સ્વાધ્યાયલોક—૮/નર્મદ સુવર્ણ ચન્દ્રક સ્વીકારતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નર્મદ સુવર્ણ ચન્દ્રક સ્વીકારતાં

આ પ્રસંગે આ ચન્દ્રક જે મહાન પુરુષ અને કવિના પવિત્ર નામથી નવાજ્યો છે એમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીને જે સાહિત્ય સંસ્થાએ મારા કાવ્યસંગ્રહ ‘છંદોલય’ને આ ચન્દ્રક અર્પણ કર્યો છે તે સાહિત્ય સંસ્થા પ્રત્યે અને આ પ્રસંગે અહીં ઉપસ્થિત આપ સૌ કવિતારસિકો પ્રત્યે આભારની લાગણી જો મૌનથી જ વ્યક્ત થતી હોય તો મેં મૌનથી જ સંતોષ માન્યો હોત! પણ મૌનથી ઈશ્વર પણ મૂંઝાયો એટલે તો એણે મૌનનો ભંગ કરીને કાવ્યનું એટલે કે વિશ્વનું સર્જન કર્યું! તો હું તો મનુષ્ય છું. મેં મૌનનો ભંગ તો જ્યારથી કાવ્ય કર્યું ત્યારથી કર્યો છે. કાવ્ય કર્યું એટલે કે મૌનનો ભંગ કર્યો ત્યારે તો આ પ્રસંગ આવ્યો. પણ જે મૌનનો ભંગ કરે છે એને માથે એ ભંગ સાર્થક કરવાની મહાન જવાબદારી આવે છે. એ જવાબદારીનું સતત ભાન રહે એવા આશીર્વાદ લેવા આ પ્રસંગે આપ સૌની સમક્ષ, કવિ નર્મદની અક્ષરમૂર્તિ સમક્ષ અને પરમકૃપાળુ પરમાત્મા સમક્ષ નમ્રતાપૂર્વક અહીં ઊભો છું. આ પ્રસંગે અર્વાચીન ગુજરાતી કવિતામાં નર્મદકવિતાની પરંપરાની વ્યાખ્યા કરી શકાય. પણ એ અધિકાર ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારનો છે, મારો નહિ. આ પ્રસંગે સાહિત્યનાં પારિતોષિકો, કવિતારસિકો અને સાહિત્યની સંસ્થાઓનું સમાજના સ્વાસ્થ્યની અને કાવ્યરુચિના વિકાસની દૃષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય. પણ એ અધિકાર સમાજચિંતકનો અને વિવેચકનો છે, મારો નહિ. આ પ્રસંગે જે કાવ્યસંગ્રહને આ ચન્દ્રકને પાત્ર ગણ્યો છે એની સ્તુતિ કરી શકાય. આનંદ અનુભવીને તો કવિ કાવ્યનું સર્જન કરતો હોય છે અને કાવ્યનું સર્જન કરીને વળી આનંદ અનુભવતો હોય છે. અને કવિ જ્યારે એ કાવ્યનું સહૃદયો સમક્ષ પ્રકાશન કરતો હોય છે ત્યારે એ આનંદનો સહાનુભવ કરવાની જ એને લાલચ હોય છે. એટલે એ કાવ્યસંગ્રહની આપ સૌની જેમ સ્તુતિ કરવામાં મને સહેજ પણ સંકોચ નથી. પણ એમ કરું તો તો નર્યું પુનરાવર્તન થાય. એ અધિકાર તો આપે એ કાવ્યસંગ્રહને આ ચન્દ્રક અર્પણ કરીને અને આ પ્રસંગે અહીં ઉપસ્થિત રહીને ભોગવ્યો જ છે. એટલે એ ચેષ્ટા કરીને હું આપ સૌમાં ઈર્ષા નહિ પ્રેરું. તો એ કાવ્યસંગ્રહની નિંદા કરીને આપ સૌમાં નિરાશા પણ નહિ પ્રેરું. અલબત્ત, એ કાવ્યસંગ્રહમાંનાં કાવ્યોનું સર્જન કરતાં પહેલાં, કરતાં-કરતાં અને કર્યા પછી મેં શી શી મુશ્કેલીઓ અને મૂંઝવણો અનુભવી હતી અને એ મુશ્કેલીઓ અને મૂંઝવણો મેં કેવી રીતે પાર પાડી અથવા તો હું કેવી રીતે પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યો એ વિશે એકરાર કરી શકાય. વળી એ મારી મુશ્કેલીઓ અને મૂંઝવણો તથા એ કાવ્યોનું વાચન કરતાં પહેલાં, કરતાં-કરતાં અને કર્યા પછી તમે અનુભવી હોય તે મુશ્કેલીઓ અને મૂંઝવણો એકસરખી ન પણ હોય! તેથી એ એકરાર વધુ રસિક નીવડવા સંભવ. કાનમાં કહું કે કવિ જ્યારે કવિતા પર અને તેમાંય તે પોતાની કવિતા પર અને તેમાંય તે વળી ગદ્યમાં કંઈ કહે ત્યારે બહુ ધ્યાન નહિ ધરવું. કારણ કે ત્યારે એ પોતે જે પ્રકારની કવિતા કરે છે અથવા ભવિષ્યમાં કરવાનો છે એને પુરસ્કારવાનો અને અન્ય પ્રકારની કવિતાને તિરસ્કારવાનો. એ પૂર્વગ્રહથી અનિવાર્યપણે પીડાતો હોય છે. વળી કવિ કાવ્ય સિદ્ધ કરે પછી પણ એ કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે સંપૂર્ણ સંતોષકારક અને સર્વસ્વીકાર્ય ઉત્તર કે ઉકેલ આપી શકતો નથી, અધકચરો અને આછોઅછડતો જ ખ્યાલ કે ખુલાસો આપી શકે છે. જોરશોરથી કહું કે બિનકવિઓ એટલે કે તત્ત્વચિંતકો, વિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ, સમાજવિજ્ઞાનીઓ, ભાષાવિજ્ઞાનીઓ જ્યારે કવિતા પર કંઈ કહે ત્યારે તો બિલકુલ ધ્યાન ન ધરવું. કારણ કે તેઓ કવિતાનો સાધન તરીકે ઉપયોગ કરે છે, સાધ્ય તરીકે નહિ. ને એ તો આપને સૌને કહેવાનું જ ન હોય કે વિવેચકો જ્યારે કવિતા પર કંઈ કહે ત્યારે તો અંતર્ધ્યાન જ થવું! કારણ કે તેઓ કવિતાનું ‘પોસ્ટમોર્ટમ’ કરે છે. કવિતાની સર્જનપ્રક્રિયા વિશેના કવિઓના એકરારો અને કાવ્ય વિશેનાં વિવેચકોનાં અર્થદર્શન, ભાવદર્શન, રસદર્શન વગેરે દર્શનોનો, પૃથક્કરણોનો હું ઓછો આશક નથી. એમનો મહિમા હું સમજું છું, એમનું મહત્ત્વ હું સ્વીકારું છું. પણ આ પ્રસંગે અહીં એમની મર્યાદાનું સ્મરણ કરવા-કરાવવા માગું છું. એક વાર કાવ્ય સિદ્ધ થયા પછી કવિ એ કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે એકરાર કરે છે. ત્યાં લગી તો એ કાવ્ય સિદ્ધ થવા વિશે, પોતાના કવિ હોવાપણા વિશે શંકાની સ્થિતિમાં હોય છે. કવિ કાવ્યની અંતિમ પંક્તિ કે એનો અંતિમ શબ્દ યોજે છે તે ક્ષણ અથવા તો ક્ષણાર્ધ લગી જ કવિ હોય છે. અને એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી એ કવિ મટી જાય છે, ક્યારેક હંમેશને માટે કવિ મટી જાય છે. કાવ્ય સિદ્ધ થાય ત્યાર પછી અમુક શબ્દ, પ્રતીક, અલંકાર, લય, છંદ, ભાવ, વિચાર એણે એ કાવ્યમાં કેમ યોજ્યાં, એને એ કેમ સૂઝ્યાં એ વિશે એ એકરારો કરે છે; એ જ યોજ્યાં અને એ જ સૂઝ્યાં, અન્ય કેમ ન યોજ્યાં. અન્ય કેમ ન સૂઝ્યાં એમ એમની અનિવાર્યતા વિશે એકરારો કરે છે. અને વિવેચક એ વિશે પૃથક્કરણ કરે છે. કવિ અને વિવેચક આ એકરાર અને પૃથક્કરણ એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી જ કરે છે, પછી જ કરી શકે. કાવ્ય સિદ્ધ થાય ત્યાં લગી તો એ કાવ્યના સિદ્ધ થવા વિશે જ્યાં સ્વાવલંબી કવિ સ્વયં શંકાની સ્થિતિમાં હોય ત્યાં પરાવલંબી વિવેચક શ્રદ્ધાપૂર્વક શું કહી શકે? કાવ્ય વિશે કવિ કે વિવેચક આગાહી ન ઉચ્ચારી શકે, ભવિષ્યવાણી ન ભાખી શકે. કવિતાની કુંડળી નથી હોતી. એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી એ કાવ્ય વિશેનાં આ એકરાર અને પૃથક્કરણમાં એ કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે સંપૂર્ણ સંતોષકારક અને સર્વસ્વીકાર્ય ઉત્તર કે ઉકેલ હોતો નથી. એમાં અધકચરો અને આછોઅછડતો ખ્યાલ કે ખુલાસો હોય છે. જો એમ ન હોત તો-તો ‘કાવ્ય સિદ્ધ કરવાની એકસો ને એક રીત’ એ નામનું પાઠ્યપુસ્તક સુલભ હોત! તો તો કવિ અને વિવેચક કાવ્યની કારિકા-ફૉર્મ્યુલા-આપી શકત. કાવ્યના કાર્યક્રમો અને કારખાનાં હોત! કાવ્યની પંચવર્ષીય યોજનાઓ હોત! તો તો કવિ અને વિવેચક કહી શકત કે અમુક-અમુક શબ્દ, પ્રતીક, અલંકાર, લય, છંદ, ભાવ, વિચાર યોજો એટલે ‘સાગર અને શશી’ કે ‘કુબ્લાખાન’, ‘મેઘદૂત’, કે ‘ધ ડિવાઇન કૉમેડી’ સિદ્ધ થશે. તો-તો કાવ્ય સરલ અને સુલભ હોત, પણ કાવ્ય દોહ્યલું ને દુર્લભ છે. એમ કેમ? કારણ કે સમગ્ર કાવ્ય કાવ્યનાં સૌ તત્ત્વોના સરવાળાથી કંઈક વિશેષ છે. કાવ્ય સમગ્રનો અર્થ કાવ્યનાં સૌ તત્ત્વોના અર્થોના સરવાળાથી કંઈક વિશેષ છે. આ ‘કંઈક વિશેષ’ કાવ્યનાં સૌ તત્ત્વો — શબ્દ, પ્રતીક, અલંકાર, લય, છંદ, ભાવ, વિચાર — દ્વારા જ સિદ્ધ થાય છે છતાં એ આ તત્ત્વોથી પર છે. આ તત્ત્વો વિના, અલબત્ત, કાવ્ય સિદ્ધ ન થાય; તો માત્ર આ તત્ત્વોથી જ કાવ્ય સિદ્ધ ન થાય, કારણ કે સમગ્ર કાવ્યમાં કાવ્યનાં સૌ તત્ત્વોથી ‘કંઈક વિશેષ’ હોય છે. આ ‘કંઈક વિશેષ’ શું છે? આ સૌ તત્ત્વો વચ્ચે આંતરિક અને અનિવાર્ય, સહજ, સ્વાભાવિક અને સરલ સંબંધ. એથી જ સમગ્ર કાવ્યમાં કાવ્યનાં સૌ તત્ત્વોથી કંઈક વિશેષ હોય છે. આ ‘કંઈક વિશેષ’ શું છે? જાદુ. આ ‘કંઈક વિશેષ’ એ જ કાવ્યનું આશ્ચર્ય છે, કાવ્યનું રહસ્ય છે, કાવ્યનો ચમત્કાર છે, જાદુ છે. કાવ્યનાં સૌ તત્ત્વો પરંપરાગત છે, પરિચિત છે છતાં એમનો સરવાળો એટલે કે સમગ્ર કાવ્ય મૌલિક છે, અપરિચિત છે. કાવ્યનાં આ સૌ તત્ત્વોનું બંધન સ્વીકારીને એ બંધન દ્વારા જ, કાવ્યનાં આ સૌ તત્ત્વોના સરવાળા દ્વારા એટલે કે સમગ્ર કાવ્ય દ્વારા આ બંધનને કવિ અતિક્રમે છે. અને પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. એથી જ કાવ્યનાં સૌ તત્ત્વો અનુકરણીય છે પણ સમગ્ર કાવ્ય અનનુકરણીય છે, અદ્વિતીય છે. એથી જ કાવ્યના ગદ્યરૂપાંતરમાં, કાવ્ય વિશેનાં વિવેચકના પૃથક્કરણમાં કે કવિના એકરારમાં કાવ્ય સમગ્રના અર્થનો સમાસ થતો નથી. કાવ્યમાં જ્યારે શબ્દ યોજાય છે ત્યારે તે શબ્દ એનો શબ્દકોશ પ્રમાણેનો અર્થ ગુમાવતો તો નથી પણ કાવ્યમાંના અન્ય સૌ શબ્દોના સંદર્ભમાં, સંબંધમાં નવો અર્થ પામે છે. કાવ્યમાં શબ્દનો પુનર્જન્મ થાય છે. વિવેચક જ્યારે કાવ્યનું પૃથક્કરણ કરે છે ત્યારે શબ્દને સમગ્ર કાવ્યથી અલગ પાડે છે. શબ્દ કાવ્યની અંદર હોય છે ત્યારે એનો જેવો અને જેટલો અર્થ થાય છે તેવો અને તેટલો એનો અર્થ એ શબ્દ જ્યારે કાવ્યની બહાર હોય ત્યારે થતો નથી. એથી શબ્દનું મૃત્યુ થાય છે. શબ્દનો આ સંદર્ભ, આ સંબંધ એટલે જ સમગ્રતા, સંવાદ, સૌંદર્ય. એમાં જ કાવ્યનું રહસ્ય છે, કાવ્યનો જાદુ છે, જેનો કાવ્ય વિશેના કવિના એકરારોમાં કે વિવેચકોના પૃથક્કરણમાં સમાસ થતો નથી. જાદુનો ભેદ જો જાણી શકાય તો જાદુ જાદુ રહે? રહસ્યનો પાર જો પામી શકાય તો રહસ્ય રહસ્ય રહે? આ રહસ્યનું, આ જાદુનું અસ્તિત્વ તો સ્વયં કાવ્યમાં જ હોય છે. કાવ્ય એટલે શું? એ વિશે શક્ય એટલું બધું જ કહ્યા-કારવ્યા પછી અંતે તો કવિએ એ પ્રશ્નના ઉત્તરમાં સ્વયં કાવ્ય જ ધરવું રહ્યું! કાવ્યનો અર્થ શો? એ વિશે શક્ય એટલું બધું જ કહ્યા-કારવ્યા પછી અંતે તો વિવેચકે એ પ્રશ્નના ઉત્તરમાં સ્વયં કાવ્ય જ ધરવું રહ્યું! તો આ પ્રશ્નોનો ઉત્તર શો? કાવ્ય સ્વયં. આ તે શો ઉત્તર છે? ઉત્તર એ જ કે ઉત્તર નથી. કાવ્ય એટલે શું? સસલાનાં શીંગડાં ને ચન્દ્રનો વાંસો! કાવ્યનો અર્થ શો? કાવ્ય. ઉપમા દ્વારા કહેવું હોય તો કાવ્ય કોઈ પણ સજીવ તંત્ર — living organism — જેવું છે. એક વાર બાળક જન્મે પછી એ બાળકના દેહનાં રાસાયણિક તત્ત્વોનું પૃથક્કરણ કરી શકાય, પણ પછી એ પૃથક્કરણ કર્યા પછી એ રાસાયણિક તત્ત્વોમાંથી પ્રયોગશાળામાં કાચની નળીમાં બાળક સર્જી શકાતું નથી. એનું સર્જન તો માતાના ગર્ભમાં જ થાય છે. એ બાળકનું રહસ્ય, એનો જાદુ એ પૃથક્કરણમાં નથી, માતાના ગર્ભમાં છે. તેવું જ કાવ્યનું. કાવ્યનું રહસ્ય, કાવ્યનો જાદુ તો કાવ્યમાં જ છે. એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી એ કાવ્યનાં સૌ તત્ત્વોનું પૃથક્કરણ કરી શકાય. પણ પછી એ તત્ત્વોનું પૃથક્કરણ કર્યા પછી અમુક-તમુક તત્ત્વોથી કાવ્ય સિદ્ધ થશે એવું કવિ કે વિવેચક કહી શકે નહિ. જનનનું વિજ્ઞાન હોવા છતાં જીવન શું એ જેમ રહસ્ય જ રહ્યું છે તેમ વિવેચનનું વિજ્ઞાન હોવા છતાં કાવ્ય શું એ તો રહસ્ય જ રહ્યું છે. જવલ્લે જ કહેવાની જરૂર હોય કે અહીં રહસ્યવાદ કે દુર્બોધતા અભિપ્રેત નથી પણ કવિતામાં જે રહસ્ય અનિવાર્ય છે તે રહસ્ય જ અભિપ્રેત છે. આથી જ કાવ્ય એ કોઈ તર્ક કે તરકીબ, કોઈ કસબ કે કારીગરી, કોઈ કૌશલ્ય કે કરામતનું પરિણામ નથી પણ કવિની કલ્પનાનો કીમિયો છે. કવિની પ્રતિભાની સરજત છે. અને પ્રતિભાનું રહસ્ય તો એકમાત્ર પરમાત્મા જ જાણે છે. આથી જ કવિ જ્યારે સૌથી ઓછો સભાન હોય છે ત્યારે જ આ રહસ્યરૂપી સૌંદર્ય સૌથી વધુ સિદ્ધ કરે છે. એ બેધ્યાન ને બેભાન હોય છે ત્યારે જ સૌંદર્ય છાપો મારે છે. વણકલ્પ્યું ને વણચિંતવ્યું એકાદ શબ્દમાં કે પંક્તિમાં એકાએક અચાનક આવી પડે છે, આવી ચડે છે. એવા શબ્દને કે એવી પંક્તિને ફ્રૅન્ચમાં donne કહે છે, અંગ્રેજીમાં given, ગુજરાતીમાં દત્ત. કાવ્યમાં સૌંદર્ય આમંત્રિત નથી, સ્વ-આમંત્રિત છે. જીવનમાં જેમ પ્રેમ પરાણે ન થાય, એ તો પ્રગટે — જીવનભર ઝંખો ઝૂરો તોયે ન થાય ને થવાનો હોય તો ક્ષણાર્ધમાં થાય, જાણો તે પહેલાં થઈ ચૂક્યો હોય — તેમ કાવ્યમાં સૌંદર્ય પરાણે સિદ્ધ ન થાય, એ તો પ્રગટે. કાવ્યમાં સૌંદર્ય સિદ્ધ થાય પછી સમજાય કે આ કાવ્યમાં સૌંદર્ય સિદ્ધ થયું. કાવ્યમાં એનું અસ્તિત્વ અનુભવી શકાય. એની હાજરી વરતાય, પૃથક્કરણ દ્વારા એનો પાર ન પામી શકાય. જેમ જીવનમાં પ્રેમ અનુભવી શકાય, એના વિશે કોઈને કંઈ કહી શકાય નહિ. એનું નામ પાડી શકાય નહિ, પ્રિયજનની આંખમાંથી ઊડતી તેજકણિકા રૂપે અનુભવી શકાય. જીવનમાં જેમ પ્રેમ, પ્રેમનો જાદુ તેમ કાવ્યમાં સૌંદર્ય, સૌંદર્યનો જાદુ પ્રગટે તો પલકમાં પ્રગટે; નહિ તો ન પણ પ્રગટે, અનંતકાળમાં પણ ન પ્રગટે. મનુષ્યે જીવનમાં જેમ પ્રેમ માટે તેમ કવિએ કાવ્યમાં સૌંદર્ય માટે પ્રતીક્ષા કરવી રહી! કવિ મનુષ્ય તરીકે પ્રેમ દ્વારા પોતાના અહમ્માંથી, વ્યક્તિત્વના વળગાડમાંથી છૂટે છે, મુક્તિ મેળવે છે અને જીવન સમગ્રની સાથે, વિશ્વ સમસ્તની સાથે તાદાત્મ્ય અનુભવે છે. અને સમજ દ્વારા સંઘર્ષોની વચ્ચે સંવાદિતા, દ્વૈતની વચ્ચે અદ્વૈત, વૈધર્મ્યમાં સાધર્મ્ય જોવાની શક્તિ કેળવે છે, તાટસ્થ અનુભવે છે, મોક્ષ મેળવે છે. પણ આ તો કવિ થવા માટેની મનુષ્ય તરીકેની એની કેવળ સજ્જતા, પૂર્વતૈયારી માત્ર. આ તો કવિનો ધર્મ. પણ કવિનું કર્મ તો કાવ્ય સિદ્ધ કરવાનું છે. એટલે કે મનુષ્ય તરીકે પ્રેમ અને સમજ દ્વારા એણે જે મુક્તિ અને મોક્ષ મેળવ્યાં એનું કાવ્યના ઉપાદાન દ્વારા એટલે કે વાણી દ્વારા, શબ્દ દ્વારા કાવ્ય સિદ્ધ કરવાનું છે. મનુષ્ય તરીકેના એના જીવનના આ અનુભવને કવિ તરીકેના કાવ્યાનુભવ રૂપે સિદ્ધ કરવાનું છે. એટલે કે પ્રેમને સૌંદર્ય રૂપે સિદ્ધ કરવાનું છે. એથી એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી કવિને કંઈ કરવાનું રહેતું નથી. કાવ્ય પોતે જ એક મહાન આધ્યાત્મિક મૂલ્ય છે. વિશ્વ સમસ્તના, જીવન સમગ્રના અર્થમાં પરિવર્તન કરે એવી ક્રાંતિ છે. એથી એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી કવિને કંઈ કરવાનું રહેતું નથી. પણ કાવ્ય સિદ્ધ થાય એ માટે કવિએ અખૂટ ધીરતા અને સ્થિરતાપૂર્વક પ્રતીક્ષા કરવાની છે. અને એક વાર કાવ્ય સિદ્ધ થાય પછી એનું કૃતજ્ઞતાપૂર્વક સ્વાગત કરવાનું છે. આ પ્રસંગે ગુજરાતી ભાષામાં સતત કાવ્ય સિદ્ધ થતું રહો અને એનું સદાય સ્વાગત થતું રહો એવી શુભેચ્છા વ્યક્ત કરીને વિરમું છું.

(નર્મદ સાહિત્ય સભા, સુરતના ઉપક્રમે નર્મદ સુવર્ણ ચન્દ્રક અર્પણવિધિ પ્રસંગે વક્તવ્ય. ૧૧, ફેબ્રુઆરી ૧૯૬૧.)

*