Many-Splendoured Love/પુણ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. પુણ્ય

અઠવાડિયાની શરુઆતથી જ ઘરમાં ઉત્સાહ વર્તાતો હતો. આ વખતે ચોથી જુલાઈનો દિવસ શનિવારે આવતો હતો. એટલે બધી રીતે મઝા, એમ ઉજાસને લાગતું હતું. લૉરેનને એ કહે, મૉમ, દર વર્ષે આવું જ થતું હોય તો. શુક્રવારે ઑફિશિયલ રજા, અને શનિવારે ચોથી જુલાઇ. રાતે મોડે સુધી જાગીને છેક કૅલિફૉર્નિયામાંની ઉજવણી દર વર્ષે ટૅલિવિઝન પર જોઈ શકાય. નૂરા રોજ અધીરાઇથી કહે, ઓ મૉમ, શનિવાર ક્યારે આવશે? તેજ તો સાવ નાનો. એ મોટાં ભાઇ-બહેનની પાછળ પાછળ ફરતો જાય, ને શનિવાર, શનિવાર ગાતો જાય.

કુંજીબહેને લૉરેનને પૂછ્યું, કેમ આ વખતે મોટાં બે ઘેલાં થયાં છે? લૉરેન કહે, આ વખતે ચિરાગે એમને કહ્યું છે કે એ પણ સાથે આવશે. ડૅડી સાથે પિકનિક પર જવા ક્યારે મળે? પેલાં બેનું જોઈને તેજ પણ ખુશ ખુશ છે. બે વર્ષ પહેલાં હું એમને લઈ ગઇ હતી, પણ તેજને એ ક્યાંથી યાદ હોય? પછી એણે ઊમેર્યું, અમ્મા - છોકરાંઓની સાથે એ પણ કુંજીબહેનને હવે અમ્મા કહેતી - તમે તમારાં ઓળખીતાંમાંથી ત્રણેક જણને ઈન્વાઇટ કરજો. તમને કંપની રહેશે. ને એ સિનિયર્સને ગમશે પણ ખરું. પણ લૉરેન, બધાં ગાડીમાં માશે નહીં, કુંજીબહેન બોલ્યાં. અમ્મા, આપણે બે ગાડી લઈ લઈશું. છોકરાંઓને ડૅડી સાથે એકલાં જવા મળશે એટલે એ તો જાણે ગાંડાં જ થઈ જવાનાં. ચિરાગ સાથે મારે વાત થઈ ગઈ છે.

કુંજીબહેનને મનોમન હસવું આવ્યું કે હવે એ પણ છોકરાંઓની જેમ જરા ઘેલાં થવાનાં હતાં. એમણે એમનાં સિનિયર બહેનપણીઓને ફોન કરવા ડાયરી ખોલી. પહેલા જ ફોને સુશીબાએ તો સાંભળીને તરત હા પાડી દીધી. કહે, મને તો આવવું બહુ ગમશે, ને તમે કહો તો હું શાંતાબેનને પૂછું. એમને બહાર નીકળવાનું ઓછું, એટલે આપણે પૂછીશું તો એમને સારું લાગશે. હા, હા, તમે જરૂર પૂછી જુઓ. પછી મને જણાવજો એટલે ખબર પડે કે બીજા કોઈને પૂછું કે નહીં. આપણે ત્રણ થતાં હોઈશું તો તો બસ છે. નિરાંતે વાતો થશે, બરાબરને?

શનિવારની સવારથી જ લૉરેને ગોઠવણ શરૂ કરી દીધેલી. પિકનિક માટે છોકરાંઓ માટે સૅન્ડવિચ બનાવી, એમને ભાવતી બ્રાઉની બેક કરી, પોતાને અને ચિરાગને માટે થોડું સાલાડ કાપી રાખ્યું, ચિઝ અને ક્રૅકર બહાર કાઢ્યાં, દ્રાક્શ અને સફરજન પૂરતાં છે કે નહીં તેની ખાત્રી કરી લીધી. કુંજીબહેન મદદ કરવા ગયાં તો કહે, અમ્મા, કાંઈ જ કામ નથી. હું પણ આવીને તમારી સાથે હમણાં બેસું જ છું.

ચૌદેક વર્ષ પહેલાં ચિરાગે એમને અને નવીનભાઈને જણાવ્યું કે એ લૉરેન નામની, મૂળ આર્જેન્ટિનાની છોકરી સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એ બંનેને આઘાત લાગેલો. બંનેએ ઘણો જીવ બાળેલો કે એકના એક દીકરાએ છેવટે આવું કર્યું? પણ જ્યારે ચિરાગ લૉરેનને લઈને દેશ આવ્યો ત્યારે જોતાંની સાથે જ બંનેને એ ગમી ગઈ. ઊંચી, પાતળી, કાળા વાળ, હસતી આંખો, અને પંજાબી ડ્રેસ પહેરીને આવેલી. કપાળમાં ચાંદલો કરવાનું એને કોણે શીખવાડ્યું હશે?, કુંજીબહેને વિચારેલું. બંને હાથમાં જોકે સાદી બંગડીઓ હતી. એમની નજરને જોઈને ચિરાગે કહેલું, મા, અમારા રાલે શહેરમાં સોનાની સારી બંગડીઓ અમને મળી નહીં.

લૉરેને કુંજીબહેનને અને નવીનભાઈને નીચા નમીને પ્રણામ કરેલાં, અને જૅશીરીક્રિશના કહેલું. જીવતી રહે, બેટા, આપોઆપ નવીનભાઈથી કહેવાઈ ગયેલું. કુંજીબહેન જલદી અંદર જઈ પોતાની રોજ પહેરવા કરાવેલી હીરાની બે બંગડીઓ લઈ આવેલાં, અને અંગ્રેજીમાં પૂછેલું, વિલ ધે ફિટ યુ? કુંજીબહેનના હાથ પકડીને લૉરેન બોલેલી, મા, મને જરૂર થશે. બહુ જ સરસ બંગડીઓ છે. પોતાનાં માતા-પિતાનાં મોં પહોળાં થઈ ગયેલાં જોઈ ચિરાગે હસતાં હસતાં કહેલું, મા, લૉરેન લિંગ્વિસ્ટ છે. મને મળી તે પહેલાં એ હિન્દી શીખતી હતી. હવે ગુજરાતી શીખવા માંડી છે. બોલે છે હજી થોડું, પણ સમજે છે લગભગ બધું.

ચિરાગ જરૂરી પેપર્સ લેતો આવેલો. અમેરિકા પાછાં જતાં પહેલાં એણે માતા-પિતાને ત્યાં લઈ જવાની એપ્લિકેશન કરી દીધી. લૉરેન કહેતી ગયેલી, મા, પપ્પાજી, અમે તમારા આવવાની રાહ જોઈશું.

કુંજીબહેન અને નવીનભાઈ અમેરિકા જવા નીકળ્યાં ત્યારે ચિરાગ અને લૉરેન એમને ફ્રાંસમાં મળેલાં, અને સાથે યુરોપમાં થોડા દિવસ ફરેલાં. વચ્ચેના મહિનાઓમાં લૉરેન સ્પષ્ટ રીતે જયશ્રીક્રિષ્ણ કહેતી થઈ ગઈ હતી. ઉપરાંત, ફ્રાંસ,જર્મની અને સ્પેઇનમાં ત્યાં ત્યાંની ભાષાઓની એની જાણકારી બહુ કામમાં આવેલી - ખાસ કરીને બધાં માટે ખાવાનું મેળવવામાં. એ પોતે પણ વેજીટેરિયન હતી - વર્ષોથી. દીકરા-વહુની સાથે પહેલી જ વાર પરદેશની ભૂમિ પર ફરવાનો એ સમય વડીલો માટે ઘણો કિમતી હતો. એમેરિકા પહોંચીને રાલે શહેરના શાંત વિસ્તારમાંનું સરસ ઘર જોઈને નવીનભાઈથી બોલાઈ ગયું હતું, ચિરાગ, આ તો જાણે ફાઇવ-સ્ટાર હોટેલ જેવું છે. ના, પપ્પા, તમે જોજો, હોટેલથી પણ વધારે કમ્ફર્ટેબલ લાગશે, ચિરાગે કહ્યું હતું.

કેટલું સાચું કહ્યું હતું દીકરાએ, કુંજીબહેન વિચારતાં હતાં. આટલાં વર્ષોમાં જ્યારે જ્યારે અમેરિકા આવ્યાં ત્યારે કોઈ તકલીફ પડવા દીધી નહતી એણે અને લૉરેને. નવીનભાઈના ગુજરી ગયા પછી ચિરાગે માને પોતાની પાસે બોલાવી લીધેલાં, અને ગ્રીન કાર્ડ લઈ લેવા માટે આગ્રહ કરવા માંડેલો. હમણાં તો વરસનો વીઝા છેને, ભઈ. પછી જોઈશું, કુંજીબહેને કહેલું. ધીરે ધીરે કરતાં ત્યાંના ગુજરાતી સમાજમાં એમને થોડી ઓળખાણો થયેલી, અને થોડી પ્રવ્રૃત્તિઓમાં એ કયારેક જોડાતાં પણ ખરાં, છતાં આખો વખત અમેરિકામાં રહેવાનો વિચાર એ કરી શકતાં નહતાં.

ચોથી જુલાઇનો જાહેર ઉત્સવ જોવાનો એમને માટે આ પહેલો જ પ્રસંગ હતો. સાંજ થતાં ઉજાસ અને નૂરા ડૅડી સાથે નીકળી ગયાં. નાનો તેજ અમ્માને છોડવા તૈયાર નહતો. બીજી ગાડીમાં લૉરેને કુંજીબહેન, તેજ અને પછી સુશીબા અને શાંતાબેનને લઈ લીધાં. બધાં નક્કી કર્યા પ્રમાણે પાર્કમાં ભેગાં થઈ ગયાં. ચોખ્ખી જગ્યા શોધી સાથે લાવેલી દરીઓને લૉરેને ઘાસ પર પાથરી, અને નાસ્તાની વસ્તુઓ વચમાં ગોઠવી. મા, તમારા અને માશીઓ માટે સરપ્રાઇઝ છે, કહી ચિરાગે પોપ્યુલર રાણી-ફૂડના બોક્સ બહાર કાઢ્યા. સમોસાં, કચોરી, ખમણ અને ખારી પૂરી. ભાવશેને? માશીઓ એક સાથે બોલ્યાં, આટલી બધી તકલીફ શું કામ, ભાઈ? લૉરેન કહે, હજી એક સરપ્રાઇઝ છે. આપણે બધાં માટે હું થરમોસમાં ચ્હા પણ લાવી છું. વાહ બેટા વાહ, સુશીબાએ કહ્યું.

બધાંએ ચ્હા કે જ્યૂસ અને નાસ્તો કર્યો, ને થોડી વાર પછી છોકરાંઓને લઈને ચિરાગ અને લૉરેન પાર્કમાં ચાલવા, દોડાદોડ કરવા, રમવા ઊઠ્યાં. તેજ માંડ માંડ માન્યો. સુશીબા કહે, કુંજીબેન, એ નાનકો તમને સાથે લઈ જવા માગતો હતો. હા, ખરી વાત છે. મને એટલો વળગેલો રહે છે. આટલું વ્હાલ તો મારા ચિરાગે પણ મને નહીં કર્યું હોય. અચાનક ભીની થઈ આવેલી આંખો લૂછતાં શાંતાબેન બોલ્યાં, તમારાં ગયા જન્મનાં પુણ્ય હશે, બેન. આ જમાનામાં છોકરાં તો શું દીકરા-વહુ પાસેથી પણ કશા ભાવની આશા રખાય તેમ નથી રહ્યું. પણ બેન, તમારા કુટુંબની તો વાત જ જુદી લાગે છે.

થોડું અંધારું થયું એટલે પહેલો એક સૂસવાટો સંભળાયો. જુઓ, જુઓ, ડૅડ, ફાયરવર્ક શરુ થઈ ગયું.

પછીની ચાલીસ મિનિટ નાનું-મોટું દરેક જણ તલ્લીન થઈને આકાશ તરફ જોતું રહ્યું. આ કાંઈ કોઠી અને તારામંડળની વાત નહતી. અહીં તો કળા તેમજ કૌશલ્યપૂર્વક ગૂંથેલા હજારો ગુબ્બારા ખૂબ ઊંચે જઈને છૂટા પડતા હતા, અને કેટલીયે જાતની ડિઝાઇન સર્જતા જતા હતા. ગોળમાંથી ગોળ બને, એક સીધા લિસોટામાંથી ઉપર ફૂલ જેવો આકાર બને, અસંખ્ય તારા ચમકી જતા લાગે. ઉપરાંત, લાલ, લીલા, સોનેરી, રૂપેરી જેવા રંગ દેખાય. જોવા આવેલા બધાં લોકોના આનંદનો પાર નહીં. સ્વાતંત્ર્ય દિનની કેવી ભવ્ય ઉજવણી થાય છે આ દેશમાં, નહીં? ને તે પણ ગામે ગામે, કુંજીબહેને કહ્યું. આજે આપણને સરસ તક મળી આવું જોવાની, નહીં? સુશીબા અને શાંતાબેને વારંવાર લૉરેનનો આભાર માન્યા કર્યો. જિન્દગીમાં આવું પહેલાં ક્યારેય જોયું નહતું, હોં બેટા, બંનેએ કહ્યું.

આ પછી કુંજીબહેનનું મન ચૂપચાપ કશાક વિચારે ચઢી ગયું. ચારેક દિવસ પછી એમણે ચિરાગને કહ્યું, જરા ટાઇમ હોય ત્યારે મારે એક વાત કરવી છે, ભઈ. એનું મોઢું જોઈ કુંજીબહેન ઉતાવળે બોલ્યાં, ચિંતા જેવું કાંઈ નથી. આ તો એક વિચાર તને જણાવવો છે. એ રાતે જમવાનું ને હોમવર્ક પતાવીને છોકરાં સૂવા ગયાં પછી ચિરાગ અને લૉરેન મા પાસે આવ્યાં. બંનેનાં મોંઢાં પર ચિંતા દેખાતી હતી. અરે, ખરેખર ચિંતા કરવા જેવું કાંઈ નથી, ભઈ, કુંજીબહેને ખાત્રી આપી.

બંનેને પાસે બેસાડીને એ કહેવા લાગ્યાં, જુઓ બેટા, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે મારે મદદરૂપ થવું છે. બહુ જણને સામટાં નહીં, પણ બે જણ-ત્રણ જણને એક સાથે મદદ કરી શકાય. એ રાતે આપણે પાર્કમાં ગયાં, સાથે આનંદ કર્યો, અને બે માશીઓને આનંદ કરાવ્યો પણ ખરો. પછી સોમવારે સવારે જ સુશીબાનો ફોન આવ્યો હતો. એમણે શાંતાબેનની થોડી વાત કરી.

શાંતાબેનની આંખોમાં આંસુ આવેલાં મેં જોયેલાં, પણ એમના જીવનની કોઈ વિગત મને ખબર નહતી. એમના વર પોણા બેએક વર્ષ પહેલાં અહીં જ ગુજરી ગયા. ત્યાર પછી એ સાવ એકલાં થઈ ગયાં છે. ઘરમાં કોઈ દિવસમાં બે વાત પણ નથી કરતું. નહીં વહુ, નહીં દીકરો કે નહીં છોકરાં. ક્યાંય જવા-આવવાનું પણ ભાગ્યે જ. એમની પાસે નથી દેશ જઈ આવવાના પૈસા, કે નથી એ દીકરા પાસેથી માગી શકતાં. સાવ ઓશિયાળા થઈને રહેવું પડે છે એમને. મારો બહુ જીવ બળતો રહ્યો છે ત્યારથી.

આવાં તો કેટલાંયે માશીઓ હશે અહીં. મા ને બાપ બંને હોય ત્યારે પણ દીકરો-વહુ ઉપેક્શા અને અપમાન કરતાં રહેતાં હોય એવું પણ બને છે. એક કિસ્સામાં તો મા-બાપને શૉપિંગ મૉલમાં લઈ ગયેલાં, ને હમણાં આવીએ છીએ કહી ત્યાં જ મૂકીને દીકરો-વહુ જતાં રહ્યાં હોય તેવું પણ સાંભળ્યું છે. ચિરાગ જરા જોરથી બોલી ઊઠ્યો, ના, આવું તો ના જ બની શકે. સાવ સાચી વાત છે, ભઇ. છાપામાં પણ આવી ગયેલું આ તો.

ખેર, કુંજીબહેન આગળ બોલ્યાં, મેં નક્કી કર્યું છે કે હવે મારે આવાં જણને મદદરૂપ થવું છે. ઇન્ડિયામાં ઘરડાંનાં ઘર થયાં છે, દુઃખિયારી બહેનોની સહાય માટે વિકાસગ્રૃહ ને વનિતા આશ્રમ જેવી સંસ્થાઓ છે, પણ અહીં અમેરિકામાં વિધવા થયેલી, કે વૃધ્ધ થતી જતી આપણી મોટી બહેનો, માશીઓ માટે કશું જ નથી. જો ભઈ, મને થાય છે કે ત્યાં આપણું મોટું ઘર છે, પૈસાની પૂરતી સગવડ તારા પપ્પાજી મૂકતા ગયા છે. દર શિયાળે બે કે ત્રણ આવી મોટી બહેનોને હું આપણે ત્યાં લઈ જાઉં, રાખું, બને તો નજીકમાં ક્યાંક ફરવા લઈ જાઉં. અહીંની ઠંડીમાંથી છૂટકારો તો મળે થોડો વખત. ને જરૂર હોય તેમને માટે હું ટિકિટના પૈસા ખર્ચવા પણ તૈયાર છું.

ઓ અમ્મા, લૉરેને કુંજીબહેનને ભેટતાં કહ્યું. ચિરાગ સોફા પરથી ઊતરી એમના પગ પાસે બેસી ગયો. મા, તું - તને -- એ વધારે બોલી ના શક્યો. ભઈ, મારે તને અને લૉરેનને એ પૂછવું છે કે ઘર અને પૈસા આ રીતે વપરાય એમાં તમને કોઈ વાંધો નથીને. અરે મા, શું કહે છે તું? બધું તારું જ છે ને? હા અમ્મા, ત્યાંનું જ નહીં, અહીંનું બધું પણ તમારું જ છે હોં.

પણ મા, તેં બધો વિચાર કર્યો છે? હા. ભઇ. હું વિચારું છું કે શોખ ને આવડત હોય તે પ્રમાણે માશીઓને ચિત્ર, ભરત-ગૂંથણ, ભજન વગેરે શીખવાડવા ટીચર ગોઠવી શકાય. સામે કોઈ માશી આજુબાજુની છોકરીઓને વાંચતાં-લખતાં અને થોડું અંગ્રેજી પણ શીખવાડી શકે. બધાંને ફાયદો થાય. વળી મને એમ છે કે શાંતાબેન જેવાં ત્યાં લાંબું રહી શકે તો આખું વર્ષ આ મદદ આપણે આપી શકીએ. એ ખરું, ચિરાગે કહ્યું, પણ આપણે જવાબદારી વિષે ખાસ વિચારવું પડે. કોઈ માશી ત્યાં માંદાં પડે તો શું? કોઈનાં સગાં કશો વાંધો કાઢે તો શું? એક માશી વધારેમાં વધારે કેટલું રહી શકે? કે પછી અમુક જણને જ દર વર્ષે આ લાભ આપવો છે? વગેરે બાબતો પર ધ્યાન આપવું પડે. તારે તો નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી છે. તારે કોઈ પણ રીતે હેરાન થવું પડે એમ ના બનવું જોઈએ. ભઇ, તમારાં બંનેની સલાહ વગર હું કશું જ નથી કરવાની.

લૉરેન કહે, હજી તો જુલાઈ શરુ થયો છે. શિયાળાને હજી વાર છે. એ દરમ્યાન આપણે બધી જરૂરી બાબતોની ચર્ચા કરતાં રહીશું. પણ અમ્મા, તમારા પ્રોજેક્ટમાં મદદ કરવા હું તો થોડો વખત ત્યાં આવી જ જવાની, હોં. ચિરાગ ઉતાવળે બોલ્યો, તો હું પણ આવી જઈશ. કુંજીબહેન હળવાશથી કહે, જેમને ખરેખર મદદની જરૂર હોય તેવાં માટે ઘરમાં રૂમો ખાલી રહેવા દેજો, હોં ભઇસાબ.

સવારે ઊઠીને તેજ કાગળ વાળીને ઉજાસે બનાવી આપેલું તીર હાથમાં લઈને, એરપ્લેન ઉડાડતો હોય એમ આખા ઘરમાં દોડતો ફરતો હતો. કુંજીબહેનની પાસે આવીને મીઠડો થઈને કહે, અમ્મા, તું ને મું આ પ્લેનમાં બેસીને ઝુંઇઇઇઇઇઇઇ-----