હીરાલાલ રસિકલાલ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કાપડિયા હીરાલાલ રસિકલાલ, ‘નવકોણ’, ‘નિર્વર્ગ્ય', ‘શ્રમણ’ (૨૮-૭-૧૮૯૪,–) : સંપાદક. જન્મ વતન સુરતમાં. પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ઉચ્ચશિક્ષણ મુંબઈમાં. ૧૯૧૮માં એમ.એ. થઈ વિલ્સન કૉલેજમાં ગણિતના અધ્યાપક. ૧૯૩૧-૩૩ દરમિયાન પૂનાની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જૈન હસ્તપ્રતોની યાદી તૈયાર કરી. એમના પ્રિય વિષયો હતા ગણિત, તત્ત્વજ્ઞાન અને પુરાતત્ત્વસંશોધન. એમના પર જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિનો ગાઢ પ્રભાવ હતો. ૧૯૨૫ થી લેખનવાચનને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલો. ત્રણ ભાગમાં વહેંચાયેલો એમનો ‘શ્રીહરિભદ્રસૂરિ’ (૧૯૬૩) એ લગભગ ૧૨મી સદી પહેલાં થયેલા જૈનમુનિના જીવનકવનની શ્રદ્ધેય માહિતી આપતો મૂલ્યવાન ગ્રંથ છે, તો મધ્યકાળમાં થયેલા વિનયવિજયજી ગણિવરના જીવનકવનની માહિતી એમના ‘વિનયસૌરભ'માં સંગ્રહિત થઈ છે. ‘જ્ઞાનપુત્ર શ્રમણ ભગવાન મહાવીર’ એમણે ભિન્ન ભિન્ન સમયે લખેલા લેખો તથા આપેલાં ભાષણોનો સંગ્રહ છે અને એમાં જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાનો બહોળો ઉપયોગ થયેલો છે. એમનું પુસ્તક ‘પતંગપુરાણ અથવા કનકવાની કથની’ એ હુન્નરઉદ્યોગ તથા રમતના ઇતિહાસ રૂપે વિગતવાર માહિતી આપે છે. ‘હરિયાળી-સંચય’ એ આગમોના અધ્યયનનો એમણે આપેલો પદ્યાત્મક અનુવાદ છે. આ ઉપરાંત સંખ્યાબંધ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં સંપાદન પણ એમણે કર્યાં છે.