‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/જીવનના ઉપાસક જૉસેફભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જીવનના ઉપાસક જૉસેફભાઈ

જૉસેફ મેકવાન સાથે મારે પ્રથમ દૃષ્ટિએ પ્રેમનો સંબંધ સ્થપાયો. મેં એમને પહેલી વાર જોયા-સાંભળ્યા ૧૯૮૭ના ડિસેમ્બરમાં વિલેપાર્લેમાં ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનના એક સત્રમાં. જૉસેફભાઈની વાણીએ મને મુગ્ધ કર્યો. કોઈના ઉપર ઝટ ઓવારી જવાનો મારો સ્વભાવ જ નહિ. વસ્તુતઃ થોડોક વાંકદેખો સ્વભાવે ખરો. પણ જૉસેફભાઈએ મને અભિભૂત કરી મૂક્યો. એમની વાણીમાં જે નિખાલસતા હતી, જે અનુભૂતિ હતી, જે સચ્ચાઈ હતી, જે હમદર્દી હતી, જે કરુણા હતી તે અવર્ણનીય હતી. જૉસેફભાઈનું વક્તત્વ પણ મંત્રમુગ્ધ કરે તેવું છે. અનુભૂતિની અખિલાઈ, સર્જકની સંવેદનશીલતા, જીવનમાંથી જડેલાં કથાવસ્તુ અને પાત્રો - આ અને આવા વિષયોની તત્ત્વચર્ચામાં પણ આહ્લાદક ઉષ્મા હતી. બીજે જ દિવસે આર.આર. શેઠમાંથી જૉસેફ મેકવાનનાં પુસ્તકો લઈ આવ્યો. ‘વ્યથાનાં વીતક’, ‘વહાલનાં વલખાં’, ‘આંગળિયાત’ એકશ્વાસે વાંચી નાખ્યાં. આ નવું જ વિશ્વ હતું. નવી જ સૃષ્ટિ હતી. પન્નાલાલ પટેલ પછી ગુજરાતી સાહિત્યનો એક ચમત્કાર હતો. પન્નાલાલે ગ્રામજીવનનું જે નિરૂપણ કર્યું તે અપૂર્વ હતું. છતાં પન્નાલાલમાં ગામડાંના ખેડૂતો, પટેલો, મુખીઓનું આલેખન છે. એ અદ્ભુત હતું છતાં ગામડાંના ઉજળિયાત વર્ણનું જ એ ચિત્ર હતું. જૉસેફભાઈ જાનપદી જીવનનાં જે જમીનવિહોણા છે, ઉપેક્ષિત છે, દલિત-શોષિત-પીડિત છે તે વેઠિયા, વસવાયાં, વણકર, વાઘરી, કોળી, ભીલ, આદિવાસીઓનાં વીતકની વ્યથા લઈને આવે છે. જૉસેફભાઈ વ્યક્તિની જેમ જ જૉસેફ મેકવાન સાહિત્યકાર સાથે પણ મારે પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ થઈ ચૂક્યો. અમેરિકામાં રહેવા છતાં ગુજરાતી સાહિત્યનો શક્ય તેટલો સંપર્ક રાખવાનો મારો પ્રયત્ન તો છે જ, છતાં આવા એક સંપન્ન પ્રતિભાશાળી સર્જકની કૃતિઓથી હું કેમ અજાણ રહી ગયો તેનો વસવસો ‘વ્યથાનાં વીતક’ની ૧૯૮૫ની પ્રકાશનસાલ જોઈને થોડોક ઓછો થયો. ‘વ્યથાનાં વીતક’ અને ‘વહાલનાં વલખાં’નું અનુસંધાન ‘ભવાટવિ’ જાળવી રાખે છે. અહીં પણ જીવનમાંથી જડેલાં પાત્રોનાં રેખાચિત્રો છે. બાળપણ અને કિશોરાવસ્થાની સ્મૃતિઓ જૉસેફભાઈનો પાતાળકૂવો છે. વારંવાર એ એમાં ડૂબકી મારીને અનુપમ રત્નો લઈ આવે છે. ગામડાની ભોંયમાંથી જન્મેલી, ગ્રામજીવનની માટીમાંથી કંડારાયેલી કૃતિઓ નખશિખ સુન્દર બની છે. એમાં ધરતીની સાચી મહેક છે. આનાં બે ઉત્તમોત્તમ દૃષ્ટાન્તો છે: ‘મારી ભિલ્લુ’ અને ‘કુસુમની કંકોત્રી’. સર્જનને જૉસેફભાઈએ એક પવિત્ર ફરજ તરીકે સ્વીકાર્યું છે. ભૂખ્યાંદુખ્યાં ત્રસ્તપીડિત ગ્રામજનોની યાતના જે વાચા માગે છે તેને આકારવા જૉસેફ મૅકવાન મથી રહ્યા છે. સર્જન એમને મન લીલા નથી, કર્તવ્ય છે. જૉસેફભાઈ કળા ખાતર કળાના નહિ, જીવન ખાતર કળાના ઉપાસક છે. જીવન અને સાહિત્ય એમનામાં ઓતપ્રોત છે. એમની અપાર સહાનુભૂતિમાંથી આ કૃતિઓ જન્મી છે, સમસંવેદનાએ એમના હૃદયતંતુના તાર રણઝણાવ્યા છે. પણ સાથે સાથે આ સંવેદનશીલતાએ એમના માથે ગંભીર જવાબદારી પણ ઓઢાડી છે. એનાથી એ સુચિંતિત છે. ‘કુસુમની કંકોત્રી’નો આ ઉઘાડ જુઓ : “આપણા શબ્દમાં વધતી - સંવર્ધાતી લોક-અપેક્ષાઓનો અંબાર સર્જાવા માંડે ત્યાંથી જ આપણા એક આગવા ઉત્તરદાયિત્વનો આરંભ થઈ જતો હોય છે. આપણે એને કેટલી નિષ્ઠાપૂર્વક નિર્વાહીએ છીએ એના પર જ આપણા પતન કે ઉત્થાનનો આધાર રહેતો હોય છે. લોકોની-ભાવકોની શ્રદ્ધા ને અપેક્ષાને પૂરા પડવા આપણે એક સરાણે ચડવું પડે ને એમાં સોળ વાલ ને એક રતી ખરા નીકળવું પડે. આ એક બહુ જ આકરી તાવણી છે. શબ્દના બંદાએ તો કાયમ એમાં તવાયા કરવાનું હોય છે.” આ સંગ્રહની શ્રેષ્ઠ કૃતિ ‘મારી ભિલ્લુ’ છે. લેખકની બધી શક્તિઓ અહીં પૂરબહારમાં ખીલી ઊઠી છે. કથાનો રસ તો ભરપૂર છે જ. ત્રણ ત્રણ દાયકાના સમયાવધિ પછી, આકસ્મિક રેલવેના ડબ્બામાં સુમિત્રા, લેખકની સુમિ, “મારી ભિલ્લુ” મળી જાય છે. લેખકે એને સાવ વિસારે પાડી દીધી છે. પણ “એ જ આ અણધાર્યા-અંતરિયાળ રસ્તે મારા હાથ પર એની મુલાયમ હથેળી દાબી વ્યતીતના જામી ગયેલા થર ઉખેળી સાચી ઓળખ બકવાની લ્હે જગવી રહી હતી: ‘ચાલ સાચું બકે તો ઓળખી જાણું!’ હું એને કેમ ના ઓળખું? એ જ હતી એ સુમિ! મારી ભિલ્લુ! મારી બાળસખી. મારી સાવ અબોધાવસ્થામાં મારા અબોટ અંતઃસ્તલે સ્ત્રી માટેની મારી અભિપ્સાઓની સુરેખ છબિ અંકિત કરી જનારી સુમિત્રા!” Flash Back એ જૉસેફભાઈની માનીતી ટેકનીક છે. અકસ્માત વર્ષોનાં વીતી ગયા પછી કોઈક પાત્રનો ભેટો થઈ જાય છે. “હું અતીતમાં ડૂબકી મારી ગયો” એ જૉસેફભાઈની કૃતિઓનું પ્રેરકચાલક બળ છે. સ્મૃતિપડો ઊકલવા માંડે છે, સંસ્મરણોનાં પૂર લેખકને તાણી જાય છે. સ્થળ, કાળ, પ્રસંગો, દૃશ્યો સંજીવનીના સ્પર્શથી જીવંત બની જાય છે. આ ઘટનાઓ ભૂતકાળની સ્મૃતિ નહિં, વર્તમાનની ઉપસ્થિતિ બની જાય છે. ‘મારી ભિલ્લુ’માં ટ્રેનમાં અચાનક સુમિ મળી જાય છે. ‘કુસુમની કંકોત્રી’માં કુસુમનો પત્ર ભૂતકાળને ખડો કરી દે છે. ‘વ્યથાનાં વીતક’માં પણ જસ્યો નેપાડો ડાકોર જતી ટ્રેનમાં મળી જાય છે; તબલાના તાલ, પીરુ ભગતનો મેળાપ કરાવે છે. આ અને આવા અનેક અકસ્માતો, કલ્પના કરતાંયે વધારે રોમાંચક, જૉસેફભાઈના અનુભવવિશ્વમાં બન્યા કરે છે. વિવેચકોએ આની પ્રતીતિજનકતા વિષે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. ક્યારેક વાસ્તવની દુનિયા કાલ્પનિક સૃષ્ટિ કરતાં પણ વધારે ચમત્કારિક હોય છે. જૉસેફભાઈની નિષ્ઠા સાચી છે, એમની આરત તીવ્ર છે, તેથી જ આ ચમત્કારો બને છે. અખાએ કહ્યું છે તેમ, “છીપને રત ખરી ઊપજે તો પર્જન્ય આવી વરસે ક્યાંહેથી” (અખાને યાદ કરું જ છું તો જૉસેફ મેકવાનની નામ પરથી ક્રિયાપદો બનાવવાની આદતને પણ નોંધી લઉં. “ખટપટને ખટપટવા દે” જેવો કાવ્યનો-ભાષાનો ચમત્કાર અખા પછી મેં તો પહેલી વાર મનોજ ખંડેરિયામાં જોયો :

આંસુ વિણ હરફરવાનું દુ:ખ કોને કહેવું?
સાવ સૂકું ઝરમરવાનું દુ:ખ કોને કહેવું?

પરંતુ જૉસેફભાઈનાં ‘અવગાહ્યા’, ‘નિર્વાહ્યા’ જેવા શબ્દપ્રયોગો સર્જનાત્મક બની શક્યા નથી.) જૉસેફ મેકવાનનું વિશિષ્ટ દર્શન કયું? ‘વ્યથાનાં વીતક’, ‘વહાલનાં વલખાં’, ‘આંગળિયાત’, ‘ભવાટવિ’ આ બધી કૃતિઓનો પ્રધાન રસ તો ‘એકો રસઃ કરુણમેવ’ છે. ભિન્ન ભિન્ન વિવર્તો દ્વારા કથા તો વ્યથાની જ છે. સદૈવ ઝૂરતાં જતાં સતત ઝઝૂમતાં, નાની નાની લડાઈઓમાં જીતી જતાં છતાં અંતે યુદ્ધ હારી જતાં, અત્યાચારોથી કચડાઈ જતાં છતાં સારમાણસાઈ ન ગુમાવતાં એવા ઝિંદાદિલ છતાં અસહાય મનુષ્યોની આ વીતકકથા છે. અહીં ભયંકર અસહ્ય-અકલ્પ્ય ગરીબી છે. દિવસના દસ-બાર-ચૌદ કલાક કાળી તનતોડ મજૂરી કરવા છતાં બે ટંક ખાવાનાં સાંસા છે. સર્વત્ર સદંતર ઘોર ભીષણ અભાવ પ્રવર્તે છે. તો આ દુઃખનું કારણ ગરીબી છે? ના, લેખકનું દર્શન સ્પષ્ટ છે. ‘બુધલી’ની કથા જુઓ. ‘કવિની કુટિર’ કાજે તગારાંની તડાપીટ મચાવતી બુધલી પુરુષનેય હંફાવે એવી કામની જોરૂકી છે. એની છેડતી કરનાર કડિયાનું બલોયાંથી માથું ભાંગી નાખે તેવી નીડર, સ્વમાની અને બળવાન છે. બુધલી અને એના આદિવાસી સ્વજનો સાથેનો લેખકનો આ સંવાદ નોંધવા જેવો છે : “આ લોકોની ટંકો બે. સવારે ને સાંજે. બપોરે માત્ર પાણી પીવે ને પોરો ખાય. મને આશ્ચર્ય થાય એટલે પૂછું : ‘બપોરે આટલું વે’લાયાં પછી તમને ભૂખ નથી લાગતી, લ્યા?’ ‘લાગીં તો ખરીં જ ને!’ ‘તો પછી ખાતાં કેમ નથી?’ ‘પાલવે ની’ સાઈબ! થોડુંક દેશદોતી હંઘરવું પડીં. માંદે-હાંજે ને દેવામાં કામ લાગીં!’ ‘પણ ભૂખ્યાં રહીને?’ ‘સવારે ખાંઈ લીંયે છે નં! ને આ છુટ્ટીનો ટેમ ચેટલો! ચ્યારે રોટલા ઘડી રિયે?’ વાત સાચી હતી. સવારે પણ મોટેભાગે એ ખીચડો કે થૂલું કરી લેતાં. ને સવારનું ખાવાનુંય લુસ-લુસ જ રહેતું, બાકી સાંજે લહેરથી જમવાનું!’ આમ બે ટંક ખાવાની જેમને સુવિધા નથી, મજૂરી શોધવા જેઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ઘૂમતા હોય, બંધાતા ઘરની પડખે જ જેમની પથારી થતી હોય-ટાઢ, તડકો કે વરસાદમાં, છતાં આ લોકો જીવે છે ‘લહેરથી.’ ગરીબીનું એમને દુ:ખ નથી એમ નહિ, અભાવ એમને સાલતો નથી એમ તો નહિ, પણ ગરીબી એમને કોઠે પડી ગઈ છે. આ અનર્ગળ ગરીબીમાં પણ જીવનનો આનંદ આ પ્રજા લૂંટી શકે છે. ગરીબ છતાં ખમીરવંતી આ પ્રજા છે. મેળાઓ, નોરતાના ગરબાઓ, ગીતો, ભજનો, પરસ્પરની મૈત્રી, એકમેકના દુઃખની ભાગીદારી, હાસ્યવિનોદનો કિલ્લોલ – જીવનના રસને ચૂસી લેવાની એમની સંવેદના જાગૃત છે. ગરીબી કે ચીજવસ્તુના અભાવને ભરી પીએ એવા શક્તિશાળી લોકો છે. આ લોકો હારી ખાય છે સામાજિક રૂઢાચારો સામે, સામાજિક અન્યાયો અને અત્યાચારો સામે, ઉજળિયાતોની વંચના સામે. “કાયદા” સામે, ઉપલા વર્ણના કપટ સામે આ પ્રજા સાવ નિરાધાર અને લાચાર છે. બુધલીની જ આ વાત જુઓ : “બુધલીની જે વાત મેં જાણી હતી તે વેદનાપૂર્ણ હતી. મુરતિયો એને મનગમતો નહોતો. એને નહોતું જવું. ત્રણે ભાઈ-બોનની કમાણીમાંથી દર અઠવાડિયે એ રૂપિયા નેવું બચાવીને મને જમા કરાવતી હતી. કોન્ટ્રાકટર એમાં ગાંઠના દસ ઉમેરાવતો હતો, એટલા માટે કે બુધલી પોતાના મનગમતા માનેલાને પરણી શકે. છ-આઠ મહિના કામ ચાલે એમ હતું. કોન્ટ્રાકટરનો અને હવે તો મારોય એને વિશ્વાસ હતો કે ખૂટતા પૈસા એને મળી રહેશે ને જિંદગીની યંત્રણામાંથી એ છૂટી જશે, પણ પેલો એની દોડમાં આગળ નીકળી ગયો હતો! બાપે બોલ સ્વીકારી લીધો હતો. હવે બેટીથી એની હાંમે હરફ ના કઢાય. ભલે જિંદગીભર દુણાયા કરવું પડે... જોરૂકા કડિયાની એક જ બલોયે સાન સીધી કરનારી, ધારે તો ધાતે એવાને ધોળે દાડે તારા દેખાડે એવી બુધલી દોર્યા પશુની જેમ પેલામની પાછળ નતનેણે જઈ રહી હતી.” આ છે જૉસેફ મૅકવાનનું દર્શન. એમના કરુણનો આલંબન-વિભાવ ગરીબી નથી; સામાજિક રીતરિવાજો અને રૂઢાચારોએ, ઉજળિયાતોએ શોષણ માટે ઊભા કરેલા નિયમો અને કાયદાઓએ જે શોષિત પ્રજાનાં હીરચીર લૂંટી લીધાં છે તેમની નિરિહ નિરાધારતા જૉસેફભાઈના કરુણનું આલંબન છે. સાયણાચાર્યે કહ્યું છે: ‘કવિ: દર્શનાત્ વર્ણનાત્ ચ.’ જૉસેફભાઈને એમના વિશિષ્ટ દર્શનને અનુરૂપ અદ્ભુત ગદ્યશૈલી પણ સાંપડી છે. ચરોતરના ગામડાની તળપદી ભાષાનું કોઈ અનોખું રૂપ અહીં નિખરી આવ્યું છે. મેઘાણી અને પન્નાલાલની જેમ જૉસેફ મૅકવાન એમની નવી કથાસૃષ્ટિ માટે નવી જ ભાષા લઈને આવ્યા છે. વર્ણનોમાં, ચરિત્રચિત્રણમાં અને સવિશેષ તો સંવાદોમાં છલોછલ સર્જકતાથી આ વાણી ઊભરાય છે. ભૂતકાળને તાદૃશ કરવાની જૉસેફભાઈની લેખિનીની શક્તિ અપ્રતિમ છે. પીંછીના એક લસરકાથી પાત્રોનાં રૂપરંગને એ આકારી દે છે. અનેક ભાવોનું એ આસાનીથી નિરૂપણ કરે છે. વિષાદનો સૂર તો ટપકે જ છે, પણ આનંદ-ઉલ્લાસની હેલી પણ એવી જ ચગાવી શકે છે. જૉસેફ મૅકવાન ગુજરાતી ગદ્યની મોંઘી મિરાત છે. ભૂતકાળ અને ભૂતકાળના નોસ્ટેલજિયાનું આલેખન જૉસેફભાઈની કૃતિઓમાં જેવું થયું છે એવું બીજે ભાગ્યે જ થયું છે. આપણા ગુજરાતી ગદ્યની આ સમૃદ્ધિ છે. ‘કુસુમની કંકોત્રી’નું આ ચિત્ર જુઓ: “...એકવારકાં મારી આંખ આગળ મારું પિંઢેરિયું ઘર, મારું આંગણું, મારું ફળિયું, ફળિયાનાં તરાટાં, કૂકા રમતી છોકરીઓ, માટીની ભીંતો પરનાં ચિતરામણો, ઘેલા ખુશાલનું ફળિયા છેવાડેનું ઘર, એ ઘરના વાડા પછવાડેનો ઘેઘૂર આંબલો અને ઘેલાની મોહામણી વહુ લાલીભાભી સાકાર થઈ ઊઠ્યાં." ‘મારી ભિલ્લુ’નાં પત્રોનાં અવતરણો આનાથીયે વધારે નોસ્ટેલ્જિક છે. સુમિનો મિશન બોર્ડિંગમાં ગયા પછીનો પહેલો પત્ર : ‘‘શું હતું એમાં! કૂવાની રઢિયાળી રઢ, વડદાદા નીચેનાં ઢીંચણ-સમાણાં જળની યાદ, સોળકુટ્ટીની માંચમાં મને હરાવવા એણે ખેલેલો પ્રપંચ, ચોપડી ચોરાયાને કારણે મને પડેલા મારના એના હૈયે ઊઠેલા સોળ,... મારી સારપનાં વખાણ, ભણવાની શીખ, વધુ ને વધુ સારા થવાની સલાહ, વણપુરાયેલાં ઓરતાં ને ભાવિનાં શમણાં!” હવે આનો જવાબ જુઓ : “મેં એને જવાબ લખ્યો : એમાં મેઘારું હતું. મધવા આંબાની ડાળ હતી. ડાળ ઉપર સાચી મોસમે પાકેલી પહેલી કેશરિયા ટશરો ફૂટેલી શાખ હતી, પણ એની ડીંટડીને નખલી મારી રસનો ઘૂંટડો ભરનાર કોઈ નહોતું. ચારેચાર ભડે ભરાયેલો કૂવો હતો, પણ મારું ભડ સૂનું હતું. કાંઠા છલકાવતું તળાવ હતું. એમાં ડૂબકીઓ પર ડૂબકીઓ મારવા છતાં મારું મનગમતું મોતી મને નહોતું મળતું. અષાઢી ઉમંગે ગોરંભાઈ જતું આકાશ હતું, પણ એમાં વીજનો ચમકારો નહોતો. ભિલ્લુવિહોણી સંતાકૂકડીની મારી વીંધાઈ ગયેલી પાંખ હતી, પણ એના જખમને રૂઝ લાવનાર કોઈ નહોતું.” ‘વાસંતી : વૈફલ્યનાં અશ્રુની અંજલિ’ છે તો કરુણ કૃતિ પણ એમાં થોડીક પળો જે આનંદઉલ્લાસ હિલોળે ચડે છે તે આસ્વાદ્ય છે: “સુધીરનો દોર મેં હાથમાં લીધો. ખાસ્સી ઢીલ છોડી અને ઉપરનો પેચ લઈ તીરછી કાટ મારી. ચોથી વામે જ પેલો ચોથિયો કપાઈ ગયો અને ‘એ કાટ્ટા.... આ’ના સ્વરથી એ ત્રણે જણાં ઉમંગી ઊઠ્યાં. વાસંતી એકવારકું વહુપણું જાણે વિસરી જ ગઈ.” સંવાદોમાં જૉસેફભાઈનું ગદ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. પાત્રો અને પ્રસંગોને મૂર્તિમંત કરવાની આ સંવાદોની શક્તિ અસાધારણ છે. બોલાતી વાણીનું રૂપ આવા સબળ સ્વરૂપમાં ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ ઝિલાયું હશે. બોલચાલની ભાષા, એના રૂઢિપ્રયોગો અને સંકેતો, એના લહેકાઓ અને લય, એના કાકુઓ જૉસેફ મૅકવાનના ગદ્યમાં તંતોતંત ઊતરી આવ્યા છે. ‘કુસુમની કંકોત્રી’માં વાત તો છે ખાલી નવી વહુનું નામ બદલવાની, પણ એ સંવાદોના ઘરેળુપણાની શી મીઠાશ છે : “હૌનાં નામોની બોન પૈણી. આપણે તો ભઈ તું પાડે એ જ નામ પાડવું છે. હેંડ્ય હોધી કાઢ્ય હૌ હોઠ ચાવતાં રહી જાય એવું લટકાળું નામ... મનં તો હાહરું એકેય હારું નામ જ નથી દૂઝતું. નું આ મો’લ્લામાં છે બાઈડિયોમાંનાં તો એકેય નામ દીઠાં ય નથી ગમતાં. તું ભણેલો છો. તનં તો હારું આવડવાનું જ. તું જ નક્કી કર્ય!’ અને જ્યારે લેખક નામ પાડી આપે છે ત્યારનો ઘેલાશાનો પ્રત્યાઘાત જુઓ : “મારા વા’લા તું બઉ ભણેશરી. તારી બુદ્ધિનો જોટો ના જડે! જબરો તું! શાસ્તર-ફાશ્તર હંધુય ચ્યમનું ભણ્યો લ્યા’ આવડી ઉમ્મરમાં! તારું ભાળ્યું નામ જ રાછીએ.” ‘ઊપસેલા ઉદરમાં ઠીંગરાઈ ગયેલો સત્યકામ’માં વાણીની કુત્સિતતા એની પૂરેપૂરી કદરૂપતામાં પ્રકટ થઈ છે. “આજ હુધી મેઠું લાગતું’તું, (ગાળ) અવે ધરઈ તાર ફરિયાદ કરવા નેકરી છો! (ગાળ). બોલ્ય ચેટલા ભાયડા કરેલા આજ હુધી? ... બોલતી ચ્યમ નથી? (ગાળ) પેટમાં પાપ હંઘર્યું છ, પૈસા ખાવા. બોલ ચેટલા પૈસા જોઈએ છે તારે? હાચું કે’ કોણ હતો તારો ભાયડો?’ છેલ્લે એક વિચાર આવે છે. સુરેશ જોષી આ કૃતિઓ વિશે શું કહે? આમાં ઘટનાનો લોપ નથી, આ તો કથારસથી ભરપૂર કૃતિઓ છે; આમાં કાફકાશાઈ રૂપસંજ્ઞાહીન પાત્રો નથી, આમાં તો લોહીમાંસથી ભરેલા હાડચામવાળાં જીવંત પાત્રો છે. કવિની સૃષ્ટિ જો નિયતિકૃત નિયમરહિતા હોય તો વિવેચનના નિયમોને તો એ શાની જ ગાંઠે? નકશા હુકુમ ચલે ઈમારત, વૃક્ષ ચલે નિજ લીલા. જૉસેફ મૅકવાનની લીલા સ્મૃતિસભર સંવેદનશીલ રેખાચિત્રો આકારવામાં છે. એનો લેબાસ અત્યાધુનિક ભલે ન હોય, આ કૃતિઓ ચિરંતન છે. ‘મારી ભિલ્લુ’ની પ્રસ્તાવના મારી પાસે લખાવવાની જૉસેફભાઈની હઠ આ લખી લીધા પછી પણ મને સમજાઈ નથી. જૉસેફભાઈ હવે લબ્ધપ્રતિષ્ઠિત મૂર્ધન્ય સાહિત્યકાર છે. એમની કૃતિને પ્રસ્તાવનાની શી જરૂર? અને પ્રસ્તાવના લખે તો કોઈક દર્શક લખે કે કોઈક ભગવતીકુમાર શર્મા લખે, મારી શી હેસિયત? પણ જ્યારે હવે પ્રસ્તાવનાકારનો ડોળ ઘાલ્યો જ છે ત્યારે લેખકને બેત્રણ વાનાં કહેવાનું મન થાય છે. ગ્રામજીવનના પરિવેશ વિનાની કૃતિઓ ઝાઝી મહોરી નથી. ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ’ એ સૂત્રવાક્ય વિસારે પાડવા જેવું નથી. ‘મારી ભિલ્લુ’માં વાચકોને ભમવાનું જરૂર ગમશે. અંતે એક શુભેચ્છા. જૉસેફ મૅકવાન જેવા સમર્થ સર્જક પાસેથી ‘સરસ્વતીચન્દ્ર’, ‘માનવીની ભવાઈ’ અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી યુગબળ ઝીલતી એક મહાનવલકથાની અપેક્ષા રહે જ.

ડિસેમ્બર ૨૮, ‘૮૮
લિવિંગ્સ્ટન, ન્યૂજર્સી
યુ.એસ.એ.