The Hidden Life of Trees

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Hidden Life of Trees-title.jpg


The Hidden Life of Trees

What They Feel, How They Communicate
(Discoveries form a Secret World)

Peter Wohllben

વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન

તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે?
વૃક્ષોની રહસ્યમયી દુનિયામાં ડોકિયું


પીટર વૉલબેન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય :

પીટર વૉલબેન ૨૦થી વધુ વર્ષોનો વન(નિ)વાસ અને વન વ્યવસ્થાપનનો અનુભવ અને વન-વૃક્ષ સંશોધનનું ઊંડાણ ધરાવતા એક લેખક છે. જર્મનીના એફિલ(ટાવર નહિ) પ્રદેશમાં પોતાનું ફોરેસ્ટ એન્ટરપ્રાઈઝ શરુ કરવા એમણે નોકરી છોડી દીધી. જ્યાં એમણે વૈકલ્પિક વનીકરણમાં મહારત મેળવી. તેઓ આદિવન-જંગલની કુદરતી વૃદ્ધિ-માનવ હસ્તક્ષેપમુક્ત-ના હિમાયતી છે. તેમણે જંગલ અને પર્યાવરણ સુરક્ષા અંગે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાંનું એક છે : Der Wald-Ein Nachruf (The Forest-An Obituary) જંગલની અવસાન-નોંધ (બેસણું)

પીટર વૉલબેનનો જન્મ ૮ જાન્યુ.૧૯૬૪ના રોજ જર્મનીમાં Bonn શહેરમાં થયેલો. તેમણે ફોરેસ્ટ્રીનો અભ્યાસ કરીને બે દાયકા સુધી જર્મનીમાં જંગલ ખાતામાં Rhineland-Palatinate ખાતે નોકરી કરી. આ કાર્ય-ફોરેસ્ટ મેનેજમેન્ટ-અને વન(નિ)વાસ દરમ્યાન એમને કુદરતની ઇકોસીસ્ટમને જોવા-સમજવાની સ્વાનુભવે તક મળી. આ દરમ્યાન એમના મનમાં એ પરંપરાગત વન-વ્યવસ્થાપન-પ્રવિધિ અંગે ઘણા પ્રશ્નો જાગ્યા કે આપણે તો માત્ર વધારેમાં વધારે લાકડું અને વન-પ્રદેશો કેમ મળે તેવો જ લોભી દૃષ્ટિકોણ લઈને મંડ્યા છીએ, વૃક્ષોની જટિલ આંતર સંબંધવાળી, રહસ્યમયી જીવનશૈલી તો જોતા-જાણતા જ નથી, એની તો અવગણના કરીએ છીએ. આ તો અમાનવીય ગણાય...

એમને વૃક્ષના સામાજિક વર્તન અને જંગલમાં ઝાડવાંના આંતરસંબંધોમાં આકર્ષણ જાગ્યું અને તેનો અભ્યાસ કરી નોંધો કરતા ગયા. પછી તો એમણે જંગલનું આ ગુપ્તજ્ઞાન માનવજગતમાં પ્રસારવાનું મિશન જ બનાવી દીધું. વન વિભાગની સરકારી નોકરી અને તેનો લોભી અભિગમ છોડી, Hummel-જર્મનીમાં એક વન-સંસ્થાન(ફોરેસ્ટ એકેડમી) જ ખોલી દીધું. જ્યાં તેઓ વિકાસક્ષમ અને વિશ્વસનીય વનવિદ્યા પ્રવિધિઓ અને ધરતીમાતાને ખોળે વસતાં પ્રાણી જગત-વનસ્પતિ વિશ્વની સુરક્ષા-સંવર્ધનની અનિવાર્યતાનું શિક્ષણ આપવા માંડ્યું.

૨૦૧૫માં એમને આ પુસ્તક The Hidden Life of Trees દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી, એ મનમોહક, જ્ઞાનવર્ધક અને દૃષ્ટિકોણ સુધારક વાચન સામગ્રી બેસ્ટસેલર નીવડી. વાચકોને સમજાયું કે વૃક્ષો માત્ર સ્થિર ઊભેલાં જડ ઝાડવાં નથી, પણ તેમને તેમનો જીવંત સમાજ છે, તેઓ સંવેદનશીલ છે, સહયોગી છે અને એકબીજા જોડે કમ્યૂનીકેટ પણ કરે છે.

આ પ્રથમ પુસ્તકની અપાર લોકપ્રિયતાને સફળતા પછી એમણે આવી જ રસિક છતાં સરળ લોકભોગ્ય શૈલીમાં વૃક્ષો વિશે ઘણાં પુસ્તકો લખ્યાં, જેનાં વિશ્વની ભાષાઓમાં અનુવાદો થયા, જેણે ઝાડ-જંગલને જોવાની જનતાની દૃષ્ટિ જ બદલી નાખી. લેખક અનુભવી અભ્યાસુ હોવા ઉપરાંત સારા જાહેર વક્તા પણ છે. એમણે માનવી અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતાપૂર્ણ સંબંધ સ્થાપન, કુદરતનાં આશ્ચર્યજનક રહસ્યો, પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો ઉપર પ્રવચનો-લખાણો દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું પ્રેરક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. પ્રકૃતિ માટે આપણામાં અહોભાવ અને આભારવશતાનો ભાવ જાગે, અને ધરતીની ઇકોસીસ્ટમ સાથે માનવીના વ્યવહારોનું નીતિપૂર્ણ, દયામય માનવીય અનુસંધાન સધાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે—એવો સારસંચય લેખક આપણને ગાંઠે બંધાવે છે, પણ આપણે ક્યાં કોઈને ગાંઠીએ છીએ, આપણે તો ગાંઠિયા ખાઈએ છીએ ને કુદરત પ્રત્યે પરંપરાગત ખોટા ખ્યાલની ગાંઠોને વળ આપતા જઈએ છીએ... એમાંથી બહાર આવી આવાં પુસ્તકને આવકારીને આપણો દૃષ્ટિકોણ એ મુજબ બદલીએ.. નવા વિચારોથી નવપલ્લવિત થઈએ..!

વિષયવસ્તુ :

૨૦૧૫માં જર્મનમાં અને ૨૦૧૬માં અંગ્રેજીમાં પ્રકાશિત વનસ્પતિ જગતમાં વિહાર કરાવતા આ પુસ્તકમાં ૩૬ જેટલાં નાનાં નાનાં રસપ્રદ અને રૂપકાત્મક શીર્ષકો, બીચ-બર્ચ-પાઈન જેવાં વૃક્ષોનાં ચિત્રો સમાવિષ્ટ છે. અસંખ્ય સંકુલ ચક્રો(cydes)માં ગૂંથાયેલા આપણાં વૃક્ષમિત્રો તેના અસ્તિત્વ માટે હવા-પાણી-પ્રકાશ-પોષણ મેળવવા સતત સંઘર્ષરત રહેતાં હોય છે. પરિણામસ્વરૂપે એમનામાં આશ્ચર્યજનક ક્ષમતાઓ વિકસે છે : તમને જાણીને નવાઈ લાગશે કે વૃક્ષો એકબીજા સાથે પ્રત્યાયન(communication) વાત પણ કરે, એકમેકને મદદ કરે, ફૂગ અને બીજાં જીવડાં-જંતુઓ જોડે સહયોગ પણ સાધે, તેમને સ્મૃતિ પણ હોય, અરે, તેમનું પોતાનું વિશિષ્ટ ઈન્ટરનેટ નેટવર્ક સુધ્ધાં હોય છે! વનસ્પતિવિશ્વની આવી વિશ્વાસ ન પડે ને શ્વાસ અધ્ધર કરે તેવી અવનવી માહિતીમંડિત આ પુસ્તક તો વાંચવું જ રહ્યું....

વિષય પ્રવેશ :

આ પુસ્તકમાં મારે માટે શું છે? આ પુસ્તક, વૃક્ષોના સંકુલ સંસારનું મનમોહક અને માહિતીપ્રદ સંશોધન કરે છે. જંગલમાં વૃક્ષો નવાઈ પમાડે તેવી રીતે એકબીજા જોડે સંવાદ, સહકાર અને સ્નેહ પણ કરે છે. જગદીશચંદ્ર બોઝે ‘વનસ્પતિમાં પણ જીવ’ હોવાની શોધ કરી તે પછી આપણી દૃષ્ટિ બદલાઈ, બાકી તે પહેલાં પરંપરાગત રીતે આપણે ઝાડને માત્ર એક સ્થિર પદાર્થ તરીકે ગણતા હતા, પણ હવે માનીએ છીએ કે વૃક્ષો એક અટપટી અને જીવંત-કંપનયુક્ત ecosystem પણ રચે છે. લેખક પોતાના વનવિજ્ઞાનના અનુભવો અને વૈજ્ઞાનિક સંશોધનોને આધારે વન અને વનસ્પતિનાં વણપ્રીછ્યાં રહસ્યો પ્રતિ મોહક અને મઝાની યાત્રા કરાવે છે. વૃક્ષોના જીવન અને આંતર સંબંધોમાં ઊંડી આંતરદૃષ્ટિ કરાવે છે.

સામાન્ય વાચકને નવાઈ લાગે કે વળી ઝાડ વિશે, શું પુસ્તક લખવાનું? એ તો મારા વાડામાં/ખેતરમાં વર્ષોથી ઊગેલું-ઊભેલું-ખીલતું-કરમાતું, લીલાંપાન-ખાખી છાલવાળું એક કંટાળાજનક ઝાડવું જ છે ને? હા, તડકામાં છાંયડો આપે, ફળ-ફૂલ તો એના ઉપર કુદરતી આવે, એની ડાળ ઉપર હીંચકો બાંધી ઝૂલવાની મઝા આવે એટલું જ ! એની વળી કોઈ દુનિયા હોય? એમાં શું જાણવાનું?

વહાલા વાચકો, એવું નથી, તમે માનો એટલું ઝાડ બોરીંગ નથી. ઉપરવાળાની એ અદ્ભુત રચના છે. જાણશો તો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તેમનું પણ એક જાતનું ઈલેક્ટ્રીક ઈન્ટરનેટ નેટવર્ક હોય છે જેના દ્વારા એના ઉપર જંતુઓનો, પ્રાણીઓનો હુમલો કે અન્ય પ્રહાર થાય, કઠિયારાની કુહાડી પડે ત્યારે તે માઈલો દૂર રહેલાં તેનાં મિત્રો, સગા-સંબંધીને ચેતવણીના સિગ્નલ્સ મોકલે છે કે ચેતજો, જોખમ તોળાઈ રહ્યું છે. અથવા જયારે તેની માટીમાં પૂરતો નાઈટ્રોજન નથી હોતો ત્યારે fungi ફંગસ-ફૂગ સાથે સહયોગ સાધે છે. અથવા વૃક્ષ વૃક્ષનાં વ્યક્તિત્વો(વૃક્ષત્વો) અલગ અલગ હોય છે. પાન ક્યારે ખેરવવાં ને ખીલવવાં, ફળ-ફૂલ ક્યારે જન્માવવાં એ બધું તેને ખબર હોય છે.

જોયું ને? વગડામાં-વનસ્પતિવિશ્વમાં તો સંશોધનની અપાર શક્યતાઓ છૂપાયેલી છે. તેઓ મનુષ્યો-પ્રાણીઓ કરતાં લાખો વર્ષ પહેલાં આવેલાં ધરતીમાતાનાં સંતાનો છે,માટે આપણાં ‘મોટાંભાઈ’ થયાંને? એમણે પોષણ-પાણી-પ્રકાશ-પવન માટે જીવનભર સંઘર્ષરત રહેવું પડે છે. આપણે તો લડાયક પડોશી હોય કે ના ફાવે તો ઘર બદલીને બીજે રહેવા જતા રહીએ, પણ ઝાડ બિચારું! જ્યાં ઊગ્યું ત્યાં જ એણે પાંગરવું પડે, જિંદગી ખેંચી કાઢવી પડે. એને ખેંચી કાઢો તો મરી જાય...આથી એણે સ્થિરતાથી વસવા-શ્વસવા માટે આસપાસની બધી સજીવ સૃષ્ટિ સાથે દોસ્તી-સહકાર કે ક્યારેક દુશ્મની પણ કરવી પડે.

આખું જીવન વૃક્ષો વચ્ચે વસનાર અને વૈજ્ઞાનિક બની વિહરનાર પીટર વૉલબેન સિવાય આ બધું કોણ વધુ સારી રીતે સમજાવી શકે? બાળપણથી જ એને પર્યાવરણ સુરક્ષામાં ભારે રસ. અને ૩૦ વર્ષથી વધુ સમય એમણે વૃક્ષમિત્રો વચ્ચે વનમાં જ વીતાવ્યો. ભગવાન શ્રી રામની જેમ ૧૪ જ વર્ષ નહીં, એનાથી બમણો વનવાસ કર્યો, કામ કર્યું, સંશોધન કર્યું. માનવીય અને કુદરતી હોય તેવી વનવિદ્યા વિકસાવી, વ્યાપક દૃષ્ટિ અને સંવેદનશીલ દૃષ્ટિકોણથી અમાપ વિગતો એકત્ર કરી અને આ એક જ નહિ પણ આવાં સાત-આઠ પુસ્તકો લખ્યાં. જેના શબ્દે શબ્દે, પાને પાને, વન અને વન સૃષ્ટિ માટે એમનો વિસ્મયભાવ છલકે છે.

તો ચાલો, પીટર બ્રધરની આંગળી ઝાલી જંગલની કેડીએ વિહરીએ અને આપણાં હરિયાળાં ‘મોટાંભાઈ’ની મોટાઈ-મહત્તાને નાનામાં નાની વિગતોથી પામીએ.

આ પુસ્તકનાં નાનાં નાનાં વાચનક્ષમ, રસિક એવાં ૩૬ પ્રકરણોને ૩ જ મુદ્દાથી સમજીએ.

  • Aphids જ્યારે વૃક્ષનું લોહી પીએ છે ત્યારે શું થાય છે?
  • બોમ્બવર્ષા કરતાં મશરૂમ્સ (બિલાડીનો ટોપ) કેવી રીતે વધારે જીવંત વસ્તુઓને મારી નાંખે છે?
  • વૃક્ષો સંડાસ કેવી રીતે કરે છે?

ચાવીરૂપ ખ્યાલ

૧. ધરતીમાતાનાં ફેફસાં એવાં વૃક્ષો વૈશ્વિક જળ અને અંગારવાયુ ચક્રમાં જીવંત-મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(Our Planet’s lungs: Trees play a vital role in global water and carbon dioxide cycles.)

વૃક્ષોની વિસ્મયજનક અને મોહક ક્ષમતાઓમાં ડૂબકી મારતાં પહેલાં ચાલો, વનસ્પતિના મહત્ત્વ વિશે જરા વિચારી લઈએ.

માનવજાતિ ઉપર વનસ્પતિજગતનો મોટો ઉપકાર છે : તે આપણી શ્વાસમાં લેવાની હવા શુદ્ધ કરે છે. જગતમાં દૂરનાં સ્થાનોમાં પણ તે આપણને પાણી મેળવી આપવામાં મદદરૂપ છે. વૃક્ષો વિના માનવીનું આ અવની ઉપર અસ્તિત્વ જ કલ્પવું દુષ્કર છે. વૃક્ષ પરમ હિતકારી!

વૃક્ષો-વનસ્પતિ વિના ધરતીનું ઉપરનું પડ સુકાઈ જાય. શાળામાં આપણે જળચક્ર ભણ્યા છીએ તે મુજબ ધરતી પરના પાણીની ગરમીમાં વરાળ થાય, તેનાં વાદળ બને, તે સૂકી જમીન ઉપર પવન ફૂંકાય, વરસાદ પડે, તે પાણી ઝરણાં-નદીમાંથી વહીને પાછું સાગરમાં સમાય... પાછી તેની વરાળ થાય...વગેરે.

પણ વાચકો, આ સાદી લાગતી જળચક્ર, પ્રક્રિયામાં વૃક્ષો શું કરે છે તે તો આપણને દેખાયું જ નહિ? બતાવું, આવો. દરેક પાણી ભરેલું વાદળ આગળ કેવી રીતે વધે છે? જો ઝાડ ન હોય તો દરિયા કિનારાના ૬૦૦ કિ.મી.ના વિસ્તાર-પટ્ટામાં જ વાદળો વરસ્યા કરે અને બાકીની દૂરની ધરતી કોરી રહી જાય... અરે, વાદળોના જળરાશિને પાઈપલાઈન વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાવવાનું કામ ઝાડ જેવા ગંજાવર વોટર પમ્પનું છે. દરિયા કિનારા પાસેનાં જંગલોમાં વરસાદ પડે તેનું મોટા ભાગનું પાણી ઝાડનાં પાંદડાં ઉપર અને જંગલની જમીન ઉપર રહે છે. એ પાણી પછી બાષ્પીભૂત થાય, વાદળ બને, પવનથી તે દુનિયાભરમાં ફેલાય ને ત્યાં જ વરસે...

ભૂખંડોના અંતરિયાળ પ્રદેશોને ભીંજવવા ઉપરાંત વૃક્ષો અંગારવાયુ ખેંચી લઈ પ્રાણવાયુ પ્રાણીજગત માટે પાથરે છે ને આપણને જીવતા રાખે છે, પર્યાવરણ-સુરક્ષા કરે છે, વાતાવરણમાંથી CO2 લઈને પોતાનમાં સંગ્રહે છે, અને જયારે ઝાડ મરી જાય ત્યારે એમાંનો બચેલો વાયુ એ પાછું વાતાવરણમાં રીલીઝ કરે છે, પણ ઘણો બધો તો એમાં જ રહી જ જાય છે. એ મરેલાં, સૂકાં વૃક્ષો બળતાં, કોલસા કે ધૂમાડા/વાયુના સ્વરૂપમાં તે પાછો વાતાવરણમાં આવે છે, અને ગ્લોબલ વોર્મિંગ વધે છે. આપણે એટલો બધો CO2 પેદા કરીએ છીએ કે વૃક્ષો તેને સંગ્રહી શકતાં નથી. આમ, તમે જોઈ શકો છો કે વૃક્ષો ઉપર કુહાડી મારીને અને ઉદ્યોગોમાં પ્રદુષિત વાયુ પેદા કરીને આપણે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છીએ. ઝાડ વિના માનવનું અસ્તિત્વ અશક્ય છે.

૨. વૃક્ષ એનાં ઊંડા ભૂમિગત મૂળ દ્વારા જમીન સાથે વિવિધ રીતે આંતર સંબંધ રાખે છે.

(These roots run deep : Trees interact in many different ways with the forest soil.)

વૃક્ષો આપણા વૈશ્વિક પર્યાવરણનો એક અનિવાર્ય અંશ છે એટલું જ નહિ તેઓ આપણી અન્નદાતા ધરતી માતાનો આધાર પણ છે, પોતાને ધારણ કરતી માટી જોડે ઝાડ વિવિધ રીતે ઇન્ટરએક્ટ કરે છે, સક્રિય સંપર્ક રાખે છે.

ધરતી/પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી હશે તેનાં લાખો વર્ષ પછી એના ઉપર જીવન પાંગર્યું હશે. ધરતીનો મોટો ભાગ વનસ્પતિથી છવાયેલો આજે તો દેખાય છે, પણ તે પૂર્વે ખડકો, ખનીજો, ભેખડો, હવા અને પાણી જ બધે નજરે પડતાં હશે. સમય જતાં, પવન અને પાણીના મારથી ભેખડો ધોવાઇને ગ્રેવલ, રેતી બની, જ્યાં લીલ-શેવાળ જેવી એકકોષીય જીવસૃષ્ટિ જન્મી.

એ પ્રારંભિક બાયોમાસ પછી નાનાં નાનાં છોડવાં, ઘાસફૂસ અને વખત જતાં વેલા-વૃક્ષ વિકસ્યાં. એ બધાં એમનું આયુષ્ય પૂરું કરી ધરતીની ગોદમાં પોઢ્યાં અને decomposed થયાં. સડીને પાછાં માટીમાં મળી ગયાં. પાછાં તે નાનાં જીવાણુઓની મદદથી હ્યૂમસ (topsoil)માં પરિણમ્યાં, જે તત્ત્વમાંથી ઊગ્યાં, પાંગર્યા હતાં તેમાં જ વિલીન થયાં. આ લાખો વર્ષો પૂર્વે દટાયેલાં વનસ્પતિ-અવશેષો પછીથી તેલ અને કોલસો બન્યાં.

જીવંત વૃક્ષો પણ ધરતી સાથે અનેક રીતે સંકળાયેલા છે. એમણે તો ઊગવા અને ઊભા રહેવા માટે ધરતીની અંદર મૂળરૂપી લંગર જ નાખેલાં હોય છે ને? પણ જહાજનું લંગર નિર્જીવ લોખંડ અને દોરડા વડે જહાજને સ્થિર રાખે છે, પણ મુળિયાનું જીવંત લંગર તો ઝાડને પાણીને પોષણ પાવાની નાની નાની પાઈપલાઈન જેવું છે. મૂળ દ્વારા ખેંચાયેલું પાણી થડ-ડાળી-ડાળખાંમાં થઈ ઝાડના રસોડામાં-પાંદડાંમાં પ્રકાશ સંશ્લેષણ(ફોટોસીન્થેસીસ) કરાવવા પહોંચે છે. મૂળનું આટલું જ કામ નથી, નજીક નજીક આવેલાં પડોશી-વૃક્ષોનાં મૂળ પોષક તત્ત્વો અને માહિતીની આપ-લે પણ કરે છે. હજી આગળ જુઓ, ઊંડા ઊતરો-ઝાડનાં મૂળ ફંગસ જોડે ભૂમિગત જોડાણો પણ સાધે છે. આ ઘટના વિશે આગળના પ્રકરણોમાં જોઈશું.

હવે પાનબાઈનો વારો...ઝાડ એનાં પાંદડાં ખેરવીને ધરતીને પોષકતત્ત્વો પરત કરે છે. આપણે પણ ભોજનમાં પાચન પછી શરીરને બિનજરૂરી કચરો મળરૂપે બહાર કાઢી નાખીએ છીએ તેમ, ન વપરાયેલાં પોષક તત્ત્વો, પાન ખેરવીને ઝાડ ઉત્સર્ગ ક્રિયા કરે છે.

૩. વૃક્ષોમાં ઊંચો બાળમૃત્યુદર : નાનાં ઝાડ, છોડ ભયગ્રસ્ત જીવન જીવે છે.

(A high rate of child mortality : Young trees live dangerous lives.)

વૃક્ષો વિના તો આપણે તરસે મરીએ, સ્વચ્છ હવા ન મેળવી શકીએ અને જમીન પણ શુષ્ક થઈ જાય. આટલા મહત્ત્વપૂર્ણ હરિયાળાં મિત્રો વિશે આપણે અંધારામાં રહીએ તો કેમ ચાલે? માટે તેમનો પરિચય કરી દોસ્તી કરવાનો સમય પાકી ગયો છે. જાણીએ, એમનું જીવન કેવું (લાગે) છે?

એના જીવનની શરુઆતથી જોઈએ. દરેક વૃક્ષની જન્મપ્રક્રિયા જુદી જુદી હોય છે. કેટલાકનાં બીજ નાનાં હોય તે પવન દ્વારા પ્રસરે છે. તો વળી ઓક અને ચેસ્ટનટ જેવાં મોટાં વૃક્ષનાં બીજ સામાન્ય રીતે પ્રાણીઓ દ્વારા પરિવહન પામે છે. બધાં જ બીજ ઊગે જ એવું નથી હોતું. ઘણાં પરિવહનમાં ખરાબ થાય, તૂટી જાય, નકામાં જાય એમ પણ બને. દરેક પ્રકારનાં ઝાડનું જે તે વિશિષ્ટ સ્થાન, ચોક્કસ પ્રકારનું વાતાવરણ, માટી, હવા, પાણી પ્રકાશની પ્રાપ્યતા ઉપર જીવન આધારિત હોય છે.

એવાંયે બર્ચ ટ્રી જેવાં વૃક્ષો હોય છે જેને જંગલમાં એકબીજાની સંગે, સુરક્ષામાં ઊગવાનું, પસંદ હોય છે. જ્યારે પોપલર જેવાં કેટલાંક મોટાં વૃક્ષોને ગૌચરની ખુલ્લી જગ્યામાં એકલાં ઊગી પૂર્ણ સૂર્યપ્રકાશ-હવા-મોકળાશપૂર્ણ જગ્યા માણવાનું ગમે છે. પણ આમ બહાદુરીપૂર્વક એકલાં ઊગવામાં તેમને વા-વંટોળ-ઝંઝાવાત જેવાં ભયસ્થાનોનો સામનો કરવાનો રહે છે.

કમનસીબે, બીજના ઊગી જવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. પરિપક્વ થઈને કે કાચાં, કૂમળાં રહીને, એક યા બીજી રીતે પરિવહન પામી, તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જઈ પડવાની અને વેડફાઈ જવાની શક્યતા વધારે રહે છે. ઊગી ગયાં તો તેનું નસીબ ! વધુ પડતી પાણી ભરાઈ રહેવાની જગ્યાએ કે તદ્દન પાણી વિનાની જગ્યાએ કે પત્થર ઉપર, તિરાડોમાં-ગુફામાં અંધારી જગ્યાએ જઈ પડેલાં કમનસીબ બીજ કેવી રીતે ઊગી શકે? અને કદાચ જગ્યા-જમીન અનુકૂળ મળી પણ જાય તોયે બીજા અનેક ભય તેના માથે તોળાતા હોય છે-પ્રાણીઓ ખાઈ જાય, કચડાઈને તૂટી જાય, તોફાનમાં ખરાબ થાય, ગમે તે થઈ શકે. વાસ્તવમાં દરેક ઝાડના જીવનકાળમાં (કેટલાંક મોટાં ગંજાવર વૃક્ષ તો કેટલીક સદીનું આયુષ્ય ધરાવે છે) માત્ર એકાદ જ વૃક્ષબાળ બધાં ભયસ્થાનોનો સામનો કરતાં કરતાં પૂર્ણ વૃક્ષત્વને પામે છે. પણ નાનું ઝાડ જેમ જેમ મૂળ નાખતું જાય, તેમ શરુઆતમાં વર્ષોમાં ટકી જાય તો પછી તેની આશ્ચર્યજનક ક્ષમતાઓ પ્રગટ કરતું જાય છે.

૪. નર્સરી સ્કૂલ : વૃક્ષને પણ તેનું વૃક્ષત્વ હોય છે અને શીખવાની ક્ષમતા પણ !

(Nursery School : Trees have personalities and are able to learn)

નાનાં ઝાડ(છોડ) માત્ર ઊગીને વધતાં જ નથી, તેનું વ્યક્તિત્વ/સ્વ-રૂપ/વૃક્ષત્વ પણ વિકસાવે છે, અને વર્ષો જતાં તેના પર્યાવરણ વિશે અને તેમાં કેવી રીતે વર્તવું તે શીખી જાય છે.

આપણાં વ્યક્તિત્વો જેમ દર માણસનાં અલગ અલગ હોય છે. કેટલાંક ઉત્સુક, તો કોઈક હિંમતવાન, કોઈક નરમ-કોઈક કડક... આપણે તો ઝાડને દરરોજ એક જ જગ્યાએ, એક જ રીતે ઊભેલું જોઈએ છીએ, એટલે એમ માની લઈએ છીએ કે ઝાડ કાંઈ કરતું તો નથી..પણ એવું નથી. ઋતુ બદલાય, પાનખર આવે ઝાડ પાન ખેરવે, વસંતમાં પાન ખીલવે, ફૂલ બેસે, તેમાંથી ફળ બતાવે, કાચાંમાંથી ફળ પાકાં બનાવે... શું આ બધું ખાવાના ખેલ છે? તમે કરી જુઓ, જોઈએ ! ઝાડ બિચારું મૂંગું મૂંગું એકલું કેટલી મહેનત-મથામણ કરતું રહે છે !

લેખકની જમીન ઉપર ત્રણ ઓક ટ્રી નજીક નજીક ઊગ્યાં છે. એકમેકનાં થડ સ્પર્શે છે. નવાઈની વાત એ છે કે પાનખરમાં એ ત્રણમાનું એક ઝાડ હંમેશા બીજાં તેનાં બે પડોશી ઝાડ કરતાં 15 દિવસ વહેલું પાન ખેરવે છે. બાકી એ ત્રણે ત્રણને એક જ જમીન, હવામાન-ઉષ્ણતામાન-સુર્યતાપ વગેરે મળે છે, તો પછી એ એના બે પડોશી કરતાં વહેલું કેમ પાનખરમાં પ્રવેશતું હશે? બસ, એટલું જ કે તે વધારે કાળજીભર્યું છે. જે ઝાડ પાનને વધુ દિવસો ટકાવે છે તે વધુ પ્રકાશ સંશ્લેષણ કરે છે ને વધારે પોષક દ્રવ્યો સંગ્રહે છે. જો કે ઝાડ જેટલાં વધુ દિવસ પાંદડાં ટકાવે છે, તેટલું એને બરફનું જોખમ, સ્ટોર્મથી ઈજાની શક્યતા પણ વધારે રહે છે.

વૃક્ષો અનુભવથી શીખે પણ છે. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે ઘણા નિર્ણયો લેવા પડતાં હોય છે. પાન ક્યારે ખેરવવા? મૂળને કઈ દિશામાં વિકસાવવા-જ્યાં વધુ પોષક દ્રવ્યો મળે ત્યાં? કે વધુ ભેજ મળે ત્યાં? એનું સંતુલન કેવી રીતે સાધવું જેથી ઝાડને મજબૂત સ્થિર જમીન-ગ્રીપ પણ મળે. અનુભવથી ઝાડ શીખે એટલું જ નહિ, ભૂલમાંથી પણ શીખે છે. દા.ત એક વર્ષે ઝાડે એનાં પાનને વધુ પડતાં લાંબાં વિકસાવ્યાં, તો બીજે વર્ષે એ ભૂલ સુધારી પણ લે. આથી આપણે બીજાં પણ કેટલાંક તારણો કાઢી શકીએ :

વૃક્ષ દિવસની લંબાઈ, તાપમાન, ભેજનું પ્રમાણ વગેરેનું પણ ધ્યાન રાખે છે. અને એના અનુભવ કશેક સેવ કરી રાખે છે. તમને થશે ક્યાં? એને મગજ તો હોય નહિ, પણ એમ મનાય છે કે એના મૂળનો સંવેદનશીલ અગ્રભાગ માહિતી અને અનુભવોનો રેકોર્ડ રાખે છે.

વૃક્ષો પોતાની કાળજી રાખવામાં કુશળ છે એટલું જ નહિ. એકબીજાને સહારો આપે, મદદ કરે છે.

૫. ચેટરબોક્ષ : વૃક્ષો તેમના જાતિભાઈ જોડે અને અન્ય પ્રાણીઓ સાથે જુદી જુદી રીતે પ્રત્યાયન(કમ્યૂનીકેટ) કરે છે.

(Chatterbox : Trees communicate in different ways, both with their own kind and with other creatures.)

પોતાના ઉપર આવતાં જોખમો અને ભય સાથે સમાધાન-અનુકૂલન સાધવાનું ઝાડ શીખી શકે છે તે સારું છે કારણ કે પોતે જે શીખ્યા છે, અનુભવ્યું છે તે બીજાં ઝાડને કહેવાનું પણ તેમને ગમે છે. એ કેવી રીતે કરે છે? બે રીત છે—સેંટ (સુ)વાસ છોડીને અને ઈ-મેઈલથી !

વૃક્ષો અન્ય વૃક્ષો સાથે જ નહિ પણ અન્ય જીવો સાથે પણ સંપર્ક રાખી શકે છે-તેની વાસથી. પરિસ્થિતિ પ્રમાણે તે જુદાં જુદાં Pheromones વાસ છોડે છે. દા.ત એલ્મ વૃક્ષ કે સ્કોટ્સ પાઈન વૃક્ષ એના ઉપર કેટરપીલર એવી ઈયળ કે જીવાતોનો ઉપદ્રવ સહન કરે છે ત્યારે તે વાસ્પ જેવાં પેલાંનાં વિરોધી જીવડાંને આકર્ષવા ચોક્કસ પ્રકારની વાસ પ્રસારે છે. એ વાસ્પ અસરગ્રસ્ત ઝાડ પર પહોંચીને ત્યાં કેટરપીલરમાં તેનાં ઈંડાં મૂકે છે અને એ ઈંડાં સેવાઈને લાર્વા બની આક્રમણ કરે અને કેટરપીલરને ખાઈ જાય છે.

બીજું એક ઉત્તેજનાપૂર્ણ ઉદાહરણ:-

પોતાનાં પાંદડાં ક્યું પ્રાણી ખાવાની કોશિશ કરી રહ્યું છે તેને ઓળખવાની પણ ઝાડની વિશિષ્ટ ક્ષમતા છે—એ પ્રાણીની લાળ-Saliva-ને ચાખીને!

જંગલને પણ પોતાનું ઈન્ટરનેટ હોય છે, જેનાથી વૃક્ષોને ઝડપથી માહિતી મળી જાય છે. વૃક્ષની અંદર એક પ્રકારના બહુ જ ધીમા ઈલેક્ટ્રીક નાડી ધબકાર હોય છે. દા.ત એક કેટરપીલર ઝાડનાં પાંદડાં ચાવવાનું શરૂ કરે એટલે પાનના રેસા-fiber-ઈલેક્ટ્રીક સિગ્નલ-વીજ સંકેતો મોકલવાનું શરૂ કરે છે, એ સંકેતો ફાઈબર દ્વારા જ એક મિનિટમાં એક સેંટીમીટરની ઝડપે ગતિ કરે છે. આ તો ઉપરની પાંદડાંના રેસાની વીજસંકેતની વાત થઈ. પણ ધરતીની અંદર રહેલું ઝાડનું મૂળતંત્ર અનેક ફંગલ રેસાઓથી જોડાયેલું હોય છે. જે વધુ ઝડપથી વીજ સંકેતોનું વહન કરે છે. એક જ એકાકી ફંગસ તેને કેટલાક માઈલ સુધી મોકલી શકે છે, અને એ રીતે એકી સાથે ઘણાં ઝાડને જોડી શકે છે. જંતુઓનાં આક્રમણ, દુકાળ કે અન્ય ભયના સમાચાર ઝાડ ફંગસ નેટવર્કથી એકબીજાને આપે છે.... આવું વાસ્તવમાં કેવી રીતે બને છે તે પૂરેપૂરું સમજાયું નથી. પણ એનાં સંશોધન-પ્રયોગો-અભ્યાસો ચાલી રહ્યા છે.

૬. ઝાડનું મિત્ર ઝાડ : એકબીજાને કરે મદદ

( My friend the tree : Trees help one another. )

ઝાડ મૂંગા નથી. તેઓ તેમના પર્યાવરણ ઉપર અને વિશિષ્ટતાઓ ઉપર આધાર રાખે છે અને તેમની સાથે સમ્પર્કમાં રહી શકે છે. આથી મુશ્કેલીમાં એકબીજાને મદદ કરી શકે તેમાં કાંઈ નવાઈ નથી. એના ફંગી-ઈન્ટરનેટ દ્વારા મુશ્કેલીના વખતે બીજાં વૃક્ષોને તે ચેતવણી મોકલી દે છે. એનું ઈન્ટરનેટ બરાબર ચાલે પણ છે. દા.ત આફ્રિકાના સવાનાનાં જંગલોમાં જીરાફ ઊંચી ડોકે એકેસિયા વૃક્ષોનાં પાંદડાં-ડાળખાં ખાવા જાય છે ત્યારે એ ઝાડનાં પાનમાં ઝેર છૂટે છે તે જ સમયે ઇથેનોલ નામનો ચેતવણીરૂપ ગેસ ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલાં બીજા વૃક્ષોને સાબદાં કરી દે છે કે –ચેતજો, આપણું દુશ્મન જીરાફ હુમલો કરી રહ્યું છે!

આ તરફ જીરાફ પણ ચાલાક છે, એને પણ ઝાડની આ કરામત ખબર છે. એટલે મિનિટોમાં જ જીરાફ સમૂહ લાંબા ડગલે ૧૦૦ મીટરથી દૂરનાં બીજાં ઝાડને પકડે છે કે જ્યાં હજી વોર્નીંગ સીગ્નલ પહોંચ્યાં નથી હોતા, કારણકે તે પવનની વિરુદ્ધની દિશામાં આવેલાં છે. અને જીરાફ ઝાડને છેતરીને આરામથી પાન ચાવવા લાગે છે. પણ એકેસિયા વૃક્ષોનો એક વિસ્તાર તો એકવાર સલામત થઈ જાય છે ને જીરાફના આગળના હુમલાને રોકવાની કોશિશ કરે છે.

વૃક્ષો આફતનાં સમયે ચેતવણી સિગ્નલ નથી મોકલતાં, પણ તેનાં બીજાં માંદા-નબળાં વૃક્ષમિત્રોને પોષક તત્ત્વો મોકલીને મદદ પણ કરે છે. દા.ત એક વખત લેખકને એક ખૂબ જૂનું-ઘરડું ઝાડનું થડ મળ્યું. ઘણા વખત પહેલાં તેની અંદરની બાજુ સડી ગઈ હતી, ૪૦૦ જેટલાં વર્ષ પહેલાં એ ઝાડ પડી ગયેલું હોવાનું લાગ્યું. પણ થડની બહારની સપાટીમાં હજી જીવન-ધબકાર હતો. આવું કેવી રીતે બને? એ તો બુઠું હતું. પાંદડાં વિનાનું, તો પ્રકાશસંશ્લેષણ ક્રિયા કેવી રીતે કરી શકે? તેને જીવતા રહેવા પાંદડાંમાં ખોરાક તો બનવો જરૂરી હતો.. પણ, એનાં પડોશી દયાળુ વૃક્ષમિત્રો મુળિયાંના જાળા દ્વારા એને ખાવાનું મોકલતાં હતાં. અને તે પણ ૪૦૦ વર્ષ સુધી! તમે વિચાર કરો, આપણે આપણા માંદા-ઘરડાં-નબળા પડોશીને ક્યાં સુધી ટીફીન મોકલીશું? પેલું માંદુ ઝાડ જે ગંભીર રીતે પડી જતાં ઘવાયું હતું તેને આ પડોશીની સતત ટીફીન સેવાએ ધબકતું રાખ્યું હતું.

તમને પ્રશ્ન થશે કે ઝાડ આવું શા માટે કરે છે? બસ, તેઓ માને છે કે સંગઠનમાં, એકતામાં બળ છે. संघशक्ति कलीयुगे। જંગલમાં પવનો-તોફાનો સામે ટકી રહેવા જુથમાં હોવું જરૂરી છે. એકલાં ઝાડનું ગજું નહિ. માટે પડેલાં, મરવા પડેલાં, માંદા ઝાડને પણ તેઓ ટેકો કરી ટકાવી રાખે છે, એને માઈક્રો ક્લાઈમેટ પૂરું પાડે છે. માણસ, માણસને માટે આવું કેટલું કરી શકે? કોરોનાકાળને યાદ કરો!

૭. નસીબદાર મશરૂમ : વૃક્ષો ફંગસ સાથે સહેતુક સંબંધ રાખે છે.

( Lucky mushrooms : Trees intentionally work with fungi )

આપણે જોઈ ગયા કે વૃક્ષો જંગલમાં ખાસ ખબરોના પ્રસાર માટે ફંગસને ખબરપત્રી તરીકે રાખે છે. ફંગસ, તેના રેસા જેવા તારના નેટવર્કથી આ કામ પાર પાડે છે. એટલું જ નહિ, ઝાડ અને ફંગસ બીજાં સ્તરો ઉપર પણ સાથે કામ કરતાં હોય છે. દા.ત. ઝાડનાં મૂળમાં આ ફૂગ તેના રેસાઓને વિકસવા દે છે. ઝાડ ઊગવાનું, મૂળ નાખવાનું શરૂ કરે ત્યારથી. આ કાર્યસાધક સહયોગ વૃક્ષને પાણી અને પોષકતત્ત્વો મેળવી આપે છે. ફંસ ઝાડને વધુ પાણી શોષી લેવામાં મહત્ત્વની મદદ કરે છે-ખાસ કરીને જમીન સૂકી હોય ને મૂળ પૂરતું પાણી ખેંચી શકતાં ન હોય ત્યારે આ નાચીજ ફંગસ તેની વહારે ધાય છે- ‘વૃક્ષમિત્ર, ચિંતા ના કર, मैं हूं ना ! મારાં તાંતણાં વધુ પાતળાં-નાજુક છે, તે ધરતીમાં જલદી ઊંડાં ઊતરી શકે છે, જ્યાં હોય ત્યાંથી પાણી શોષી શકે છે, પોષણ શોધી કાઢે છે, તે હું તમને પહોંચાડીશ.’

ઝાડ કહે, ‘આના બદલામાં, હે મારા નાનકડા ફંગી દોસ્ત, મારા પર્ણરસોડામાં બનેલ શૂગર-શર્કરા હું તને આપીશ.’ આ તો સારો વાટકી વહેવાર થયો. અરસપરસ ઉપયોગી ! આમ ફંગી સાથે સહયોગ કરનારાં વૃક્ષો, ફંગીમિત્ર વગરનાં વૃક્ષો કરતાં, એના જીવનોપયોગી નાઈટ્રોજન-ફોસ્ફરસ બમણાં પ્રમાણમાં મેળવી શકે છે. છે ને દોસ્તીનો ફાયદો !

આ તો ખૂબ સંવાદિતાભર્યું લાગે છે. જોકે જયારે આને મુશ્કેલ સમયમાંથી પસાર થવાનું થાય છે ત્યારે, ફંગી સખત જીવલેણ પગલાં પણ લઈ શકે છે. દા.ત. જયારે જમીનમાંનો નાઈટ્રોજન એક ચોક્કસ સ્તરથી નીચો ઉતરી જાય, વહી જાય ત્યારે કેટલીક ફંગસ તેની આસપાસની ટોપ સોઈલમાંનાં જીવાણુઓને મારી નાખતું ઝેર પણ પેદા કરે છે. એ મરેલાં માઈક્રોકોઝમ્સ નાઈટ્રોજન રીલીઝ કરે છે જે એમનાં શરીરમાં પહેલાં રહેલો હોય છે. તે હવે ફંગી અને ઝાડને કામ આવી જાય છે.. કેવી છે કુદરતની વ્યવસ્થા?

આમ ફંગી, ઝાડનું જીવન સરળ કરી આપે છે. તો વળી ક્યારેક આ જીવનોપયોગી, સહયોગી ફંગી ફ્રેન્ડ ભયજનક પણ બની જાય છે... તે જોઈશું આવતા પ્રકરણમાં.

૮. ‘હા..ય..વાગે છે, ઘા પડે છે !’ વૃક્ષ ઈજાથી પોતાની સુરક્ષા જાતે કરે છે.

( That hurts ! Trees protect themselves from injury: )

બીટલ્સ, જીરાફ, હરણ જ્યારે નજીક આવી હુમલો કરે ત્યારે વૃક્ષો એકબીજાને ભયના સંકેત આપે છે. આવા હુમલા વખતે તેમને પીડા થાય છે, તેથી સ્વાભાવિક રીતે જ તેનાથી કોઈપણ ભોગે બચવા ઝાડ પ્રયત્નશીલ રહે છે.

ઝાડ જુદા જુદા પ્રકારની ઈજાઓ, પ્રહારો સહન કરે છે. એને મુખ્ય ખતરો પ્રાણીઓનો રહેતો હોય છે. હરણાં-સસલાં ઘાસનાં ને વનસ્પતિનાં નાજુક-કૂમળા ભાગો ખાઈ જાય છે, લક્કડખોદ પક્ષી તેની ડાળી-થડમાં ચાંચ મારી મારીને કાણાં પાડે છે, બીટલ્સ જીવડાં એની છાલમાં છેદ પાડે છે અને જીવંત થડને કોરી ખાય છે, ઉધઈ પણ બહુ જબરી છે, દેખાય નાની નાચીજ, પણ ઝાડને ફોલી ખાય છે. બીજા નાનાં પ્રાણીઓ પણ ઝાડને ઘણું દુઃખ દે છે. એફીડ્સ તેનાં પાન ઉપર ચોંટીને તેનું લોહી(મીઠોરસ) પી જાય છે. એ રસમાં શૂગર હોય છે. પણ એ શૂગરનું પ્રમાણ એટલું બધું ઓછું હોય છે કે એફીડ્સે વધુ પ્રમાણમાં તે ચૂસી લેવું પડે છે, ત્યારે તેનું પેટ ભરાય. આખરે વધુ ચૂસેલું મધુર-ચીકણું પ્રવાહી (પાનનું લોહી) કશે ને કશે તો પડશે જ. તમારી ઝાડ નીચે પાર્ક કરેલી કાર ઉપર જે નાના-ચીકણા ડાઘ પડે છે તે એનો જ પ્રસાદ છે!

વૃક્ષની સામે બીજો મોટો ખતરો ખરાબ હવામાનનો છે : વા-વંટોળ, તોફાન એની ડાળીઓ-થડને મરોડી દે છે, તોડી નાખે છે. વધુ પડતો વરસાદ, સ્નો, ધુમ્મસ, આકરો તાપ પણ ઝાડને ભયજનક લાગે. ઝાડનું પોતાનું વધુ પડતું વજન, અતિ ઠંડી. તેના ગાત્રો થીજવી દે છે. કઠિયારાની કુહાડીના ઘા તો જીવલેણ જ હોવાના... એની સામે તો ઝાડ શરણાગતિ સ્વીકારી લેશે, પણ કુદરતનાં ભયસ્થાનો સામે ઝઝૂમવાની ઝાડની કેટલીક રણનીતિ હોય છે. દા.ત. ઠંડા પ્રદેશનું સ્પ્રુસ ટ્રી.. એ બરફના માર અને વજન સામે તૂટ્યા વિના ટકવા માટે એની બરફાચ્છાદિત ડાળીઓને એકબીજી ઉપર નીચે ઝૂકાવી દે છે.

સદ્ભાગ્યે, આપણને બેક્ટેરિયા કે વાઇરસનો ચેપ લાગે છે તેવો ચેપ ઝાડને લાગતો નથી. પણ એને થતી દરેક પીડા જુદા પ્રકારના ચેપનું જોખમ લઈને આવે છે : ફંગસ ! ઝાડની છાલ કશેથી પણ કોઈના પણ દ્વારા છોલાય એટલે ત્યાંથી ફંગસ ઝાડમાં ઘૂસે છે..ઝાડ શક્યતઃ એ ઘાને પૂરવાની કોશિશ કરે છે, પણ ત્યાં ખાડો રહી જાય છે. એ પ્રક્રિયાને ઘણો સમય પણ લાગે છે, તૂટેલી કે ઘવાયેલી ડાળીઓની ધાર ઉપર એ ખાડા, કાણાં રહી જાય છે. તે જોઈ શકાય છે.

એકવાર ફંગસ ઝાડની અંદર ઘૂસી જાય, ઝાડ ૧૦૦ વર્ષથી વધુ જીવી શકતું નથી. જો કે તે થોડો સમય એની સામે ટક્કર ઝીલે છે, પણ ધીરે ધીરે તે સડતું, ખવાતું જાય છે, અને અનિવાર્યરૂપે, ધીમે ધીમે મરણ શરણ થાય છે. જોયું? ધરતીમાં રહીને મૂળને ખવડાવતો ફંગસ મિત્ર, ઝાડના શરીરની અંદર ઘૂસ્યો તો શત્રુ બની રહે છે—જે પોષતું તે મારતું, એ ક્રમ દીસે છે કુદરતી...

૯. સદ્વર્તન : પ્રાણીઓની જેમ આપણે વૃક્ષો સાથે પણ સદ્વર્તન કરવું જોઈએ.

(Respect : Trees should be treated humanely, as animals are.)

વૃક્ષો વિશેની ઘણા લોકોની માન્યતા હજી જરીપુરાણી જ છે. આપણે ઝાડ, જંગલ, વનસ્પતિને સદ્ભાવનાની નજરે જોતા નથી એ કમનસીબ બાબત છે. જર્મનીમાં બધે જ જંગલ ઉદ્યોગોનું પણ એવું જ છે. એ ખોટું છે... એ ખરું કે, ફોરેસ્ટ્રી ઇન્ડસ્ટ્રી લાકડું ઉત્પન્ન કરવા અંગે કામ કરે છે. તેમનું અને વનવાસીઓનું પણ એમ માનવું ગલત હતું કે જૂનાં ઝાડ કરતાં યુવાન ઝાડ વધુ ઝડપથી લાકડું બનાવે છે. પણ એવું નથી. વાસ્તવમાં નવાં ઝાડ, જૂનાં ઝાડ કરતાં ધીમાં વધે છે.

મોટા ભાગનાં જંગલોમાં ૧૦૦ વર્ષ આસપાસનાં ઝાડ વધુ પડી જતાં હોય છે. પરંતુ બીચ ટ્રી ૮૦ થી ૧૫૦ વર્ષનાં ન થાય ત્યાં સુધી પરિપકવ થતાં નથી. છેલ્લાં પ્રકરણોમાં જે વાતો આપણે જોઈ તે અહીં કામ આવતી નથી. બહુ ઝડપથી કપાવા માટેનાં જંગલોમાં કોઈ સક્રિય ઇકોસીસ્ટમ અસ્તિત્વમાં આવી શકતી નથી. ત્યાં વૃક્ષોને ફંગસ સાથે દોસ્તી ઊભી કરવાનો કે આવનારા ભય સામે એકબીજાને ચેતવવાનો પૂરો પરિપક્વ સમય જ નથી મળતો. આથી તેવાં જંગલો માંદલાં રહે છે તેથી એના પર જંતુઓ-પાલતું પશુઓનું આક્રમણ સહેલાઈથી થઈ શકે છે. આવાં જંગલો બિનઉત્પાદક પુરવાર થાય છે. માટે જંગલોને બરાબર કુદરતી રીતે વિકસવા દેવા માટે ૧૦૦ વર્ષથી વધુ સમય આપવો જ જોઈએ. પરંતુ આજના ઝડપી ઉપભોક્તાવાદી, નફાખોર જગતમાં જંગલ ઉછેરવા સદી જેટલો સમય, ધીરજ ક્યાં છે? આજે તો ઝાડ જોયું નથી ને કાપ્યું નથી.

કુદરતી રીતે પરિપકવ થયેલું ઉછરેલું જંગલ વધુ ઉત્પાદક હોય છે. આજે તો ફોરેસ્ટ્રી ઉદ્યોગ ગમે તે રીતે સારી ગુણવતાવાળું ને વધારે પ્રમાણમાં લાકડું મેળવીને કુદરતની મજાક કરે છે. ચાલો, ફરીથી પડોશી વૃક્ષોની દોસ્તી ને કાળજીવાળી વાતમાં ડોકિયું કરીએ. વર્ષો પહેલાં પડી ગયેલાં, મરવા વાંકે જીવતા, અંદરથી સડી ગયેલા પેલા વૃક્ષને પડોશી વૃક્ષોએ ‘ખાવાનું’ મોકલી જીવાડેલું એવું સહજીવન કુદરતી રીતે ઊગેલાં ગાઢ જંગલોમાં જ શક્ય બને છે. ત્યાં જ બધાં જીવંતો કુદરતના કાનૂન મુજબ સંતુલનમાં જીવતાં હોય છે.

રસિક વાચકો, હવે તમારો વૃક્ષો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો હશે. જીવદયાની જેમ વનસ્પતિ-દયા પણ તમારામાં ઊગી હશે. ઝાડને વ્યર્થ કાપીશું નહિ, હણીશું નહિ. કાપવું અનિવાર્ય હોય તો જ, અને તેય કાળજીપૂર્વક કરીશું. કરવતી ને કુહાડી આડેધડ ન ચલાવાય. વૃક્ષોને યાદદાસ્ત પણ હોય છે, લાગણી પણ તે અનુભવે છે. એ તેનાં બાળવૃક્ષો સાથે પરિવારમાં જીવે છે-આવું જે સમજશે તે વનસ્પતિને દયાની માનવીય નજરે જોશે. જ્યારે મન થાય ત્યારે વૃક્ષને હેરાન નહિ કરે, કાપશે નહિ. આવો સભાન માણસ જોશે કે વૃક્ષો તો આપણી ઇકોસીસ્ટમનું બહુ મહત્ત્વપૂર્ણ અંગ છે. વૃક્ષવેલીઓનો વંશવેલો વિકસાવવામાં, ધરતીમાતાની લીલી ચાદર જાળવવામાં પોતાનું યોગદાન આપશે.

ઉપસંહાર :

વૃક્ષો-વનસ્પતિની આપણે કરવી જોઈએ તેટલી કદર-કિંમત નથી કરી. એ ઉપેક્ષિત સજીવો આપણે માટે કેટલું બધું કરે છે? તેમની અંદરની વાતોથી આપણે અજાણ છીએ-તેમને પણ ઇન્દ્રિયો છે, તેઓ પણ કમ્યૂનીકેટ કરે, પ્રેમ કરે, મદદ કરે, દોસ્તી કરે, ભય અનુભવે, પડોશીધર્મ નિભાવે વગેરે... એમની ઇકોસીસ્ટમમાં તેઓ બરાબર બંધબેસતાં થવા માટે જ તેઓ જાણે બન્યાં છે. હવેથી આપણે ઝાડને સન્માન, સદ્ભાવ, સહાનુભુતિ અને દયાની દૃષ્ટિથી જોઈશું. તેના કલ્યાણ માટે કાળજી લઈશું. જેમ આપણે પાળેલાં પશુની કેવી પ્રેમપૂર્વક સંભાળ લઈએ છીએ. તેમ વૃક્ષની પણ લઈશું.

અવતરણો:

૧- “વૃક્ષો સામાજિક પ્રાણીઓ/અસ્તિત્વો છે. તેઓ ગણવાનું, શીખવાનું, યાદ રાખવાનું કૌશલ્ય ધરાવે છે. માંદા પડોશીની કાળજી કરી શકે છે. Wood Wide Webની જેમ ફંગલ નેટવર્ક દ્વારા જંગલમાં વીજસંકેતો મોકલી એકબીજાને ચેતવણી આપે છે. એની પાસે વર્ષોથી તૂટી પડેલા, માંદા પડેલા ઝાડને શૂગર સોલ્યુશન એનાં મૂળ દ્વારા મોકલીને જીવતું રાખે છે.”

૨- “પ્રત્યેક વૃક્ષ-વનસ્પતિ આપણા અસ્તિત્વ માટે મૂલ્યવાન છે, તેથી આપણી આસપાસ બને એટલાં વૃક્ષ રાખવાં જોઈએ. માંદા–રોગી વ્યક્તિને તેનાથી તે સારો થાય ત્યાં સુધી પોષણક્ષમ વાતાવરણ અને આધાર મળી જતો હોય છે.”

૩- “જંગલ એ માત્ર ઝાડનું ઝૂંડ નથી, પણ એક એકાકી જીવંત યુનિટ છે, જે ભૂમિગત મૂળનાં નેટવર્ક દ્વારા જોડાયેલું છે.”

૪- “જમીનની ફંગસના wood Wibe Webના બહુ જ નીકટવર્તી નેટવર્કને લીધે વૃક્ષો એકબીજાં સાથે સંલગ્ન રહે છે અને ઢગલાબંધ માહિતી તથા પોષકતત્ત્વો શેર કરે છે.

૫- “પવન અને પાણી વિના, વૃક્ષ એકલું પોતાની મેળે એક સાતત્યપૂર્ણ સ્થાનિક વાતાવરણ સર્જી શકતું નથી. પણ ઘણાં વૃક્ષો ભેગાં હોય તો આત્યંતિક ઠંડી-ગરમીને નિયમનમાં રાખે, જળસંગ્રહ મોટાપાયે કરે અને ખૂબ ભેજ ઉત્પન્ન કરે તેવી ઇકોસીસ્ટમનું નિર્માણ કરે છે.”

૬- “જયારે તમે જાણશો કે ઝાડ પણ પીડા-દર્દ અનુભવે છે, એને પણ યાદદાસ્ત હોય છે અને વૃક્ષ તેના બાળવૃક્ષો જોડે પરિવારમાં રહે છે આપણી જેમ, ત્યારે તમે કુહાડી કે કરવતથી, મશીનથી ઝાડનાં ઝાડ ઢાળી દેતાં જરાયે વિચાર નહિ કરો? તમને વૃક્ષવસ્તીની જરાયે દયા નહિ આવે?”

૭- “એક સરેરાશ વૃક્ષ તેના પડોશી વૃક્ષની ડાળીઓને અડે-નડે નહિ ત્યાં સુધી પોતાની ડાળીઓને ફેલાવે છે. એના વૃદ્ધિમાર્ગમાં બીજા ઝાડનો વિસ્તાર આવી જાય તો એ તરફ તે વિકસતું અટકી જાય છે.”

૮- “ઝાડ કદી એકલું હોય ખરું? જંગલની દૃષ્ટિએ ઝાડ એક ખરેખર વિચિત્ર પ્રાણી (અસ્તિત્વ) છે. એ સૂર્યપ્રકાશની દિશામાં ઊંચું વધી તેનો મોટોભાગ હરિત દ્રવ્યો(ક્લોરોફિલ્સ) સૂર્યપ્રકાશ તરફ ધરે છે અને વિવિધ જીવોને મફતમાં ખોરાક પૂરો પાડે છે. એથીયે આગળ વધીને પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત અંગારવાયુને પોતાના પ્રકાશસંશ્લેષણમાં લઈ લે છે. અને એ જ કૃતઘ્ન પ્રાણીઓ આવા પરોપકારી ઝાડ-પાન ખાઈ જાય છે.”

૯- “જંગલમાંનું પર્ણવિહીન ઝાડ નિર્વસ્ત્ર કહી શકાય. કારણ કે તે રોગકારક જીવાતો-જીવડાંને, પર્ણાચ્છાદિત વૃક્ષની જેમ, દૂર રાખી શકતું નથી.”

૧૦- “આપણે બે આંખ અને બે કાન સાથે જન્મ્યા છીએ. પણ જીભ ભગવાને એક જ આપી છે, એનો અર્થ એ થયો કે આપણે બોલતાં પહેલાં બે વખત જોવું, સાંભળવું જોઈએ. જોઈ-સમજી વિચારીને જ બોલવું.”

આવાં અવતરણો વૃક્ષના મોહક વિશ્વની ઝાંખી કરાવે છે. જંગલની ઇકોસીસ્ટમમાં તેમને સંલગ્ન રાખનારા જટિલ આંતરસંબંધો ઉપર પણ સારો પ્રકાશ પાડે છે.