હાલરડાં/દેવનાં દીધેલાં
[માતા ગાય છે કે હે બેટા! તું તો દેવની દીધેલ દોલત છે. તું તો મારા ઘરનું સુગંધી ફૂલ છે. તું તો મારું સાચું નાણું છે. તારા માટે તો શિવ-પાર્વતીજીને પ્રસન્ન કર્યા અને હનુમાનજીને પણ તેલ ચડાવ્યાં. એવો તું તો મહામૂલો છે. તું ઘણું જીવજે..] તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઈને રો! માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ; મા'દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ!
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યાં ત્યારે અમર થઈને રો’! માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે૦ હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે૦
પછી ગમે તે નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે:
ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ; પાનસોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે૦
ભાવનગર ને વરતેજ વચ્ચે રેo બાળુડાની ફૈ; બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ.. – તમે૦