India After Gandhi

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


India After Gandhi-cover.jpg


India After Gandhi

Ramchandra Guha

The History of the World’s Largest Democracy

ગાંધીજી પછીનું ભારત.

દુનિયાની સૌથી મોટી લોકશાહીનો ઇતિહાસ
રામચંદ્ર ગુહા


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય:

રામચંદ્ર ગુહા (જ. ૨૯/૪/૧૯૫૮) ભારતીય ઇતિહાસકાર, પર્યાવરણવાદી, લેખક, જાહેર બુદ્ધિજીવી છે. જેમને સામાજિક, રાજકીય, સમકાલીન જગત, પર્યાવરણ, ક્રિકેટનો ઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં રસ છે. આધુનિક ભારતના ઇતિહાસના તેઓ ઓથોરીટી ગણાય છે. તેમનો જન્મ દહેરાદૂનમાં અને શિક્ષણ દિલ્હીમાં થયું; સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને IIM, કોલકત્તામાં ભણ્યા બાદ તેમણે યેલ, સ્ટેનફર્ડ યુનિ., ઓસ્લો યુનિ., ઈંડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અધ્યાપન કર્યું છે. તેમનાં વિદ્વતાપૂર્ણ પુસ્તકોમાં, ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં તેમની આંતરદૃષ્ટિ પ્રશંસા પામ્યાં છે. તેઓ અવારનવાર વર્તમાનપત્રો, જર્નલ્સમાં વિવિધ લેખો લખતા રહે છે. તેઓ એક નિર્ભીક જાહેર વક્તા હોઈ વિવાદાસ્પદ બાબતો ઉપર બોલતા રહ્યા છે. તેઓ હિંદુ રાષ્ટ્રવાદના આલોયક અને ભારતમાં સત્તાધિકારવાદિતાના વિરોધી રહ્યા છે. સામાજિક ન્યાય અને પર્યાવરણ સુરક્ષાના પ્રખર હિમાયતી છે. ભારતને સમજવામાં તેમનાં પુસ્તકોનું અનોખું યોગદાન છે.

એમનાં પુસ્તકો, ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ ઉપરનાં નીચે મુજબ છે : ૧. India After Gandhi : The History of the World’s Largest Democracy (2007) (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત) ૨. Gandhi Before India (2014) ૩. Makers of Modern India (2010) ૪. Rebels Against the Raj: Western Fighters for Indian Freedom (2008) ૫. The Unquiet Woods: Ecological Change and Peasant Resistance in the Himalaya (2000) ૬. Environmentalism: A Global History (2014)

ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ તેમને ૨૦૦૯માં એનાયત થયું છે.

પ્રસ્તાવના :

૧૯૪૭માં આઝાદી મળ્યા પછીના ભારતના ઇતિહાસનું દર્શન કરાવતું આ પુસ્તક, દેશમાં અંગ્રેજોના સંસ્થાનવાદી શાસનમાંથી પ્રજાના સ્વ-શાસનમાં થયેલા રૂપાંતરણની અને લોકશાહી માટે આપણી પ્રતિબદ્ધતાની ઝાંખી કરાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી બનવાના માર્ગમાં ઘણા પડકારો પણ આવ્યા છે. તેની પણ અહીં ચર્ચા થઈ છે.

વિષયપ્રવેશ:

આ પુસ્તકમાં શું છે તે જાણવાની મને જિજ્ઞાસા છે : સ્વાતંત્ર્યોત્તર ભારતની પરિસ્થિતિમાં ડોકિયું કરાવતું જકડી રાખનારું વર્ણન. આઝાદી પછી સતત લોકશાહી ચૂંટણીઓ કરવાનો અતૂટ રેકોર્ડ ધરાવતો ભારત, ચીન, પછી બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ હોવાનું ગૌરવ લઈ શકે છે. આટલી બધી વંશીયતા, જાતિઓ, ધર્મો, ભાષાઓની વિવિધતા છતાં લોકશાહીની સફળતા એ આપણી સિદ્ધિ નહિ તો બીજું શું છે? આખા યુરોપ ખંડ કરતાં આપણી વસ્તી વધારે છે તોયે શાસન-વ્યવસ્થામાં પ્રજાનો અવાજ છે. ભારતીય અને વિદેશી વિશ્લેષકોને પ્રશ્ન થાય છે કે ભારત આવી અખંડિતતા અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાકતા બંને સાથે જાળવી શકશે ખરું? પણ ભારતે આવી શંકાઓના સફળ-સમાધાનકારી જવાબો આપ્યા છે. જોકે તેની સફળતાના માર્ગમાં, ભૌગોલિક વિસ્તૃતતા અને અન્ય વૈવિધ્યોને લીધે પડકારો ને પ્રશ્નો તો આવ્યા જ છે. અખંડ હિન્દુસ્તાનની આઝાદી, બ્રિટીશરોના દુઃખદ વિભાજક નિર્ણયથી આવી-મુસ્લિમ લઘુમતીનું પાકિસ્તાન અને હિન્દુ બહુમતીનું ભારત એમાંથી જન્મ્યું. એ પ્રસૂતિ પીડા બંને દેશો માટે ભારે યાતનાપૂર્ણ રહી. ક્રૂરતા, હિંસા, ક્ત્લેઆમ અને પ્રલંબ ત્રાસ અને બંને દેશો વચ્ચે (કહો કે બે ભાઈઓ વચ્ચે) કેટલાંક યુદ્ધો-અણબનાવ-અબોલા વેઠવા પડ્યા.

ભયંકર અવરોધોની વચ્ચે પણ ભારતીય પ્રજાસત્તાક ટકી રહ્યું છે. દેશની સીમાઓની અંદર ૭૨૦થી વધુ બોલીઓ ને ભાષાઓ બોલનારી પ્રજા નિયમિત ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે. દક્ષિણ એશિયન દેશોમાં ભારતનું ભાવિ તેજસ્વી જણાય છે.

આ પુસ્તકમાં આગળ વધતાં આપ જોશો કે—
૧. માનવ ઇતિહાસની સૌથી મોટી શરણાર્થી અવ્યવસ્થા ભારતે કેવી રીતે સંભાળી લીધી.
૨. વીસમી સદીની એકમાત્ર મહિલા સરમુખત્યારનો થોડો શાસનકાળ ભારત માટે કેવો રહ્યો.
૩. કાશ્મીરનો વિવાદાસ્પદ પ્રદેશ કેમ મીડિયામાં ચમકતો રહ્યો.

ચાવીરૂપ ખ્યાલો :

૧. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી બ્રિટીશ સામ્રાજ્યમાંથી મુક્ત થઈ ભારતની સ્વતંત્રતા યાત્રા પ્રારંભાઈ.

આધુનિક ભારતના ઇતિહાસનો કોઈપણ અભ્યાસ, બ્રિટીશ શાસનના આપણે ત્યાં શરૂ થવાથી પ્રારંભી શકાય. ૧૭મી સદીથી અંગ્રેજોએ ધીમે ધીમે એમનું સામ્રાજ્ય વિસ્તારવાની શરૂઆત કરી. ૧૮૫૭ સુધીમાં તો હિદુસ્તાન ઔપચારિક રીતે ‘બ્રિટીશ રાજ’ હેઠળ શાસનમાં આવી ચૂક્યું હતું. અને આપણી ૩૦૦ મીલીયન વસ્તી એમની પ્રજા લેખાતી. બ્રિટિશરો માનતા હતા કે આટલી બધી વૈવિધ્યતાપૂર્ણ વસ્તી કદી એક અખંડ દેશ તરીકે સંચાલિત થઈ જ ન શકે. એને સ્વતંત્ર પ્રજાસત્તાક કેવી રીતે આપી શકાય? આ દૃષ્ટિકોણ ૧૮૮૮માં બ્રિટિશ ઈડીયન સીવીલ સર્વન્ટ જ્હોન સ્ટ્રેચીના શબ્દોમાં વ્યક્ત થયો છે- ‘સ્પેન અને સ્કોટલેન્ડ વચ્ચે એક પ્રકારની સમાનતા છે એવી ભારતનું પૂર્વ બંગાળ અને પશ્ચિમ પંજાબ પણ ધરાવે છે. તેમ છતાં, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (N C), ૧૮૮૫માં આ રાજકીય ચળવળ શરૂ થઈ હતી-તેનો દૃષ્ટિકોણ જુદો હતો તેનો હેતુ, ભાષા-જાતિ-ધર્મની વિભાજક સરહદોને અતિક્રમીને એક સંકલિત રાષ્ટ્રીય ઓળખ અને અખંડિતતા ઊભી કરવાનો હતો. સ્વતંત્ર ભારત દેશ બની શકે, ટકી શકે તેવી શક્યતાને સુદૃઢ કરવાની નેમ ઇન્ડીયન નેશનલ કૉંગ્રેસની હતી. ૧૯૩૦માં સ્થાનિક ભારતીય આઝાદી ચળવળ જોર પકડતી જતી હોવા છતાં, બ્રિટિશરોનો આપણે માટેનો અભિપ્રાય તો પેલો જ રહ્યો હતો. વિન્સ્ટન ચર્ચિલે તો વળી એવું ભવિષ્ય ભાખેલું કે ‘ભારત આઝાદ થશે તો પણ તરત તેમાં નાગરિક સંઘર્ષો અને જાતીય ઝઘડાઓ થવા માંડશે. તેઓ આઝાદી ટકાવી, પચાવી, સાચવી શકે તેમ નથી.’ પણ એ તો બીજા વિશ્વયુદ્ધ પછી ભારત માટેનો અંગ્રેજોનો અભિગમ જરા બદલાયો. વિશ્વયુદ્ધે બ્રિટનની અર્થવ્યવસ્થા ખોરવી નાખી. બ્રિટિશરો તેમનાં ખર્ચાળ સંસ્થાનોને હવે ઝાઝું ટકાવી શકે તેમ નહોતા. આથી કૉંગ્રેસે ભારતીય સ્વાતંત્ર્યની માંગણી બુલંદ બનાવી. ૧૫ ઑગ.૧૯૪૭ના રોજ ૨૮ રાજ્યોવાળા (જેમાંના કેટલાંક તો ફ્રાન્સથીયે મોટાં હતાં) આઝાદ ભારતીય લોકશાહી પ્રજાસત્તાકનો ઉદય થયો. આ સિદ્ધિ અનેક પરિમાણોએ વિશ્વમાં નોંધપાત્ર હતી. એક નવા જ લોકશાહી પ્રયોગમાં, ૫૦૦ થી વધુ દેશી રજવાડાંને જોડવાનાં હતાં. એમાંથી માત્ર ૩ રજવાડાંઓએ ભારતીય સંઘમાં જોડાવાનો ઈન્કાર કર્યો. એમાંથી જૂનાગઢ અને હૈદરાબાદને તો નવી સરકારે મનાવ્યાં, પણ જમ્મુ-કાશ્મીરનું કોકડું ગૂંચવાયું અને બહુ મોડેથી એને કળ અને બળથી વશ કર્યું તો સરદાર પટેલની મુત્સદ્દીગીરી આ ભગીરથ કાર્ય પાર પાડવામાં જબરી કામ કરી ગઈ તેઓ ‘ભારતના બિસ્માર્ક’ અને ‘સ્વતંત્ર ભારતના શિલ્પી-લોખંડી પુરુષ’ કહેવાયા વિશ્વના રાજકીય ઇતિહાસમાં, ફ્રાન્સની ક્રાંતિ અને અમેરિકન ક્રાંતિ પછી ત્રીજો આ મહાન પ્રયોગ ગણાયો.

૨. ભારત અને પાકિસ્તાનમાં થયેલું હિંદનું વિભાજન, સામૂહિક સ્થાળાંતર, માનવીઓની કત્લેઆમ હિંસા-ક્રૂરતા જેવાં વિનાશક પરિણામો પણ લાવનારું બન્યું.

કૉંગ્રેસના નેતૃત્વવાળી નવરચિત ભારત સરકાર પણ આ વૈવિધ્યપૂર્ણ ઊભરતા ભારતનું પ્રતિબિંબ કરતો પુરાવો બની રહી. એની સરકારમાં વિવિધ ધર્મો-પ્રદેશોનું પ્રતિબિંબ હતું. ભારતીય રાષ્ટ્રના જનક, આધ્યાત્મિક-રાજકીય-સામાજિક મહાપુરુષ મહાત્મા ગાંધીજી એના ’રાષ્ટ્રપિતા’ તરીકે પૂજાયા. દરેક વર્ષનો સ્વાતંત્ર્યદિન રાજધાની દિલ્હી અને રાજ્યનાં પાટનગરોમાં મહાત્મા ગાંધીજીને ભવ્ય અંજલિ આપીને ઉજવાય છે. ભારતની આઝાદી અને એકતામાં એમની ધરીરૂપ ભૂમિકા હોવા છતાં, પહેલાં સ્વાતંત્ર્ય પર્વની દિલ્હીની ઉજવણીમાંથી ગાંધીજી અનુપસ્થિત હતા. તેઓ તો કલકત્તામાં એક દિવસના ઉપવાસ ઉપર બેઠા હતા. દેશના ભાગલાજનિત હિંદુ-મુસ્લિમ કોમી તનાવ-હિંસા એમને પસંદ નહોતાં. ભારતમાતાના ટૂકડા એમને અપેક્ષિત અને મંજૂર નહોતાં. હિંદુત્વ મુખ્ય ધર્મ સાથે અન્ય ધર્મોના અનુયાયીઓની નિવાસભૂમિ ભારત બન્યું. ઉત્તરપૂર્વીય અને ઉત્તરપાશ્ચાત્ય પ્રદેશો મુસ્લિમ બહુલ હતા....ગાંધીજી તો ધર્મનિરપેક્ષ અખંડ ભારતના હિમાયતી હતા. પણ એમના આ વીઝનનો મુહમ્મદઅલી ઝીણા જેવા મુસ્લિમ નેતાઓએ વિરોધ કર્યો. ઑગસ્ટ ૧૯૪૬માં કલકત્તામાં ‘સીધાં પગલાં દિન’નો રાગ છેડ્યો, ‘અમારે જુદું મુસ્લિમ રાજ્ય જોઈએ.’ આથી કોમી ઝઘડા શરૂ થયા. ૪૦૦૦ લોકો માર્યા ગયા અને વિભાજન વખતે તો લાખો વધુ મર્યા. કોમી વૈમનસ્ય અને હિંસાથી ભારે વ્યથિત થઈ ગાંધીજીએ બ્રિટિશરોની વિભાજક નીતિના વિરોધમાં ૧૧૬ માઈલની ખુલ્લા પગે પદયાત્રા શરૂ કરી-હિંદુભાઈઓ અને મુસ્લિમ બિરાદરોને શાંત થવા અપીલ કરી. પણ કમનસીબે એમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. સમગ્ર દેશમાં ફાટી નીકળેલી કોમી હુતાશનીએ બ્રિટિશરોને દેશના ભાગલા પાડવા મજબૂર કર્યા. અને પછી સામે આવી વરવી વાસ્તવિકતા-વિભાજનની વિભીષિકા! દસ લાખ શરણાર્થીઓ, વધતી જતી-વકરતી જતી કોમી હિંસા-તાંડવની સ્થિતિથી બચવા-હિંદુ-મુસ્લિમ બંને પ્રજાઓ હિજરત કરવા લાગી.. નવા દેશોની સરહદો ઉપર લાખો હિજરતીઓ, ઘરવખરી, બાળકો-વૃદ્ધો આવવા –જવા લાગ્યા. આવી વિશાળ માનવ વસ્તીનું અભૂતપૂર્વ સ્થળાંતર ઇતિહાસે કદી જોયું નહોતું. ટૂંકા સમયગાળામાં તેમને તેમના વતનથી બેવતન કરી બળજબરીથી બીજે વસવા જવાનું થયું... આવી ભયંકર સ્થિતિમાં ગાંધીજી ડર્યા નહિ, ડગ્યા નહિ. સ્થળાંતર અને હિંસા રોકવા દેશ આખામાં તેઓ ફરી વળ્યા, ઉપવાસો કર્યા, ભાઈચારો, અહિંસા ને પ્રેમનો સંદેશ ફેલાવતા રહ્યા. દેશના દુર્ભાગ્યે, હિંદુત્વના અંતિમવાદીઓને ગાંધીજીના આ પ્રયાસો દેશના મુસ્લિમોના રક્ષણ માટેના લાગ્યા. તેથી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ને શુક્રવારની સાંજે જાહેર પ્રાર્થનાસભામાં જતા ગાંધીબાપુ-રાષ્ટ્રપિતા-ઉપર નાથુરામ ગોડસે નામના ઝનૂનીએ ત્રણ ગોળીઓ વરસાવી દીધી... ’હે.. રામ !’ સાથે મહામના મહાત્માનું મહાપ્રયાણ થયું ! રાષ્ટ્રને માથેથી ‘રાષ્ટ્રપિતા’નું છત્ર છીનવાયું.

૩. ત્રણ પ્રાથમિક પરિબળો દેશને વિભાજન પ્રતિ દોરી ગયાં.

હિંદુસ્તાન જેવા વિશાળ દેશના ભાગલા માટે કોઈ એક જ વ્યક્તિ કે ઘટનાને જવાબદાર ગણવી એ મોટો પડકાર છે. બ્રિટિશરો, કૉંગ્રેસ, મુસ્લિમ લીગના રાજદ્વારીઓનાં શ્રુંખલાબદ્ધ કાર્યોએ આધુનિક ભારતના ઇતિહાસના એક લોહિયાળ પ્રકરણનું પાનું ખોલ્યું. બ્રિટિશ શાસનના છેલ્લા દસકામાં તેમણે મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજી. જેમાં મુસ્લિમો મુસ્લિમ ઉમેદવારોને અને હિંદુઓ હિંદુ ઉમેદવારોને મત આપી શકે એવી વિભાજક નીતિ-રીતિ અપનાવી હતી અને બંને કોમોની, ધર્મોની પ્રજાને એકમેકની વિરુદ્ધમાં ઊભી કરી દીધી હતી. કૉંગ્રેસને પણ આ ભાગલા માટે થોડી જવાબદાર લેખી શકાય. ભારતીય મુસ્લિમોના હિતોની રક્ષા માટે સ્થપાયેલી રાજકીય ચળવળના મહમંદઅલી ઝીણાના રાજકીય સહયોગના અવારનવારના પ્રયાસો-વિનંતી કૉંગ્રેસે ગણકારી નહોતી. કૉંગ્રેસ નેતાગીરી અને ગાંધીજીની એક ગેરમાન્યતા રહી હતી કે ભારતીય મુસ્લિમો, ધાર્મિક ઓળખ ધરાવતી એક પાર્ટી સાથે નહિ, પણ બિનસાંપ્રદાયિક સમાજવાદમાં શ્રદ્ધા રાખનારી કૉંગ્રેસ સાથે જોડાશે. મુસ્લિમ લીગના ઈરાદાઓને ઓળખવામાં કૉંગ્રેસ અને ગાંધીજીએ થાપ ખાધી હતી. અને પછી થયું પણ એવું જ કે ઝીણાએ ૧૯૪૦માં જ અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગણી વહેતી કરી દીધી. ઝીણાના આત્મવિશ્વાસને ભારે સમર્થન મળ્યું, જયારે ૧૯૪૬ની પ્રાંતિય ચૂંટણીઓમાં એમની પાર્ટીને બહુમતી મુસ્લિમ બેઠકો જીતવાની તક મળી. ઝીણાએ એવો ભય, ખોટી દહેશત ફેલાવી કે સ્વતંત્ર ભારત થશે ત્યારે હિંદુ બહુમતી, મુસ્લિમ લઘુમતી ઉપર આધિપત્ય જમાવશે આથી મુસ્લિમોનું અલગ જ અસ્તિત્વ પાકિસ્તાન તરીકે હોવું જોઈએ. તો બીજે પક્ષે કૉંગ્રેસે સમાજવાદી પ્લેટફોર્મ ઉપરથી જમીન કાયદામાં સુધારા અને કામદારો-શ્રમિકોના અધિકારોની રક્ષા કરવાનું વચન આપ્યું, પ્રચાર કર્યો. મુસ્લિમ રાજ્યોમાં ઝીણાની મુસ્લિમ લીગનો પ્રભાવ ચૂંટણીમાં પથરાયા પછી, તેમણે અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગ ફરીથી ઝનૂનપૂર્વક બ્રિટિશરો સમક્ષ મૂકી. વધી રહેલાં કોમી રમખાણોએ પણ અંગ્રેજોને દેશ વિભાજનના નિર્ણય તરફ આગળ વધવા મજબૂર કર્યા. વિભાજનની વાસ્તવિક પ્રક્રિયા માટે બે દેશોની સરહદ નકશા ઉપર દોરવામાં બ્રિટિશ અમલદારોએ નિવાસીઓની ધાર્મિક બહુમતીને ધ્યાનમાં રાખી. પંજાબ અને બંગાળના આ રીતે ભાગલા થતાં શરણાર્થીઓની સમસ્યા વકરી. તેમ છતાં, ભારત-પાકિસ્તાન સરહદે, બંને કોમો વચ્ચે અમુક પ્રદેશમાં, સીધો સંઘર્ષ ભીષણ રહ્યો. એ પ્રદેશ એવો હતો જેનાં ત્રણ રજવાડાં આઝાદી પછી પછી ભારત કે પાકિસ્તાન બેમાંથી કોઈ સાથે જોડાવા માગતાં ન હતાં. વધુમાં, એ ભૌગોલિક રીતે પણ ખૂબ મહત્ત્વનું વ્યૂહાત્મક સ્થાન ધરાવતાં હતાં. તેમની સરહદો અફઘાનિસ્તાન, ચીન અને તિબેટને અડતી હતી...એ પ્રદેશ બીજો કોઈ નહિ, પણ સ્વર્ગની સૌંદર્યભૂમિ જમ્મુ અને કાશ્મીરનો હતો.

૪. જમ્મુ અને કાશ્મીર સંબંધી સરહદી વિવાદોથી ભારત-પાક સંબંધો શરૂઆતથી જ તનાવગ્રસ્ત રહ્યા.

જમ્મુ અને કાશ્મીર, હિંદુ રાજા હરિસિંહના શાસન હેઠળ હતાં. ભાગલા પૂર્વે, ત્યાં થોડી મુસ્લિમ બહુમતી હતી, પરંતુ ભાગલા પછી શરણાર્થી કટોકટીને લીધે પ્રજાવસ્તીનું સંતુલન ખોરવાતાં ત્યાં હિંદુ બહુમતી થઈ. શરૂઆતમાં, પર્વતીય અને છૂટીછવાઈ વસ્તીવાળા આ પ્રદેશમાં વિભાજન પછી પણ શાંતિ જળવાશે એવું લાગતું હતું. ત્યાંના રાજકુમારને એનો પ્રદેશ તટસ્થ રાખવો હતો, સ્વીત્ઝર્લૅન્ડ જેવો પહાડી રમણીય પ્રદેશ ! તેમ છતાં ઘટનાઓએ જુદો જ વળાંક લીધો. ૧૪ ઑગસ્ટે, પાકિસ્તાને આઝાદી મેળવી ત્યારે પાકિસ્તાન સમર્થક એક નાના જૂથે રાજકુમારના દળ ઉપર બળવાદર્શક હુમલો કર્યો. પરિણામસ્વરૂપે, ઑક્ટોબરમાં કેટલાક હજાર પાકિસ્તાની આક્રમણકારીઓએ એ પ્રદેશનો કબજો કરી લીધો અને રાજ્યના પાટનગર શ્રીનગરને નિયંત્રણમાં લઈ લીધું. બિનમુસ્લિમ અને મુસ્લિમ બંને લોકોને નિશાન બનાવવા માંડ્યા. આવી ભયજનક પરિસ્થિતિ જોતાં, હરિસિંઘે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હોઈ, ભારત સરકાર પાસે લશ્કરી સહાય માગી. એમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ભારતીય સેનાએ તરત જ દરમ્યાનગીરી કરીને આક્રમણકારીઓને આગળ વધતા અટકાવી દીધા. તેમ છતાં, શિયાળો બેસતાં, આર્મીને પેલા પાકિસ્તાનીઓએ કબજે કરેલા પ્રદેશને પાછો મેળવવામાં વિલંબ થઈ ગયો. કૉંગ્રેસના પ્રતિનિધિ અને ભારતના નવનિયુક્ત વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ વિવાદને યુનોમાં લઈ જવાનું પસંદ કર્યું. યુનોની સીક્યુરીટી કાઉન્સીલમાં નહેરુ અને ઝીણા બંનેએ દલીલો કરી કે ત્યાં જનમત લેવામાં આવે કે ત્યાંની પ્રજા શું ઇચ્છે છે? કયા દેશમાં રહેવા માંગે છે? તેમ છતાં, જનમતનું પરિણામ ડેડલૉકમાં આવે ત્યાં સુધી વચગાળાની શાસન વ્યવસ્થાનું માળખું કેવું રચી શકાય તે અંગે નહેરુ અને ઝીણા વચ્ચે સંમતિ સાધી ન શકાઈ. યુનોની સલામતી સમિતિની એ બેઠકમાં, બ્રિટને ભારતનો પક્ષ ન લેતાં, પાકિસ્તાનને પડખે ઊભા રહેવાનું રાખ્યું. તેમને આગામી શીતયુદ્ધના સમયગાળામાં, પાકિસ્તાનનું વ્યૂહાત્મક મહત્ત્વ વધારે જણાયું-એની ભૌગોલિક સ્થિતિ, સોવિયેટ યુનિયન ઉપર હવાઈ હુમલા કરવાનાં એરબેઝ નજીક હોઈ વધુ અનુકૂળ લાગી. રશિયાની સરહદથી કાશ્મીરમાં ૨૦ જ કિ.મી. દૂર એરબેઝ બનાવવાની તક અને શક્યતા બ્રિટનને વધુ લોભામણી લાગી, આથી તેમણે નહેરુને સાથ ન આપ્યો. ૧૯૪૮માં શિયાળો હળવો થતાં, બંને પક્ષ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં વૈમનસ્ય ફરીથી શરૂ થયું. તેમ છતાં, પેલો પ્રેદેશ પાછો મેળવવા ભારતને પાકિસ્તાન પર આક્રમણ કરવું પડશે એવું જણાતાં, એક મહાગાંઠની સ્થિતિ સર્જાઈ જે પછીથી “Line of Control”(LOC) તરીકે ઓળખાઈ, તે જમ્મુ-કાશ્મીરમાં, ભારતની બાજુએ રહી અને પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશ(POK)ને સૂચવનારી અનઓફિશ્યલ બોર્ડર બની. આ de facto બોર્ડર આજદિન સુધી ટકી છે, કારણ કે એ પ્રદેશ ઉપર તો વિવાદી સંઘર્ષ હજી સમાધાન પામ્યો નથી.

૫. ભારત નિર્માણનાં પ્રારંભિક વર્ષોમાં, આ શરણાર્થી સમસ્યા થાળે પાડવાની અને સર્વસમાવેશક બંધારણ ઘડવાની કામગીરી રહી છે.

આઝાદી મળવા પહેલાંથી જ, બિનમુસ્લિમ શરણાર્થીઓ, હવે નવનિર્મિત ભારતમાં આવવા માંડ્યા હતા. તેમ છતાં, ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ પછી આઠ લાખ શરણાર્થીઓનો અભૂતપૂર્વ માનવમહેરામણ આપણા નવા પ્રજાસત્તાકમાં ઠલવાયો. ભારતની સરહદની આ તરફ પશ્ચિમ પંજાબના હજારો બિનમુસ્લિમ નિવાસીઓને વિભાજનને લીધે સ્થળાંતરિત થવું પડયું. આખા પ્રદેશમાં શરણાર્થી શિબિરો શરૂ થયા, જેમાંની સૌથી મોટી છાવણી દિલ્હીની ઉત્તરે કુરુક્ષેત્રમાં શરૂ થઈ જેમાં ૩૦૦,૦૦૦ શરણાર્થીઓને રાખવામાં આવ્યા. જે મુસ્લિમ પરિવારો તેમની જમીન છોડીને પાકિસ્તાન ગયા, તેને અહીં આવનારા આગંતુકોને ફાળવવાની કામગીરી ભારત સરકારે બહુ ઝડપથી શરૂ કરી. નવેંબર, ૧૯૪૯ સુધીમાં ૨૫૦,૦૦૦ નવી જમીન ફાળવવી પૂર્વ પંજાબમાં આવનારને કરવામાં આવી. અગાઉના ગામડાંની વસ્તીને પુનઃસ્થાપિત કરવાનો મોટો પડકાર સરકાર સામે હતો. ઘણા કિસ્સાઓમાં તો પરિવારો-પડોશીઓને તેમના નજીકમાં જ ફાળવણી પણ મળી છે. આ આઠ લાખ શરણાર્થીઓના પ્રવાહને થાળે પાડવા ઉપરાંત ભારત સરકાર સામે તેના નાગરિકોને, દેશનાં આશા-અરમાનોને સંયોજે, સાકાર કરે તેવા સર્વાંગ સંપૂર્ણ બંધારણ ઘડવાની બહુ મોટી ચેલેન્જ-જવાબદારી પણ હતી. ડિસેમ્બર ૧૯૪૬થી ડિસેમ્બર ૧૯૪૯ સુધી ભારતીય રાજકીય ફલકના ૩૦૦થી વધુ તજજ્ઞો, અગ્રણીઓ, વિદ્વાનોએ એકમેકનો સહયોગ કરી ‘ભારતીય રાજ્ય બંધારણ’નો મુસદ્દો ઘડવામાં તનતોડ, મનતોડ મહેનત કરી. અમેરિકન ઇતિહાસકાર ગ્રેનીવીલ ઑસ્ટિને આ બંધારણ ઘડતર પ્રક્રિયાને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવી. ૧૭૮૭માં અમેરિકન બંધારણ રચાયું ત્યાર પછી વિશ્વમાં થયેલો આ અતિ મહત્ત્વનો એક રાજકીય પ્રોજેક્ટ હતો. ભારતીય બંધારણે દ્વિસ્તરીય ધ્યેય હાંસલ કરવાનાં હતાં : એક તો રાષ્ટ્રીય સ્તરે, જ્યાં ખૂબ લાંબા સમયથી બ્રિટિશરો દ્વારા શાસન ચાલ્યું તેમાં છીનવાયેલાં લોકશાહી અને સ્વાતંત્ર્યનાં મૂલ્યોની સ્થાપના કરવાની હતી; અને બીજું સામાજિક સ્તરે, જેમાં સ્ત્રીઓ અને પછાત જાતિઓ, આદિવાસીઓને, ધાર્મિક અને પરંપરાગત કારણો-ધોરણોને લીધે ભોગવવા પડેલાં શોષણ અને અસમાનતા-અન્યાયમાંથી મુક્ત કરવાનાં હતાં. મહિલાઓને પહેલે જ ધડાકે, સૌ પ્રથમવાર મતાધિકાર અપાયો(આ સિદ્ધિ અનન્ય છે, કારણ કે દુનિયાના ઘણા પ્રગતિશીલ દેશોમાં પણ મહિલા મતાધિકાર આટલો જલદી અપાયો નથી.) અને બીજું કે બધા જ ધર્મોને કાયદાની નજરમાં એક સરખું સ્થાન-માન આપવામાં આવ્યું. બિન સાંપ્રદાયિક અભિગમ એ પણ આપણા બંધારણની વિશિષ્ટતા છે. એટલું જ નહિ, અસ્પૃશ્યો માટે વિશિષ્ટ જોગવાઈઓ-લાભો-સમાનતા પ્રદાન કરવામાં આવી, કારણ કે હજારો વર્ષોથી તેમની એ નિમ્ન-સામાજિક અવસ્થા હતી, જે કલંકરૂપ હતી, તેને એક ઝાટકે કાનૂની રાહે કાઢી નાખવામાં આવી. અસ્પૃશ્યોને પણ રાજ્ય/રાષ્ટ્રની ચૂંટણીઓમાં અનામત બેઠકો ફાળવવામાં આવી. વિભાજનના લંબાયેલા પીડાજનક પડછાયા અને કષ્ટપ્રદ કાશ્મીર સમસ્યાની સાથોસાથ નહેરુજીએ અને કૉંગ્રેસે દેશમાં સાર્વત્રિક મતાધિકારને બંધારણમાં પાસ કરાવ્યો. તેમ છતાં, નવા ઉદય પામેલા દેશ સમક્ષ ‘સામાન્ય ચૂંટણી’ યોજવાની મોટી કસોટી હજી બાકી હતી.

૬. ૧૯૫૦ના દાયકાનાં પ્રારંભિક વર્ષો, ભારતીય રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ રહ્યાં, જેમાં દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીનું આયોજન અને વૈશ્વિક સ્તરે દેશની ઊભરતી ભૂમિકા નોંધનીય રહી.

બ્રિટિશરોને બહુ પહેલેથી લાગતું હતું કે ભારત જેવા મોટા દેશને લોકશાહી શાસન વ્યવસ્થા માફક નહિ આવે. તેમને આઝાદી તો આપી છે પણ તેઓ હજી ભાગલા પાડશે, અવ્યવસ્થા-અંધાધૂંધી થશે. આ લોકો અંદરોઅંદર લડી મરશે. આવી નકારાત્મક ધારણા અંગ્રેજોએ મનમાં સેવી હતી... પણ, ૧૯૫૨માં સરસ રીતે યોજાયેલી ચૂંટણીએ આ રાજકીય ખેરખાંઓની શંકા-ધારણાને ધૂળ ચાટતી કરી દીધી. હા, ઘણા પડકારો-પ્રશ્નો ઉદ્ભવ્યા ખરા.. પ્રથમ તો એ કે ભારતના ૮૫% મતદારો અશિક્ષિત હતા. તેમને કાળા અક્ષર ભેંસ બરાબર હતા. પક્ષનું કે ઉમેદવારનું નામ પણ વાંચતા ન આવડે... તો, પક્ષોને નિશાન ફાળવ્યાં-બે બળદની જોડી, હાથી, ઝૂંપડી, તારો વગેરે.. પછી તેની કલાત્મક જાહેરાતો શોધાઈ. નવાં નવાં માધ્યમો, દેશી જુગાડથી પ્રચાર કરાયો... જેમ કે કૉંગ્રેસે તો રખડતી ગાય-બળદોને શરીર ઉપર કૉંગ્રેસને મત આપો’ એવું ચીતરાવ્યું... નહેરુજીને માટે ચૂંટણી બહુ કસોટીકારક ઘટના રહી. તેમના પૂરા પ્રયાસો છતાં, દેશ સામેના વિકરાળ પ્રશ્નો તો મોં ફાડીને ઊભા જ હતા— કાશ્મીર પ્રશ્ન, શરણાર્થી સમસ્યા, ભયંકર ગરીબી-નિરક્ષરતા, અસમાનતા વગેરે... રાષ્ટ્રીય એકતા-અખંડિતતાનો મુદ્દો એમણે રાષ્ટ્રવ્યાપી પ્રચારમાં આગળ ધર્યો, અને આશાવાદી ભાવિ તરફ આંગળી ચીંધી. સમગ્ર પ્રચાર ઝૂંબેશમાં એમણે ૩૦૦ જાહેર સભાઓમાં લગભગ ૨૦ લાખ લોકોને સંબોધ્યા...ઘણાને દહેશત હતી કે ચૂંટણી કેવી રહેશે, પણ તોયે ૬૦% મતદાન થયું તે પણ લોકશાહી ઢબે, શાંતિપૂર્વક ! નહેરુજીની કૉંગ્રેસે ભારે બહુમતી મેળવી અને ભારતને દુનિયાની મોટામાં મોટી લોકશાહી પ્રજાસત્તાક શાસનની ભેટ મળી. કૉંગ્રેસના પોલીટીકલ એજન્ડાને હવે એમણે અમલી બનાવવાનો હતો, સંખ્યાબદ્ધ સુધારાઓ કરવાના હતા, અમેરિકા સાથેના સંબંધો પણ પડકારજનક હતા. તેમને આપણી બિન-જોડાણવાદી તટસ્થ નીતિ નાપસંદ હતી. શીતયુદ્ધની દશામાં, તેમને આપણા કરતાં પાકિસ્તાન વધુ આધારક્ષમ સાથી લાગતું હતું. કારણ કે ભારતને સામ્યવાદ અને સમાજવાદી નીતિ-રીતિ (રશિયા) તરફે કૂણી લાગણી હતી. કારણકે, અમેરિકા, ત્યારે ૧૯૫૦ના દાયકાના અંત તરફ, સંસ્થાનવાદી વલણને પોષતું હતું. એણે સ્વતંત્ર થવા માગતા વિયેતનામને કચડવાનું ચાલુ રાખ્યું હતું. અમેરિકાની આવી નીતિની ભારતે ટીકા કરી હતી. બીજા પક્ષે, ભારતના USSR જોડેના સંબંધો ત્યારે વધુ મૈત્રીપૂર્ણ હતા. રશિયાએ આપણને ખાદ્યપદાર્થો અનાજ પૂરું પાડેલું, શરણાર્થી સમસ્યા હલ કરવામાં મદદ કરેલી, કોરિયન યુદ્ધમાં ભારતની ભૂમિકા વખાણેલી. સોવિયેત નેતા નિકિતા ક્રૂશ્વોવ પહેલી વખત ભારત આવેલા ત્યારે તેમને અડધો લાખ ઉત્સાહી ભારતીય નાગરિકોએ ભવ્ય સ્વાગત કરી આવકારેલા. તેમની ત્રણ અઠવાડિયાની ભારત મુલાકાત દરમ્યાન, ક્રૂશ્વોવ કાશ્મીર પણ ગયેલા, અને તેને ભારતનો જ ભાગ ગણવાની મહોર મારેલી. આથી નહેરુને પણ સંતોષ થયેલો. આમ ભારત-રશિયા મૈત્રીનાં મૂળ ઊંડાં નંખાયા હતાં.

૭. ૧૯૫૦નો દાયકો ભારત માટે પરિવર્તનકારી સમયગાળો રહ્યો : પ્રથમ સફળ ચૂંટણીએ વડાપ્રધાન નહેરુને, ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને નવો આકાર આપવા પ્રગતિશીલ નીતિરીતિ અપનાવવા ભારે જનાદેશ આપ્યો.

૧૯૫૧થી ૧૯૫૬ માટેની પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિ-સુધારણાને પ્રાથમિકતા અપાઈ. આઝાદી વખતે, ભારતનો ૬૦% જેટલો માતબર GDP ખેતી પર આધારિત હતો, એવી ખેતીને વધુ સુદૃઢ કરવા સિંચાઈ-વ્યવસ્થા સુધારવા મોટા બંધો બન્યા, ગ્રામ્ય વસ્તીમાં જમીનનું સમાનવિતરણ થાય તેવા કાયદાઓ બન્યા-જમીન ટોચમર્યાદા, ‘ખેડે તેની જમીન’ વગેરે. ભાખડા-નાંગલ ડેમનો મહાકાય પ્રોજેક્ટ, ઈજિપ્તના બધા પિરામીડો કરતાં વધારે બીલ્ડીંગ મટીરીયલથી બન્યો છે. વીજ ઉત્પાદન તો ખરું જ, પણ વર્ષોથી વેરાન-જળહીન પડેલી ખેતીલાયક જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાઈ. પૂર્વપાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ જ્યાં વસ્યા તે જમીન હવે ફળદ્રુપ બનાવાઈ. ૧૯૫૬થી ૧૯૬૧ની બીજી પંચવર્ષીય યોજનામાં ઝડપી ઔધોગિક વિકાસ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. ચાવીરૂપ કેન્દ્રીય નેતાઓ અને બીઝનેસ લીડર્સ સંમત થયા કે ભારતે તેના આધુનિકીકરણને વેગ આપવો હશે તો સરકારે ઔધોગિક વિકાસને ધરીરૂપ ગણવો પડશે. જેમાં સમાજવાદી મૉડેલ અપનાવી ઉર્જા, આયર્ન, સ્ટીલ અને બીજા મહત્ત્વપૂર્ણ ઉદ્યોગો સરકાર હસ્તક હોય અને કન્ઝ્યૂમર ગુડ્ઝ ઉત્પાદન કરતા ઉદ્યોગો પ્રાયવેટ સેક્ટર પાસે રહે. આ બધી યોજનાઓ, બ્રિટિશ રાજ દરમ્યાન અવિકસિત રહેલા અર્થતંત્રને બેઠું કરી આત્મનિર્ભર ભારતની દિશામાં લઈ જવાના પ્રયાસો હતા. એનાં પરિણામો સારાં ઉત્સાહવર્ધક રહ્યાં. GDP ગ્રોથ લક્ષ્યાંકને આંબી ગયો. ૧૯૫૧થી ૧૯૫૬માં ૩.૬% વધ્યો, જે ધારણા ૨.૧%ની આયોજનમાં રાખી હતી. બીજી પંચવર્ષીય યોજનામાં એ લક્ષ્ય ૪.૫% GDP ગ્રોથનું રખાયું, તેમાં આપણે, ૦.૩% ટૂંકા પડ્યા. તોયે ભારતની આર્થિક ગાડી હવે પાટે ચઢી ચૂકી હતી. આપણે આધુનિક અર્થતંત્રની દિશામાં જઈ રહ્યા હતા. સાથોસાથ, ભારત એક આધુનિક સમાજ તરીકે ઊભરી રહ્યું હતું. મહિલાઓ અને લઘુમતીઓને બક્ષેલાં બંધારણીય પ્રાવધાનો, સંરક્ષણો હવે કસોટીએ ચડ્યાં હતાં. મહિલાઓને તેમના જીવનસાથી પસંદ કરવાની સ્વાયત્તતા અને પરિવારમાં તેમને વારસાગત સંપત્તિમાં હકદાર બનાવતા કાયદા પસાર થયા હતા. આવા કાયદાઓ, આજે સ્વાભાવિક અને પરંપરાગત જણાય, પરંતુ ત્યારે રૂઢિચુસ્ત હિંદુઓએ તેનો ઉગ્ર વિરોધ કરેલો કારણ કે તે હિંદુ ધાર્મિક કાયદા મુજબ નહોતા. તેમ છતાં, આ કાયદાઓ જાતીય સમાનતા (gender equality) તરફ એક મોટા પગલા સમાન હતા. પહેલાં જે અસ્પૃશ્યો ગણાતા હતા તેમને શિડ્યૂલ્ડ કાસ્ટ-અનુસૂચિત જાતિ-ગણી, સદીઓથી અનુભવેલાં અત્યાચાર-અન્યાય-અસમાનતાનાં સામાજિક બંધનોથી મુક્ત કરવામાં આવ્યા. આથી આઝાદી પછીના દાયકાઓમાં આ જાતિનાં બાળકોની શાળાએ જવાની સંખ્યામાં દસ ગણો વધારો થયો, જે ખૂબ નોંધપાત્ર સામાજિક જાગ્રતિ ગણાય. આથી ૧૯૫૭ની ચૂંટણીમાં નહેરુ અને કૉંગ્રેસને, આવી સામાજિક પ્રગતિની સફળ નીતિઓથી ઘણો ફાયદો થયો. ૭૮ જેટલી SCની અનામત બેઠકો હતી તેમાંથી ૬૪ બેઠકો ઉપર તેઓ વિજયી થયા.

૮. ૧૯૬૦ના દાયકાનો આરંભ થતાં, ભારતનાં આર્થિક અને રાજકીય ભાવિનું જરા પતન શરૂ થયું.

૧૯૫૭ની રાષ્ટ્રીય ચૂંટણીમાં કૉંગ્રેસને મોટી જીત મળી તો પણ, પ્રાદેશિક વિરોધ રાજ્યની અમુક સરકારોમાં રહ્યો-જેમ કે કેરાલામાં CPI – કમ્યૂનીસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા-જીતી. એની નવી બનેલી સરકારે જમીન-માલિકીના કાયદાઓ અને શિક્ષણમાં ઝડપથી સુધારા કર્યા, પણ જૂના મોટા જમીનદારો અને ધાર્મિક જૂથો દ્વારા એવા પરિવર્તનકારી કાયદાઓનો સુધારાઓનો વિરોધ થયો. રાજ્ય સરકારે સામુહિક ધરપકડો કરી. ૧૯૫૯માં, પ્રધાનમંત્રી નહેરુને બંધારણની ધારા ૩૫૬ મુજબ રાજ્ય સરકાર બરતરફ કરવાની ફરજ પડી. જોકે આ નિર્ણય એમને ભારે પડ્યો, જોકે વ્યક્તિગત રીતે, તેઓ સામ્યવાદી સરકારના સારા સુધારાઓને પસંદ કરતા હતા તોયે, રાજકીય વાસ્તવિક પરિસ્થિતિથી એમના હાથ બંધાયેલા હતા. ચીન સાથેના બગડતા જતા સંબંધોએ નહેરુના પડકારોમાં વધારો કર્યો. અગાઉના દાયકામાં ભારત-ચીન સંબંધો પ્રમાણમાં હકારાત્મક રહ્યા હતા. અમેરિકા અને પાકિસ્તાનની વિરોધી ધરીની સામે સંતુલન સાધવા ભારતને ચીન જેવા સશક્ત પડોશીમાં શ્રદ્ધા હતી. શરૂઆતમાં, ૧૯૫૦માં, તિબેટ ઉપર ચીનના આક્રમણ અને વિસ્તરણ અંગે ભારત-ચીન વચ્ચે સમજૂતી હતી. જોકે ભારતને તિબેટ જોડે સાંસ્કૃતિક-ધાર્મિક-પ્રાચીન સંબંધો રહ્યા જ છે. ૧૯૫૪માં, ચીનના તિબેટ ઉપરના પ્રાદેશિક નિયંત્રણને માન્યતા આપી હતી, કારણ કે ચીને તિબેટને તેની પ્રાદેશિક સ્વાયત્તા જાળવી રાખવાની છૂટ/વચન આપ્યું હતું. પણ ચીન જેનું નામ ! એણે લુચ્ચાઈ કરી, તિબેટને દબાવ્યું અને ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ની નહેરુની આકાંક્ષાની મજાક ઉડાવી. તેમ છતાં, ૧૯૫૭માં, તિબેટીયન બળવાખોરોએ ચીની સરકાર સામે સશસ્ત્ર ઝૂંબેશ ઉપાડી, જેને પરિણામે તિબેટના અધ્યાત્મગુરુ દલાઈલામાને ભારત આવી રહેવાની ફરજ પડી.. દલાઈલામા અને નહેરુ વચ્ચેની મુલાકાતે ચીની સરકારના પેટમાં તેલ રેડ્યું. ચીનાઓને શંકા હતી જ કે ભારત, તિબેટી બળવાખોરોને સપોર્ટ કરે છે, તે સાચી પડી. આપણે તેમના સશસ્ત્ર બળવાને ટેકો નહિ, પણ સહાનુભૂતિ આપતા હતા. ચીનને આમ પણ તેની વિસ્તારવાદી મુરાદમાં સફળતા જોઈતી હતી, તેથી તેણે ભારત તરફની તેની કૉમન સરહદમાં રોડ બાંધવાની શરૂઆત કર્યાના સમાચારે નહેરુજીની ઊંઘ ઉડાડી દીધી. ભારત-ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો વાંઝણી નીવડી અને ૧૯૫૯ના ઓગસ્ટમાં નાનાં-મોટાં સરહદી છમકલાં શરૂ થયાં. અંતે ઓકટોબર ૧૯૬૨ની વીસમી તારીખે ચીને આપણી હિમાલય બોર્ડરે આપણા સૈનિકોને પકડી લીધા. આશ્ચર્યજનક રીતે દુશ્મન જેવી હરકત કરી. તેમ છતાં, શિયાળો બેસતાં અને ભારતને મળેલી અમેરિકન લશ્કરી મદદે ચીનાઓને ૧૯૫૯માં અમુક લાઈન સુધી પીછેહઠ કરવાની ફરજ પડી, જે રેખા આજે પણ Actual Line of Control તરીકે ઓળખાય છે. જોકે એ આક્રમણ નાનું હતું, પણ તેણે નવા ઉભરતા ભારતની છબિ ઉપર આઘાત તો કર્યો જ. નહેરુ-પ્રશાસન કાળની આ સૌથી મોટી નાલેશી હતી કે ચીને દોસ્તીની આડમાં ભારતને ખંજર મારી આપણો થોડો પ્રદેશ પણ પચાવી પાડ્યો.

૯. નહેરુના દેહાંત અને ૧૯૬૦ના દાયકાની સમસ્યાકારી અનિશ્ચિતતાઓ વચ્ચે તેમનાં સુપુત્રી ઈંદિરાજીએ પક્ષ અને દેશની બાગડોર સંભાળી.

૨૭ મે, ૧૯૬૪ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના સ્વર્ગવાસથી ૧૭ વર્ષના એમના વડાપ્રધાનના કાર્યકાળનો અંત આવતાં એના ઉત્તરાધિકારોની શોધમાં, કૉંગ્રેસને અને દેશને એમનાં સુપુત્રી ઈંદિરાજી નહેરુનો વારસો આગળ ધપાવશે એમ લાગ્યું. જોકે એમને રાજકાજનો અનુભવ નહોતો, છતાં દેશ અને દુનિયા માટે આશા હતી કે તેઓ ચીન સાથેના યુદ્ધમાં ભારતની હાર અને પિતા નહેરુના સ્વર્ગવાસ જેવી બેવડી કરુણાંતિકાઓ સહેવાની હોવા છતાં દેશનું સુકાન સંભાળી શકે તેવાં શક્તિશાળી મહિલા છે. તેમ છતાં, એમનો માર્ગ કંટકછાયો હતો - દેશમાં કારમી અનાજ કટોકટી, દુષ્કાળ, ગરીબી, નિરક્ષરતા, મજદૂર વર્ગની હાલાકી, બેકારી વગેરેનો અજગરભરડો દેશને ગ્રસી રહ્યો હતો. વધુમાં, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હિંસા, ૧૯૬૫ના ૧૭ દિવસીય ભારત-પાક યુદ્ધ બાદ કાશ્મીરમાં જાગી હતી. માથે ૧૯૬૭ની ચૂંટણી આવી રહી હતી, ત્યારે પ્રાદેશિક પક્ષો દેશમાં સશકત બની રહ્યા હતા.. આવી બધી પડકારગ્રસ્ત પરિસ્થિતિમાં ઈંદિરાજી અને કૉંગ્રેસની પ્રતિષ્ઠાનું થોડું ધોવાણ થયું. ચૂંટણીમાં, આઝાદી પછી એ રાજ્યોમાં પહેલીવાર એમનો પરાજય થયો. તે રાજ્યો પરથી કૉંગ્રેસની પકડ છૂટી ગઈ. તેમ છતાં, કેન્દ્રીય સ્તરે સરકાર રચવા એમની પાસે પૂરતી બહુમતી હતી, જોકે ચૂંટણી પછી તેમના વહીવટમાં ઘણો બદલાવ જરૂર આવ્યો. નહેરુએ ધીમે પગલે પણ મક્કમ સુધારાઓ કર્યા હતા, જ્યારે ઈંદિરાજીએ ડાબેરી વિચારસરણી અપનાવી ધરમૂળથી એકસાથે પરિવર્તન કરવાનું પસંદ કર્યું. જુલાઈ-૧૯૬૯માં, દેશની ૧૪ મોટી પ્રાઈવેટ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દેશની આર્થિક નબળાઈ દૂર કરવાનો પ્રયાસ કર્યો, ફૂગાવો નાથવા કોશિશ કરી. વધુમાં, ગરીબો, ખેડૂતો, મજૂરોને બેંકોનો સીધો સંપર્ક કરાવી લોન આપી અર્થતંત્ર સુધારવા બીડું ઝડપ્યું. આવા વ્યાપક આર્થિક પગલાંથી – ‘ગરીબી હટાઓ’ સૂત્રથી પ્રજાનો વ્યાપક ટેકો તેમને મળ્યો... તો પણ, સુપ્રિમ કોર્ટે, બંધારણીય ભૂમિકા ઉપર કોર્ટના ઓર્ડર દ્વારા ઈંદિરાજીની આવી રાષ્ટ્રીયકરણનીતિને અમાન્ય કરી. પોતાને વ્યાપક જનાદેશ, પ્રજાનો ટેકો છે તે સિદ્ધ કરવા, ૧૯૭૧માં યોજાનારી ચૂંટણી તેમણે વહેલી યોજી દેવાનો નિર્ણય કર્યો. સદ્નસીબે, એમની કૃષિવિષયક નીતિરીતિઓએ તેનાં ફળ આપવાં શરૂ કરી દીધાં હતાં, જેથી આગામી ચૂંટણીમાં એમના વિજયની શક્યતા વધી ગઈ. ઘઉંની નવી જાતોથી ઘઉં ઉત્પાદન બમણું થઈ ગયું હતું, દુષ્કાળની ભીતિ-અન્ન કટોકટી તદ્દન હળવી થઈ ગઈ હતી. તોયે ઇંદિરાજી ચાન્સ લેવા માંગતા નહોતાં. એમણે ૩૬૦૦ માઈલની દેશયાત્રા કરી ૩૦૦ જાહેર સભાઓમાં ૨૦ લાખ લોકોને સંબોધ્યા. એમની વ્યૂહાત્મક રણનીતિ રંગ લાવી. એમણે ૧૯૬૭ની ચૂંટણીની ખોટ માત્ર ભરપાઈ ન કરી, ઊલ્ટાની જંગી બહુમતી હાંસલ કરી. ઈંદિરાજીના પંજાને પ્રજાએ પ્રબળ રીતે મજબૂત કરી આપ્યો. કૉંગ્રેસ દેશનો લોકપ્રિય પક્ષ બની રહ્યો.

૧૦. ૧૯૭૦નો દસક ભારત માટે યુદ્ધ અને રાજકીય ઉથલપાથલનો રહ્યો.

૧૯૭૧માં, ભારતના ભાવિને ઘડનારી મહત્ત્વપૂર્ણ એવી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ થઈ. એ દરમ્યાન, બંગાળી અવામી લીગ તરફી, પૂર્વપાકિસ્તાની રાષ્ટ્રવાદીઓનું પ્રતિનિધિત્વ ધરાવતો પક્ષ, પૂર્વ પાકિસ્તાનમાં ભારે જનમતથી વિજયી થયો. પશ્ચિમ પાકિસ્તાની નેતાગીરીને આ આશ્ચર્યજનક ચૂંટણી પરિણામોથી ભારે આંચકો લાગ્યો. તેમણે એ પરિણામો રદ કરવાની જાહેરાત કરી. આથી પૂર્વપાકિસ્તાનની બંગાળીભાષી બહુમતી બરાબર ભડકી ગઈ કે અમારા જનાદેશનું આ અપમાન? પશ્ચિમ પાકિસ્તાની ઉર્દૂભાષી શાસકોના ઘણા અન્યાયો પૂર્વપાકિસ્તાને સહ્યા હતા. જાન્યુઆરીમાં દેશવ્યાપી હડતાલ પડી અને માર્ચ ૨૫મીએ પાકિસ્તાની સૈનિકો દ્વારા બંગાળી વિદ્યાર્થીઓની હત્યા કરી. ત્યારથી બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામની શરુઆત થઈ. હિંસાની આગ પૂરા પૂર્વ પાકિસ્તાનમાં ફેલાઈ ગઈ, જેથી લાખો શરણાર્થીઓ ભારત તરફ આવવા લાગ્યા... ભારતથી સજ્જ થયેલા બંગાળી ગેરિલા ફાઈટર્સ સરહદ તોડીને ત્યાં આક્રમણ કરવા લાગ્યા... પશ્ચિમ બંગાળ અને કાશ્મીરનાં ભારતીય થાણાં ઉપર પાકિસ્તાને શ્રેણીબદ્ધ એરસ્ટ્રાઈક કરવા માંડી, જેથી આખરે ડિસેંબરમાં, ભારત-પાક વચ્ચે પૂર્ણ કદનું યુદ્ધ ફાટી નીકળ્યું. પાકિસ્તાનને આશા હતી કે અમેરિકા અને ચીન જેવા એના સદ્ધર સમર્થકો સહાય કરશે, પણ એમણે તો હાથ અદ્ધર કરી દીધા. આશા ઠગારી નીવડી. માત્ર ૧૩ જ દિવસના યુદ્ધ બાદ પાકિસ્તાની સેના ઘૂંટણિયે પડી ગઈ. જનરલ નિયાઝીએ આપણા ફીલ્ડ માર્શલ સામ માણેકશા સામે શરણાગતિ સ્વીકારી....ત્રણ માસ પછી શેખ મુજીબુર રહેમાનની લોકપ્રિય આગેવાનીમાં બાંગ્લાદેશનો એક સ્વતંત્ર દેશ તરીકે ઉદય થયો, જેને પોતાના પાકિસ્તાન કરતાં ભારતની દોસ્તી વધુ ફળી. ઈંદિરાજી રાજકીય સ્તર પર દુનિયામાં સબળ, લોખંડી મહિલા તરીકે ઊભરી આવ્યાં. ભારતનો યુદ્ધ વિજય એમને ૧૯૭૨ની ચૂંટણીમાં ઢગલેબંધ મત અને પ્રચંડ બહુમત અપાવી ગયો. તેમ છતાં આ તો ભાઈ રાજકારણ છે! કૉંગ્રેસ સામે ઘરેલુ તકલીફો વધી ગઈ, ભ્રષ્ટાચારના મોટાં કૌભાંડો પ્રકાશમાં આવવા લાગ્યાં, વ્યાપક મોંઘવારીએ માઝા મૂકી અને પ્રજા હતાશા અનુભવવા લાગી. બિહારમાં વિદ્યાર્થી આંદોલનો ભ્રષ્ટાચાર સામે ઊગ્ર થયાં, કૉલેજો-યુનિવર્સિટીઓ બંધ થઈ ગઈ. તેમણે ત્યાંની વર્તમાન સરકારની બરતરફી અને વિધાનસભાના ભંગની માગણી બુલંદ કરી. દેશના સન્માનનીય સર્વોદયી સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (J.P)ના આ વિદ્યાર્થી આંદોલનને આશીર્વાદ અને સમર્થન મળ્યાં, તેથી આંદોલનને બળ મળ્યું. ૧૯૭૫ની વસંતમાં ૭૫૦,૦૦૦ લોકોની વિશાળ રેલી-જે.પી. આંદોલન-દિલ્લીમાં યોજાઈ, જેણે બિહાર વિધાનસભા બરખાસ્ત કરવાની માંગ મૂકી. ચૂંટણી સુધારાઓ માગ્યા અને કૉંગ્રેસીઓના ભ્રષ્ટાચાર સામે તપાસ માગી. શરૂમાં તો જે.પી. ચળવળને ઈંદિરાજીએ અવગણના કરતાં કહ્યું કે આવી પ્રાદેશિક સંગઠન બળનું પ્રદર્શન, સમગ્ર રાજ્યની પ્રજાનો મત છે એમ માની ન શકાય. તેમ છતાં, આ અભિગમ, એક કાનૂની વિવાદ તરીકે થોડા જ સમયમાં બદલાયો.

૧૧. ૧૯૭૫માં ભારતની કંઈક રાજકીય દિશા કંઈક સત્તાવાહિતા, અધિકારવાદિતા, (આપખુદશાહી) તરફ ઢળવા લાગી.

૧૯૭૧માં, ઈંદિરાજીએ નીચલા ગૃહમાં પુનઃચૂંટણી દ્વારા બહુમતી મેળવેલી. તેમ છતાં તેમના વિજયને તરત પડકારવામાં આવ્યો. એમની સામે ઉમેદવારી કરનાર સમાજવાદી રાજકારણીએ, ઈંદિરાજીને ચૂંટણી દરમ્યાન નિયત મર્યાદા કરતાં ઘણો વધુ ખર્ચ કરવા માટે કસૂરવાર ઠેરવ્યાં. મામલો કોર્ટમાં ગયો. લોકસભાનાં સભ્ય તરીકે ઈંદિરાજીનું ચૂંટાવું ગેરલાયક બનવાની અણી પર આવી ઊભું. ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો ઈંદિરાજીની વિરુદ્ધમાં આવ્યો. તેમની ચૂંટણીને ટેમ્પરરી સમય માટે રદ કરી. જેની સુપ્રિમ કોર્ટમાં અપીલ થઈ શકે તે રીતે પેન્ડીંગ રાખ્યું. જોકે એમની ઉપરના આરોપો બહુ ગંભીર નહોતા, પણ રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને જે.પી. ચળવળની પશ્વાદભૂમિકામાં અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને મોટું સ્વરૂપ મળી ગયું. જે.પી. ચળવળે તો કેન્દ્રમાંથી ઈંદિરાજીને જ હઠાવવાની માંગણી શરૂ કરી. આથી ઇંદિરાજી પડકારોથી બરાબરનાં ઘેરાયાં. હજી કોર્ટ અપીલ પ્રતીક્ષામાં હતી ત્યારે તેમને પાર્લામેન્ટમાં મત આપવાથી વંચિત રાખવામાં આવ્યાં, આનાથી તેમની લોકપ્રિયતાની છબીને ભારે ડાઘ લાગ્યો. કૉંગ્રેસનાં જ આંતરિક જૂથોએ પક્ષની ખરડાતી છબીને બચાવવા, ઈંદિરાજીને હઠાવવાનો સૂર છેડ્યો. તો પણ પોતાના લોખંડી મનોબળ અને કડક નિર્ણયો માટે જાણીતાં ઈંદિરાજીએ રાજીનામું આપવાને બદલે નવો જ અભૂતપૂર્વ રસ્તો કંડારી કાઢ્યો. ૨૫મી જૂને એમણે દેશમાં Emergency ‘કટોકટી’ જાહેર કરી, જે હેઠળ વિરોધપક્ષના લોકસભાના સભ્યો અને જયપ્રકાશ નારાયણ જેવા લોકનેતાની પણ ધરપકડ કરી લીધી. બધાને અને મીડિયાને બોલતા બંધ કરી લોકશાહીનો શ્વાસ રૂંધી નાખ્યો. નાગરિક સ્વાતંત્ર્ય છીનવાઈ ગયાં. દેશને બચાવવાને નામે, ઈંદિરાજી વીસમી સદીનાં પ્રથમ મહિલા સરમુખત્યાર બની ગયાં. કટોકટી લાદ્યાના પછીનાં સપ્તાહો અને મહિનાઓમાં ૩૬૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી. ઈંદિરાજીનાં શાસનને ચાલુ રાખવા પાર્લામેન્ટમાં બંધારણીય સુધારાઓ કરાવાયા. સુપ્રિમ કોર્ટ પણ પોતાની પોઝીશન સાચવીને (ડરીને) બેસી રહી તેથી તેણે પણ દખલગીરી ન કરી. ઈંદિરાજીએ મૂળભૂત પોલીસી એજન્ડા લક્ષ્યમાં રાખી ચીજવસ્તુઓના ભાવો ઘટાડ્યા, શ્રમિક વર્ગો ઉપરના કરવેરા ઘટાડ્યા, રોજી વધારી.... તેમ છતાં, કટોકટીના કાયદાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે વખોડવામાં આવ્યા, કે આ તો માનવીય અધિકારોનું હનન ગણાય. ઈંદિરાજીનાં લાંબા સમયથી સાથી એવાં ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર અને સમાજવાદી અગ્રણી વીલી બ્રેન્ડ્ટે પણ ઈંદિરાજીની માનવ અધિકારોને દબાવી દેવા બદલ ટીકા કરી. આમ આંતરરાષ્ટ્રીય સ્તરથી પણ દબાણ વધતાં, એમણે ૧૭ માસ પછી ‘કટોકટી’ ઉઠાવી લીધી. રાજદ્વારી કેદીઓને મુક્ત કર્યા અને નવી ચૂંટણી જાહેર કરી. એમને એમ હતું કે મારા આર્થિક સુધારણાનાં પગલાંઓની પ્રજા કદર કરી મને ચૂંટણીમાં જીતાડી દેશે.(પણ એવું ન થયું) તેમના વ્યક્તિગત પુરાવાઓ વર્ગીકૃત રહ્યા, પણ એમના નિર્ણય પાછળનું કારણ અટકળનો વિષય બન્યું.

૧૨. જનતા પક્ષની નવી સરકાર આંતરિક વિસંવાદનો ભોગ બનતાં અલ્પજીવી નીવડી.

ઈંદિરાજીની થોડા સમયની સરમુખત્યારીનું એક પરિણામ, સ્વાતંત્ર્યોત્તર ભારતમાં, કૉંગ્રેસની સામે રાજકીય વિરોધપક્ષોનું એક અનોખું બળ ઊભું થયું. ૧૯ જાન્યુ. ૧૯૭૭ના રોજ, વિરોધપક્ષોના નેતાઓની જેલમુક્તિના બીજા જ દિવસે તેઓ બધા નવો રાજકીય પક્ષ-જનતા પાર્ટી-સ્થાપવા માટે ભેગા મળ્યા... માર્ચ-૧૯૭૭માં આવનારી ચૂંટણી સુધીમાં ઈંદિરાજીનો સત્તામાં રહેવાનો સમય પૂરો થવાનો હતો. ભારતના ઇતિહાસમાં બીજી એક અભૂતપૂર્વ ઘટના બનવાની હતી : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને મતદારો ફગાવી દેવાના હતા. આટલો જૂનો રાષ્ટ્રવાદી પક્ષ પરાજયનાં ફળ ચાખવાનો હતો. જનતા પાર્ટી એ વિવિધ વૈચારિક ભૂમિકાઓવાળા રાજકીય નેતાઓનો શંભુમેળો હતો; જેમાં જમણા હાથે હિંદુ રાષ્ટ્રવાદીઓ હતા તો ડાબે હાથે સમાજવાદીઓ હતા. તેમનું એકમાત્ર તાત્કાલિક ધ્યેય ઈંદિરાજીએ ઈમરજન્સી દરમ્યાન, તેમનામાંના ઘણાને જેલમાં પૂર્યા હતા તે માટે તેમને જવાબદાર/કસૂરવાર ઠેરવવાનું હતું. વિધિની વક્રતા જુઓ કે જનતાપાર્ટી પણ ઝડપથી કૉંગ્રેસની પેર્ટન-ભ્રષ્ટાચાર,સગાંવાદ, લાગવગ-ઈત્યાદિમાં ઢળાઈ ગઈ. કૉંગ્રેસને તો એનાં નીતિ-મૂલ્યોને છોડતાં ત્રણ દાયકા લાગ્યા હતા, પણ જનતાપાર્ટી તો માત્ર ૧૨ જ માસમાં એ જ માર્ગે ચડી ગઈ. બદલાતાં જતાં ગઠબંધનો અને આંતરિક વિખવાદો જનતા પાર્ટીની સરકાર સામે પડકાર બની ઊભાં રહ્યાં, જેને દૂર કરવા ક્યારેક તો અશક્ય થઈ પડ્યાં. દેશની જનતાને પણ થયું અને પ્રજાએ જોયું કે સત્તર જણાના શંભુમેળા કરતાં એક જ શક્તિશાળી સમાજવાદી નેતા દેશને દોરવણી આપે તે જ બહેતર છે. વળી, જનતા પાર્ટી શાસન દરમ્યાન જ્ઞાતિ-આધારિત હિંસા પણ ભડકી હતી તે નાની સૂની વાત નહોતી. બિહારનાં ઉત્તરપૂર્વીય રાજ્યમાં નિમ્ન જાતિઓ અને જમીનમાલિકો વચ્ચે કંઈક નાટ્યાત્મક રીતે હિંસા જાગી ઊઠી. બેલચીમાં સવર્ણોના ટોળાંએ નવ જેટલા અગાઉ કહેવાતાં અસ્પૃશ્યોને સળગાવી મારવાની ભયંકર આઘાતજનક ઘટના બની, જેથી ઈંદિરાજીને રાજકારણના અખાડામાં ફરીથી પ્રવેશવાનો જાણે માર્ગ મળ્યો.બાકી ગત ચૂંટણીમાં દેશે, કટોકટી નાખ્યા ને વેઠ્યા પછી એમને જાકારો આપ્યો હતો ત્યારથી તેઓ તો હિમાલયમાં જઈને ઝૂંપડી બનાવી ક્ષેત્રસન્યાસ લઈ લેવાનું વિચારતાં હતાં, પણ આ બેલચીની ઘટનાએ રસ્તો પલટી નાખ્યો. આમ પણ પ્રદર્શન શોખીન ઇંદિરાજી તો કાદવ-પાણીમાં ટ્રેક્ટરમાં-જીપમાં, અરે હાથી ઉપર પોતાનો રસાલો લઈ, જાણે બેલચીમાં પ્રજાને સહાનુભૂતિ દર્શાવવા પહોંચી ગયાં. અને હરિજનવાસમાં હિંસા પીડિત પરિવારોની વહારે ધાયાં-આથી દેશને લાગ્યું કે અનુસૂચિત જાતિઓ-દબાયેલા-કચડાયેલા વર્ગની પડખે રહેનાર નેતા હજી પણ દેશમાં છે. આ રાજકીય લાભ ખાટવાની ઘટનાએ જનતા પાર્ટીને સાવધાન કરી દીધી કે આ તો સૂતેલો શત્રુ પાછો બેઠો થયો. સરકારે ઈંદિરાજીની ધરપકડના બે બાલિશ પ્રયત્નો કર્યા. જેથી ઉલ્ટાનું ઈંદિરાજી તો ગરીબોનાં બેલી અને રાજકીય શહીદ તરીકે પ્રજાદિલમાં વસ્યાં. આ તરફ જનતા પક્ષ સરકાર ધીમે ધીમે વિઘટન પામી રહી હતી તેથી લાગ્યું કે કૉંગ્રેસનું પુનરાગમન આવશ્યંભાવિ છે. જાન્યુઆરી ૧૯૮૦માં ચૂંટણીની તારીખો આવતાં આ ધારણા સાકાર થતી જણાઈ. ઈંદિરાજી ખરેખર ભારે બહુમતીથી જીત્યાં. પણ એમની સામે વ્યક્તિગત અને રાજકીય બંને પ્રકારના પડકારોનો પહાડ હતો.

૧૩. ૧૯૮૦ના દાયકામાં ભારતે ગંભીર પરિણામધારી ધાર્મિક તનાવોનો ઉદય નિહાળ્યો.

ઈંદિરાજીને સૌથી પહેલો આઘાત, એમના માનેલા ઉત્તરાધિકારી અને સુપુત્ર એવા સંજય ગાંધીની વિદાયનો લાગ્યો. જૂન ૧૯૮૦માં વિમાન દુર્ઘટના એમનો પ્રાણ હણી ગઈ. જેથી એમના બીજા પુત્ર પાયલટ રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા. સાથોસાથ, શીખ બહુમત-પંજાબમાં, શીખ અલગતાવાદીઓ-સ્વાયત્તતાની માંગ લઈને ઊભા થયા. જોકે એમની સામે ન ઝૂકવા મક્કમ ઈંદિરાજી, શીખ અંતિમવાદીઓની હત્યાના હિંસક ખેલમાં ખરડાયાં. શીખ અલગતાવાદી નેતા જર્નેલ ભિંદરાનવાલે, તેના પેરામીલીટરી સાથીઓ સાથે સુવર્ણમંદિર (અમૃતસર)માં ભરાઈ ગયો. તેને શીખોના આ પવિત્રધામમાંથી બહાર કાઢવા ભારતીય સૈન્યે ઓપરેશન બ્લૂસ્ટાર ચલાવ્યું, જેમાં લગભગ ૫૦૦ શીખો મરાયા. શીખોનું પાવન શ્રદ્ધા-ધામ શીખોનાં જ રક્તથી લોહિયાળ બનતાં દેશના શીખોને ભારે આઘાત લાગ્યો, તેઓ ઈંદિરાજી સામે સખત ક્રોધિત થયાં. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા કડક કરવા એજન્સીએ સૂચન કર્યું. પણ ઈંદિરાજીએ તેમના શીખ બોડીગાર્ડ્ઝને દૂર કરવાની ના પાડી; જે એમને માટે જીવલેણ નીવડી. ૩૧ ઓક્ટોબરે એમના બે શીખ બોડીગાર્ડ –સતવંતસિંઘ અને બીયન્તસિંઘ–માંથી એકે વડાપ્રધાન નિવાસસ્થાને જ ઈંદિરાજીનું શરીર ગોળીઓ મારી ચાળણી કરી દીધું, ઘરના ઊંબરે જ વડાપ્રધાન ઢળી પડ્યાં ! શીખ ઉગ્રતાએ ઓપરેશન બ્લૂસ્ટારનો બદલો લીધો ! રક્ષકો જ ભક્ષક બન્યા ! ઈંદિરાજીની હત્યાને પગલે દેશમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. સદ્નસીબે, નવા વડાપ્રધાનની ભૂમિકા ભજવનાર સુપુત્ર રાજીવ ગાંધી સમાધાનકારી વલણવાળા નીકળ્યા, જેવું એમનાં માતાજીનું નહોતું. તેમણે શીખોની અમુક માગણીઓ સ્વીકારતાં હિંસા ધીમે ધીમે શાંત પડી. રાજીવ ગાંધીએ પોતાને યુવા રાજદ્વારી અને ‘મિસ્ટર કલીન’ તરીકે રજૂ કરવાની હતી. નહેરુ અને ઈંદિરા પરિવારના વારસ હોવા છતાં રાજકારણમાં તેઓ પડ્યા નહોતા. એમનાં શીખો પ્રત્યે સમાધાનકારી વલણથી એમની ઈમેજ મજબૂત બની. તોયે થોડા વખતમાં રાજકારણની કટુ વાસ્તવિકતાઓનો એમને પરિચય થવા માંડ્યો. હિંદુ-મુસ્લિમ કોમી તનાવ પુનઃસપાટી પર આવ્યો. શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યાનાં દર્શન શ્રદ્ધાળુઓ વર્ષમાં એક જ વાર કરી શકે તેવો નિયમ લાવ્યા. જેનો હિંદુ રાષ્ટ્રવાદી જૂથોએ ભારે વિરોધ કર્યો. રાજીવજીએ તેમની માંગ સ્વીકારી કે હિંદુઓ આખું વર્ષ ત્યાં દર્શનાર્થે આવી શકે છે.(ત્યાં બાબરી મસ્જિદ પણ હતી.) જોગાનુજોગે, તે દોઢેક વર્ષમાં, સુખ્યાત ટીવી સીરિયલ ‘રામાયણ’થી દેશ આખો ઘેલો થયો. હિંદુઓની ધાર્મિક લાગણી બળવત્તર બની. તેના પ્રસારણના એક કલાકમાં રવિવારે ઘરો-ગલીઓ-બજારોમાં જાણે કરફ્યૂ લાગી જતો. આ બધી ઘટનાઓ, અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ અને હિંદુ રાષ્ટ્રવાદના ઉદયને રાજકીય સ્વરૂપ આપવા તરફ દોરી ગઈ.

૧૪. ૧૯૮૦નો દાયકો, આર્થિક ઉદારીકરણ અને કૉંગ્રેસના પ્રભાવની ઓટ જેવાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો લઈને આવ્યો.

બદલાતી રહેતી ધાર્મિક ઓળખોની વચ્ચે, રાજીવ ગાંધી એક મહત્ત્વપૂર્ણ નીતિ-પરિવર્તન પર આવ્યા, જેમાં દાયકાને મધ્યે, ૧૦૦ મિલિયને પહોંચેલા ભદ્ર મધ્યમ વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂતકાળના ભ્રષ્ટાચારો અને અસમર્થતાઓને કૉંગ્રેસે સરકારી નિયંત્રણોને આભારી ઠેરવી, તેને દૂર કરવાનું વિચાર્યું. કરવેરા ઘટાડ્યા, ટેરિફ હઠાવી લીધા, જેથી મધ્યમ વર્ગની આવક વધી. રીયલ એસ્ટેટ અને ઉત્પાદનનાં ક્ષેત્રોએ સારો વિકાસ સાધ્યો. ૧૯૮૦ના ઉત્તરાર્ધમાં, ઉત્પાદન ક્ષેત્રે ૮.૯%નો રેકોર્ડ વિકાસ દર હાંસલ કર્યો. જોકે આનાથી ભારતની ગ્રામીણ વસ્તીને ઝાઝો ફાયદો ન થયો. ૧૯૮૫થી ૧૯૮૭ દરમ્યાન અનાજની તીવ્ર તંગી, દુષ્કાળને લીધે પ્રજાએ મુશ્કેલીઓ અનુભવી. આર્થિક ઉદારતાવાદી કૉંગ્રેસે દેશના ગરીબ ગ્રામીણ વર્ગને અવગણીને મધ્યમ અને ઉચ્ચવર્ગને સમૃદ્ધ કરવા ઉપર જ ધ્યાન આપે છે એવી છાપ ઊભી થઈ. ૧૯૮૯ની ચૂંટણીઓ આવતાં, આ ગ્રામ્ય અસંતોષ જોતાં, રાજીવ ગાંધીને પોતાનો વિજય શંકાસ્પદ જણાયો. વધુમાં, હિંદુ રાષ્ટ્રવાદીઓની શ્રીરામ મંદિર નિર્માણ અને બાબરી મસ્જિદ ત્યાંથી હઠાવવાની માંગ તીવ્ર બનતી જતી હતી. ડૂબતો માણસ તરણું ઝાલે એ ન્યાયે, રાજીવજીએ પોતાની શ્રુંખલાબંધ લોકપ્રિયતા કારક નીતિ-રીતિઓને અમલમાં મૂકવા માંડી, જેથી જનમાનસમાં તેઓ વસી શકે. તેમ છતાં ચૂંટણીમાં દેશે કૉંગ્રેસને બહુમતી ન આપી, જેથી તેને અન્ય પક્ષો જોડે ગઠબંધન રચી સરકાર બનાવવી પડી, જેમના વૈચારિક સ્તરો વિવિધ હતાં તેવા પક્ષો સાથે કૉંગ્રેસે સગવડિયું સમાધાન કર્યું. નવી ગઠબંધન સરકાર સામે તરત જ, દાયકાઓથી સૂતેલો શત્રુ, કાશ્મીર પ્રશ્ન હિંસાત્મક સ્વરૂપે ફરી સળવળ્યો. ડિસેંબર ૧૯૮૯માં, એક અગ્રણી કાશ્મીરી રાજકારણીની પુત્રીનું કાશ્મીર –અલગતાવાદીઓએ અપહરણ કર્યું અને ખંડણી માંગી. સરકારે ખંડણી આપવાનો નિર્ણય કરવાને પગલે હિંસાઓ તો વધુ ભડકી, વધુ અપહરણો અને હત્યાઓનો દૌર શરૂ થયો. ૧૯૯૦ સુધીમાં આશરે ૮૦,૦૦૦ ભારતીય સૈનિકોને કાશ્મીરમાં શાંતિ ને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે મૂકવામાં આવ્યા. તો પણ આજ દિન સુધી કાશ્મીર સમસ્યાનો સરળ હલ શોધાયો નથી. શરૂથી માંડી અત્યાર સુધી ૧૦૦,૦૦૦ હિંસક ઘટનાઓ બની હશે. અત્રે એ નોંધનીય છે કે ૧૯૯૦ની આસપાસ જારી કરેલા સરકારી પુરાવાઓની પ્રાપ્તિ મર્યાદિત હતી આથી લેખકનો સંશોધકીય અભિગમ બદલાયો અને તે વધુ આત્મલક્ષી અને પત્રકારીય શૈલી તરફનો રહ્યો છે.

૧૫. ૧૯૯૦નાં દાયકાએ હિંદુ રાષ્ટ્રવાદીઓના સત્તા-ઉદય અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં તેમની સફળતાને નિહાળી.

નવી સરકાર સામેના પડકારોમાં, અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ બહુ જોર પકડતો ગયો. ૨૫/૯/૯૦ના રોજ હિંદુ રાષ્ટ્રવાદીઓએ બાબરી મસ્જિદ સુધી મહારેલી કાઢી. તેમની માંગ હતી કે એ મસ્જિદ તોડીને એની જગ્યાએ રામમંદિર બનાવવું. સરકારે તેનાં સુરક્ષા દળો દ્વારા રેલીને અટકાવીને ૧૫૦,૦૦૦ રામ સેવકોની ધરપકડ કરી. જેની પ્રતિક્રિયારૂપે ભા.જ.પે. સરકારને આપેલ ટેકો પાછો ખેંચ્યો, આથી નવી ચૂંટણી ૧૯૯૧માં દેખાવા લાગી. સરકારે ત્યાં કડક સુરક્ષા વધારી દીધી, છતાં હિન્દુ રાષ્ટ્રવાદીઓના એક જૂથે એ બેરીકેડ તોડી મસ્જિદ સુધી ધસી જઈ તેનો ઉપરનો ભાગ તોડી નાખ્યો, ૬ ડિસેંબર. આ ઘટનાએ ભારતનાં ભાવિ રાજકારણનું ચિત્ર બદલી કાઢ્યું...૧૯૯૧ની ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી ન મળી, પણ એક એવો પ્રવાહ જાગ્યો જે આજ સુધી ચાલુ રહ્યો છે. ભા.જ.પ. અને કૉંગ્રેસ બે જ મુખ્ય પ્રભાવક પક્ષો બન્યા. તોયે નાના પક્ષોની સહાય વિના તેઓ સરકાર બનાવી ના શક્યા. આમ, દેશમાં માત્ર કૉંગ્રેસનું પ્રભુત્વ હતું તે ઓસરી ગયું. ત્રણ ચૂંટણીઓ અને શ્રેણીબદ્ધ અસ્થાયી ગઠબંધનો પછી ૧૯૯૨માં ભાજપ પ્રેરિત સયુંકત સરકારે પાંચ વર્ષ નિર્વિઘ્ને પસાર કરી દેશમાં રાજકીય સ્થિરતાનાં મંડાણ કર્યા. હિંદુ રાષ્ટ્રવાદી તત્ત્વો એક પ્રભાવક રાજકીય બળ તરીકે ઉદિત થયાં, જેથી રાજકીય ચર્ચા-વિચારણાનું ફોકસ, કૉંગ્રેસના આર્થિક-સામાજિક સુધારાઓ અને ભારતીય રાજકારણમાં ધાર્મિક ઓળખને કેન્દ્રીય તત્ત્વ બનાવવાના ઈરાદાઓથી ઘણું દૂર જતું રહ્યું... પરંતુ અફસોસની વાત એ કે આનાથી મુસ્લિમ વિશે હિંસાઓ જાગવા લાગી. ૨૦૦૨માં, ગુજરાતના એક સ્ટેશને, એક મુસ્લિમ દુકાનદાર અને હિંદુ યાત્રાળુઓ વચ્ચે એક નાનું છમકલું મોટું રૂપ લઈ બેઠું, જેમાં ૫૮ લોકોના જીવ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદુ સમુદાયની પ્રતિક્રિયાને ડામવા કોઈ પગલાં ન લીધાં, જેથી હિંદુ ટોળાંએ ૨૦૦૦ મુસ્લિમોની હત્યા કરી, તે વર્ષના ડિસેંબરમાં મોદી વિધાનસભાની ચૂંટણીમાં પહેલાંના કરતાં પણ વધુ બહુમતથી ચૂંટાયા. ભાજપ શાસનમાં પાંચ વર્ષ પછી, કૉંગ્રેસે રાજકારણના ઘણા મૂલ્યવાન પાઠો શીખ્યા. ચૂંટણીઓ જીતવા પક્ષીય ગઠબંધનો મજબૂત કરવાં જ પડે તેનું કૉંગ્રેસને ભાન થયું, જે ૨૦૦૪ની ચૂંટણીમાં સાર્થક થયું અને કૉંગ્રેસ-પ્રેરિત ગઠબંધન સરકાર બની શકી.

૧૬. વર્ષ ૨૦૦૦માં, ભારતે ઝડપી આર્થિક પ્રગતિ તથા સ્થિરતા-શાંતિ સ્થાપનાના પણ પ્રયાસો અનુભવ્યા.

કેટલાક પ્રદેશોમાં ધાર્મિક તણાવ ચાલુ રહ્યો, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર જેવા દુખતી નસના પ્રદેશમાં પણ પ્રમાણમાં શાંતિનો સમયગાળો રહ્યો. ૨૦૦૩માં ત્યાં સ્થાનિક ચૂંટણીઓ, ત્રણ દસકમાં પહેલી વાર થઈ. શાંતિનો સમયગાળો જણાતાં કાશ્મીરમાં પ્રવાસીઓ પણ વધ્યા. હિંસક ઘટનાઓ ઓછી થઈ. ૨૦૦૨માં જે ૩૫૦૫ હતી, તે વર્ષ ૨૦૦૫માં ૨૦૦૦થી પણ ઓછી થઈ. વધુમાં, વર્ષોનાં સંઘર્ષ પછી ઇંડિયા અને પાકિસ્તાને કાશ્મીર વિવાદ વાટાઘાટથી ઉકેલવાનું નક્કી કર્યું. તેમણે ‘શાંતિનો સેતુ’ નવો ક્રોસ કરવા, લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર, બે બસ શરૂ કરી. જેથી સંઘર્ષોમાં વિખૂટા પડેલાં પરિવારોનું પુનર્મિલન થઈ શકે. તો પણ ધાર્મિક રાષ્ટ્રવાદ ભારતીય રાજકારણમાં માથું ઊંચકવા લાગ્યો. કાશ્મીરી જિહાદીઓએ કાશ્મીર અને મંબઈ બંને સ્થળે ૧૧/૭/૨૦૦૬ના રોજ આતંકવાદી હુમલાઓ કર્યા, જેમાં ૨૦૯ લોકોના જીવ ગયા. આ બધા પડકારો હોવા છતાં, ભારતે સ્થિર વિકાસ ચાલુ રાખ્યો. સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર વિકાસ થયો-સોફ્ટવેર અને કોલસેન્ટર્સ વધ્યાં. સોફ્ટવેર નિકાસ ૧૯૯૦માં ૧૦૦ મીલિયન ડોલર હતી તે ૨૦૦૪ સુધીમાં ૧૩.૩ બીલિયન ડોલર થઈ. જયારે કોલ સેન્ટર્સ વાર્ષિક ૭૧%ના દરે વધ્યાં. ૨૦૦૭ સુધીમાં, આ ક્ષેત્રમાં બે લાખ લોકોને રોજગારી મળવાનું અનુમાન છે. વાર્ષિક ૨૫ બીલિયન થશે, જે ભારતનાં GDPના ૩% જેટલું હશે. આ ક્ષેત્રમાં ભારતની આર્થિક સફળતાનું શ્રેય જવાહરલાલ નહેરુની દૂરંદેશીને જાય છે, જેમણે દાયકાઓ પૂર્વે શિક્ષણમાં અંગ્રેજી ભાષાની મહત્તાને સ્વીકારી, યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમ અપનાવી વિશ્વના ફલક ઉપર ઊભા રહી શકે તેવા શિક્ષિતો ઘડ્યાં. રાજીવ ગાંધીની ઉદારીકરણની નીતિ ૧૯૮૦ના દાયકામાં રહી, જેમાં અગાઉની સરકાર હસ્તકની કંપનીઓમાં પ્રાઇવેટ ક્ષેત્રને સ્થાન આપ્યું, જે ફળદાયી નીવડ્યું આર્થિક પ્રગતિથી ભારતનો મધ્યમ વર્ગ વિસ્તર્યો, લાખો ગરીબો પણ ઉપર આવ્યા. ૧૯૯૦ના પૂર્વાર્ધે ગરીબી દર આશરે ૪૦% હતો, પણ ૨૦૦૭ સુધીમાં તે ઘટીને ૨૬% સુધી આવ્યો. તેમ છતાં, લગભગ ૩૦૦ મીલિયન લોકો ૨૦૦૭માં પણ ગરીબીમાં જીવે છે.

સારાંશ :

૧૯૪૭માં બ્રિટનની ગુલામીમાંથી આઝાદ થયા પછી ભારતે કોમી હિંસા, શરણાર્થી સમસ્યા, વ્યાપક ગરીબી, અજ્ઞાનતા જેવા ઘણા પડકારો ઝેલ્યા. વિવિધ સરકારોએ તેમની રીતે વિવિધ પ્રયાસો કર્યા દેશની પ્રજાના કલ્યાણ અર્થે. ૧૯૭૦ના દાયકે થોડો સમય સત્તાધિકાર વાદી શાસનને બાદ કરતાં, ભારતે તેના ૬ દાયકાના ઇતિહાસમાં મજબૂત લોકશાહી વ્યવસ્થા નિભાવી છે. કેટલાક વણઉકલ્યા રાજદ્વારી પ્રશ્નો અને ધાર્મિક તનાવો ચાલુ હોવા છતાં, આપણા અખંડ અને કાર્યશીલ પ્રજાસત્તાકે એક બીલલિયન વસ્તી સાથે, નક્કર પાયો નાખ્યો જણાય છે.