‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/સિતાંશુ યશશ્ચન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ.

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સિતાંશુ યશશ્વન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ

“અત્યારે લખાતી ગુજરાતી કવિતામાં તમને કોની કવિતા ગમે છે?’
‘સિતાંશુની’ -લાભશંકર ઠાકર
‘કવિતા દ્વારા કવિતા સિવાય કશું પામવા જવું, એ અસ્વીકાર્ય છે.”
-સિતાંશુ યશશ્ચંદ્ર

આધુનિકતા

કવિ અને કવિતાના વિષયમાં ગુજરાતી ભાષા રળિયાત છે. ઉત્તમ નવલકથાકારો કે ઉત્તમ નવલકથાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલી પણ ગુજરાતી સાહિત્યમાં નથી. નવલિકા ક્ષેત્રે થોડુંક વધારે સારું ખેડાણ થયું છે. નાટકમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તે છે. અન્ય સાહિત્યસ્વરૂપોની અપેક્ષાએ યુગે યુગે, પેઢીએ પેઢીએ, દસકે દસકે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિઓ મળ્યા છે. એકાદ દસકો ઉત્તમ કવિ વિનાનો જાય તોપણ ઉત્તમ કવિતા વિનાનો તો નથી જ ગયો. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો આવિષ્કાર સુરેશ જોષીની કાવ્યસાહિત્યવિવેચનાથી થયો છે તે નિર્વિવાદ છે. “નર્મદ જો અર્વાચીનોમાં આદ્ય છે તો સુ.જો. આધુનિકોમાં આદ્ય છે.” (બહુસંવાદ, પૃ.૬૧). ચન્દ્રકાન્ત ટોપીવાળાનું આ સૂત્રાત્મક વિધાન તત્ત્વતઃ સાચું છે. પરંતુ કવિતાક્ષેત્રે આધુનિકતાના અગ્રેસર હોવાનું શ્રેય નિરંજન ભગતને ફાળે જાય છે. ગુજરાતી કવિતામાં આધુનિકતાનો આવિષ્કાર ઉમાશંકર જોશીના ‘છિન્નભિન્ન છું’ (૧૯૫૬) અને ‘શોધ’ (૧૯૫૯) કાવ્યોથી થયો એવી માન્યતા આપણા વિવેચકોમાં પ્રવર્તે છે. કવિ તરીકે ઉમાશંકરની પ્રતિષ્ઠા, તેમનો પ્રખર બુદ્ધિવૈભવ અને તેમના વ્યક્તિત્વનો પ્રભાવ આ માન્યતા પાછળ કારણભૂત છે. પણ આ માન્યતામાં નથી ઐતિહાસિક તથ્ય કે નથી તાત્ત્વિક સત્ય. ઉમાશંકરથી વર્ષો પૂર્વે આધુનિકતાનો આવિર્ભાવ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’માં થઈ ચૂક્યો હતો. બૉદલેરનાં નગરકાવ્યો ‘Tableux Parisiens’ અને રિલ્કેની પાત્રચેતનાઓ ‘Das Buch des Bilder અને એલિયટના ‘Waste Land’ની અસર સૌથી પ્રથમ નિરંજન ઝીલે છે. નિરંજનનાં કાવ્યો અછાંદસ નથી માત્ર એટલા ખાતર એમના પ્રસ્થાનને ઉવેખી ન શકાય. વિશ્વકવિતામાં બૉદલેર આધુનિક સમયચેતનાના આર્ષદૃષ્ટા અને સ્રષ્ટા છે પણ એમનાં કાવ્યો છંદોબદ્ધ છે. નિરંજન માત્ર અગ્રેસર જ નથી, પ્રભાવક પણ છે. નિરંજનની આધુનિકતાનો પ્રભાવ પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ અને હસમુખ પાઠકની કવિતામાં જોવા મળે છે. આધુનિકતાનું કઠોર નિર્ભ્રાન્ત સ્વરૂપ ગુજરાતી કવિતામાં પહેલી વાર નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’માં ઝિલાયું. ‘પ્રવાલદ્વીપ’ ગુજરાતી કવિતાનું અપૂર્વ અભિનવ ઐતિહાસિક પ્રસ્થાન છે. વર્ષો પૂર્વે વાડીલાલ ડગલીએ નિરંજન ભગતના આ નવપ્રસ્થાનને પોંખ્યું હતું. દુર્ભાગ્યે આપણી વિવેચનાનું એના ઉપર ધ્યાન નથી ગયું. વાડીભાઈના શબ્દો સ્મરણીય છે : “‘છંદોલય’ આપણા કાવ્યસાહિત્યનું એક મહત્ત્વનું પુસ્તક એટલા માટે છે કે અહીં નિરંજન.... નવું કાવ્યપ્રયાણ આદરે છે. મુંબઈ ઉપર લખાયેલા કાવ્યગુચ્છ ‘પ્રવાલદ્વીપ’માં આપણને એક નવો અવાજ સંભળાય છે. અહીં ગાંધીયુગ પૂરો થાય છે...” “એ ખરું કે ઉમાશંકરની ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ આપણી નવી કવિતાની મગરૂર કરે તેવી સિદ્ધિ છે, પણ આ કાવ્યો નિરંજને ‘પ્રવાલદ્વીપ’ દ્વારા ઊભી કરેલી આબોહવાને લીધે પ્રગટી શક્યાં હશે એવો મને અંદેશો છે. આ અંદેશો સાચો હોય કે ન હોય તોપણ નિરંજનનાં ‘પ્રવાલદ્વીપ’ અને ‘૩૩ કાવ્યો’ પછીની ગુજરાતી કવિતા એ અગાઉની ગુજરાતી કવિતા રહી નથી.”

‘કવિતા ભણી’ p. ૨૧૮, ૨૨૦

કોઈ પણ યુગના સાહિત્યે મનુષ્યજીવનની આટલી બર્બરતા, વિરૂપતા અને કરુણતા નહીં ઝીલી હોય. બીજા વિશ્વયુદ્ધના પરિણામે અત્યાર સુધીનાં ભૂતકાળનાં સાંસ્કૃતિક મૂલ્યોમાં રહેલી શ્રદ્ધા નાશ પામી. વિશ્વયુદ્ધે માનવીનું નિર્માનુષીકરણ કર્યું. અણુબૉબના અત્યાચારથી સમસ્ત માનવજાતનું અસ્તિત્વ જોખમાયું. સુરેશ જોષીના શબ્દોમાં :

વિશ્વછંદ તણો ભંગ
શીર્ણ ને વિશીર્ણ કરે અંગઅંગ,
હિરોશીમા નાગાસાકી
હવે શું રહ્યું બાકી?

આપણા કવિને વિશ્વયુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ નથી થયો તે ખરું, પણ વિશ્વના ભૌગોલિક સીમાડાઓ ક્યારનાય તૂટી ગયા છે. અને ઑડને કહ્યું છે તેમ, "વાચન પણ એક અનુભવ છે.” ભારતીય-ગુજરાતી કવિના અનુભવો પણ ઓછા વિષમ નહોતા. ઠગારી સ્વતંત્રતા, કોમી હુતાશન, જંગી હિજરત, ગાંધીજીની હત્યા, લાંચરુશવતનું સામ્રાજ્ય અને મારે તેની તલવાર - કોઈ પણ સંવેદનશીલ માનવીની શ્રદ્ધાને હચમચાવી મૂકવા માટે આટલું પર્યાપ્ત છે. ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિજ્ઞાનથી ભૌતિક સમૃદ્ધિ વધી પણ આજનો માનવી યંત્ર જોડે રહીને યંત્રમાનવ (રૉબોટ) થઈ ગયો છે. ઉમાશંકરના શબ્દોમાં “યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો." આજના માનવી પાસે ગતિ છે પણ લક્ષ્યવિહીન. નિરંજન ભગતની ‘એક્વેરિયમ’ની માછલીની જેમ,

વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પહોચવું.

લાભશંકર વર્તમાન જીવનમાં ‘યાન્-ત્રિક-તા યાન્-ત્રિક-તા’નો તાલ જુએ છે. યંત્રસંસ્કૃતિની જડતા, સંવેદનહીનતા, નગરજીવનની નિર્મમતા, શૂન્યતા ને એકલતા, અસ્તિત્વની નિરર્થકતા, જિંદગીની નિસ્સારતા ને હાસ્યાસ્પદતાના આ ભીંસી-કચડી નાખતા ભરડામાંથી મુક્ત થવા અને માનવજાતને મુક્ત કરવા, કવિ ચીસ નાખે છે :

હું તો... તો કોણ... હું, તો તો, કોણ
તો તો મુક્ત કરો, મને સિક્કાનગરમાંથી મુક્ત કરો,
મને મારામાંથી, તમારામાંથી
મોએં-જો-દડોમાંથી, પાલણપુરમાંથી, બિનાકામાંથી, પરિષદમાંથી,
પેટીમાંથી, મને
પોર્ચુગીઝોના અવ્યવસ્થિત ટોળામાંથી મુક્ત કરો મને.
(સિતાંશુ - ‘જટાયુ’; પૃ.૧૦૪-૫)

આજના માનવીની સાચી ઓળખાણ ભગવતીકુમાર શર્માએ આપી છે :

માણસની આટલી જ હવે ઓળખાણ છે
લોહી ઊડી ગયું છે અને લોહીલુહાણ છે.

‘સરરિયાલિઝમ’ પરાવાસ્તવવાદ

સિતાંશુની કવિતાને સમજવા માટે સર્રિયાલિઝમની વિભાવના સમજી લેવી જરૂરી છે. આધુનિકતાનાં મૂળ ફ્રેંચ કવિ બૉદલેરના Les Fleurs Du Mal (‘દુરિતનાં પુષ્પો’) એ પ્રથમ કાવ્યસંગ્રહના Tableaux Parisiens (પૅરિસની નગરસંસ્કૃતિનાં ચિત્રો), જર્મન કવિ રિલ્કેના Das Buch des Bilder (ચિત્રપોથીનાં પાત્રો) અને અંગ્રેજ કવિ એલિયટના Waste Land (‘મરુભૂમિ’)માં છે તેમ સરરિયાલિઝમનાં મૂળ ફ્રેંચ કવિ આન્દ્રે બ્રેતોંના ઢંઢેરામાં છે. પરાવાસ્તવની વ્યાખ્યા બ્રેતોંએ આ પ્રમાણે આપી છે :

It is a cry of the mind turning toward itself and determined in desperation to crunch its fetters.

સર્રિયલ કાવ્યો

‘મૃત્યુ : એક સર્રિયલ અનુભવ’ એ સિતાંશુનાં ઉત્તમ સર્રિયલ કાવ્યોમાંનું એક છે. મૃત્યુનો, આપણા પોતાના મૃત્યુનો, અનુભવ તો સર્રિયલ જ હોઈ શકે ને, એ રિયલ તો કેવી રીતે હોઈ શકે? કાવ્યનો આરંભ કેટલો બળવાન છે -

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા

આ પંક્તિઓમાં મૃત્યુનું આગમન પ્રકટ થાય તે પહેલાં તે સંભળાય છે. કઠોર અઘોષ વર્ણો અને જોડાક્ષરોથી કવિએ મૃત્યુના આગમનને ભીષણ બનાવ્યું છે. છેલ્લી બે પંક્તિઓમાં વિશેષણોની અદલાબદલીથી કવિ અર્થના સીમાડા ઓળંગી જાય છે :

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

સિતાંશુ મૃત્યુના વિષયને ફરીથી આલેખે છે: ‘મારા જન્મપુનર્જન્મોનું સર્રિયલ કાવ્ય’ અને ‘પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ’માં. ‘મારા જન્મપુનર્જન્મોનું સર્રિયલ કાવ્ય’ વસ્તુતઃ જન્મનું નથી તેટલું મૃત્યુનું છે. ‘પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ’નો એક કાવ્યખંડ છે : ‘માંડૂક્યોપનિષદ એટલે જ વહાણ નામે ભૂલ...’ જીવન એ ક્ષણ ક્ષણનું મરણ છે એની પ્રતીતિ વ્યંજનાસમૃદ્ધ વાણીમાં વ્યક્ત થઈ છે :

જીવ : ‘એક વાર થઈ ગઈ મારાથી વહાણ નામે ભૂલ.’
ઈશ્વર : ‘ભૂલ કરી તો કર્યાં ભોગવો.
જન્મ્યા? બધ્ધાં મર્યાં ભોગવો.
બિઝન શિંગડે, શીળી ભિંગડે, કરવત મેલી, યાદવી ઘેલી,
ભાઈનું ખૂન, દધીચિ ખૂન, સિંહગઢ માથે, ઈસા સાથે
અવનવાં મારાં સૌ મોત.

‘બિઝન શિંગડે... ઈસા સાથે’ પંક્તિઓને સરખાવો સુન્દરમૂના ‘બુદ્ધનાં ચક્ષુ’ સાથે :

પ્રભો! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

સુન્દરમ્ અને સિતાંશુ, વક્તવ્ય અને અભિવ્યક્તિનું કેટલું મોટું અંતર છે! સુન્દરમના પ્રભુનું અવતારકૃત્ય છે ભગવાને ગીતામાં આપેલા વચનની પરિપૂર્તિ માટે, ‘પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્.” સિતાંશુનો ઈશ્વર કરુણાળુ નથી, એ તો ‘કર્યાં ભોગવો’ એમ કઠોરતાથી કહે છે. લાઘવ અને વ્યંગ્યાર્થથી બંને કવિઓની વાણી સમૃદ્ધ છે. સુન્દરમ્ જેમ બે જ પંક્તિઓમાં છ અવતારોને સ્પર્શી લે છે તેમ સિતાંશુ આઠ પૌરાણિક અને ઐતિહાસિક સંદર્ભોને ઝડપી લે છે. ‘બિઝન શિંગડે’માં વરાહાવતારથી ‘ઈસા સાથે’ ક્રૂસારોહણ સુધીની વેદનાને કવિ વ્યાપી લે છે. બીજા સંદર્ભોના મર્મોને ખોલીને બતાવવાની જરૂર નથી જોતો; ભલે વાચકો ડિસ્કવરીનો આનંદ માણે. સુન્દરમૂની આ પંક્તિઓ વિશે બળવંતરાય ઠાકોરે ‘આપણી કવિતા-સમૃદ્ધિ’માં જે કહ્યું હતું તે સિતાંશુની પંક્તિઓ માટે પણ એટલું જ સાચું છે : "ઉક્તિમાં લાઘવ સાથે બળ આણી આખી વાત એક કડીમાં પૂરી કરી લીધી છે. કલા કથન, સૂચન અને વ્યંગ્યમાં છે... ગુજરાતી કવિતાના આખા જથામાં આવી અર્થસઘન સવિવેક અને વળી, સુંદર કડીઓ કેટલી હશે? આપણી કવિતાની સમૃદ્ધિ ગણાતાં આવાં મુક્તકોનું મૂલ્ય છે, તેટલું આખી ચોપડીઓનું પણ નથી.”

નગરકાવ્યો

સિતાંશુનાં નગરકાવ્યો, નિરંજનનાં નગરકાવ્યોથી વસ્તુ, અભિગમ અને અભિવ્યક્તિ આ બધી દૃષ્ટિએ જુદાં પડે છે. નિરંજનમાં સંતાપ અને વેદના છે; સિતાંશુમાં આક્રોશ અને વિદ્રોહ છે. નિરંજનમાં વક્રોક્તિ છે; સિતાંશુમાં વિડંબના અને કટાક્ષ છે. નિરંજનમાં અંતે હજી આશા અને શ્રદ્ધાનો ઝીણો સૂર છે; સિતાંશુ માટે નગરજીવનનો આ પચીસમો કલાક છે. નિરંજનની બાની છંદોબદ્ધ, સંસ્કૃતાઢ્ય અને સંઘેડાઉતાર છે; સિતાંશુની અછાંદસ અને બોલચાલના કાકુઓથી ખરબચડી છે. ‘પોમ્પાઈ અર્થાત્ બોમ્બાઈ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ’, દા.ત. મુંબઈ: હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’ અને ‘મોંએ-જો-દડો’ સિતાંશુનાં દીર્ઘ નગરકાવ્યો છે. ગુજરાતી મુંબઈ અને અંગ્રેજી બૉમ્બેના વર્ણસંકરથી સિતાંશુએ જ્યારે પોમ્પાઈ સાથે અર્થવ્યંજકતાથી જોડવા માટે ‘બોમ્બાઈ’નું એવું રૂપ ઘડ્યું ત્યારે કવિને ક્યાં ખબર હતી કે વર્ષો પછી મહારાષ્ટ્રની સરકાર બૉમ્બેનું નામ વિધિપુરઃસર બદલીને મુમ્બાઈ કરશે? કવિના સર્જકકર્મ ‘બોમ્બાઈ’થી કેટલું છેટું રહ્યું? આધુનિક નગર-મનુષ્યની સંવેદના વ્યક્ત કરવા માટે સિતાંશુએ અભિવ્યક્તિની અનેક અરૂઢ રીતરસમો અપનાવી છે. કવિએ બાળવાર્તા, બાળગીત, મદારીનો ખેલ, જાદુગરના કીમિયા, હિંદી જબાન, જાહેરખબરની ભાષા, વર્તમાનપત્રનું ગદ્ય - એમ ભિન્ન ભિન્ન શબ્દભંગિઓ પ્રયોજી છે. ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ સરવરની પાળ, પોપટ આંબાની ડાળ’ના લયનો સિતાંશુએ કરેલો ઉપયોગ જુઓ, ‘દા.ત. મુંબઈ...’માં

તેથી આ શહેર ખાતું નથી
આ શહેર પીતું નથી
આ શહેર પવનોની પાળે,
આ શહેર મરણોની ડાળે.

બાળવાર્તાનો લય એ જ છે પણ સધિયારો આપવાને બદલે કેટલી સામા છેડાની વાતને વ્યક્ત કરવા એનો ઉપયોગ થયો છે. ‘મોંએ-જો-દડો : એક સર્રિયલ અકસ્માત’ એ સિતાંશુનું સૌથી વધારે મહત્ત્વાકાંક્ષી નગરકાવ્ય છે. વર્તમાનપત્રની આ ‘રાહત ભરેલી સનસનાટી પ્રસરાવતી’ ગદ્યશૈલી જુઓ : "...તાર અને ટપાલખાતાના પુરાતત્ત્વ સંશોધન વિભાગના કર્મચારીઓ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ખોદકામ કરતા હતા ત્યારે, આજે સાંજે સૂર્યાસ્ત સમયે બરાબર ફ્લોરા ફાઉન્ટનના પ્રખ્યાત ફુવારા નીચેથી મોંએ-જો-દડો નામનું શહેર મળી આવ્યું છે." આ કાવ્યના ‘બીજા માઠા ખબર’ જુઓ :

મુંબઈનાં નગરજનો
‘મોંએ-જો-મુંબી’ને બદલે ઉતાવળમાં,
બધા જ ઉતાવળમાં ‘મુંબી-જો-દડો’, ‘મુંબી-જી-હિલ’, ‘મુંબી-જી-નગરી’
એમ જ વાંચી લે છે.

કવિનો કાતિલ કટાક્ષ મુંબઈ નગરની અને મુંબઈ નિમિત્તે પ્રત્યેક આધુનિક નગરની, મોંએ-જો-દડોના ખંડિયેરના સાહચર્યથી ભીષણ ભેંકારતાની ભૂતાવળને વાચા આપે છે.

મગનકાવ્યો

સિતાંશુના મગનની સગોત્રતા લાભશંકરના લઘરા, રાવજીના હુંશીલાલ, ચિનુ મોદીના ઓચ્છવલાલ, મનહર મોદીના અમથાલાલ અને રમેશ પારેખના આલા ખાચર અને પ્રાણજીવન હરજીવન મોદી તેમજ નવલિકામાં મધુ રાયના હરિયા સાથે છે. સિતાંશુનો મગન, અન્ય કવિઓનાં આ પાત્રોની જેમ જ, આપણાં દંભ, જૂઠ, મિથ્યાચાર, વહેમ, જડતા, અંધશ્રદ્ધા વગેરેનો કોલાજ છે. ક્યારેક ટીખળ અને ઠેકડી પણ ઘણુંખરું વ્યંગ અને વિડંબના, ઉપહાસ અને કટાક્ષ અને સચોટ વ્યાજસ્તુતિ એ સિતાંશુનાં શસ્ત્રો છે. મગનના ઓઠે સિતાંશુએ આપણી ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાહિત્યિક દાંભિકતાની ભરપેટ, મનપસંદ ઠઠ્ઠામશ્કરી ઉડાવી છે. સિતાંશુએ કુલ છ મગનકાવ્યો લખ્યાં છે અને બધાં જ ઉત્કૃષ્ટ કાવ્યો છે. આ વહેમમાત્રનો ઉપહાસ જુઓ :

અરે રે! મગન
રાતે ગાજર?

એ જ કાવ્ય ‘મગન અને ગાજર’માં વ્યાજસ્તુતિ જુઓ :

મગન, ભાઈ વચાર તો કર,
કે તું કોણ?
સપ્તરસીની પૂંછડીમાં આ તારો પેલો લંબર.
.....
ને કોંટ પર ઊભો રહીને કોઈન નાખે
તો કડંગ કટ ખરર ખર્ર્ ખટ્ ને આયી જ સમજો
તારા વજનની કાપલી,
ને પાછળ ભલા ભગવાનના હાથે લખાઈને આવે -
તુમ બડે પ્રાક્રમી વ બુદ્ધિશાળી હો
અગલે અઠવાડિયે મેં આપકી ઉન્નતિ હોગી.

આ બધાં મગનકાવ્યોમાં સૌથી શ્રેષ્ઠ છે- મગનની હઠ. મગનની ત્રણ હઠ છે: “મારે જીવવું છે. મારે પ્રેમ જોઈએ છે. મારે કવિતા લખવી છે.” આ કાવ્યમાંથી પંક્તિઓ ને પંક્તિઓ ટાંકી શકાય પણ કેટલી પંક્તિ ટાંકવી? ‘સેફ ડિપોઝીટ વોલ્ટ’માં રેડીમેડ પ્રેમનો પુરવઠો લઈને ‘વાર્તા ને નાટક ને કવિતા’ લખતા ‘મોટમોટા ઈનામવિજેતા ને ચંદ્રકધારીઓ’, ‘પચી પચી વરસથી’ એકની એક નોંધો વાપરતા ‘મોટમોટા પ્રૉફેસરો’, ‘વરસોવરસ ને વારેતવારે ખાસ અંકો ને એન્થોલોજી’ પ્રકાશિત કરતા, કાવ્યસાહિત્યમાં કંઈ જ સમજણ ન ધરાવતા ‘સાહિત્યરસિક તંત્રીઓ’ અને સાહિત્યના મેળાવડાઓ ને સમારંભોમાં બડી બડી બાતાં કરતાં કંટાળાજનક ભાષણો - ‘કોઈ કાફ્કાનું કેય તો કોઈ માલારમેતાનું કેય તો કોઈ નરસીંમેતાનું" - (આ માલાર્મેનું નરસીંમેતાના તાલમાં માલારમેતા કર્યું છે તે જોયું?) સિતાંશુએ આ સૌની રેવડી દાણાદાણ કરી છે. મગનકાવ્યોમાં સિતાંશુનો ‘બ્લેક હ્યમુર’ કાળવો ઉપહાસ છે.

‘ફરી ચાલવું....’

આ જ મગનકાવ્યોના સંદર્ભમાં ‘પરબ’ સામયિકમાં જૂન ૧૯૯૫માં પ્રકટ થયેલું ‘ફરી ચાલવું...’ જોવા જેવું છે. ગુજરાતીઓની આવી ક્રૂર મશ્કરી બીજી કોઈ પણ ગુજરાતી રચનામાં જોવા નહીં મળે. આપણા જેવા ‘ગુણવંતી ગુજરાત’ ગાનારા, ‘હું ગૂર્જર-ભારતવાસી’ના નારા લગાડનારા, ‘જય જય ગરવી ગુજરાત’ની બાંગ પોકારનારા, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’માં માનનારા ભ્રમદાસોની સિતાંશુએ ચામડી ઉતરડી નાખી છે. ગુજરાતીઓને ગુજરાતી હોવામાં હવે ગૌરવ રહ્યું નથી.

શરદચંદ્ર બંગાલી, આમિ યુપીકા દેહાતી,
યા તો હમ તુરકાણ, બિલા’તી, આજ ન હમ ગુજરાતી.

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ની વાત તો દૂર રહી, હવે તો ‘અમે જ્યાં જ્યાં વસીએ ત્યાં ત્યાં ગાયબ ગુજરાત.’ જે પ્રજાને પોતાની ભાષા અને અસ્મિતામાં ગૌરવ ન હોય તેની બીજી શી ગતિવિધિ હોઈ શકે - ‘ઘર મારું તોડીને હું ખંતે ખંડેર આ ચણતો.’

ગીતો

હા, સિતાંશુએ ગીતો પણ લખ્યાં છે. ના, ‘કેરલ કન્યા’ જેવા બેચાર અપવાદો સિવાય આ પરંપરાગત ગીતો નથી. કેરલ કન્યાને કૈરાલી કહેવામાં અને મરાલીની ઉપમામાં માધુર્ય રહ્યું છે:

છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો...
જળ જેવી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો.
......
અને બિન્દાસ મ્હેક મ્હેક મૃદુ ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન.

આ ‘ટેકરીનાં સ્તન’માં સ્તનોની મુલાયમતા અને કઠોરતા એકીસાથે ધ્વનિત થાય છે. બાકી સિતાંશુનાં ગીતો પરંપરાની સંગીત નીતરતી મધમીઠી વાણીને છોડીને સર્રિયલ અચેતન અને અર્ધચેતન સૃષ્ટિને તર્કાશ્રિત બાનીમાં આકારે છે. ‘ચાંદરણું’, ‘વગેરે વિશે એક સર્રિયલ ગીત’, ‘જન્મીલું મરણ’, ‘મનનાં માયાવી મેદાન’, ‘મધ્યરાત્રીએ કોયલ’, ‘મૌન સરોવર છલક્યાં’ આ પ્રકારનાં પરાવાસ્તવવાદી ગીતો છે. પ્રલંબ લય સિતાંશુને વધારે પ્રિય છે; જો કે, કાવ્યસ્વરૂપ જૂનું છે. સંવેદના સંપૂર્ણપણે નવી છે. આ ગીતોમાં સૌથી ઉત્તમ રચનાઓ છે : ‘જન્મીલું મરણ’ અને ‘મૌન સરોવર છલક્યાં’ :

મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.
ઉપાડની આ પંક્તિમાં જ મૌનનો મહિમા અને શબ્દની અધુરપ મૂર્ત થઈ છે.

વ્યક્તિવિશેષ કાવ્યો

સિતાંશુએ થોડાં વ્યક્તિપરક કાવ્યો પણ લખ્યાં છે. સામાન્યતઃ વ્યક્તિઓને અનુલક્ષીને લખાયેલી કૃતિઓમાં સમસામયિકતાનો થોડોક રસ હોય છે, પણ કાવ્ય જેવી સંજ્ઞા આવી કૃતિઓને ભાગ્યે જ આપી શકાય. સિતાંશુએ માત્ર ચાર જ વ્યક્તિવિશિષ્ટ કાવ્યો લખ્યાં છે અને ચારેમાં કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. આનું એક કારણ છે કાવ્યનાયકના વ્યક્તિત્વને કંડારવાનું અપ્રતિમ કૌશલ અને વધારે મહત્ત્વનું કારણ છે : સાધારણીકરણ. આ કૃતિઓ વ્યક્તિવિશિષ્ટ રહીને પણ સર્વસાધારણીકૃત સંવેદનાનો આસ્વાદ આપે છે. ‘સુરેશ જોષીને’ એ કાવ્યની પંક્તિ જુઓ :

સમુદ્રના ઉછાળનાર, કાફલા ડુબાવનાર,
હે તુફાનના પ્રચંડ બાહુ સો ઘુમાવનાર!
.....બળી બળી પુરાતના,
પુકાર ‘ત્રાહિ ત્રાહિ...’-ના...

ગુજરાતી સાહિત્યની થીજી ગયેલી જડ વિભાવનાનાં અચલાયતનોને પ્રચંડ કુઠારાઘાતથી તોડીફોડીને શીર્ણવિશીર્ણ કરનાર, આમૂલ પરિવર્તન લાવનાર સુરેશ જોષીનું વ્યક્તિત્વ આ બેચાર પંક્તિઓમાં પણ કેવું મૂર્ત થયું છે! તાજેતરમાં જ આપણા બે ઉત્તમ સાહિત્યકારો વિશે ‘નવનીત-સમર્પણ-(સપ્ટેમ્બર ૧૯૯૭)માં બે ઉત્તમ કાવ્યો સિતાંશુ પાસેથી મળ્યાં છે : ‘મધુ રાયની વારતા’ અને ‘લાભશંકર ઠાકરની કવિતા.’ સાધારણીકરણનો વ્યાપાર લાભશંકરની કવિતામાં ઉત્કૃષ્ટ રીતે સિદ્ધ થયો છે. આ કાવ્યની સમજણ માટે લાભશંકર કવિ ન હોય ત્યારે મોટા ગજાના વૈદરાજ છે તે જાણવું જરૂરી છે. સિતાંશુએ, વૈદ જેમ આપણા શરીરની ચિકિત્સા કરે છે તેમ કવિ આપણા અંતરમનની શુશ્રૂષા કરે છે એ ભેદરેખાનો અદ્ભુત વિનિયોગ કર્યો છે. કાવ્ય, શરીર અને મન એમ બંને સ્તરે એકીસાથે ચાલે છે. આવાં અર્થસમૃદ્ધ કાવ્યો ગુજરાતી કવિતામાં વિરલ છે. કાવ્યની ભાષામાં સરળતા, સાદગી અને નાસાગ્રતા (ડાયરેક્ટનેસ) છે. આરંભની પંક્તિઓમાં જ કવિ કહે છે :

સોજો ચડેલા શરીરને જેમ દાક્તર અડકે,
એમ તું અમારા મનને અડક, કવિ.

અને પછી, કવિ વાત તો ખાનપાનની કરે છે પણ એ દ્વારા અકવિતાની મદિરાથી મૂઢ થઈ ગયેલી આપણી સંવેદનાને પણ કેવી સરસ રીતે સૂચવે છે! :

શરબતો પી પીને...
ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને
અન્નને નામે હવે અમને ઊબક આવે છે.
અને આ મૂર્છિત ચેતનાને ઝંઝેડીને જ જગાડવી પડશે ને -
અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની
તૂરા કડવા રસથી અમારી જીભને ઝટકા માર
થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર.
એક ઉત્તમ કવિ જ બીજા ઉત્તમ કવિને આવી પ્રેરક વાણીમાં ઉદ્બોધી શકે :
બેભાન અમે મરણાસન્ન છીએ
અમને ભાનમાં લાવ
અને જિવાડ, કવિ.

છેલ્લાં થોડાં વરસોમાં આ બંને સાહિત્યકારો પાસેથી ઝાઝી ઉત્તમ સર્જનાત્મક કૃતિઓ મળી નથી. ઊંડે ઊંડે આ બંને શક્તિશાળી સર્જકોને જગાડવાની પણ સિતાંશુની ભાવના હોઈ શકે. આ વિષયનું ઉત્તમોત્તમ કાવ્ય છે : “પ્રવીણ જોષીને અલ્વિદા”. સિતાંશુનું આ નિતાંત રમણીય કરુણમધુર કાવ્ય છે. પ્રેમાનંદી ઢાળ એના કરુણને ઘેરો બનાવે છે. કાવ્યની પંક્તિએ પંક્તિ મૈત્રીની ઉષ્માથી, મધુર સંસ્મરણોથી અને ગાઢ વિષાદથી છલકાય છે. પ્રવીણ જોષીને જેમણે જેમણે જોયા છે તે તરત ઓળખી કાઢશે :

મસ્ત છબીલો, દુલ્લો રાજા, મોહક મનનો મીણ રે,
હોઠ-ખૂણે સ્મિત, નૈન-ખૂણે વીજ, રંગરાજવી પ્રવીણ રે.

જટાયુ

“દર રાતે નવી રીતે પ્રેમ કરવો પડે એવી પ્રેયસી છે કવિતા...."
"આધુનિક માનવનો પોતાની જાત સાથેનો સંબંધ શ્રદ્ધાનો નહી સંશયનો છે.”
- સિતાંશુ

કવિ તરીકે સિતાંશુ જાગૃત છે, સાવધાન છે, સભાન છે. પરાવાસ્તવવાદનાં ઊંડાણોનો તાગ લીધા પછી સિતાંશુ નવું જ પ્રસ્થાન કરે છે. ‘જટાયુ’માં સંવેદના તો એ જ છે પણ કાવ્યનું વસ્તુ, કાવ્યસ્વરૂપ, કાવ્યનિરૂપણશૈલી અને મુખ્યત્વે તો કાવ્યની વાણી નવું જ રૂપ ધારણ કરે છે. કાવ્યનું વસ્તુ પુરાણકાલીન ‘મિથ’ છે. કાવ્યનું સ્વરૂપ મધ્યકાલીન આખ્યાનને અનુસરે છે. કાવ્યની નિરૂપણ-પદ્ધતિમાં સભાન વિશૃંખલતાને બદલે સુશ્લિષ્ટતા છે. કાવ્યની ભાષા સંકુલતા, અછાંદસ અને ગદ્યને છોડીને સરળતા અને સાદગીને વરે છે અને માત્રામેળ દોહાનો ઢાળ અપનાવે છે. ટૂંકમાં, ‘જટાયુ’ મધ્યકાલીન કાવ્યરૂપમાં આધુનિક વિભાવના અને સંવેદનાની કવિતા છે. સિતાંશુ કાવ્યની શરૂઆત બિલકુલ આખ્યાનશૈલીમાં કરે છે :

નગર અયોધ્યા ઉત્તરે ને દખ્ખણ નગરી લંક

પણ બીજી પંક્તિમાં જ આપણા કાન ચમકે છે :

વચ્ચે સદસદ્જ્યોતવિહોણું વન પથરાયું રંક.

આ રામાયણની ‘રામાદિવત્ વર્તિતવ્યમ્, ન રાવણાદિવત્’ની દેવ અને દાનવની, ધર્મ અને અધર્મની, સદ્ અને અસદ્ની દ્વંદ્વકથા નથી, આ તો સદ્ અને અસદ્વિહોણા વનમાં જટાયુની વ્યક્તિગત કરુણકથા છે. જટાયુની કરુણતા એ છે કે એ પ્રાકૃતતાના સીમાડાઓને ઓળંગવાનો પુરુષાર્થ કરે છે. જટાયુને સંવેદનાનું વરદાન મળ્યું છે. જહોનાથન લિવિંગસ્ટન સીગલની જેમ એનામાં ઊર્ધ્વારોહણની અભીપ્સા છે. સિતાંશુના જટાયુની કરુણતા પણ બૉદલેરના ઇકેરસની જેમ, એની ઊંચે ‘ઊડવાની ટેવ’માંથી જન્મી છે. પણ સંવેદનાનું વરદાન એટલે જ વેદનાનું વરદાન. બીજાં ગીધો તો ‘જેમ આવે તેમ જીવ્યા કરે’, તેમની પ્રાકૃતતામાં ‘સુખ’ અનુભવે. સિતાંશુ આ પ્રાકૃતતાને જે લાઘવથી મૂર્ત કરે છે તે આ કાવ્યનું આભૂષણ છે.

વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.

આ જ લાઘવ, બલકે આવો જ કલાસંયમ, રાવણ અને જટાયુના યુદ્ધને કવિ માત્ર ચાર પંક્તિઓમાં જ આવરી લે છે તેમાં છે. કાવ્યનો સાતમો અને છેલ્લો ખંડ કાવ્યત્વનું શિખર છે. પરલક્ષી નિરૂપણને બદલે આત્મલક્ષી જટાયુવાણીથી કવિ કરુણતાની પરાકાષ્ઠા આણે છે. મૂળ રામાયણમાં તો ઘાયલ જટાયુને મૃત્યુ પહેલાં રામ મળે છે, પણ આજે રામ ક્યાં?

ઝટ કર ઝટ કર રાઘવા! હવે મને મૌનનો કેફ ચડે,

આ ‘રાઘવા’ સંબોધન કેટલું સાથે છે! આ તુલસીદાસના ‘શ્રી રામચંદ્ર કૃપાલુ’ નથી, આ સિતાંશુના રામ છે. આધુનિક માનવીની વેદના, હતાશા, એકલતા અને અશ્રદ્ધાને મૂર્તિમંત કરતી કરુણતમ પંક્તિઓથી કાવ્યનો અંત આવે છે :

આ અણસમજુ વન વચ્ચે મારે શું મરવાનું છે આમ!
-નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ.

ચન્દ્રકાન્ત ટોપીવાળાની ‘જટાયુ’ની કાવ્યની ઉત્તમ આલોચનાના અવતરણથી વિરમીએ : "આમ, ‘જટાયુ’ એ ‘મોહન-જો-દડો’ પછી સિતાંશુની વિશેષ કાવ્યસિદ્ધિ તો છે જ, પરંતુ આધુનિક કવિતાની પણ એમાં સંસિદ્ધિ છે.” (‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ પૃ.૨૧૫)

સિંહવાહિની સ્તોત્ર (નવનીત-સમર્પણ, નવેમ્બર ૧૯૯૪)

યં કામયે તમુગ્ર કૃણોમિ (જેને હું પસંદ કરું છું તેને ઉગ્ર બનાવું છું.) "કવિતા સતત નવાં બારણાં ઉઘાડ્યા કરે તો જ એક પછી એક બીજી લખવી મારે માટે શક્ય બને છે.” ‘જટાયુ’ પછી ‘સિંહવાહિની સ્તોત્ર’. અહીં વળી, નવું પ્રસ્થાન, વળી નવી કાવ્યસિદ્ધિ છે. આ કાવ્યમાં સિતાંશુની સંવેદના એ જ છે, છતાં નથી. સિતાંશુનાં કાવ્યો અને નાટકોમાં પુનરપિ પુનઃ જે સૂર છે, શાસકો અને શોષકો સામેનો જે તિરસ્કાર છે, તંત્રમાત્ર માટેની જે નિર્ભર્ત્સના છે અને સ્વતંત્રતા અને સંવેદનશીલતા માટે જે આક્રોશભરી વેદના છે તે આ કાવ્યમાં પણ ઉગ્ર અને ઉત્કટ છે. પણ ‘જટાયુ’માં જે ઘોર અતલ નિરાશા અને અશ્રદ્ધા છે તેને બદલે ‘સિંહવાહિની સ્તોત્ર’માં સરસ્વતીને પ્રાંજલ પ્રાર્થના છે અને પ્રાર્થનામાં અનુસ્યૂત રહેલી ઊંડી શ્રદ્ધા છે. કાં આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં ભવિષ્યમાં; કાં અતીતરાગ(નોસ્ટેલજિયા)માં રાચીએ છીએ, કાં દીવાસ્વપ્નમાં; કાં પ્રાચીન સંસ્કૃતિના ગૌરવનાં ગાણાં ગાઈએ છીએ, કાં યુટોપિયામાં કલ્પનાવિહાર કરીએ છીએ. પણ વર્તમાન? આજના પ્રશ્નો? આજની સમસ્યાઓ? એ વિશે આપણે જડ અને બધિર છીએ.

ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો,
છે શું એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.

સિતાંશુના પુણ્યપ્રકોપનો વ્યાપ વિશાળ છે : રાજકારણ, અર્થકારણ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક મૂલ્યો - , આ બધાં જ ક્ષેત્રોનાં દંભ, મિથ્યાચાર, ક્ષુદ્રતા ને નિમ્નતા સરોષ વાણીમાં મુર્ત થયાં છે :

શાસક કુટિલ, શાસિતો સ્વાર્થમગ્ન, સચિવગણ યંત્ર (રાજકારણ)
ગોઠણભર દર્પણજલ ડૂબ્યાં, ઋષિ ન દેખે મંત્ર (ધર્મ)
મોરપિચ્છ પાછળ સંતાયા કવિજન કરતા નાહક બડબડ (સાહિત્ય)
કહો ખરીદી શી કરશો? શેનાં કરશો વેચાણ?
દેહ? દેશ? મન? માન? માનવી? પ્રીત? પ્રભુ? કે પ્રાણ? (મૂલ્યો)
છપ્પન કોટિ ધજાભૂંગળ ઉદ્ધત આ મેલી વિદ્યાના ગઢ (અર્થકારણ)
કાદવથી લથબથ નજરો છે, અડે ત્યાં પડે ડાઘા,
ખાલીપાએ પહેર્યા રૂપેરી પડદાના વાઘા. (કળા)
વ્યાસપીઠ પર વિદૂષક જેવા આરડતા અધ્યાપક અણપઢ (શિક્ષણ)

આ છાતી ભાંગી નાખે, હૈયું વલોવી નાખે એવી ભયંકર પરિસ્થિતિમાં કવિનું સરસ્વતીને કરેલી પ્રાર્થનાનું એક જ ધ્રુવપદ છે :

મયૂર ઉપરથી ઊતર, શારદા, સિંહ ઉપર ચઢ,
દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ.

કાવ્યના અંતે કવિની પ્રાર્થનામાં જે તીવ્ર આરત છે તે હૃદયસ્પર્શી છે :

શંખનાદ કર, ચાપ ચક્ર ધર, ભૃકુટિ વક્ર કર, માતા,
તું જ દક્ષિણા, તું જ દેવદાનવમર્દિની, તું જ ત્રાતા.

‘જો હું કવિતા ન લખું –’

પ્રાકૃતતામાં જ રચીપચી રહેલી ગુજરાતી પ્રજાની સર્જનાત્મક સાહિત્ય માટેની અભિરુચિના અભાવ સામે સિતાંશુનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠે છે. જયંત પાઠકના ‘કવિતા ન કરવા વિશે કવિતા’ જોડે આ કૃતિ સરખાવવા જેવી છે. જયંત પાઠક પૂછે છે :

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરો ડોલી ઊઠે?

એવું તો ના થાય એમ કહીને હળવેથી મૃદુતાથી શ્લેષનો આશ્રય લઈને કવિ કહે છે :

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
—એટલું કે કશું થાય જ નહિ.

સિતાંશુમાં આવી મૃદુતા કે હળવાશ નથી. સિતાંશુ તો કહે છે કે કવિ કાવ્યસર્જન ન કરે તોપણ ‘બત્રીસ પકવાનનાં ભોજન કરી’ શકાય, ‘પાન ચાવી’ શકાય, ‘આંકફરકની રમત પણ રમી’ શકાય, ‘ન્યૂયોર્કની ડાઉ જોન, ઈન્ડસ્ટ્રિયલ... એવરેજ’ કે ‘ઈશ્વરની કાલાતીત સનાતનતા’ ઊજવી શકાય, ‘રોજી રળી’ ખવાય, પણ ‘જો હું કવિતા ન લખું-’ તો, કવિના ઉદ્ગાર વેદનાભર્યા ઉપાલંભમાં ભભૂકી ઊઠે છે:

કદાચ,
વરસો પછી આવનારી આપણાં સંતાનોની પેઢી
(ઍટમબૉંબ નહીં ફાટ્યો હોય તોય)
બહેરી, આંધળી,
નાકકટ્ટી અને વધારામાં ખાસ તો
મૂંગી મૂંગી જનમશે.
-જો હું એકલો કવિતા ન લખું તો

સાહચર્યો (associations) નવાં જોડાણો (new connections) અને નવા સંયોજનો (new combinations)

સિતાંશુ પંડિત કવિ છે. બબ્બે યુનિવર્સિટીઓ, મુંબઈ અને ઇન્ડિયાનાની એમ.એ. અને પીએચ.ડી. ડિગ્રીઓ ધરાવે છે. ઝાલાસાહેબ જેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત પાસે એણે સંસ્કૃતનું અધ્યયન કર્યું છે. (એમ તો હું અને મારી પત્ની સુશીલા પણ સંસ્કૃતમાં ઝાલાસાહેબનાં વિદ્યાર્થી હતાં. પણ ભવભૂતિએ નથી કહ્યું : વિતરતિ ગુરુ પ્રાજ્ઞે વિદ્યાં… સિતાંશુ પ્રાજ્ઞ છે.) મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષાસાહિત્યનો એનો ઊંડો અભ્યાસ છે; અંગ્રેજી અને અંગ્રેજી દ્વારા ફ્રેંચ અને જર્મન સાહિત્યનું એનું વિશાળ વાચન છે. આ વારસાનો એની કવિતાને પુષ્કળ લાભ મળ્યો છે. ટી. એસ. એલિયટ અને બીજા પાશ્ચાત્ય વિવેચકો પ્રમાણે સર્જકતાની એક કસોટી સાહચર્યોમાં, નવાં જોડાણોમાં અને નવાં સંયોજનોમાં છે. એ કસોટીએ સિતાંશુની કવિતા સમૃદ્ધ છે. સાહચર્યની વિભાવના સમજવા માટે જગદીશ જોષીનું સુપરિચિત ગીત ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ સરસ દૃષ્ટાંત છે. એ ગીતમાં એક પંક્તિ છે, ‘ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ?’ આ વીંટી કાલિદાસની શકુંતલાની વીંટી છે, આ રૂમાલ શેક્સપિયરની ડેસ્ડિમોનાનો છે. આ સંદર્ભોથી કાવ્ય સમૃદ્ધ બને છે. કવિતા વાચક પાસેથી આવી સજ્જતા માગે છે અને સિતાંશુની કવિતા સવિશેષ સજ્જતા માગે છે. ‘મોંએ-જો-દડો’માંથી જ આ દૃષ્ટાંત જુઓ :

પણ શિસ્તબદ્ધ કતારમાં, કોઈની માતા, કોઈની વનિતા, ભગિની....

આમાં તો મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો’ તરત પકડાય છે ને - કોની માતા, કો’ની વનિતા, ભગિની ટોળે વળતી? આ ‘કતાર’માં ‘પુત્રપૌત્રો, માતુલાઃ બાંધવાઃ શ્યાલકા: પિતામહાઃ વગેરે જોવા મળતા હતા’ વાગે છે ભગવદ્ગીતાના ભણકારા?

આચાર્યાઃ પિતર: પુત્રા: તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશૂરા: પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિનસ્તથા ।।

મૂળ ગીતામાં શ્યાલાઃનું સિતાંશુએ શ્યાલકાઃ કર્યું છે એનો સૂક્ષ્મ વિનોદ માણવા માટે તો સિતાંશુ જેવું અને જેટલું સંસ્કૃત આવડવું જોઈએ! (શ્યાલ એટલે સાળો, શ્યાલક એટલે પણ સાળો, પણ દુષ્ટ સાળો.) ‘ફરી ચાલવું’ની આ કડી જુઓ :

જ્યાં જાઉં ત્યાં જગત, હવે તો જ્યાં પેસું તે પોળ,
હવે જડે જે તે શોધેલું, શાની ખાંખાખોળ?

આની પ્રથમ પંક્તિમાં નરસિંહની ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ અને ઉત્તરાર્ધમાં ‘અખાની છીંડું ખોળતાં લાધી પોળ’ દેખાય છે? અને બીજી પંક્તિમાં તો સિતાંશુએ કમાલ કરી છે. ખુદ પોતાના ‘જટાયુ’ના ભણકારા જગાડ્યા છે.

સમાપન

સિતાંશુના કાવ્યવિશ્વમાં પૌરાણિક કલ્પન (‘મિથ’) અને આધુનિક યુગચેતના, આત્યંતિક મૂલ્યહ્રાસ અને શાશ્વતી મૂલ્યોની ચિંતા, ડોળદંભની વિડંબના અને અપાર કરુણા, અતલ અશ્રદ્ધા અને કવિની શ્રદ્ધા, કવિપદેચ્છુઓની નિર્ભર્ત્સના અને સર્જક કવિ માટેની આરત, આ સૌનો સમાદર થયો છે. સિતાંશુને સમર્થ આધુનિક કવિ કહ્યા પછી એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે સિતાંશુમાં માત્ર અભિવ્યક્તિની લીલા નથી. માત્ર શબ્દનો નાદ નથી, માત્ર ભાષાકર્મ નથી પણ આ કવિકર્મમાંથી પ્રગટતો કવિધર્મ પણ છે, શબ્દમાંથી સ્ફુરતો અર્થ પણ છે, વર્ણનની સાથે દર્શન પણ છે. અર્થસ્ફુરણ કે દર્શનની વાત કરવી આ આધુનિક કવિતાના યુગમાં જુનવાણી લાગે પણ સિતાંશુની કવિતામાં શબ્દ અને અર્થ, અભિવ્યક્તિ અને અનુભૂતિ, વર્ણન અને દર્શન, આ સૌ કાવ્યતત્ત્વોનો અપૂર્વ સમન્વય થયો છે. માટે સિતાંશુ આજની કવિતાનો નહીં, આધુનિક કવિતાનો નહીં, પણ સર્વકાલીન ગુજરાતી કવિતાનો સમર્થ કવિ છે.

‘પરબ’, નવેમ્બર ૧૯૯૮, થોડાક સુધારાવધારા સાથે