‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (નારાયણ દેસાઈ)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય

(‘મારું જીવન એ જ મારી વાણી’ (ખંડ ૧ થી ૪) : નારાયણ દેસાઈ, નવજીવન, ૨૦૦૩, કિંમત રૂ. ૧૫૦૦)

“જો સામાન્ય માંદગીથી... પથારીમાં પડીને મરું તો તું, લોકો તારી નિંદા કરે એ જોખમ વહોરીને પણ છાપરે ચઢીને કહેજે કે આ માણસ મહાત્મા નહોતો, પણ જો હું પ્રાર્થના કરવા જતો હોઉં, અને કોઈ માણસ આવીને મને ગોળી મારે અને હું સામી છાતીએ ગોળી ઝીલું, મારા મોંમાંથી રામનું નામ નીકળે અને સામેના માણસ વિષે મારા મનમાં સહેજ પણ કડવાશ ન હોય તો તું કહેજે કે આ માણસ ભગવાનનો ભક્ત હતો.” (ગાંધીજી, ‘મારું જીવન એ જ મારી વાણી’, ખંડ ૪, પૃ.૪૪૨). “પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં ભળી ગયો હતો. પ્રાર્થનાનો સમય હતો. સામી છાતીએ ગોળી ખાધી હતી. મુખમાં રામનું નામ હતું. એક કરતાં વધારે વાર જેની ઇચ્છા દર્શાવી હતી તેમ જ થયું. એ ઇચ્છામૃત્યુ હતું.” (નારાયણ દેસાઈ, ‘મારું જીવન…’, ખંડ ૪, પૃ.૪૪૮)

‘મારું જીવન...’ની વિશેષતા

ગાંધી વૈશ્વિક વિભૂતિ હતા, છતાં ભારતીય હતા, અને આપણે ગૌરવ લઈએ કે ગુજરાતી હતા. છતાં આશ્ચર્યજનક હકીકત એ છે કે અત્યાર સુધી ગુજરાતી ભાષામાં, ઉમાશંકરના શબ્દમાં કહું તો ગાંધીગિરામાં, ગાંધીજીનું એક પણ જીવનચરિત્ર નહોતું. આ બૃહત્ ગાંધીચરિત્રથી એ મેણું ટળ્યું છે એટલું જ નહીં, અન્ય ચરિત્રો કરતાં આ અનેકગણું મૂલ્યવાન છે. વધુમાં વધુ ગાંધીચરિત્રો અંગ્રેજીમાં લખાયાં છે. તેમાંના મોટાભાગના ચરિત્રકારોએ ગાંધીજીના જીવનના રાજનૈતિક પાસાને જેટલું મહત્ત્વ આપ્યું છે એટલું એમના રચનાત્મક પ્રયાસો અને આત્મશુદ્ધિના પ્રયોગોને નથી આપ્યું. ગાંધીજીએ જીવનને એની અખિલાઈમાં જોયું છે. એમણે જીવનને આર્થિક, સામાજિક, રાજનૈતિક, આધ્યાત્મિક વગેરે વાડાઓમાં નથી જોયું નારાયણ દેસાઈએ ગાંધીજીવનની આ સમગ્રતાને આલેખવાનો સ્તુત્ય અને સફળ પુરૂષાર્થ કર્યો છે. નારાયણભાઈએ ગાંધીજીનાં સત્યાગ્રહ, રચનાત્મક કાર્યો અને એકાદશ વ્રતો, એ ત્રણેને એકસરખું મહત્ત્વ આપ્યું છે.

नामूलं लिख्यते किंचित्

રાજશેખરની કાવ્યમીમાંસાની પ્રસિદ્ધ સંસ્કૃત ટીકાકાર મલ્લિનાથની આ પ્રતિજ્ઞાને લેખકે સતત નજર સમક્ષ રાખી છે. એકેએક પ્રસંગ, એકેએક સંવાદ, કોઈ પણ સંદર્ભ કે અવતરણ - આ સૌનો અનેક પાદટીપમાં મૂળ આધાર આપ્યો છે. આનાથી આ આકરગ્રંથ સંપૂર્ણપણે આધારભૂત બન્યો છે. ઝીણામાં ઝીણી વિગત ખૂણેખાંચરેથી લેખકે મેળવી છે અને પાને પાને એના આધારો આપ્યા છે. લેખકે ઉપયોગમાં લીધેલી સંદર્ભસામગ્રી અવાક્ કરી મૂકે તેવી સમૃદ્ધ છે. એક જન્મમાં વાંચી પણ ન શકાય તેટલા ગ્રંથો તેઓ અનેક વાર જોઈ ગયા હશે, તેમાંથી નોંધો કરી હશે, સ્વીકાર-પરિહાર કર્યો હશે, છેકભૂંસ કરી હશે – આ પુરુષાર્થ આશ્ચર્યચકિત કરી મૂકે તેવો છે. પુસ્તકસૂચિની ટૂંકી, ઘણી ટૂંકી યાદી તો જુઓઃ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ સો ગ્રંથો, ‘મહાદેવભાઈની ડાયરી’ના ૨૩ પ્રગટ અને ૪ જેટલા અપ્રગટ ભાગો, પ્યારેલાલ-સુશીલાના ૧૧ ગ્રંથો, અંગ્રેજી, હિંદી, બંગાળી, મરાઠી જીવનચરિત્રો; તદુપરાંત, દરેક ખંડ માટે અપાયેલ અલાયદી ગ્રંથોની યાદી અભિભૂત કરી મૂકે તેવી છે.

नानपेक्षितमुच्यते

મલ્લિનાથના આ બીજા ચરણને અનુસરવામાં લેખકનો સંયમ નોંધપાત્ર છે. આનાં બે ઉત્તમ દૃષ્ટાંતો છે: સુભાષબાબુ અને વિનોબાનું ઉત્તરજીવન. ‘ગાંધી-સુભાષ: ભિન્નમાર્ગના સહયાત્રીઓ’ એ પ્રકરણ દ્વારા લેખકે સુભાષબાબુને ઐતિહાસિક દૃષ્ટિએ મૂલવ્યા છે અને એમને યોગ્ય ન્યાય પણ આપ્યો છે. ગાંધીજી અને સુભાષબાબુના સમાન ગુણોનું અને બંનેના વ્યક્તિત્વની ભિન્નતાનું લેખકનું પૃથક્કરણ એક ઇતિહાસકારને શોભે તેવું સૂક્ષ્મ અને ઊંડું છે. વિસ્તારભયે આપણે જિજ્ઞાસુ વાચકને ખંડ ૩, પૃ.૨૪૭નો નિર્દેશ કરીને સંતોષ માનીશું. લેખક નોંધે છે કે સુભાષબાબુના ૧૯૪૦ પછીના જીવનની કથા એમના જીવનની કદાચ સૌથી મોટા સાહસની, શૂરતાની અને દેશભક્તિની કથા છે. પરંતુ ગાંધીજીના જીવનચરિત્ર સારુ એ અપ્રસ્તુત હોવાથી એને વિસ્તારથી વર્ણવવાનો મોહ જતો કરે છે. આનાથી પણ વધારે સંયમ વિનોબાના ઉત્તરજીવનને ન આલેખવામાં જળવાયો છે, લેખક વિનોબાના અંતેવાસી હોવા છતાં. ગાંધીજી પાસેથી વિનોબાને વ્યક્તિગત મોક્ષસાધના અને સામાજિક ક્રાંતિનો સમન્વય મળ્યો; આંતરિક જીવન અને બહારના આચરણની એકતા મળી, સંતોનો ઉપદેશ અને જમાનાની માગ ગાંધીજીમાં વિનોબાએ એક થતાં જોયાં, વિનોબામાં ગાંધીજીને આશ્રમના વ્રતોનું ઉત્તમ રીતે પાલન કરનાર સાધક મળ્યા. પોતાનાં સૂચવેલાં રચનાત્મક કાર્યોને વૈજ્ઞાનિક રીતે સમજીને લોકો પાસે પહોંચાડનાર સેવક મળ્યા. એ ઉપરાંત ગાંધીજીને વિનોબામાં સત્યાગ્રહનું પરિશીલન કરી તેના શાસ્ત્રને મૂળમાંથી સમજી તેને શોધન-સંશોધન કરનાર ચિંતક મળ્યા. છતાં સ્વરાજ પછીનાં ૩૫ વર્ષોમાં વિનોબાના જીવનના કેટલાક ઉજજ્જવળ પ્રસંગોનો અને ભૂદાન-ગ્રામદાન, ગ્રામસ્વરાજ-આંદોલન વગેરે સત્ય-અહિંસાના આદર્શોને ચરિતાર્થ કરવાના વિનોબાના આપેલા કાર્યક્રમોનો લેખક માત્ર નામોલ્લેખ જ કરે છે. આમ ગાંધીજીવન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો સંયમ પ્રશંસનીય છે.

અને છતાં અપેક્ષા

પ્રસ્તાવનામાં નારાયણભાઈએ સ્પષ્ટ જ કર્યું છે કે અમુક પ્રસંગ, લેખક કે પુસ્તકનો ઉલ્લેખ કેમ નથી કર્યો એવો પ્રશ્ન રસિક વાચકો જરૂર પૂછી શકે. દા.ત. પુસ્તકસૂચિમાં શ્રી રવીન્દ્ર કેળકરના મરાઠી પુસ્તક ‘જ્ઞાનનિધીંચ્યા સાંનિધ્યાત્’ના શ્રી સરોજબહેન નાણાવટીના ગુજરાતી અનુવાદ ‘કાકાસાહેબ સાથે વિવિધ વાર્તાલાપો’નો ઉલ્લેખ નથી. નારાયણભાઈ આ પુસ્તક જોઈ શક્યા હોત તો એમણે જરૂર નીચેના બે સંવાદોને એમના ગ્રંથોમાં સ્થાન આપ્યું હોત. કાકાસાહેબ એક વાર ગાંધીજીને ફરિયાદ કરે છે કે તમે અમારા માર્ગદર્શક છો છતાં અમારા દોષ કેમ સહન કરો છો? અમને તે બતાવતા કેમ નથી? ગાંધીજીનો જવાબ તેમના વ્યક્તિત્વને અજવાળે તેવો માર્મિક છે: ‘હું એક કુશળ માળી છું... એ એક છોડ વાવે એટલે એને ખાતર-પાણી આપે. હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઊગે છે. ઘાસને પણ પેલું ખાતર-પાણી મળે છે. છોડની દૃષ્ટિએ ઘાસ અનિષ્ટ છે. છતાંય માળી એને તરત ઉખેડી નથી નાખતો. એને ખબર છે કે ઘાસ ઉખેડવા જઈશ તો પેલો છોડ પણ કદાચ ઊખડી જશે. તેથી એ ધીરજ રાખે છે. પછી કાળાંતરે જ્યારે એની ખાતરી થાય છે કે હવે છોડનાં મૂળિયાં મજબૂત થયાં છે, ત્યારે જ એ અત્યંત કુશળતાપૂર્વક પેલું ઘાસ ઉખેડી નાખે છે.” પછી ગાંધીજી ઉમેરે છે, “એ ઘાસને….. અક્કલ હોત તો…… તે પોતાની મેળે ત્યાંથી નીકળી જાત....” ગાંધીજીના અગાધ આત્મવિશ્વાસનું દૃષ્ટાંત આચાર્ય કૃપાલાની સાથેના આ સંવાદમાં જોવા મળે છે: “કૃપાલાનીએ જ્યારે કહ્યું: “ગાંધીજી, હું ઈતિહાસનો પ્રાધ્યાપક છું, અહિંસાથી સ્વરાજ્ય મળ્યાનો એક દાખલો મને મનુષ્યજાતિના ઈતિહાસમાં મળ્યો નથી.” ગાંધીજી નિરભિમાનપણે છતાં આત્મવિશ્વાસથી કહે છેઃ “તમે ઈતિહાસ શીખવનારા છો; હું ઈતિહાસ ઘડનારો છું.” (‘કવિની શ્રદ્ધા’, પૃ.૧૮૨ અને પૃ.૧૮૪) અલબત્ત, ગાંધીચરિત્રનો દરેક વાચક આવી કોઈક ને કોઈક વિગતની અપેક્ષા રાખે. આમાં દોષ લેખકનો નથી, હોય તો ગાંધીની પ્રતિભાનો છે! બીજાં ૨,૦૦૦ પાનાંમાં પણ એનો સંપૂર્ણ સમાવેશ ન જ થઈ શક્યો હોત.

સાથી - સંગાથી - અંતેવાસી

“મારાં સદ્ભાગ્ય એવાં છે કે મને હંમેશાં શ્રદ્ધાવાન, નીતિવાન, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ સખા, કહો કે સેવક, મળ્યા છે,” (‘ગાંધીજી’ ખંડ ૨, પૃ.૩૯૨) દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન આવ્યા ત્યારબાદની ગાંધીજીની કદાચ સૌથી મોટી ફલશ્રુતિ કહી શકાય - ઉત્તમ સાથીઓની પ્રાપ્તિ. ૧૯૧૬થી માંડીને ૧૯૨૧ સુધીમાં ગાંધીજીએ એવા સાથીઓની ખોજ કરી લીધી કે જેમણે પોતાની પૂરી શક્તિ ગાંધીજીની મારફત દેશને સમર્પણ કરી. વિનોબા, મશરૂવાળા, કાકાસાહેબ, મહાદેવભાઈ, નરહરિભાઈ, સ્વામી આનંદ, કૃપાલાણી, ઠક્કરબાપા, પ્યારેલાલ, વાલજીભાઈ, રવિશંકર મહારાજ, જમનાલાલ બજાજ - કેટલાં કેટલાં નામ ગણાવીએ? એક એકથી ચડિયાતા વ્યક્તિત્વવાળા એમના વફાદાર સાથી બનીને રહ્યા. આટઆટલા શક્તિશાળી અને પ્રતિભાશાળી યુવાનો ગાંધીજી પ્રત્યે કેમ આકર્ષાયા તેનું નારાયણ દેસાઈનું પૃથક્કરણ જેટલું ઐતિહાસિક છે તેટલું જ તત્ત્વાન્વેષી છે. તેઓ નોંધે છે કે ગાંધીજી પ્રત્યેના આકર્ષણનું એક મહત્ત્વનું કારણ ઐતિહાસિક હતું. તે વખતના સમાજકારણમાં બે આદર્શો પ્રવર્તતા હતા: એક આદર્શ યોગસાધના દ્વારા મુક્તિ મેળવવાનો અને બીજો, દેશસેવામાં ખપી જવાનો. ગાંધીજીના કાર્યક્રમમાં આ યુવાનોને આ બંને આદર્શોનો સમન્વય દેખાયો. તેમણે જોયું કે હિંસા દ્વારા ક્રાંતિ કરવા મથતા લોકોમાં દેશ ખાતર બલિદાન આપવાની તૈયારી હતી, પરંતુ છૂટીછવાયી હિંસાનો કાર્યક્રમ તેમને સફળ થતો દેખાતો નહોતો. રામકૃષ્ણ-વિવેકાનંદથી માંડીને શ્રી અરવિંદ સુધીના આધ્યાત્મિક માર્ગની ભૂમિકા ઊંચી હતી, પણ તેમના અધ્યાત્મની દેશની આઝાદીની લડત પર કાંઈ સીધી અસર નહોતી થતી. “૧૯૧૮-૧૯ સુધીમાં તેમણે જોઈ લીધું કે ગાંધીજીના સત્યાગ્રહમાં નરમ દળની વિનમ્રતા, ગરમ દળની તીવ્રતા, ક્રાંતિકારીઓની બલિદાનવૃત્તિ અને યોગીઓની આધ્યાત્મિકતાનો સમન્વય થતો હતો.” (ખંડ ૨, પૃ.૧૭) ગુણવત્તાની દૃષ્ટિએ વિનોબા, મશરૂવાળા, મહાદેવભાઈ, કાકાસાહેબ, સ્વામી આનંદ જેવા અનેક તેજસ્વી અને તપસ્વી સાથીઓ ગાંધીજીએ મેળવ્યા તેમ સામર્થ્યની દૃષ્ટિએ, તેમણે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસથી શરૂ કરીને સરદાર પટેલ, જવાહરલાલ, મૌલાના આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ અને રાજાજી વગેરેનો સાથે મેળવ્યો.

રેખાચિત્રો

જીવંત રેખાચિત્રો આલેખવાની લેખકની શક્તિ અસાધારણ છે. ‘મહાદેવભાઈની ડાયરી’ જેમણે વાંચી હશે તેમને લાગશે કે આ નારાયણભાઈની પૈતૃકી સંપત્તિ છે. ગાંધીજી સાથે સંપર્કમાં આવેલી મહત્ત્વની વ્યક્તિઓનાં ચિત્રો ગ્રંથમાં વારંવાર જોવા મળે જ છે. પરંતુ ગાંધીજી સાથે નિકટના સંપર્કમાં આવેલા પાંચ મહાન આત્માઓને લેખકે સ્વતંત્ર પ્રકરણો ફાળવ્યાં છે. આત્મતનયા મીરાં (મિસ મેડેલીન સ્લેડ; આશ્રમમાં આવતાંની સાથે જ ગાંધીજીએ મેડેલીન સ્લેડને ભારતીય નામ આપેલું), આશ્રમનો પ્રાણ મગનલાલભાઈ, સામ્યયોગી વિનોબા, દિનબંધુ એન્ડ્રુઝ અને પરમભક્ત મહાદેવભાઈ. આ એકેએક વ્યક્તિચિત્ર ગાંધીજી સાથેની આત્મીયતાની ઉષ્માથી અને નારાયણ દેસાઈની શૈલીનાં રંગરેખાથી સમૃદ્ધ બન્યું છે. પણ આપણે તો માત્ર બે જ, અને તે પણ અતિસંક્ષેપમાં જોઈશું.

વિનોબા

ગાંધીજીના જીવનમાં અસંખ્ય લોકો એવા આવ્યા છે જે તેમનાથી પ્રભાવિત થાય છે. થોડાક એવા પણ આવ્યા છે કે જેમનાથી ગાંધીજી પ્રભાવિત થયા છે. વળી ત્રીજા પ્રકારના એવા લોકો પણ આવ્યા છે જે ગાંધીજીથી પ્રભાવિત થયા હતા, અને જેમનાથી ગાંધીજી પણ પ્રભાવિત થયા હતા. આમ પરસ્પર પ્રભાવ પાડનારા લોકોમાં વિનોબા અનન્ય હતા. વિનોબાના કર્મયોગ અને જ્ઞાનયોગનો સાર નારાયણભાઈએ એક જ વાક્યમાં આપ્યો છે: “મગનલાલ ગાંધીની કાર્યકુશળતા સાથે એમનામાં જાણે કે કિ. ઘ. મશરૂવાળાની સિદ્ધાંતનિષ્ઠા ભેગી થઈ હતી.” (ખંડ ૩, પૃ.૩૫૧) વિનોબા ગાંધીજીને પિતાતુલ્ય ગણે છે પણ ગાંધીજી વિનોબાને સમકક્ષ ગણે છે. નારાયણભાઈ એક અદ્ભુત સંવાદ ટાંકે છે. ગાંધીજી મહાદેવભાઈને પુછે છે : “મહાદેવ, આ ઘણા સંતો અને મહાત્માઓ સદેહે ઈશ્વરસાક્ષાત્કાર થયો હોવાનો દાવો કરે છે તે સત્ય હશે કે ભાષાનો અલંકાર જ હશે?” મહાદેવભાઈ જવાબમાં કહે છે, “બાપુ, મને તો લાગે છે કે સત્ય હશે. આમ કહેનારા અનેક સાધુજનો હતા. એમને પોતે સાક્ષાત્કાર કર્યો છે એમ કહેવડાવવામાં કાંઈ સ્વાર્થ નહોતો……… મને એમના વચન વિશે શંકા કરવાનું કાંઈ કારણ લાગતું નથી.” બાપુને સમાધાન થયું નહીં. એ કહે કે “સસીમ શરીરી અસીમ ઈશ્વરનો સાક્ષાત્કાર શી રીતે કરી શકે?" એ વિનોબાને ચર્ચામાં ભેળવે છે. વિનોબા પણ મહાદેવભાઈ સાથે સંમત થાય છે. તોયે બાપુને સમાધાન ન થયું. હવે જુઓ વિનોબાની તીવ્ર તાર્કિકતા અને ઊંડી શ્રદ્ધાઃ “બાપુ, આપ ‘અંતરના અવાજ’ની વાત કરો છો, તે સાચેસાચ સાંભળે છો કે ભાષાનો અલંકાર જ?” બાપુએ કહ્યું, “ના, એમાં અલંકાર જેવું કાંઈ નથી. એ અવાજ તો મને બરાબર તમને અત્યારે સાંભળું છું તેનાથીયે સ્પષ્ટ સંભળાય છે. કોઈ કોઈ વાર તો મારે એ અવાજ સાથે સંવાદ પણ થાય છે." વિનોબાએ કહ્યું: “જો અસીમ ઈશ્વરનો શબ્દ શ્રવણેન્દ્રિય દ્વારા સસીમ મનુષ્યદેહમાં પહોંચી શકતો હોય તો તેનું રૂપ નયનેન્દ્રિય દ્વારા મનુષ્યદેહમાં કેમ ને પહોંચી શકે?” બાપુએ કહ્યું : “હવે આ વાત કાંઈક ગળે ઊતરે છે ખરી!” (ખંડ ૩, પૃ.૧૦૨-૩)

મહાદેવભાઈ

મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા. તેમાંથી બરાબર અર્ધા, એટલે કે ૨૫ વર્ષ તેમણે ગાંધીજી સાથે ગાળ્યાં. પરંતુ આ પચાસ વર્ષમાં, ગાંધીજીએ કહ્યું છે તેમ, સો વર્ષ જેટલું કામ મૂકી ગયા. મહાદેવભાઈ ઉત્તમ સાહિત્યકાર થઈ શક્યા હોત. સાહિત્યકારની સંવેદનશીલતા અને શબ્દસમૃદ્ધિ એમને સહજ હતી. પરંતુ એમણે એમનું સર્વસ્વ બાપુને ચરણે સમર્પી દીધું હતું. છતાં, પ્રમાણમાં બહુ ઓછાં એવાં એમનાં ભાષાંતરોએ મહાદેવભાઈને આપણા ભાષાંતરસાહિત્યમાં આગવું સ્થાન અપાવ્યું છે. મૂળ ગુજરાતીમાં લખાયેલી ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ, નહેરુની અંગ્રેજી આત્મકથાનો ગુજરાતીમાં અનુવાદ, શરદબાબુની બંગાળી નવલકથા ‘વિરાજવહુ’ અને ‘ત્રણ વાર્તાઓ’નો અનુવાદ, રવીન્દ્રનાથનાં ‘ચિત્રાંગદા’ અને ‘પ્રાચીન સાહિત્ય’ના અનુવાદો એમના ઉત્કૃષ્ટ ભાષાપ્રભુત્વના નમૂના છે. રવીન્દ્રનાથનાં ગીતોના અનુવાદ - ‘એકલો જાને રે’, ‘જીવન જ્યારે સુકાઈ જાયે’, તે તો જાણે એ ગીતો મૂળ ગુજરાતીમાં જ સર્જાયાં હોય તેવાં મનોરમ છે. આ બધાંથી દશાંગુલ ઊર્ધ્વ વિશ્વસાહિત્યમાં અપ્રતિમ ‘મહાદેવભાઈની ડાયરી’ના પ્રગટ થયેલા ૨૩ ખંડ - એ વિશે નુકતેચીની કરવાને બદલે લેખકે ટાંકેલા વિજયરાય વૈદ્યના શબ્દો જ પર્યાપ્ત થશે : “એ કૃતિ જેમ એક દૃષ્ટિએ ગ્રંથમણિ છે તેમ બીજી દૃષ્ટિએ રત્નાકર છે. - જાણે ગણ્યાં ગણાય નહીં તેટલાં બહુમૂલ્ય રત્નભર્યો રત્નાકર.” (ખંડ ૪, પૃ.૬૭). નારાયણભાઈએ મહાદેવભાઈના જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માં ગાંધીજી અને મહાદેવભાઈનાં વ્યક્તિત્વની વિશિષ્ટતા અને ભિન્નતાનું અલંકારસમૃદ્ધ છતાં પ્રાસાદિક શૈલીમાં જે આકલન કર્યું છે તે ઉત્કૃષ્ટ કક્ષાનું છે? "બંનેના રૂપમાં આકાશપાતાળ જેટલું અંતર હતું. એકને વિશે સરોજિનીદેવી સહેજે ‘મીકી માઉસ’ શબ્દ ઉચ્ચારી શકતાં, બીજાને ‘ગુલે ગુજરાત’ કહેતાં. બંનેમાં આકર્ષણશક્તિ હતી. બાપુની કર્ષણશક્તિ આત્માના અમૃતમાંથી આવતી અને તેમની કુનેહ એમને પોતાના બહોળા અનુભવમાંથી લાધેલી હતી. મહાદેવની કર્ષણ-શક્તિ તેમના ‘કિરતારે ઘડેલા રૂપ’માંથી આવતી હતી અને એમની મોહકતા એમની પ્રેમામૃત ઝરતી વાણીમાંથી આવતી હતી. "બાપુ જ્ઞાની હતા અથવા કહો કે તેઓ સદા સત્યરૂપી મોતી શોધતા મરજીવા હતા. મહાદેવ ભક્ત હતા. તેઓ નિરંતર બાપુના પ્રેમસરોવરમાં તરતા. બાપુનું કર્મ સત્યપૂત આત્મામાંથી નિષ્પન્ન થતું નિષ્કર્મ હતું. મહાદેવનું કર્મ ભક્તિધૌત, હૃદયમાંથી સ્ફુરતા નિર્મળ, ઊર્ધ્વગામી નિર્ઝર જેવું હતું. બાપુ અનુભવના રત્નાકર હતા. તેથી જ તેઓ સૂત્રકાર હતા. મહાદેવ અનુભવના પ્યાસા ભાષ્યકાર હતા. બાપુ મૌલિક વિચારક અને કેટલીક વાર મૌલિક ભાષા યોજનાર આચાર્ય હતા. મહાદેવ બાપુના મૌલિક વિચારોને લોકો આગળ લૌકિક કે શાસ્ત્રીય ભાષામાં રજૂ કરનાર મીમાંસક હતા. બાપુને સત્યમાં જ એટલો રસ હતો કે તે વિનાનું જીવન એમને ખારું લાગતું. મહાદેવને જીવનના માધુર્યમાંથી જ સત્ય લાધતું. "બાપુનું સમગ્ર વ્યક્તિત્વ વૈશાખની બપોરના સૂર્ય જેવું પ્રખર હતું. મહાદેવનું વ્યક્તિત્વ ચંદ્ર સમાન સૌમ્ય હતું.” (ખંડ ૪, પૃ.૬૨). આગાખાન મહેલમાં મહાદેવભાઈના મૃત્યનું નિરૂપણ મર્મવેધી અને હૃદયદ્રાવક છે. જેલમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસની તલવાર તોળાતી હતી. મહાદેવભાઈ તેથી ચિંતાથી અત્યંત વ્યથિત હતા. આ ચિંતામાં ને ચિંતામાં જ મહાદેવભાઈ મૃત્યુ પામ્યા. સરોજિનીદેવીએ કહ્યું: “ક્યારેય કોઈએ બીજાને માટે જીવન આપ્યું હોય તો તે મહાદેવે.... માણસ બીજાને માટે પોતાના પ્રાણ અર્પણ કરે તેના કરતાં એક માણસ બીજાની શી વધારે સેવા કરે?" (ખંડ ૪, પૃ.૬૦) મહાદેવભાઈને જાણે પોતાના મૃત્યુની આગાહી થઈ ચુકી હતી. એક દિવસે સવારે પ્રાર્થનામાં અત્યંત આર્દ્ર સ્વરમાં કબીરનું ભજન ગાયું :

કર લે સિંગાર ચતુર અલબેલી
સાજન કે ઘર જાના હોગા।
નહા લે ધો લે, સીસ ગૂંથા લે
ફિર વહાં સે નહીં આના હોગા.

મહાદેવભાઈની છેલ્લી પળોમાં ગાંધીજી જે તીવ્રતાથી સાદ પાડે છે "મહાદેવ! ઊઠો! મહાદેવ!” તે નાટ્યાત્મક કરુણ છે. પાછળથી ગાંધીજીએ કહ્યું હતું: ‘એમણે આખી જિંદગી મારી આજ્ઞા ઉથાપી નહોતી. મારા શબ્દો જો એમના કાને પડ્યા હોત તો મને શ્રદ્ધા હતી કે એ મોતનો સામનો કરીને ઊભા થઈ ગયા હોત.” (ખંડ ૪, પૃ.૫૮)

વિવેચક નારાયણ દેસાઈ

મને ખબર છે કે નારાયણભાઈએ સાહિત્યવિવેચન-ગ્રંથાવલોકનનો વ્યવસાય નથી કર્યો! છતાં મેં ચાહીને એમને આ બિરુદ આપ્યું છે. ‘મારું જીવન………”માં ગાંધીજીનાં પાંચ પુસ્તકોનું જે વિવેચન એમણે કર્યું છે તે ગ્રંથાવલોકનના ઉત્તમ નમૂના છે. ‘હિંદ સ્વરાજ’, ‘સત્યના પ્રયોગો’ (આત્મકથા), ‘રચનાત્મક કાર્યક્રમ : તેનું રહસ્ય અને સ્થાન’, ‘મંગળપ્રભાત’ અને ‘અનાસક્તિયોગ’ (ગીતાનો અનુવાદ) - આ પાંચ પુસ્તકોને સ્વતંત્ર પ્રકરણોમાં મૂલવ્યાં છે. દરેકેદરેક પુસ્તકની મહત્ત્વની લાક્ષણિકતાઓ સાર રૂપે સંક્ષેપમાં આપી છે; તેના લેખન પાછળનાં ઉદ્દેશ અને પ્રયોજન આપ્યાં છે; તેનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપ્યો છે; તેની અન્ય લોકોએ કરેલી પ્રશંસા અને ટીકાઓ આપી છે; ટીકાનો યોગ્ય પ્રતિભાવ આપ્યો છે અને સૌથી મહત્ત્વનું, આ પુસ્તકોમાં ગાંધીનાં ચિંતન અને મૂલ્યોની આજની દુનિયામાં કેવી અને કેટલી પ્રસ્તુતતા છે એનું ઊંડું વિશ્લેપણ કર્યું છે. આ પાંચેપાંચ પુસ્તકો અને તેનાં વિવેચનો ગાંધીદર્શનને સમજવા માટે અત્યંત મૂલ્યવાન હોવા છતાં એ સૌને અવલોકવાની સાહ્યબી આપણને પોષાય તેવી નથી. તેથી કેવળ ‘સત્યના પ્રયોગો’ના વિવેચનને જ જોઈશું.

‘સત્યના પ્રયોગો’

ગાંધીજીની આત્મકથા વિશે તો ગુજરાતી સાહિત્યમાં કોણે ન લખ્યું હોય? કેટકેટલા સાહિત્યકારો, ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારો, ચિંતકો, સૌએ ‘સત્યના પ્રયોગો’ વિશે કોઈક ને કોઈક નિમિત્તે લખ્યું છે. આ સૌ લેખોમાં નારાયણ દેસાઈનું વિવેચન ઉત્તમોત્તમ વિવેચનોમાંનું છે. તત્ત્વચિંતનની કૃતિ તરીકે તેમણે કરેલું મૂલ્યાંકન અમૂલ્ય છે. નારાયણભાઈ નોંધે છે કે માનવજાતને ગાંધીજીની ત્રણ મોટી દેણ છે : સત્યાગ્રહ, એકાદશ વ્રત અને રચનાત્મક કાર્ય. ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’માં ગાંધીજીની ત્રણે દેણનાં બીજ પડી ચૂક્યાં છે અને અંકુરિત પણ થઈ ચૂક્યાં છે. રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં સત્ય તેમને ન્યાયરૂપે દેખાયું છે અને એ ન્યાય મેળવવાની અને અન્યાયનો પ્રતિકાર કરવાની પ્રક્રિયા એ સત્યાગ્રહ છે. સત્યાગ્રહી જીવન જીવતાં જે વ્યક્તિગત ગુણોને સામૂહિક મૂલ્યો તરીકે સ્થાપવાની ગાંધીજીને જરૂર જણાઈ તેમાંથી એકાદશ વ્રતો ઊપજ્યાં. સત્યની પૂજાનું માધ્યમ તેમણે દરિદ્રનારાયણની સેવાને માન્યું છે. તેમાંથી રચનાત્મક કાર્યક્રમો સૂઝ્યા છે. “સત્યાગ્રહ, એકાદશ વ્રત અને રચનાત્મક કાર્યના મંગળ ત્રિકોણની અભિવ્યક્તિ તે ‘આત્મકથા’.” (ખંડ ૨, પૃ.૩૭૪) તત્ત્વવિચારની એક મહાન કૃતિ તરીકે જ નહિ, પણ એક ઉત્તમ સાહિત્યકૃતિ તરીકે પણ લેખકે એનું યથાર્થદર્શી મૂલ્યાંકન કર્યું છે. તેઓ નોંધે છે કે ગાંધીજીએ કેટલાક નવા શબ્દો કે પ્રતીકો પણ ઘડ્યાં છે. એમની ત્રણે દેણ સારુ એમને મૌલિક શબ્દો યોજવા પડ્યા છે. ગાયને ‘કરુણાનું કાવ્ય’ અને વિધવાને ‘ત્યાગમૂર્તિ’ કહેવામાં ગાંધીજીની લાક્ષણિક સંકેતો શોધવાની એ જ હૈયાસૂઝ કામ લાગી છે. નારાયણભાઈ નોંધે છે કે ‘આત્મકથા’ની ગદ્યશૈલીનો પરમ ગુણ છે લાઘવ. લાઘવના આ ગુણમાંથી જ આત્મકથાનાં ટૂંકાં પ્રકરણો, નાના નાના ફકરાઓ, અને કોઈ વાર તો સાવ બચુકડા શબ્દો અવતરે છે. ‘આત્મકથા’નાં કુલ ૧૬૯ પ્રકરણોમાંથી ૫૦ જેટલાં પ્રકરણોનાં મથાળાં એક શબ્દનાં બનેલાં છે, અને તેમાંથીયે પાંચ તો માત્ર બે અક્ષરોનાં જ છે. તેમાંયે પાંચમા ખંડના ૪૦મા પ્રકરણનું મથાળું ‘મળ્યો’ તો આર્કિમીડિઝના ‘યુરેકા’ની યાદ અપાવે તેવું છે. ગાંધીજીની સૂત્રાત્મકતા વિશેના નારાયણભાઈના વિવેચનમાં તત્ત્વવિચાર અને સાહિત્યિકતાનો એકીસાથે વિનિયોગ થયો જોવા મળે છે. તેઓ દર્શાવે છે કે સ્વાનુભવ સાથે જ્યારે લાઘવ જોડાય ત્યારે તેમાંથી સૂત્રો જન્મે છે. એ સૂત્રોમાં પણ ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ અર્થ ભરી દે તેવાં વાક્યોને આપણે મહાવાક્ય તરીકે ઓળખીએ છીએ. ‘સોઽહમ્’ કે ‘તત્ત્વમસિ’ જેવાં મહાવાક્યોથી ઉપનિષદોનું અર્થગાંભીર્ય ગુંજી ઊઠે છે. ‘આત્મકથા’માં પણ આપણને એવાં મહાવાક્યો જડે છે: સત્ય એ જ પરમેશ્વર છે. મૂળ રોગ વ્યક્તિમાં નહીં, વ્યવસ્થામાં છે. અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. ‘આત્મકથા’ના અન્ય પ્રશંસકો-વિવેચકોની જેમ જ નારાયણભાઈ કહે છે કે “ગાંધીજીએ આત્મકથા ગુજરાતીમાં ન લખી હોત તો ગુજરાતી ભાષા એક મહાન ગ્રંથથી જ નહીં, પણ કદાચ વિશ્વસાહિત્યની કક્ષાએ ચડવાથી જ વંચિત રહી ગઈ હોત.” (ખંડ ૨, પૃ.૩૭૭).

ઇતિહાસકાર નારાયણ દેસાઈ

દેશ અને કાળના પૂરેપૂરા ઐતિહાસિક સંદર્ભ વિના ગાંધીચરિત્રનું નિરૂપણ લગભગ અશક્ય ગણાય. એક ઉત્તમ ઇતિહાસકારની અદાથી નારાયણભાઈએ કથાનાયકની વાત કહેતાં બીજાં પાત્રો, ઘટનાઓ, પરિસ્થિતિઓ, વિચારપ્રવાહો કે વાદવિવાદોનું ઊંડાણથી પરીક્ષણ અને આલેખન કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના આવિર્ભાવને સમજવા માટે નાતાલ - ડરબન વગેરેના સંસ્થાનવાદી ગોરાઓ, હિંદી વસાહતીઓની અવમાનના, રંગભેદની નીતિ, ગિરમીટ પ્રથા અને ગિરમીટિયાઓ, બ્રિટિશ સામ્રાજ્યવાદ, ફિનિક્સ વસાહત, અને ટોલ્સટૉય વાડી (આશ્રમ નામ પછી મળ્યાં) અને જનરલ સ્મટ્સ કે જે ગાંધીજી વિશે કહે છે કે ‘આ માણસના પેંગડામાં પગ ઘાલવા જેવી મારી લાયકાત નથી.” (ખંડ ૪, પૃ.૫૨૪) - આ સૌને જાણવા-સમજવાનું અનિવાર્ય છે. ગાંધીજીવન એક પછી એક ભવ્ય ઐતિહાસિક પ્રસંગોની પરંપરા છે. આપણે દૃષ્ટાન્ત તરીકે એક જ પ્રસંગનું નારાયણભાઈનું નિરૂપણ અવલોકીશું અને તે છે દેશનું વિભાજન, હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા. ઈતિહાસકાર તરીકે લેખકની વિશેષતા તે તે વિષયનો સાંગોપાંગ અભ્યાસ છે. સમગ્ર ગાંધીચરિત્ર ને પ્રસ્તુત અનેક ગ્રંથો તેઓ જોઈ ગયા છે અને એની નાનકડી યાદી આપણે પણ શરૂઆતમાં મૂકી છે. પરંતુ ચોક્કસ પ્રસંગને લગતાં અનેક પુસ્તકોને જોવાનું પણ તેઓ ચૂક્યા નથી. ભાગલા વિશેનાં પુસ્તકોની આ યાદી જુઓ : અશોક મહેતા અને અચ્યુત પટવર્ધનનું ‘હિંદનો કોમી ત્રિકોણ’, રાજમોહન ગાંધીનું ‘અન્ડરસ્ટૅન્ડિંગ ધ મુસ્લિમ માઈન્ડ’, મૌલાના આઝાદનું ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’, બ્રિટિશ સરકારનું ‘ટ્રાન્સફર ઑફ પાવર’, ડી. કે. ઝાનું ‘મહાત્મા ગાંધી, ધ કૉંગ્રેસ ઍન્ડ ધ પાર્ટિશન’ અને રામમનોહર લોહિયાનું ‘ગિલ્ટી મૅન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ તેમજ લૅરી કૉલિન્સ અને ડોમિનિક લાપિયેરેનું ‘માઉન્ટબૅટન અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા’ તથા એલન કૅમ્પબેલ જહોનસનનું ‘મિશન વિથ માઉન્ટબૅટન’. ઈતિહાસકાર નારાયણ દેસાઈનું સૌથી મૂલ્યવાન અર્પણ એ છે કે અનેક ઐતિહાસિક પુરાવાઓ અને દસ્તાવેજી આલેખોના આધારે એમણે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે દેશના ભાગલાનો ગાંધીજીએ આરંભથી અંત સુધી વિરોધ કર્યો હતો, ક્ષણવાર પણ વિભાજનને સંમતિ નહોતી આપી. આની વિગતોમાં ઊતરવાનું આપણા માટે અશક્ય છે. પરંતુ દેશવિભાજનની આ કરુણાંતિકામાં મુખ્ય મુખ્ય પાત્રોએ આપેલા ફાળાની વાત ટૂંકમાં આપણે કરી શકીએ. કોઈ એક વ્યક્તિને ફાળે જે વિભાજનનો અપયશ વધુમાં વધુ જતો હોય તો તે મહમદઅલી ઝીણાને. તેમની ચતુરાઈ અને ચાલબાજીએ, તેમની ઠંડા કલેજાની મક્કમતાએ, યેનકેન પ્રકારેણ આંતરવિગ્રહના ભોગે પણ પાકિસ્તાન સિદ્ધ કરીને તેના સર્વેસર્વા કાયદે આઝમ બનવાની મહત્ત્વાકાંક્ષાએ અખંડ હિન્દુસ્તાનના સ્વપ્નાને રોળી નાખ્યું. બ્રિટિશ સામ્રાજ્યવાદની ‘ભાગલા પાડો ને રાજ કરો’ની નીતિએ મુસ્લિમ લીગને સતત ઉત્તેજન આપેલું ને સત્તાની ફેરબદલી વખતે પણ તેના પ્રતિ પક્ષપાત દર્શાવેલો. લૉર્ડ માઉન્ટબૅટને દેશને અવિભાજિત રાખવા કરતાં બ્રિટિશ લક્ષ્યને પાર પાડવા પોતાની મોહિની અને હોશિયારીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. સૌથી ખેદજનક અને કરુણાજનક પ્રતિભાવ હતો કૉંગ્રેસી નેતાઓ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલનો. બ્રિટિશ સરકારે જ્યારે હિંદ ખાલી કરી જવાની જાહેરાત કરી દીધી, અને સ્વરાજનું અમૃતફળ યારે ‘ઇતિહાસના વૃક્ષ’ પર દેખાવા માંડ્યું ત્યારે કૉંગ્રેસી નેતાઓ એ ફળ ચાખવા અધીરા બની ગયા. કોઈ પણ ભોગે દેશની અખંડિતતા નંદવી ન શકાય એ આખી જિંદગી જપેલો મંત્ર તેઓ ભૂલી ગયા. નહોતા ભૂલ્યા એક ગાંધી. “કૉંગ્રેસના આ બંને નેતાઓ ઈમાનદાર, રાષ્ટ્રભક્ત, ત્યાગી અને મહેનતુ હતા. પણ બીજા અનેક નેતાઓની માફક ઢળતી ઉંમરના, શરીરે જીર્ણ, નવેસરથી લડી લેવાની વૃત્તિ ખોઈ બેઠેલા અને મહદ્ અંશે સત્તાનો સ્વાદ ચાખી તેને પ્રાપ્ત કરવા ઉતાવળા થયા હતા. આ છેલ્લી બાબતમાં સરદાર કરતાં જવાહર ઘણા વધારે. “આ બધાની વચ્ચે ઊભા હતા ગાંધીજી. સાથીવિહોણા છતાં જેમણે સાથ છોડ્યો હતો તેમના પ્રત્યે કરુણાવાન અને ઉદાર, ઘણે અંશે લાચાર અને મહાભારતના વેદવ્યાસની માફક ઊર્ધ્વબાહુ કરીને ‘મારું કોઈ સાંભળતું નથી’ એમ પોકારી ઊઠનાર છતાં છેવટ સુધી સૈદ્ધાંતિક રીતે ભાગલાનો મનથી સ્વીકાર ન કરનાર અને તે કાળે પ્રવર્તી રહેલી હિંસાની મહાજ્વાલાઓમાં કૂદી પડી એને શમાવવા મથનાર.” (ખંડ ૪, પૃ.૩૮૧) ૧૯૨૨ના ચૌરીચૌરાના હત્યાકાંડને લીધે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની લડતને મોકૂફ રાખી ત્યારે કૉંગ્રેસી નેતાઓએ એમની આકરી ટીકા કરેલી. પંડિત નહેરુએ બુદ્ધિપૂર્વક એની વિરુદ્ધ દલીલો કરી આ ઘટના પછી બારેક વર્ષે લખેલ ‘મારી જીવનકથા’માં ઉમેર્યું છે: “ગાંધીજી અંતઃપ્રેરણાથી જ કામ લે છે... તેમનો નિર્ણય સાચો હતો.” (ખંડ ૨, પૃ.૨૦૪). ૧૯૪૨માં ક્રિપ્સ યોજના વિશે કૉંગ્રેસ કારોબારીમાં થયેલી ચર્ચામાં સરદાર વલ્લભભાઈએ કહેલું, “...બધી નિર્ણાયક બાબતોમાં ગાંધીજી સહજસ્ફૂર્તિથી જે ઠરાવે છે તે સાચું હોય છે. આવું વારંવાર બની ચૂક્યું છે." (ખંડ ૪, પૃ.૨૭). ખુદ ભાગલા વિશે કૃપાલાનીજીએ કહેલું કે “મારા ભારે બુદ્ધિપૂર્વકનાં વલણો કરતાં તેમની રાજકીય સ્વયંસ્ફૂર્તિ વધારે સાચી હોવાનું મેં માન્યું છે. આજે પણ મને લાગે છે કે, તેમની અપરંપાર નિર્ભયતાને લઈને તેઓ સાચા છે અને મારું વલણ ખામીભર્યું છે.” (ખંડ ૪, પૃ.૩૬૫) ભાગલા પછી ૧૯૪૯ના ઑક્ટોબરની ૧૬મી તારીખે ન્યૂયોર્કમાં પંડિત નહેરુએ કબૂલ કર્યું હતું કે, “ખૂનામરકી વગેરેના રૂપમાં ભાગલાનાં ભીષણ પરિણામોની અમને જાણ હોત તો અમે હિંદના ભાગલાનો વિરોધ કર્યો હોત.” રાજેન્દ્રબાબુએ બીજી એક જગાએ કહ્યું, “આની અમને જરા સરખી પણ જાણ હોત તો કેવું સારું થાત!” ને મૌલાના આઝાદ એક ઠેકાણે બોલ્યા હતા: ‘એ વખતે અમે બાપુની વાત ન સાંભળી એ અમારી મોટી ભૂલ હતી.” (ખંડ ૪, પૃ.૩૬૫). અરેરે, જિંદગી આખી ગાંધીને અનુસરનાર નેતાગણને દેશવિભાજનની આ કટોકટી વખતે ગાંધીજીને અનુસરવાની સદ્બુદ્ધિ સૂઝી હોત તો હિંદુસ્તાન અને પાકિસ્તાન આજ સુધી ચાલુ રહેલી ભયંકર ટ્રૅજેડીમાંથી ઊગરી ગયા હોત.

“આંસુ લૂછવા જાઉં છું.”

ભાગલાના નિર્ણયને પરિણામે કલહ મટશે એવી કૉંગ્રેસ મોવડીઓની કલ્પના હતી, તે બાબતે એ બધા ખોટા પડ્યા હતા અને ગાંધીજીએ જેનું અનુમાન કર્યું હતું તે વિનાશકારી ચિત્ર, દુર્ભાગ્યે, સાચું પડ્યું હતું. દેશના ભાગલા આટલા લોહિયાળ બની રહેશે એવું વિભાજન કરાવનારા કે તેને સ્વીકારનારા લોકોની કલ્પનામાંયે નહોતું. લૅરી કૉલિન્સે અને ડોમિનિક લાપિયેરેએ પોતાની ‘માઉન્ટબૅટન ઍન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા - ૧૬ ઓગસ્ટ ૧૯૪૭ - ૧૮મી જૂન ૧૯૪૮’ની પ્રસ્તાવનામાં બહુ સંક્ષેપમાં સચોટ રીતે આ વાત કહી છે: “ભારત વિશેની પેલા સુવિખ્યાત તજ્જ્ઞો, વાયવ્ય સરહદના પેલા (ગવર્નર) ઓલેફ કેરો, પંજાબના જેન્કિન્સ સુધ્ધાં કોઈને જે આફત આવી પડવાની હતી તે કેટલી જબરદસ્ત મોટી હશે, અને હિંદને જે હિંસાનું મહાપૂર ડુબાડી દેવાનું હતું તેનો કોઈ કહેતાં કોઈનેય ખ્યાલ નહોતો. “રાજકારણીઓમાં પણ કોઈ અગમબુદ્ધિનું નહોતું. ઝીણા, લિયાકત અલી ખાન, નહેરુ, પટેલ, બધા એ મહાન વિસ્ફોટને નાનો કરીને આંકતા હતા. કદાચ એ એમની જવાબદારીઓના ભાનનું પ્રતિબિંબ હોય. કદાચ એની પાછળ એમની એવી અભિલાષા કામ કરતી હશે કે સ્વતંત્રતા આવવાના માર્ગમાં આડે કાંઈ ન આવે. ગમે તે કારણ હોય, માત્ર એક જ અવાજ એવો હતો જે સતત ચેતવણી આપ્યા કરતો હતો કે વિભાજન પછી એવું પ્રચંડ તોફાન આવશે કે દેશમાં કત્લેઆમ કરાવશે અને લોહીની નદીઓ વહેવડાવશે. એ અવાજ હતો ગાંધીનો." (ખંડ ૪, પૃ.૩૮૯). જીવનના અંતિમ અધ્યાયમાં ગાંધીજીના સ્વાર્પણનું પ્રથમ સોપાન હતું નોઆખલી, પંદરમી ઑગસ્ટ ૧૯૪૭નો દિવસ ગાંધીજી સારુ આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મશુદ્ધિનો દિન હતો. દેશ આખો જ્યારે સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ મનાવતો હતો ત્યારે નોઆખલીમાં એકલા-અટૂલા ગાંધીજીની સ્થિતપ્રજ્ઞતાને લેખકે ચિરંજીવ શબ્દોમાં આલેખી છે. ‘ગીતાએ તેમને અનાસક્તિ શીખવી હતી, તેથી ત્રીસ વર્ષના મહાપુરુષાર્થ બાદ આજે સ્વાતંત્ર્ય રૂપે જે ફળ મળવાનું હતું તેના હર્ષશોક બંનેથી પર રહી તેઓ આત્મસ્થ થઈને બેઠા હતા. આઝાદીની લડાઈની સુરાસુર શક્તિઓના સાગરમંથનમાંથી નીકળેલું અમૃત સૌને મળી રહે એટલા સારુ એ મંથનમાંથી નીકળેલ ભાગલારૂપી ઝેરને પોતાના કંઠે ધારણ કરીને તેઓ બેલિયાઘાટાના હૈદરી મેન્શનમાં બેસી મૌનપૂર્વક ચરખો ચલાવતા હતા.” (ખંડ ૪, પૃ.૩૪૫). નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હીની યાત્રામાં રવીન્દ્રનાથનું આત્મસમર્પણનું ગીત તેમની પ્રેરણા હતું:

તારી જો હાક સૂણી કોઈ ના આવે
તો તું એકલો જાને રે!

આ ભયંકર તાંડવમાં લાખોની સંખ્યામાં ખુવારી થઈ, કરોડોની સંખ્યામાં વસ્તીની ફેરબદલી થઈ, લોકો ઉપર અસહ્ય અત્યાચારો ગુજારવામાં આવ્યા-આનો કમકમાટીભર્યો ચિતાર લેખકે આપ્યો છે. પરંતુ આ સમસ્ત સમય દરમિયાન વૈદનાથી આતમ હૈયાંઓને ગાંધીની સંવેદના કરુણાની શીતળતા પ્રદાન કરતી હતી. ગાંધીજીની હાજરી ચમત્કારિક હતી. ખુદ માઉન્ટબૅટને ગાંધીજીને લખ્યું: "પંજાબમાં અમારી પાસે પંચાવન હજાર સૈનિકો છે અને વિશાળ પાયા પર ત્યાં રમખાણો ચાલી રહ્યાં છે. બંગાળમાં તમારું દળ એક જ આદમીનું બનેલું છે અને ત્યાં બિલકુલ રમખાણો નથી; એક લશ્કરી અમલદાર તરીકે તેમજ એક વહીવટકર્તા તરીકે ‘એક આદમીના સીમાદળ’ને મારા તરફથી મુબારકબાદી આપવા દો!” (ખંડ ૪, પૃ.૪૦૬).

તાટસ્થ્યનો અભાવ

ભાગલાની સૌથી ગંભીર જવાબદારી - Criminal responsibility મહમદઅલી ઝીણાની છે એ સર્વવિદિત અને લગભગ સર્વસામાન્ય છે. થોડાક કટ્ટર કોમવાદી મુસ્લિમો સિવાય સૌએ આ સ્વીકાર્યું છે. નારાયણભાઈએ રામમનોહર લોહિયા સિવાય કૉંગ્રેસ કારોબારીના બધા જ સભ્યોની વત્તેઓછે અંશે જવાબદારી હતી એનો ચિતાર આપ્યો છે. ઝીણાસાહેબ કુશાગ્ર બુદ્ધિશાળી હતા. તેમને સમજાઈ ગયેલું કે અખંડ હિન્દુસ્તાનમાં એમનો નંબર પહેલા દસમાં નહોતો. પંડિત નહેરુ, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ, રાજાજી, આચાર્ય કૃપાલાણી, મૌલાના આઝાદ વગેરે નેતાઓ પછી હતો, જ્યારે પાકિસ્તાનમાં એ એક અને અનન્ય હતા, કાયદે આઝમ ઝીણા હતા. આ સત્તાપ્રેમને લીધે આ સત્યાનાશની હોળી એમણે સળગાવી. પણ ગાંધીજીનું શું? મારી ધૃષ્ટ મતિ એમ કહે છે કે ઝીણા પછી ગંભીર જવાબદારી હતી ગાંધીજીની. સતત ગાંધીજીએ કહ્યા કર્યું હતું કે દેશના ભાગલા કરવા એટલે જીવંત વ્યક્તિનું છેદન કરવું. અનેક વાર અનેક કારણોસર ગાંધીજી ઉપવાસ પર ઊતરેલા. આ કટોકટીના પ્રસંગે એમને અકાળે વૈરાગ્ય ઊપજ્યો? ગાંધીજીએ જો ભાગલાનો જોરદાર વિરોધ કર્યો હોત તો કોઈની તાકાત હતી કે એમની ઉપરવટ જઈને ભાગલાનો સ્વીકાર કરે? ઉપવાસનું અંતિમ શસ્ત્ર તો એમની પાસે હતું જ. વિનોબાએ એમની લાક્ષણિક શૈલીમાં ગાંધીજીની ભાગલાની સહમતિ માટે ટીકા કરી છે. વિનોબા આ સહમતિ માટે acquiescence શબ્દ વાપરે છે. Webster Thesaurus તેનો અર્થ તેના સમાનાર્થ (syonyms) આ પ્રમાણે આપે છેઃ weak or passive agreement to what is asked or demanded. compliance... resignation, acquiescentના સમાનાર્થ શબ્દો છે : passive, nonresistant,... resigned submissive... yielding. અરે, અરે, જો ગાંધીજીને અકાળે વૈરાગ્ય ન ઊપજ્યો હોત અને જો એમણે ભાગલાનો વિરોધ કર્યો હોત અને જો ભાગલા નિવારી શકાયા હોત તો લાખો લોકોની હત્યા ના થઈ હોત, કરોડો લોકોની નાલેશી નિવારી શકાઈ હોત અને આજે ૬૫ વર્ષ સુધી અને ન જાણે હજી બીજાં કેટલાંયે વર્ષો સુધી હિન્દુસ્તાન અને પાકિસ્તાને સારી કિંમત ચૂકવી છે અને ચૂકવશે. વિનોબાની સમગ્ર ટીકા શબ્દશઃ અહીં ટાંકી છે : “પરંતુ બાપુ આમ ન કરી શક્યા, કેમ કે એમનામાં એક અપાર કરુણા કામ કરી રહી હતી. તેને લીધે તેઓ છેલ્લી ઘડી સુધી વ્યક્તિગત માર્ગદર્શન આપતા રહ્યા. અને આ કરૂણાને લીધે જ એમણે છેલ્લે છેલ્લે કૉંગ્રેસ તેમજ પોતાના સાથીઓ સાથેનો નાતો જાળવી રાખવાની કોશિશ કરી, જોશો કે છેવટના દિવસોમાં ગાંધીજીના સાથીઓ એમની વિરુદ્ધ ગયા, તોયે તેઓ સાથીઓને વળગી રહ્યા. તેમાં એમણે સત્ય કરતાં કરુણા ઉપર જ વધુ ભાર મૂક્યો. કરુણાસક્તિ (કરુણાની આસક્તિ)ને લીધે છેલ્લી ઘડીએ તેઓ પોતાના સાથીઓની વિરુદ્ધ ન ગયા, અને એમની વાતમાં પોતાની સહમતી આપી દીધી. અંગ્રેજીમાં એક શબ્દ છે, acquiescence અર્થાત્ અમુક વસ્તુ થઈ જ ચૂકી હોય, તેમાં પોતાને સહમત કરી દેશે. બાપુ કેટલીય વાર બોલી ચૂક્યા હતા કે હિન્દુસ્તાન-પાકિસ્તાન, બે ભાગ કરવા એટલે ભારતનું છેદન કરવું, જીવંત વ્યક્તિનું છેદન કરવું. એમણે અંગ્રેજીમાં vivisection શબ્દ વાપરેલો. છતાં છેવટે એ વાતમાં જ સહમતી આપી દીધી. એ વિચાર છોડી દીધો, એમ નહીં; પણ એમણે વિચાર્યું કે એ વાત પર આજે જોર દઈશું, તો મામલો બગડી જશે, એટલે ભાગલા સ્વીકારી લીધા. આ પણ પોતાની અપાર કરુણાને લીધે જ.

સત્યનિષ્ઠ માણસ છેવટે કરુણાનિષ્ઠ બની ગયો

આમ, છેવટે સત્યનિષ્ઠ માણસ કરુણાનિષ્ઠ બની ગયો. સત્ય એટલું તૂટ્યું. બાપુના જીવનની જે શોકાંતિકા છે, તે આ છે. બાકી, ગોળી વાગી એ કોઈ મોટી શોકાંતિકા નથી. બાપુ જે સત્ય હતું તેને જ વળગી રહ્યા હોત, તો શું થાત, એ આજે કહી શકાતું નથી. કદાચ તોયે એમની હત્યા થઈ હોત. પરંતુ બાપુને થયું કે હવે આ તબક્કે જો હું ભાગલા માન્ય નહીં કરું, તો આ મારા સાથીઓ બિચારા માર્યા જશે! એક બાજુ અંગ્રેજ સરકાર અને બીજી બાજુ ગાંધી, એ બેની વચ્ચે તેઓ બિચારા પિસાઈ મરશે આવી કરુણાદૃષ્ટિથી તેઓ છેવટે ભાગલાની વાત સાથે સહમત થઈ ગયા, એમ મને વિચારતાં લાગે છે.” (“ગાંધી જેવા જોયા-જાણ્યા વિનોબાએ”, કાન્તિ શાહ, પૃ.૧૮૧-૧૮૨) અહીં ગુણવંત શાહના શબ્દો પ્રસ્તુત છે : રામના રાજ્યાભિષેક માટેની દશરથની અવિવેકી ઉતાવળ માટેનું લેખકનું નિરીક્ષણ : “આસક્તિ કુપુત્ર દુર્યોધન પ્રત્યે હોય કે સુપુત્ર રામ પ્રત્યે હોય, પણ આસક્તિ આખરે આસક્તિ જ છે. આસક્તિ શુભના પ્રદેશની હોય કે અશુભના પ્રદેશની હોય, પરંતુ આખરે તો એ માણસને પીડા પહોંચાડે જ છે.” (રામાયણ : માનવતાનું મહાકાવ્ય, પૃ. ૧૧૨) ઈતિહાસમાં what if-નું કોઈ મૂલ્ય નથી. જે થવા કાળ હતું તે થઈ ચૂક્યું. પરંતુ આપણને અહીં પ્રસ્તુત એ છે કે નારાયણભાઈએ વિનોબાના આ અભિપ્રાયને અને આ શબ્દોને કેમ ટાંક્યા નથી? તેઓ તો વર્ષો સુધી વિનોબાના અંતેવાસી હતા. કાન્તિ શાહ સાથે તેમને આત્મીયતાભર્યા સ્નેહસંબંધો હતા. બંને વિનોબાના અનુયાયી અને ભક્ત. કાન્તિભાઈના આ પુસ્તકથી નારાયણભાઈ પરિચિત ન હોય તે તો બને જ નહિ. છતાં જીવનચરિત્રની સંદર્ભસૂચિનાં શતશઃ પુસ્તકોમાં આ પુસ્તકનો નિર્દેશ નથી. જો નારાયણભાઈ વિનોબાના આ અભિપ્રાય સાથે સંમત ન હોય અને એ એમનો સંપૂર્ણપણે સ્વાધિકાર છે તોપણ એમણે એની ટીકા કરવી જોઈતી હતી. આટલી વિગતે આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરી છે કે મને લાગે છે કે આથી ચરિત્રકારનું તાટસ્થ્ય જોખમાયું છે.

ગદ્યશૈલી

બે હજારથી વધુ પાનાંમાં વિસ્તરતી આ કૃતિ ક્યાંય શુષ્ક કે નીરસ નથી બનતી એનાં ત્રણ મુખ્ય કારણો છે. સૌથી પ્રથમ તો આ ચરિત્રકથાનો નાયક એવો ભવ્ય છે, એનો ચેતોવિસ્તાર એટલો મહાન છે, એનું જીવન એવડું રોમાંચક છે કે એ નીરસ બની જ શકે કેવી રીતે? ગાંધીજીની આ જીવનકથા અનેક આરોહણ-અવરોહણથી યુક્ત છે, અનેક સફળતા-વિફળતાઓથી અંકિત છે, અનેક વ્યથાવેદનાઓથી વ્યાપ્ત છે. ગાંધીની કથા એક સાધારણ માનવી - તમારા-મારા જેવો જ માનવી - જો સતત મથતો રહે તો કઈ અસાધારણ કક્ષાએ પહોંચી શકે છે તેની દાસ્તાન છે. તેઓ મોનિયામાંથી મોહન, તેમાંથી મોહનદાસ, તેમાંથી મિ.ગાંધી, તેમાંથી બૅરિસ્ટર ગાંધી, ગાંધીભાઈ, કર્મવીર ગાંધી અને મહાત્મા બને છે. આ ચરિત્રનાયકની કથાની મહત્તા જેટલી એની સિદ્ધિમાં નથી એટલી એની સાધનામાં છે, જેટલી એના વિજયમાં નથી એટલી એના સંઘર્ષમાં છે. આ કૃતિની રસભરતાનું બીજું કારણ છે એના કથાપ્રસંગો. युद्धस्य कथा रम्या। આ પણ યુદ્ધની કથા છે, ભલે અહિંસક પણ યુદ્ધ જ ને. હિંસક યુદ્ધો કરતાં પણ એ વધારે વીરતા અને પરાક્રમ માગી લે છે. દક્ષિણ આફ્રિકા, ચંપારણ, ખેડા, બારડોલી, જગપ્રસિદ્ધ દાંડીકૂચ (મહાદેવભાઈને કૂચનો આરંભ જોઈ ભગવાન બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ યાદ આવ્યું હતું. ‘દુઃખડૂબ્યાં ઓ જગજન! આ હું આવ્યો રે’, એ ભાવથી ‘શ્યામ રજની’ના અંધકારને ભેદતા, જગતની વિદાય લેતા બુદ્ધ ભગવાનના મનમાં જે ભાવ હશે તે ભાવ ગાંધીજીના મનમાં હોય તો આશ્ચર્ય નથી.’ ખંડ ૨, પૃ.૫૪૭), ધરાસણા, ૧૯૩૨નો સવિનય કાનૂનભંગ, Quit Indiaનું આંદોલન (કરેંગે યા મરેંગે) - આ બધી લડતોનું રોમહર્ષણ આલેખન આ જીવનચરિત્રમાં છે. મહાભારતના યુદ્ધની જેમ અર્વાચીન ભારતની સ્વતંત્રતા માટેની અપૂર્વ અહિંસક લડત પણ દૈવી અને આસુરી બળોના સંગ્રામ જેવી હતી. ચાર ખંડમાં ઓછાંમાં ઓછાં ૧૯ પ્રકરણો આ યુદ્ધકથાનાં છે. થોડાંક પ્રકરણોનાં શીર્ષકો જ જુઓ: રણનાં રણશિંગાં, સત્યાગ્રહ: આવિર્ભાવ, સત્યાગ્રહ: વૃદ્ધિ, સત્યાગ્રહ: સ્ફોટ, બ્યૂગલો વાગે, કૂચ કરતાં પહેલાં, દાંડીકૂચ, પશુબળ સામે આત્મબળ, વગેરે. આમાં ઉમેરો કોમી રમખાણોનો હૃદયવિદારક વૃત્તાંત. આ ક્રૂર કરપીણ કથા ક્યાં ઓછું જકડી રાખે તેવી છે? આ પણ અંતે તો આંતરિક યુદ્ધ જ છે ને? આ ચરિત્રકથાની મોહિનીનું ત્રીજું કારણ છે લેખકની અનુપમ ગદ્યશૈલી. નારાયણ દેસાઈ માટે જરૂર કહી શકાય કે શીલ તેવી શૈલી. નારાયણભાઈની શૈલીમાં ક્યાંય આયાસ નથી, કૃત્રિમતાની ગંધ નથી. શબ્દરમત કે આલંકારિકતાથી આંજી નાખવાનો પ્રયાસ નથી. વાણીની વરણાગી નથી. એક જ શબ્દમાં કહેવું હોય તો ક્યાંય કવિતાવેડા નથી. લેખકની શૈલી અનાયાસ સરળ સહજ મધુર અને પ્રવાહી છે. એમાં ગાંધીશૈલીની સંક્ષિપ્તતા ને સૂત્રાત્મકતા છે. મહાદેવભાઈના ગદ્યની સરળતા અને પ્રાસાદિકતા છે. બહુધા અનલંકૃત છતાં સાહિત્યિક દૃષ્ટિએ સમૃદ્ધ ગદ્ય છે. થોડાંક દૃષ્ટાંતો : ૧. પીટરમારિત્સબર્ગ (દક્ષિણ આફ્રિકા)માં નિયતિએ જે કરુણા-કઠોર આઘાત કર્યો તેની ફલશ્રુતિનું ત્રણ જ શબ્દોનું આ ટૂંકું વાક્ય જુઓ: “વેદનામાંથી ચેતના જાગી.” (ખંડ ૧, પૃ.૧૧૩). ૨. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૦૬ એ આ અવની ઉપર સત્યાગ્રહનો જન્મદિન હતો. તે દિવસે ‘જેલ ઠરાવ’ ઉપર હિંદીઓની નોંધણી કરવાના કાયદા વિરુદ્ધ ગાંધીજીની આગલા વક્તાઓએ જોમભર્યાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગાંધીજીએ શાંત ચિત્તે સ્વસ્થતાથી પ્રતિજ્ઞાની ગંભીરતા સમજાવેલી. માત્ર બે જ તળપદા શબ્દોમાં લેખક આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે : “આગલાં વ્યાખ્યાનોએ જોશ બક્ષ્યું હતું. આ વ્યાખ્યાને હોશ બક્ષ્યું.” (ખંડ ૧. પૃ.૪૪૮). ૩. અહિંસક ચળવળોમાં પણ વ્યવસ્થાની ખામી ૧૮૫૭ના બળવા જેવી જ હતી તે વિશે લેખકની આ અવતરણક્ષમ કંડિકા જુઓ : “નિષ્ઠા વિનાની કાર્યક્ષમતા આંધળી છે અને કાર્યક્ષમતા વિનાની નિષ્ઠા પાંગળી છે.” (ખંડ ૨, પૃ.૧૧૯). ૪. સત્ય-અહિંસાની જેમ રચનાત્મક કાર્યક્રમો ગાંધીવિચારનાં સનાતન તત્ત્વો નથી. દેશકાળ પ્રમાણે તેમાં ફેરફારને અવકાશ છે. આ વિશે જુઓ લેખકની સારગર્ભ કંડિકા : ‘તત્ત્વ શાશ્વત હોય છે, તંત્ર પરિવર્તનશીલ.” (ખંડ ૩, પૃ.૧૯૧). ૫. ટૂંકાં વાક્યોના સમુચ્ચયનું અને અર્થવાહી શબ્દપસંદગીનું આ દૃષ્ટાન્ત જુઓ : ગાંધીજી અને ટાગોરની જીવનશૈલીઓ ઠીક ઠીક જુદી જુદી હતી. એક સત્યમના ઉપાસક હતા, તો બીજા સુન્દરમના પણ બંનેનું મિલન શિવમમાં હતું. એક સંત સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતા તો બીજા ભદ્ર સંસ્કૃતિનું. પણ બંને મળીને ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરતા હતા. (ખંડ ૨, પૃ.૮). ૬. Subject અને Predicateના, ભાષાશાસ્ત્રની પરિભાષામાં topic અને commentsના, વ્યુત્ક્રમની લીલા નીચેનાં ટૂંકાં વાક્યોને કાવ્યાત્મક છટા આપે છે; વળી noun અને verbની સંરચનાનો વ્યત્યય પણ આ કાવ્યત્વની સમૃદ્ધિ વધારે છે : “એનો ધ્રુવતારક છે મુક્તિ : પોતાની અને સમાજની; એનું હોકાયંત્ર છે સત્ય-અહિંસા; એનાં સાધનો છે સત્યાગ્રહ, રચનાત્મક કાર્ય અને એકાદશવ્રતો”. (ખંડ ૨, પૃ.૨૧૮). પરંપરિત રૂપકનું પણ આ અનુપમ સુંદર દૃષ્ટાંત છે. સંતુલન એ નારાયણ દેસાઈની ગદ્યશૈલીનું આગવું લક્ષણ છે. ગુજરાતી ગદ્યસાહિત્યમાં શૈલીની દૃષ્ટિએ આ એક વિશિષ્ટ અર્પણ છે. આ લાક્ષણિકતા કોઈક ભાષાશાસ્ત્રીના વિગતવાર પૃથક્કરણની અપેક્ષા રાખે છે. એના દૃષ્ટાંત તરીકે બે પરિચ્છેદો પ્રસ્તુત છે : “ગાંધી જનતા પાસે આવતા હતા એને વિશે એક અજબ શ્રદ્ધા લઈને. એવી શ્રદ્ધા કે આ જનતાની મારફત ભારતની ત્યાગમય, બલિદાનમય, સર્વસમાવેશક, ઉદાર સંસ્કૃતિ ખીલી ઊઠશે અને તે જગત આખાને અન્યાય, અત્યાચાર, શોષણ, ઉત્પીડનમાંથી મુક્ત થવાનો અનોખો માર્ગ બતાવશે. જનતા ગાંધી પાસે જતી હતી આશા, આકાંક્ષા અને અરમાન લઈને. એવી આશા કે અમારાં દુઃખો સમજનારો આ માણસ એ દુઃખોને દૂર કરવાનો રસ્તો બતાવશે, એવી આકાંક્ષા કે એ અમારી ગુલામી ફેડશે, એવાં અરમાન કે એ અમને સ્વરાજ અપાવશે.” (ખંડ ૨, પૃ.૧૧૫). "વલ્લભભાઈના નેતૃત્વમાં હતી ખેડૂતની કોઠાસૂઝ, તેમની આગવી વીરતા, નિર્મળ મુત્સદ્દીગીરી અને કુશળ વ્યૂહનિપૂણતા; ગાંધીજીના માર્ગદર્શનમાં હતો વર્ષોનો અનુભવ, સત્યાગ્રહ, દર્શનનિષ્ઠા અને દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવાનું કામણ.” (ખંડ ૨, પૃ.૪૭૨). અને છેલ્લે, પયગંબર ગાંધી અને ગદ્યકાર નારાયણ દેસાઈ બંનેને અદ્ભુત રીતે મૂર્તિમાન કરતું એક અવતરણ, થોડું લાંબું હોવા છતાં બંને મહામનાઓને પૂરો ન્યાય આપતું હોવાથી અનિવાર્ય લાગવાથી અહીં મૂક્યું છે: “આરોહક સત્યથી સત્યની ટૂંક પર આગળ વધે છે. વળાંકે વળાંકે તે ક્રમશઃ ઉપર ને ઉપર જાય છે. આરોહણ સહેલું તો હરગિઝ નથી. રસ્તે ખાડાટેકરા છે, ઉતારચઢાવ છે, ઝાડઝાંખરાં ને કાંટા છે. લોહી થીજવી નાખે તેવી ટાઢ, માથું ફાડે તેવો તડકો અને જળબંબાકાર કરે એવો વરસાદ છે. મૂળસોતાં ઉખાડી નાખે એવા પવનના સુસવાટા છે. “સત્યની ટૂંકો પરનું આ આરોહણ ગાંધીને અનેક દ્વંદ્વોમાંથી પસાર કરીને નિદ્વંદ્વ બનાવે છે. સુખદુઃખનું દ્વંદ્વ ગાંધીએ જોયું છે. “સત્સંગતિ અને સખ્યનું સુખ : રોમાં રોલાં, રવીન્દ્રનાથ, બાદશાહખાન સાથેનાં સખ્ય અને સત્સંગતિ. “વિયોગનું દુ:ખ : મહાદેવ, કસ્તૂરબા, એન્ડ્રુઝ જેવાના વિયોગ. એથીય વધુ કષ્ટ ભોગવ્યું છે જિંદગીભરના સાથીઓના વિખૂટા પડવાથી : સરદાર, રાજાજી, જવાહર અને લગભગ આખી કૉંગ્રેસ કારોબારી. “માનાપમાનો જોયાં છે : ‘મહાત્મા’ પદથી અકળાયા છે અને વિશ્વાસઘાતી હોવાનો આરોપ કદાચ તેમને ખરાબમાં ખરાબ ગાળ કરતાં વધુ આકરો લાગ્યો હશે. “પણ એણે સત્ય પથ પર ચાલવાનો આરંભ કર્યો ત્યારે જ સુખદુઃખ, માનપાન, કીર્તિ-અપકીર્તિનું અર્પણ સત્યને ચરણે ધર્યું છે. અને આરોહણ સમર્પણથી શરૂ થઈને સ્વાર્પણ સુધી થયું છે. સર્વસ્વ સમર્પણ દ્વારા એ દેહના બોજથી પણ મુક્ત થયા છે. "સહેજ પણ મચક ન આપે એવા વિરોધીઓ જોડે ગાંધીને પનારું પડ્યું છે. આંબેડકર, સુભાષ કે ઝીણા જેવા મહાશયો જોડે પણ અને વીરાવાળા કે પં.લાલનાથ જેવા ક્ષુદ્ર જીવો જોડે પણ અને નજરમાં નજર ન મેળવતા, પણ પાછળ રહી કાવતરાં કરનાર કપટીઓ પણ તેઓને આથડ્યા છે? પરંતુ, यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततः न विजुगुप्सते ॥ (ઈશ ઉપનિષદ-૬) જે નિરંતર આત્મામાં જ બધાં ભૂતોને અને બધાં ભૂતોમાં આત્માને જુએ છે, તે પછી કોઈ પ્રત્યે અણગમો સેવતો નથી.” (ખંડ ૩, પૃ.૨). ટીકા-ટિપ્પણો ગ્રંથ સર્વાંગસંપૂર્ણ છે, આનાથી વધારે કશું સિદ્ધ થઈ શકે જ નહિ એવો ઉત્કૃષ્ટ છે. છતાં થોડાંક ટીકાટિપ્પણો એટલા માટે નોંધ્યાં છે કે સંદર્ભગ્રંથની ગરજ સારે એવા આ સમૃદ્ધ ગ્રંથની થોડીક ક્ષતિઓ ભવિષ્યમાં સુધારી લેવાય.

  • કેટલાક અજાણ્યા કે ઓછા જાણીતા ફોટોગ્રાફ આ ગ્રંથમાં જોવા મળે છે. થોડોક વધારે પ્રયત્ન કરીને ફોટાઓમાં આવેલી શક્ય તેટલી વ્યક્તિઓને ઓળખાવી હોત તો સારું થાત. દા.ત. ૧૯૩૬ની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનો ગાંધીજીનો ફોટો આમાં છે. એ ફોટામાં તેમની બાજુમાં બેઠેલા ત્રણ સાહિત્યકારને સહેલાઈથી ઓળખાવી શકાયા હોત. આ ગ્રંથના વાચકો તેમને કેવી રીતે ઓળખી શકશે? :
  • લેખકે “અવગુણ કેડે ગુણ કરે” એને “અખાનો એક છપ્પો” તરીકે ઓળખાવ્યો છે. (ખંડ ૧, પૃ.૨૪). આ અલબત્ત અખાનો છપ્પો નથી. વસ્તુતઃ ગ્રંથમાં અન્યત્ર બે સ્થળે આ જ છપ્પાનો યથાર્થ રીતે શામળના છપ્પા તરીકે ઉલ્લેખ થયો પણ છે.
  • શૈલીની દૃષ્ટિએ મને ‘રૂપાંતરણ’ શબ્દ સામે વાંધો પડે છે. ‘રૂપાંતર’ કરતાં ‘રૂપાંતરણ’ શું વધુ રૂપાંતર સિદ્ધ કરે છે?
  • અમેરિકાના ગુજ્જુઓ જ્યારે ‘હસબન્ડ’નું બહુવચન ‘હસબન્ડો’ કરે છે અને એકીસાથે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું ખૂન કરે છે તેથી આઘાત પામવાની સંવેદનશીલતા હવે ગુમાવી દીધી છે. પણ નારાયણ દેસાઈ જેવા સંપન્ન લેખક ‘કરિશ્મા’નું ‘કરિશ્મો’ કરે ત્યારે આઘાત પામ્યા વિના રહેવાતું નથી.
  • ક્યારેક અંગ્રેજી અનુવાદ પ્રાસાદિક નથી લાગતો. “...બધા એ મહાન વિસ્ફોટને નાનો કરીને આંકતા હતા.” (ખંડ ૪, પૃ.૩૮૯) અવલોકનકારે મૂળ અંગ્રેજી જોયું નથી. મૂળમાં all were underestimating હોવાનો સંભવ લાગે છે. આનું ‘નાનો કરીને આંકતા હતા’માં તરજુમાપણું છે, ગુજરાતીતા નથી.
  • સાનુસ્વાર ‘મીરાં’ ને નિરનુસ્વાર ‘મીરા’નો ગોટાળો સર્વત્ર છે.
  • સૌથી વધુ કઠે છે મુદ્રણદોષો. મોટા ભાગના નિર્દોષ છે (જોકે દોષને નિર્દોષ કહેવામાં જ વદતોવ્યાઘાત નથી?) પણ કેટલાક ગંભીર પણ છે. પુનર્મુદ્રણમાં આ ન સુધારી શકાયા હોત? એથીયે વધારે કઠે છે સંસ્કૃત અવતરણોની અશુદ્ધિ. એમાં મુદ્રણદોષોનું પ્રમાણ ઝાઝું છે. પ્રથમ ખંડમાં એક પ્રકરણનું શીર્ષક જ ‘અથતો ધર્મજિજ્ઞાસા’ (‘અથાતો’ને બદલે) છપાયું છે; અનુક્રમણિકામાં પણ એમ જ છપાયું છે. અંગ્રેજી સ્પેલિંગોમાં પણ ભૂલો છે. ‘memoir’ ને બદલે ‘memvoir’, ‘we developled cold feat’ (‘feet’ને બદલે) વગેરે. પહેલા ખંડની પુસ્તક સૂચિમાં ભારતીય વિદ્યા ભવનની ૧૯૯૮ની આવૃત્તિમાં Life of Mahatma Gandhiના લેખક તરીકે Louis Fisher એમ લેખકનું નામ સાચું છપાયું છે પણ બીજા ખંડની પુસ્તકસૂચિમાં Harper & Brothersની ૧૯૫૦ની પહેલી આવૃત્તિમાં લેખકનું નામ Leui Fisher છપાયું છે.
  • સૌથી છેલ્લે એક ગંભીર ખામી તરફ ધ્યાન દોરવું જરૂરી છે. ચાર ખંડમાંથી એકમાં પણ ગાંધીજીની જીવનઝરમર, જીવનયાત્રાના મુખ્ય પ્રસંગો, તારીખો સાથે, આપી નથી. ખરેખર તો ચારે ખંડમાં એક પરિશિષ્ટ તરીકે રજી ઑક્ટોબર ૧૮૬૯ના જન્મથી ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના નિર્વાણ સુધીના ગાંધીજીવનનાં ગાંધીવિકાસયાત્રાનાં બધાં જ સોપાનો ક્રમબદ્ધ તારીખ પ્રમાણે આપવાં જરૂરી છે. બીજી આવૃત્તિમાં આ ક્ષતિ સુધારી લેવામાં આવશે એવી આશા.

અંત

ગાંધી છેવટે એના સુદીર્ઘ ભવ્ય જીવનને પણ ઝાંખું પાડી દે તેવા મરણને વરે છે. વિશ્વભરમાંથી અંજલિઓ આવે છે. અમેરિકન સેનાનાયક જનરલ ડગ્લાસ મૅકઆર્થરે લખ્યું હતું : “સભ્યતાની ઉત્ક્રાંતિમાં.. સૌ કોઈને છેવટે ગાંધીની જેમ ઐ નિષ્કર્ષ પર આવ્યા વિના છૂટકો નથી; કે મતભેદના પ્રશ્નોના ઉકેલ સારુ શસ્ત્રો વાપરવાની રીત એ મૂળે માત્ર ખોટી જ નથી, પણ એ રીતની અંદર જ આત્મહત્યાનાં બીજ રહેલાં છે.” પ્રસિદ્ધ નવલકથાકાર શ્રીમતી પર્લ બકે ગાંધીના મરણને ‘’ઈશુનું ફરીવાર ક્રોસ પર ચડવું" કહ્યું હતું. રાજાજીએ લખ્યું: “સોક્રેટીસ એના વિચારો સારુ અને ખ્રિસ્ત પોતાના વિશ્વાસ સારુ મરણને વર્યા ત્યારે લોકો ધારતા હતા કે આવો દાખલો બીજો જેવા નહીં જડે.” કદાચ સૌથી ભવ્ય અંજલિ આપી હતી જગપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને : “ભાવિ પેઢીઓના માન્યામાં પણ ભાગ્યે જ આવશે કે, એમના જેવા હાડમાંસના માનવીએ આ ધરણી પર કદીયે પગલાં માંડ્યાં હતાં.” (ખંડ ૪, પૃ.૪૬૯-૭૦). “મારે એક ડગલું બસ થાય’ કહેનાર ગાંધીએ દુન્યવી સફળતા અને આધ્યાત્મિક ઉન્નતિનાં એક પછી એક શિખરો સર કર્યાં. આપણે પણ નારાયણ દેસાઈની શુભ ભાવનામાં સૂર પુરાવીએ કે સુજ્ઞ વાચકો આ ગ્રંથના ચારે ખંડોને સાંકળતા સત્યપથ પર ગાંધીજી જોડે થોડાંય પગલાં માંડવાનું નહીં ચૂકે.