‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/‘કુરુક્ષેત્ર’ એ જ ધર્મક્ષેત્ર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘કુરુક્ષેત્ર’ એ જ ધર્મક્ષેત્ર

“તાજેતરમાં બિરલા ફાઉન્ડેશનનું માનઅકરામ મેળવનાર ‘કુરુક્ષેત્ર’ ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ રૂપે સદાય તપતી રહેવાની છે. અથવા ‘દર્શક’ના ચાહક શા આ લેખક કનેથી આ સરસ સમાલોચના મેળવી શકાઈ છે કે એ “ઓપિનિયન”નું બહુમાન કર્યા બરાબરની ઘટના છે. દેશપરદેશના દરેક વાચકને રાજીના રેડ કરે તેવું સંઘેડાઉતાર વિવેચનકામ થયું છે, એમ અમે માનીએ છીએ.” – સંપાદક, ઓપિનિયન. ‘કુરુક્ષેત્ર’ સાથે મારે મમતાનો સંબંધ છે. આની પાછળ નાનકડો ઈતિહાસ છે. ૧૯૮૨માં અમેરિકામાં ગુજરાતી લિટરરી એકૅડેમીની સ્થાપના થઈ ત્યારે એક મહત્ત્વનો નિર્ણય લીધેલો કે દર વર્ષે એકૅડેમીના ઉપક્રમે ઈન્ડિયાથી એકાદ ઉત્તમ સાહિત્યકારને નિમંત્રણ આપવું. પ્રથમ મહેમાન તરીકે મનુભાઈ પંચોળી - ‘દર્શકે’ અમારું નિમંત્રણ સ્વીકાર્યું. આ મંગલારંભ હતો. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના ત્રીજા ભાગની ગુજરાત પચીસથીયે વધારે વર્ષોથી રાહ જોતું હતું. ઉમાશંકરથી માંડીને અદના ગુજરાતી સુધી સૌએ અનેક વાર ‘દર્શક’ પાસે માગણી કરેલી : ‘ત્રીજો ભાગ ક્યારે આપો છો?’ મારા સ્નેહસભર છતાં કટુકઠોર શબ્દોની કૈંક ચમત્કારિક અસર થઈ અને ત્રીજો ભાગ પૂરો થયો એમાં નિમિત્ત બનવાની તક મને મળી. ‘સદ્ભિ: સંગ’ - લોકભારતી સંસ્થાકથા અને નાનાભાઈ ભટ્ટના ‘ઘડતર અને ચણતર’નું અનુસંધાન – મારા આગ્રહથી જ મારા ઘરે બેસીને જ ‘દર્શકે’ લખી. ઈશ્વરની કૃપા વરસે છે ત્યારે અનરાધાર વરસે છે. ‘કુરુક્ષેત્ર’ના સર્જનમાં પણ નિમિત્તે બનવાનું આવું જ સૌભાગ્ય મને સાંપડ્યું. પ્રસ્તાવનામાં ‘દર્શકે’ વાત્સલ્યભેર આની નોંધ લીધી છે, તે અહીં ઉદ્ધૃત કરી છે : ‘૨૭ વર્ષ પહેલાં સ્વ. શ્રી મડિયાએ એક રૂડું માસિક ‘રુચિ’ કાઢ્યું. અને મારી પાસે મિત્રદાવે કંઈક માંગ્યું. મેં ભારે હોંશથી ‘કુરુક્ષેત્ર’ શરૂ કર્યું. વાંચનારાને તે ધ્યાનાકર્ષક, રસપ્રદ નીવડ્યું. પણ જેમ ‘સોક્રેટિસ’ ને ‘ઝેર તો પીધાં’નું થયું તેમ આઠ પ્રકરણો લખાયાં પછી આગળ લખવાનું ન બન્યું. ‘ત્યાં ભાઈ મધુસૂદને ત્રીજીવાર અમેરિકા આવવાનું નિમંત્રણ મોકલ્યું – અને રસજ્ઞ જીવ તરીકે ત્યાં જ રહી ‘કુરુક્ષેત્ર’ પૂરું કરવાનું લખ્યું. ‘એક કુરુક્ષેત્ર - કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર તો ખેલાઈ ચૂક્યું હતું અને એનાં સંવેદનો મેં ‘દીપનિર્વાણ’ અને ‘ઝેર તો પીધાં છે’માં ઝીલ્યાં અને આવર્તિત કર્યા હતાં – પણ તે કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર હતું. મારે ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણનું દર્શન કરવું હતું. ‘એટલે પૂરું કરવાની હોંશ ખરી ને ભાવ પણ ખરો - પણ ભય હતો. ૨૭ વર્ષ પછી અનુસંધાન થશે? રેણ સરખું ન થાય તો? ‘આવી શંકા-કુશંકા વચ્ચે મધુસૂદનનું નિમંત્રણ સ્વીકાર્યું. બીજાં સ્થળોએ ‘મહાભારત’ પર જ વાર્તાલાપો આપવાના હતા, એટલે યાત્રાના સમગ્ર સંદર્ભ સાથે ‘કુરુક્ષેત્ર’નો મેળ બેસે તેમ હતો. ‘સુશીલાબહેન અને મધુસૂદન કાંઈ શ્રીમંત નહીં. રોજનું કમાઈ ખાનાર-ખવરાવનાર. તેમનું શાંત-સુઘડ ઘર, આજુબાજુ ઝાકળભીની હરિયાળી— અને પછવાડે નાનકડું વન. સવારે હરણાંય આવે. ઔદ્યોગિક યાંત્રિક સંસ્કૃતિ, તેની વચ્ચે કણ્વાશ્રમનાં હરણાં નિરાંતે ચરે-ફરે, તે પણ આમાં ગોઠવાઈ ગયાં. ‘સાત દિવસ - ફક્ત અઠવાડિયું જ. ને કામ હરિકૃપાથી પૂરું થયું. ‘ઠીક થયું છે કે નહીં તે વાચકો-વિવેચકો ઠરાવે, પણ મધુસૂદન અને સુશીલાબહેન બંને મૂળે ગુજરાતીનાં જ અધ્યાપકો. તેમને ઘણું ગમ્યું એટલે મનેય થયું કે ચાલો, બે રસજ્ઞોનો તો પરવાનો મળ્યો!’ સર્જનની પળોના સાક્ષી બનવાનું અમારું સૌભાગ્ય કેવડું મોટું છે તેનો ખ્યાલ ભગવતીકુમાર શર્માની “ગુજરાત મિત્ર”માં પ્રકટ થયેલી નોંધ પરથી આવશે : “‘કુરુક્ષેત્ર’ના સર્જનકાળમાં એક દિવસ ‘દર્શક’ નવલકથાલેખનમાં તલ્લીન હતા. બપોરના ભોજનનો સમય થવા આવ્યો. મધુભાઈનાં પત્ની સુશીલાબહેને ‘દર્શક’ના લેખનકક્ષમાં જઈને તેમને ડાઇનિંગ ટેબલ પર આવવાની વિનંતી કરી. પણ ‘દર્શક’ તો સર્જન-સમાધિની વિરલ ક્ષણોમાં નિમજ્જિત હતા. તેમણે સુશીલાબહેનને કશો પ્રતિભાવ ન આપ્યો અને લેખનકાર્ય ચાલુ રાખ્યું. મધુભાઈ અને સુશીલાબહેન પ્રખર સાહિત્યરસિક. સર્જકના લેખનયજ્ઞમાં વિક્ષેપ પાડવાનું તેમને ઉચિત ન લાગ્યું. તેઓ ચૂપચાપ ‘દર્શક’ની વાટ જોતાં બેસી રહ્યાં. ક્ષણો, મિનિટો નિરવતામાં વીતવા લાગી, અંતે ‘દર્શક’ કાગળકલમ મૂકીને લેખનકક્ષમાંથી ભોજનકક્ષમાં આવ્યા. મધુભાઈ અને સુશીલાબહેને તેમની તરફ દૃષ્ટિ કરી. અને પતિપત્ની સ્તબ્ધ થઈ ગયાં. ‘દર્શક’ દાદાની આંખોમાંથી ચોધાર આંસુ છલકાઈ રહ્યાં હતાં! કાપડિયા દંપતીને ચિંતા થઈ. એવું તે શું બન્યું હશે? તેઓ ‘દર્શક’ પાસે દોડી ગયાં. લગભગ, અબોલપણે જ પ્રશ્ન પૂછ્યો, ‘મનુભાઈ, શી વાત છે?’ ‘દર્શક’ અશ્રુનીતરતી આંખે થોડીક ક્ષણો સુધી યજમાન દંપતી સામે જોઈ રહ્યા. પછી તેમણે આંસુથી રૂંધાયેલા કંઠે બે જ શબ્દો ઉચ્ચાર્યાઃ ‘અભિમન્યુ હણાયો...!’ મધુભાઈ ક્ષણાર્ધમાં સ્થિતિ પામી ગયા. ‘દર્શક’ દાદાએ ‘કુરુક્ષેત્ર’ નવલકથામાં તે દિવસે અભિમન્યુવધની ઘટના આલેખી હતી. અને એ કરુણાન્તિકા સાહિત્યસર્જકનાં આંખ અને અંતરને ભીંજવી ગઈ હતી. સર્જકની આવી ચરમ ભાવક્ષણના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મધુભાઈ જેવા મર્મજ્ઞ ભાવકને સાંપડ્યું હતું. સંભવ છે, બિરલા ફાઉન્ડેશનની ચયન સમિતિને પણ આ નવલકથા સંદર્ભે આવી કોઈક અનુભૂતિ થઈ હશે! જેને કારણે આ નવલકથાને આવું ગૌરવ મળ્યું!’ ગુજરાતી સાહિત્યના ચાર મૂર્ધન્ય નવલકથાકારો-ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ અને ‘દર્શક’. આમાં મુનશી અને પન્નાલાલ બન્નેએ શ્રીકૃષ્ણના ચરિત્ર-ચિત્રણની નવલકથા લખી છે, મુનશીએ ‘કૃષ્ણાવતાર’માં અને પન્નાલાલે ‘પાર્થને કહો ચડાવે બાણ’માં. દુર્ભાગ્યે મુનશી અને પન્નાલાલે તેમની સર્જકતા જ્યારે સાવ ઓસરી ગઈ હતી ત્યારે આ કથાનું નિરૂપણ કર્યું છે. ‘કૃષ્ણાવતાર’માં ક્યાંય મુનશીની નવલકથાત્રયી કે ‘જય સોમનાથ’ની સર્જકતા પ્રગટ થઈ નથી. સાત ખંડમાં પથરાતી આ નવલકથા ઠીક ઠીક કંટાળાજનક અને નીરસ છે. ‘પાર્થને કહો ચડાવે બાણ’માં ‘વળામણાં’ કે ‘મળેલા જીવ’ કે ‘માનવીની ભવાઈ’ના સર્જક પન્નાલાલનો અણસાર સુધ્ધાં નથી. આ બન્ને નવલકથાકારોને એક ગંભીર મુશ્કેલી એ નડી છે કે તેઓ એ દ્વિધામાં છે કે શ્રીકૃષ્ણ ભગવાન છે કે નથી. બન્ને નવલકથાઓમાં કાં તો પુરાણકથાની જેમ મૂળ મહાભારતનું શુષ્ક રટણ છે અથવા મહાભારતમાં જ્યાં ફેરફારો કર્યા છે ત્યાં ઔચિત્ય કે વિવેક જળવાયા નથી. ‘કુરુક્ષેત્ર’માં ‘દર્શક’ને અપૂર્વ સફળતા મળી છે તેનું એક મહત્ત્વનું કારણ ‘દર્શક’ની કલાદૃષ્ટિ છે. લેખકને એક ઉત્તમ પર્સપેક્ટિવ-પરિપ્રેક્ષ્ય મળી ગયો છે. મહાભારતના કથાપ્રસંગોને અને સવિશેષ તો મહાભારત યુદ્ધને લેખકે સ્વયં નિરૂપવાને બદલે તેમનાં કાલ્પનિક પાત્રો તપતીની દૃષ્ટિએ, અથવા તો, ક્યારેક તક્ષકની નજરે, તેનું નિરૂપણ કર્યું છે. આ એક જ કલાત્મક પ્રયુક્તિનો લેખકને ઘણો લાભ મળ્યો છે. એથી સહેજે લેખકને સ્વીકાર-પરિહારની જ તક મળી છે એટલું જ નહીં, પણ મહાભારતના આ કથાપ્રસંગોની આલોચના કરવાની તેમજ આ પ્રસંગોના રહસ્યનું આકલન કરવાની તક મળી છે. આનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત કૃષ્ણ યુદ્ધમાં નિઃશસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે તેની ‘દર્શક’ની માર્મિક આલોચના છે. આગલી રાતે દુર્યોધને મારેલાં મેણાંના માર્યા ભીષ્મ બીજે દિવસે કાળરૂપ ધારણ કરીને પાંડવસેવાનો ઘોર સંહાર આદરે છે. અર્જુન ફરી પાછો સ્વજનમોહમાં ફસાય છે અને ભીષ્મ સામે મન મૂકીને લડી શકતો નથી. કૃષ્ણ અર્જુનને સાવધ કરે છે, ચાનક ચડાવે છે છતાં અર્જુન ભીષ્મ પિતામહને મારવા તૈયાર નથી. કૃષ્ણ યુદ્ધભૂમિમાં ભાંગેલા એક રથનું પૈડું આંગળીએ ચડાવી કાળના કાળ બની ભિષ્મને સંહારવા દોડે છે. મહાભારતના આ સુપ્રસિદ્ધ પ્રસંગનું લેખકે ચિત્રાત્મક આલેખન કર્યું છે. તે સુંદર છે પણ ‘દર્શક’ની ચિંતક અને તત્ત્વજ્ઞ તરીકેની વિશેષતા આ પ્રસંગની આલોચનામાં છે. તપતી કૃષ્ણને રાત્રે કહે છે: ‘...ચારે બાજુ તમે પ્રતિજ્ઞાભંગ કર્યો તેની વાતો થાય છે.’ કૃષ્ણ : ‘તપતી! આ સંસાર વિષમ છે. એટલે નીરક્ષીર, સુગમ-અગમ, શક્ય-અશક્ય વગેરેનું પ્રમાણભાન રાખવું પડે છે.’ ‘પણ દેવ, પ્રતિજ્ઞા?’ ‘જો તપતી! આપણે સૌ ઘણા નિશ્ચયો કરીએ છીએ. તેમાં કોઈ વાર અથડામણો પણ થાય છે. એટલે અગ્રિમતા જોવી પડે છે... તારે માતૃભક્તિ અને તક્ષક પ્રત્યેનો અનુરાગ બેઉ સત્યો વચ્ચે પસંદગી નહીં કરવી પડે?’ ‘જો મારી ઘણી પ્રતિજ્ઞાઓ છે.. સૌથી મોટી પ્રતિજ્ઞા અધર્મીઓ સામે મારા ધર્મબદ્ધ ભક્તોનું રક્ષણ કરવાની એક પ્રતિજ્ઞા છે. જો હું તે ન કરી શકું તો બીજી પ્રતિજ્ઞાઓનો શો અર્થ? .... ભાઈ-ભાઈ વચ્ચેના આ કલહમાં હથિયાર નહીં લેવાની મારી પ્રતિજ્ઞા હતી જ. જગત તે જાણે છે. એ પૂર્વે કંઈ કેટલાય કાળ પૂર્વે મેં દમનકારી અધર્મીઓનો વધ કરવાની, ધર્મી લોકોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે... કહે, આમાં પ્રતિજ્ઞાભંગ હતો કે મારી પૂર્વપ્રતિજ્ઞાનું પાલન હતું?’ આ છે ‘દર્શક’નો વિશેષ. પ્રતિજ્ઞા લીધી હોય તે પાળવી જોઈએ પણ લેવામાં અને પાળવામાં વિવેક જોઈએ, આવી અથડામણો સૌના જીવનમાં આવે છે પણ શ્રીકૃષ્ણના મૂળે ધર્મઅધર્મ, બલકે બે ધર્મ વચ્ચેનો વિવેક લેખક સ્પષ્ટ કરે છે તે ઘણી વાર ભાવનાશાળી આદર્શસેવી ધર્માત્માઓને પણ સમજાતું નથી. ‘દર્શક’નું આ મૌલિક ચિંતન આ કૃતિને અજવાળે છે. ‘કુરુક્ષેત્ર’ના શ્રીકૃષ્ણ જેટલા મહાભારતકારના છે તેટલા જ ‘દર્શક’ના છે. મહાભારતમાં વેદવ્યાસે શ્રીકૃષ્ણનાં સમકાલીન યુગપુરુષ અને ઈશ્વરી અવતાર બંને સ્વરૂપ દર્શાવ્યાં છે. ‘દર્શક’ શ્રીકૃષ્ણનું ઐશ્વર્ય પ્રકટ કરે છે પરંતુ તેમને ઈશ્વર રૂપે નહીં પણ મહામના માનવી સ્વરૂપે રજૂ કરે છે. આખરે તો ઐશ્વર્ય અને ઈશ્વરની મૂળ વ્યુત્પત્તિ એક જ છે. પ્રાચીન પુરાણકથાઓનાં અલૌકિક દેવતાઈ અતિમાનુષી પાત્રો આપણી અર્વાચીન યુગચેતના ને સંવેદના સાથે એકરસ થઈ શકે તેમ નથી. ‘દર્શકે’ વારંવાર ખુદ શ્રીકૃષ્ણના મુખે તેઓ ઈશ્વર નથી તેની વાત કરી છે. આથી શ્રીકૃષ્ણનું પાત્ર સંવેદનશીલ અને જીવંત બન્યું છે. કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ જાય છે ત્યારે વિદુર કહે છે, ‘વાસુદેવ! આપે આટઆટલી સમજાવટ કરી પણ પથ્થર પર પાણી.’ ‘વિદુર! આપણે તો પ્રયત્ન કરી જાણીએ, બાકી તો ભગવાનની ઇચ્છા.’ વિદુર કહે, ‘અમે તો તમને જ ભગવાન ગણીએ છીએ.’ શ્રીકૃષ્ણ હસીને કહે, ‘હવે તમને ખાતરી થઈને કે હું ભગવાન નથી?. હું સંધિ ન કરી શક્યો. ભગવાન હોત તો કરી શકત ને? ચાલો, પ્રયત્નનું એક સુફળ આવ્યું કે તમે મને હવે ભગવાન નહીં કહો.’ આ જ પ્રમાણે ગાંધારી જ્યારે કૃષ્ણને કહે છે કે ‘તમે ધાર્યું હોત તો યુદ્ધ રોકી શક્યા હોત.’ તેના જવાબમાં કૃષ્ણ કહે છે કે ‘માતા, તમે મને ભગવાન કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તુમ્ માની લો તો હું શું કરું?’ મૂળ મહાભારતના ચમત્કારોને પણ લેખકે ગાળી કાઢ્યા છે. એનું ઉત્તમ દૃષ્ટાંત છે : દ્રૌપદીવસ્ત્રાહરણનો પ્રસંગ. દ્રૌપદી ભૂતકાળના એ દુઃખદ પ્રસંગને યાદ કરીને કહે છે કે કૃષ્ણને લીધે જ ‘મારી લજ્જાનું આવરણ રહ્યું. મને થતું હતું શું ગોપીમાંથી પણ ગઈ? કુબજા કરતાંય? અને ત્યાં જ તમે દેખાયા.’ કૃષ્ણ : ‘દેખાયેલો ખરેખર?’ ‘મને તો તમે દેખાયેલા. ખરેખર કે કેમ તે તો તમે જાણો.’ મૂળ મહાભારતમાં પણ સાક્ષાત્ ભગવાન આવે છે અને ચીર પૂરે છે એમ નથી નિરુપાયું. ભગવાન સર્વત્ર છે જ. વસ્ત્રોમાં પણ ભગવાન આવે જ છે ને! તેમાં તેમણે પ્રવેશી દ્રૌપદીની લજજાનું નિવારણ કર્યું. સૂરદાસને યાદ કરીએ : વસનરૂપ ભયે શ્યામ. ‘દર્શક’ માત્ર ઉત્તમ નવલકથાકાર નથી, ઉત્તમ ઇતિહાસકાર પણ છે. ‘કુરુક્ષેત્ર’ માત્ર મહાભારતની કથાનું પુનરાલેખન નથી. ‘દર્શક’ની પારગામી ઇતિહાસદૃષ્ટિથી આ કૃતિ ઝળહળે છે. ‘દર્શક’નું ઈતિહાસ દર્શન આજના અર્વાચીન યુગ માટે પણ મહાભારતકાળ જેટલું જ પ્રસ્તુત છે. મહાભારતનું યુદ્ધ માત્ર પાંડવ-કૌરવોનું યુદ્ધ નથી, સદ્ અને અસદ્ વચ્ચેનું યુદ્ધ છે, ન્યાય અને અન્યાય વચ્ચેનું યુદ્ધ છે, ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે. પાંડવો સર્વથા શુદ્ધ અને નિષ્કલંક છે? કૌરવોમાં લેશમાત્ર ગુણવિશેષ નથી? ના, એવું નથી જ, ન જ હોઈ શકે. છતાં પ્રશ્ન પસંદગીનો છે, સારાસારનો છે. શ્રીકૃષ્ણ અને ધૌમ્ય મુનિ વચ્ચેની આ પ્રશ્નની તત્ત્વચર્ચા ‘કુરુક્ષેત્ર’નું ઉત્તમાંગ છે. શ્રીકૃષ્ણનાં ચરણ વાસ્તવની ભૂમિ પર સ્થિર છે. ‘હા, સ્વપ્નમાં મને ગમે છે પણ મિથ્યા સ્વપ્નથી હું ચેતતો રહું છું.’ (પંડિત નહેરુને આ સમજાયું હોત તો હિંદી-ચીની ભાઈભાઈના મિથ્યા સ્વપ્નમાં એમણે વાસ્તિવકતાનો અનાદર ન કર્યો હોત. આ જ તો છે ‘દર્શક’ની કૃતિની વર્તમાનકાલીન પ્રસ્તુતતા.) ધૌમ્ય મુનિ : ‘આપ ભાઈ-ભાઈને ન હણે તે ઇચ્છાને મિથ્યા સ્વપ્ન શા સારુ ગણો છો?’ ‘ભાઈ-ભાઈને શા સારુ? કોઈ કોઈને ન હણે તેવું સ્વપ્ન મને તો ગમે છે.’ ‘એટલે જ તો હૃદય કહે છે કે આપ આ મહાહિંસાને અટકાવો.’ ‘મને શું તે નથી ગમતું મુનિ! પણ અન્યાયને સિંહાસન-ચ્યુત કરો ત્યારે તે અટકશે. અન્યાયને પંપાળવાથી નહીં.’ વર્ષો પૂર્વે ઇઝરાયલના એક સુપ્રતિષ્ઠિત ઈતિહાસકારને મળવાનું ‘દર્શક’ને બન્યું હતું. તેમની સમક્ષ ‘દર્શકે’ એક પ્રશ્ન રજૂ કરેલો કે સત્યમેવ જયતે એ દુનિયાના ઈતિહાસમાં સાચું છે? એમનો જવાબ હતો: સંગઠિત સત્ય જીતે. (આ સ્મૃતિને આધારે લખું છું. દુર્ભાગ્યે આનો સંદર્ભ મળ્યો નથી. ‘દેશવિદેશે’ જોઈ ગયો, પણ એમાં આનો સંદર્ભ ન મળ્યો.) હવે ‘કુરુક્ષેત્ર’માં આની ધૌમ્ય મુનિ ને શ્રીકૃષ્ણની ચર્ચા જુઓ : કૃષ્ણઃ ‘પણ તમારા જેવાના મનની આ દ્વિધા જોઈને મને સમજાય છે કે ભીષ્મ-દ્રોણના મનમાં શું દ્વિધા રહેતી હશે ને શેણે દુર્યોધન નમતું આપતો નથી.’ ધૌમ્ય: ‘શેણે?’ ‘તેને ખબર છે કે સત્ય સંગઠિત થઈ શક્યું નથી. તે આત્મવિચિકિત્સાથી પરવારે તો અસત્ય સામે સંગઠન કરવાનું સૂઝે ને?.... સત્ય સંગઠિત થતું નથી કારણ કે તે પોતાના દોષો જોવામાંથી પરવારતું નથી. વસ્તુતઃ પારમાર્થિક સત્યને વ્યવહારમાં ઉતારીશું ત્યારે કંઈ ને કંઈ મેલ તેમાં અનિચ્છાએ આવી જવાનો. આ રીતે કર્મમાત્ર સદોષ છે પણ તેથી સત્કર્મ જેવું કશું નથી તેવું થોડું જ છે?’ ‘કુરુક્ષેત્ર’ની આ ચર્ચા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે જ્યારે આપણા સમાજવાદી નેતાઓ, સમાજસુધારકો અને સર્વોદયવાદીઓ બ્રિટન, અમેરિકા અને યુરોપીય દેશો સામે કાગારોળ મચાવે છે ત્યારે આ વિવેકનો અભાવ વર્તાય છે. અમેરિકા શુદ્ધ, પવિત્ર કે નિષ્પાપ છે? સ્વાર્થરહિત છે? સત્ય અને પરમાર્થને જ વર્યું છે? નહીંસ્તો. પરંતુ અમેરિકા અને સોવિયેત યુનિયનની વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે આપણે કોની પસંદગી કરીએ? સોવિયેત યુનિયન પત્તાના મહેલની જેમ વિસર્જન પામ્યું ત્યાં સુધી ઇન્ડિયાની સહાનુભૂતિ તેના પક્ષે જ હતી. છેલ્લાં પચાસ વર્ષોમાં યુરોપ-અમેરિકા વ્યક્તિ-સ્વાતંત્ર્ય ને અર્થસમૃદ્ધિનાં એક પછી એક શિખરો સર કરતું આવે છે અને ઇન્ડિયા ભ્રષ્ટાચાર અને દરિદ્રતાની ખીણમાં ઊંડે ને ઊંડે ઊતરતું જાય છે ત્યારે પણ આપણને આપણી અર્થનીતિ કે રાજનીતિ બદલવાનું સૂઝતું નથી. સંસ્કૃત સુભાષિતે તો એમ કહેલું : આપણા રાઈ જેવડા દોષોને પર્વતસમાન જોવા; પારકાના પર્વત જેવડા દોષોને રાઈ જેવડા ગણવા. આપણો ન્યાય આનાથી વિપરીત છે. પાંચસો વર્ષ પૂર્વે અખાએ ભારતીય મનોવૃત્તિની આ નાડ પકડેલી: ‘અમારાં આટલાં વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા?’ ‘કુરુક્ષેત્ર’ માત્ર નવલકથા નથી, ઇતિહાસપ્રદીપ છે. કાલ્પનિક પાત્રોના આલેખનમાં પણ ‘દર્શક’ને અપ્રતિમ સફળતા મળી છે. ‘દીપનિર્વાણ’ની પ્રસ્તાવનામાં ઉમાશંકરે નોંધેલું કે ‘વૃદ્ધના આલેખનમાં લેખક સિદ્ધહસ્ત લાગે છે.’ આની પ્રતીતિ ધૌમ્ય મુનિના પાત્રાલેખનમાંથી થાય છે. ઋષિ ધૌમ્ય ‘દીપનિર્વાણ’ના મહાકાશ્યપ અને આચાર્ય ઐલ સાથે સગોત્રતા ધરાવે છે. ધૌમ્ય મુનિના પાત્રાલેખનમાં કેળવણીકાર ‘દર્શક’નું વ્યક્તિત્વ જોવા મળે છે. ‘દર્શક’ની સાહિત્યકૃતિઓની આ જ વિશેષતા છે. લેખકના જીવનનાં મૂળભૂત મૂલ્યો અને સાહિત્યકૃતિઓની રસાત્મકતા બન્ને એકરૂપ થાય છે. ઈતિહાસકાર, કેળવણીકાર, સમાજસુધારક, ધર્મજ્ઞ, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર -’દર્શક’નાં આ ભિન્ન સ્વરૂપો વચ્ચે ક્યાંય વિસંગતિ નથી. ‘દર્શક’નાં અન્ય વૃદ્ધ પાત્રોની જેમ ધૌમ્ય મુનિ પણ જીવનનાં મૂલ્યો માટે આગ્રહી છે એટલું જ નહીં, એ એમના જીવનસ્વપ્નને વાસ્તવમાં કંડારવા મથે છે. પરંતુ લેખકની વિશેષતા એ છે કે આ પાત્રો સ્થિતિચુસ્ત કે ધર્મજડ નથી. સર્જકની સર્વાશ્લેષી કરુણાનો સંસ્પર્શ આ પાત્રોને થયો છે. તપતી ધૌમ્ય મુનિની દીકરી છે. તક્ષક આશ્રમનો તેજસ્વી વિદ્યાર્થી છે અને નાગરાજ ચિત્રરથનો પુત્ર છે. ઋષિકન્યા અને નાગયુવકના પ્રેમની તપતીની તોફાની નાની બેન માધવી પાસેથી જ્યારે ઋષિને પહેલી વાર જાણ થાય છે, અને માધવી તો ઉમેરે છે કે બંને ‘આલિંગતાં હતાં’ ત્યારે ઋષિનો પહેલો પ્રત્યાઘાત એટલો જ છે : ‘યૌવન છે ને! ને કિરાતોનો સંસર્ગ થોડો તો ફળે ને?’ લેખકની સૌમ્ય અને ઉદાર દૃષ્ટિનો સાચો અને ઊંડો પરિચય થાય છે વાદસભામાં કચદેવયાનીના સ્નેહસંબંધ વિષે ધૌમ્ય મુનિના ટિપ્પણમાં. એક મત એવો છે કે ‘આશ્રમમાં જે સાથે ભણ્યાં તે ભાઈબહેન થયાં... વિદ્યા એકાગ્રતા માટે છે. સરસ્વતીને એટલા માટે જ બ્રહ્મચારિણી કહી છે. એટલે વિદ્યોપાસનાના સ્થળે એકાગ્રતા પ્રથમ આવશ્યક તત્ત્વ છે અને કામ તે વ્યગ્રતાનું મૂળ છે.’ હવે જુઓ ધૌમ્ય મુનિનો પ્રતિભાવ : ‘તે... વાત સાચી છે કે વિદ્યાધામો ને આશ્રમો સ્વયંવરણનાં સ્થળો ન થઈ જવાં જોઈએ. પણ તેમ છતાં કચ સંજીવની વિદ્યા દેવયાનીના સહવાસમાં અને તેની કૃપાથી જ મેળવી શક્યો હતો ને? સાચો ને ઊંડો પ્રેમ વિદ્યા, લક્ષ્મી, યશ કે સ્વર્ગ, અરે, મોક્ષ પ્રાપ્ત કરવામાં ય ઉત્સાહ પ્રેરે છે. તે મંદભાગી નથી, બડભાગી છે... જીવન અસીમ છે. એમાં નિયમના રાજમાર્ગો ભલે રહ્યા, પણ કેડીઓ પણ રહેવાની જ. ને ઘણી વાર રાજમાર્ગ કરતાંય કેડીઓ વહેલી પહોંચાડવાની. આશિષ ભલે ન આપો પણ કેડીઓ પાડવાનો પ્રતિબંધ ન કરો.’ આ ઉદાર અમૃત વાણીનો અભિષેક આપણને સંતર્પે છે. તપતી ‘દર્શક’નાં અન્ય પ્રધાન સ્ત્રીપાત્રો, ‘બંધન અને મુક્તિ’ની સુભગા, ‘દીપનિર્વાણ’ની સુચરિતા અને કૃષ્ણા, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની રોહિણી, ‘સોક્રેટીસ’ની મીડિયાના કુળની છે. એ જ માધુર્ય, સ્નેહ, સંવેદનશીલતા, સહનશીલતા, ધૈર્ય અને સાથે સાથે એ જ ટેક, સ્વમાન અને ખમીર. લેખકના જ શબ્દોમાં ‘તપતી ઉજજવલ, સ્વચ્છ ને સરલ હૃદયની… સૌને મદદ કરવા, સૌને વહાલ કરવા, સૌને આશ્વાસનના બે શબ્દો કહેવા એ તત્પર હોય છે. કોઈની પાસે થઈને પસાર થાય ત્યારે હસીને ટૌકો કર્યા સિવાય રહે નહીં તેવી એ વાત્સલ્યઝરણી જ છે.’ એક બાજુ તક્ષક માટેનો ગાઢ પ્રેમ – અને બીજી બાજુ આર્યનાગ લગ્ન સામે માતા સુવર્ણાનો વિરોધ, તપતી આ સંઘર્ષમાં વલોવાય છે. આમાં એની વેદના, સહનશીલતા અને ધૈર્ય પ્રકટ થાય છે પણ સૌથી વિશેષ તો આકર્ષક છે એનું ખમીર. તક્ષકે માતા સુવર્ણાના અપમાનથી રોષે ભરાઈને તપતીનું હરણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ પ્રસંગમાં તપતીની ઊંડી સમજદારી અને એનું ખમીર ઝળકી ઊઠે છે. તક્ષક તપતીને કહે છેઃ ‘તમારું હું હરણ કરીશ.’ તપતી જવાબ વાળે છે: ‘મારું હરણ કોઈ કરી શકે જ નહીં, મારું વરણ જ થઈ શકે. તમે મારું વરણ કર્યું છે તેથી જ હું તમારી છું... તક્ષક, મેં તમારું વરણ કર્યું છે; પણ કોઈની જોડે મારાં માતાપિતાને નારાજ કરી નાસી જાઉં, કે તેમની અનુજ્ઞા વિના કોઈ મારું હરણ કરે તે વાત હું ન સ્વીકારું... જુઓ, ગેરસમજ ન કરશો. મારું વરણ છેવટનું છે. તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી, પણ મને મારી સ્વેચ્છાથી જ લઈ જઈ શકાશે.’ તપતીના મનોરાજ્ય દ્વારા આપણે ‘દર્શક’ના કલ્યાણગ્રામની કલ્પનાને પામીએ છીએ. તપતી તક્ષક સાથેના લગ્નનાં સ્વપ્નોમાં વિહરે છેઃ ‘તેનાં લગ્ન થશે. તે તથા તક્ષક અહીંથી કન્યાદાનમાં મળેલ અનુમાધવી, પિંગલાક્ષી અને કર્ણિક જેવાં ગાય-વાછરુઓને હાંકી પેલા ગંધમાદનની એકાદ ખીણમાં જઈને વસશે. નાનકડો આશ્રમ કરશે. અહીંથી ફળો, ફૂલો, ઔષધીઓ પણ લઈ જશે. નાગો કે કિરાતોને ખેતીની ક્યાં જાણકારી હતી? ધીમે ધીમે તેમની મદદથી જંગલ સાફ કરશે. નાના વહેળાને બંધો બાંધી થંભાવશે; તક્ષક બંધ બાંધશે, પોતે માટી-પથ્થર-જાળાં સારશે; ભોળા નાગકિરાતોનાં ટોળાં એમનો આશ્રમ જોવા, એમની ખેતી શીખવા, એમની સાળ ને યજ્ઞવેદી નીરખવા આવશે, એમને પોતે ઔષધીઓ આપશે, એમનાં ગૂમડાં-ચાંદાં રૂઝવશે. સાંજે બંને જણાં પાસેપાસે બેસી વેદઋચાઓ બોલતાં યજ્ઞમાં સમિધ હોમશે. અબુધ ને ભોળા કિરાતો ધીમે ધીમે આ બધું શીખતાં ને અનુસરતાં થશે...’ નાટ્યાત્મકતા ‘કુરુક્ષેત્ર’ અને ‘દર્શક’ની અન્ય નવલકથાઓનો પ્રધાન ગુણ છે. ‘દર્શક’નાં નાટકો કરતાં એમની નવલકથાઓ વધારે નાટ્યાત્મક છે. ક્યારેક તો વાચકને અધ્ધરજીવ કરી મૂકે તેવાં રહસ્યકથા જેવાં વાંકવળાંકો એમની નવલકથાઓમાં છે. કોઈ ઉત્કૃષ્ટ નાટક જોતાં હોઈએ એવું પાત્રોનું પ્રવેશ-નિષ્ક્રમણ છે, એવાં દૃશ્યપરિવર્તનો છે, એવી પરાકાષ્ઠાઓ છે. ‘દીપનિર્વાણ’ જ્યારે જ્યારે વાંચી છે ત્યારે મને થયું છેં કે કોઈ સેસિલ દ મિલ જેવો નિર્માતા મળે તો એક વાર તો આનું ચલચિત્ર ‘Ten Commandments’ને પણ ભુલાવી દે. એક જ દૃશ્ય જુઓ. શ્રીકૃષ્ણ અને ધૌમ્ય મુનિ, ચિંતામણિ ને તપતીની હાજરીમાં, આવનારા મહાભારતયુદ્ધની, હિંસા-અહિંસાની, સત્ય-અસત્યની, ન્યાય-અન્યાયની તત્ત્વચર્ચા કરે છે. તેમાં ચિંતામણિ ને તપતી પણ ક્યારેક સૂર પુરાવે છે. આ ઊંડું તત્ત્વાન્વેષણ ચાલે છે ત્યાં જ આરુણિ આવીને કહે છે: ‘તક્ષક આવ્યો છે.’ આ દૃશ્યપરિવર્તન, પાત્રપ્રવેશ અને તક્ષક-ચિંતામણિનો સ્ફોટ અદ્ભુત રસ પૂરો પાડે તેવો નાટ્યાત્મક છે. ઐતિહાસિક અને કાલ્પનિક પ્રસંગો અને પાત્રોને એકસૂત્રે ગૂંથી લેવાની, નહીં સાંધો નહીં રેણ જેવી ‘દર્શક’ની સંવિધાનકલાનો પણ આ નમૂનો છે. કથાનો તંતુ અને કથામર્મનો તંતુ બંને એકબીજા સાથે જે રીતે વણાતા જાય છે તેથી આપણે પ્રસન્ન અને મુગ્ધ થઈ જઈએ છીએ. સમગ્ર નવલકથામાં અત્રતત્ર વેરાયેલી ચિંતનકણિકાઓ આ કૃતિને અજવાળે છે. આ ચિંતનાત્મક ઉક્તિઓ રમણલાલ દેસાઈની જેમ અપ્રસ્તુત દોઢડહાપણનાં ડબકાં નથી પણ સૂત્રે મણિગણા ઈવ નવલકથાનાં પાત્રો ને પ્રસંગો સાથે વણાઈ ગયેલી રત્નકણિકાઓ છે. થોડાંક દૃષ્ટાન્તો: ‘ધન દાન માટે અને શૌર્ય અન્યાયનિવારણ માટે છે’; ‘દાવાગ્નિ સારો પણ ઈર્ષ્યાગ્નિ નહીં’; ‘ચિંતામણિની ભક્તિનું દાન સેવ્ય છે, દેવ્ય નથી’; ‘શ્રદ્ધા મહત્ત્વની છે, શ્રદ્ધેય નહીં’; ‘નિઃશેષ ભક્તિ જ સુખનું, આકાંક્ષાનું, તર્કવિતર્કનું સર્વાર્પણ કરાવી શકે.’ બાહ્ય સૃષ્ટિનું આલેખન હોય કે માનવીના અંતરનું નિરૂપણ હોય, મનોરમ પ્રકૃતિવર્ણનો હોય કે મર્મચ્છિદ્દ મનોમંથનો હોય, ગંભીર તત્ત્વચર્ચા હોય કે પ્રસન્નમધુર વિનોદ હોય, ‘દર્શક’ની શૈલી એકસરખી પ્રતિભાથી વિહરે છે. આવું સર્જનાત્મક ગદ્ય મુનશી અને પન્નાલાલ સિવાય ભાગ્યે જ બીજા નવલકથાકારોમાં જોવા મળે છે. ‘દર્શક’ ઉત્તમ વક્તા પણ છે. જેમણે એમના વાર્તાલાપો સાંભળ્યા છે તેઓ જાણે છે કે ‘દર્શક’ની વાણી ગામઠી, તળપદી અને કાઠિયાવાડી છે. આથી ઊલટું, ‘દર્શક’ની લેખિની માત્ર નાગરી જ નથી, સંસ્કૃતમય છે, બલકે સંસ્કૃતાઢ્ય છે. મહાભારતના યુદ્ધારંભ વખતનું પાંડવસેનાનું આ વર્ણન જુઓ : ‘ધર્મરાજે શંખધ્વનિ કર્યો. શંખો બજી ઊઠ્યા. પણ એ બધાયની વચ્ચે પાંચજન્યનો ઘોષ તો અનન્ય હતો, જાણે મોજાં ઉછાળતો. કાંઠાને ભાંગી નાખવા મથતી સમૂહ ગર્જના સાથે સેના ચાલી. ડોલતા પહાડ જેવા હાથીઓની લંગારની લંગાર, આભૂષણોથી શોભતા મહાવતો અને ધનુર્ધર રાજવીઓથી શોભતી અંબાડીઓ, રથો, કોઈ શિખર જેવા, કોઈ મંદિર જેવા, તો વળી કોઈ હંસશિબિકા જેવા, તેના આયુધધારી ચક્રરક્ષકો, પછવાડે ભાથાં વહી જતી ગાડીઓ, તેનાં પૈડાંમાં કિણકિણ કરતી કિંકિણીઓ, બખ્તર પહેરેલા રથીઓ, પછી આવી મોજાં જેવી અશ્વારોહી સેના, સૈંધવો, બાહ્લિકો, ગાંધારો, પક્થો, દૂરદૂરના વિદર્ભ અને પાંડ્યના થનગનતા અશ્વો, તેના પર બેઠેલા પરશુ, ધનુર્ધારી વીરો, તેમનાં મોં પરનો ઉત્સાહ.’ ‘દર્શક’ની શૈલી સંસ્કૃતાઢ્ય હોવા છતાં મધુર અને પ્રાસાદિક છે, રમણીય અને દીપ્તિમંત છે. વિચિત્રતા તો એ છે કે તળપદી શૈલી કે તળપદા શબ્દપ્રયોગો ક્યારેક કઠે છે. ધૌમ્ય મુનિ અને તપતી તક્ષક વિષે વાત કરે છે. તક્ષકના પરિવર્તન વિષે મુનિ તપતીને ઉદ્દેશીને આરુણિને કહે છે, ‘તેને નવા ગુરુ મળ્યા છે ને.’ આના જવાબમાં, તપતી હસીને કહે, ‘બાપના ન વાળે તો બાવાના શું વાળે?’ મુનિકન્યાના મુખમાં આ ઉક્તિ અનુચિત લાગે છે. આમ જ સુભદ્ર જ્યારે ચિંતામણિને કહે છે કે તક્ષક આશ્રમ છોડીને નાસી ગયો છે ત્યારે ચિંતામણિ પૂછે છે કે શા સારુ? સુભદ્ર જવાબમાં કહે છે, ‘માતા સુવર્ણાએ તેને ચાલ્યા જવાનું કહ્યું. ‘ઋષિપત્નીએ? શા વાંકે?’ ‘તક્ષક તપતીને વરવા વેતરણ કરતો હતો.’ આ ‘વેતરણ’ શબ્દ સાવ અભદ્ર છે. આમ જ, તપતી જ્યારે સંજયનો સંદેશો સાંભળે છે અને સંજયની નમ્રતા અને મીઠાશ નીચે જે અદ્ભુત ધીરતા અને બાજીગરી હતી તે જોઈને આઘાત અનુભવે છે તેના પ્રત્યાઘાત રૂપે તે વિચારે છે: ‘તેને મન ભાષા હૃદયને પ્રગટ કરવાનું સાધન હતું. તેનાથી એકબીજાનાં હૈયાંને ચાવી લગાવી અંતર દ્વાર ખોલવાનાં હતાં.’ આ ‘ચાવી લગાવી’ શબ્દપ્રયોગથી અંતરદ્વાર ખૂલે નહીં! આવી જ રીતે ક્યારેક લેખક ભાવનાના પૂરમાં તણાઈ જાય છે ત્યારે અનૌચિત્યનો દોષ પ્રવેશે છે. નકુલ-સહદેવ વિશે દ્રૌપદીના ‘નાના પતિઓ’નો પ્રયોગ તો ખૂંચે જ છે પણ ‘નાના દિયર જેવા’ની ઉપમા તો અનુચિત છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિની ગંભીર મર્યાદા હતી એના ભયંકર અસહ્ય મુદ્રણદોષો. એનાં પ્રૂફ સુધારનારને ગુજરાતી ભાષા આવડતી હશે કે કેમ એની પણ શંકા જાય. એન.એમ.ત્રિપાઠી જેવા પ્રથમ આવૃત્તિના પ્રકાશક માટે આ નીચાજોણું ગણાય. અને લેખક પણ આ જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે? આમાં વાચકોની ગુનાહિત ઉપેક્ષા ને અવગણના છે. પહેલી આવૃત્તિનાં આ વાક્યો જુઓઃ ‘યજ્ઞવેદીની ક્રાંતિ તેની પાસે નિરગ્નિ હતી.’ કંઈ સમજાય છે ખરું? ‘ક્રાંતિ’ છાપભૂલ છે, અભિપ્રેત છે ‘કાંતિ’. ‘માતૃઘાતી’ને બદલે ‘માતૃધાત્રી’ છપાય ત્યારે કેવો અનર્થ થાય તેની કોઈને પડી છે ખરી? અશુદ્ધિના દાખલા તપાસીએ : ગુજરાતી ભાષામાં ‘ને’ બન્ને અર્થમાં વપરાય છે, વિભક્તિપ્રત્યય તરીકે, ‘તપતીને વરદાન મળ્યું’ અને સંયોગી અવ્યય તરીકે, ‘અને’ ના અર્થમાં, ‘તપતી ને તક્ષક’. આનો સદંતર અનાચાર પ્રથમ આવૃત્તિમાં હતો. સદ્ભાગ્યે, મોટાભાગની છાપભૂલો બીજી આવૃત્તિમાં સુધારી લેવાઈ છે, જોકે બધી તો નહીં જ. વો દિન કહાં. આ પુસ્તકમાં એવું એક પણ સંસ્કૃત અવતરણ નથી જે અશુદ્ધ ન છપાયું હોય! કુરુક્ષેત્ર જેવો મહાભારતનો વિષય અને ‘દર્શક’ જેવા વિદ્વાન સર્જક એટલે સંસ્કૃત અવતરણો વારંવાર આવે છે અને તે બધાં જ અશુદ્ધ છપાયાં છે. આવી છે આપણી ગીર્વાણગિરાની પ્રીતિ ને ભક્તિ! સંસ્કૃત અવતરણો માટેની એક બીજી વિચિત્રતા પણ નોંધવી જોઈએ. ‘દર્શક’ની બીજી કૃતિઓ માટે પણ આ સાચું છે. ‘કુરુક્ષેત્ર’માં તો અંગ્રેજી અવતરણોને અવકાશ નથી. પણ લેખકની બીજી કૃતિઓમાં, દાખલા તરીકે, ‘ઝેર તો પીધાં જાણી જાણીમાં, જ્યાં જ્યાં અંગ્રેજી અવતરણો આવે છે, ત્યાં ત્યાં તેના ગુજરાતી અનુવાદ ઘણુંખરું આપ્યા છે. સંસ્કૃત અવતરણોના ગુજરાતી અનુવાદ લગભગ ક્યાંય નથી આપ્યા. શિષ્ટ સંસ્કૃત અવતરણો તો ઠીક, વૈદિક સંસ્કૃતનો પણ અનુવાદ નથી. લેખક એવા ભ્રમમાં છે કે એમના વાચકોને અંગ્રેજી નથી આવડતું પણ સંસ્કૃત આવડે છે? જયન્ત મેઘાણીએ ‘પ્રસાર’ હેઠળ ગુજરાતી સાહિત્યમાં તો અભૂતપૂર્વ કહી શકાય એવી નૈતિકતા બતાવી છે. વર્ષો પૂર્વે ઝવેરચંદ મેઘાણીની અશુદ્ધ છપાયેલી ‘રઢિયાળી રાત’ની નવી આવૃત્તિ પ્રકટ કરી ત્યારે જૂની આવૃત્તિને બદલી આપવાની ઓફર કરી હતી. આપણા ઘણા લેખકપ્રકાશકોએ આમાંથી ધડો લેવાની જરૂર છે! ‘દર્શક’ અત્યારે અમેરિકાની સિવિલ વૉર વિશે નવલકથા લખી રહ્યા છે. જ્યારે જ્યારે અમેરિકા આવવાનું બન્યું છે ત્યારે અહીંનાં પુસ્તકાલયો અને ગ્રન્થ ભંડારોમાંથી એ વિશેનું સાહિત્ય મેળવીને એમણે એનો ઊંડો અભ્યાસ કર્યો છે. ઈન્ડિયામાં પણ મુંબઈ આવે ત્યારે યુસિસની લાઈબ્રેરીમાંથી દીપક મહેતાના સૌજન્યથી પુસ્તકો મેળવે અને વાંચે. ‘દર્શક’ની કલમે જે સર્જાશે તે ઉત્કૃષ્ટ હશે. છતાં મારી અપેક્ષા તો એવી છે કે ‘દર્શક’ એબેલાર્ડ દંપતીની કથા આલેખે. વર્ષોથી એમના મનમાં આ કૃતિ વસી છે. પ્રણય અને પ્રચલિત તેમજ સાચા ધર્મની આવી વેદનાભરી સંઘર્ષકથા ‘દર્શક’ પાસેથી મળે તો ફરીથી ‘દીપનિર્વાણ’ જેવી એક સંઘેડાઉતાર કલાકૃતિ મળે. ‘દર્શક’ જો લખે તો ગુજરાતી સાહિત્ય તો સમૃદ્ધ થાય, પણ બહેન મૃદુલા મહેતાનું પણ તર્પણ થશે. ‘દર્શક’ના ઐતિહાસિક દર્શનને કારણે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની વર્તમાનમાં સંક્રાન્તિને માટે, આર્ય અને નાગ-કિરાતોના સંમિલનના સ્વપ્નને કંડારવાને કારણે, શિક્ષણ દ્વારા સમાજક્રાન્તિની ઝંખનાને લીધે, પ્રણયના ઉદાત્ત નિરૂપણને કારણે, શ્રીકૃષ્ણના ચરિત્રચિત્રણને કારણે, ઠેર ઠેર વેરાયેલી રત્નસમી ચિંતનકણિકાઓને કારણે અને સવિશેષ તો રસસમૃદ્ધિ ને ચેતોવિસ્તારની યાત્રાને કારણે ‘કુરુક્ષેત્ર’ નવલકથા ધર્મક્ષેત્ર બની રહે છે.

  (‘કુરુક્ષેત્ર’: મનુભાઈ પંચોળી ‘દર્શક’: અક્ષર ભારતી પ્રકાશન, ૫, રાજગુલાબ શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભૂજ-૩૭૦૦૦૧, દ્વિતીય આવૃત્તિ, ૧૯૯૭, પૃષ્ઠ-૨૦૦, કિંમત રૂ.૧૦૦.)