Many-Splendoured Love/ત્રીજો ફોટો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ત્રીજો ફોટો

એમ કહી શકાય કે ઘર ખાલી થઈ ગયું છે. હવે મકાનને છોડીને જવા જેટલી જ વાર છે. જ્યાં જેવો નસીબમાં હતો તેવો સંસાર કર્યો તેને છોડી દેતાં પહેલાં થોડો વખત બેઠી છું. વિચાર કરતાં નિઃશ્વાસ નંખાઇ જાય છે કે એક સાધારણ જીવનમાં આટલું બધું વીત્યું? અંદરની ફીક્કી પડી ગયેલી હવા થરથરતી લાગે છે.

જે મારું હતું અને ઊંચકાઈ શકે તેમ હતું તે બધું હું ચોક્કસપણે ખાલી કરતી ગઈ છું. કેટલું બધું કાઢી નાખ્યું. હાશ લાગે છે હવે. ફેંકી દેવા જેવું ખાસ કશું નહોતું, પણ આપી દેવા જેવું ઘણું હતું. પહેરવાનાં કપડાં, સ્વેટર, ગરમ કોટ, શૂઝ, ને ચાદરો, બ્લૅન્કૅટો, ટુવાલો વગેરે. ચૅરિટી માટેની એવી સંસ્થાઓ હોય છે જેના કાર્યકરો નક્કી કર્યા પ્રમાણે આવે ને બધું લઈ જાય. જેને જરૂર હોય તેમને એ બધું પહોંચે. રસોડાની તો દરેકે દરેક વસ્તુ મેં લઈ જવા દીધેલી. મને જ થયું હતું - આટલાં વાસણો ક્યારે ભેગાં થઈ ગયાં હશે? મોંઘામાંના ક્રિસ્ટલના થોડા ગ્લાસીઝ હતા તે હું જ સાચવીને પૅક કરીને નજીકના એક ચર્ચની નાની શૉપમાં મૂકી આવી હતી. સસ્તામાં વેચે તો યે થોડી આવક થાય એમને.

મોટી મોટી અને ભારે ભારે આઇટમો જેમની તેમ જ છે. દરેક રૂમનું ફર્નિચર - સોફાસેટ, ટેબલ-ખુરશીઓ, ખાટલા, બૂક-કેસ વગેરે - વર્ષોથી હતું તેમનું તેમ સ્થિર ને સ્થગિત પડી રહેલું છે. આ અર્થમાં ઘર અમુક અંશે હજી ભરેલું છે. પણ તે એટલા માટે કે રામારાવ પતિ-પત્ની એ બધું જ રાખી લેવા માગતાં હતાં. ખાસ કરીને જયારે એમણે જાણ્યું કે મારે કશાના પૈસા જોઇતા નથી ત્યારે બંને ખૂબ ખુશ થયેલાં કે કશું ખરીદવું નહીં પડે. શંકર અને સ્વાથિ રામારાવ આ મકાનનાં નવાં માલિક થવાનાં છે - આવતી કાલથી. જોકે, જો જાણે કે હું છોડીને ચાલી ગઈ છું તો આજ રાતથી પણ રહેવા આવી જાય. બંને તરફ ઉતાવળ છે - એમને આવવાની, મને જવાની.

હંમેશાં એવું નહોતું. અરે, શરૂઆતમાં તો મને ઘરની બહાર જવાનું મન જ ના થતું. મારી આખી દુનિયા ઘરની અંદર હતી, ને એ દુનિયામાં હતી બધી ખુશી. મેં ને ભાવિકે સાથે આ ઘર પસંદ કરેલું. બહારથી જોતાં વેંત એણે કહેલું, સુઝન, તને આ ઘર ગમશે જ, એવી મને ખાત્રી છે. મેં કહેલું, એમ કે? બોલો, મારવી છે શરત? જો મને ના ગમે તો શું? ભાવિક બોલેલા, અરે ના, એમ નહીં. જો તને ગમી જાય તો હું એ આપણે માટે ખરીદી લઇશ, ને પછી એ હંમેશને માટે તારું રહેશે. અને જો ના ગમે તો હજી બીજાં ઘર જોતાં રહીશું. જીત તો તારી જ હોયને વળી. હું શરમાઈ ગયેલી - આટલો બધો પ્રેમ કરતા હતા એ મને?

પરણીને હું અમેરિકા આવી ત્યારે એ જે ફ્લૅટમાં રહેતા હતા એમાં જ અમારાં સહજીવનનો આરંભ થયેલો. લગભગ પહેલેથી જ એ મને સુઝન કહેવા માંડેલા, ને એ જ રીતે બધાંને મારી ઓળખાણ આપતા. એમનું કહેવું એમ હતું કે આ દેશના લોકોની જીભે સુમન નામ સરખું નહીં બોલાય. તો શા માટે પહેલેથી નામ સહેલું ના બનાવવું? એક જ અક્શર બદલવાથી, જો તો ખરી, કેવી સરસ ફીટ થઈ જાય છે તું આ દેશમાં.

ક્યાંય સુધી હું સંમત નહોતી થઈ. એ સુઝન તરીકે ઓળખાવે તો હું સામે તરત કહેતી - ના. મારું નામ સુમન છે. સાંભળનાર ગોટાળામાં પડી જતાં. કહેતાં, “ઓહ, સુ મૅન?” અથવા “ઓહ, સ્યુ માન?” કે એવું કંઇક. આ રીતે બહારનાંને માટે અમે વિક ને સુઝન બનેલાં, ને નછૂટકે હું કંઇક ટેવાઇ ગયેલી.

આ ઘરમાં જ પછી અમે બેનાં ત્રણ થયેલાં. ભાવિકને તો જાણે બેબીનું ઘેલું જ લાગેલું. એક મિનિટ એને નીચે મૂકવા ના માગે. હાથમાં ને હાથમાં રાખે. નોકરી પર પણ પરાણે જાય. શનિ-રવિ ક્યારે આવે એની જ રાહ જોતા હોય એ. કહ્યા કરે, જોજેને, હું એને વૅસ્ટર્ન મ્યુઝિકની મોટી સ્ટાર બનાવીશ. કેમ ઇન્ડિયન મ્યુઝિકની નહીં?, હું પૂછતી. ઇન્ડિયન મ્યુઝિક ભલે શીખતી, પણ ફેમસ તો વૅસ્ટર્નમાં જ થવાની. કશું નવું જ કરવાની એ અહીં, તું જોયા કર ને. એટલે ઘરમાં આખો વખત જાઝ મ્યુઝિક ને બીથોવન-મોત્ઝાર્ટ જ વાગતાં રહેતાં. બેબીને હાથમાં ઊંચકીને ભાવિક ડાન્સ કરવા માંડી જતા. ક્યારેક હું યે ખેંચાતી, પણ ખાલી હાથે. બેબીને ગાલે મને ચુમી ભરવા દેતા, પણ એ રહેતી એમને જ વળગેલી. અમે ત્રણેય તાલમાં માથાં હલાવતાં, ને એક સાથે હસતાં રહેતાં.

ભાવિક બેબીને બીજું ઘણું શીખવાડવા માગતા હતા - પિયાનો, પેઇન્ટિન્ગ, સ્વીમિન્ગ, સ્કેટિન્ગ. અરે, બધું શીખશે, ને સરસ ભણશે પણ ખરી. તું ચિંતા શું કામ કરે છે?, એ મને ટોકતા. ને ખરેખર એ છોકરીને બધાંમાં રસ પડતો, ને બધું એને આવડી પણ જતું. ભણવામાં તો બહુ જ મઝા આવતી એને. હજી તો છ વર્ષની થઈ હશે ને એના ડેડી સાથે ગ્લોબલ વૉર્મિન્ગ પર ચર્ચા કરવા લાગતી. એકાદ વર્ષ પછી ભાવિક એને માટે સાયકલ લઈ આવ્યા. એ શીખતાં પણ બેબીને વાર ના લાગી. ગાડીમાં સાયકલને મૂકીને બંને પાર્કમાં જતાં. ત્યાં બેબી સાયકલ ચલાવતી, ભાવિક ઝડપથી સાથે ચાલતા. પછી જોકે એમને સાથે રહેવા માટે જરા દોડવું પડતું.

મેં ભાવિકને ભારપૂર્વક કહેલું કે એકલાં ક્યાંયે સાયકલ પર નહીં જવાનું એવું બેબીને કહી દે, ને ફરી ફરી કહ્યા કરે. મને તો બેમાંથી કોઈ ગણકારે શેનાં? બંને સહેજ વ્હાલ કરીને પટાવવા આવે, પણ આ બાબતે હું જરાયે નમતું મૂકવાની નહોતી. હજી આઠની પણ નથી થઈ. અત્યારથી એકલાં જવાની છૂટ શેની આપવાની વળી?, હું બેબીના દેખતાં જ કહેતી. પણ મૉમ, બાજુની મલિન્ડા તો જાય છે. બહુ દૂર નહીં, પાસે પાસે જ. તો હું કેમ ના જઈ શકું? હું મનમાં વિચારતી, બહુ હોશિયાર છોકરાં ઉછેરવાં કેવાં અઘરાં હોય છે. હું એને નજીક ખેંચીને કહેતી, તું નવ વર્ષની થઈ જાય પછી જવા દઇશ, બસ? ઓહ, મૉમ, નાઇન ઇયર્સ? આઇ વિલ બી ઓલ્ડ ધેન.

એવું કાંઇ અમારા નસીબમાં લખેલું નહીં હોય, નહીં તો કોઇ દિવસ નહીં ને એ રવિવારની બપોરે મારી ને ભાવિકની આંખ શા માટે મળી ગઈ હશે? બેબી તો હંમેશાં એની મેળે વાંચતી હોય, મ્યુઝિક સાંભળતી હોય, કે કોઈ વાર આગલી રાતે મોડે સુધી હોમવર્ક કર્યું હોય તો થોડું સૂઇ પણ જાય. ચારેક વાગ્યે અમે રસોડાના ટેબલ પર સાથે બેસીએ. હું ને ભાવિક ચ્હા પીએ, ને બેબી માટે હું હૉટ ચૉકૉલેટ બનાવી આપું. એ પછી ક્યાંક આંટો મારવા જઈએ. ત્યારે સાથે સાયકલ તો ખરી જ.

એ ગોઝારી બપોરે બેબીને મલિન્ડા સાથે વાત થઈ હશે. એને ત્યાં બીજી બે બહેનપણીઓ સાયકલ પર આવવાની હતી, ને એ બધી થોડી વાર આસપાસમાં સાયકલ પર ફરવાની હતી. બેબીને બહુ જ મન થઈ ગયું હશે, ને અમને ઊંઘતાં જોયાં એટલે પહેલી વાર એ કહ્યા વગર બહાર નીકળી ગઈ. સાયકલ પર રસ્તો ઓળંગીને હજી જાય ત્યાં જ ઝડપથી આવતી ટ્રક સાથે એ અથડાઈ પડી. કદાચ થોડી ઘસડાયેલી પણ ખરી. પેલી છોકરીઓ સામેના ઘરની બહાર જ ઊભી હતી. એમણે અકસ્માત બનતો જોયો, ને દોડાદોડ કરી મૂકી.

એક તરફ મલિન્ડાએ આવીને અમારું બારણું ઠોકવા માંડ્યું, બીજી તરફ એની મમ્મી અમને ફોન કરવા માંડી હતી. અમે દોડતાં બેબી પાસે પહોંચ્યાં ત્યારે કચડાયેલી સાયકલની બાજુમાં એનો નાનકડો દેહ પડેલો હતો. શ્વાસ હજી ચાલતો હતો, પણ એ ભાનમાં નહોતી. બસ, પછી શું? બનતું બધું કર્યું, પણ એ કશું પૂરતું નહોતું.

હકીકતમાં તો, આ પછી કશું રહ્યું પણ નહીં - મારી અને ભાવિકની વચ્ચે, મારા અને ભાવિકના જીવનમાં. એક ઝંઝાવાતમાં અમારો બગીચો ઉજ્જડ થઈ ગયો હતો.

થોડા મહિના મેં એ મકાનમાં ખેંચ્યા, પણ એ અસહ્ય હતા. એમાં હું રહી શકું તેમ નહોતું. એ અરસામાં ભાવિકને બદલી કરી આપવા માટે એની કંપની તૈયાર હતી. ભાવિકને એમ કે અમે બીજે જઈને સાથે સ્થિર થઈ શકીશું. ત્યારે મને સમજાવા માંડ્યું કે હું સાથે પણ રહી શકું તેમ નહોતું - હમણાં તો નહીં જ.

• • •

જુદાં પડ્યા પછી અમે ક્યાં રહ્યાં, કઈ રીતે રહ્યાં - એની ખાસ કોઈ ખબર અમે રાખી નહીં. સરનામું ને ફોન નંબર બંને પાસે હતાં, પણ નિયમિત સંપર્કમાં અમે રહ્યાં નહીં. સૂકા કોઈ રણમાં જાણે બધાં પગલાંનાં નિશાન ભૂસાઇ ગયાં હતાં. ભાવિકનાં મોટાં બહેન દ્વારા ક્યારેક અમને એકબીજાના સમાચાર મળતા - જોકે જણાવવા જેવું કશું હતું જ નહીં. પાંખો પાંખો ય છાંયડો કરતી ખજૂરીઓવાળા કોઈ રણદ્વીપ ક્યાંયે બચ્યા નહોતા.

અચાનક એક વાર મોટાં બહેનનો ફોન આવ્યો. મને કહ્યું કે ભાવિકની તબિયત સારી નથી, ને એને મારી સખત જરૂર છે. મેં વિરોધમાં જ દલીલ કરી કે આટલાં વર્ષે હવે ક્યાં અમને એકમેકની જરૂર રહી છે, ને એ તો પહોંચી વળશે એમની મેળે. પણ મોટાં બહેન એટલી આજીજી કરતાં રહ્યાં કે મારે ભાવિકને એક વાર જોવા, મળવા આવવું જ પડ્યું. આ દરમ્યાન ભાવિક પાછા અમારા એ ઘરમાં આવી ગયા હતા. વર્ષો પછી કઈ રીતે મેં એની અંદર પગ મૂક્યો તે વર્ણવી શકું તેમ નથી. ક્યારના મૂઢ બની ગયેલા મનને હવે વધારે આઘાત પણ શું લાગવાનો?

છતાં આઘાત મને લાગ્યો ભાવિકને જોઈને. કેટલા સૂકાઇ ગયા હતા. મને જોઈને એ ના કશું બોલ્યા કે ના જરાયે વિચલિત થયા. મેં માન્યું કે એ પણ મારી જેમ સાવ મૂઢ થઈ ગયા હશે. કે પછી મારા ઢંગધડા વગરના વાળ જોઈને ચિડાયા હશે? એમને મારા લાંબા વાળ કેટલા ગમતા, તે અચાનક મને યાદ આવ્યું. મોટાં બહેને કહ્યું, ભાઈ, જો, કોણ આવ્યું છે. ભાવિક અન્યમનસ્ક રહ્યા. મેં પાસે જઈને કહ્યું, કેમ છો? તોયે એ ચૂપ રહ્યા. ઓછું સંભળાતું હશે માનીને મેં મોટેથી કહ્યું, હું સુઝન, ભાવિક. સુઝન, સુમન. ત્યારે ઊંચું જોઈને કહે, ઓહો, આવો આવો. કેમ છો? હું ફરી કશું કહેવા જતી હતી ત્યાં જરા આજુબાજુ જોતાં એમણે કહ્યું, બેસોને. શું લેશો? અરે, પરી, મહેમાન માટે પાણી તો લાવ. ક્યાં ગઈ, પરી?

મેં ખસી જઈને ખુરશીનો આધાર લીધો. મોટાં બહેનની સામે જોયું. મારી નજરમાંના પ્રશ્નનો જવાબ આપવા એ મને બીજી બાજુ લઈ ગયાં. નિસાસો નાખીને ધીરે અવાજે કહ્યું, તને કાંઈ ખબર નથી, બેન? પછી એમણે ટૂંકમાં વાત કરી. યુવાનીમાં ભાવિકને એક છોકરી સાથે પ્રેમ થયેલો. એનું નામ પરેશા હતું. ભાવિક એને પરી કહીને બોલાવતા. બંને પરણવાનાં હતાં, પણ ભાવિકનું અમેરિકા જવાનું ગોઠવાયું. પરેશા ઉદાસ તો થયેલી, પણ થોડી રાહ જોવાનો એને વાંધો નહોતો. વાંધો હતો એના પપ્પાને. છ મહિનાની અંદર એમણે પરેશાનાં લગ્ન બીજે કરાવી દીધાં. ભાવિકને ક્યાંય સુધી ખબર પણ નહોતી પડી, મોટાં બહેન બોલ્યાં. પણ તું એને બહુ સારી મળી ગઈ, બેન. તારી સાથે એ આનંદમાં જ રહ્યો, ખરું કે નહીં?

વાત સાચી જ હતી. અમારા લગ્ન-જીવન દરમ્યાન આવો કશો ખ્યાલ મને આવ્યો નહોતો. ગુમાવી દીધેલા પ્રેમની યાદો ભાવિકે કેવી ભંડારી દીધી હશે. ને મને કોઈ અન્યાય એમણે થવા નહોતો દીધો. પ્રેમ પણ ક્યાં ઓછો આપ્યો હતો? પણ અત્યારે તીવ્ર સ્મૃતિભ્રંશના આ ક્રૂર રોગની અસરમાં મન પરનાં કેટલાંયે પડ ઊખડી ગયાં હતાં. નજીકના સમયની ઘણી સ્મૃતિ અલોપ થઈ હતી, ને જે ઊંડે દટાયેલું હતું તે ઉપર આવી ગયું હતું.

ભાવિક મારાથી સાતેક વર્ષ મોટા. તોયે આલ્ઝાઇમર તરીકે ઓળખાતા થયેલા આ રોગને માટે આ ઘણું વહેલું કહેવાય. બીજે જ દિવસે હું ડૉક્ટરને મળવા ગઈ હતી. મારે સમજવું હતું કે આવું બની કઈ રીતે શકે? એમણે કહ્યું કે આલ્ઝાઇમર થવાનાં ચોક્કસ કારણ હજી કોઈ કહી શકતું નથી. એ મગજની અંદર રહેલા સૂક્શ્માણુઓ સાથે સંબંધિત છે. પણ ક્યારેક ઓછી ઉંમરે પણ આવું થાય, ડૉક્ટરનું કહેવું હતું.

સાર આટલો હતો. વધારે તરત મને સમજાયું નહી. પણ આ વિષે વિચારતી રહી. એક દિવસ અચાનક મને થયું, મન પર આઘાત ને મેન્ટલ સ્ટ્રેસ શું કારણ ના હોઈ શકે?- ડાયાબિટિસ, હાર્ટ ઍટૅક કે ડિપ્રેશન જેવા રોગોની જેમ? ને ભાવિકે જીવનમાં કેટલાં પ્રિયજન ગુમાવ્યાં હતાં. મને પણ દૂર ચાલી જતાં નહોતી રોકી. બસ, એ ચૂપચાપ ગુમાવતા રહ્યા, સહેતા રહ્યા. ને છેવટે અકાળે આ હાલત? હાય ભાવિક, મને કેમ ના કહ્યું કશું? હું તીવ્ર રીતે પસ્તાતી રહી. છેક હવે મને ખબર પડી કે આધારની જરૂર મારા કરતાં કેટલી વધારે ભાવિકને હતી. આટલાં વર્ષો મેં એમને નિરાધાર છોડ્યા? આટલી ક્રૂર થઈ કઈ રીતે શકી હું? અને આવી સ્વાર્થી? મારી આંખો સૂકી હતી પણ મારો જીવ કલ્પાંત કર્યા કરતો હતો.

એમના દીકરાને ત્યાં પાછાં જતાં પહેલાં મોટાં બહેન મને સાંત્વન આપતાં કહેતાં ગયાં હતાં, જે થવાનું હતું તે થઈને જ રહે છે, બેન. હવે જીવ ના બાળ. હવે તું ભાઇની સાથે હોઈશ તો એ સારો થઈ જશે. તું ઇશ્વર પર વિશ્વાસ ---

મારું ધ્યેય હવે ભાવિકને માટે બનતું બધું કરવાનું હતું. આવેલી એમને એક વાર મળવા, ખબર કાઢવા, ને બાકીનું બધું ભૂલીને રોકાઈ ગઈ એમની પાસે.

એક બપોરે મને શું સૂઝ્યું કે દિવાનખાનામાં પડી રહેલા જૂના રેડિયોનું બટન દબાવ્યું. ડબલ્યુ.કે.સી.આર. નામના સ્ટેશન પરથી વૅસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક સંભળાવા માંડ્યું. મોત્ઝાર્ટનો પિયાનો કૉન્ચૅર્ટો ચાલતો હતો. બે મિનિટ માંડ થઈ હશે, ને બારી પાસેની ખુરશીમાં બેસીને વાંચતા ભાવિક ચોંકીને ઊભા થયા. હાથમાંથી ચોપડી પડી ગઈ. હું પણ ચોંકી ગઈ. ઊભી થાઉં, એમને પકડું એ પહેલાં એ મારી પાસે ધસી આવ્યા. મારો હાથ પકડીને બોલ્યા, સુઝન, આ શું? આ ક્યાંથી? આ હું ક્યારેય નથી સાંભળતો. આ તો બેબી વગાડતાં શીખેલી.

બે કાને હાથ મૂકી એ સોફા પર બેસી પડ્યા. મેં જલદી રેડિયો બંધ કર્યો. એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં હતાં. સુઝન, જાણે છે?, એ પછી એક વાર પણ બપોરે સૂતો નથી, હોં. પણ એ પાછી આવી જ નહીં. મારા બંધ પણ છૂટી ગયા. અમે એકમેકને વળગીને ક્યાંય સુધી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં. હું આટલાં વર્ષોમાં પહેલી વાર આટલું રડી. કદાચ એ પણ.

મને મોટી આશા બંધાયેલી કે આહ, મને ઓળખી ગયા. હવે ભાવિક પહેલાં જેવા થઈ જશે. હવે ધીરે ધીરે એમને સારું થવા માંડશે. પણ ના, હું સાવ ખોટી પડી. આ પછી ફરી એ મને ઓળખતા નહીં, ને જો ઓળખતા તો એ પરી તરીકે. રોગી સાથે ઝગડો શું કરવો? ખોટું યે શું લગાડવું? એ જો થોડા પણ આનંદમાં રહી શકતા હોય તો મારા ધ્યેયમાં હું સફળ થઈ રહી હતી, એમ જ માનવાનું રહ્યુંને?

ધીમા ધીમા દિવસો પસાર કરતાં કરતાં દોઢેક વર્ષ આમ ગયું. એ દિવસે હું ચ્હા બનાવતી હતી એટલામાં દિવાનખાનામાં મોટો અવાજ થયો. ગૅસ બંધ કરીને દોડતી હું જોવા ગઈ તો ભાવિક પડી ગયા હતા, ને પીડામાં ઉંહકારા ભરતા હતા. તરત ઍમ્બ્યુલન્સ બોલાવી એમને હૉસ્પિટલમાં લઈ ગઈ. હાર્ટ ઍટૅક આવ્યો હતો. લકવાની પણ થોડી અસર થઈ હતી. હું રાત-દિવસ હૉસ્પિટલમાં જ રહેવા લાગી હતી. છ દિવસે કંઇક સારું લાગ્યું હશે તે એમણે આંખો ખોલી. કોઈને શોધતા હોય એમ આંખો ફેરવતા રહ્યા. એમની સ્થિતિ જોઇને મારું ગળું રુંધાઇ જતું હતું.

મોટાં બહેનને હવે ખબર આપું એમ વિચાર કરતી હતી. પણ ફોન કરું એ પહેલાં એક દિવસ ભાવિકે સીધું મારી સામે જોયું. એમના હોઠ ફફડ્યા. હું એકદમ પાસે ગઈ. સુમન, એમણે સ્પષ્ટ કહ્યું. સુમન. ઓહ, ભાન આવી ગયું લાગે છે, મને થયું. ને મને છેક પહેલાંની જેમ ઓળખી ગયા. હાશ. એમણે હાથ લંબાવ્યો. હું એને પંપાળવા લાગી. હવે એકદમ સારા થઈ જવાના, હોં - એવું કહેવા લાગી. એમના હોઠ ફરી ફફડ્યા. માફ - માફ - ..મેં જોરથી માથું હલાવ્યું. જરા હસીને એમનો હાથ દબાવ્યો. હું જોતી રહી ગઈ ને એમના હોઠ પર થૅન્કયૂ શબ્દ આકારાયો. ને પછી એ જતા રહ્યા.

• • •

મોટાં બહેનને મેં જ આવવાની ના પાડી. એ હવે એકલાં આવી શકે તેમ નથી. ને આમેય જ્યારે કશું જ બચ્યું નહોતું ત્યારે આવીને શું કરવાનું? મેં જ ઉતાવળ કરી છેને નીકળી જવા માટે.

મકાન ખાલી કરી નાખ્યું છે. મારી કહેવાય તેવી બધી વસ્તુઓનો નિકાલ થઈ ગયો છે. છેલ્લે આ ત્રણેક ફોટા હાથમાં રહ્યા છે. બેડરૂમના ખૂણામાંના ટેબલની પાછળથી નીકળ્યા. એકમાં ભાવિક અને મોટાં બહેન છે - અમે બધાં જ્યારે કુટુંબ હતાં ત્યારે લીધેલો. બંને સરસ હસે છે. એ મોટાં બહેનને મોકલી આપું છું. સરનામું કરીને કવર તૈયાર છે. બીજો આ ઘરનો છે. નવું નવું લીધેલું ત્યારે શૉખથી પાડેલો. એને શંકર ને સ્વાથિ માટે રાખતી જાઉં છું. રસોડાના ટેબલ પર મૂકું છું. તરત દેખાશે.

ને આ ત્રીજો ફોટો. એમાં અમારા એક વખતના બગીચામાં ઊગેલું ગુલાબનું મોટું લાલચટક ફૂલ છે, ને એને અડકવા લંબાયેલા એક નાનકડા હાથનો પડછાયો આવી ગયો છે. ભાર નથી ખમાતો એનો. જેટલું ઊંચકી શકાય તેટલું જ લઈને નીકળી જવું છે મારે. લગભગ ખાલી હાથે - જેમ હૈયું છે તેમ.