‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સવાર લઈને-ની સમીક્ષા વિશે : હેમંત ધોરડા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭ ક
હેમંત ધોરડા

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે. ૨૦૧૩, ‘સવાર લઈને’ની સમીક્ષા, ચન્દ્રકાન્ત ટોપીવાળા]

૧ સંપાદકશ્રી, ‘પ્રત્યક્ષ’ના, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં શ્રી અનિલ ચાવડાના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ વિશેના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાના લેખસંદર્ભે આ પત્ર પાઠવું છું. શ્રી ટોપીવાળાનાં વિધાન અવતરણચિહ્નમાં મૂક્યાં છે. (૧) ‘સંપાદકોના મોટા ચાળણામાંથી સામયિકોમાં વેરાતી ગઝલો અને છાશવારે ફૂટી નીકળતાં ગઝલનાં ગ્રંથ-પ્રકાશનોએ ગુજરાતી સાહિત્યમાં એવી ઊબ પેદા કરી છે કે એક સામયિકને જાહેર કરવું પડ્યું છે કે ‘ગઝલ પાઠવશો નહીં’. સંપાદકોના મોટા ચાળણામાંથી શું માત્ર ગઝલો વેરાય છે? છાશવારે શું માત્ર ગઝલનાં જ ગ્રંથ-પ્રકાશનો ફૂટી નીકળે છે? અર્થશાસ્ત્રમાં, મૂડીવાદની સામે, સર્વવર્ગીય વિકાસની વાત છે. સાહિત્યમાં પણ, તેમ, સર્વવર્ગીય અવકાશ હોવો રહ્યો. સર્વવર્ગીય અવકાશ અંગે નકાર વિશિષ્ટવર્ગીય ચોકો છે. ધર્માંધતા, તેમ કાવ્યાંધતા. કાવ્યક્ષેત્રે વિશિષ્ટવર્ગીય ચોકો કાવ્યાંધતા છે. દાયકાઓથી, ગુજરાતી સાહિત્યમાં, સર્વાધિક ખેડાતો કાવ્યપ્રકાર ગઝલ છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલ અંગે ઊબ છે તે વિશિષ્ટવર્ગીય ઊબ છે. રુચિભેદ હોઈ શકે, વર્ગભેદ સ્વીકાર્ય નથી. (૨) ‘...જેવાએ શાયરીને ‘નંગી શાયરી’ કે ‘બેહૂદી શાયરી’ કહી છે, તો ...જેવાએ શાયરીને ‘મનહૂસ શૈલી’ની કહી છે’. શાયરી એટલે કવિતા, જેમાં સર્વે કાવ્યપ્રકારનો સમાવેશ થઈ જાય છે. અહીં કવિતાને જ સમૂળગી નકારાઈ છે. કોઈ કાવ્યપ્રકાર વિશે વાત કરવી હોય તો કવિતાનો જ સમૂળગો નકાર, તેનું ટાંચણ અપ્રસ્તુત છે. (૩) ‘...ગઝલ કાબિલે ગર્દન જદની હૈ’ ‘કહી દીધું છે. મતલબ કે એને જડથી ઉખાડી ફેંકી દેવી જોઈએ’. આ વિધાન અંગે રદિયો ખંડ (૧)માં શ્રી ટોપીવાળાનાં વિધાન સંદર્ભે ટિપ્પણી છે તે જ છે. અહીં શબ્દો દર્શાવે છે કે કાવ્યાંધતાનો આ આત્યંતિક આવિષ્કાર છે. (૪) ‘પ્રો. વારિસ અલ્વીએ જાહેરમાં કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે.’ કશી ચર્ચાવિચારણા દ્વારા પ્રો. અલ્વીએ આ વિધાનનું સમર્થન કર્યું છે? કશું લખ્યું છે? ગુજરાતી ગઝલ વિશે તેમણે શું લખ્યું છે? કેટલું લખ્યું છે? આ વિશે તેઓ કયા આધારે આધારભૂત છે? તેઓ ઉર્દૂના મોટા વિવેચક છે તો છે, ગુજરાતીના શું છે? ગુજરાતી ગઝલ પર આદિલનો પ્રભાવ ગઈ સદીના સાતમા દાયકાના પૂર્વાર્ધથી વર્તાવા માંડ્યો હતો. પ્રો. અલ્વીનું વિધાન પાંચેક વર્ષ પૂર્વેનું કહેવાયું છે. એક મૌખિક વિધાન દ્વારા પ્રો. અલ્વીએ ગુજરાતી ગઝલના લગભગ ૪૫ વર્ષના ઇતિહાસ પર કૂચડો ફેરવી દીધો છે. આદિલ અને અન્ય ગઝલકારો રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી, રમેશ પારેખ, જવાહર બક્ષી વગેરે દ્વારા ગુજરાતી ગઝલમાં બદલાવ આવ્યો છે તે બે સ્તરે આવ્યો છે. આ ગઝલકારો ‘મરીઝ યુગ’ના ગઝલકારોથી તો જુદા પડ્યા જ, પરસ્પર પણ ‘મરીઝ યુગ’ના ગઝલકારો જેમ, જુદા પડ્યા છે. આમ આદિલ દ્વારા, તેમ જ અન્ય ગઝલકારો દ્વારા પણ ગુજરાતી ગઝલમાં બદલાવ આવ્યા છે. સરવાળે, આપણે એક તબક્કાની ગઝલના સંદર્ભે અન્ય તબક્કાની ગઝલની ‘તાજગી’ની, તેના ‘બદલાવની વાત કરીએ છીએ. એક મૌખિક વિધાન દ્વારા પ્રો. અલ્વીએ ગુજરાતીના આ અને અન્ય મહત્ત્વના ગઝલકારોનો એકડો કાઢી નાખ્યો છે. એક લીટી ભૂંસીને બીજી લીટી મોટી ન દેખાડાય. (૫) શ્રી ચાવડાના ૧૬-૧૭ શેર ટાંકીને શ્રી ટોપીવાળાએ તેનો રસાસ્વાદ કરાવ્યો છે. જેવી જેની ગઝલસમજ. (૬) શ્રી ચાવડાના ૬-૭ શેરમાં શ્રી ટોપીવાળાએ દોષ-શિથિલતા દર્શાવ્યાં છે અને પછી લખ્યું છે ‘આ બધું તો આ ગઝલસંગ્રહ જે સવાર લઈને આવ્યો છે એની સામે નગણ્ય છે’. આ ગઝલસંગ્રહમાં દોષયુક્ત શેરોની, શિથિલ શેરોની યાદી લાંબી છે. આદિલની ‘જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે’ પંક્તિથી આરંભાતી ગઝલના ત્રણે શેરમાં કાફિયાદોષ છે. કાફિયાદોષ છે તેથી ગઝલ નબળી થઈ જતી નથી. ગઝલ સારી છે તેથી કાફિયાદોષ નગણ્ય થઈ જતા નથી. ગુણ અને દોષ પરસ્પર છેદ ઉડાડતા નથી. ‘ગુણ’ વિશે લાંબી લેખણે લખીને, ‘દોષ’ વિશે ટૂંકાણમાં પતાવીને, ‘આ બધું’ને ‘નગણ્ય’ કહીને શ્રી ટોપીવાળાએ તેમનું ત્રાજવું અસ્થિર કર્યું છે.

નવેમ્બર ૨૦૧૩

– હેમંત ધોરડા

૫, યશવંતનગર, શોપર્સ સ્ટોપ સામે,એસ.વી.રોડ, અંધેરી(પૂર્વ)મુંબઈ
૪૦૦૦૫૮. ફોન. ૦૨૨-૨૬૨૦૯૯૦૧

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૩, પૃ. ૩૫-૩૬]