‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘કેટલીક વિગતો રહી ગઈ છે’ : રાજેન્દ્ર મહેતા
રાજેન્દ્ર મહેતા
[સંદર્ભ : જુલાઈ-સપ્ટે., ૨૦૦૭, ‘પ્રકાશન, નહીં કાયરનું કામ’ની સમીક્ષા, કિશોર વ્યાસ]
પ્રિયાદરણીય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’, જુલાઈ-સપ્ટે ‘૦૭નો અંક મળ્યો. પ્રત્યેક અંકને કોઈ ને કોઈ રીતે વિશિષ્ટ બનાવવાની તમારી શૈલી મુજબ આ અંક વિશિષ્ટ બન્યો છે તમારા તંત્રીલેખને લીધે. વિચારોત્તેજક અને મનનીય ઢબે લખાયેલા લેખમાં તમે આવરી લીધેલા મુદ્દા વિશે ખરેખર તો એક વિચારશિબિર – સેમિનારની જરૂર છે. ઉમેરું કે હિન્દી અને ઇતર ભાષાના સાહિત્યમાં ‘લોકપ્રિય’ ગણાતા સાહિત્યનાં સૌંદર્યશાસ્ત્ર અને રચનાકલા વિશે વ્યાપક સ્તર પર ચિંતન-પરિસંવાદ થાય છે. હવે અંકનાં અન્ય લખાણો વિશે. દિના મલ્હોત્રાની સ્મરણગાથા ‘પ્રકાશન, નહીં કાયરનું કામ’ વિશે કિશોર વ્યાસે ગંભીરતાપૂર્વક લખ્યું છે છતાં કેટલીક વિગતો રહી ગઈ છે જેની અહીં પૂર્તિ કરું. પૃ. ૨૪ ઉપર કિશોર વ્યાસ આ પુસ્તકને મરાઠી વ્યાવસાયિક પ્રકાશકની સ્મરણકથા તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં દિના મલ્હોત્રા (જેનું આખું નામ દિનાનાથ છે એ પણ ક્યાંય કિશોર વ્યાસે સ્પષ્ટ કર્યું નથી) મરાઠી પ્રકાશક નથી. એમના પ્રકાશનગૃહ દ્વારા મરાઠી પુસ્તકો પ્રગટ થયાં હશે, પણ એમની મૂળ પ્રકાશનસંસ્થા હિંદ પોકેટ બૂક્સ આરંભે તો (ને ઘણા દાયકા સુધી) કેવળ હિંદી અને ઇતર ભાષામાંથી થયેલા હિંદી અનુવાદો જ પ્રકાશિત કરતી હતી. ઉપરાંત પછીનાં વર્ષોમાં તેમણે ‘સરસ્વતી વિહાર’ નામથી હિંદીનાં પાકા પૂંઠાનાં પુસ્તકો પ્રગટ કરતી સંસ્થા શરૂ કરી અને અંગ્રેજીમાં ઓરિએન્ટ પેપરબેક્સ તથા પાકા પૂંઠાનાં પુસ્તકો ‘ફૂલ સર્કલ’ નામથી પ્રકાશિત કરે છે. (આ સંસ્મરણોની હિન્દી આવૃત્તિ પણ સરસ્વતીવિહાર દ્વારા પ્રકાશિત થઈ છે.) ગુલશન નંદા ઉપરાંત સંખ્યાબંધ નવલકથાઓ-વાર્તાઓ લખનાર હિન્દીનાં લેખિકા શિવાનીનાં પુસ્તકો ત્રણેક દાયકા સુધી હિંદ પોકેટ બૂક્સ દ્વારા જ પ્રકાશિત થયેલાં. વળી, એની સૌથી લોકપ્રિય શ્રેણી રાજહંસ, કર્નલ રંજિત વગેરે ઉપ/છદ્મનામો દ્વારા લખાયેલાં પુસ્તકોની હતી. ભારત-પાક વિભાજન વખતે કોઈ મુસ્લિમ લેખકે હિંદુ દેવીદેવતાઓ વિશે અભદ્ર લખાણો ધરાવતાં પુસ્તકો લખેલાં. એના પ્રત્યુત્તર રૂપે કોઈ આર્યસમાજી લેખકે ‘રંગીલા રસૂલ’ નામથી હઝરત મહમ્મદ પયગંબર વિશે પુસ્તક લખેલું, જે પ્રગટ થતાં જ કોમી હુલ્લડો ફાટી નીકળેલાં. દિનાનાથ મલ્હોત્રાના પિતાએ આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી સ્વીકારેલી એના કારણે તેમની હત્યા થઈ. આ ઘટનાક્રમ ઉક્ત સ્મરણગાથાનો રોમાંચક હિસ્સો છે. આ સ્મરણગાથામાં દિનાનાથે રા. સ્વ. સંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથેના પોતાના સંબંધો વિશે પણ વાત કરી છે જે એમની, બલકે એમના પરિવાર અને પ્રકાશનગૃહની વિચારધારા પ્રગટ કરે છે. આનો ઉલ્લેખ પણ થવો જોઈતો હતો કેમકે એના મૂળમાં મલ્હોત્રા પરિવારે લાહોરથી કરવું પડેલું સ્થળાંતર અને મુસ્લિમો દ્વારા નિરાશ્રિતો પર થયેલા અત્યાચાર છે. વિદ્વાન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, હિન્દીના લોકપ્રિય લેખક ચતુરસેન શાસ્ત્રી અને સંખ્યાબંધ જાહેર હિતની અરજીઓ દ્વારા જનહિતનાં અનેક કામો કરનાર સ્વ. એચ. ડી. શૌરી જેવા લેખકો સાથેનાં મલ્હોત્રાનાં સંસ્મરણો એમાં આલેખાયાં છે. – આ સર્વનો ઉલ્લેખ થવો જોઈતો હતો. પરિષદ વિશે ડંકેશ ઓઝાએ લખેલા લેખમાં એ લેખના કદ જેટલો જ સુધારો-ઉમેરો સૂચવી શકાય છે (જેમકે ધીરુબહેન પટેલ એકમાત્ર મહિલા પ્રમુખ નથી, લેડી વિદ્યાગૌરી નીલકંઠ પણ પ્રમુખ રહી ચૂક્યાં છે) પણ ‘પ્રત્યક્ષ’નાં પૃષ્ઠોનું મૂલ્ય હું સમજું છું.... કુશળ હશો.
આપનો રાજેન્દ્ર મહેતા
- ડૉ. કેશુભાઈ દેસાઈએ પણ આ બે બાબતો વિશે ધ્યાન દોર્યું છે એ માટે લેખક અને સંપાદક એમના પણ આભારી છે. – સંપાદક
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૭, પૃ. ૩૩]