હિમાંશી શેલતની વાર્તાઓ/હિમાંશી શેલત વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હિમાંશી શેલત વિશે

નામ : હિમાંશી ઇન્દુભાઈ શેલત માતાનું નામ : સુધાબહેન શેલત જન્મતારીખ : ૮-૧-૧૯૪૭ જન્મસ્થળ : સુરત

૮ જાન્યુઆરી, ૧૯૪૭માં સુરત મુકામે અભિજાત પરિવારમાં જન્મેલાં હિમાંશી શેલતે સુરતની પ્રતિષ્ઠિત જીવનભારતી શાળામાં પ્રાથમિક શિક્ષણથી લઈને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. માત્ર દોરીલોટો લઈ ઉમરેઠથી સુરત આવનાર દાદા કાલિદાસ શેલતે એકલે હાથે ‘પ્રતાપ’ નામનું છાપું કાઢ્યું અને ચલાવ્યું પણ ખરું. આ બહુશ્રુત દાદાની હામ અને વાચન બેઉનો હિમાંશી શેલતના વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મોટો ફાળો. વાચન રુચિ તથા સંગીત પ્રત્યેની રુચિમાં મા સુધાબહેનનો પણ મોટો ફાળો. જાણીતા ચિત્રકાર વાસુદેવ સ્માર્તના પ્રીતિપાત્ર શિષ્યા બનવાને કારણે ચિત્રકળા પ્રત્યે ખાસ અભિરુચિ જાગી. ઘર તથા શાળાના સાંસ્કૃતિક વાતાવરણે નાનપણથી જ એમને સાહિત્ય, સંગીત અને ચિત્રકળામાં વિશેષ રસ લેતાં કર્યાં. સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એમ. ટી. બી. આટ્‌ર્સ કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ. તથા એમ.એ. કરનાર હિમાંશી શેલતે માતૃભાષા પ્રત્યેના લગાવને કારણે ગૌણ વિષય તરીકે ગુજરાતી રાખેલું. એમ.એ. થયા પછી તરત જ ૧૯૬૮માં પોતાની જ કૉલેજમાં તેઓ અધ્યાપિકા તરીકે જોડાયાં. ૧૯૮૦માં ડૉ. એચ. સી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એમણે ‘Theme and Technique in the Novels of V. S. Naipaul’ વિષય પર સંશોધન કરી Ph.D.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૮થી ૧૯૯૪ જેટલા લાંબાગાળા સુધી પોતાની માતૃસંસ્થામાં અંગ્રેજી વિષયના વ્યાખ્યાતા તરીકે કામ કરનાર હિમાંશીબહેન વિદ્યાર્થીઓમાં અતિપ્રિય હોવા છતાં શિક્ષણના કથળતા જતા સ્તરથી, વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સાહિત્યપ્રીતિ તથા નિસ્બતના અભાવથી કંટાળીને ૧૯૯૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પોતાનાં ગમતાં ક્ષેત્રોમાં મન પરોવે છે. પ્લૅટર્ફોર્મ પર રખડતાં બાળકો, ઝૂંપડપટ્ટીનાં બાળકો, રિમાન્ડ હોમ તથા અનાથાશ્રમનાં બાળકો સાથે કામ કરતાં હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારાંગનાઓ સાથે પણ કામ કર્યું છે. એમનું આ વિશિષ્ટ અનુભવજગત એમની ઘણીબધી વાર્તાઓની કાચી સામગ્રી બનેલ છે. ખિસકોલી, બિલાડી, કૂતરા જેવાં પ્રાણીઓ જાણે એમના જીવનનો એક હિસ્સો હોય એમ એમની આસપાસ વળગેલાં હોય. એમણે પોતે પાળેલાં પ્રાણીઓની વાત ‘વિક્ટર’ નામના પુસ્તકમાં આલેખી છે. પશુપ્રેમી ન હોય એવા વાચકોને પણ ‘વિક્ટર’ ચોક્કસ જ સ્પર્શી જાય. અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિસંવાદોમાં ભાગ લઈ પેપર રજૂ કરનાર હિમાંશી શેલતે સફળતાપૂર્વક પરિસંવાદોનું આયોજન પણ કર્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીની ‘ટ્રાવેલ ગ્રાન્ટ્‌સ ટુ ઓથર’ યોજના અંતર્ગત હિમાંશીબહેને ૧૯૯૪માં કોલકાતા અને શાંતિનિકેતનની મુલાકાત લીધી હતી. ૧૯૮૦ પછીના અતિ મહત્ત્વના, નીવડેલા વાર્તાકાર હિમાંશી શેલતના એક કરતાં વધુ વાર્તાસંગ્રહો ગુજરાતની લગભગ દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પસંદ થઈ ચૂકેલ છે. ટોળાં વચ્ચે પોતાનો અવાજ કોઈ નહીં સાંભળે એની ખાતરી હોવા છતાં હિમાંશીબહેન કોમી તનાવ, રાજકીય દબાણો, સમાજની અન્ય સળગતી સમસ્યાઓ વિશે સતત લખતાં જ રહ્યાં છે. મોટા ભાગે ટોળાંથી દૂર ભાગનાર હિમાંશીબહેન બને ત્યાં સુધી ખૂણે બેસી, કોઈ જાતના ઢોલ વગાડ્યા વગર, પોતીકી નિસ્બતથી કામ કરનારાં સાલસ વ્યક્તિ છે. કંઈ નવું નહીં આપી શકાય એવું લાગે ત્યારે થોડા સમય માટે વાર્તાલેખન થંભાવી દેતાં અચકાતાં નથી. લખવા ખાતર લખવું એમનો સ્વભાવ નથી. ચાલતી કલમે પુષ્કળ સર્જવું એ પણ એમનો સ્વભાવ નથી. હિમાંશી શેલતના સર્જનમાં આપણને કલાત્મકતા અને પ્રતિબદ્ધતાનું વિરલ કહી શકાય તેવું સંયોજન જોવા મળે છે. જે જીવનમૂલ્યોની, જે સમસ્યાઓની એ વારેવારે વાત કરે છે એને કળારૂપ આપવાની પ્રમાણિક મથામણ કરતાં જ રહે છે. આ મથામણના ફળરૂપે ગુજરાતી ભાવક ન્યાલ થઈ જાય એટલી સરસ કલાત્મક વાર્તાઓ મળી છે એમની પાસેથી. એમની સર્જકતા પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સતત પોંખાતી રહી છે. એમને મળેલા થોડાક મહત્ત્વના પુરસ્કારો નીચે પ્રમાણે છે. ૧. ‘અન્તરાલ’ને લેખકની પ્રથમ સર્જનાત્મક કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ. ૨. ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ને ધૂમકેતુ પુરસ્કાર, સરોજ પાઠક પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૩. ‘એ લોકો’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૪. ‘પ્લૅટફૉર્મ નંબર ચાર’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર ઉપરાંત કર્ણાટકનો નંજનગુડુ થીરૂમલમ્બા શાશ્વતી એવોર્ડ (Nanjan Gudu Thirumlamba) ૫. અમૃતા શેરગિલના જીવન પર આધારિત નવલકથા ‘આઠમો રંગ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર, ‘સાંજનો સમય’ તથા ‘ગણપતની નોંધપોથી’ને પણ ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર જાહેર થયેલા, પણ ૨૦૦૧ પછી કોઈ પણ પ્રકારનાં પારિતોષિક નહીં સ્વીકારવાની જાહેરાત કરીને હિમાંશી શેલતે નવોદિત સર્જકો માટે તક ઊભી કરવાનો નવો ચીલો પાડ્યો છે. ૬. ‘સાંજનો સમય’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૭. જયંત ખત્રી-બકુલેશ પુરસ્કાર વીનેશ અંતાણી સાથે સરખે ભાગે અને વિદ્યાનગરથી ઉમાશંકર જોશી પુરસ્કાર.