‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ભલું થજો ડૉક્ટર પારૂલ દેસાઈનું : માય ડિયર જયુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨
માય ડિયર જયુ

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૧, ‘અધીત : પ્રમુખીય પ્રવચનો :૩’ની સમીક્ષા, પારુલ કંદર્પ દેસાઈ]

ભલું થજો ડૉ. પારુલ દેસાઈનું!

‘પ્રત્યક્ષ’ (એપ્રિલ જૂન ૨૦૧૧)માં ડૉ. પારુલ કંદર્પ દેસાઈએ ‘અધીત : પ્રમુખીય પ્રવચનો : ૩’ વિશે અવલોકન કર્યું છે. તેમાં પૃ. ૪૪ પર નોંધ્યું છે : ‘અથ ગદ્યજિજ્ઞાસા’માં માય ડિયર જયુએ કેટલાક સંકેતો મૂકી આપ્યા છે. તેમનાં ગદ્ય વિશેનાં નિરીક્ષણોમાં તાજગી છે પણ એ અભ્યાસલેખ બનતો નથી.’ સો ટકા સાચ્ચું. એ અભ્યાસલેખ હતો જ નહિ. એ મારું ‘પ્રમુખીય પ્રવચન’ પણ હતું જ નહીં! ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ ઈ.સ. ૨૦૦૩, મારા પ્રમુખીય વક્તવ્યનો વિષય હતો ‘કથાસર્જનમાં કથન અને ગદ્ય.’ એની ઘણી ઝેરોક્ષ નકલો તે બેઠકમાં વહેંચાયેલી. હવે બીજી વાત. ‘ગદ્ય’ મારા રસનો વિષય હોવાથી આ કાર્યકાળમાં ‘ગુજરાતીમાં ગદ્ય’ નામે અધ્યાપક સજ્જતા શિબિર અનુસ્નાતક કેન્દ્ર, સ.પ. યુનિવર્સિટી, વ. વિદ્યાનગર યોજવામાં આવી. પ્રમુખ તરીકે હરખપદુડા થઈને ગદ્ય વિશે આપણી કેવી કેવી અપેક્ષા હોવી જોઈએ એ જણાવવા આ ‘અથ ગદ્યજિજ્ઞાસા’ની ઝેરોક્ષ નકલો અધ્યાપકોમાં વહેંચી હતી. પછી? વર્ષાન્તે ‘અધીત પચ્ચીસ છવ્વીશ’ (ઈ.સ. ૨૦૦૪) છપાઈને આવ્યું ત્યારે જોયું તો બે ય લખાણો ઊલટાસૂલટી!! પછી તો સંબંધિતો પાસે પ્રસંગોપાત્‌ કાગારોળ મચાવેલી, પણ કોણ સાંભળે! અને, હવે ય કોણ સાંભળશે?

ભાવનગર

તા. ૩-૯-૨૦૧૧

– માય ડિયર જયુ

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃ. ૫૬]