EDUCATED

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Educated cover.jpg


EDUCATED : A Memoir

Tara Westover

શિક્ષિતા


ટેરા વેસ્ટોવર


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકા પરિચય :

ટેરા વેસ્ટોવર એ અમેરિકન જીવન-સ્મરણકથાકાર અને કેળવણીકાર છે. ૧૯૮૬માં ઈડાહોના ગ્રામ્ય વિસ્તારના એક રૂઢિવાદી પરિવારમાં તેનો જન્મ થયો હતો. શાળા શિક્ષણ ન મળવા છતાં તેણે કેમ્બ્રિજની Ph.D. સુધીની શિક્ષણયાત્રા ખેડી છે. Educated એમની પ્રથમ જ જીવનસ્મરણકથા છે, તેની સશક્ત વાર્તાકથન કળા અને લેખક તરીકેની સ્થિતિસ્થાપકતાને લીધે આ પુસ્તકને અનોખી પ્રસિદ્ધિ ને આવકાર મળ્યાં છે. તેમના જૂનવાણી ઉછેર, અભાવ અને અનેક પડકારો છતાં તેમને ઉચ્ચ શૈક્ષણિક સફળતા મળી તે લાખો વાચકોને પ્રેરક લાગી છે. શિક્ષણની પરિવર્તનકારી તાકાતનો આ દસ્તાવેજ ગણાય છે.

વિષયવસ્તુ :

Educated (૨૦૧૮) એ ટેરા વેસ્ટોવરની સ્મરણગાથા છે. Idahoના ગ્રામ્ય વિસ્તારમાં Mormon પરિવારમાં એમનો જન્મ અને ઉછેર થયો હતો. તેઓ ક્યારેય શાળાએ ગયાં નથી તો પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી Ph.D. થવામાં સફળ થયાં. જોકે તેણે તેનાં શૈક્ષણિક સ્વપ્નો પૂરાં કરવાની ઊંચી કિંમત ચૂકવી છે. ખરેખર, આ શિક્ષણયાત્રામાં એમણે એમના પરિવારનો ગુમાવ્યો.

પ્રસ્તાવના :

ટેરા વેસ્ટોવરની આ સ્મરણકથા, તેના ઈડાહોના ગ્રામ્ય પરિસર અને શિસ્તપ્રિય–એકલવાયા ઘરમાં ઉછેરથી માંડી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી Ph.D. થયા સુધીની નોંધપાત્ર યાત્રા વર્ણવે છે. આ પુસ્તકમાં શિક્ષણ, પરિવાર, ઓળખ અને જ્ઞાનની પરિવર્તનકારી તાકાત જેવા વિષયો ચર્ચાયા છે. ટેરાની જીવનકથા પોતાની સામે સર્વ અવરોધો અને વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં શિક્ષણ મેળવવાનો અવિરત પ્રયાસ અને માનવના જુસ્સાની સ્થિતિસ્થાપકતાનો એક નક્કર પુરાવો છે. આ પુસ્તકમાં મારા રસ અને ઉપયોગનું શું છે ? ધર્મઝનૂની પરિવાર અને વાતાવરણમાંથી, શિક્ષણ દ્વારા સશક્તિકરણ પામતી સ્ત્રીની આ જીવનયાત્રા છે. મોટા ભાગના અમેરિકન પરિવારોને મન શિક્ષણ એટલે, કીંડરગાર્ટન, પ્રાયમરી શાળા, હાઈસ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી સુધી દોરી જતી એક વ્યવસ્થા. અને પછી આશા રાખીએ કે સારા પગારની નોકરી અને વ્યવસ્થિત ગોઠવાયેલું જીવન મળે ! પરંતુ ટેરા વેસ્ટોવરને માટે આ દૃષ્ટિકોણ જુદો જ હતો. એના પિતાજી તો માનતા હતા કે શાળા એટલે બાળકોનું બ્રેઈન વોશીંગ કરવાનું સ્થળ, અને છોકરીઓને ભણાવાની શી જરૂર? એનું યોગ્ય સ્થાન ઘરમાં જ છે. આવા રૂઢિવાદી વિચારવાળા પરિવારની સામે પડીને જ ટેરાએ એના ભણવાનાં સપનાં સાકાર કરવાનાં હતાં. આ પુસ્તક ટેરાની વાત કરે છે. એક પરંપરાવાદી ધર્મઝનૂની સમાજમાં યુવાની સુધી ઉછરેલી અને કૉલેજના સાંસ્કૃતિક આઘાત સુધી પહોંચેલી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની પીએચ.ડી. ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બનેલી મહિલાની આ જીવન-કથા છે. આ પુસ્તકમાં આપ વાંચશો કે –

  • વેસ્ટોવર પરિવાર,તિરસ્કાર અને ઘૃણાના દિવસો એમને માથે મરાયા જ છે એવું માનતો હતો.
  • મનોવિજ્ઞાનનો વર્ગ કેવા જીવન-પરિવર્તક વળાંક તરફ દોરી ગયો.
  • ટેરાએ તેના શિક્ષણ માટે કેવી સાચી કિંમત ચૂકવી.

ચાવીરૂપ ખ્યાલો :

૧. ટેરા વેસ્ટોવરનો ઉછેર ફાર્મ ઉપર થયેલો અને તેના Morrnon પરિવારનો શિક્ષણ અંગે અસાધારણ(વિચિત્ર) અભિગમ હતો.

ટેરા જ્યારે ૭ વર્ષની હતી ત્યારે તેના ગામ, ઈડાહોના ફેમિલી ફાર્મ ઉપર તે મઝાથી જીવન જીવી રહી હતી—કુદરતના ખોળે રમવાનું, ફરવાનું, નજીકની ટેકરીઓ પરથી વાતા પવનના ગરમ શ્વાસમાં ઝૂલ્ફો લહેરાવીને વિહરવાનું, ગાતા ઝરણાને સાંભળવાનું વગેરે.. એ દિવસો જાણે કૉનીફર વૃક્ષો સાથે એકતા અનુભવવાની અને ટેકરીઓ પર લહેરાતા જંગલી ઘઉંમાં દોડવાની, છૂપાવાની આનંદજનક ક્ષણોના હતા. ટેરા તેનાં છ ભાઈબહેનોમા સૌથી નાની હતી, રમતિયાળ અને બેફિકર હતી. તે જાણતી હતી કે એનો પરિવાર કંઈક જુદો જ છે. ચાલો શરૂ કરીએ એમની વાત :- ટેરા અને તેનાં ભાઈ-બહેનોમાંથી કોઈ પણ શાળાએ ગયાં નથી. વાસ્તવમાં, ટેરાએ તો શાળાનું પગથિયું પણ જોયું નથી, અરે, એ તો હૉસ્પિટલ કે ડોક્ટર પાસે પણ ગઈ નથી. જ્યાં સુધી ઈડાહો રાજ્યને લાગેવળગે ત્યાં સુધી એમ કહેવાય કે ટેરા તો જન્મી જ નથી. કારણ કે તેનો જન્મ ઘરે જ થયેલો, તેથી કોઈ પ્રસૂતિગૃહ કે હૉસ્પિટલમાં તેની નોંધણી નથી થયેલી, જન્મ પ્રમાણપત્ર પણ નથી અપાયેલું. આથી શાળાએ જાય કેવી રીતે? પણ એનો અર્થ એ નથી કે ટેરા તેના બાળપણમાં કોઈ મૂલ્યવાન પાઠો શીખી જ નથી. એક વસ્તુ તેને ખૂબ સરસ આવડતી તે છે- ઉનાળામાં પીચનાં ફળો પાકે ત્યારે તેનું બોટલીંગ કરવાનું અને શિયાળામાં તેનો સપ્લાય કરવાનું. બીજું, નજીકના પર્વત બક્સ પીક જોડે એને બહુ સારી દોસ્તી. એના પપ્પા જીની એને તો “ભારતીય રાજકુમારી” જ કહેતા. પિતા જીનીને, ટેરા ઘરે જ ભણે તે વધુ ગમતું. ઘર એ જ જીવનની પાઠશાળા છે. જ્યારે ટેરાની દાદી માનતી કે તેનની પ્રપૌત્રી વગેરે સંતાનો ઔપચારિક શિક્ષણ મેળવે તો સારું જીવન જીવી શકશે. જીનીને મન તો, શાળાઓ તો, સમાજવાદી સરકારે બચ્ચાંઓના બ્રેઈનવોશ કરીને તેમને યંત્રના દાંતા જેવા બનાવી દેવાનાં કેન્દ્રો જ હતાં. પણ એક દિવસ, ટેરાની દાદીએ સરસ દરખાસ્ત મૂકી કે તે ‘આવતી કાલે પાંચ વાગ્યે સવારે એરિઝોના જઈ રહી છે, ટેરા, તારે આવવું હોય તો મારી જોડે આવી શકે છે, હું તને ત્યાં શાળાએ ભણવા મૂકીશ.’ ટેરાએ લાંબો વિચાર કર્યો, એ રાત તેની ચિંતા અને ચિંતનમાં વીતી – નવી જગ્યાએ જવાનું, પરિવાર છોડવાનું – નવી પરિસ્થિતિમાં મૂકાવાનું - એનાં કરતાં નથી જવું, ઘરે જ રહેવું જોઈએ. જીનીનાં રૂઢિવાદી વિચારો તો ખરા જ, પણ તે ધાર્મિક પણ હતો, તે માનતો કે ‘જાત મહેનત કરીને ઈમાનદારીનો રોટલો ખાવો, પરિવારનું ભરણપોષણ કરવું. બધાને યોગ્ય રીતે સાચવવા.’ એનો અર્થ એ થયો કે છોકરીઓએ બહાર ભણવા ન જતાં, ઘરે જ રહેવું. ટેરાની મમ્મી Faye પણ તેના પતિના વિચારોમાં સૂર પુરાવતી, કારણકે તે પુરુષપ્રધાન સમાજમાં રહી, લગ્ન સંસ્થાને વફાદાર રહી, સંતાનો પેદા કર્યાં બસ એમાં જ જીવનનું સાર્થક્ય માનતી. બહુ બહુ તો તે એના ગામમાં સૂયાણી તરીકે સેવા આપતી.

૨. વેસ્ટોવર પરિવારનાં બાળકો એકબીજાને જ ભણાવે અને એકમેકને શાળાએ જવા પ્રેરે એવા ઘાટ હતા.

ટેરા અને તેનાં ભાઈ-બહેનોને માટે શાળાની વ્યાખ્યા ‘ઘર એ જ શાળા' માં સમાઈ જતી. ટેરા જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે અને તેના મોટા ભાઈએ જ તેને વાંચતા શીખવ્યું. થોડાં વર્ષો પછી એની માતાએ બાળકોને થોડું કામચલાઉ ગણિત અને ઇતિહાસ શીખવી દીધાં. પણ ટેરા આઠ વર્ષની થઈ ત્યાં સુધીમાં આ ઘર-શાળાનો પ્રયોગ અદૃશ્ય થઈ ગયો. બસ, હવે પછી બાળકો ભણવામાં ભગવાન ભરોસે કે એકમેકને સહારે જ હતાં. જે કાંઈ થોડા વિષયો, થોડીઘણી માહિતી તેઓ શોધી શકે, જાણી શકે એટલું જ એમનું શિક્ષણ ! ટેરાને ગણિત શીખવાનું કે વાંચવાનું મન થાય તો આસપાસ જે પુસ્તકો મળી આવે તેનાં થોડાં પાનાં ઉથલાવે, સમજાય એટલું જાતે સમજે, પછી ચોપડી મૂકી દે... ન કોઈ શિક્ષક, ન કોઈ પાઠ્યક્રમ, ન કોઈ જવાબદાર ! ક્યારેક માતા Faye બાળકોને જાહેર પુસ્તકાલયે છોડી આવે, ત્યાં આખી બપોર-સાંજ બાળકોને જે ગમે તે વાંચે. આ બધાં બાળકોમાં Tyler – વેસ્ટોવર પરિવારનો ત્રીજો પુત્ર જ વાચનને ગંભીરતાથી લેતો. બીજા બધાં રમી ખાતાં. Tyler ૧૮ વર્ષનો થયો ત્યારે તેણે હિંમતભરી જાહેરાત કરી કે તે હવે કૉલેજ જશે. ટેરા ત્યારે ૧૦ વર્ષની હતી. ભાઈની આ જાહેરાતથી પ્રેરણા મળી કે મારે પણ સ્કૂલે જવું જોઈએ.. Tylerની કૉલેજે ભણવા જવાની વાતથી પિતા જીની ખુશ ન જ હોય એ સ્વાભાવિક છે. કારણકે એને તો ખેતી ચલાવવાની હતી. એના બે મોટા દીકરા ભણવાના રવાડે ચડીને ઘર છોડી ગયા હતા તેથી Tyler પર જ એને આધાર હતો, તે પણ ભણવા ચાલ્યો જાય તો પછી ટેરા જ બાકી રહે તેનાથી નાની ઓડ્રી અને બે નાના ભાઈઓ રિચાર્ડ અને લ્યૂક... જીની બીજી વ્યવહારુ દલીલ કરતો કે કૉલેજ જવાથી Tyler શું શીખવાનો હતો? ત્યાં કાંઈ જીવનની વ્યવહારુ તાલીમ, પત્ની, બાળકોને મદદરૂપ થવાની કોઈ કલા-કૌશલ્ય શીખવાતાં નથી. વાંચવા-લખવાથી શું થવાનું હતું ? સમયનો બગાડ અને બાળકનું બ્રેઈનવોશ  ! શાળા-કૉલેજવાળા તો બધા સમાજવાદી સરકારના જ એજન્ટો... એના કરતાં મહેનતથી ખેતી કરને ભાઈ ! પણ પિતાની આવી ભ્રામક દલીલો અને રૂઢિવાદી વિચારણા છતાં, Tyler તો કૉલેજ ગયો જ. અને ટેરાના માનસમાં, ઉચ્ચ શિક્ષણની ઇચ્છાનાં બીજ રોપતો ગયો. આથી ટેરા પણ અભ્યાસના પ્રયત્ને ગંભીર બની. તેનો ઉછેર તો ધાર્મિક હતો જ, તે તેમની જ્ઞાતિનું સાહિત્ય અને બાઈબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચતી અને શ્રદ્ધા અને ત્યાગ-બલિદાન જેવા વિષયો ઉપર નિબંધો પણ લખતી... આ તબક્કેથી એના મનમાં ઊંડે ઊંડે સ્કૂલે જવાની ઝંખના, જિજ્ઞાસા અને શક્યતા સળવળવા લાગી.

૩. ટેરાની પહેલી નોકરીએ તેને બહારની દુનિયાનો પરિચય કરાવ્યો.

ટેરા ૧૧ વર્ષની થઈ ત્યાં સુધીમાં એના ભાઈઓ અને બહેન ઓડ્રી ઘર છોડી ચૂક્યાં હતાં... પિતાને ખેતીમાં કોઈ મદદ કરનાર ન રહેતાં હવે તેમણે ખેતી પર ટમકું મૂકી ભંગાર લેવા-વેચવાના ધંધા તરફ નજર દોડાવી, એમાં ટેરા એને મદદ પણ કરી શકે.... જોકે માત્ર ૧૧ જ વર્ષની છોકરી ટેરાને પણ હવે મુક્તિની ઝંખના જાગી હતી કે ચાલો, કંઈક નોકરી શોધી કાઢીએ. તેથી બીજે દિવસે એ તો એની સાયકલનાં પેડલ મારતી નીકળી પડી. ગામની પોસ્ટઓફિસે પહોંચી અને ત્યાં પોતાની જાહેરાત ચીપકાવી કે ‘બેબીસીટરની સેવાઓ મળશે - ટેરા વેસ્ટોવરનો સંપર્ક કરવો.’ લોકોએ પોસ્ટ ઓફિસે ચીપકાવેલી એ જાહેરાત જોઈ, અને ટેરાને કામની ઑફર મળવા લાગી. ...સવારે ૮ થી બપોર સુધી તેને સોમ થી શુક્ર બેબીસીટિંગનું કામ મળવા લાગ્યું. જોકે તેને આવક બહુ થતી નહોતી, પણ પહેલાં એકલી ઘરે બેઠી રહેતી, તેનાં કરતાં તો સારુંને ? સમય પણ જાય, અને અનુભવ મળે, પાંચ પૈસા પણ મળે... પરંતુ બેબીસીટિંગ એને પૈસા માટે અગત્યનું હતું, તેનાં કરતાં તેનાં બાહ્ય જગત સાથેના સામાજિક સંપર્કો અને અનુભવ માટે વધુ અગત્યનું હતું. થોડા સમયમાં તે સ્થાનિક થીયેટર પ્રોડક્શનમાં સંગીત અને નૃત્યના વર્ગો પણ લેવા માંડી. આ બધી દિશા એને મેરી નામની મહિલા – જેને ત્યાં એ બેબીસીટિંગ માટે જતી – તેણે બતાવી. એણે સ્થાનિક પાપા જયગેસ સ્ટેશન ખાતે ડાન્સ ક્લાસ જોઈન કર્યા. પિતા જીની તો રહ્યા રૂઢિચુસ્ત. છોકરીની જાત, બહાર જઈ નાચ-ગાન કરે તે એનાથી કેમ ચલાવી લેવાય ? તેણે ડાન્સ ક્લાસે જતાં ટેરાને અટકાવી. તો પછી ટેરાએ વોઈસ ક્લાસીસ શોધી કાઢયા. સંગીત શીખીને તેણે ચર્ચમાં મધુર સૂરમાં ગાવા માંડ્યું. લોકોની પ્રશંસા મળી,પ્રતિષ્ઠા મળી, અને સ્થાનિક વોર્મ ક્રીક ઓપેરા હાઉસમાં ચાલતા એક નાટકમાં કાર્યરત થવાની ઓફર મળી.અને ટેરા તો નાટકમાં ગાવા અને અભિનય કરવા માંડી. એનો પરિવાર, પિતા જીમી અને માતા, થીયેટરની પહેલી હરોળમાં બેસી ટેરાને સ્ટેજ ઉપર નિહાળવા લાગ્યા - પણ જેવું એનું નાટક પૂરું થયું, પાછું એનું જીવન પૂર્વવત થઈ ગયું. ખ્રિસ્તી નવું વર્ષ ૧ જાન્યુઆરી,૨૦૦૦, નજીક આવ્યું, પિતા જીની વધુ કર્કશ થતો ગયો. તમને યાદ હશે કે ૨૧મી સદીના વળાંકે કમ્પ્યૂટર જગતમાં ‘Y2K Bug'ની ઘટના બની હતી, જેનાથી જગતનાં કમ્પ્યૂટર લકવાગ્રસ્ત થઈ ગયાઁ હતાં, કારણકે ૧૯૯૯થી ૨૦૦૦નાં વર્ષમાં પ્રવેશતાં જે પરિવર્તન કરવું પડે તેનો પ્રોગ્રામ બરાબર ડિઝાઈન થયો નહોતો. જીનીને ચોક્કસ ખબર હતી કે એ તો માત્ર ટેક્નિકલ પ્રોબ્લેમ હશે નહીં, એને થયું કે હવે કમ્પ્યૂટરિયાં ગયાં કામ સે.. દુનિયા તિરસ્કારને ઊંબરે આવી ઊભી છે. જીની ખેડૂત હતો, પણ એણે ખેતરમાં બંકર ખોદી રાખ્યાં હતાં, તેમાં તે ઈમરજન્સી માટે અનાજ અને શસ્ત્રો ભેગા કર્યાં કરતો હતો.. પણ ૩૧ ડિસેંબર આવી અને ગઈ; એના પાગલ ખ્યાલ મુજબ કાંઈ ઊંધું-ચત્તું બન્યું નહિ. દુનિયા તો જેમ હતી તેમ ચાલતી રહી.

૪. આપત્તિની અવગણના કરવી અને જરૂરી તબીબી સહાય ન લેવી એ તો ટેરાના પરિવારના લોહીમાં છે.

૧ જાન્યુઆરી, ૨૦૦૦ આવી ગઈ અને દુનિયા યથાવત ચાલતી રહી. જીનીનો વિશ્વાસ ખૂબ ડગી ગયો. આથી પરિવારે એરિઝોના જઈ દાદીને મળવા જવાનું વિચાર્યું. જેથી કાંઈક નવો જુસ્સો તેમનામાં આવે... તેઓ બધાં ગયાં. મળ્યાં. અને વળતાં તેમને ખરાબ, ધૂંધળા હવામાનનો સામનો કરવો પડ્યો. વેનમાં સવાર થયેલા કોઈએ સીટબેલ્ટ પહેરેલા નહિ, અને કાર પલ્ટી ખાઈ ગઈ, રસ્તાથી દૂર ખેતરોમાં ફંગોળાઈ ગઈ... સદનસીબે, કોઈને ગંભીર ઈજા ન થઈ. પણ ટેરા થોડો સમય બેહોશ થઈ ગઈ.. તેમને મદદ મળી, પણ ટેરાને યાદ નથી કે તે ઘરે કેવી રીતે અને ક્યારે પહોંચી. પણ એટલી એને ખબર છે કે પપ્પા, કોઈની મદદ કે તબીબી સહાય, હૉસ્પિટલ સેવા ક્યારેય સ્વીકારતા નહિ... આ અકસ્માતને ઘણો સમય વીતી ગયો, પણ ટેરાને હજુ દુઃખાવો રહેતો, એનું ગળું અવારનવાર લૉક થઈ જતું. એના પરિવારને જડીબુટ્ટી અને ભગત-ભૂવાના ઉપાયોમાં જ શ્રદ્ધા હતી... જોકે આ કાંઈ એમનો પહેલો કાર અકસ્માત નહોતો. થોડાં વર્ષો પહેલાં પણ, એરિઝોનાથી ઘરે આવતાં, Tylerને સ્ટીયરીંગ વ્હીલ ઉપર ઝોકું આવી ગયેલું અને કાર વીજળીના થાંભલા સાથે અથડાઈને ટ્રેક્ટર સાથે ભટકાયેલી. તે વખતે પણ કોઈએ સીટબેલ્ટ ન પહેર્યા હોવા છતાં કોઈ જાનહાની નહોતી થઈ એ નવાઈ કહેવાય. પણ મમ્મી Fayeના મોં ઉપર લાલ-ભૂરાં ચકામાં થયેલાં તે મટતાં ઘણો સમય ગયેલો. તેને માથામાં સખત વાગેલું હોવાથી અવારવાર માથું દુખવાની ફરિયાદ રહેતી અને યાદદાસ્તમાં પણ વિક્ષેપ પડતો હતો, છતાં કોઈને એમ સૂઝતું નહિ કે ચાલો ડૉક્ટરને બતાવી દવા કરાવીએ... વાસ્તવમાં, આ લોકોને આવા ભયાનક અકસ્માતોની અવગણના કરવાનું કોઠે પડી ગયું હતું. એનો ભાઈ Shawn તો એકાદ આવી ઘટના પછી હિંસક બની ગયો હતો. તોયે તેને કોઈ ઠપકો નહોતું આપતું. કોઈ સમસ્યા કે તકલીફના મૂળમાં જઈ તેને દૂર કરવાનું વલણ જ તેમનામાં ન હતું. ટેરા, પંદર વર્ષની થઈ ત્યારે તેણે મેઈકઅપ કરવો શરૂ કરેલો અને તે થીયેટરમાં તેના સાથી ચાર્લ્સ જોડે ગપસપ કરતી રહેતી. એની સાથે બહુ હળતી-ભળતી... એ જોઈને એક રાત્રે ભાઈ Shawn એના રૂમમાં ગયો અને સૂતેલી ટેરાને વાળ પકડીને ખેંચી કાઢી અને બોલ્યો કે તું આજકાલ વેશ્યા જેવું વર્તન કેમ કરે છે? આ કાંઈ શૉનનું પહેલી વારનું હિંસક વર્તન નહોતું. એવું તો એ કર્યા જ કરતો. એના માબાપને શૉનનું વર્તન ખાસ આપત્તિજનક નહોતું જણાતું. પણ ટેરાને તો શારીરિક અને સાવેંગિક બંને રીતે તકલીફ થઈ જતી. તે રડી પડતી, તો પણ પોતાના મનને મનાવ્યા કરતી.

૫. ટેરા કૉલેજ જઈ શકે તે માટે તેણે ACT પરીક્ષા પાસ કરવી જરૂરી હતી.

૧૬ વર્ષની થઈ ત્યાં સુધી ટેરાને ખાત્રી નહોતી કે પોતાને માટે જે જીવન આયોજિત થયું હશે, તેમાં કોલેજકાળ કેવી રીતે સંયોજાશે. એને તો માબાપે જીવનનો નકશો દોરી જ આપેલો કે “તું ૧૮ કે ૧૯ વર્ષની થશે એટલે પરણાવી દઈશું. ખેતરના એક ખૂણે તને તારા પતિ જોડે રહેવા ઘર બાંધવાની જગ્યા ફાળવી દઈશું અને તમે સંસાર શરૂ કરજો. માતા પાસે તું સુયાણીનું જ્ઞાન મેળવી લેજે, ગામમાં પ્રસૂતિઓ કરાવજે, વનસ્પતિની દવાઓનું જ્ઞાન મેળવી લેજે.. તારાં બાળકોને ઉછેરજે...” બસ, આ ટેરાનો જીવન નકશો હતો. પરંતુ ભાઈ Tyler કોલેજમાં ગયેલો હોઈ તે એને ઘર છોડવા અને કૉલેજ જવા પ્રેરણા આપ્યા કરતો. “ટેરા, તું એક વાર મહેનત કરીને ACT પરીક્ષા સારા સ્કોરથી પાસ કરી લે, પછી આપની જ્ઞાતિની Bringham Young University (BYU) Utahમાં છે તેમાં તને પ્રવેશ મળી જશે. તેઓ ઘરેથી ભણેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે જ છે.” ટેરાને ભાઈની સલાહ અને માર્ગદર્શન ખૂબ પ્રેરક લાગ્યાં. તેણે ACTની તૈયારી કરવા માંડી.. પહેલાનાં વર્ષોમાં માતાએ એને ગણિત શીખવેલું ત્યારે એને મોટા ભાગાકાર મથાવતા, આથી આ વખતે તેણે એલ્જિબ્રા શીખવા માતાની મદદ લીધી. પણ તેણે જોયું કે બીજગણિતમાં તો આંકડાને બદલે અક્ષરોનો ઉપયોગ થાય છે. તેણે પાયાનાં સમીકરણો અને ગુણાકારોનો ઊંડો અભ્યાસ કરવા માંડયો... મહિનાઓ સુધી તે મંડી રહી. ACTની પ્રવેશ પરીક્ષા તેણે બે પ્રયત્ને પાસ કરી એને જોઈતો સ્કોર આવી ગયો... ACTની પ્રથમ ટ્રાયલ વખતે તે ખૂબ નર્વસ હતી, આગલી રાત્રે ઊંઘી ન શકી, કારણ કે તેવો આવી સ્ટાન્ડર્ડ પરીક્ષા કદી આપી જ નહોતી.. એમાં એનો ૨૨ જ સ્કોર થયો, જોઈતા હતા ૨૭ .. આથી તેણે બીજી વાર પ્રયાસ કર્યો અને ૨૮ સ્કોર હાંસલ કર્યો.. તે સ્કોરકાર્ડ સાથે તેણે BYUમાં અરજી કરી અને થોડાં સપ્તાહમાં તેને સ્વીકારપત્ર મળી ગયો... હવે તમે શંકા રાખી હશે તે મુજબ પિતા જીનીની પ્રતિક્રિયા કેવી હશે? ટેરાને કૉલેજ જવા દેશે? નહિ જ જવા દે. ખરેખર, દીકરીની ACTની સફળતા અને કૉલેજ પ્રવેશને એણે હકારાત્મક રીતે ન વધાવી. ઊલ્ટાનું એવી દલીલ કરી કે ભગવાને એને (સ્વપ્નમાં?) જાતે આવીને કહ્યું કે આમાં દૈવી કોપ થશે. દેવતાઓ નારાજ છે. ટેરા, તારે કોલેજ જવાનું નથી.. માતૃપક્ષ મક્કમ નીકળ્યો. માતાએ ટેરાને પ્રોત્ સાહન આપ્યું. દીકરી ટેરાના ૧૭મા જન્મદિન પૂર્વે, તે જાતે ગાડી હંકારીને ટેરાને કૉલેજ મૂકવા ગઈ અને BYUના દરવાજે પ્રવેશતી દીકરીને જોઈ ખુશીનાં આંસુ વહાવી રહી.

૬. કૉલેજે આવતાં ટેરાએ જોયું કે પોતે તો બીજી જ દુનિયામાંથી આવી છે. અને ભણવાનું જરા મુશ્કેલ છે.

Utahના કૉલેજ ટાઉન Provoમાં જ્યારે ટેરા ગઈ ત્યારે ઘરેથી બહુ સામાન નહોતી લઈ ગઈ.. એક પોતાનાં કપડાંની બેગ અને કેન્ડ પીચની એક ડઝન બરણી.. જે એપાર્ટમેન્ટમાં તે રહેવા ગઈ ત્યાં પહેલેથી બીજી બે BYU વિદ્યાર્થિની રહેતી હતી. તેમણે ટેરાને આઘાત આપ્યો. તેની પહેલી રૂમમેટ શેનને ટેરાનું અભિવાદન કર્યું. તેણે પીળો પાયજામો અને ટાઈટ વ્હાઈટ ટ્રંક ટોપ પહેર્યું હતું, ખભાં ખુલ્લાં, પટ્ટીવાળી સ્પેગેટી હતી. એ જ્યારે પાછળ ફરી તો ટેરાએ જોયું કે એના પેન્ટ ઉપર પાછળ બેઠકના ભાગે Juicy(રસદાર) શબ્દ લખેલો હતો. ટેરા, બિચારી રૂઢિચુસ્ત ગ્રામ્ય પરિવારમાંથી આવેલી, તેણે કદી આવાં વસ્ત્રો જોયેલાં નહિ... તેની બીજી રૂમપાર્ટનર મેરીએ તેને જરા ઓછો આંચકો આપ્યો. પછી મેરી Sabbathમાં શોપિંગ કરવા ગઈ, ત્યાં ઈશુનાં દસ આદેશોનો સંપૂર્ણ ભંગ થતો ટેરાએ જોયો. તે પાછી આવી તો ફ્રીજને એક અઠવાડીયાના ખોરાકથી ભરી દીધું. ટેરાને આ બધુ અસાધારણ લાગતું રહ્યું. એ તો બાપડી એનાં રૂમમાં સરકી ગઈ. એણે અનુભવ્યું કે આ બહારની દુનિયાથી પોતે કાંઈક જુદી છે. આની જોડે સેટ થવાશે કે કેમ ? પ્રોવો શહેરનું જગત તો ટેરાના ગામ કરતાં જુદું જ હતું, સતત જાત જાતના અવાજો, ભીડભાડ, જગ્યાની સંકડાશ, વગેરે. અહીં તો ઘડીભર પણ શાંતિ જ નથી. એ પહેલીવાર બસ પકડીને સ્કૂલે ગઈ ત્યારે ઊંધી દિશાની બસમાં ચઢી ગઈ હતી. એને માટે તો ગામડાના ખેતરિયા ઘરે પ્રોવો શહેરની મોટી સ્કૂલ સુધી પહોંચવું એ જ એક સિદ્ધિ હતી. પછી એ શાળાના મોટા વર્ગખંડોમાં પ્રવેશી, ત્યાં તો એને માટે વળી મોટા પડકારો હતા. પહેલા વર્ષે તેણે અંગ્રેજી, અમેરિકન ઇતિહાસ, મ્યૂઝીક, ધર્મો અને પશ્ચાત્ય સંસ્કૃતિ જેવા વિષયો લીધા. આ તો બધા પ્રારંભિક વર્ષોના વર્ગમાં આવ્યા. થોડું તો તેના માથા પરથી જ ગયું. તેનાં નવાં પાઠ્યપુસ્તકોમાં civic humanism જેવા શબ્દો આવે. Scottish Enlightenment જેવું સમજવાનું આવે… આવું કદી ટેરાએ વાંચેલું, સાંભળેલું નહીં, એનું તો દિમાગ બહેર મારી ગયું. એતો Black Holesમાં ફસાઈ પડ્યા જેવુ અનુભવવા લાગી. પાશ્ચાત્ય સંસ્કૃતિના વર્ગો તેને ખાસ ટફ લાગ્યા, પણ તેણે ધીમે ધીમે મેનેજ કરવા માંડ્યું. ન સમજાતા શબ્દો અને વિભાવનાઓ ફરીથી સમજાવવા શિક્ષકને વિનંતી કરવાની હિંમત કેળવી લીધી. Holocaust જેવો શબ્દ ફરીથી સમજાવવા તેણે શિક્ષકને પૂછ્યું ત્યારે વર્ગમાં શાંતિ છવાઈ ગઈ, બધા એને વિચિત્ર નજરે જોતાં રહ્યા. BYUની પહેલાં વર્ષની પરીક્ષામાં ટેરા બહુ સારો દેખાવ ન

કરી શકી, પણ તેથી તે નિરાશ ન થઈ. તે તો ખંતથી અભ્યાસ કરતી રહી અને સેમેસ્ટરને અંતે તેને લગભગ બધા વિષયના સરેરાશ A ગ્રેડ મળ્યા.

૭. આરોગ્ય અને આર્થિક ચિંતાઓથી ઘેરાતી ટેરાએ મદદ સ્વીકારવાનું શીખવાનું હતું.

એના પ્રથમ સેમેસ્ટર બ્રેક દરમ્યાન, ટેરા પોતાના વતન ઇડાહો આવી. ત્યાં એણે પિતાજીના જંકયાર્ડ(ભંગારનો વ્યવસાય)માં મદદ કર્યા સિવાય છૂટકો નહોતો. કમનસીબે આ નાના વેકેશન દરમ્યાન એને એક સવારે તે જાગી ત્યારે ખૂબ કાનનો દુઃખાવો થયો. પણ આ દર્દ તો આશીર્વાદરૂપ નીવડ્યું. તેણે ટેરાને શીખવ્યું કે આવી મુશ્કેલીઓ કોઈની મદદ લેવાથી દૂર કરી શકાય છે...તેણે એના જૂના થિયેટર મિત્ર ચાર્લ્સને કાનના દર્દની વાત કરી. તેણે ટેરાને ઈબુપ્રોફેન લઈ દર્દ હળવું કરવાની સલાહ આપી. .. પણ આખી જિંદગી તેનાં માબાપે તેને એલોપેથીની દવા ખતરનાક જ હોય છે, તે ન લેવાય તેવી વાત ઠસાવેલી તેથી તે ઝટ દવા લેવા તૈયાર ન થઈ... જ્યારે પણ વેસ્ટોવર પરિવારમાં કોઈપણ માંદું પડે તો વનસ્પતિ- જડીબુટ્ટીના અર્કને પાણીમાં ભેળવીને પાઈ દેવાતો, પણ એ બધા લોબેવિયા અને સ્કલકેવના ઘૂંટડાઓ ક્યારેય પીડા મટાડતા નહિ, માત્ર માનસિક સંતોષ થાય. આથી જ્યારે ચાર્લ્સે ઈબુપ્રોફેનની બે ગોળી અને પાણીનો ગ્લાસ ટેરા સમક્ષ મૂક્યાં ત્યારે ટેરાએ આખરે આધુનિક દવા લીધી.. અને આશ્ચર્યજનક રીતે, વીસ મિનિટમાં તેનો કાનનો દુખાવો ગાયબ ! તો પણ, ટેરાના મનમાં ઊંડો રોપાયેલો ફાર્માસ્યૂટિકલ દવા પ્રત્યેનો અવિશ્વાસ તો એમનેમ રહ્યો. પછી પાછી તે કૉલેજ ગઈ. સેમેસ્ટરના અંત ભાગે તેને ગળાની બળતરા ખૂબ પીડવા લાગી. રૂમ પાર્ટનરે જબરદસ્તી કરીને તેને દુખાવાથી મુક્ત કરવા ડૉક્ટરને બતાવવા સંમત કરી.. વાસ્તવમાં, ડૉક્ટરને બતાવવા જવા શું કરવું પડે, દવાખાનું કેવું હોય વગેરે વિશે ટેરાને કાંઈ ભાન નહોતું, ડર પણ હતો તેથી તે આનાકાની કરતી રહી. પણ પાર્ટનર તેને દવાખાને લઈ ગઈ. ડૉક્ટરે તપાસીને દવા આપી. ટેરાને સારું લાગ્યું. ત્યારે તેનો ડર હવે જિજ્ઞાસામાં પરિણમ્યો કે ડૉક્ટર એવું તે શું જાદુ કરતાં હશે? તે વિચારવા મંડી કે, ‘ઓહો, આનાથી હું આટલાં બધાં વર્ષોથી અમસ્તી ડરતી રહી.’ તેની મિત્રોની મદદથી ટેરાનો આ 'ડૉક્ટરી ડર' તો દૂર થયો. તે તબીબી સહાય લેતી થઈ. એ જ રીતે એની આર્થિક તકલીફોમાં તે ચર્ચ તરફથી સહાય મેળવતી થઈ.

કૉલેજનો અભ્યાસ એટ્લે ખર્ચ તો વધુ થવાનો જ – ફી, પુસ્તકો, નોટબુક વગેરે. તેથી સાથે કંઈક નાની જોબ શોધી લઈએ તો ખર્ચ નીકળી આવે, માબાપને બોજ ન પડે. એક આઈસ્ક્રીમ પાર્લરમાં તેણે જોબ શોધી. થોડી આવક થઈ. તો પણ તે પૈસાથી રડતી રહી કારણ કે વચ્ચે એને દાંતનો દુખાવો થયો, ઓપરેશન કરાવવું પડ્યું. તે એના સ્થાનિક ચર્ચના સતત સંપર્કમાં રહેતી. જ્યારે બિશપે ટેરાના દાંતની તકલીફ વિશે જાણ્યું તો એને ચેક લખી આપ્યો, અને આર્થિક મદદ માટે અરજી કરવા કહ્યું. પણ અહીં ફરીથી, ટેરા સરકારી કે એવી અન્ય મદદ લેવા બહુ તૈયાર નહોતી. સદભાગ્યે, બિશપે એને ખૂબ સમજાવી અને યોગ્ય માર્ગે વાળી.

૮. ટેરા ભણતી ગઈ તેમ તેમ તેને પિતાનો ધૂની-તરંગી દૃષ્ટિકોણ સમજાતો ગયો.

ટેરા ૧૯ વર્ષની થઈ ત્યારે તે સ્ટુડન્ટ લોન માટે લાયક બની, હવે તેને ભણવા માટે નાણાંકીય મુશ્કેલી ન પડે. સ્વાભાવિક રીતે જ, આગળ વધુ ભણતી ગઈ તેમ તેની વિચારશક્તિ અને દૃષ્ટિ ખીલતી ગઈ. હવે તેને પોતાના પિતાની ધૂની માન્યતાઓ, દૃષ્ટિકોણ કેવા ખોટા હતા, રૂઢિવાદી અને સંકુચિત હતા તેનો ખ્યાલ આવતો ગયો. એના સાયકોલોજીના અભ્યાસક્રમમાં એને bipolar disorder વિશે ભણવાનું આવ્યું, એનાં લક્ષણોની યાદી તેના વર્ગખંડની દીવાલો ઉપર લગાવેલી તેણે જોઈ, તેમાં ડીપ્રેશન, મેનિયા, પેરાનોઈયા, યુફોરિયા અને ભવ્યતાની ભ્રમણા અને તેને અનુસરવાની ધૂન વગેરે લક્ષણો એને પોતાના પિતામાં પણ જણાયાં, બસ, પપ્પા આવી જ માનસિક અવસ્થામાં છે. ખરેખર, જીનીને સરકાર માટે અને તબીબી સંસ્થાનો પ્રત્યે પેરેનોઈયા હતો. Y2K ઘટના નજીક આવેલી ત્યારે તેઓ યુફોરિયાની ઊંચાઈએથી સીધા ડીપ્રેશનની ખીણમાં આવી ગયા હતા... આવી આકસ્મિક જ્ઞાન સભાનતાથી ટેરાએ બાયપોલર ડીસઓર્ડર વિશે જેટલું મળે તેટલું વાંચવા માંડ્યું. અને તેણે જોયું કે પિતા જીનીના રૂઢિવાદી વિચારો અને ભ્રમણાઓએ પૂરા પરિવારનું કેવું બ્રેઈનવોશ કરી નાખ્યું હતું. આવું એને અભ્યાસપૂર્વક સમજાતાં એને પિતા પ્રત્યે ખૂબ ગુસ્સો આવ્યો કે વર્ષો સુધી અમે નાનાં ભાઈ બહેનો એમનાથી કેવા ડરતાં રહ્યાં, જ્ઞાનવંચિત રહ્યાં, ગરીબી અને અનારોગ્યના શિકાર રહ્યાં ! પણ એમની આવી ગલત ધારણાઓને લીધે જ તેમના પરિવારે અવારનવાર જીવલેણ અકસ્માતો પણ વેઠવા પડ્યા હતા. એક સવારે બહેન ઓડ્રીનો મેસેજ આવ્યો કે આપણા જંકયાર્ડમાં એક ગેસ ટેન્કમાં વિસ્ફોટ થયો છે, પપ્પા ઘવાયા છે છતાં હોસ્પિટલમાં જવાની ના જ પાડે છે, તેમનો જીવ ગમે ત્યારે જાય તેમ છે. તો, ટેરા તું જલ્દી ઘરે આવ અને પપ્પાને આખરી વિદાય આપી જા, અંતિમ દર્શન કરી જા.

એટલે ટેરા તો ઘરે આવી અને જોયું કે પપ્પાને માથામાં મોટી ઈજા પહોંચી છે. ચહેરો બગડી ગયો છે. હાથ, ખભા, છાતી વિસ્ફોટની આગથી ખરાબ રીતે દાઝી ગયાં છે. તે રાત્રે તેમનું હાર્ટ બે વખત તો બંધ પડી ગયું હતું. બધાને ખાતરી થઈ ગયેલી હતી કે આવી અવસ્થામાં પપ્પા નહીં બચે... પણ સવાર થઈ અને જીની જીવતો હતો એ ચમત્કાર હતો.

૯. ટેરાને કૉલેજમાં એક મહત્વપૂર્ણ સંશોધનની તક મળી, જે તેને એક આશ્ચર્યજનક ગ્રેજ્યુએટ પ્રોગ્રામ તરફ દોરી ગઈ.

ટેરા નાનપણથી સુરીલી ગાયિકા હતી, નાટકમાં, ચર્ચમાં, સ્ટેજ ઉપર ગાતી હતી, તેથી કૉલેજમાં પણ એણે સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારેલું, પણ દરેક નવા સેમેસ્ટરે, તેને વધુને વધુ સ્પષ્ટતાથી લાગતું રહ્યું કે તેના રસના વિષયો ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર છે. આથી તે એના વર્ગો ભરતી રહી અને આગળ વધતી ગઈ. એના પ્રોફેસર્સ પણ જોતા કે ટેરા બહુ જિજ્ઞાસુ અને વર્ગમાં બરાબર ધ્યાન દેનારી છોકરી છે. તેમણે એને પૂછેલું કે,’ટેરા, તેં કેમ્બ્રિજ યુનિવર્સિટીનું નામ સાંભળ્યુ છે? તું તો ત્યાં અભ્યાસ કરવાને લાયક છે !’ ટેરાને તો એવી ક્યાંથી ખબર હોય? એ તો માંડ માંડ ગામડેથી કૉલેજ સુધી આવી હતી. વિશ્વના અતિ તેજસ્વી અને ઉત્સાહી-જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પ્રોફેસર્સ કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડનની ભલામણ કરતા હોય છે. ત્યાં કોઈને કોઈ રીસર્ચ પ્રોજેક્ટ, લેખન-પ્રકાશન, ડિગ્રી પ્રોગ્રામ એમને અનુરૂપ મળી જાય. ટેરા પણ અધ્યાપકના સૂચનથી કેમ્બ્રિજમાં અરજી કરે છે. એને ખબર છે કે હવે પછી એણે પ્રોવો શહેરથી બેગ્સ પેક કરીને લંડનની યાત્રા કરવાની છે. ઈડાહોના ગામડેથી નીકળેલી શાળા શિક્ષણવિહોણી દેશી કન્યા હવે વિશ્વ પ્રસિદ્ધ કેમ્બ્રિજ યુનિ.ની king’s collegeનાં દ્વાર ખખડાવવાની છે. ભવ્ય શિક્ષણ સંસ્થાનમાં પગ મૂકતાં જ ટેરાને આ પવિત્ર અને પ્રાચીન વિદ્યાધામની મહાનતા દિલમાં વસી ગઈ: પણ એણે અહીં ભણવાનું હતું. આસપાસના દર્શનમાં સમય બગાડવાનો નથી. પહેલું સપ્તાહ લેકચર્સની ભારે વ્યસ્તતામાં વીત્યું. દરેક વિદ્યાર્થીને એક એક પ્રોફેસરનું વ્યક્તિગત માર્ગદર્શન ફાળવવામાં આવ્યું, જેથી વિદ્યાર્થી તેના સંશોધન વિષય ઉપર focused રહી શકે. ટેરાને Holocaust વિષયના પ્રતિષ્ઠિત પ્રોફેસર જોનાથન સ્ટેઈનબર્ગના માર્ગદર્શનમાં કામ કરવાનું આવ્યું. તેઓ તો લેખનમાં અલ્પવિરામ – પૂર્ણવિરામની પણ ભૂલો કાઢતા. અને કડક રીમાર્ક પણ કરતા – ‘poor words from poor expression’ –‘નબળા વિચારોની નબળી અભિવ્યક્તિ.’ વગેરે. પરંતુ ટેરાનું લેખન તેમને ગમી ગયું. તેણે પોતાનો એ નિબંધ પ્રોફેસરના હાથમાં મૂક્યો અને કડક આલોચના કે તીખી નજરની અપેક્ષા રાખી. પરંતુ તેના ભારે આશ્ચર્ય વચ્ચે, સ્ટેઈનબર્ગે એને ખૂબ સારા શબ્દોથી વધાવી –‘ટેરા ૩૦ વર્ષની મારી કેમ્બ્રિજ કારકિર્દીમાં મેં તારા નિબંધ જેવુ લેખન જોયું નથી, અદભૂત ! જ્યારે સમય આવશે ત્યારે તને જે કોઈ ગ્રેજ્યુએટ સ્કૂલમાં જવું હશે, જે પણ વિષયનું સંશોધન કરવું હશે તેની હું જરૂર વ્યવસ્થા અને ભારપૂર્વક ભલામણ કરીશ.’ ટેરા તો એક પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ પ્રોફેસરના આવા અનપેક્ષિત પ્રશંસા-પ્રોત્સાહન વચનો સાંભળીને દિગ્મૂઢ બની ગઈ, એની માટે આ અનુભવ રોમહર્ષક હતો.

સ્ટેઈનબર્ગે કહેવા ખાતર જ કહ્યું નહોતું એમણે કરી પણ બતાવ્યું. ટેરા BYUથી ગ્રેજ્યુએટ થઈ ત્યારે એની શિષ્યવૃત્તિ મંજૂર થઈ હતી, આ વખતે ટ્રિનીટી કૉલેજ - કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે પણ તેની શિષ્યવૃત્તિ મંજૂર થઈ ગઈ- પ્રો. સ્ટેઈનબર્ગની ભલામણથી ! BYUના દ્વારેથી નીકળી કેમ્બ્રિજમાં પગ મૂકનારી ટેરા ત્રીજી વિદ્યાર્થિની હતી. એને પૂરેપૂરી ટ્યૂશન ફી અને રીસર્ચની પૂરી સગવડો આ શિષ્યવૃત્તિમાં આવરી લેવાઈ હતી. આ ખબર તેના વતન ઈડાહોમાં પહોંચતાં ટેરા તો સેલિબ્રીટી બની ગઈ, વર્તમાન પત્રોમાં તેના ફોટા ને સમાચાર છપાયા કે ‘ઈડાહોની કન્યાનું ગૌરવ’... ટીવી ચેનલવાળા તેના ઇન્ટર્વ્યુ લેવા પડાપડી કરવા લાગ્યા.

૧૦. ટ્રિનીટી કૉલેજમાં ટેરા તો સગૌરવ ગોઠવાઈ, પણ ઘરેથી વિચલિત કરનારા સમાચાર આવ્યા.

ટ્રિનીટી કોલેજના સંશોધન વિભાગમાં ટેરાને એના નેઈમપ્લેટ - Tera Westover વાળી કેબિન ફાળવવામાં આવી.. કેમ્પસની ભવ્યતા ને પ્રાચીનતા, મહત્તા અને મોહકતાએ ટેરાના ઉત્સાહ- ઉત્તેજના ને બમણાં કરી દીધાં. પહેલી વાર જીવનમાં ટેરાને લાગ્યું કે પોતે જેને લાયક હતી તે જગ્યાએ અને તે કાર્યમાં તેને ગોઠવાવાનું મળ્યું છે ! એને એનાં સામાજિક કૌશલ્યો વિકસાવવાની પણ પૂરી સલામત તક અહીં મળી. એના જેવા જ તેજસ્વી સંશોધકોનું જૂથ એને મળ્યું. એક ગરીબ, ગામડિયણ દેશી છોકરીને એ બધા જોડે હળતાં–ભળતાં-મળતાં જરા ઑકવર્ડ તો લાગ્યું, પણ પછી ધીરે ધીરે સમાયોજન એણે સાધી લીધું.. એણે એના જૂના જડ નિયમો, ટેવો, આચાર-વિચાર ઢીલા કરવા પડ્યા. જરા બદલાવું પણ પડ્યું. મોર્મોન ચર્ચના અનુયાયીને કેફી દ્રવ્ય કે કોફી પીવાની મનાઈ હોય છે. તે ટેરા પાળતી પણ હતી, પણ અહીં મિત્રોએ એને કૉફી ઓફર કરી તો ટેરાએ પીધી. પહેલાં કદી પીધી નહોતી તો પણ. તે જ રીતે ચર્ચ તો વાઈન લેવાની પણ ના પાડે છે, તોયે અહીં એ પણ લેવો પડ્યો. જીવનમાં પહેલી વાર ! શું થાય? ટેરાએ ધીમે ધીમે એના ઉછેરનાં કડક બંધનો, ખરાં-ખોટાં નીતિ-નિયમો ઢીલાં કરવા પડ્યાં. એક વખત વિદ્યાર્થીજૂથ સાથે રોમના પ્રવાસે ગઈ ત્યારે, અન્યો સાથે વધુ હળતાં-ભળતાં વાતચીત કરતાં ટેરાએ પહેલી વાર પોતાના ગ્રામ્ય વતન, રૂઢિવાદી ઉછેર, ઘરશાળાની તાલીમ, પિતાની ઝનૂની અને ધૂની માન્યતાઓ, ભંગાર વ્યવસાય વગેરે વાતો પ્રગટ કરી, કે એ તો આવા વાતાવરણમાંથી આગળ વધીને આવી છે. તેને ત્યાં ગામડે તો હજી પરિસ્થિતિ એવી જ છે.

એક દિવસ ઘરેથી બહેન ઓડ્રીનો ઈ-મેઈલ એના ભાઈ શૉન વિશે આવ્યો, ટેરા ઉપર શૉન હુમલો કરતો, તે રીતે એણે ઓડ્રી પર પણ હુમલો કર્યો હતો. અને તે વારંવાર આવું કરતો હતો. પણ પરિવારમાં કોઈ આ વિશે કંઈ બોલતું નહિ, બધા ચલાવી લેતા, શાંતિથી જોયા કરતા. એમ માનતા કે આમાં કાંઈ થઈ ના શકે. એ તો સ્વાભાવિક થઈ પડ્યું હતું કે પાગલ ભાઈ, એની બહેનને મારે, ત્રાસ આપે. પણ આ વખતે ઓડ્રીએ. શૉનનો સામનો કરવાનું વિચાર્યું, ભલે માબાપને જે કહેવું-કરવું હોય તે કરે, હવે હું ભાઈના હાથનો માર નહિ ખાવ. પણ એમાં એને ટેરાની સંમતિ–સહાનુભૂતિ અને સપોર્ટ જોઈતાં હતાં, કે પરિવારની પરિસ્થિતિ સુધારવી હશે તો કડક પગલાં ક્યારેક તો કોઈએ લેવાં જ પડશે. એટલે એણે ટેરાને ઈ-મેઈલ કર્યો હતો. ટેરાએ સપોર્ટની ખાત્રી આપી. 'શૉન અંગે પપ્પાને વાત કરે ત્યારે હું તને અને મમ્મીને પડખે રહી રક્ષણ આપીશ. પણ આપણે જરૂર કંઈક કરવું જ પડશે.' પણ એ તો બિલાડીના (કહો કે બિલાડાના) ગળે ઘંટ બાંધવા જેવું જોખમી કામ હતું. આ દરમ્યાન, એમનો નવો ફેમિલી બિઝનેસ સફળતાના શિખર સર કરી રહ્યો હતો. માતા-પિતાને દેશી જડીબુટ્ટીની દવાઓનું સારું જ્ઞાન હતું તો એમણે આયુર્વેદિક તેલ, દવા વગેરે બનાવેલું તે ખાસ્સું અસરકારક અને લોકપ્રિય સાબિત થતાં એક કંપનીએ ત્રણ મિલિયન ડૉલરમાં તેના રાઈટ્સ ખરીદવાની ઓફર કરી હતી... પણ ધૂની બાપ જેનું નામ - જીનીએ આ ગોલ્ડન ઑફર નકારી.

૧૧. ટેરાનો કેમ્બ્રિજ ખાતે સંશોધન અભ્યાસ વિકસતો રહ્યો, પણ તેના પારિવારિક સંબંધો વણસતા ગયા.

ટ્રિનીટી કૉલેજ, કેમ્બ્રિજ ખાતે ટેરાનો અભ્યાસ સારો ખીલ્યો, એ તો પુસ્તકોમાં ખૂંપી ગઈ... તેણે Feminism ઉપર સંશોધન આરંભ્યું. આ નારિવાદી શબ્દ એણે પહેલાં સાંભળ્યો તો હતો, પણ નકારાત્મક ભાવમાં. હવે એના બધા આયામ એ સ્પષ્ટ કરી રહી હતી. એના ઉછેરમાં એણે અનુભવ્યું હતું કે પુરુષો નેતૃત્વ કરવા, આધિપત્ય દાખવવા જન્મ્યા છે જ્યારે સ્ત્રીઓની ભૂમિકા તેમને અનુસરવામાં, બાળકો ઉછેરવામાં, ચૂલા-ચક્કી કરવામાં પૂરી થઈ જાય છે... પણ હવે ટેરાની આંખ અભ્યાસને કારણે ખૂલી ગઈ છે... નારી, નારીત્વ, નારીવાદ વગેરેના વ્યાપક માનવીય અર્થો, પ્રવૃત્તિઓ, વિભાવનાઓ એની સમક્ષ સ્પષ્ટ થયાં છે. આથી એ બાળકી હતી, જે ઉછેર પામી હતી ત્યારની અસુખકર લાગણીઓને નવા વિદ્યાકીય અને વિવેચકીય પ્રકાશમાં તે અભિવ્યક્ત કરવા માંડી. એની જ્ઞાતિ-સમુદાયની વિશેષતાઓ- વિચિત્રતાઓ, પરંપરાઓ, માન્યતાઓ Mormonismનો એ હવે શૈક્ષણિક દૃષ્ટિએ સંશોધન અભ્યાસ કરશે. એટલે કે Mormonismને તે એક ધાર્મિક ચળવળ તરીકે નહિ, પણ એક બૌદ્ધિક આંદોલન તરીકે તપાસશે. એ તેને માટે ઈનસાઇડર હોવાને નાતે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે... અને એ સંશોધન અભ્યાસ શરૂ કર્યા પછી એના પ્રતિભાવો પણ બહુ હકારાત્મક આવ્યા. તેના વતનમાં તે વેકેશનમાં ગઈ ત્યારે એના પર વધુ ફીલ્ડવર્ક કર્યું. જેને આધારે એને કેમ્બ્રિજમાં Ph.D. પ્રોગ્રામમાં સ્થાન મળ્યું. ટેરા હવે એના સમાજની પરિસ્થિતિ ઉપર જ સંશોધન કરશે. પરંતુ વતન ઈડાહોમાં ગ્રાઉન્ડ રીયાલીટી હજી 'જૈસે થે' હતી. પરિવારમાં પણ તેમ જ ચાલે છે. પાગલ ભાઈ શૉને, બહેનો ઓડ્રી અને ટેરાને ધમકાવી કે તમે મારી સામે થશો તો જોઈ લેજો. માબાપ પણ તમને મદદ નહીં કરે. શૉને ટેરાને કહ્યું કે ‘ઓડ્રી તો મહા જૂઠ્ઠાડી છે, હું તો એના માથામાં ગોળી મારી દઈશ.’ ટેરા એ આ માહિતી પપ્પાને આપી તો બાપ કહે ‘એના શું પુરાવા છે કે શૉને ઑડ્રીને આવું કહ્યું હોય?’ તો શિક્ષિત ટેરાએ માબાપ અને શૉનને સામસામે બેસાડ્યા, ત્યારે શૉને વધુ એક ગાંડપણ કર્યું. એણે લોહીવાળી છરી ટેરાના હાથમાં મૂકી, એ જાણે તેણીને સ્પષ્ટ ધમકીરૂપ હતું. પછી, પિતાએ પ્રભુ ઈશુનાં આશીર્વાદ અને કૃપા વિશે બે કલાક ભાષણ આપ્યું, પરિણામ સ્વરૂપે શૉન ટેરાને ભેટી પડ્યો. પણ એ શાંતિ ને સમાધાન આભાસી હતું. પાગલ ભઈલા એ ટેરા જ્યારે પાછી કેમ્બ્રિજ જવા તૈયાર થઈ ત્યારે પોતાની ધમકી દોહરાવી.. ફરી એકવાર ટેરાએ મા-બાપને વચ્ચે પડવા કહ્યું, તો બાપે પુરાવા માંગ્યા. માતાએ તો જાણે એ વાતને હસી કાઢી, ખભા ઉલાળ્યા. માબાપના મતે તો શૉન ઉપર આરોપ-આક્ષેપ મૂકવાનું બહેનોએ બંધ કરવું જોઈએ, નહિ તો બંને જણીઓ કુટુંબને બરબાદ કરી નાખશે એવું લાગે છે... માબાપ પણ ખોટ્ટા દીકરાને ખોટો છાવરે છે, નિર્દોષ દીકરીઓનો પક્ષ લેતા નથી કે નથી તેમનું રક્ષણ કરતાં.

૧૨. ટેરાએ Ph.D. ની ડીગ્રી લેવી હોય તો એક ભયાનક પસંદગી કરવી પડે તેમ હતું.

પોતાના Ph.D. અભ્યાસ દરમિયાન, ટેરાને હાર્વર્ડ યુનિવર્સિટીની વીઝીટીંગ ફેલોશીપની મહત્વપૂર્ણ અને મધુર ઉત્તેજક ઓફર મળી, પણ તેની મધુરતા અને ઉત્તેજના થોડા જ સમયમાં કડવી ને ઠંડી બની ગઈ. એવું તો શું થયું? બન્યું એમ કે જેવી આ હાર્વર્ડ જવાની વાત માબાપને કાને પડી કે તરત તેમણે ટેરાને મેઈલ કર્યો કે અમે પણ તારી સાથે ત્યાં આવીને સાથે રહીશું. અરે એમણે તો હાર્વર્ડ જવાની ટિકિટ પણ બુક કરાવી દીધી.(હવે આવા રૂઢિચુસ્ત અભણ જેવાં માબાપ, શિક્ષિત દીકરી સાથે રહીને શું કરશે વળી?) પરંતુ ટેરાને નાથવાનો આ તેમનો અંતિમ, આત્યંતિક અને આક્રમક પ્રયાસ હતો. પણ ટેરા હવે બાળકી જેવી આજ્ઞાંકિત રહી નહોતી. તે તો મક્કમ મનવાળી સંશોધક પ્રોફેસર બની હતી, કે તેની ઈચ્છા-અરમાનને ઝૂકાવી ન શકાય તેવી.. એટલે બાપે આખરે શરત મૂકી : ‘અમે જેવાં છીએ તેવો અમારો વાસ્તવિક સ્વીકાર કર અથવા અમને પરિવાર ઉપર ગંભીર ધમકી તરીકે ગણી લે.’ બાપે ઉમેર્યું કે આ પણ પ્રભુ ઈશુના આદેશ તરીકે તેને કહેવાયું છે કે ટેરાને લ્યૂસીફરે ગ્રસિત કરી છે અને હવે એને બિશપના આશીર્વાદ મળવાના છે (ટેરાને ચર્ચમાં પ્રીસ્ટ થવાની ઑફર) આવું બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ હોય તેને જ Mormonism પરંપરામાં માન મળે છે. આ પ્રીસ્ટ લોકોના રોગો મટાડી શકે, ભૂત-પ્રેત- વળગાડને ભગાડી શકે... આ બધી પાગલ પિતા જીનીની ચાલબાજી હતી. ટેરાને શિક્ષણમાર્ગેથી રોકવાની... તેણે કહ્યું કે જો ટેરાએ શુદ્ધિકરણ કરવું હશે તો તેણે આ ઑફર સ્વીકારવી પડશે.. પરંતુ એનો બીજો સમાંતર ને સીધો અર્થ એમ પણ થાય કે એને માબાપની ભૂલભરેલી માન્યતાઓ - ભ્રમણાઓને તાબે થવું અને શૉન સાજો થઈ ગયો છે એમ સ્વીકારવું અને તેની ભૂતકાલીન ધમકીઓ, ક્રૂર કૃત્યો ભૂલી જવાં, તેને માફ કરી દેવો. જો ટેરા આ બધું કવા- માનવા તૈયાર ન થાય તો તે હજી લ્યૂસીફર devilના કબ્જામાં, આધિપત્યમાં છે એવું લેખાશે. અધૂરામાં પૂરું, માબાપે એમ પણ કહ્યું કે ઓડ્રીએ અમારા ‘આશીર્વાદ’ લઈ લીધા છે, એટલે કે પિતાની ભ્રામક માન્યતાઓ સ્વીકારી લીધી છે, આથી અમારી નજરમાં તે વસી ગઈ છે, પાવન- શુદ્ધ થઈ ગઈ છે. હવે ટેરાનો વારો છે. બસ, સ્પષ્ટ છે કે ટેરા વળી આવું સ્વીકારે ? એ તો ભણી-ગણીને, વાંચી-વિચારીને ઘણું આગળ વધી ચૂકી છે. જુનવાણી -રૂઢિચુસ્ત –ધર્મઝનૂની માબાપની ચૂંગાલમાં તે પાછી કેમ ફસાય ? એ તો ધર્મઝનૂનને બરાબર ઓળખી ગઈ છે. બાપની મનોરોગી હાલત પણ તે સ્પષ્ટ પારખી શકે છે અને તેને કેવી રીતે એમાંથી બહાર લાવવા તે પણ પોતે જાણે છે. પિતાની પેરાનોઈડ ડીલ્યૂઝનની ભ્રમજાળમાં ફરીથી ફસાવું ટેરાને માટે પોતાની જાતને-અભ્યાસને છેતરવા જેવું ગણાશે. એના ઉચ્ચ સંશોધન ભણતરને ધૂળમાં નાખવા જેવું થશે.... બિચ્ચારી ટેરા ! ત્રિશંકુ દશામાં છે – દ્વિધામાં છે - એક તરફ પોતાનું મૂળ પ્રિય રૂઢિવાદી પરિવાર છે તો બીજી તરફ ઝળહળતી શૈક્ષણિક કારકિર્દી છે. બંધનમુક્ત- જ્ઞાનયુક્ત જીવન છે. કોઈપણ સમજદાર, શિક્ષિત, પ્રજ્ઞાવાન- જ્ઞાનવાન માનવી પસંદ કરે તે જ ટેરાએ પણ કર્યું. જ્ઞાન અને નવજાગૃતિનો માર્ગ જ સ્વીકાર્યો. .. એ ઝનૂન, રૂઢિચુસ્તતા, પછાત-પાગલ માનસિકતાના કોચલામાં પાછી ન ગઈ; ભલે એ પરિવારનું પોતાનું પાલક પર્યાવરણ હતું તો પણ ! એ સંકુચિતતા, જડતા અને અજ્ઞાનના અંધકારને શરણે ન ગઈ... એણે યોગ્ય જીવનરાહ પસંદ કર્યો પણ તેની એણે ભારે કિંમત ચૂકવવી પડી. જાણે એનામાંથી ઘણું બધું ચૂસાઈ-શોષાઈ ગયું હતું. મહિનાઓ સુધી તે બેચેન રહી, ટીવી જોયા કરતી, ઊંઘ પણ ઓછી થઈ ગઈ, ભણવામાં મન ન લાગે કે ન કાંઈ કરવાનું મન થાય. જાણે મેન્ટલ બ્રેકડાઉન થઈ રહ્યું. એને થયું કે ક્યાંક એ તેની Ph.D. પ્રાપ્તિનો ભોગ ન લઈ લે... એની સખત મહેનત કરેલી વ્યર્થ ન જાય. ટેરાએ એનો ૨૭મો જન્મદિન તેની Ph.D. થીસીસ સબમીટ કરવાની ડેડલાઈન તરીકે રાખ્યો. એ દિવસ જેમજેમ નજીક આવતો ગયો તેમતેમ તેને લાગ્યું કે હજી ઘણું કરવાનું બાકી છે. તેણે ફરીથી કમર કસી, દિનરાત એક કર્યા અને અંતે સમયસર થીસીસ રજૂ કરી દીધી. હવે એ ડૉ. ટેરા વેસ્ટોવર બની.. આ ડોક્ટરની પદવીની એણે મોટી કિંમત ચૂકવી. તેણે મા-બાપને વર્ષો સુધી એ કહ્યું નહોતું, તેઓએ કદાચ અબોલા લીધા હશે. પણ એને પોતાની જાત પર ગર્વ હતો તેની કેમ્બ્રિજ ડૉક્ટરેટ પ્રાપ્તિ માટે. એણે તેનાં ભાઈ-બહેનોને એની જાણ કરેલી, તેમનાં ભાઈ-બહેનોના અને કાકા કાકીના સંપર્કમાં રહેતી.

સારાંશ :

ટેરા વેસ્ટોવરનાં જીવન સંસ્મરણો ‘Educated’માં ઝીલાયાં છે. તે શિક્ષણની પરિવર્તનકારી તાકાત અને પડકારાત્મક- યંત્રણાયુક્ત ઉછેરમાંથી મુક્ત થવાની માનવીય ક્ષમતાઓ ઉપર પ્રકાશ પાડે છે. પરિવારની જટિલતાઓ, વફાદારી અને સ્વ-ઓળખ વગેરેથી આગળ વધતી ટેરાએ એનાં મૂળ અને તેનાં શિક્ષણ વચ્ચે ભારે સંઘર્ષ અનુભવ્યો. એનો પરિવાર પબ્લિક સ્કૂલિંગમાં માનતો નથી. ઘરમાં જ જે કાંઈ શીખવાય તે ભણવાનું.. અને ખાસ તો તેમની ધાર્મિક માન્યતાઓ અને બાયપોલર ડિસોર્ડર પીડિત પેરાનોઈડ પિતા જીનીના જિદ્દી જગતમાં તેણે જીવવાનું હતું. તેમ છતાં ટેરાએ આખરે એમાંથી મુક્તિ મેળવી, કૉલેજ શિક્ષણ મેળવ્યું અને ઇતિહાસમાં Ph.D. કરવા કેમ્બ્રિજ સુધી પહોંચી. પણ કમભાગ્યે એના શિક્ષણની સિદ્ધિયાત્રાએ તેના પારિવારિક, પ્રિય સંબંધો – માતાપિતાનો પ્રેમનો ભોગ લીધો. પણ વ્યક્તિ તરીકે મુક્ત, ઉન્નત જીવન જીવવા માટે તેણે એટલી કિંમત તો ચૂકવવી પડી. એના પ્રગતિશીલ અને પ્રજ્ઞાવાન વિચારો, એનાં જુનવાણી માપ મા-બાપને માફક ન આવ્યા.

અવતરણક્ષમ વિધાનો :

૧. “તમે કોઈને ચાહી શકો અને તો પણ તેને અલવિદા કહી શકો.” ટેરા કહે છે“ તમે કોઈ વ્યક્તિની દરરોજ ખોટ અનુભવતા હો, તેને મીસ કરતા હો, તો પણ તેઓ હવે તમારા જીવનમાં નથી તેનો આનંદ પણ લઈ શકો.” “આને હું શિક્ષણ કહું છું.”

૨. “તમે મૂર્ખાનું સુવર્ણ નથી કે માત્ર કોઈ ચોક્કસ પ્રકાશમાં જ ચમક દાખવી શકો. તમે કાંઈપણ બનવા માગો, જે પણ બીબામાં તમારી જાતને ઢાળવા માગો, તે જ તમે હંમેશા અંદરથી હો છો.”

૩. “ મારું જીવન મારા માટે બીજાઓ દ્વારા વર્ણવાયેલું હતું. તેમના અવાજો વધુ પ્રબળ, પ્રભાવક અને પૂર્ણતાગામી નિવડે છે.મને કદી એવું લાગ્યું જ નહીં કે મારો પોતાનો અવાજ(વજૂદ), એમના અવાજો કરતાં વધુ સશક્ત હતો. “

૪. “અનિશ્ચિતતાનો સ્વીકાર એટલે નબળાઈનો સ્વીકાર, નિર્વીર્યતાનો સ્વીકાર અને એ બંને હોવા છતાં તમારા પોતાનામાં તમારી સ્વ-શ્રદ્ધા... એ એક નબળાઈ કે ખામી છે તોયે એમાં એક પ્રકારની તાકાત છે. તમે તમારા પોતાના મન મુજબ જીવો, અન્યના મન અને મત મુજબ ન જીવો એ જ જરૂરી છે.”