્ય વાણીમાં વ્યક્ત થયા છે. હ્યુગોએ એનું રહસ્ય એક કાવ્યમાં પ્રગટ કર્યું છે, ‘મારો આત્મા સહસ્ત્ર કંઠે ગાઈ ઊઠ્યો છે અને પરમેશ્વરના અનુગ્રહથી એ વિશ્વના કેન્દ્રમાં વસે છે એથી એ વિશ્વના, મનુષ્યમાત્રના, સમગ્ર મનુષ્યજાતિના મધુર પ્રતિધ્વનિ ‘echo sonore’ (એકો સોનોર) રૂપે ગાઈ ઊઠ્યો છે.’ આજે પણ આ કાવ્યો પુસ્તકમાં નહિ, ફ્રેન્ચ પ્રજાના હૃદયમાં અંકિત છે. હવે હ્યુગો એટલે વિશ્વનું કેન્દ્ર અને વિશ્વનો મધુર પ્રતિધ્વનિ. એથી આ કાવ્યોથી મનુષ્ય તરીકે હ્યુગોના અહમ્‌વાદી વ્યક્તિત્વ અને કવિ તરીકે હ્યુગોની વાગ્મિતાનો આરંભ થાય છે. હવે પછીના ત્રણ કાવ્યસંગ્રહોમાં એનો વિકાસ-વિસ્તાર છે અને ૧૮૪૦ પછીની ઉત્તરાર્ધની કવિતામાં એની પરકાષ્ઠા છે. આ વ્યક્તિત્વ અને વાગ્મિતામાં હ્યુગોની સમગ્ર કવિતાની મહત્તા અને મર્યાદાનું રહસ્ય છે. ‘લે શાં દયુ ક્રેપ્યુસ્કુલ’ (સંધ્યાકાવ્યો)માં શીર્ષકમાં સૂચન છે તેમ તેજ અને તિમિર, આનંદ અને શોક બન્નેનું સહઅસ્તિત્વ છે. ૧૮૩૩માં હ્યુગોને જુલિએત દ્રુએ સાથે લગ્નેતર સંબંધ થયો હતો. આ કાવ્યસંગ્રહમાં આ ભવ્ય સ્ત્રીને અર્ઘ્યરૂપ ૧૧ સુન્દર પ્રેમકાવ્યોનો ગુચ્છ છે. ૧૮૩૦ની જુલાઈ ક્રાંતિ પછી રાજાશાહીએ ઉદારમતવાદીઓનો દ્રોહ કર્યો હતો. એથી હ્યુગો અલ્પ સમય માટે બોનાપાર્તવાદી હતા. આ દ્રોહ વિશેનાં પ્રબળ કાવ્યોનો પણ એક ગુચ્છ છે. એમાં નિકટના ભવિષ્યમાં જાહેર જીવન, બાહ્ય જગતમાં અંધકાર હોય તોપણ હ્યુગો અંતે આશાવાદી છે. વળી પત્ની, સંતાનો વિશેનાં કાવ્યોનો પણ એક ગુચ્છ છે. આ કાવ્યસંગ્રહમાં દિવસના પ્રકાશમય સમયની, અંગત જીવન, આંતરજગતના ભૂતકાળની મધુર સ્મૃતિઓ છે, ઉપરાંત સમષ્ટિના જીવનનું, ભૂતકાળની સંસ્કૃતિનું ઉજ્જ્વળ પશ્ચાત્દર્શન છે. આમ, આ વિરોધાભાસોને કારણે એમાં દ્વિવિધ સંઘર્ષ છે. એમાં ‘મધુર પ્રતિધ્વનિ’ નહિ પણ ‘કટુમધુર પ્રતિધ્વનિ’ છે. સંધ્યાના ગ્લાનિગ્રસ્ત, શોકત્રસ્ત, શાંત, એકાંત વાતાવરણને અનુકૂળ એવા સહજ સરળ લયો અને શબ્દો છે. હ્યુગોએ આ કાવ્યસંગ્રહ ખાનગીમાં જુલિએતને અર્પણ કર્યો હતો. ‘લે વ્વા એંતેરિઅર’ (આંતરધ્વનિ)માં શીર્ષકમાં સૂચન છે તેમ અંગત જીવન, આંતરજગત વિશેનાં કાવ્યો છે. ૧૮૩૬થી ૧૮૪૦ લગી હ્યુગો જાહેર જીવન, બાહ્ય જગતમાં નિષ્ક્રિય — નિવૃત્ત હતા. એથી આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે પિતા, ભાઈ, પત્ની, સંતાનો — ગૃહજીવન, દૈનંદિન જીવનનાં કાવ્યો છે. કેટલાંક કાવ્યોમાં પ્રકૃતિ, પ્રકૃતિની રહસ્યમયતા વિશે મનન-ચિન્તન છે. આ કાવ્યસંગ્રહમાં હ્યુગોએ પોતાને માટે ઑલીમ્પિઓ (Olympio) — એક મહોરું, નાટ્યાત્મક પાત્ર (mask, dramatis personna) સર્જ્યું છે. ‘લે રાયોં એ લે ઝોમ્બ્ર’ (પ્રકાશ અને પડછાયા)માં શીર્ષકમાં સૂચન છે તેમ પ્રકાશ અને પડછાયા વચ્ચે દોલાચલ ચિત્તવૃત્તિ છે. એમાં આ વિરોધાભાસને કારણે સંઘર્ષ છે. એમાં પત્ની, સંતાનો — ગૃહજીવન, દૈનંદિન જીવનનાં કાવ્યો છે. પણ હ્યુગો હવે પ્રકૃતિ, પ્રકૃતિની અનંતતા, અસીમતા, રહસ્યમયતા અને વસ્તુઓના મૂળ વિશે નિરીક્ષણ — પરીક્ષણ — વિશ્લેષણ દ્વારા ચિન્તન કરે છે; અંગત જીવન, આંતરજગત અને જાહેર જીવન, બાહ્ય જગત પછવાડે જે તત્ત્વો છે તેને વિશે ભય, શંકા, આશ્ચર્ય દ્વારા પ્રશ્નો કરે છે. પરમેશ્વર અને પ્રકૃતિમાં જે પરમેશ્વર છે તે સર્વવ્યાપી અને સર્વસત્તાધીશ છે પણ એ નિરાકાર અને નિરુત્તર છે. એમાં પ્રકૃતિમાં પરમેશ્વર છે એવું હ્યુગોનું સર્વેશ્વરવાદ (panthe-ism)નું દર્શન પ્રગટ થાય છે. હ્યુગોને હવે ખ્રિસ્તી ધર્મ, ધર્મસંસ્થા, ધર્મગુરુમાં શ્રદ્ધા નથી પણ આત્મા, આત્માની અમરતા, પરમેશ્વરમાં શ્રદ્ધા છે. એથી આ કાવ્યોમાં પ્રકૃતિ અને પરમેશ્વરને સંબોધનો છે પણ અંતે એ પોતાના જ આત્માની સાથે સંવાદરૂપ છે. એથી આ કાવ્યો હ્યુગોનાં આત્મસંભાષણો છે. ‘Tristesse d’Olympio’ (ત્રિસ્તેસ દોલીમ્પિઓ, ઑલીમ્પિઓની ઉદાસી)માં પ્રકૃતિની શાશ્વતતા અને યૌવન, યૌવનસુખની ક્ષણિકતા પર કરુણપ્રશિસ્ત છે. ‘Oceano Nox’(ઓસીનો નોક્સ, સમુદ્ર પરની રાત્રિ)માં શાશ્વત પ્રકૃતિ — પ્રકૃતિના પ્રતીકરૂપ સમુદ્રની રહસ્યમયતા અને નશ્વર સમુદ્રવીરોની કરુણ સાહસિકતા પર કરુણપ્રશસ્તિ છે. સમગ્ર કાવ્યસંગ્રહમાં મૃત્યુ, દૈવ, પ્રકૃતિ, પરમેશ્વર આદિ પર એક મહાન કવિદ્રષ્ટાનું ગહનગભીર મનન-ચિન્તન છે. એથી આ કાવ્યસંગ્રહમાં હ્યુગોની પૂર્વાર્ધની કવિતાની પરાકાષ્ઠા છે અને ઉત્તરાર્ધની કવિતાની નાન્દી છે. ૧૮૪૦થી ૧૮૫૨ લગી હ્યુગોનું બાર વરસનું મૌન છે. આ સમયમાં એમણે સતત કવિતાનું સર્જન તો કર્યું હતું પણ એનું પ્રકાશન કર્યું ન હતું. હ્યુગો જાહેર જીવન, બાહ્ય જગતમાં સક્રિય હતા અને ૧૮૪૩માં પરમ પ્રિય સંતાન પુત્રી લેઓપોલ્દિનનું અવસાન થયું હતું એમાં હ્યુગોના આ મૌનનું રહસ્ય છે. ‘લે શાતિમાં’ (શિક્ષાઓ)માં માત્ર હ્યુગોની જ નહિ પણ સમગ્ર ફ્રેન્ચ કવિતામાં અભૂતપૂર્વ એવાં કટાક્ષકાવ્યો છે. જગતકવિતામાં પણ માત્ર બાઈબલમાં પયગંબરોની ભવિષ્યવાણીમાં અને લૅટિન કવિ જુવેનલની કવિતામાં જ આ કટાક્ષનું દર્શન થાય છે. ૧૮૫૧માં લુઈ-નાપોલેઓંએ કુ દે’તા (રાજ્યવિદ્રોહ) કર્યો હતો, દ્વિતીય પ્રજાસત્તાકનો દ્રોહ કર્યો હતો, પછી હ્યુગો ફ્રાંસમાંથી સ્વેચ્છાએ નિર્વાસિત થયા હતા. હ્યુગો હવે પછી ઉદારમતવાદી, પ્રજાસત્તાકવાદી અને અંતે સમાજવાદી હતા. તરત જ લુઈ- નાપોલેઓં અને એમના પક્ષકારોના આ દ્રોહ તથા એમના અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ હ્યુગોનો પુણ્યપ્રકોપ પ્રગટ થયો. આ કાવ્યો એટલે ફૂટતો-ફાટતો જ્વાળામુખી, ધસમસતો — ધગધગતો લાવા. ૧૮૫૨-૧૮૫૩માં છ-સાત માસમાં જ સો કાવ્યોની છ હજાર પંક્તિઓ રચી. એમાં એટએટલો રોષ અને તિરસ્કાર છે, પયગંબરી આવેગ-આવેશ છે. એમાં માત્ર આટલું જ નથી, આટલું જ હોત તો તો એમાં નરી નીરસતા હોત. પણ એમાં અંતભાગમાં સૌ સમ્રાટો અને એમનાં સામ્રાજ્યોને શિક્ષા થશે, સૌ સરમુખત્યારોનો પરાજય થશે અને એમની સરમુખત્યારશાહીનું વિસર્જન થશે એવું વૈરનું સ્વપ્ન છે. ભવ્ય ભૂતકાળ પછી વર્તમાનમાં ભલે અધોગતિ અને અંધકાર હોય પણ ભવિષ્યમાં અંતે પ્રગતિ અને પ્રકાશ હશે, ન્યાય અને મુક્તિનો જય થશે અને વૈશ્વિક પ્રજાસત્તાકનું સર્જન થશે એવી સમગ્ર મનુષ્યજાતિના પુનરુત્થાનની ભવિષ્યવાણી છે. આ કાવ્યોના કેન્દ્રમાં સદ્-અસદ્‌, તેજ-તિમિરનું યુદ્ધ છે. એમાં રુદ્રભાવ અને વીરરસ છે. એના લય અને શબ્દોમાં વક્રતાનું વીર્ય અને સત્યનું સામર્થ્ય છે. એના અવાજમાં અવનવીનતા છે, એની વાણીમાં વૈવિધ્ય છે. આ કાવ્યસંગ્રહમાં સાદ્યંત કટાક્ષ છે એથી એમાં સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા છે. એમાં ઊર્મિકાવ્યની સુન્દરતા અને મહાકાવ્યની ભવ્યતા છે. એક જ શબ્દમાં એમાં મહાકાવ્યમાં હોય એવો કટાક્ષ છે. ૧૮૭૦માં લુઈ-નાપોલેઓંના પતન પછી હ્યુગોએ ઓગણીસ વર્ષના નિર્વાસન પછી જ્યારે પૅરિસમાં પુનઃપ્રવેશ કર્યો ત્યારે ગાર દયુ નોરના સ્ટેશન પર લાખો લોકોએ એમનું સ્વાગત કર્યું હતું અને આ કાવ્યસંગ્રહમાંથી અનેક પંક્તિઓનું પઠન કર્યું હતું. પછીથી અનેક નાટ્યગૃહોમાં એમાંથી અનેક કાવ્યોનું પઠન કર્યું હતું અને એની આવકમાંથી પેરિસના સૈન્ય માટે શસ્ત્રોની ખરીદી કરી હતી. ‘લે કોંતાંપ્લાસિઓં’ (ચિન્તનો) એ હ્યુગોનો સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. ૧૮૪૩માં લગ્નના સાતેક જ માસ પછી હ્યુગોની સૌથી પ્રિય પુત્રી લેઓપોલ્દિન અને એના પતિ શાર્લ વાકરીનું લ હાવ્રની નિકટ વિલકીએરમાં સેન નદીના મુખ પાસે ડૂબી જવાથી અકસ્માતમાં અવસાન થયું. હ્યુગોના જીવનમાં આ મોટામાં મોટા આઘાત હતો. આ આઘાત એટલો તો અસહ્ય હતો (પછી ૧૮૪૬માં જુલિએતની એકની એક પુત્રી કલેરનું પણ અવસાન થયું. ૧૮૫૧માં લુઈ નાપોલેઓંએ પ્રજાસત્તાકનો દ્રોહ કર્યો અને હ્યુગો નિર્વાસિત થયા એના આઘાતો પણ હતા) કે વર્ષો પછી હ્યુગો નિર્વાસનમાં હતા ત્યારે એ થોડો સમય અર્ધપાગલ અવસ્થામાં હતા, એમણે આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો. આધ્યાત્મિક પ્રયોગો દ્વારા એ એમાંથી મુક્ત થયા હતા. આમ, મૃત્યુ એ આ કાવ્યોની પ્રેરણા છે. એમાં બે વિભાગ છે ઃ Autrefois ૧૮૩૧-૧૮૪૩ (ઓત્રફ્વા, ગઈ કાલ) અને Aujourd’hui ૧૮૪૩-૧૮૫૬ (ઓઝુરદ્વી, આજ). બે વિભાગની વચ્ચે કોરું પાનું છે, એની પર લેઓપોલ્દિનની મૃત્યુતિથિ નોંધી છે ઃ Quatre Septembre ૧૮૪૩ (૪ સપ્ટેમ્બર, ૧૮૪૩). પ્રત્યેક વિભાગમાં ૩ ગુચ્છ અથવા સ્તબક છે. કુલ ૧૧૦૦૦ પંક્તિઓ છે, ૨૫ વર્ષના સુદીર્ઘ સમયમાં એ રચી છે. પ્રથમ વિભાગમાં જુલિએત પ્રત્યેનો પ્રેમ, સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય, બન્નેની કોમળ મધુર સ્મૃતિઓ, મનુષ્યજાતિના ભૂતકાળની સિદ્ધિઓ અને ભાવિની શક્યતાઓ વિશેનું ચિન્તન છે. દ્વિતીય વિભાગમાં લેઓપોલ્દિનની મૃત્યુતિથિઓ પર કઠોરકરુણ સ્મૃતિઓ, કરુણપ્રશસ્તિઓ; મૃત્યુ, આત્મા, આત્માની અમરતા વિશે ચિન્તન; સર્વમાં પરમેશ્વર છે, અસદ્‌ અને સેતાનમાં પણ પરમેશ્વર છે એવું હ્યુગોનું ખ્રિસ્તી ધર્મના એકેશ્વરવાદનું નહિ પણ સર્વેશ્વરવાદનું દર્શન છે. આ કાવ્યસંગ્રહમાં હ્યુગો ફિલસૂફ નથી, કવિ છે એથી કેન્દ્રમાં તર્ક નથી, ઊર્મિ છે; બુદ્ધિ નથી, હૃદય છે. આ કાવ્યસંગ્રહ હ્યુગોની આધ્યાત્મિક આત્મકથા છે. એની વૈશ્વિક અપીલ છે. પ્રકાશનના પ્રથમ દિવસે જ પ્રથમ આવૃત્તિનું સંપૂર્ણ વેચાણ થયું હતું. એના પુરસ્કારમાંથી હ્યુગોએ ગેર્નસીમાં એક મોટું મકાન ‘ઓતવિલ હાઉસ’ ખરીદ્યું હતું. ‘લા લેઝાંદ દે સિએક્લ’ (યુગપુરાણ)માં હવે ઊર્મિકવિતા નથી, કથનોર્મિકવિતા છે. એમાં મનુષ્યજાતિનું મહાકાવ્ય રચવાનો હ્યુગોનો ઉપક્રમ છે. નાયક છે મનુષ્ય, વસ્તુવિષય છે મનુષ્યજાતિની પ્રકાશ પ્રતિ ગતિ, પ્રગતિ; ઇતિહાસ, પુરાણ, ફિલસૂફી, ધર્મ, વિજ્ઞાન આદિના સંદર્ભમાં મનુષ્યજાતિની ઉત્ક્રાંતિ. સ્થળ છે સમગ્ર વિશ્વ અને સમય છે અનેક યુગો. એમાં મનુષ્યજાતિની આદિ ક્ષણથી અતીતમાં યુગે યુગે મનુષ્યજાતિની સિદ્ધિ અને સફળતા અને અનાગતમાં અહમ્‌માંથી અહિંસા, સ્વાર્થમાંથી પરમાર્થ, અસદ્‌માંથી સદ્ દ્વારા મનુષ્યમાત્રની નૈતિક-આધ્યાત્મિક પૂર્ણતાનું, સર્વેશ્વરવાદનું દર્શન છે. પચ્ચીસ વર્ષના સુદીર્ઘ સમયમાં ત્રણ ગ્રંથોમાં સાત ગુચ્છો કે સ્તબકોમાં આ કાવ્ય રચ્યું છે. સૌ સમકાલીન રંગદર્શી કવિઓમાં આવું કાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હતી પણ માત્ર હ્યુગોએ જ એ રચ્યું, એકમાત્ર એમનામાં જ એ માટેની પ્રતિભા હતી. એમાં પ્રાચીન મહાકાવ્યોની પરંપરાનું અનુસરણ-અનુકરણ નથી, નવસર્જન છે; પુરાણકથાઓ, પુરાકલ્પનોનું નવસ્વરૂપ છે. એ મહાકાવ્ય નથી, લૅટિન પરંપરાનું ‘લઘુ મહાકાવ્ય’ છે; ઇતિહાસ નથી, પુરાણ છે, એક નહિ અનેક યુગોનું પુરાણ છે; દસ્તાવેજ નથી, કવિની કલ્પનાનો કીમિયો છે; નવા યુગનું, પ્રગતિનું બાઇબલ છે. આ કાવ્યસંગ્રહમાં હ્યુગો માત્ર કવિ નથી; દ્રષ્ટા, પયગંબર છે, પરમેશ્વરનો અવાજ છે, સ્વયં પરમેશ્વર છે. માત્ર ફ્રેન્ચ કવિતામાં જ નહિ પણ જગતભરની આધુનિક કવિતામાં અનન્ય એવો ભાષાનો ધસમસતો ધોધ છે. દૂરસુદૂરના ભૂતકાળ અને ભવિષ્યકાળનું કાવ્ય છે એથી એનું વાતાવરણ વાયવ્ય અને ધૂસર છે એથી હ્યુગોએ ફ્રેન્ચ ભાષાના શબ્દોને અસ્પષ્ટ અને અનિશ્ચિત અર્થનું સ્વરૂપ, નવું સ્વરૂપ અર્પ્યું છે. આ અખંડ કાવ્ય નથી, અનેક કાવ્યખંડોની શ્રેણી છે, અનેક કાવ્યોના સંચય, સમૂહ, સમુચ્ચય છે. એથી એમાં સંકલનાની સુશ્લિષ્ટ, સુગ્રથિત એકતા નથી. વળી આ અપૂર્ણ કાવ્ય છે. હ્યુગોના અહમ્‌વાદી વ્યક્તિત્વ અને એમની અતિરેકપૂર્ણ વાગ્મિતાને કારણે કાવ્ય ક્યાંક ઉત્કૃષ્ટ છે તો ક્યાંક નિકૃષ્ટ પણ છે. બ્લેઇકના કાવ્યસંગ્રહ ‘Prophetic Books’ (પયગંબરી ગ્રંથો) સાથે એનું સામ્ય છે. ‘લે શાસોં દે રયુ એ દે બ્વા’ (નગરપથ અને અરણ્યનાં કાવ્યો)માં હ્યુગોએ ‘લા લેઝાંદ’ની સાથોસાથ ચિરપરિચિત વાસ્તવનાં ચિત્રો, વર્ણનોનાં હળવાં રમતિયાળ કાવ્યો રચ્યાં છે. એમાં હ્યુગોની બહુમુખી સર્જકપ્રતિભાની પ્રતીતિ થાય છે. એમાં ઘરગથ્થુ કલ્પનો, બોલચાલની ભાષાના લયલહેકા, કવિમિત્ર ગોતિયેએ જેની પ્રતિષ્ઠા કરી હતી તે આઠ આઠ શ્રુતિની ચાર પંક્તિના શ્લોકનું સ્વરૂપ આદિ કલાકૌશલ્ય છે. આ કાવ્યસંગ્રહનો અનુકાલીન કવિ વર્લેન પર પ્રભાવ હતો. ‘લાને તેરિબ્લ (ભીષણ વર્ષ)માં ફ્રાંસ-જર્મની યુદ્ધ, ફ્રાંસનો પરાજય, પૅરિસનો ઘેરો, પૅરિસનો ભૂખમરો, કોમ્યુનનો વિદ્રોહ, યુદ્ધવિરામ, પુત્ર શાર્લનું અવસાન આદિ ૧૮૭૦-૧૮૭૧ના વર્ષની કરુણ ઘટનાઓ વિશેની પદ્યડાયરી છે. ‘લાર્ત દેત્ર ગ્રાં-પેર’ (દાદાજી થવાની કળા)માં પણ હ્યુગોએ ‘લા લેઝાંદ’ની સાથોસાથ બાળકો (પુત્ર શાર્લનાં સંતાનો) — રૂપાળો, ગંભીર પૌત્ર જ્યૉર્જ અને તોફાની, મસ્તીખોર પૌત્રી ઝાંન વિશે કાવ્યો રચ્યાં છે. હ્યુગોને બાળકો અતિપ્રિય. જીવનભર પોતાના શૈશવ અને અન્ય શિશુઓ વિશે અનેક મહાન કાવ્યો રચ્યાં હતાં. ‘ઓતવિલ હાઉસ’માં એમણે વર્ષો લગી દર રવિવારે ચાળીસ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું. પણ ૧૮૭૩ લગીમાં તો લગભગ સૌ કુટુંબીજનો — માતાપિતા, ભાઈઓ, પત્ની, સંતાનો–નું અવસાન થયું હતું. પુત્રી આદેલ વિદ્યમાન હતી, પણ પાગલ હતી. અંતિમ વર્ષોમાં હ્યુગો જુલિએત ઉપરાંત જ્યોર્જ અને ઝાંનની સાથે બાળકની જેમ જીવ્યા હતા અને એમના સાન્નિધ્યમાં જ અવસાન પામ્યા હતા. એમની સાથે ખેલવુંકૂદવું, હરવુંફરવું, ભણવુંભણાવવું એ જ એમનો એકમાત્ર બાલવત્ આનંદ હતો. આ કાવ્યોમાં પિતામહની વત્સલતા, બાળકોની નિર્દોષતા-કોમળતા, બાળકોમાં પરમેશ્વરનું દર્શન — એક નવીન અનુભવ, સમ્રાટ પર વિજય પણ બાળકોથી પરાજય — એક નવીન આશ્ચર્ય તથા બાળકો પ્રત્યે આનંદ માટે આભાર આદિ પ્રગટ થાય છે; બાળકો એક સમગ્ર કાવ્યસંગ્રહનો વાસ્તવિક વિષય થાય છે. હ્યુગોની કવિતામાં અને સમગ્ર ફ્રેન્ચ કવિતામાં આ એક વિરલ ઘટના છે. આ કાવ્યોની ફ્રેન્ચ પ્રજા પર ભારે અસર છે. તત્કાલ સફળતા અને લોકપ્રિયતાને કારણે પ્રકાશનના થોડાક જ દિવસોમાં પ્રથમ આવૃત્તિનું સંપૂર્ણ વેચાણ થયું હતું. ‘લ પાપ’ (પોપ), ‘લા પિતિએ સુપ્રેમ’ (શ્રેષ્ઠ કરુણા), તથા ‘રેલિજિઓં એ રેલિજિઓં’ (ધર્મો અને ધર્મ)માં ધર્મ વિશેનું ચિન્તન છે. ‘લાન’ (ગર્દભ)માં વિજ્ઞાન વિશેનું ચિન્તન છે. ‘લે કાત્ર વાં દ લેસ્પ્રી’ (આત્માનો ચતુર્વિધ માતરિશ્વા)માં ઊર્મિ, કટાક્ષ, કથન અને નાટ્ય — કવિતાના આ ચાર પ્રકારો-સ્વરૂપોમાં કાવ્યો છે. ‘લા લેઝાંદ’નો ત્રીજો ગ્રંથ (૧૮૮૩) એ હ્યુગોનું એમની હયાતીમાં છેલ્લું પ્રકાશન હતું. ત્યાર પછી અન્ય સાત કાવ્યસંગ્રહોનું મરણોત્તર પ્રકાશન થયું હતું. ‘લા ફેં દ સાતાં’ (સેતાનનો અંત) એ ‘લા લેઝાંદ’ના અંતર્ગત અંશ જેવું કાવ્ય છે. ૧૮૫૪-૧૮૫૬માં રચ્યું હતું. એમાં પૃથ્વીમાં અને નરકમાં જે દૂરિત છે એ વિશેનું ચિન્તન છે. ઈશુનો વધ એ પૃથ્વીમાં જે દૂરિત છે એનું પ્રતીક છે. પણ દૂરિતની સત્તા અનંત નથી. ભવિષ્યમાં પ્રગતિ અને પ્રકાશ દ્વારા પૃથ્વીમાં દૂરિતનો અંત હશે એટલું જ નહિ નરકમાં પણ દૂરિતનો, સેતાનનો અંત હશે, સેતાનનો પણ પશ્ચાત્તાપ દ્વારા મોક્ષ થશે, સેતાન પુનશ્ચ લ્યુસિફર થશે, દેવદૂત થશે એવું દૂરિત વિશેનું વૈશ્વિક દર્શન છે. ‘તુત લા લીર’ (પૂર્ણ વાદ્ય)માં ગોતિયે આદિ મિત્રોને અંજલિઓ અને પ્રકીર્ણ કાવ્યો છે. ‘દિય’ (પરમેશ્વર) પણ ‘લા લેઝાંદ’ના અંતર્ગત અંશ જેવું કાવ્ય છે. ૧૮૫૪-૧૮૫૬માં રચ્યું હતું. આ કાવ્યને ઇતિહાસ અને ધર્મનું પરિમાણ છે. એમાં આજ લગીના ધર્મોનાં પ્રતીકરૂપ છ પશુ-પંખીઓનું સંબોધન છે. એ દ્વારા આજ લગીની નિરીશ્વરવાદથી ખ્રિસ્તી ધર્મ લગીની પરમેશ્વરની વિભાવનાઓ પ્રગટ થાય છે. અંતે દેવદૂતનું સંબોધન છે. એમાં હ્યુગોએ એક નવા જ પરમેશ્વર — સર્વેશ્વરવાદના પરમેશ્વર –નું દર્શન, બલકે સર્જન કર્યું છે. ‘લે ઝાને ફુનેસ્ત’(સંકટનાં વર્ષો), ‘દેર્નિએ ઝેર્બ’ (શેષ શાખા), ‘ઓસેઆં’ (સમુદ્ર) અને ‘ફ્રાગ્માં’ (કાવ્યખંડ)માં અસંખ્ય પ્રકીર્ણ કાવ્યો છે. હજુ પણ ભવિષ્યમાં ક્યારેક ક્યાંક કોઈ કાવ્ય કે કાવ્યોની હસ્તપ્રતો પ્રાપ્ત થાય તો નવાઈ નહિ.

નવલકથા
 

Han d’Islande (૧૮૨૩), Bug — Jargal (૧૮૨૬), Le Der-nier Jour d’un Condamne (૧૮૨૯), Notre-Dame de Paris (૧૮૩૧), Claude Gueux (૧૮૩૪), Les Miserables (૧૮૬૨), Les Travailleurs de la Mer (૧૮૬૬), L’ Homme Qui Rit (૧૮૬૭), Quatrevingt -treize (૧૮૭૪). ‘હાં દિસલાંદ’ (આઇસલૅન્ડનો હાં) એ હ્યુગોની પ્રથમ નવલકથા છે. એમાં ઓર્દને અને ઇતેલનાં પાત્રોમાં હ્યુગો અને આદેલના લગ્ન પૂર્વના પ્રેમોદ્રેકના આત્મકથાના અંશો છે. નવલકથાનો નાયક ઓર્દને ખોપરીઓમાંથી રુધિરપાન કરે છે. હ્યુગોમાં ભય, ત્રાસ, વિકૃતિ, કદરૂપતા આદિનું આલેખન કરવાનું કલાકૌશલ્ય હતું. ઇંગ્લૅન્ડમાં મિસિસ રેડકિલફ આદિ દ્વારા Novel of Horror (ભયત્રાસની નવલકથા) તથા ફ્રાંસમાં કવિમિત્ર શાર્લ નોદિએ આદિ દ્વારા roman noir(રોમાં ન્વાર, શ્યામ નવલકથા)નો પ્રકાર પ્રચલિત હતો. એ પ્રકારની આ નવલકથા છે. આ નવલકથા માટે રાજ્યે હ્યુગોને ૨૦૦૦ ફ્રાંનું વર્ષાસન અર્પણ કર્યું હતું. ‘બુગ-જારગાલ’ પણ શ્યામ નવલકથા પ્રકારની લઘુ નવલકથા છે. એ નવલકથાથી વિશેષ તો નિબંધ છે. ૧૮૧૭માં હ્યુગોએ ત્રણ જ અઠવાડિયાંમાં રચી હતી. એમાં વસ્તુવિષય છે સાન દોમિન્ગોનો વિદ્રોહ. ૧૮૨૬માં એનું પુનર્લેખન કર્યું ત્યારે વસ્તુવિષયમાં સેંત-દોમિનિકના હબસીઓના વિદ્રોહનું ઉમેરણ કર્યું હતું. આ નવલકથા પર વૉલ્ટર સ્કૉટનો પ્રભાવ છે. ‘લ દર્નિએ ઝુર દં કોંદાને’ (અપરાધીનો અંતિમ દિવસ) એ હ્યુગોની સામાજિક પ્રતિબદ્ધતાની પ્રથમ roman a these — વિચારધારાત્મક નવલકથા છે. એ નવલકથાથી વિશેષ તો નિબંધ છે. હ્યુગોએ આ નવલકથા ફાંસીની સજાથી મૃત્યુ પામેલા એક અપરાધીએ જીવનના છેલ્લા થોડાક કલાકોમાં લખેલી અને એની જેલ-કોટડીમાંથી જડેલી ડાયરી રૂપે રજૂ કરી છે. હ્યુગોએ ઇટલી-સ્પેનમાં, પૅરિસની કોંસિએર્જરી-બિસેત્રની જેલોમાં અનેક ફાંસીની સજા પામેલા અપરાધીઓનું જાતનિરીક્ષણ કર્યું હતું. ૧૮૨૨માં આવા એક અપરાધીને ઘરમાં સંતાડ્યો હતો. એ જીવનભર ફાંસીની સજાના પ્રખર વિરોધી હતા. એમણે વારંવાર સેનેટમાં ફાંસીની સજા રદ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. ૧૮૮૦માં અલ્પસમય માટે એ મંજૂર પણ થયો હતો. જગતમાં કોઈ પણ દેશમાં કોઈ પણ માણસને ફાંસી આપવાની છે એવી જાણ થાય કે તરત જપાનથી માંડીને મેક્સિકો લગીના અનેક દેશના રાજાઓ અને રાષ્ટ્રપ્રમુખોને એ ફાંસી રદ કરવા પ્રાર્થનાપૂર્વકના પત્રો લખ્યા હતા. આ નવલકથામાં –અને ‘લે મિઝેરાબ્લ’ તથા ‘ક્લોદ ગુ’માં –હ્યુગો હવે ecrivain en-gage(એક્રિંવે આંગાઝે, પ્રતિબદ્ધ લેખક) છે. આ નવલકથા ‘લે મિઝેરાબ્લ’ની નાન્દીરૂપ છે. ‘નોત્ર-દામ દ પારિ’ (પૅરિસનું નોત્ર-દામ) એ હ્યુગોની ઐતિહાસિક નવલકથા છે. ૧૮૨૯માં એનો આરંભ કર્યો હતો. પણ ૧૮૩૦ની જુલાઈ ક્રાંતિને કારણે એમાં વિક્ષેપ થયો હતો. પછી ૧૮૩૦માં છ માસમાં રચી હતી. એનો સમય છે ૧૫મી સદીનું લુઈ ૧૧માંનું પૅરિસ. હ્યુગોએ ત્રણ વર્ષ લગી આ પૅરિસ વિશેનું અઢળક સાહિત્ય વાંચીને એની ગલીગલીનો અને નોત્ર-દામના દેવળના ખૂણેખૂણાનો અભ્યાસ કર્યો હતો. આમ, આ નવલકથામાં સ્થળ-વર્ણનો, દૃશ્યો, પાત્રો, સંવાદોમાં ઇતિહાસનું સત્ય તો છે જ, પણ એથીયે વિશેષ તો એનાં પાત્રોના અર્થઘટનમાં હ્યુગોની કલ્પનાનું સત્ય છે. એથી કોસીમોદો, કલોદ ફ્રોલો અને ઇસ્મેર્લ્દાના પાત્રાલેખનમાં અતિરેક પણ છે. ધર્મગુરુ ક્લોદ ફ્રોલો માનવ નથી, દાનવ છે; એનામાં બ્રહ્મચર્ય અને વિષયવાસના વચ્ચે સંઘર્ષ છે. એ બહારથી પવિત્ર છે પણ અંદરથી વિકૃત છે. નાયક કોસીમોદો મોટા માથાનો ભયાનક વેંતિયો છે, એનામાં ઊર્જિતતા અને કદરૂપતાનું મિશ્રણ છે, એ બહારથી વિકૃત છે પણ અંદરથી પવિત્ર છે. હ્યુગોને કુદરતે જેને શરીરથી અને સમાજે જેને મનથી વિકૃત કર્યો હોય એવા મનુષ્યો પ્રત્યે અપાર અનુકંપા હતી. એમણે હંમેશાં એમનો પક્ષ કર્યો છે. જિપ્સી ઇસ્મેર્લ્દા કામિની કન્યા છે, એથી વિશેષ તો એ કરુણાની મૂર્તિ છે. કથાવસ્તુમાં એક સ્ત્રી — ઇસ્મેર્લ્દા — માટેનો ત્રણ પુરુષો — કોસિમોદો, ક્લોદ ફ્રોલો અને કૅપ્ટન ફીબુસ દ શાતોપેર — નો પ્રેમ અને એને કારણે ઈર્ષ્યા, તિરસ્કાર, પ્રેમ અને મૈત્રીની સભર અને સંકુલ એવો ત્રિવિધ સ્પર્ધા-સંઘર્ષ છે. ક્લોદ ફ્રોલો અને ઇસ્મેર્લ્દાનાં પાત્રોમાં હ્યુગો (અને કંઈક અંશે મોટા ભાઈ યુજેન) તથા આદેલ (અને કંઈક અંશે માદ્રિદની પેપિતા)ના વ્યક્તિત્વના અંશો, આત્મકથાના અંશો છે. નવલકથાની સાચી નાયિકા તો છે નોત્ર-દામ. નોત્ર-દામનું દેવળ એક ગોપન પાત્ર છે. સૌ પાત્રોનાં ચારિત્ર્ય અને વર્તન પર એનો પ્રબળ પ્રભાવ છે. નવલકથાને પાને પાને એની જીવંત અને જ્વલંત વાસ્તવિકતાનું વર્ચસ્‌ છે. નોત્ર-દામનો આકાર પણ એના મિનારાને કારણે હ્યુગોના નામાક્ષરના પ્રથમ અક્ષર H જેવો છે. એથી નોત્ર-દામ અને હ્યુગો વચ્ચે સ્વરૂપાનુસંધાન પણ છે. છતાં આ ધાર્મિક કે ખ્રિસ્તી નવલકથા નથી. એમાં એક વિષયાંધ ધર્મગુરુના પાત્રથી સમકાલીન વાચકોને આઘાત થયો હતો. એમાં હ્યુગોને હવે ખ્રિસ્તી ધર્મ, ધર્મસંસ્થા, ધર્મગુરુઓમાં શ્રદ્ધા ન હતી એનું પ્રતિબિંબ છે. હ્યુગોએ નવલકથાના આરંભે જ એક સૂચક શબ્દનો ઉલ્લેખ કર્યો છે ઃ Ananke (આંનાંકે, નિયતિ). આ નવલકથામાં પરમેશ્વર નહિ પણ નિયતિની સત્તા અને સર્વોપરીતા છે. એમાં નિયતિ ધર્માનુશાસન (dogma) રૂપે સક્રિય છે. એથી મનુષ્ય અને ધર્માનુશાસન વચ્ચે સંઘર્ષ છે. સૌ પાત્રો — નિર્દોષ પાત્રો સુધ્ધાં — સવિશેષ ઇસ્મેર્લ્દા આ નિયતિના ભોગ છે. માત્ર બાહ્ય જગતમાં જ નહિ, મનુષ્યમાત્રના આંતરજગતમાં પણ આ નિયતિનું અસ્તિત્વ છે. એથી અંતે એમનું મૃત્યુ થાય છે. આ નવલકથા ‘મધ્યયુગનું મહાકાવ્ય’ છે. એ ફ્રેન્ચ નવલકથાના સ્વરૂપમાં ક્રાંતિરૂપ હતી. એ અતિલોકપ્રિય હતી. એમાં હ્યુગોએ નોત્ર-દામનું જે ચિત્રણ-વર્ણન કર્યું છે એને પરિણામે પૅરિસના સ્થપતિઓએ રનેસાં પૂર્વેની મધ્યકાલીન ઇમારતોની બર્બર નહિ પણ ‘પથ્થરોમાં બાઇબલ’ તરીકે પ્રતિષ્ઠા કરી હતી અને રાજ્યે એમના રક્ષણ માટે ‘ઐતિહાસિક ઇમારતોની સમિતિ’ની સ્થાપના કરી હતી. ‘ક્લોદ ગુ’ પણ ફાંસીની સજાના વિરોધમાં સામાજિક પ્રતિબદ્ધતાની વિચારધારાત્મક નવલકથા છે. એમાં સમાજની આર્થિક અને રાજકીય વ્યવસ્થાનો પ્રબળ પ્રતિકાર છે. હ્યુગોએ આ નવલકથા જુલિએતને અર્પણ કરી હતી. ‘લે મિઝેરાબ્લ’ (પીડિતો) એ હ્યુગોની સર્વશ્રેષ્ઠ નવલકથા છે. ૧૮૪૦માં એની રૂપરેખા આલેખી હતી. ત્યારે શીર્ષક વિચાર્યું હતું, ‘Les Miseres’ (લે મિઝેર, પીડાઓ), પછી ૧૮૪૫માં એનો આરંભ કર્યો ત્યારે શીર્ષક વિચાર્યું હતું, ‘Jean Trejean’ (ઝાં ત્રેઝાં). ૧૮૪૮માં ક્રાંતિને કારણે વિક્ષેપ થયો પછી ૧૮૬૦માં નિર્વાસનના શાંત એકાંતમાં મુક્ત વાતાવરણમાં સતત લખીને ૧૮૬૧માં વોટર્લુમાં બે માસ વસીને યુદ્ધભૂમિ પર એની પૂર્ણાહુતિ કરી હતી. આમ, હ્યુગોએ આ નવલકથા માટે ત્રીસ વર્ષ લગી મનન-ચિન્તન અને લેખન કર્યું હતું. એ માટે એમણે કેદીઓ, કારાગારો વિશે નોંધો કરી હતી. વાસ્તવિક વ્યક્તિઓ — મોંસિન્યોર મિઓલિસ, પિએર મોરાં અને પૅરિસની શેરીમાં પોલીસ પાસેથી જેને મુક્ત કરાવી હતી તે અનામી વેશ્યા — પરથી મીરિએલ, ઝાં વાલ્ઝાં અને કોસેતનાં પાત્રોનું સર્જન કર્યું છે. મારિયુસ અને અન્ય કોઈ કોઈ પાત્રોમાં આત્મકથાના અંશો પણ છે. સામ્રાજ્ય, ૧૮૩૦માં રાજાશાહીની પુનઃસ્થાપના અને ૧૮૩૨ની ક્રાંતિના સમયના વાતાવરણનું, સવિશેષ ડેન્ટિના નરક જેવી પૅરિસની ગટરો (egouts, અગુ)નું વાસ્તવિક ચિત્રણ કર્યું છે. એથીયે વિશેષ તો ફ્રાંસના સેનાપતિઓને પણ ઈર્ષ્યા થાય એવું વોટર્લુનું અદ્ભુત અને અસાધારણ કાવ્યમય ચિત્રણ કર્યું છે. પણ પીડિતો પ્રત્યેનો પ્રેમ અને પીડનહારો પ્રત્યેનો પ્રકોપ એ આ નવલકથામાં હ્યુગોની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. એક મનુષ્ય રાજ્ય-સમાજની કઠોર ક્રૂરતાથી અપરાધી થાય અને એ અપરાધી એક ધર્મગુરુની કોમળ કરુણાથી અંતે સંત થાય છે. મીરિએલ-વાલ્ઝાં-કોસેતમાં આ કરુણાની પરંપરા છે. ઝાં વાલ્ઝાં, મીરિએલ, ઝાવેર, ફાંતિન, કોસેત, ગાવ્રોશ, મારિયુસ, થેનાર્દિએના પાત્રાલેખનમાં અતિરેક છે. પણ સૌમાં વત્તીઓછી માનવતા છે, ઝાવેર સુધ્ધામાં. આ પાત્રોની વૈશ્વિક અપીલ છે. જગતસાહિત્યના સર્વશ્રેષ્ઠ પાત્રોમાં એમનું સ્થાન છે. આ નવલકથામાં પણ નિયતિ છે અને એ રાજ્ય — સમાજના ધારાધોરણ (laws) રૂપે સક્રિય છે. આ સૌ પાત્રો — ઝાવેર સુધ્ધાં — એના ભોગ છે. એથી મનુષ્ય અને ધારાધોરણ વચ્ચે સંઘર્ષ છે. હ્યુગોએ પ્રસ્તાવનામાં એને ‘ધાર્મિક નવલકથા’ કહી છે એમાં એનું રહસ્ય છે. કોઈ કોઈ વિવેચકોએ એમાં નીતિ-બોધનાં ઉદ્બોધનો, વાવદિવાદો, વર્ણનો, ફિલસૂફીનો અતિરેક છે અને એ અસંબદ્ધ અંશો કથનમાં, કલાકૃતિમાં અવરોધરૂપ છે એવો આક્ષેપ કર્યો છે. પણ તૉલસ્તૉયે એને ‘જગતની એક શ્રેષ્ઠ નવલકથા’ કહી છે. ‘લે મિઝેરાબ્લ’ સાચ્ચે જ પીડિતોનું મહાકાવ્ય છે. ‘લે ત્રાવાઇએર દ લા મેર’ (સાગરખેડુઓ)માં હ્યુગોનો સમુદ્રનો અંગત અનુભવ છે, એટલે કે સમુદ્ર, મોજાંઓ, ઝંઝાવાતો, ખડકો, ધુમ્મસો, સમુદ્રરાક્ષસો, નૌકાઓ, નાવિકો તથા એમની ભાષા અને જીવનશૈલી, લોકવૃત્ત આદિનો અનુભવ છે. નિર્વાસનમાં હ્યુગો ૧૯ વર્ષ માટે અંગ્રેજ ખાડીમાં જર્સી અને ગેર્નસીના ટાપુઓ પર વસ્યા હતા. ગેર્નસીમાં તો સમુદ્રતટ પર જ એમનું ઘર ‘ઓતવિલ હાઉસ’ હતું. વળી ૧૮૫૯માં સાર્કના ટાપુ પર એમણે સમુદ્ર વિશે નોંધો પણ લખી હતી. ત્યારે એનું શીર્ષક વિચાર્યું હતું, Gilliate le Malin (ઝિલિઆત લ માલાં, ચતુર ઝિલિઆત), ઝિલિઆત અને એની પ્રિયતમા દેરુશેતનાં પાત્રોમાં હ્યુગો અને આદેલના લગ્ન પૂર્વેના પ્રેમોદ્રેકના આત્મકથાના અંશ છે. આ નવલકથામાં ઐતિહાસિક કે રાજકીય-સામાજિક વસ્તુવિષય નથી. આ નવલકથામાં પણ નિયતિ છે. અને એ નિર્જીવ વસ્તુઓ, પદાર્થો — સમુદ્ર રૂપે સક્રિય છે. મનુષ્ય એનો ભોગ છે. એથી મનુષ્ય અને સમુદ્ર વચ્ચે સંઘર્ષ છે. ‘નોત્ર-દામ દ પારિ’માં જેમ સાચી નાયિકા નોત્ર દામ છે તેમ આ નવલકથાનો સાચો નાયક તો છે સમુદ્ર. પણ નિયતિ માત્ર બાહ્ય જગતમાં જ નહિ પણ મનુષ્યમાત્ર — દેરુશેત સુધ્ધાં–નાં આંતરજગતમાં પણ છે. એથી ઝિલિઆત માત્ર સમુદ્રનો જ નહિ પણ — સમુદ્રનો ભોગ ન હોય તોપણ — દેરુશેત અને એની કઠોર ક્રૂરતાનો પણ ભોગ છે. એથી અંતે એ આત્મહત્યા કરે છે. આ નવલકથામાં હ્યુગોએ મનુષ્ય જેનાથી મહાન થાય છે તે — એનું સાહસ, એનો સંકલ્પ, એની સન્નિષ્ઠા–નો મહિમા કર્યો છે. આ નવલકથામાં હ્યુગોનો સમુદ્રની ગર્જના સમો અવાજ છે. એથી ઉપાલંભમાં હ્યુગોનું ‘સમુદ્ર’ એવું ઉપનામ પડ્યું હતું. આ નવલકથામાં ઓકટોપસનું પાત્ર છે. આ પાત્રનો પૅરિસના ફૅશનજગત પર પ્રભાવ હતો, સ્ત્રીઓ માટે ઓક્ટોપસ હૅટ, રેસ્તોરાંમાં ઓક્ટોપસ વાનગી, શાંઝેલીઝેના એક્વેરિયમમાં ઓકટોપસના પ્રદર્શન રૂપે. હ્યુગો સ્વયં ગેર્નસીના ઓકટોપસ હતા. ‘લોમ કી રિ’ (મનુષ્ય જે હસી રહ્યો) એ ઐતિહાસિક નવલકથા છે. હવે હ્યુગો અન્ય સમયની જ નહિ, અન્ય સ્થળની નવલકથા રચે છે — ૧૬૮૮ — ૧૭૦૫નું લંડન. નાયક ગીનપ્લેન, હ્યુગોના અન્ય અનેક નાયકોની જેમ, સમાજનો ભોગ છે. વળી જન્મથી જ કોસિમોદોની જેમ બહારથી વિકૃત છે. એના મોં પર સદાયનું વિકૃત હાસ્ય છે. એથી એનામાં વેદના છે. પછીથી તે ઉમરાવ — લૉર્ડ કલાંશાર્લી — થાય છે. છતાં એનામાં એનાં ગરીબાઈનાં વર્ષોના મિત્રો પ્રત્યે નિષ્ઠા છે. એનામાં ક્લોદ ફ્રોલો અને લગ્ન પૂર્વેના હ્યુગોની જેમ બ્રહ્મચર્ય અને વિષયવાસના વચ્ચે સંઘર્ષ છે. નિદ્રાધીન નાયિકા જોસિઆનને નગ્નાવસ્થામાં જોઈને એ ભયભીત થાય છે. ઈવ સેતાનથી પણ વિશેષ દૂરિત છે. હ્યુગોએ આ નવલકથા લેઓની દોનેને અર્પણ કરી હતી. ‘કાત્રવેં-ત્રેઝ’ (ત્રાણું) એ હ્યુગોની અંતિમ નવલકથા છે, ઐતિહાસિક નવલકથા છે. ૧૭૯૩માં લા વાંદેમાં (શ્વેત) રાજાવાદીઓએ (નીલ) પ્રજાસત્તાકવાદીઓ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો. હ્યુગોના પિતા લેઓપોલ્દ ત્યારે સૈન્યમાં મેજરસાર્જન્ટ હતા. એમણે આ વિદ્રોહનો સૈન્ય દ્વારા પણ સાથે સાથે માનવતાપૂર્વક પ્રતિકાર કર્યો હતો. આ નવલકથામાં વસ્તુવિષય છે આ યુદ્ધનો એક પ્રસંગ. હ્યુગોએ એ પ્રસંગનું વિહંગાવલોકન કર્યું છે. એમાં એમના શૈશવનાં સંસ્મરણો છે. વળી લા વાંદેના આ શુઆન પ્રદેશ જુલિએતની જન્મભૂમિ. હ્યુગોએ એમની સાથે આ પ્રદેશનો પ્રવાસ પણ કર્યો હતો. આ નવલકથાના કેન્દ્રમાં વ્યક્તિ નહિ, પણ ‘શ્વેત’ અને ‘નીલ’ વચ્ચેનો સંઘર્ષ છે, આંતરવિગ્રહ છે. આ વ્યક્તિપ્રધાન નહિ, કાર્યપ્રધાન નવલકથા છે. પ્રજાસત્તાકવાદી નાયક યુવાન ગોવાં (જુલિએતનું કૌટુંબિક નામ) પવિત્ર હૃદયનો ઉદાર મનુષ્ય છે. એનો પ્રતિસ્પર્ધી રાજાવાદી માર્કી દ લાંતનાક ધનિક છે, પણ ત્રણ બાળકોનું રક્ષણ કરવા પ્રાણ અર્પણ કરે છે. આમ, હ્યુગોએ આ નવલકથામાં એક તટસ્થ ન્યાયાધીશની જેમ પક્ષપાત- પૂર્વગ્રહ વિના બન્ને પક્ષની ભવ્યતા અને ભીષણતાનું આલેખન કર્યું છે. ૧૭૯૬માં આ આંતરવિગ્રહ સમયે આ પ્રદેશમાં હ્યુગોના પ્રજાસત્તાકવાદી પિતા લેઓપોલ્દ અને રાજાવાદી માતા સોફીનું પ્રથમ મિલન થયું હતું એથી નવલકથાનું શીર્ષક છે ‘કાત્રવેં-ત્રેઝ (ત્રાણું)

નાટક
 

Cromwell (૧૮૨૭), Amy Robsart (૧૮૨૮), Marion de Lorme (૧૮૨૯), Hernani (૧૮૩૦), Le Roi s’amuse (૧૮૩૨), Lucrece Borgia (૧૮૩૩), Marie Tudor (૧૮૩૩), Angelo (૧૮૩૫), Ruy Blas (૧૮૩૮), Les Burgraves (૧૮૪૨). ‘ક્રોમવેલ’ (પદ્યનાટક) એ હ્યુગોનું પ્રથમ નાટક છે. એમાં સમય-સ્થળ છે ૧૭મી સદીનું ઇંગ્લૅન્ડ. મુખ્ય પાત્ર છે ૧૬૪૮ના આંતરવિગ્રહના પ્યુરિટન નેતા ક્રોમવેલ. એ અકિંચન અવસ્થામાંથી ઇંગ્લૅન્ડના નેતા અને લૉર્ડ પ્રૉટેકટર થયા હતા. નાપોલેઓં બોનાપાર્ત સાથે ક્રોમવેલના જીવનનું સામ્ય છે. વળી આ નાટક રચ્યું ત્યારે હ્યુગો બોનાપાર્તવાદી હતા. આ સંદર્ભમાં આ નાટક નાપોલેઓં બોનાપાર્તને અંજલિરૂપ છે. અતિ લંબાણને કારણે એની રજૂઆત અશક્ય હતી એથી આ નાટક ભજવાયું ન હતું. એ નાટકથી વિશેષ તો નિબંધ છે. ‘આમી રોબ્સાર’ (પદ્યનાટક) હ્યુગોએ વૉલ્ટર સ્કૉટની નવલકથા ‘કેનિલવર્થ’ પરથી રચ્યું હતું ૧૮૨૨માં, પણ ભજવાયું હતું ૧૮૨૮માં. નાટક નિષ્ફળ ગયું હતું. હ્યુગોએ આ નાટક પોતાના નામથી નહિ પણ આદેલના ભાઈ પૉલ ફુશેના નામથી પ્રગટ કર્યું હતું. ‘મારિઓં દ લોર્મ’ (પદ્યનાટક)માં સમય-સ્થળ છે ૧૭મી સદીનું લુઈ ૧૩માના સમયનું પૅરિસ. નાયિકા મારિઓં નગરવધૂ છે અને નાયક દિદિએ અનૌરસ સંતાન છે અને આત્મઘાતી વિદ્રોહી યુવાન છે. આ પવિત્ર વીરપુરુષ પ્રત્યેના પ્રેમ દ્વારા મારિઓં એના પાપમાંથી મુક્તિ પામે છે. એમાં હ્યુગોની આત્મકથાનો અંશ — માતા સોફીનો લાહોરી પ્રત્યેનો પ્રેમ — છે. ‘હેર્નાની’ (પદ્યનાટક) એ હ્યુગોની રંગદર્શી રંગભૂમિનું પ્રથમ સફળ મહાન કરુણ નાટક છે. હ્યુગોએ આ નાટક ૨૮ દિવસમાં લખ્યું હતું. એમાં સમય-સ્થળ છે મધ્યકાલીન સ્પેનમાં એર્નાની (એમાં H ઉમેરીને નાયકનું નામ અને નાટકનું શીર્ષક યોજ્યું છે.) એમાં મુખ્ય પાત્રો છે ઃ નાયિકા દોના સોલ, યુવાન નાયક હેર્નાની, વૃદ્ધ રુઈ ગોમેઝ દ સિલ્વા અને રાજા ફ્રાંસ્વા પહેલો (શાર્લ ચોથો). વસ્તુવિષય છે ‘નોત્ર-દામ દ પારિ’માં છે તેમ ત્રણ પુરુષોનો એક જ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ. એમાં હ્યુગોની આત્મકથાનો અંશ — હ્યુગો અને મોટા ભાઈ યુજેનનો આદેલ પ્રત્યેનો પ્રેમ — છે. આ સૌ પાત્રો નિયતિનાં ભોગ છે એથી એમાં હિંસા, હત્યા, આત્મહત્યા અને મૃત્યુ છે. વસ્તુવિષયમાં અતિશયોક્તિ અને અસંભવિતતા છે. પણ એમાં જે શૈલીસ્વરૂપ છે એ ફ્રેન્ચ રંગભૂમિની એક મહાન ક્રાંતિ છે. હ્યુગોએ એમાં ૧૮મી સદીના પ્રશિષ્ટતાવાદના નાટક વિશેના નીતિનિયમો અને આદેશો-નિષેધોનો ભંગ કર્યો છે. પ્રથમ પંક્તિમાં જ નિષિદ્ધ શબ્દ અને અંત્યયતિભંગ છે. ૧૮૩૦માં ફેબ્રુઆરીની ૨૫મીએ થેઆત્ર ફ્રાંસેમાં એ પ્રથમ વાર ભજવાયું ત્યારે પ્રયોગના આઠ કલાક પૂર્વે પ્રતિપક્ષી પ્રશિષ્ટતાવાદીઓ અને કવિમિત્ર ઝેરાર દ નર્વાલના નેતૃત્વમાં પક્ષકાર યુવાન કલાકારો — ચિત્રકારો, શિલ્પીઓ, કવિઓ — અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કવિમિત્ર ગોતિયે તો ગુલાબી કોટ અને લીલા પાટલૂનમાં સજ્જ હતા. પ્રથમ પંક્તિનું ઉચ્ચારણ થયું ત્યારથી તે અંતિમ પંક્તિના ઉચ્ચારણ લગી બન્ને પક્ષો વચ્ચે પૂર્વયોજિત ગાલીપ્રદાન અને સ્તુતિવચનોનું વાગ્યુદ્ધ મચ્યું હતું. આ ઘટના ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસમાં ‘La Bataille d’Hernani’(લા બાતાઈ દેર્નાની, હેર્નાનીનું યુદ્ધ) એ નામે પ્રસિદ્ધ છે. આ નાટક દ્વારા હ્યુગોએ પ્રશિષ્ટવાદના બાસ્તિયનો ધ્વંસ કર્યો હતો. આ નાટકના સો પ્રયોગો થયા હતા. ‘લ ર્વા સામ્યુઝ’ (રમૂજી રાજા, પદ્યનાટક) નાટકનો નાયક ત્રિબુલે રાજા ફ્રાંસ્વા પહેલાની રાજ્યસભામાં વિદૂષક છે. એ ‘નોત્ર-દામ દ પારિ’ના કોસિમોદોની જેમ બહારથી વિકૃત છે, વેંતિયો છે. વળી રાજાના દુરાચારમાં કૂટણ રૂપે સહભાગી છે. પણ એક પિતા તરીકે એની પુત્રી બ્લાંશ પ્રત્યેના પ્રેમ દ્વારા અને એના મૃત્યુ પછી પશ્ચાત્તાપ દ્વારા એ પાપમાંથી મુક્તિ પામે છે. વસ્તુવિષયમાં અતિશયોક્તિ અને અસંભવિતતા છે. રાજા ફ્રાંસ્વા પહેલાના પાત્ર દ્વારા હ્યુગોએ રાજાશાહી પર હાસ્યમિશ્રિત કટાક્ષ કર્યો છે. આ નાટક પર અશ્લિલતાનો આક્ષેપ થયો હતો. નાટક ભજવાયું ત્યારે પ્રેક્ષકોએ ઉષ્મા કે ઉત્સાહપૂર્વક એનો સ્વીકાર કર્યો ન હતો. ‘લુક્રેસ બોર્ઝિઆ’ (ગદ્યનાટક) હ્યુગોએ પંદર દિવસમાં લખ્યું હતું. એમાં નાયિકા લુક્રેઝિયા એના પુત્ર પ્રત્યેના પ્રેમ દ્વારા એના પાપમાંથી મુક્તિ પામે છે. આ નાટકમાં ઊર્મિકવિતા છે પણ નાટ્યાત્મકતાનો અભાવ છે. હ્યુગોએ આ નાટકનું વાચન કર્યું ત્યારે જુલિએત સાથે પ્રથમ મિલન થયું હતું. જુલિએતે એમાં પ્રિન્સેસ નેગ્રોનીનું ગૌણ પાત્ર ભજવ્યું હતું. નાટક નિષ્ફળ ગયું હતું. ‘મારી તુદોર’ (ગદ્યનાટક) ઇંગ્લૅન્ડની રાણી મેરી ટ્યુડર વિશેનું નાટક છે. એમાં હ્યુગોએ રાણી પણ અંતે સ્ત્રી છે એવું મેરીના વ્યક્તિત્વનું સત્ય પ્રગટ કર્યું છે. નાટકનું મહત્ત્વનું પાત્ર છે નાનકડી ગરીબ જેઈન. રાણીના પ્રેમી ફાબિનોએ જેઈન સાથે વ્યભિચાર કર્યો છે. મોટા મનના ગરીબ જિલ્બેરને જેઈન પ્રત્યે પ્રેમ છે. એની ક્ષમા દ્વારા જેઈન એના પાપમાંથી મુક્તિ પામે છે. નાટક નિષ્ફળ ગયું હતું. ‘આંઝેલો’ (ગદ્યનાટક)માં વસ્તુવિષય છે પેદુઆનો જુલમી રાજા આંઝેલો, એની પત્ની કાતારિના, યુવાન વેશ્યા લા તિસ્બ અને એનો પ્રેમી રોદોલ્ફો — આ ચાર પાત્રો વચ્ચેનો પ્રેમ અને પ્રેમનો સંઘર્ષ. અંતે હૃદયની ઉદારતા દ્વારા લા તિસ્બ અને સ્વભાવની મધુરતા દ્વારા કાતારિના આ સંઘર્ષમાંથી મુક્તિ પામે છે. નાટકમાં સુશ્લિષ્ટ, સુગ્રથિત સંકલના છે. એથી આ નાટક સફળ થયું હતું. ‘રુઈ બ્લા’ (પદ્યનાટક) એ હ્યુગોનું સર્વશ્રેષ્ઠ નાટક છે. હ્યુગોએ આ નાટક એક મહિનામાં લખ્યું હતું. એમાં સમય-સ્થળ છે ૧૭મી સદીનું સ્પેન. એમાં મુખ્ય પાત્રો છે ઃ રુઈ બ્લા અને રાણી મારિઆ. રુઈ બ્લા અકિંચન છે છતાં પ્રતિભાશાળી સ્વપ્નદ્રષ્ટા છે. રાણીનો મહત્ત્વાકાંક્ષી સેવક છે. રાણી મારિઆમાં એને દિવ્યતાનું દર્શન થાય છે એથી એની પ્રત્યે એને પ્રેમ થાય છે. રાણી મારિઆના સ્નેહ અને સદ્ભાવથી પ્રધાન તરીકે એની પ્રતિષ્ઠા થાય છે. રુઈ બ્લા એ પ્રજાનું પ્રતીક છે. એમાં આજે ભલે પરાજય હોય પણ આવતી કાલે પ્રજાનો વિજય થવાનો છે એવું હ્યુગોનું રાજકીય દર્શન છે. અન્ય બે પાત્રો છે ઃ દોન સેસાર અને દોન સાલ્યુસ્ત. દોન સેસારની ઊર્મિલતા અને દોન સાલ્યુસ્તની કુટિલતા દ્વારા વસ્તુસંકલનામાં સંકુલતા સિદ્ધિ થાય છે. આ નાટક એકસાથે પરીકથા અને રાજકીય ઘોષણાપત્ર છે. આ નાટકમાં પ્રબળ અને પ્રશિષ્ટ પદ્ય છે. આ પદ્ય એ આ નાટકમાં હ્યુગોની મહાન સિદ્ધિ છે. છતાં નાટક અર્ધ-સફળ થયું હતું. રંગદર્શી નાટકમાં હવે પ્રેક્ષકોને રસરુચિ ન હતી. ‘લે બુરગ્રાવ’ (પદ્યનાટક) એ રંગભૂમિ માટેનું હ્યુગોનું અંતિમ નાટક છે. હ્રાઇન પ્રદેશમાં પ્રવાસ સમયે હ્યુગોએ જીર્ણ દુર્ગોનું દર્શન કર્યું એ પરથી એમને સમ્રાટ અને ઉમરાવો વચ્ચેના સંઘર્ષનું નાટક લખવાનું સૂઝ્યું હતું. વળી ૧૮૩૯માં ‘Les Jumeaux’(લે ઝુમો, જોડિયાં)ના પાંચ અંકોમાંથી ત્રણ અંકો રચ્યા હતા અને નાટક અપૂર્ણ રહ્યું હતું. એમાં લુઈ ૧૪મા અને એમના ભાઈ વચ્ચેનો સંઘર્ષ હતો ઃ લુઈ ૧૪મા પ્રતિસ્પર્ધીના ભય વિના સત્તા ભોગવી શકે માટે ભાઈનો ભોગ. એથી હવે હ્યુગોએ એમાં બે ભાઈઓ વચ્ચેનો સંઘર્ષ ઉમેરવાનું વિચાર્યું હતું. આ નાટકમાં મુખ્ય પાત્રો છે ઃ બે ભાઈઓ, ઉમરાવ ફોસ્કો અને ભાવિ સમ્રાટ દોનાતો. બન્ને ભાઈઓને એક જ કન્યા — જિનેવ્રા — પ્રત્યે પ્રેમ છે. એથી ફોસ્કો દોનાતોની હત્યા કરે છે. એમાં હ્યુગોની આત્મકથાનો અંશ — હ્યુગો અને મોટા ભાઈ યુજેનનો આદેલ પ્રત્યેનો પ્રેમ — છે. આ સંઘર્ષમાં મહાકાવ્યની ભવ્યતા અને ભીષણતા છે. હ્યુગોએ આ નાટક ‘હેર્નાનીનું દ્વિતીય યુદ્ધ’ છે એવું કલ્પ્યું હતું. એના ૩૩ પ્રયોગો પણ થયા હતા. પણ પ્રેક્ષકોએ ઉત્તરોત્તર એનો વધુ ને વધુ અસત્કાર અને અનાદર કર્યો હતો. રંગદર્શી નાટકમાં પ્રેક્ષકોને હવે કોઈ રસરુચિ ન હતી. આ નાટક એટલે રંગભૂમિને હ્યુગોની અલવિદા. ‘લે બુરગ્રાવ’ એ રંગદર્શી નાટકનું વોટર્લુ છે. આ ઉપરાંત હ્યુગોએ ૧૮૬૬માં પાંચ અંકનું પદ્યનાટક Mille Francs de Recompense (મિલ ફ્રાં દ રેકોંપાંસ, હજાર ફ્રાંનો પુરસ્કાર), ૧૮૮૨માં ચાર અંકનું પદ્યનાટક ‘Torque-mada’(તોર્કમાદા) તથા નાટકસંગ્રહ Le Theatre en Liber-te’(લ થેઆત્ર આં લિબર્તે, સ્વાતંત્ર્યની રંગભૂમિ)માં પાંચ લઘુનાટકો અને અન્ય પાંચ પ્રકીર્ણ લઘુનાટકો — આટલું નાટ્યસર્જન કર્યું છે. એમાંથી એકે નાટક એમના જીવનકાળમાં ભજવાયું ન હતું. એ સૌનું મરણોત્તર પ્રકાશન થયું છે.

સર્જકપ્રતિભા
 

૧૮મી સદીના પ્રશિષ્ટતાવાદ અને ૧૯મી સદીનાં પરિવર્તનોના સંદર્ભમાં જ હ્યુગોની સર્જકપ્રતિભાનું સાચું અને સંપૂર્ણ મૂલ્યાંકન થાય. હ્યુગોની સર્જકપ્રતિભાનું રહસ્ય છે ક્રાંતિ અને પ્રજાસત્તાક. હ્યુગોનું ૮૩ વર્ષનું દીર્ઘાયુષ્ય, એથી હ્યુગો મનુષ્ય તરીકે અને સર્જક તરીકે સમગ્ર ૧૯મી સદીના ફ્રાંસ પર છવાઈ ગયા છે. ૧૯મી સદીનું ફ્રાંસ એટલે અનેક દ્રોહ, વિદ્રોહ, યુદ્ધ, આંતરયુદ્ધ દ્વારા સાત સાત પરિવર્તનોનું ફ્રાંસ. હ્યુગોનું અંગત જીવન અને સાહિત્યજીવન આ જાહેર જીવન સાથે અવિચ્છેદ્યપણે ઓતપ્રોત હતું. એથી એ પ્રજાસત્તાકના પ્રતીકરૂપ, પર્યાયરૂપ છે. હ્યુગો એટલે ફ્રેન્ચ પ્રજાસત્તાકના પિતા. હ્યુગોએ એમની નવલકથાઓમાં અન્યાય અને અમાનુષિતાનો પ્રચંડ પ્રતિકાર કર્યો છે, ન્યાય અને મુક્તિનો પ્રબળ પુરસ્કાર કર્યો છે. પીડિતો પ્રત્યેની કરુણાને કારણે હ્યુગો જગતસાહિત્યમાં અપૂર્વ અને અદ્વિતીય એવા પ્રતિબદ્ધ સર્જક છે. ૧૮મી સદીના પ્રશિષ્ટતાવાદના સાહિત્ય અને સાહિત્યસિદ્ધાન્તોમાં નાટક અને કવિતામાં વસ્તુપસંદગી, વસ્તુસંકલના, પાત્રાલેખન, ભાષા, શબ્દપસંદગી, પદ્ય આદિ વિશે જડ નીતિનિયમો અને કડક આદેશો- નિષેધોનું વર્ચસ્‌ હતું. હ્યુગોનાં સૌ નાટકોમાં ઐતિહાસિક કથાવસ્તુ છે. એમણે ફ્રાંસ, સ્પેન, ઇંગ્લૅન્ડ, જર્મનીના ઇતિહાસમાંથી એ ઉધ્ધૃત કર્યું છે. પણ પાત્રોનો આવેગ-આવેશ, ઉન્માદ-ઉદ્રેક, ટ્રૅજેડી-કૉમેડી તથા ઊર્જિતતા-કદરૂપતાનું મિશ્રણ, ત્રિવિધ એકતાનો ભંગ, નિષિદ્ધ શબ્દોનો ઉપયોગ, પદ્યની પ્રવાહિતા, આલેક્ઝાંદ્રિન પંક્તિમાં મધ્ય-અંત્ય-યતિનો ભંગ આદિમાં એમની મૌલિકતા છે — બલકે પ્રશિષ્ટતાવાદની વિરુદ્ધ ક્રાંતિ છે ઃ Je mis un bonnet rouge aux vieux dic-tionnaire (ઝ મિ અં બોને રુઝ ઓ વિય ડિક્સિઓનેર, હું જૂના શબ્દકોશ પર લાલ ટોપી મૂકું છું), ‘ક્રોમવેલ’ની પ્રસ્તાવના (૧૮૨૭) એ રંગદર્શી નાટકનું ઘોષણાપત્ર છે. એમાં એમણે શેક્સ્પિયરની રંગદર્શી નાટકની પરંપરાનો મહિમા કર્યો છે. ‘વિલિયમ શેક્સ્પિયર’ (૧૮૬૪) નિબંધમાં એમણે એ કવિગુરુ અને એમની પરંપરાનું સમગ્ર શેક્સ્પિયર-વિવેચનમાં વિરલ એવું અભિવાદન કર્યું છે. હ્યુગોએ ‘હેર્નાની’ દ્વારા પ્રશિષ્ટતાવાદના બાસ્તિયનો ધ્વંસ કર્યો છે. અને ૧૭૮૯ની રાજકીય ક્રાંતિ જેટલી જ મહાન સાહિત્યિક ક્રાંતિ દ્વારા ફ્રાંસમાં રંગદર્શી નાટકનું નિર્માણ કર્યું છે. જોકે હ્યુગોની સાથે જ જેમ એનો ઉદય તેમ એનો અસ્ત પણ થયો છે. હ્યુગોની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કલ્પના છે. હ્યુગોમાં અદ્ભુત નિરીક્ષણશક્તિ અને અસાધારણ સ્મરણશક્તિ હતી. એથી એમાં દૃશ્ય અને વાતાવરણને અનુકૂળ ચિત્રાત્મકતા તથા વસ્તુવિષય અને ભાવ-વિચારને અનુરૂપ ઉપમા, રૂપક, કલ્પન તથા છંદોલય છે. પૂર્વાર્ધની કવિતામાં વસ્તુવિષય છે મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, શૈશવ, યૌવન, કુટુંબ. એથી એ ઊર્મિકવિતા છે. એ કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓમાં એમનો કવિ અને કવિતા વિશેનો આદર્શ છે. એમાં એક વ્યક્તિની, કવિની અને કવિતાની અસીમ, અબાધિત સ્વતંત્રતાનો આગ્રહ છે. ઉત્તરાર્ધની કવિતામાં વસ્તુવિષય છે મુખ્યત્વે મનુષ્ય, મનુષ્યજાતિ, આત્મા, આત્માની અમરતા, પ્રકૃતિ, પરમેશ્વર. એમાં ભય અને શંકા છે છતાં પ્રગતિ અને પ્રકાશ દ્વારા સમગ્ર મનુષ્યજાતિ અને સમસ્ત વિશ્વ–સેતાન સુધ્ધાં–ની પૂર્ણતા વિશે આશા અને શ્રદ્ધા છે. એમાં તત્ત્વચિન્તન કે વિચારધારા નથી, પણ જીવનદર્શન છે. એથી એ ચિન્તનોર્મિકવિતા છે. એ કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓમાં એમનો કવિ અને કવિતા વિશેનો આદર્શ છે. એમાં માત્ર એક વ્યક્તિ માટે, કવિ માટે નહિ પણ મનુષ્યમાત્ર, સમગ્ર મનુષ્યજાતિ માટે ન્યાય અને મુક્તિનો આગ્રહ છે. એથી હવે એમનો કાવ્યપુરુષ, કવિઆદર્શ છે કવિ એટલે નેતા, ગુરુ, દ્રષ્ટા, ઋષિ, મનીષી, પયગંબર, પરમેશ્વરનો અવાજ, સ્વયં પરમેશ્વર. ‘Le mot, c’est le Verbe, et le Verbe, c’est Dieu’(લ મો, સે લ વેર્બ, એ લ વેર્બ, સે દિય, શબ્દ એટલે શબ્દબ્રહ્મ અને શબ્દબ્રહ્મ એટલે બ્રહ્મ, પરમેશ્વર). એમાં જાહેર જીવન, બાહ્ય જગતની કવિતા પણ અંતે અંગત જીવન, આંતરજગતની કવિતા છે. સર્વાનુભવ, પરલક્ષિતાની કવિતા પણ અંતે સ્વાનુભવ, આત્મલક્ષિતાની કવિતા છે. હ્યુગો હવે મનુષ્ય, સમગ્ર મનુષ્યજાતિ, સમસ્ત વિશ્વના echo sonore (એકો સોનોર, મધુર પ્રતિધ્વનિ) છે. હ્યુગોનો મુદ્રાલેખ હતો, Ego Hugo(ઇગો હ્યુગો, અહમ્‌ હ્યુગો). આ છે હ્યુગોનું અહમ્‌વાદી વ્યક્તિત્વ. એથી ઉત્તરાર્ધની કવિતામાં વાગ્મિતા છે. Quand je vous parle de moi, je vous parle de vous. (કાં ઝ વુ પાર્લ દ મ્વા, ઝ વુ પાર્લ દ વુ — જ્યારે હું તમને મારા વિશે કહું છું ત્યારે હું તમને તમારા વિશે જ કહું છું.) એક વાર એક ભયભીત શ્રમજીવીને વૃદ્ધ હ્યુગોએ કહ્યું હતું, ‘N’ayez pas peur. Je ne suis qu’un homme’(નાયે પા પર, ઝ ન સ્વી કં નોમ. — ડરીશ નહિ, હું માત્ર માણસ છું.) આ અહમ્‌વાદી વ્યક્તિત્વ અને વાગ્મિતામાં હ્યુગોની મહત્તા અને મર્યાદાનું રહસ્ય છે. હ્યુગોના આ અહમ્‌વાદી વ્યક્તિત્વને કારણે ઝાં કોક્તોએ એમની રમૂજી શૈલીમાં હ્યુગો વિશે વિધાન કર્યું છે, ‘Hugo etait un fou qui se croyait Hugo’ (હ્યુગો એતે અં ફુ કિ સ ક્રોયે હ્યુગો. — હ્યુગો એક પાગલ મનુષ્ય હતો જે પોતે હ્યુગો છે એમ માનતો હતો.) ઉત્તરાર્ધની આ ચિન્તનોર્મિકવિતામાં દૂરસુદૂરનો ભૂતકાળ અને ભવિષ્યકાળ, કલ્પનાતીતતા, અપાર્થિવતા, અભૌતિકતા, તાત્ત્વિકતા, પ્રતીકાત્મકતા આદિને કારણે એમણે ફ્રેન્ચ ભાષાના શબ્દોના અર્થમાં અસ્પષ્ટતા અને અપારદર્શકતા માટે છેકભૂંસ કરી છે, ફ્રેન્ચ ભાષાને પલોટી-વળોટી છે. હ્યુગોએ ફ્રેન્ચ ભાષાની અભિવ્યક્તિ તથા ફ્રેન્ચ પદ્યની પ્રવાહિતાની, લયવૈવિધ્ય તથા છંદવૈચિત્ર્યની અનંત શક્યતાઓની પ્રતીતિ કરાવી છે. હ્યુગો એટલે ફ્રેન્ચ રંગદર્શિતાવાદના પિતા. શાતોબ્રિઆંમાં આ રંગદર્શિતાવાદનું બીજ છે, લામાર્તિનમાં એનો અંકુર છે. હ્યુગોમાં એ મહાવૃક્ષ રૂપે ફૂલ્યુંફાલ્યું છે. હ્યુગોએ રંગદર્શી ઊર્મિકાવ્યને મહાકાવ્યની ભવ્યતા અને સુન્દરતા અર્પણ કરી છે. ફ્રાંસના યુવાન કવિઓ માટે હ્યુગો એટલે le pere Hugo (લ પેર હ્યુગો, પિતા હ્યુગો). હ્યુગોની સાહિત્યસૃષ્ટિએ ફ્રેન્ચ પ્રજાનું હૃદય જીત્યું છે, એટલું જ નહિ, એની વૈશ્વિક આપીલ છે. ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંતિને કારણે સમગ્ર મનુષ્યજાતિના સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વના સંદર્ભમાં ફ્રાંસ સમગ્ર મનુષ્યજાતિનો અંતરાત્મા છે એવી ફ્રેન્ચ પ્રજાની માન્યતા હતી અને પોતે ફ્રેન્ચ પ્રજાનો અંતરાત્મા છે એવી હ્યુગોની માન્યતા હતી. એથી હ્યુગોની સાહિત્યસૃષ્ટિમાં વૈશ્વિકતા છે. હ્યુગોની સાહિત્યસૃષ્ટિ એ ૧૭૮૯ની રાજકીય ફ્રેન્ચ ક્રાંતિના જેટલી જ મહાન સાહિત્યિક ફ્રેન્ચ ક્રાંતિ છે. એથી હ્યુગો માત્ર ફ્રેન્ચ સાહિત્યમાં જ સર્વશ્રેષ્ઠ સર્જક નથી, પણ જગતસાહિત્યના સર્વશ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન છે. અંગ્રેજ સાહિત્ય અને સમાજમાં જે શેક્સ્પિયરનું સ્થાન છે તે ફ્રેન્ચ સાહિત્ય અને સમાજમાં હ્યુગોનું સ્થાન છે. હ્યુગોની પૂર્વાર્ધની કવિતા પર ધ્યાન કેન્દ્રિત થયું છે પણ એમની ઉત્તરાર્ધની કવિતા પર એટલું ધ્યાન કેન્દ્રિત થયું નથી, ભવિષ્યમાં થશે. એથી જ આધુનિક ફ્રેન્ચ કવિ લીઓ પોલ ફાર્ગે હ્યુગોનું le poete d’avenir (લ પોએત દાવનિર, ભવિષ્યના કવિ — શબ્દના બન્ને અર્થમાં મનુષ્યજાતિનાં ઉજ્જ્વળ ભવિષ્યના દ્રષ્ટાકવિ અને ભવિષ્યના સર્જકો તથા ભાવકોના સ્રષ્ટાકવિ) તરીકે અભિવાદન કર્યું છે.

૧૯૮૮


*