સ્વાધ્યાયલોક—૬/દૃષ્ટિપૂતમ્
રામનારાયણ સાક્ષરપેઢી અને ગાંધીપેઢી વચ્ચે સેતુ જેવા છે, સાક્ષરકવિતા અને ગાંધીકવિતા વચ્ચે કડી જેવા છે. ૧૯૨૦ અને ૧૯૩૦ની વચ્ચેના દાયકામાં – સંધિકાળમાં – એમણે કાવ્યસર્જનનો આરંભ કર્યો. સાક્ષરપેઢીના કવિઓમાં એ શિષ્ય જેવા અને ગાંધીપેઢીના કવિઓમાં એ ગુરુ જેવા હતા. રામનારાયણ કવિ, વાર્તાકાર, નિબંધકાર, નાટકકાર, વિવેચક અને પિંગળકાર છે. આમ, એમની બહુમુખી શક્તિ હતી. એમનાં સૌ લખાણો — સર્જનાત્મક લખાણો સુધ્ધાં – માં એમની વિવેકદૃષ્ટિ – જેનું જ તો બીજું નામ વિવેચકદૃષ્ટિ છે તે – નો ડગલે ને પગલે પરિચય થાય છે. એમનાં લખાણોના સમગ્ર સંગ્રહના પહેલા પાના પર જો કોઈ ધ્યાનમંત્ર આપવાનો હોય તો એમની પસંદગીનો ધ્યાનમંત્ર જ આપવો રહ્યો : દૃષ્ટિપૂતમ્ ન્યસેત્ પાદમ્. જીવનમાં અને સાહિત્યમાં એમણે દૃષ્ટિ — એટલે વિવેકદૃષ્ટિ – પૂર્વક એકેએક પગલું ભર્યું છે. શિવ અને સુન્દરને પગલે પગલે એમણે જીવન અને સાહિત્યની યાત્રા કરી છે અને એમની દૃષ્ટિ સદાય ઠરી છે સત્ય પર. એમનું વ્યક્તિત્વ, એમનું જીવન અને સર્જન એટલું તો સમતોલ છે. કવિતાના વસ્તુવિષયમાં કુશાગ્ર બુદ્ધિ અને કોમળ હૃદય, જીવનની વક્રતા અને વિષમતાની સૂક્ષ્મ સૂઝસમજ, કરુણ અને હાસ્યનું મિશ્રણ, શૈલીસ્વરૂપમાં વર્ણન-કથનની શક્તિ, નાટ્યતત્ત્વ, નર્મમર્મજ્ઞતા, તટસ્થતા, બોલચાલની ભાષા, એના લયલહેકા અને કાકુ (તેઓ એક વિરલ વાર્તાલાપકાર હતા), છંદ અને લયનું પ્રભુત્વ (તેઓ એક મહાન પિંગળકાર હતા), પદ્યનું સ્વચ્છ સાફસૂથરું સુગ્રથન આદિ ‘શેષ’ની કવિતાનો વિશેષ છે. ‘સિન્ધુને આમંત્રણ’ અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’માં એમની સમગ્ર કાવ્યશક્તિનો સંપૂર્ણ પરિચય થાય છે. રામનારાયણનાં નાટકોમાં પણ એમની કવિતાના આ ગુણધર્મોનું દર્શન થાય છે. ગુજરાતમાં પદ્યનાટકને અનુરૂપ-અનુકૂળ પદ્યસ્વરૂપ માટેના, ભાષા, છંદ અને લય માટેના જે અલ્પસંખ્ય પ્રયોગો થયા છે એમાં એમના પ્રયોગો મુખ્ય અને મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતી કવિતાના સહૃદય ભાવકોના હૃદયમાં ‘શેષનાં કાવ્યો’ અને ‘વિશેષ કાવ્યો’નું તથા ગુજરાતી કવિતાના કોઈ પણ સુવર્ણસંચયમાં ‘શેષ’નાં કાવ્યોનું હંમેશનું ગૌરવભર્યું સ્થાન હશે.
૧૯૯૩