‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/સમૃદ્ધ વાચનયાત્રા (મહેન્દ્ર મેઘાણી)
(‘અરધી સદીની વાચનયાત્રા’, ભાગ ૧-૨-૩-૪, સંપાદક: મહેન્દ્ર મેઘાણી, વર્ષ ૨૦૦૩-૦૬, કુલ પાનાં ૨૨૦૦થી વધુ, લોકમિલાપ ટ્રસ્ટ, દરેક ભાગના રૂ. ૭૫/-)
મહેન્દ્ર મેઘાણીએ વાચનયજ્ઞ આદર્યો છે. મહેન્દ્રભાઈ પુસ્તકઋષિ છે. લોકો વધુ ને વધુ કેમ વાંચતા થાય, વધુ ને વધુ ઉમદા સાહિત્ય પ્રત્યે અભિમુખ થાય, વાંચે અને વિચારે, યથાશક્તિ આચરે, આ દિશામાં મહેન્દ્રભાઈએ જીવનભર અથાગ પ્રયત્નો કર્યા છે, ધૂણી ધખાવી છે. વર્ષો પૂર્વે ‘મિલાપ’ સામયિક દ્વારા, ત્યાર પછી દેશ અને દુનિયામાં અનેક પઠન-કાર્યક્રમો દ્વારા, અનેક સંપાદનો, સંકલનો અને પ્રકાશનો દ્વારા અને જીવનની સંધ્યાએ ‘અરધી સદીની વાચનયાત્રા’ના યશકળશ જેવા ચાર ખંડના સંપાદન દ્વારા. પહેલા ખંડના સંપાદકીયમાં તેઓ લખે છે : ‘આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે. વાચનના સમૂળગા અભાવમાંથી, અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી, આવી વિચારશૂન્યતા પેદા થાય છે.’ (૧.૪). ઉમદા વાચન જ વિચારસમૃદ્ધિ પૂરી પાડે. મૌલિક વિચાર કે અંતઃસ્ફુરણા તો કોઈક ઋષિ કે કવિને માટે જ શક્ય છે. બાકી તો જે વાંચે તે જ વિચારી શકે. સમગ્રતયા વાચનપ્રેમ, કાવ્યસાહિત્યની વ્યક્તિ, સમાજ, દેશ અને સમગ્ર વિશ્વ પર થતી વ્યાપક અસર, એકાદ ઉત્તમ કૃતિના વાચનથી અનેક સુભાગી વ્યક્તિઓના જીવનમાં થયેલું ક્રાંતિકારી પરિવર્તન અને કેટલાંક મૂલ્યવાન ગ્રંથરત્નો વિશે ‘વાચનયાત્રા’માં અઢળક સમૃદ્ધિ ભરી છે.
પુસ્તકપ્રેમ
બીજા ખંડના સંપાદકીયમાં કાફકાનું એક અવતરણ ટાંક્યું છેઃ ‘મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ કે જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતા હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને, ભલા? આપણે તો એવાં પુસ્તકોની જરૂર છે, જે કોઈ મોટી હોનારતના જેવી અસર આપણી ઉપર કરે, ઊંડી વેદનામાં, જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવીમાત્રથી દૂરદૂરનાં જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે. પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારો કુહાડો હોવું જોઈએ.’ (૨.૯). હેલન હેઈઝનું અવતરણ વાંચતાં જ તમે ઊડવા માંડશો : ‘માતાપિતા પાસેથી આપણે પ્રેમ અને ઉલ્લાસ પામીએ છીએ, એક પછી એક પગલું માંડતાં શીખીએ છીએ. પણ પુસ્તકો ખોલીએ ત્યારે ખબર પડે છે કે આપણને પાંખો ફૂટી છે.’ (૨.૨૧૦). કાકાસાહેબ તેમની ‘વાચનકથા’માં કહે છે તેમ, ‘કેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે, જેને આપણે પુસ્તક ન કહેતાં જીવંત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુરુ, ત્રણેનું કામ એ એકસાથે કરે છે. (૪.૬૬). પેપરબૅક પુસ્તકોના પ્રકાશનની રોમાંચક કથા - પિક અપ એ પેંગ્વિન – ધ સ્ટોરી ઑફ એલન લેન’ – તમને અહીં વાંચવા મળશે. (૨.૯૧-૯૭). ઝવેરચંદ મેઘાણી કહે છે તેમ ‘સાહિત્યની તો સાગરવેળ : જીવનના વિશાળ ક્ષેત્રને અણુએ અણુએ પ્લાવિત કરી મૂકે, ચોમેર જીવન ઊછળતું કરી મૂકે એવી સચેતન દશા સાહિત્યની થાય. (૨.૨૮૫). છેલ્લે, પુસ્તકો માટેના વર્ષા અડાલજાના શબ્દો રત્નચિંતામણિ જેવા છે : ‘ જીવનના આરંભકાળમાં આ પુસ્તકોએ ખૂબ આનંદમાં સમય ગુજારવામાં સાથ આપ્યો. બસ એટલું જ? ના. જીવનની દરેક સ્થિતિને સ્વીકારીને હસતાં શીખવ્યું. ‘ખૂલ જા સિમસિમ’ કહેતાં એક અદ્ભુત નિરાળી દુનિયામાં પુસ્તકોએ મારો પ્રવેશ કરાવ્યો. ન વીસા, ન પાસપૉર્ટની જરૂરત. બેરોકટોક ગમે ત્યારે ગમે ત્યાં જઈ આનંદથી વિહરી શકાય. પુસ્તકપ્રેમે એકાંતને ચાહતાં શીખવ્યું. પુસ્તકોએ ઘણું ઘણું આપ્યું છે. એકાદ પાનામાં સમાઈ જતા કાવ્ય માટે ક્યારેક આખું હૃદય નાનું પડતું હોય છે. પુસ્તકો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે. એણે બાંધેલા ભવ્યાતિભવ્ય પ્રાસાદો જમીનદોસ્ત થઈ ગયા, પરંતુ આ સર્જનકાળની થપાટો ખાઈને અડીખમ ઊભું છે. એના ગઢની એક કાંકરી પણ ખરી નથી.’ (૪.૨૯૨).
વિશ્વસાહિત્યનાં રત્નો
વિશ્વસાહિત્યની ઉત્તમોત્તમ કૃતિઓની આલોચનાના લેખો આ વિચારયાત્રાનું આભૂષણ છે. ત્રીજા ખંડમાં વિકટર હ્યુગોની ‘લે મિઝરાબ્લ’ વિશે ત્રણ લખાણો છે. એમાંથી બે લેખનાં ટૂંકાં અવતરણો: ‘લે મિઝરાબ્લ’... દુનિયાના નિર્ઘૃણ સ્વાર્થપોપડાંઓ નીચે કલકલ વહી રહેલા ચિરંતર માનવતાઝરણનું આપણને દર્શન અને પાન કરાવનારી એ એક મંગલકથા બની રહે છે... આખી ગાથા મહાકાવ્યની ભવ્યતા ધારણ કરે છે અને વાક્યે વાક્યે એમાંથી ઊર્મિકવિતા ઝરે છે.! ઉમાશંકર જોશી. (૩.૭). સ્વામી આનંદ ગ્રંથકારની ટૂંકીટચ પ્રસ્તાવનામાંથી આ એક વાક્ય ટાંકે છે: ‘ધરતીતલ ઉપર જ્યાં લગી દુખિયારાં રહેશે ત્યાં લગી આ ગાથા માનવનાં હૃદયમનને સ્પર્શશે ને તેના ઊંડામાં ઊંડા આતમતારને ઝણઝણાવશે.’ (૩.૮). રવીન્દ્રનાથની ‘અમૃતસમી નવલકથા’ ‘ઘરે-બાહિરે’ વિશે ત્રણ ઉત્કૃષ્ટ લખાણો છે. ‘દર્શક’ના શબ્દો છે: ‘કથા દ્વારા જે બોધપાઠ આપ્યો છે તે છે પ્રેયને છોડી શ્રેયને પસંદ કરવા જતાં આવનારાં પરિણામનો; શીલને મૂકી શક્તિની પાછળ દોટ મૂકવા જતાં આવતી આફતપરંપરાનો. ગાંધીજીના સાધનશુદ્ધિના આગ્રહને જેણે યથાર્થ રીતે સમજવો હોય, તેને માટે ‘ઘરે-બાહિરે’થી કોઈ વધારે સહાયક કૃતિ નથી.’ (૩.૪૭૩). “‘ઘરે-બાહિરે’ લખીને રવીન્દ્રે આપણા સમાજની અને આપણી રાષ્ટ્રીયતાની અસાધારણ કોટિની સેવા કરી છે. બંગભંગ પછી ઉત્તેજિત થયેલા રાષ્ટ્રના પુરુષાર્થના ધોધમાં ચારિત્ર્યની મહાન શિલા થઈને ઊભા રહી રવીન્દ્રનાથે એક મોટું વીરકર્મ કર્યું છે.” કાકા કાલેલકર. (૧.૪૭૪). વર્ષા અડાલજા ‘ઘરે-બાહિરે’માંથી રવીન્દ્રનાથની નિખિલના મુખમાં મૂકેલી સુપ્રસિદ્ધ કંડિકા ટાંકે છે: ‘દેશની સેવા કરવા હું તૈયાર છું. પણ વંદન તો હું એ સત્યને જ કરીશ, જે દેશ કરતાં ખૂબ ઊંચે આસને વિરાજે છે. દેશને જો હું દેવ માનીને વંદન કરું તો દેશનું સત્યાનાશ વાળ્યું કહેવાય.’ (૪.૩૯૫). નારાયણ દેસાઈના ગ્રંથ ગાંધીજીના જીવનચરિત્રના ‘મારું જીવન એ જ મારી વાણી’, ખંડ ૧ થી ૪, ના અવલોકનનો અંશ તો આપ્યો જ છે, પણ સંપાદકનું ઔચિત્ય તો એ જ કે અવલોકનમાં ઉલ્લેખિત પાંચ મહાન આત્માઓનાં પાંચ પ્રકરણોમાંથી બે પ્રકરણો, ‘અનુપમ સખા એન્ડ્રુઝ’ અને ‘આત્મતનયા મીરાં’, એ પણ જોડેજોડે મૂક્યાં છે. (૩.૨૮૪-૨૯૨). ‘તેજોમૂર્તિ ભગિની’ હેલન કેલરની આત્મકથા ‘અપંગની પ્રતિભા’ની પંડિત સુખલાલજીની પ્રસ્તાવના પ્રેરક છે. પંડિતજીએ તેમની અને હેલન કેલરની વિકલતા, તેમના અનુભવોનું સામ્ય અને વૈષમ્ય, ભારત અને અમેરિકાના વિભિન્ન સંજોગો, આંતરિક બળ, આ બધું જે અનવરત પુરુષાર્થથી અપંગપણાના કિલ્લાને ભેદીને આત્માના નૂરને પ્રકટાવે છે તેની કથા આલેખી છે. આ ઉપરાંત બીજાં અનેક ઉત્તમ પુસ્તકોનાં અવલોકનો અહીં છે. પણ અમૃતલાલ વેગડનું ‘સૌન્દર્યની નદી નર્મદા’ના યોગેશ જોષીના અવલોકનના ઉલ્લેખનો લોભ છોડી શકાય તેવો નથી. તેમણે ટાંકેલું પુસ્તકનું આ અવતરણ નર્મદાના તેમજ અમૃતલાલ વેગડની ગદ્યશૈલીના સૌન્દર્યનું યુગપત્ નિદર્શન છે. ‘આ આંખોએ કેટકેટલાં રૂપો માણ્યાં છે નર્મદાનાં! અમરકંટકથી ઉદ્ભવતી; વનો, પહાડો અને ખીણોમાંથી વહેતી, હસતી-રમતી, રખડતી-રસળતી, વનોમાં લપાતી, પથ્થરોને કંડારતી, વળાંકે વળાંકે સૌન્દર્યની વૃષ્ટિ કરતી, વિન્ધ્યાચલ અને સાતપૂડાનું રક્ષણ પામતી; કપિલધારા - દૂધધારા- ધુંઆધાર અને ધાવડીકુંડમાં ભૂસકા મારતી, સાંકડી ખીણોમાં અતિવેગે દોડતી, ભેખડો ભેદતી, પહોળા પટમાં ધીમી પડીને પડખાં ફેરવતી, ચટ્ટાનોથી ટકરાતી - ધીંગાણાં ખેલતી-ઘૂમરીઓ ખાતાં ખાતાં વળી તેજ દોડતી; અંતે નિરાંતે સમુદ્રમાં સમાતી.’ (૩.૩૪૦-૩૪૧). અલબત્ત, આ અને આવી મહાન કૃતિઓ પુનરપિ પુન: વાચન અને પરિશીલન માગી લે છે. વાચન પણ તપસ્યા છે. દર્શકના શબ્દો અવતરણીય છે : ‘ઉત્તમ કૃતિ કુલ-કન્યા છે. વારંવારના અનુનય પછીથી તે પ્રાપ્ત થાય છે.’ (૧.૬૦૫).
ચરિત્રકીર્તન
ચરિત્રકીર્તન એ મહેન્દ્ર મેઘાણીનું પરમ આકર્ષણ છે. જુઓ એમના જ શબ્દો : ‘‘મિલાપ’નું પ્રકાશન બંધ થયું પછી તેમાં રજૂ થતાં તેવાં કેટલાંક લખાણો.... રસિકો સમક્ષ વાંચી સંભળાવવાની હોંશ મને થઈ. કુટુંબો ને સંસ્થાઓમાં જઈ, નાનામોટા સમૂહો સામે વિવિધ રસનાં લખાણોનું પઠન કરવાની વાચનયાત્રા થોડાં વરસોથી ચાલે છે. તેમાં મને વધુ પ્રિય રહ્યા છે ચરિત્રકીર્તન પ્રકારનાં.’ (૪.૩૦). ‘મિલાપ’ કરતાં પણ અનેકગણી સમૃદ્ધિથી વાચનયાત્રાના ચાર ખંડો ચરિત્રકીર્તનના લેખોથી સભર છે. લાંબાં-ટૂંકાં બધાં જ લખાણો ઉમદા છે. આમાં પણ સાહિત્યકારોની લેખિનીથી આલેખાયેલાં ચરિત્રચિત્રણો ઉત્કૃષ્ટ કક્ષાનાં છે. આનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત છે નાનાભાઈ ભટ્ટનું દર્શકની કલમે થયેલું ચરિત્રચિત્રણ, નાનાભાઈ જેવા સન્નિષ્ઠ અડગ ટેકીલા મહાન કેળળણીકાર અને દર્શક જેવા નાનાભાઈના ભક્ત અને અનુયાયી અને ઉત્તમ સર્જક, સોનામાં સુગંધ ભળી હોય તેવો લેખ બન્યો છે. (૨.૨૭૨-૮૦). આવું જ રૂડું પરિણામ આવ્યું છે નંદલાલ બોઝ વિશે અમૃતલાલ વેગડના લેખમાં, નંદબાબુ અવનીન્દ્ર, રવીન્દ્રનાથ અને ગાંધીજી એમ ત્રણેના પ્રીતિપાત્ર બનેલા અને વિદ્યાર્થીઓના તો પ્રિય ‘માસ્તરમશાય’. ઝવેરચંદ મેઘાણી વિશે પંડિત સુખલાલજી, નરોત્તમ પલાણ, સંજય ભાવે વગેરેનાં ઉત્કૃષ્ટ લખાણો છે. ‘સત્યકામ વિદ્યાપુરૂષ’ જયંત કોઠારીનાં અનુપમ સંસ્મરણો છે, સવિશેષ તેમની વિદ્યાર્થિનીઓનાં, ઉમાશંકર વિશે ભોળાભાઈ પટેલ, સ્નેહરશ્મિ, યજ્ઞેશ દવે, મોહનભાઈ પટેલ, નરોત્તમ પલાણ, જયેન્દ્ર ત્રિવેદી અને અન્ય લેખકોનાં લખાણોમાં ઉમાશંકરની ઉત્તમ છબિ ઝિલાઈ છે. ઉમાશંકરના ‘હૃદયમાં પડેલી છબીઓ’ ના બે ખંડોમાં અનેક મહાનુભાવોની સંક્ષિપ્ત ચરિત્રરેખાઓ આલેખાઈ છે. તે જ પ્રમાણે રઘુવીર ચૌધરીના ‘સહરાની ભવ્યતા’માંથી થોડાક લેખો અહીં ચૂંટાયા છે. આમાં નગીનદાસ પારેખ વિશેનો લેખ ‘માત્ર સત્ય, નિઃશેષ અને નિર્ભેળ સત્ય’-ઉત્કૃષ્ટ બન્યો છે. આ જ પુસ્તકમાં પંડિત સુખલાલજી વિશેના લેખમાં મૃદુલા મહેતાનું અવતરણ અદ્ભુત છે. પંડિતજી કહે : ‘પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે મેં કર્યો છે. સોળ વર્ષની વયે જ્યારે આંખો ખોઈ ત્યારે આંખોનું તેજ ગયું તેટલું જ નહીં, સમસ્ત જીવન જીવવાની બધી આશા-આકાંક્ષાઓ ફરતો ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતો. પ્રગાઢ અંધકાર, જ્યાં પ્રકાશની આછી રેખા ન હતી, આશાની ઝાંય સરખી નહોતી અને અંધકારના ડુંગરનો, ચોસલે ચોસલાનો એવો ભાર હતો કે ડોક ઊંચી ન થઈ શકે. ઊંડા અંધારા કૂવામાં મને કોઈએ ધકેલી દઈ જાણે જીવનનાં એકેએક દ્વાર બંધ કરી દીધાં હતાં. આ અંધકારનો ખડક સમો ભાર ભેદીને બહાર નીકળાશે કે કદી કોઈ પ્રકાશરેખા સાંપડશે તેવી કલ્પના જ અસંભવિત લાગતી હતી. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કોઈ આધાર નહીં, કોઈ ઓથાર નહીં. તમે એકલા, અટૂલા નિઃસહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા. મૃદુલા, જીવનનો તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી...’ (૩.૨૯૩). અંધકારનાં આપણાં ઉત્તમ કાવ્યોની સ્પર્ધામાં ઊભો રહી શકે તેવો આ ગદ્યખંડ છે. આ સૌમાં અનોખી ભાત પાડે તેવું એક ચરિત્રાંકન છે સુરેશ જોશીનું, એમના શિષ્ય બાબુ સુથારના હસ્તે. સુ.જો.ની ઈમેજ એક કઠોર, દુર્ઘર્ષ, આક્રમક વિવેચક તરીકેની છે. એમના અવસાન પ્રસંગે જયદેવ શુક્લે કહેલું : ‘હવે આપણો કોના ઉપાલંભથી ડરીશું?’ સુ.જો.ની સમગ્ર ગુજરાતી સાહિત્યમાં એક ધાક હતી. અહીં આ લેખમાં સુ.જે.નું એક પ્રેમાળ વત્સલ પિતાતુલ્ય અધ્યાપકનું ચિત્ર પ્રક્ટ થાય છે. વિદ્યાર્થીની અધ્યયનનિષ્ઠા અને અધ્યાપકની અધ્યાપનનિષ્ઠા આ બંનેનું કોઈ અણમૂલ ચિત્ર ખડું થાય છે. આપણને પ્રાચીન ગુરુકુળની યાદ આપે તેવું વાતાવરણ સર્જાયું છે. (૪.૨૪૩-૨૪૭).
ચિંતનસમૃદ્ધિ
મહેન્દ્ર મેઘાણીનું સંપાદન હોય અને ચિન્તનાત્મક લખાણોની સમૃદ્ધિ સવિશેષ હોય તે સ્વાભાવિક છે. સંપાદકનો વ્યાપ વિશાળ છે, પસંદગી ઉત્તમોત્તમ છે. અહીં મહાત્માઓ અને મનીષીઓ, વિચારકો અને તત્ત્વજ્ઞો, સાધુસંતો અને ભક્તો, આ સૌનાં વચનોનું વિવેકી સંદોહન છે. ગાંધી અને વિનોબા, કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળા, મનુભાઈ પંચોળી, સ્વામી આનંદ અને નવલભાઈ શાહ, રવિશંકર મહારાજ, ફાધર વાલેસ, પંડિત સુખલાલજી, નારાયણ દેસાઈ, સ્વામી સચ્ચિદાનંદ અને ગુણવંત શાહ, ઉમાશંકર જોશી અને સુરેશ જોષી, ટૉલ્સટૉય, રવીન્દ્રનાથ, ક્ષિતિમોહન સેન, મધર ટેરેસા-આ નામાવલિને હજુ પણ લંબાવી શકાય. પરદેશના અને પરભાષાના ચિંતકો પણ અનુવાદ રૂપે ઉપસ્થિત છે. સંપાદકની વિવેકપૂત પસંદગી માટે સવિશેષ તો એથી માન ઊપજે છે કે અહીં એક પણ ધધુપપૂનો સમાવેશ નથી થયો. ચિંતનને નામે બોધનાં સસ્તાં પડીકાં બાંધી આપનાર કૉલમિસ્ટો અહીં નથી. ઉત્તમથી ઊતરતી કક્ષાનું કશું જ સંપાદકને ખપતું નથી. આજે જ્યારે વિદ્યાર્થીઓએ ભણવાનું અને શાળા મહાશાળાઓએ ભણાવવાનું લગભગ બંધ જ કરી દીધું છે ત્યારે યુનિવર્સિટી શિક્ષણની ગરજ સારે તેવાં આ પુસ્તકો છે. જીવનમાં ડગલે ને પગલે પથપ્રદીપનું કામ કરે તેવી આ વિચારસમૃદ્ધિ છે. માત્ર ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મવિષયક ચિંતનલેખો જ નથી. સમગ્ર જીવનને આવરી લેતા અનેકવિધ વિષયોની સામગ્રી અહીં છે. દરિદ્રનારાયણની ઉપાસના એ તો મહેન્દ્ર મેઘાણીનો મંત્ર છે. ખેડૂત અને મજૂર વર્ગની હાલાકી, સ્ત્રીઓની લાચારી, આર્થિક શોષણ, જ્ઞાતિવાદ અને કોમવાદ, અસ્પૃશ્યતાનું કલંક, ભાંગતાં ગામડાંઓ અને શહેરી ઝોપડપટ્ટી, કચ્છ-અમદાવાદના ભૂકંપે સર્જેલી તારાજી અને એમાં પ્રગટ થતી માનવતા, લોકશાહી, રાજકારણી ભ્રષ્ટાચાર, મન અને હૃદયને કેળવણી આપતી ફિલ્મ અને કાવ્યતત્ત્વવિચાર અને સર્જકતા વિશે પણ થોડાક ઉત્કૃષ્ટ લેખો છે. આ સર્વસંગ્રહમાં શું છે તેની યાદી કરવી અશક્ય છે, શું નથી તેની જ શોધ કરવી પડે.
શિક્ષણ
આ ચિંતનયાત્રામાં સૌથી મૂલ્યવાન લેખો શિક્ષણવિષયક છે. બાળકેળવણી, સ્ત્રીશિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, શિક્ષણનું માધ્યમ, અધ્યયન અને અધ્યાપન, વિદ્યાર્થી અને અધ્યાપકની સમસ્યાઓ, નઈ તાલીમ, આ અને આવાં અનેક પાસાંઓ ઉપર ગાંધીજી, વિનોબા, ટૉલ્સટૉય, કાકાસાહેબ, નાનાભાઈ, દર્શક, ઉમાશંકર, સુરેશ જોષી અને બીજા અનેક વિચારકોનાં ઉત્તમ લખાણો આ ચાર ખંડમાં છે. આ લખાણોનો પ્રધાન સૂર છે વેદના, પ્રાપ્ત પરિસ્થિતિ અને ભાવિની ઘોર હતાશા. છતાં જવલ્લે જ જોવા મળતા આનંદના ઝંકારથી શરૂઆત કરીએ, વિદ્યાર્થી તરીકે ગૂજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકરના સંસ્મરણથી: ‘કૃપાલાનીજીની એ વખતની કામગીરી પયગંબરી આવેશવાળી હતી. કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર એમની અજબ ભૂરકી હતી. નદીની રેતમાં રોજ સાંજે ભાષણો થતાં. આચાર્ય આવે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વંટોળિયા પાછળ ઘસડાતાં આવતાં હોય એમ ધસ્યાં આવે. એક સાંજનું ભાષણ મને બરાબર યાદ છે. આચાર્ય કહે: ‘આઈ એમ એ કિંગ.’- હું રાજા છું. અને અર્ધું ચક્કર ફરી લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ અમારી સૌની તરફ હાથ કરી આગળ ચલાવ્યું: ‘માય કિંગ્ડમ ઇઝ ઇન યૉર હાર્ટસ’ - મારું રાજ્ય છે તમારા સૌનાં હૃદયમાં. એ જમાનો જ જુદો હતો. આવા ઉદ્ગારો નર્યા સત્ય લાગતા. ત્યારે એવો જમાનો હતો જ્યારે યૌવન પૂર્ણ ગૌરવમાં પ્રફુલ્લિત થઈ શક્યું હતું. વર્ડ્ઝવર્થના શબ્દોમાં કહી શકાય કે
Bliss was it in that dawn to be alive,
But to be young was very heaven!" 1.171
નાનાભાઈ વિશેના દર્શકના અનુપમ લેખમાંથી નાનાભાઈનો સંતાપ જુઓ : ‘તેઓ જોતા કે કૉલેજના વિદ્યાર્થીઓ એમની પાસે આવતા, પણ એ તો કેમ પાસ થવું એની ચાવીઓ શીખવા જ - કેમ જીવન જીવવું તે શીખવા નહીં. તેઓ જોતા કે વિદ્યાર્થીઓ કૉલેજમાં ચાર વર્ષ રહ્યા પછી પણ એટલા જ દિશાશૂન્ય ને ઉપલકિયા રહેતા... પૃથ્વીનાં દ્રવ્યોમાંનું સૌથી મૂલ્યવાન દ્રવ્ય, યૌવન, નિરર્થક વેડફાયે જતું હતું.’ (૨.૩૭૬). કાંતિ શાહનો આક્રોશ વેધક છે: ‘યુવાનોમાં ક્યાં છે તરવરાટ? ક્યાં છે છલાંગ મારવાની તમન્ના? ક્યાં છે ઉકરડા જેવા સમાજમાં પૂળો મૂકીને નવી રચના કરવાની છટપટાહટ? ક્યાં છે નવું ભારત, નવું જગત સર્જવાનો થનગનાટ? એને બદલે આજે તો તે વળગી રહ્યો છે નિર્માલ્યને, એની આકાંક્ષાઓ નિર્માલ્ય છે, એનાં અરમાનો નિર્માલ્ય છે, એનો પુરુષાર્થ નિર્માલ્ય છે. કરચલી ન પડે એવાં કપડાંમાં એને મહાલવું છે, કમર ન વાળવી પડે એવી બાબુશાહી નોકરી માટે વલખાં મારવાં છે, ઢંગધડા વિનાનાં ફીસાં ગાણાં ગાવાં છે, ઢીંગલા-ઢીંગલી જેવાં જીવનસાથીનાં સ્વપ્નાં સેવવાં છે, નિર્માલ્ય પૈસા માટે હાયવોય કરવી છે.’ (૨.૧૩૪). ‘વિદ્યા વિનાનો વિદ્યાર્થી’માં સુરેશ જોષીનો આક્રોશ આવો જ ઉત્કટ છે : ‘જ્ઞાનનાં ક્ષેત્રમાં વર્ષો ગાળ્યાં છતાં જેમની સૂઝ ખીલી નથી, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી નથી, મૂલ્યબોધ વિકાસ પામ્યો નથી, કલ્પનાશક્તિ ખીલી નથી, વિચારમાં સૂક્ષ્મતા અને ઊંડાણ આવ્યાં નથી એવા શિક્ષણનો વેપલો ચલાવનારાને પનારે પડેલા જુવાનો...’ (૩.૩૨૦).
કથાપ્રસંગો
ડગલે ને પગલે અનેક ઉત્તમ કથાપ્રસંગો હૃદયના તારેતારને રણઝણાવી મૂકે તેવા સંવેદનસમૃદ્ધ છે. આ કથાઓ રમૂજ કે મનોરંજન માટે નથી, આ તો જીવનને અજવાળી મૂકે તેવી સત્યકથાઓ છે. રમણલાલ સોની, આપણા બંગાળી સાહિત્યના સમર્થ અનુવાદક અને ઉત્તમ બાળસાહિત્યકાર, એમણે અમદાવાદના ધરતીકંપ વખતે જીવનમરણની કટોકટીમાં પણ તેમની પુત્રવધૂના કર્તવ્યભાનનું જે ચિત્ર દોર્યું છે તે હજી માણસાઈમાં સાવ શ્રદ્ધા ગુમાવવા જેવું નથી તેનું પ્રેરક બ્યાન છેઃ ‘આંખે નહીં ભાળતાં ૯૪ વરસના વૃદ્ધને ત્રણ દાદરા ઊતરતાં ને પછી ત્રીસ ફૂટ પડાળી વટાવતાં કેટલી બધી વાર લાગી હશે! એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી! ‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં!’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને? પણ પારકી દીકરી પરણીને પછી પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે, આત્મીય કરી માને છે, તેનું ચરમ દૃષ્ટાન્ત તે દિવસે જોયું.’ (૧.૧૧૧). વીશી ચલાવતાં ફઈબાનાં ‘મીઠાં વડચકાં’ તમે સાંભળશો ત્યારે માણસના બહિરંગ અને અંતરંગના રહસ્યનો ભેદ પામીને પ્રસન્નતા અનુભવશો. (૨.૧૪.૨૦). કચ્છના એક ગામડામાં કોઈક ભાભુમાએ નાનકડો રોપો વાવ્યો હતો તે વિષે પૃચ્છા કરતાં બાઈ કહે છે: ‘ઈ તો સાંયડી રોપી છે, ભલા!’ હવે જુઓ પ્રદ્યુમ્ન તન્નાનો પ્રતિભાવ : ‘પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો... ‘છાંયડી’ રોપી હતી. બસ, લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું... કોઈ સમરથ કવિનેય ઈર્ષ્યા થઈ આવે એટલો સચોટ અને સભર શબ્દ-વિલાસ હતો એ!’ (૧.૧૯). ઈશ્વર પેટલીકરની ‘સબધો પાડોશી’ની અંગત કથા વાંચતા તમારી આંખમાં ઝળઝળિયાં આવ્યા વિના નહિ રહે. (૨.૫૦-૫૬). ગિરિજાદેવીના ગાનની કથા ‘તાર-તંબૂરના ને હૈયાના’ હૃદયસ્પર્શી છે. (૨.૧૬૬). આ અને આવી તો અનેક નાની મોટી સંવેદનશીલતાથી સભર સાત્ત્વિક અને પ્રેરક અનેક કથાઓ આ ચાર ખંડમાં છે. આની વિગતો તો નહિ જ, પણ એનો ઉલ્લેખ સુધ્ધાં અહીં શક્ય નથી. છતાં છેલ્લે એક પ્રસંગ. આ વાંચીને કોઈ પણ જાગ્રત વાચકનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય એવી એમાં શક્તિ ભરી છે. ‘દીકરા, ચોવીસ કલાક - આખો દિવસ હું મારા માટે જ જીવું છું. પણ એ ચોવીસ કલાકમાંથી માત્ર અડધો કલાક શું બીજાઓ માટે ન રાખું? વેપાર-ધંધો તો આખી જિંદગી થવાનો છે! આપણા નસીબમાંથી કોઈ ચોરી જવાનું નથી!... તને પણ કહું છું કે, ધંધામાં ભલે લાખો રૂપિયા કમાય, પણ ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ તો એવી નક્કી કરી રાખજે કે જે બીજાઓ માટે હોય! એ ચોવીસ મિનિટના કારણે જ આપણે ચોવીસ કલાક ઊજળા ફરી શકીશું.’ (૪.૩૦૪-૫). આ અને આવા મર્મવેધી કથાપ્રસંગો મહેન્દ્રભાઈએ ટૂંકાવ્યા નથી, યથાતથ રજૂ કર્યા છે તે પણ સંપાદકનો વિવેક દર્શાવે છે. મહેન્દ્રભાઈ મેઘાણીની અભિરુચિ અત્યંત ઉદાર અને વ્યાપક છે. આ માણસને હિન્દી ફિલ્મમાં અને ફિલ્મસંગીતમાં આટલો ઊંડો રસ હશે તે કોણ માનશે? મીનાકુમારીના અભિનય વિશે ટાંકેલા આ શબ્દો જુઓ: ‘ઓછો પણ સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય એ તેની વિશિષ્ટતા હતી. ઘણી વાર સંવાદની જરૂર રહેતી નથી. તેના બિડાયેલા હોઠ અને ઝળઝળિયાંળી આંખો તો બોલતી જ, પણ થરથરતી પાંપણો પણ ઘણું કહી જતી... ‘પરિણીતા’માં તેને જોતાં દરેક વખતે લાગ્યા કર્યું કે આ જ ભૂમિકા માટે તેનો જન્મ થયો છે.’ શિરીષ કણેકર. (૪.૩૯૪). અજિત અને નિરૂપમા શેઠનો, પંકજ મલિકનાં ગીતોનો, કવિતા કૃષ્ણમૂર્તિ અને ચંદ્ર આત્મા જેવા કળાકારો સાથેના કાર્યક્રમ વિશેનો વિપીન પરીખનો લેખ તમારે વાંચવો જ રહ્યો. તમારા હૃદયના તારેતારને એ ઝંકૃત કરી ઊઠશે અને ઘરઝુરાપા ને અતીતરાગમાં તમે ઘડીભર ખોવાઈ જશો. (૩.૧૫૨.૩). ‘તમને સૌથી વધુ ગમતું ગીત કયું, એ તમે કહી શકશો? હું તો નહીં કહી શકું. સો-સવાસો નામ આપવાં પડે... ગળા પર તલવાર મૂકીને પસંદગી કરવાનું મને કોઈ કહે તો ક્ષણનોયે વિલંબ કર્યા વગર હું ‘બાબુલ મોરા’ કહી દઉં : ચિત્રપટ ‘સ્ટ્રીટસિંગર’, સંગીત આર.સી.બોરાલ, ગાયક કુંદનલાલ સાયગલ... વાજિદ અલીના લોહીલુહાણ કાળજાની ‘બાબુલ મોરા’ ચીસ છે. આ વ્યથા, આ કારુણ્ય, આ શૂળ જીવંત જ નહીં, પણ અમર કર્યા બોરાલના સંગીતે અને સાયગલના અવાજે!’ શિરીષ કણેકર. (૪.૪૦૩). અને શિરીષ કણેકર ‘તાનસેન’ ફિલ્મનાં સાયગલનાં ગીતો વિશે લખે છે ત્યારે ફિલ્મનો ચમત્કાર કેટલો વાસ્તવિક બની જાય છે : ‘‘તાનસેન’માં દેખાડયો છે એ સંગીત-ચમત્કાર કોઈ પણ કાળમાં અસંભવ લાગે એવી જ છે. પણ ખેમચંદ પ્રકાશના સંગીતમાં સાયગલનો અવાજ ભળે છે, ત્યારે સંભવ-અસંભવની શૃંખલા તૂટી જાય છે. તે ‘સપ્ત સુરન તીન ગ્રામ’ ગાય છે ને અમસ્તાં જ પડેલાં વાદ્યો આપમેળે જ વાગવા માંડે છે.... ‘બાગ લગા દૂં સજની’ ગાય છે અને નિષ્પર્ણ વૃક્ષવેલીઓ ફૂલપાંદડાંથી ખીલી ઊઠે છે... તે ‘રૂમઝૂમ રૂમઝૂમ ચાલ તિહારી’ ગાય છે અને પાગલ થયેલો મદોન્મત્ત હાથી શાંત થાય છે. તે ‘ઝગમગ દિયા જલાવ’ ગાય છે અને મહેલના દીવા પેટે છે.’ (૪.૪૦૪). સાગયલ જેવો ગાયક કળાકાર હોય તો આવા ચમત્કારો કેમ ન થાય? અને આના જ અનુસંધાનમાં પુ.લ. દેશપાંડેનો બેગમ અખ્તર વિશેનો લેખ. બેગમ અખ્તર જેવી ‘વિરહગીતોની રાણી’ અને સમર્થ સાહિત્યકાર પુ.લ.દેશપાંડેની કલમ, આવો મણિકાંચનયોગ તો અત્યંત વિરલ. એક પછી એક ઉત્કૃષ્ટ ગઝલોની પંક્તિઓ: ‘અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’, ‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’, ‘કબજે મેં થી બહાર, આજકલકી બાત હૈ’ બેગમ સાહિબાના સૂરને જીવંત કરે છે. ‘અખ્તર’ એટલે તારિકા. આ સિતારાએ જ આપણને ‘સિતારો કે આગે જહાં ઓર ભી હૈ’ એની પ્રતીતિ કરાવી છે. (૩.૪૧૨-૪૧૯). શિરીષ કણેકર અને પુ.લ. દેશપાંડેના લેખોને મહેન્દ્ર મેઘાણીએ લેશમાત્ર ટૂંકાવ્યા નથી. વક્તવ્ય અને અભિવ્યક્તિનું સૌંદર્ય એમણે તંતોતંત જાળવી રાખ્યું છે, જરા પણ અળપાવા દીધું નથી એ પણ એમની રસવૃત્તિનું દ્યોતક છે.
અવતરણસમૃદ્ધિ
વિચારયાત્રાનું કોઈ પણ પાનું ખોલો, પાને પાને મોતી વિખરાયેલાં છે. કોઈ કંડિકા તમને ઊંડા ચિંતનમાં ગરકાવ કરી દેશે, કોઈક તમને ભાવવિભોર કરી મૂકશે, કોઈક તમને આનંદવિભોર કરશે. કેટલાંક અવતરણો જીવનને અજવાળી દે તેવાં ઉજાગર છે. થોડાંક, બહુ જ થોડાં દૃષ્ટાંતો : ‘ગોખલે.... સ્ફટિક જેવા નિર્મળ, ગાય જેવા ગરીબ, સિંહ જેવા શૂર અને ખોડ ગણાય એટલી હદ સુધી ઉદાર. જ્યારે મેં તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક જ ધ્વનિ ઊઠ્યો : ‘આ જ મારો મુર્શિદ!’’ મહાત્મા ગાંધી. (૪.૩). ‘એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ – એનું નામ શ્રદ્ધા.’ વિલિયમ વોર્ડ. (૧.૪૩૯). ‘મનુષ્યજીવનનાં મેં બે સરળ ગિરિશિખરો ગણ્યાં છે... એક છે નિર્વ્યાજ પ્રેમ... માનવયાત્રાનું બીજું શિખર મેં માન્યું છે નિરભ્ર બુદ્ધિની ઉપાસના.’ દર્શક. (૧.૫૨૬). ‘પ્રભુ પાસે જવાનો માર્ગ તત્ત્વનિષ્ઠ અને સાત્ત્વિક જ હોવો જોઈએ. મૂઢાચારથી મોક્ષ ન મળે.’ વિષ્ણુપ્રાદ ત્રિવેદી. (૧.૧૪૯). પંડિત કો પુરબ ભલો, જ્ઞાની કો પંજાબ; કર્મકાંડી કો દખ્ખણ ભલો, ઢોંગી કો ગુજરાત. ડાહ્યાભાઈ મિસ્ત્રીએ ટાંકેલો દુહો (૩.૧૭૭). ‘બાકી આપણો મલક ઈ આપણો મલક, બીજાં સંધાય ફાંફાં; જલમભોમકા ક્યાંથી થાવી નથ!’ રસિક ઝવેરીએ ટાંકેલા કાનજી ખવાસના શબ્દો. (૧.૨૬૩). ‘ભઈ, કોઈનું ઘોડું જોઈને તો આપણા ટાંટિયાને થાક લાગે – માટે એ બાજું મૂંઢું જ ન કરવું.’ રમણલાલ સોનીનાં બા. (૧.૫૮૭). Life’s Little instruction bookમાં પિતાએ પુત્રને આપેલી શિખામણના વચનો એકેએક રત્નકણિકા સમાન છે. અહીં તો માંડ ત્રણ : ‘સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે —ભલે પછી તે કદી નહિ વંચાય એમ લાગે.’ ‘પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક કદી ઓછો ન આંકવો.’ પણ બીજાઓમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.’ ‘તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.’ (૧.૧૯૯-૨૦૦) અને આવી જ શીખ, અનેક મૂલ્યવાન સૂચનાઓથી સભર, અબ્રાહમ લિંકનની પોતાના પુત્રને સ્કૂલે મોકલતી વખતની છે. અહીં તો નમૂનાદાખલ બે જ : ‘હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. પુસ્તકોની અદ્ભુત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજારવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોધવા એને થોડોક નિરાંતનો સમય આપજે.’ (૨.૭૩-૭૪). રવિશંકર મહારાજ તમને આશ્ચર્યચકિત કરશે, ભગવાન કૃષ્ણનો અંતિમ સંદેશ : ‘હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ગીતામાં જ આપી દીધો છે... ઉદ્ધરેદાત્મનાત્માનમ્... માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.’ (૧.૧૧). આવાં અમૂલ્ય અસંખ્ય અવતરણો ટાંકી શકાય. પણ છેલ્લે એક વધુ. એક ઉત્તમ કવિતા જેવું સર્વેન્દ્રિયસ્પર્શી અને સર્વાશ્લેષી : ‘હું જાતે આંધળી, જે લોકો દેખતા છે તેમને એક સૂચન કરી શકું એમ છું; આવતીકાલે જ જાણે કે તમારી પર અંધાપો ઊતરી પડવાનો છે તેમ સમજીને તમારી આંખો વાપરજો! અને બીજી ઇન્દ્રિયોને પણ એ જ રીત લાગુ પાડી શકાય. માનવ-શબ્દોનું સંગીત, પંખીનું ગાન, સુરાવલિના પ્રચંડ સ્વરો – જાણે કે આવતીકાલે જ તમે બહેરા બની જવાના હો તે રીતે સાંભળજો. જે જે ચીજને સ્પર્શ કરવો હોય તેને એ રીતે હાથ લગાડજો કે જાણે કાલે તમારી સ્પર્શેન્દ્રિય બંધ પડી જવાની છે. પુષ્પોને એવી રીતે સૂંઘજો અને રોટલાનું પ્રત્યેક બટકું એવી લિજ્જતથી મમળાવજો કે જાણે કાલથી તમે કદી સુવાસ કે સ્વાદ અનુભવી શકવાના નથી. આ સૃષ્ટિએ તમારી સન્મુખ પાથરેલાં સુખ અને સૌન્દર્યના એકેએક પાસાને માણજો. પ્રત્યેક ઇન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો.’ હેલન કેલર. (૧.૩૦).
મર્યાદા
આ અપરંપાર સમૃદ્ધિથી સભર ગ્રંથમાળાની ગંભીર મર્યાદા છે સંપાદકની કાવ્યપસંદગી. થોડાંક ઉત્તમ કાવ્યો આમાં છે જ, પરંતુ અકાવ્યો અને અકવિઓની ભરમાર અસહ્ય છે. સંપાદકની કાવ્યવિભાવના જ પાયામાંથી ભૂલભરેલી છે. કાવ્યનો વિષય ઉદાત્ત કે ભવ્ય હોય, બેચાર ડહાપણ કે ઉપદેશનાં વચનો હોય તેથી કૃતિ કાવ્યરૂપ નથી પામતી. દાખલા તરીકે પ્રથમ ખંડમાં મા વિશે નહિ નહિ તો પંદર-સત્તર કાવ્યો છે, મોટાભાગનાં કંગાળ. પહેલા ખંડની શરૂઆતમાં જ ‘મીઠલડી, હેતાળી, ગરવી તું, મા’નું કાવ્ય છે. (૧.૩). આ ઓછું હોય તેમ વળી આ કાવ્ય બે વાર છપાયું છે. (૧.૨૪૧). મા, માના વેવલાવેડા કરવાથી જો કૃતિ કાવ્યનું રૂપ પામતી હોય તો પછી અભિવ્યક્તિની કે સર્જનાત્મક શબ્દની મથામણ જ ના કરવી પડે. કાવ્યોની પસંદગીની બીજી પણ એક વિચિત્રતા છે. ઉત્તમ કવિની પણ નિર્બળ કૃતિની વારંવાર પસંદગી થઈ છે. ઉમાશંકરના ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો’ના સૉનેટો આમાં નથી; ‘બોલે બુલબુલ’ જેવાં ગીતો નથી; ‘પ્રાચીના’ કે ‘મહાપ્રસ્થાન’માંથી કાવ્યાત્મક કે નાટ્યાત્મક અંશો નથી. પણ ઉમાશંકરનું કોઈ નબળી પળોમાં લખાયેલું સાવ જ સામાન્ય કાવ્ય ‘ખિસકોલી’ આમાં છે. આનાથી પણ વધારે વિલક્ષણ ‘કાન્ત’ના કાવ્યની પસંદગી છે. ‘કાન્ત’નાં ‘થોડાં પણ અતીવ સુન્દર’ (મનસુખલાલ ઝવેરી) કાવ્યોમાંથી એક પણ કૃતિ નથી. ચાર ખંડકાવ્યો કે આઠ-દસ અનુપમ ઊર્મિકાવ્યો જેવાં કે ‘ઉપહાર’, ‘ઉદ્ગાર’, ‘વત્સલનાં નયનો’, આમાંથી એક પણ રચના નથી. ‘કાન્ત’ જ્યારે શરૂઆતમાં દલપતરામને અનુસરીને કાવ્યવ્યાયામ કરતા’તા ત્યારનું ‘હિંદમાતાને સંબોધન’ (ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં!/ કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં!) એ જોડકણું આમાં છે. (૨.૧૩૨). ચારે ખંડમાં મળીને સૌથી વધારે ગઝલ અને ગઝલના શેર કયા ગઝલકારના છે? મનોજ ખંડેરિયા? રાજેન્દ્ર શુક્લ? ના, એ માન દીપક બારડોલીકરને ફાળે જાય છે. એમની એક ‘મા’ની ગઝલ પણ છે. (પ્રેમઅમી છલકાવે મા / ઘરમાં સ્વર્ગ ઉતારે મા. (૨.૨૧૮). બોટાદકરનું ‘જનની’ તો છેક ચોથા ખંડમાં સ્થાન પામે છે. ત્રીજા ખંડમાં તેનું ટૂંકાવેલું રૂપ છે. અકાવ્યનું એક નિકૃષ્ટ દૃષ્ટાંત છે ‘બેકાર’નું કાવ્ય ‘બોચાસણ આશ્રમમાં’. એની પ્રથમ પંક્તિ છે : ‘નિત્ય ઊઠીને ભલા ઝાડુ પકડવાનું રહ્યું.’ આ અસહ્ય કૃતિ પૂર્વે પ્રાસ્તાવિક નોંધ છે: (કવિએ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે રવિશંકર મહારાજના બોચાસણ આશ્રમમાં તાલીમ લીધેલી.) આ સંપાદકીય નોંધથી અકાવ્યનો ઉદ્ધાર કેવી રીતે થાય? કાવ્યોની તુલનામાં માત્ર વિવેચનલેખો અને ચરિત્રલેખો બધા જ ઉત્તમ કક્ષાના છે. આમાં હું જેટલો મહેન્દ્ર મેઘાણીનો દોષ જોઉં છું તેટલો જ, બલકે તેથી વધુ, ગુજરાતી વિવેચનાનો દોષ જોઉં છું. આ સુરસમૃદ્ધ વાચનયાત્રાના ચાર ખંડ ચારેક વર્ષના ગાળામાં પ્રગટ થયા. આપણા એકેએક સામયિક અને વર્તમાનપત્રમાં આનાં પ્રશંસાથી ભરપૂર અવલોકનો પ્રકટ થયાં. મહેન્દ્ર મેઘાણી આ ઉત્કટ પ્રશંસાના પૂરેપૂરા અધિકારી છે. પણ કોઈ એક પણ અવલોકનકારે કાવ્યોની પસંદગીની ટીકા નથી કરી. પહેલો ખંડ પ્રગટ થયો ત્યારે જ જો આ મર્યાદાની ટીકા થઈ હોત તો બીજા-ત્રીજા-ચોથા ખંડને જરૂર લાભ મળ્યો હોત. મહેન્દ્રભાઈ ખેલદિલ માણસ છે. પહેલા ખંડમાં તેમણે અનુક્રમણિકા પણ ટૂંકાવી છે. બીજા ખંડમાં અનુક્રમણિકાની સાથે પાછળ લેખક-સૂચિ પણ આપી છે. ચોથા ખંડમાં અનુક્રમણિકા, લેખક-સૂચિ ઉપરાંત પુસ્તક-સૂચિ અને સામયિક-સૂચિ પણ છે. વાચકોના પ્રતિભાવનું જ આ સુફલ છે. એક બીજી વિલક્ષણતા નોંધનીય છે. આ વાચનયાત્રામાં સર્જનાત્મક કૃતિઓનો ઠીક ઠીક અભાવ છે. કાવ્યો છે, અનેક છે, ઉત્તમ કાવ્યો પણ છે. સર્જનાત્મક નિબંધો આંગળીના વેઢે ગણી શકાય તેટલા પણ નથી. સુરેશ જોષી, ભોળાભાઈ પટેલ, યજ્ઞેશ દવે, મણિલાલ પટેલ જેવા ગદ્યકારોના એકાદ-એકાદ ઉત્કૃષ્ટ નિબંધો છે. નવલકથાઓ મુદ્દલ નથી. નવલકથાકાર તરીકે સર્જકની આંતરકથાના બે લેખો છે: ‘દર્શક’ના ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માંથી તેમની નવલકથાઓની ભૂમિકા ને પ્રેરણાનો ઉત્તમ લેખ છે. ધ્રુવ ભટ્ટના ‘તત્ત્વમસિ’ વિશે પણ એમનો લેખ છે. પણ મુનશી, દર્શક, પન્નાલાલ, હરીન્દ્ર (માધવ ક્યાંય નથી), ભગવતીકુમાર શર્મા (અસૂર્યલોક), ધ્રુવ ભટ્ટ (સમુદ્રાન્તિકે) જેવા ઉત્તમ નવલકથાકારોની ઉત્કૃષ્ટ નવલકથાઓમાંથી એક પણ અંશ નથી. દર્શકના શિક્ષણ-વિષયક અનેક લેખો છે, દર્શકના છે માટે સારા જ છે. પરંતુ ‘દીપનિર્વાણ’માં આચાર્ય ઐલની ઉદ્બોધક વાણી જે સર્જનાત્મક ગદ્યમાં છે એની તોલે તો ખુદ દર્શકના લેખો પણ ન આવે. મુદ્રણદોષો ઓછા છે એટલું જ આશ્વાસન લેવાનું રહ્યું. દુર્ભાગ્યે સાવ નથી જ એમ તો કહી શકાય એવું નથી. સંસ્કૃત અવતરણો મોટાભાગે અશુદ્ધ છપાયાં છે. આપણી સંસ્કૃતની જાણકારીને તો લૂણો લાગ્યો છે. ગીતાવાક્ય न हि कल्याणकृत कश्चित् तात गच्छतिમાં कल्याणकृत એમાં त આખો છપાયો છે જે ‘ત્’ જોઈએ (૩.૩૯૩). દર્શકના આ જ લેખમાં બીજું સંસ્કૃત અવતરણ ‘રામચરિતમાનસ’માંથી છે : स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथाમાં रघुनाथगाथाम् છપાયું છે. (૩.૩૯૩). સંજય ભાવેના ‘પુ.લ.દેશપાંડે’નાં લેખમાં ‘રઘુવંશ’ના સુપ્રસિદ્ધ શ્લોકનું અવતરણ
महिमानं यदुत्कीत्यं तव संहियते वचः ।
श्रमेण तदशक्त्या वा न गुणानाभिमत्तया ॥
આટલું અશુદ્ધ છપાયું છે : यदुत्कीर्त्य ને બદલે यदुत्कीत्यं, संह्रियते ને બદલે संहियते, गुणानामभिमत्तया ને બદલે गुणानाभिमत्तया (૩.૪૮૧). यद् यद् आचरति श्रेष्ठः ની જગ્યાએ पद् पद् છપાયું છે. (૧.૨૪૭) ગુજરાતી લિપિમાં પણ સંસ્કૃત શબ્દ અકુતોભયસંચારને બદલે અકુતોભયસંસાર છપાયું છે. (૧.૬૦૦). મુદ્રારાક્ષસે એક ભયંકર ભોગ લીધો છે. ‘જન્મભૂમિ’ દૈનિકની અઠવાડિક સાહિત્ય-કટાર ‘કલમ અને કિતાબ’ ઝવેરચંદ મેઘાણીએ વર્ષો સુધી સંભાળી. આ પાના વિશે ઉમાશંકર : ‘કલમ અને કિતાબ’ના પાનાના કારણે... પોતાના હાથમાં શસ્ત્ર છે તો વિઘાતક થવું, સામાવાળાનું દૃષ્ટિબિંદુ સમજવું, એવી વૃત્તિ રાખતા.’ (૪.૪૬૯). આ અવતરણ ‘મેઘાણી વિવેચનસંદોહ’માંથી લીધું છે. મારી પાસે આ હાથવગુ નથી. પણ ‘ન’કાર ઊડી ગયો હોય એમ લાગે છેઃ ‘પોતાના હાથમાં શસ્ત્ર છે તો વિઘાતક ન થવું’ એમ મૂળ પાઠ હોવો જોઈએ. દૂધમાંથી પોરા કાઢવાની વૃત્તિથી આ મુદ્રણદોષો નથી નોંધ્યા. આ ગ્રંથોને અકલ્પ્ય લોકપ્રિયતા પણ સાંપડી છે. ભવિષ્યની આવૃત્તિમાં આ સુધારી લેવાય તેવી ભાવનાથી આ નોંધ કરી છે.
तवैव तुभ्यम्
અંતે ‘અરધી સદીની વાચનયાત્રા’નાં જ બે અવતરણોથી વિરમીએ : ‘સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રીપુરુષનો આજીવન છંદ બની રહો!’ પુરુષોત્તમ માવલંકર (૧.૬૦૩). ‘કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રહેવા દેતો જ નથી. તેથી આપણી ક્ષિતિજોને વિશાળ બનાવનારાં, આપણી જાતને ભેદીને બહાર નીકળવામાં સહાય કરનારાં આ સાધનો સહુ કોઈને માટે સુલભ બનાવવાં, તેના કરતાં વધુ મહત્ત્વનું માનવજાત માટે બીજું કશું નથી.’ આન્દ્રે મોરવા. (૧.૬૦૭). મહેન્દ્ર મેઘાણીએ ગુજરાતની પ્રજા માટે આવું મહાન કાર્ય કર્યું છે. આપણે સૌ ચિરકાળ માટે તેમના ઋણી રહીશું. ન્યૂયૉર્કની સબવે ટ્રેનો અંડરગ્રાઉન્ડ ગાલે છે. માટે સબવે લેવા માટે કેટલાં બધાં પગથિયાં ચડવાં-ઊતરવાં પડે ત્યાં સલામતી માટે બધે એક સાઇન મૂકી હોય છે - Walk, Don’t Run. આ પુસ્તકો માટે હું કહીશ કે આ ખરીદવા માટે Run, Don’t Walk. આ નિ:સ્પૃહી માણસ ૬૦૦થી વધુ પાનાંનું પુસ્તક માત્ર રૂ.૭પમાં આપે છે. બહુ મોડું થાય તે પહેલાં ચારે ગ્રંથ વસાવી લો. રતિલાલ બોરીસાગરે યોગ્ય જ કહ્યું છે કે ‘અરધી સદીની વાચનયાત્રા’ આ સદીનાં ઉત્તમ પ્રકાશનોમાંનું એક છે.