‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/કાવ્યમાં અલંકારનું સ્થાન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાવ્યમાં અલંકારનું સ્થાન*[1]

‘કાવ્યાલોચન’. રતિલાલ જાની (વોરા, બીજી આવૃત્તિ, ૧૯૬૪, પૃ.૧૮૨, રૂ.૩૭૫)

‘કાવ્યાલોચન’માં મુખ્યત્વે ભારતીય કાવ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કરેલું વિષયનિરૂપણ જોવા મળે છે. આ સર્વસ્વીકૃત અને પરંપરાપ્રાપ્ત સિદ્ધાંતોના નિરૂપણમાં ભાગ્યે જ કોઈ મતભેદને અવકાશ હોઈ શકે. છતાં ‘કાવ્યની વ્યાખ્યામાં ગુણ અને અલંકાર (વિભાગ ૨)’ એ લેખમાં કર્તાએ શ્રી રામનારાયણ પાઠકે કાવ્યમાં અલંકારના સ્થાન પરત્વે દર્શાવેલા વિચારોથી ભિન્ન મત પ્રકટ કર્યો છે. પરંતુ આ ખંડન જેટલું પરંપરામૂલક છે તેટલું તાત્ત્વિક નથી. તત્ત્વદૃષ્ટિએ પાઠકસાહેબે કાવ્યમાં અલંકારના સ્થાન પરત્વે જે દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે તેની યોગ્યાયોગ્યતાની સમીક્ષા લેખકને અભીષ્ટ નથી, પરન્તુ પાઠકસાહેબે દર્શાવેલા વિચારો પ્રાચીન આલંકારિકોના મતને વફાદાર નથી તેટલા પૂરતો જ વિરોધ તેમણે ઉચિત ગણ્યો છે. પાઠકસાહેબનું દૃષ્ટિબિંદુ આ પ્રમાણે છે: “અલંકાર વસ્તુથી ભિન્ન, વસ્તુને અલંકૃત કરવાને યોજેલી આગન્તુક વસ્તુ છે એમ કહેવું ખોટું છે. કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી. પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવા તે ખોટું છે... (આ) ભ્રમ અલંકાર શબ્દથી ઉત્પન્ન થાય છે, પણ તે આગન્તુક નથી. કાવ્યમાં કશું આગન્તુક હોઈ શકે જ નહિ. કલામીમાંસક ક્રોચેએ આપેલી દલીલથી આનો વિચાર કરીએ. તે પૂછે છે : ‘‘જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહિ? જો પામ્યો હોય તો તે આગન્તુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.” શ્રી જાની પાઠકસાહેબની આ માન્યતાનો વિરોધ નથી કરતા. પરંતુ પાઠકસાહેબ પોતાના મતના સમર્થનમાં ધ્વનિકારનો અભિપ્રાય રજૂ કરે છે : “અલંકારનું આ જ ખરું સમર્થન છે. પ્રામાણિક આલંકારિકોએ તેનું આ સ્થાન સ્વીકાર્યું છે.” ધ્વનિકાર કહે છે :

रसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् ।
अपृथग्यत्ननिर्वर्त्यः सोऽलंकारो ध्वनौ मतः ॥

રસથી આક્ષિપ્ત થતો હોવાને લીધે જે અલંકારનો બંધ શક્ય થાય, અને પૃથક્ પ્રયત્ન વિના બની શકે તે ‘ધ્વનિ’માં એટલે ઉત્તમ કાવ્યમાં ઇષ્ટ છે. આગળ જતાં આનંદવર્ધન કહે છે કે अलंकाराणि निरूप्यमाणदुर्घटमानान्यपि रससमाहितचेतसः प्रतिभावन्तः कवेः अहंपूर्विकया परापतन्ति। વિચારતાં દુર્ઘટ લાગે તેવા અલંકારો રસમાં એકાગ્ર ચિત્તવાળા પ્રતિભાવાળા કવિ આગળ હરીફાઈથી આવી-આવીને પડે છે.... तस्मान्न तेषाम् बहिरंगत्वम् रसाभिव्यक्तौ । જ્યાં રસનું વ્યંજન થતું હોય ત્યાં અલંકાર બાહ્યાંગ નથી.” લોચનકાર અભિનવગુપ્ત અહીં સ્પષ્ટતા કરે છે કે રસના આવેશને લીધે (रसाक्षिप्ततया), એટલે કે કવિ રસસૃષ્ટિમાં મગ્ન થઈ ગયો હોય છે ત્યારે, વિભાવાદિની યોજના કરતો હોય છે ત્યારે, તેની સાથે જ, જે અલંકારો આપમેળે આવી પડે છે, તે અલંકારો જ આ માર્ગમાં અલંકાર ગણાય છે; જેને માટે જુદો પ્રયત્ન કરવો પડે તેવા નહિ. શ્રી જાની કહે છે : “વિદ્વદ્વર્ય પ્રો.પાઠકની અંગત માન્યતા માટે કોઈને કશું કહેવાનું હોય નહિ. (પરંતુ પાઠકસાહેબની આ અંગત માન્યતા છે એમ કહેવાનું કોઈ પ્રયોજન ખરું? એક સ્વતંત્ર અભિપ્રાય તરીકે એને મૂલવી શકાય એમ નથી? વળી તેની યોગ્યાયોગ્યતાની સમીક્ષા, તેને પ્રાચીનોનું સમર્થન મળ્યું છે કે નહિ તેના કરતાં મહત્ત્વની ન ગણાય?) પણ એ માન્યતાને ‘ધ્વન્યાલોક’માંથી પ્રકરણથી છૂટા પાડેલ અમુક વાક્યથી સમર્થન અપાય ત્યારે ધ્વનિકાર કે આનંદવર્ધનનો મત પણ આવો જ હશે એવો ભ્રમ ઉત્પન્ન થાય."

‘ધ્વન્યાલોક’માંથી અવતરણો

શ્રી જાનીએ ‘ધ્વન્યાલોક’માંથી આનંદવર્ધનનાં અનેક અવતરણો ટાંકીને દર્શાવ્યું છે કે ગુણો જ સમવાયસંબંધથી રસની સાથે એકત્વ પામે છે જ્યારે અલંકારો સંયોગસંબંધથી રસની સાથે જોડાયેલા છે. ગુણો કાવ્યના આત્મા રસની સાથે અવિનાભાવ કે નિત્યસંબંધથી એકત્વ સાધી શકે છે, એટલે કે જ્યાં રસ હોય ત્યાં અવિચ્છિન્નભાવે જે ધર્મ પ્રવર્તતો હોય તે ગુણ; જ્યારે અલંકારોનો રસની સાથે અવિનાભાવિ સંબંધ બાંધી શકાય નહિ, રસની સાથે અલંકારો અનિવાર્યપણે હોવા જ જોઈએ એવો સાર્વત્રિક નિયમ પ્રવર્તી શકે નહિ. ધ્વનિકાર કહે છે તેમ :

तमर्थमवलम्बन्ते येङ्गिनं ते गुणाः स्मृताः ।
अङ्गाश्रितास्त्वलंकारा मन्तव्याः कटकादिवत् ॥

ये तमर्थं रसादिलक्षणमंगिनं सन्तमवलम्बन्ते ते गुणाः शौर्यादिवत् । वाच्यवाचकालक्षणान्यंगानि ये पुनराश्रितास्तेऽलंकारा मन्तव्याः कटकादिवत् । જેઓ એ રસાદિરૂપ અંગીભૂત અર્થાત્ પ્રધાન અર્થને આશ્રયે રહે છે તે શૌર્યાદિની પેઠે ગુણ કહેવાય છે. અને જે વાચ્યવાચક એટલે કે અર્થ અને શબ્દરૂપ કાવ્યનાં અંગો છે તેમને આશ્રયે રહે છે તે કટકકુંડળની પેઠે અલંકાર કહેવાય છે.*[2] વળી, ધ્વનિકાવ્યની વ્યાખ્યા આપીને વૃત્તિમાં આનંદવર્ધન જણાવે છે : अनेन वाच्यवाचकचारूत्वहेतुभ्य उपमादिभ्योनुऽप्रासादिभ्यश्च विभक्त एव ध्वर्नेविषय इति दर्शितम् । આ વ્યાખ્યાથી એમ દર્શાવવામાં આવ્યું છે કે ધ્વનિનો વિષય વાચ્યની ચારુતાના હેતુરૂપ ઉપમાદિ અલંકારો અને વાચકની ચારુતાના હેતુરૂપ અનુપ્રાસાદિ અલંકારોથી ભિન્ન જ છે. રસ અને રસવદ્ અલંકાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતી કારિકાની વૃત્તિમાં આનંદવર્ધન અસંદિગ્ધ શબ્દોમાં જણાવે છે: “વાચ્યવાચકની શોભાના હેતુરૂપ અલંકારો ધ્વનિના અંગભૂત છે, ધ્વનિરૂપ નથી." અન્યત્ર પણ વધારે સ્પષ્ટતાથી તે કહે છે : “અલંકાર ખરેખર, બાહ્ય (લૌકિક) અલંકાર જેવા હોવાથી, અંગી આત્માની શોભાના હેતુ કહેવાય છે.” ધ્વનિસંપ્રદાયને અનુસરતા પરવર્તી આલંકારિકોનો અભિપ્રાય પણ આ જ છે. શ્રી જાનીએ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’માંથી, વિદ્યાધરની ‘એકાવલી’માંથી તેમજ વિદ્યાનાથના ‘પ્રતાપ રુદ્રયશોભૂષણ’માંથી અવતરણો ટાંક્યાં છે.

કાવ્યમાં ઉચ્ચાવચતા સ્થાપી ન શકાય

પાઠકસાહેબ ‘ધ્વન્યાલોક’માંથી रसाक्षिस्ततया એ કારિકા અને तस्मान्न तेषाम् बहिरंगत्वम् रसाभिव्यतौ એ વૃત્તિ ટાંકે છે તેને અનુલક્ષીને લેખકની દલીલ એ પ્રકારની છે કે તે માત્ર અસંલક્ષ્યક્રમવ્યંગ્યકાવ્ય એટલે ઉત્તમ કાવ્યમાં અલંકારના સ્થાન પરત્વે સાચું છે, કાવ્યસામાન્ય વિશે તો આનંદવર્ધનનો અભિપ્રાય અલંકારને કટકકુણ્ડલાદિવત્ ગણવાનો જ છે. અહીં આપણે પેલી પ્રસિદ્ધ ઉક્તિ યાદ કરીશું? - "With second-rate poetry no one should ever bother mankind.’ આનંદવર્ધન કાવ્યના મુખ્ય ત્રણ પ્રકારો વર્ણવે છે : ઉત્તમ, મધ્યમ અને અધમ. ધીમે ધીમે તેના અનેક ભેદોપ્રભેદોની જટાજાળ પ્રસરતી જોવા મળે છે, જેમાંથી કાવ્યને ઉગારી લેવાનું જ ઈષ્ટ ગણાય. કાવ્ય એટલે કાવ્ય, તેમાં ઉચ્ચાવચતા સ્થાપી ન શકાય. વાઙ્મયના બે જ પ્રકારો સંભવે : કાવ્ય અને અકાવ્ય. હવે કાવ્યમાં અલંકાર રસાક્ષિપ્ત હોય તો જ તેનું અલંકારત્વ સાર્થક બને એમ સ્વીકારીએ તો અકાવ્યમાં તેના સ્થાન પરત્વે क: शोक: को मोहः? સંસ્કૃત કાવ્યશાસ્ત્રકારો કાવ્યપુરુષની કલ્પના રજૂ કરે છે. કાવ્યનો શબ્દાર્થ તે તેનો દેહ છે. રસ એ આત્મા છે. ગુણ એ શૌર્ય જેવો આત્માનો ધર્મ છે. રીતિ તે અવયવસંસ્થાનવિશેષ છે અને એ શરીર ઉપરના કટક અને કુંડલ જેવા અલંકારો છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ કહે છે काव्यस्य शब्दार्थौ शरीरम्, रसादिश्वात्मा, गुणाः शौर्यादिवत्, दोषाः काणत्वादिवत्, रीतयोऽवयव-संस्थानविशेषवत्, अलंकाराः कटककुंडलादिवत् इति । આ કલ્પનામાં અલંકાર આગન્તુક, બહારથી આવેલો છે એવો ભ્રમ થાય એવું છે. ભામહ-દંડીથી જગન્નાથ સુધી આવી પરંપરા વત્તેઓછે અંશે જોવા મળે છે. પણ આલંકારિકો તત્ત્વતઃ તો રાજશેખરનો જ મત ધરાવે છે: “કાવ્યપુરુષ સાલંકાર જન્મે છે.” દંડીના શબ્દોમાં कामं सर्वोऽप्यलंकारो रसमर्थे निषिंचति સર્વ અલંકાર અર્થને રસાર્દ્ર કરવા માટે છે. વામન એના ગ્રંથ ‘કાવ્યાલંકાર’ની શરૂઆત જ આ પ્રથમ સૂત્રથી કરે છે : काव्यम् ग्राह्यम् अलंकारात् | અને બીજા સૂત્રમાં અલંકારની વ્યાખ્યા આપે છે : सौन्दर्यम् अलंकारः | રસ અને રસવદ્ અલંકાર વચ્ચેના ભેદનું સ્પષ્ટીકરણ કરતાં આનંદવર્ધન કહે છે... अलंकारो हि चारुत्वहेतुः प्रसिद्धः... અને સાર રૂપે પોતાની વાત રજૂ કરે છે કે,

रसभावादितात्पर्यमाश्रित्य विनिवेशनम् ।
अलंकृतीनां सर्वासामलंकारत्वसाधनम् ।।

...ચારુત્વહેતુને જ અલંકાર કહે છે એ જાણીતી વાત છે... રસભાવાદિને અનુલક્ષીને એટલે કે તેમને પ્રધાન ગણીને તેમના અંગ રૂપે જ અલંકારોની યોજના કરવામાં આવે તો જ બધા અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થાય છે.

અલંકાર પરત્વે દ્વિવિધ વલણ

અલબત્ત, અલંકાર પરત્વે આનંદવર્ધનમાં બંને વલણો જોવા મળે છે. અલંકારને જ આત્મસ્વરૂપ માનતા, અલંકારથી ઇતર કાવ્યમાં બીજા કોઈ પણ સૌંદર્યતત્ત્વના અસ્તિત્વનો અનાદર કરતા પૂર્વાચાર્યોના મતનો પ્રતિવાદ તેમજ ધ્વનિનું કાવ્યના આત્મા તરીકે સ્થાપન કરતી વખતે, અલંકારથી વ્યતિરિક્ત, અલંકારસૌંદર્યથી સ્વતંત્ર કાવ્યના અન્તનિર્હિત લાવણ્યના નિરૂપણ પ્રસંગે આનંદવર્ધન સાપેક્ષદૃષ્ટિએ અલંકારને બહિરંગ, નારીદેહના આભૂષણસમાન અને કેવળ ચારુત્વહેતુ તરીકે ઓળખાવે છે જે આપણે तमर्थमवम्बन्ते.... કારિકામાં જોયું. પરંતુ રસધ્વનિ તો આનાથી પર છે, જેમ કે :

प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् ।
यत्तत्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवांगनासु ॥

પણ પ્રતીયમાન તો મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન, નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી, જુદી જ વસ્તુ છે. આનંદવર્ધનની આ કારિકા હૃદયંગમ છે, છતાં અભિનવગુપ્તે લોચનમાં કરાવેલો અર્થબોધ એવો જ ચારુતાપૂર્ણ અને દ્યોતક છે – पृथग् – निर्वर्ण्यमान - काणादि – दोष - शून्य शरीरावयव - योगिन्याम् अपि, अलंकृतायाम् अपि, लावण्यशून्या इयम् इति । પૃથક રીતે નિહાળી શકાય એવા કાણત્વ (એકાક્ષિપણું - કન્યા કાણી હોવી) વગેરે દોષોથી રહિત એવા શરીરના અવયવોના યોગવાળી હોય તોપણ, અલંકૃત હોય તોપણ, લાવણ્ય વિનાની છે આ (અંગના) એમ (જોનારને - સહૃદયને પ્રતીત થાય છે) अतथाभूतायाम् अपि कस्यांचित् लावण्यामृतचन्द्रिका इयम् इति सहृदयानां व्यवहारात् | (अ-तथा) તેવી (=દોષરહિત) બનેલી ન હોય કોઈક, તોપણ, લાવણ્યરૂપી અમૃતની ચાંદની (જેવી) છે આ એવી (પ્રતીતિ થતી હોવાનો) સહૃદયોનો વ્યવહાર હોય છે તે કારણે. સ્ત્રીઓના બધા અવયવો નિર્દોષ-સુસ્થિત હોય છતાં તેઓમાં લાવણ્ય ન પણ અનુભવાય; અને કોઈક અંગ સદોષ પણ હોય, અવયવ-યોજના સપ્રમાણ - સમરૂપ ન પણ હોય છતાં લાવણ્ય અનુભવાય એમ અન્વય-વ્યતિરેક બંને રીતે પ્રત્યક્ષ અંગયોજના અને લાવણ્ય એ બે બાબતો ભિન્ન છે એવો સહૃદયોનો અનુભવ હોય છે. એ જ રીતે છંદ-અલંકારાદિ બાહ્ય ઉપકરણોથી કાવ્ય સુસજ્જ હોય છતાં તેમાં ચમત્કૃતિ ન અનુભવાય; અને ક્યાંક એકાદ દોષ રહી ગયો હોય છતાં કાવ્યચમત્કૃતિ અનુભવાય તેથી બાહ્ય અંગોથી ભિન્ન એવું આ ધ્વનિલાવણ્ય કાવ્યમાં કોઈક અંતઃતત્ત્વરૂપે - વ્યંજના-ધ્વનિરૂપે રહેલું છે ઇતિ સિદ્ધમ્ । સહૃદયોને આવો ચમત્કાર કરાવવાની ક્ષમતા તે જ કાવ્યનો સૌભાગ્યગુણ (કુન્તક). પરંતુ કાવ્યમાં અલંકારના વિનિયોગ તેમજ કાવ્યમાં અલંકારના ઔચિત્ય પરત્વે આનંદવર્ધન અલંકારને અંતરંગ, અપૃથગ્યત્નનિર્વર્ત્ય અને એકરૂપ ગણે છે તથા રસની સાથે તેનો સાક્ષાત્ - પરંપરાએ નહિ - સંબંધ યોજે છે. જુઓ એમનો સંગ્રહશ્લોક -

रसवन्ति हि वस्तूनि सालंकाराणि कानिचित् ।
एकेनैव प्रयत्नेन निर्वर्त्यन्ते महाकवेः ॥

મહાકવિના એક જ પ્રયત્નથી કેટલીક રસયુક્ત વસ્તુઓ અલંકાર સાથે રચાઈ જાય છે. વ્યાપક ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકતાં લાગે છે કે રસાક્ષિપ્તતતયા એ કારિકામાં વ્યક્ત થયેલો આનંદવર્ધનનો અભિપ્રાય જ તેમનો સર્વસાધારણ અને પ્રામાણિક અભિપ્રાય છે. એ હકીકત જાણીતી છે કે પ્રાચીન આચાર્યોએ કદી ‘મૌલિક’ બનવાની સ્પૃહા નથી રાખી. પૂર્વાચાર્યોના મતને વિકસાવવામાં કે વિસ્તારવામાં જ તેમણે ચરમ કૃતાર્થતા અનુભવી છે. દર્શનશાસ્ત્રના ક્ષેત્રે શંકરાચાર્ય અને કાવ્યશાસ્ત્રના ક્ષેત્રે આચાર્ય અભિનવગુપ્ત આનાં ઉત્તમ નિદર્શનો છે. રસતત્ત્વની પ્રખર અને સર્વશ્રેષ્ઠ મીમાંસા કરવા છતાં અભિનવગુપ્ત કહે છે - उक्तमेव मुनिना, न तु अपूर्व किञ्चित् । આ વિનમ્રતા અનુપમ છે. પરંતુ અભિનવગુપ્ત શાંતરસના સમર્થન અર્થે ભરતનું મૌન પણ માર્મિક છે એમ જ્યારે કહી દે છે ત્યારે પરંપરાનું પ્રાબલ્ય પૂરેપુરું સમજાય છે.*[3] આમ પરંપરાનું અનુસરણ ભારતીય કાવ્યશાસ્ત્રની વિલક્ષણતા છે. તેથી અલંકારને કટકકુણ્ડલાદિવત્ નહિ પણ રસાક્ષિપ્ત ગણવાનું જ આચાર્ય આનંદવર્ધનને અભિમત છે એમ કહેવું વધુ તર્કશુદ્ધ અને સુસંગત લાગે છે. ગુણ અને અલંકારનું પાર્થક્ય વળી, પરંપરાને અનુસરીને શ્રી જાની કહે છે કે “જ્યાં ગુણ છે ત્યાં રસ છે અને જ્યાં રસ નથી ત્યાં ગુણ નથી એમ અન્વય અને વ્યતિરેકવ્યાપ્તિ બાંધી શકાય.” પરંતુ “અન્વય અને વ્યતિરેકથી રસની સાથે અલંકારો છે એમ કહી શકાય નહિ.” પરંતુ મમ્મટાચાર્ય જ એક દૃષ્ટાંત આપે છે જેમાં ગુણ નથી, છતાં વિશેષોક્તિ અને વ્યતિરેક અલંકારને લીધે કાવ્યત્વ છે :

स्वर्गप्राप्तिरनेनैव देहेन वरवर्णिनी ।
अस्या रदच्छदरसो न्यक्करोतितरां सुधाम् ॥
આ દેહે સ્વર્ગની પ્રાપ્તિ એ તો છે વરવર્ણિની,
એનો ઓષ્ઠાધરરસ તિરસ્કારે સુધારસ.

ગુણ અને રસ વચ્ચે લેખક જે અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ બાંધે છે - ભલેને સ્વયં મમ્મટને અનુસરીને - તેને આધારે આ શ્લોકને કેવી રીતે ઘટાવી શકાશે? આ શ્લોકમાં ગુણ નથી માટે રસ નથી તો કાવ્યત્વ કેવી રીતે છે? ગુણ નથી, તે મમ્મટની ગુણવ્યાખ્યાની દૃષ્ટિએ. વામનની વ્યાખ્યા પ્રમાણે તો આમાં ગુણો બતાવી શકાય. આમ, કાવ્યના ઉપાદાન તરીકે ગુણ અને અલંકાર વચ્ચે સ્વરૂપગત કે માત્રાગત પાર્થક્ય સ્વીકારી શકાય નહિ. ક્ષેમેન્દ્ર ‘ઔચિત્ય વિચારચર્ચા’માં -અલબત્ત પ્રતિવાદ રૂપે - બંનેને સ્થાપે છે તો એક જ આસને :

काव्यस्यालमलंकारैः कि मिथ्यागणितैर्गुणैः ।
यस्यजीवितमौचित्यं विचिन्त्यापि न दृश्यते ।।
अलंकारास्त्वलंकाराः गुणाः एव गुणास्सदा ।
औचित्यं रससिद्धस्य स्थिरं काव्यस्य जीवितम् ॥

કાવ્યનું જીવિત ઔચિત્ય છે, તે શોધતાં પણ ન જડે તો કાવ્યના અલંકારથી અને નકામા ગણાવેલા ગુણોથી શું વળે? અલંકારો માત્ર અલંકાર છે, ગુણો માત્ર ગુણ જ છે, ઔચિત્ય જ રસમાં સિદ્ધ થયેલા કાવ્યનું સ્થિર જીવન છે.

વિરોધ પક્ષને પોષક એવાં અવતરણો

કાવ્યમાં અલંકારનો ઔચિત્યપુરઃસર ઉપયોગ થવો જોઈએ એના પ્રતિપાદન અર્થે લેખક અભિનવગુપ્ત કે સંકરનનાં જે અવતરણો આપે છે તે એમના મત કરતાં વિરોધપક્ષને પોષક નીવડે તેવાં છે. જેમ કે અભિનવના શબ્દો : "અચેતન દેહ કુણ્ડલાદિથી યુક્ત હોવા છતાં પણ શોભતો નથી, અલંકાર્યના અભાવને લીધે; કટકાદિથી યુક્ત યતિનું શરીર હાસ્યાસ્પદ બને છે; અલંકાર્યના અનૌચિત્યને લીધે. હવે દેહનું કંઈ અનૌચિત્ય નથી હોતું એટલે વસ્તુતઃ આત્મા જ અલંકાર્ય છે, ‘હું અલંકૃત થયો છું’ એવા અભિમાનને લીધે.” લેખક સંકરનનું અવતરણ ટાંકે છે : "It is only such Alamkaras as lend themselves easily to the development of Rasa that should find a proper place in poetry." હવે "in poetry" એટલે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય કાવ્યમાં જ? કાવ્યસામાન્યમાં નહિ? સંકરનના અભિપ્રાય વિશે સંદિગ્ધતા રહે તેમ નથી. આ જ પુસ્તક - "Theories of Rasa and Dhavni -માં અન્યત્ર સંકરન કહે છે : "Alamkaras are believed to beautify the body, but it is not true... Alamkaras beautify the soul... Alamkaras, Gunas and also Ritis... find their real significance only when they are related to the Rasas..." પાશ્ચાત્ય સાહિત્યમીમાંસામાંથી લેખકે જે અવતરણો રજૂ કર્યાં છે તે તો કાવ્યસમગ્રને અનુલક્ષીને જ હોઈ શકે ને? જુઓ લેમ્બોર્નના ‘The Rudiments of Criticism’માંથી આ અવતરણ : "....they were first instinctive, they came not by man taking thought, but spontaneously, from his feeling. And even now the perfect figure, though we admire it as art, seems not to be ‘thought out by the poet, but to ‘occur’ to him..." સંદર્ભમાં આપણે અનુક્રમે લોંજિનસ અને પેટરનાં વિધાનો જોઈએ : "A figure looks best when it escapes one’s notice that it is a figure." "And above all, there will be no uncharacteristic or tarnished or vulgar decoration, permissible ornament for the most part is structural or necessary." આ મતનું પ્રતિપાદન કરતાં વિષ્ણુપદ ભટ્ટાચાર્યે ઉચ્ચારેલા આ શબ્દો સ્મરણીય બની રહે છે: ‘‘શાખાપલ્લવથી શોભતું મોટું વૃક્ષ જેમ નાના અખંડ બીજની જ પ્રાણશક્તિનું વિવર્તનમાત્ર હોય છે તેમ શબ્દ, અર્થ, અલંકાર કાવ્યનાં જે કાંઈ ઉપાદાન તે બધાં જ - કવિચિત્તની નિર્વિભાગ અખંડ રસાનુભૂતિનાં વિવર્તન માત્ર હોય છે, કવિના આન્તર પરિસ્પન્દના જ બાહ્ય આકારો હોય છે.” ધ્વનિના પ્રખર વિરોધી ‘વ્યક્તિવિવેક’કાર મહિમભટ્ટના શબ્દો જોઈએ :

न चालंकारनिष्पत्यै रसबन्धोद्यतः कवि ।
यतते, ते हि तत्सिद्धिनान्तरीयकसिद्धयः ।

અને વળી રસબન્ધ માટે ઉદ્યત થયેલો કવિ કંઈ અલંકારની નિષ્પત્તિ માટે યત્ન કરતો નથી. તે (અલંકારો) તો રસની સિદ્ધિ વડે (અથવા સાથે જ) અંતરીયક રૂપે સિદ્ધિ પામતાં હોય છે. રસસિદ્ધિના અંતરંગ રૂપે જ અલંકારો પણ સિદ્ધિ પામતા હોય છે. દલીલ ખાતર સ્વીકારી લઈએ કે રસાક્ષિપ્તતયા એ કારિકામાં વ્યક્ત થયેલા આનંદવર્ધનનો અભિપ્રાય પ્રકરણબદ્ધ (contextual) છે અને સામાન્ય (General) નથી, છતાં પાઠકસાહેબે આપેલો અભિપ્રાય તે તેમની ‘અંગત માન્યતા’ કેવી રીતે બની જાય છે? પુનરુક્તિનો દોષ વહોરીને પાઠકસાહેબના શબ્દો ફરીથી યાદ કરીએ : “કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી. પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવા તે ખોટું છે.” આચાર્ય કુન્તકે ‘વક્રોક્તિજીવિત’માં આ જ વાત નથી કહી?

अलंकृतिरलंकार्यमपोद्धृत्य विवेच्यते ।
तदुपायतया, तत्त्वं सालंकारस्य काव्यता ।।

કાવ્યની સાચી સમજણ માટે અહીં અલંકાર અને અલંકાર્યને અલગ પાડીને તેનું વિવેચન કરવામાં આવે છે પણ સાચી વાત તો એ છે કે સાલંકાર હોય તે જ કાવ્ય કહેવાય. કુન્તક આ કારિકાની વૃત્તિમાં વધુ સ્પષ્ટતા કરે છે : "શબ્દ, અર્થ અને અલંકાર એ ત્રણે મળીને જ કાવ્ય નામે અખંડ પદાર્થ બને છે, એમાં પછી આ ત્રણેનું અલગ અસ્તિત્વ રહેતું નથી." કુન્તકનું આ વિષયનું નિરૂપણ એવું સમર્થ અને સર્વાંગીણ છે કે કાવ્યમાં અલંકારની સમર્પકતા વિશે તેણે છેલ્લો શબ્દ કહી નાખ્યો છે એમ કહેવાનું મન થાય છે. વિસ્તારભય વહોરીને પણ વૃત્તિમાંથી થોડાંક વાક્યો રજૂ કરવાનો લોભનિવારી શકાય તેમ નથી. यद्येवमसत्यभूतोऽप्यपोद्धारस्तदुपायतया क्रियते तत्किं पुनः सत्यमित्याह ‘तत्त्वं सालंकारस्य काव्यता’। अयमत्र परमार्थः । सालंकारस्यालंकरणसहितस्य सकलस्य निरस्तावयवस्य सतः काव्यता कविकर्मत्वम् । तेनालंकृतस्य काव्यत्वमिति स्थितिः, न पुनः काव्यस्यालंकारयोग इति । જો સાચેસાચ એમનું અલગ અસ્તિત્વ ન હોય અને માત્ર સમજણ ખાતર જ એમનું અલગ પાડીને વિવેચન કરવામાં આવતું હોય તો, સાચી વાત શી છે? સાચી વાત એ છે કે સાલંકાર હોય તે જ કાવ્ય કહેવાય. અલંકારસહિતનું જે આખું અવયવ વગરનું વચન તે જ કવિકર્મ અથવા કાવ્ય કહેવાય. એટલે અલંકારવાળું હોય તે જ કાવ્ય એમ થયું. કાવ્ય જુદું અને તેને અલંકાર ચડાવવામાં આવે છે તે જુદા એમ નહિ. કુન્તકના અવતરણના સંદર્ભમાં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ આખા લેખમાં ‘અલંકાર’ સંજ્ઞાનો પ્રયોગ ‘figure of speech’ના જ અર્થમાં થયો છે, જ્યારે આ અવતરણમાં કુન્તકે ‘અલંકાર’ સંજ્ઞાનો પ્રયોગ કાવ્યવસ્તુ (અલંકાર્ય) અને સૌન્દર્ય(અલંકાર)ના સંદર્ભમાં ‘સૌન્દર્યાધાયકતા’ એ વ્યાપક અર્થમાં કર્યો છે, beautification, poetizationના અર્થમાં કર્યો છે. આ લેખ પૂરતો ‘અલંકાર’ શબ્દનો પ્રયોગ મમ્મટે સીમિત કરેલા અર્થમાં જ છે, વામને सौन्दर्यमलंकारः। કહ્યું છે તે અર્થમાં નથી. આપણે આચાર્ય અભિનવગુપ્તના અવતરણીય શબ્દોથી વિરમીએ : अनन्ता हि वाग्विकल्पास्तत्प्रकारा एव चालंकाराः વાણીના વિકલ્પો તો અનેક છે, અને તે બધા જ અલંકારો છે.

- ગ્રંથ, જાન્યુઆરી ૧૯૬૫
નોંધ:

  1. * મૂળ લેખ ‘કાવ્યલોચન’ના અવલોકન રૂપે પ્રકટ થયેલો. તેમાંથી બીજી ત્રુટિઓની આલોચના ગાળી નાખીને માત્ર કાવ્યમાં અલંકારનું સ્થાનની જ ચર્ચા પ્રકટ કરી છે, સુધારાવધારા સાથે.
  2. * એકાદ-બે અપવાદ સિવાય બધા અનુવાદો નગીનદાસ પારેખના છે.
  3. * જુઓ : Raghavan: The Number of Rasas "All the above-given ingenuity and strain are the unavoidable corollary of the ancient method of commenting which never desired to go against the basic text and introduced new things only by securing for it the sanction of the basic text."

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.