હરીશ મીનાશ્રુની કવિતા/ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો

ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો
ન’તા પંડિત ન’તા પંડા અહાહાહા અહોહોહો

તમસપુંજો ઘુમરતાં ગર્ભનાં નભમાં નિરાલંબે
ન’તા આશય ન’તા અંડા અહાહાહા અહોહોહો

હતો એક જ પુરુષ કે જેનો પડછાયો ન’તો પડતો
રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો

મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા
ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો

વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા
ભભૂક્યાં કૈંક બ્રહ્મંડા અહાહાહા અહોહોહો

અલલપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા
અહો બારીક એ બંદા અહાહાહા અહોહોહો

અવળવાણીય સમજત પણ ઇશારતમાં તે શું સમજું
હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો

અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા
ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો

જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન
પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો

તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે
ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો

પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં
પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો

શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે – એ સત્ય પર વસવા
વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો

ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજૂર મહારાજને – જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ : અહાહાહા અહોહોહો અલલપંખી : કવિકલ્પનાનું એક પંખી જે આકાશમાં એવી ઊંચાઈએ ઈંડું મૂકે છે કે ધરતીનો ઈંડાંનો સ્પર્શ થતાં પહેલાં જ બચ્ચું ઈંડુ ફોડીને પાછું આકાશમાં ઊડી જાય છે. સંતસાહિત્યમાં આ પ્રતીક જોવા મળે છે.