The Second Sex

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Second Sexititle.jpg


The Second Sex

Simone de Beauvoir

ધ સેકન્ડ સેક્સ

સ્ત્રી જાતિ, કહેવાતી ‘બીજી’ (પ્ર)જાતિ.
સીમોં દ બુવા


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકા પરિચય :

સીમોં દ બુવા (૧૯૦૮-૧૯૮૬) ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલોસોફર, લેખિકા, નારીવાદી ચિંતક છે. તેઓ અસ્તિત્વવાદી વિચારધારાનાં મુખ્ય પ્રવર્તક અને જ્યાઁ-પોલ-સાર્ત્રનાં નીકટનાં જીવનસાથી છે. The Second Sex જેવી તેમની અન્ય કૃતિઓની નારીવાદી થિયરીના આધુનિક વિકાસ ઉપર ઊંડો પ્રભાવ રહ્યો છે. નીતિશાસ્ત્ર, રાજકારણ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયો ઉપર તેમણે ઘણું લેખન કર્યું છે. ફીક્શન, નૉન-ફિક્શન, જીવનકથા-નિબંધ જેવા પ્રકારો પણ તેમણે ખેડ્યા છે.

એમનો જન્મ પેરિસમાં ૧૯૦૮માં થયેલો. સોરબોર્ન ખાતે તેમણે ફિલોસોફીનો અભ્યાસ કર્યો. અને Ecole Normale Superieure જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશનાર તેઓ પ્રથમ મહિલા હતાં. ફિલોસોફીમાં સ્નાતક થયા બાદ ઘણી શાળા-કોલેજોમાં એમણે અધ્યાપન પણ કર્યું. ૧૯૪૩માં તેમનું પહેલું પ્રકાશન The Ethics of Ambiguity-અસ્તિત્વાદી ફિલોસોફીનું દ્વાર-ઉઘાડતું પુસ્તક બન્યું. ત્યાર પછી આ પુસ્તક The Second Sex (૧૯૪૯) વિવિધ સંસ્કૃતિઓ અને સમગ્ર ઇતિહાસ તપાસી સ્ત્રીઓની દશા-દિશા, આશા-અવસ્થા આદિનું સર્વગ્રાહી દર્શન કરાવે છે. તેઓ આજીવન લખતાં રહ્યાં છે, જેની ઊંડી અસર નારીવાદી ચળવળના કર્મશીલો ઉપર અને નારીલક્ષી વિચારણા ઉપર રહી છે. તેઓ ૨૦મી સદીનાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વિચારક ગણાય છે, જેઓ આજે પણ સ્ત્રી-અધિકાર, સ્ત્રી-સમાનતા, સ્ત્રી સશક્તિકરણ માટે મોટાં પ્રેરણા સ્રોત સમાન છે. ૧૯૮૬માં પેરિસમાં ૭૮ વર્ષની વયે તેમનો જીવનદીપ બૂઝાયો.

વિષયવસ્તુ :

The Second Sex(૧૯૪૯) કૃતિ ફ્રેન્ચ લેખક, અસ્તિત્વવાદી ચિંતક સીમોં દ બુવાનું એક પાયાનું નારીવાદી ચિંતન ગણાય છે. વિવિધ સંસ્કૃતિઓમાં અને જગતના ઇતિહાસમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચારો, મહિલા હોવા અંગેની માન્યતાઓ, ખરા-ખોટા ખ્યાલો વગેરેનું સર્વસમાવેશક અને ગ્રાઉન્ડ બ્રેકીંગ પૃથક્કરણ એમણે રજૂ કર્યું છે. તેઓ કહે છે કે સ્ત્રીઓ જન્મથી જ પુરુષો કરતાં ઊતરતી કક્ષાની હોય છે એવું નથી, પરંતુ તેને જાતિગત ભૂમિકામાં ઢાળનારાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો તેને પુરુષ કરતાં નીચી, ઊતરતી કક્ષાની inferior બનાવે છે, એ તેને હાંસિયામાં ધકેલી દે છે.

લેખક દલીલ કરે છે કે સ્ત્રીઓને પુરુષોની સામે મૂકી, તેમને ‘અન્ય’ ‘બીજી’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં અને સીમિત દાયરામાં પૂરવામાં આવે છે, એ કોઈ વસ્તુ/ઘટના/ચીજ નથી, ગણતરીની બાબત નથી કે એને ‘બીજી’ ગણવામાં આવે, પુરુષને ‘પહેલો’ અને સ્ત્રીને ‘બીજો નંબર’ આપવામાં આવે. સીમોં એમની નારીવાદી ફિલોસોફીમાં ભારપૂર્વક જણાવે છે કે સ્ત્રીઓએ તેમની આ ‘otherness-બીજા હોવાપણાની ભાવના’ને અતિક્રમી જવાનું છે, તેના વસ્તુકરણ objectificationને વળોટી જઈ સાચી મુક્તિ અને selfhood-સ્વપણાને પામવાનું છે. આપણને ભાષામાં ‘વિરોધી શબ્દો’ શીખવાય છે- તેમાં સ્ત્રીનું વિરોધી પુરુષ, પુરુષનું વિરોધી સ્ત્રી-એમ ગોખાવાય છે. યાદ છે ને? બાળકના મનમાં આ છબી પહેલેથી જ છપાઈ જાય છે. નકારાત્મક અર્થછાયા જડાઈ જાય છે કે સ્ત્રી એ દ્વિતીય કક્ષાની, other, Second Sex છે. સીમોં દ બુવા ઇતિહાસ, માયથોલોજી, બાયોલોજી અને લાઈફ સાયન્સીસ તથા જીવન અનુભવોનાં અભ્યાસ-સંશોધન પરથી મહેનતપૂર્વક, પુરુષ હસ્તક સ્ત્રીની તાબેદારી, અધીનતાનું વિસ્તૃત વર્ણન અને સમજૂતી આપીને, માનવજાતિ માટે યોગ્ય માર્ગદર્શન રજૂ કરે છે.

પ્રસ્તાવના :

આપણા સ્ત્રી વિશેના પ્રચલિત ખોટા ખ્યાલથી લેખક પ્રારંભ કરે છે. સ્ત્રી એટલે પુરુષની વિરોધી, the other-દ્વિતીય પ્રજાતિ, બીજા નંબરના સ્થાને બિરાજતું માનવી ! સીમોં લખે છે કે “માનવજાત એટલે પુરુષ, અને સ્ત્રીની વ્યાખ્યા કરે છે પુરુષ, તે પણ સ્ત્રીના સ્વતંત્ર-સ્વાયત્ત અસ્તિત્વ તરીકે નહિ, પણ પોતાના સંબંધના સંદર્ભે....” The other તરીકેની સ્ત્રીની આવી વ્યાખ્યાના, સ્ત્રીના જીવનમાં ઊંડા સૂચિતાર્થો ઊતરે છે. એનો અર્થ એ કે તેઓને હંમેશાં પુરુષના સંદર્ભમાં જ જોવા અને સમજવામાં આવે છે, એક અલગ, ન્યારી, સ્વાયત્ત નારી તરીકે નહિ!

લેખિકાનું પડદા-ઉઘાડ વિધાન ભારે તોફાની રહ્યું છે : ‘સ્ત્રી જન્મતી નથી, એને સ્ત્રી બનાવવામાં આવે છે.. અને તે બની પણ જાય છે !’ આ વિધાનનો સૂર જ વિદ્રોહી છે, જે લેખિકાના ઈરાદાઓ ઈંગિત કરી દે છે કે ‘ભાઈ ! સ્ત્રીપણાના અને સ્ત્રૈણતાના તમારા પ્રવર્તમાન ખ્યાલો ખોટ્ટા છે, બુઠ્ઠા છે, એને ફગાવી દો...’ આ પુસ્તકના બે વિભાગ છે : ‘હકીકતો અને કલ્પનાઓ’ તથા ‘જીવંત અનુભવો’. સ્ત્રીઓને કચડનારાં, નીચી માનનારાં ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક પરિબળોના ઊંડાણમાં લેખિકા આપણને લઈ જાય છે, આવું એક Feminist Clssic છે. તે નારીવાદી લેન્સમાંથી માનવ ઇતિહાસને તપાસવાનો પહેલો પ્રયાસ કરનારું ક્રાંતિકારી અને વિચારોત્તેજક લેખન છે. એના પડઘા ઘણા લાંબા સમયથી જગતમાં ગૂંજતા રહ્યા છે. તેથી લેખિકા નારીવાદનાં પ્રખર હિમાયતી અને સ્ત્રી-પુરુષ અસમાનતાનાં કટુ વિવેચક તરીકે ઊભરી આવ્યાં છે. આજે, ઘણા લોકો આ કૃતિને, નારીવાદી વિચારણાની શ્રેષ્ઠ, સંપૂર્ણ, આધારભૂત, અને સંશોધિત માસ્ટરપીસ માને છે, કારણ કે એણે ૨૦મી સદીના વ્યાપક તત્ત્વચિંતનમાં મહત્ત્વનું અને પાયાનું પ્રદાન કર્યું છે.

સીમોંના પુસ્તકનું હાર્દ એ જ છે કે, પુરુષોએ અવિરતપણે સ્ત્રીઓને ‘અન્ય’ ‘દ્વિતીય પ્રજાતિ’ તરીકે જ ચીતરી છે, તેને બધી રીતે શોષિતા રાખી છે અને એનું સ્તર, status પુરુષથી ઊતરતું-વિરોધનું જ રાખ્યું છે. પુરુષ પોતાની ભૂમિકા ‘સ્વ’ અથવા subjective-આત્મલક્ષી હોવાનું ધારી લે છે, જયારે સ્ત્રીને ‘અન્ય’ વસ્તુ કે ચીજ objevtive ઢાંચામાં ઢાળી રાખે છે. પુરુષ પોતાની જાતને મહત્ત્વપૂર્ણ, આવશ્યક, સંપૂર્ણ, ચડિયાતી, પોતાની ઇચ્છા અન્ય ઉપર લાદનારા તરીકે લેખે છે, જયારે સ્ત્રીને અનંતતામાં –પોતાની જ જાળમાં ગૂંચવાયેલી-ગૂંથાયેલી રહેતી અને તેના તારણહારની રાહ જોતી બતાવાય છે. આવી પુરુષપ્રધાન માનસિકતા, ભેદપ્રધાન વિચારણા સીમોંની આગામી દલીલોની આધારશિલા બની રહે છે. તેઓ તર્ક રજૂ કરતાં કહે છે કે માનવી સ્વાભાવિક રીતે જ પોતાની જાતને બીજાના સંદર્ભમાં જોતો હોવા છતાં, એ માપદંડ પુરુષ-સ્ત્રીના કિસ્સામાં લાગુ પાડે છે તે સદંતર ભૂલભરેલું છે. તમે સ્ત્રીને સંપૂર્ણ રીતે the other તરીકે વ્યાખ્યાબદ્ધ કરો છો એ તો એનો ‘માનવી’ તરીકે ધરાર નકાર કરવા જેવું છે. એ પણ પુરુષની જેમ માણસ જ છે, તો પછી ‘અન્ય’-‘બીજી’ ક્યાંથી થઈ ગઈ ?

સીમોંનું આ પુસ્તક, આપણામાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગયેલી જાતીય અસંતુલનનાં મૂળને ખોદી-ખોતરીને ઝીણવટપૂર્વક તપાસવાના એક પુરાવા જેવું છે. એના પહેલા વિભાગ Facts and Mythsમાં ‘સ્ત્રી માનવો’ સામાજિક સ્થિતિમાં ગૌણ કક્ષાએ કેવી રીતે પહોંચ્યા એ સવાલ તપાસે છે. જીવવિજ્ઞાન, મનોપૃથક્કરણ, અને ઐતિહાસિક ભૌતિકવાદ જેવી જ્ઞાનશાખાઓમાં લેખિકાએ પ્રારંભિક શોધખોળ કરી તો જાણ્યું કે પુરુષ અને સ્ત્રીની વચ્ચે “આવશ્યક” (શારીરિક) તફાવતો છે. તેની કોઈ શાસ્ત્ર ના પાડતું નથી, પરંતુ સ્ત્રીની લઘુતા, ઉતરતી કક્ષા જે ગણવામાં આવી રહી છે તેનું કોઈ વજુદ કે તાર્કિક પ્રમાણ એ શાસ્ત્રો આપતાં નથી. તેઓ તો બસ, સ્ત્રીની ‘inferior destiny’ને taken for granted- એમ જ ગણી લે છે.

આથી સીમોં ઇતિહાસનાં પાનાં ઊથલાવીને આ પુરુષ-પ્રધાનતા ક્યારથી/ક્યાંથી આવી છે તે તપાસે છે—પથ્થરયુગનો શિકારી આદિમાનવ સ્ત્રીને ઊતરતી ગણતો હતો ખરો? ત્યાંથી માંડી ફ્રેંચ ક્રાંતિ અને સમકાલીન સમય સુધીના માનવ સમાજોમાં સ્ત્રીના દરજ્જાનાં દ્વાર લેખિકા ખખડાવી જુએ છે. તો ત્યાં પણ સ્ત્રીની ગૌણતા-લઘુતાનાં ઘણાં ઉદાહરણો એમને મળ્યાં ખરાં, પણ એનું કોઈ વાજબીપણું કે ન્યાયીપણું દેખાયું નથી. તેમની દલીલ છે કે ઇતિહાસ એ કાંઈ પરિવર્તનશીલ ‘fact’ નથી, પરંતુ કેટલાંક પૂર્વધારણાઓ, વલણો અને અન્યાયી અભિગમનું પ્રતિબિંબ જ છે.

લેખિકા હવે વિવિધ myth-પુરાણ કલ્પના કથાઓમાં સ્ત્રી અંગેનાં વર્ણનો, ઉલ્લેખો તપાસે છે કે તેમણે આપણી માનવીય ચેતનાઓ ઉપર કેવી અમીટ છાપ છોડી છે, જે મોટેભાગે સ્ત્રીના સન્માનને હાનિકર્તા જ જોવા મળી છે. લેખિકાનો હેતુ, નારી જાતિના અવિરત અપમાનિત સ્ટેટસનાં મૂળને ઊખેડીને ફેંકી દેવાનો છે. સમગ્ર ઇતિહાસમાં, માતૃત્વને વધાવેલું અને વખોડેલું— બંને જોવા મળે છે, કારણ કે માતા જીવન આપે છે તો સાથોસાથ મૃત્યુનો સંકેત પણ આપે છે. આવી રહસ્યમયી પ્રક્રિયાઓ સ્ત્રીઓ ઉપર જે પ્રોજેક્ટ કરવામાં આવી છે, અને તેમને ‘જીવનના પ્રતીક’ તરીકે રૂપાંતરિત કરી છે, પણ તેની વૈયક્તિકતાને ભૂંસી નાખી છે. આવી બધી કલ્પનાકથાઓમાં સ્ત્રીના ચિત્રણને તપાસવા પાંચ આધુનિક લેખકોની કૃતિઓ લીધી છે, આ વિભાગના સમાપનમાં, જીવવિજ્ઞાન, મનોપૃથક્કરણ, ઇતિહાસ અને સાહિત્ય સામૂહિક રીતે, ‘eternal feminine’ના કાલ્પનિક ખ્યાલને કેવી રીતે દૃઢ કરાવે છે તે તપાસ્યું છે.

પુરુષ અને સ્ત્રીનાં શારીરિક લક્ષણોની ભિન્નતા અને તેમના સંજોગોની વ્યાપક વિસંગતતાઓનો સ્વીકાર કર્યા વિના તેમના ‘character’ ચારિત્ર્યને સમજી ન શકાય. ‘Woman’s Life Today’ નામના બીજા વિભાગમાં, લેખિકાએ સ્ત્રીઓના જીવનની મૂર્ત વાસ્તવિકતાઓ, તેમનાં બાળપણ, યુવાની અને જાતીય આવેગોના પ્રારંભ-જેવા વિકાસ તબક્કાઓને તપાસી રજૂ કર્યા છે. એમનું ધ્યેય એ દર્શાવવાનું છે કે સ્ત્રી સહજ રીતે કે મૂળભૂત આંતરિક રીતે feminine સ્ત્રૈણ નથી હોતી, પણ અસંખ્ય બાહ્ય પરિબળો દ્વારા તેને એવી બનાવવામાં, ઢાળવામાં આવે છે. કન્યાના ઉછેરના દરેક તબક્કે એને ટોકી ટોકીને નિષ્ક્રિય, અન્ય આશ્રિત, આંતરમુખી બનવાનું શીખવવામાં આવે છે. એના આત્મલક્ષીપણાને અનાવૃત્ત કરવા, તેને એક વસ્તુ/ચીજ બનાવી રાખવા સમાજનાં બધાં અંગો જાણે મચી પડે છે કે ‘છોકરીથી આમ જ થાય, આમ ન થાય’ વગેરે. એને સ્વતંત્ર, સ્વનિર્ભર કામ કરવાની કે સર્જનાત્મક ક્ષમતા વિકસાવવાની તકો આપવામાં નથી આવતી, એને બદલે, સ્ત્રીને ચૂલા-ચક્કી, ઘરકામ, બાળઉછેર અને જાતીય-આવેગ સંતોષ પૂરતી જ માર્યાદિત કરી રાખી છે. કન્યા ઉંમરલાયક થયા પછી વિવિધ ભૂમિકાઓ ભજવે છે—પત્ની, માતા, મનોરંજક ! સ્ત્રી ગમે એટલી પ્રતિષ્ઠિત કે ભદ્રવર્ગની હોય તો પણ, આ ત્રણ ભૂમિકા તેણે અનિવાર્યરૂપે નિભાવવાની હોય છે-જે એને મોટેભાગે અપૂર્ણતા, ઊંડા અસંતોષ અને એક પ્રકારના બંધિયારપણા તરફ દોરી જતી હોય છે. અરે, વેશ્યાઓ, નગરવધૂઓ, નૃત્યાંગનાઓ, ગણિકાઓ-જેવી પરંપરાગત સમાજ-સ્વીકૃત ભૂમિકાથી બહારની સ્ત્રીઓએ પણ પુરુષના આધિપત્ય અને ઇચ્છા-આજ્ઞાને આધીન જ રહેવું પડે છે. વૃદ્ધત્વ તરફ આગળ વધતી અને બાળક જન્માવવાની ક્ષમતાથી દૂર જતી સ્ત્રીઓને તો જાણે ઓળખ ગુમાવી હોવાનો કે જીવનનો હેતુ પૂરો થયો હોવાનો જ નિરાશાજનક અનુભવ કરવાનો આવે છે. ‘સ્ત્રીની પરિસ્થિતિ અને ચારિત્ર્ય’ના આ વિભાગના છેલ્લા પ્રકરણમાં, લેખિકા પોતાના બહુચર્ચિત અને વિવાદગ્રસ્ત વિધાનને દોહરાવતાં કહે છે કે, ‘સ્ત્રીનાં પરિસ્થિતિ કે સંજોગો એ તેના ચારિત્ર્યનું પરિણામ નથી, પણ તેણીનું ચારિત્ર્ય તેણીની પરિસ્થિતિમાંથી નીપજે છે.’

સ્ત્રીની સાધારણતા, સંતોષ, નિપુણતાનો અભાવ, આળસ, નિષ્ક્રિયતા-જેવાં લક્ષણો તેના પુરૂષાધીન ગૌણ ગણતા સ્ટેટસને આભારી છે, નહિ કે સ્ત્રી મૂળે સ્વભાવથી જ એવી હોય છે.

‘Justifications’ પ્રકરણમાં, સ્ત્રી ક્યારેક મૂર્ખાઈપૂર્વક પોતાના પરાધીનપણાને કેવી રીતે સુદૃઢ કરતી હોય છે તે બતાવ્યું છે. નાર્સીસીસ્ટ(આત્મરતિ) પ્રેમિકાઓ કે પછી રહસ્યવાદી સાધ્વીઓ મોટેભાગે તેમની સ્થિરતા કે અનંતતાને ઓળખવા, તેમની આઈડેન્ટીટી(ઓળખ)ને, અરીસા, પ્રેમીઓ કે કોઈ દિવ્ય તત્ત્વ જેવા બાહ્ય પદાર્થોમાં, ભેળવી દે છે. પોતાની પોતીકી સ્વ-ઓળખ માટે સ્વ-નિર્ભર રહેતી નથી (કે રહેવાનું પસંદ કરતી નથી). આ પુસ્તકમાં લેખિકા એવાં ઘણાં ઉદાહરણો આપે છે કે જેમાં ખાસ કરીને લગ્નના સંદર્ભમાં, સ્ત્રીઓ જાણ્યે-અજાણ્યે, પોતાની otherness(અન્યતા, બીજા નંબરે હોવાપણાની ભાવનાને) પોષતી જોવા મળે છે. એમાં પણ આર્થિક પરાવલંબન સ્ત્રીને ગૌણ સ્થિતિમાં રાખવામાં ખાસ્સું બળવાન પુરવાર થાય છે. તેથી જ લેખિકા મહિલાઓને આર્થિક રીતે પગભર થવા ઉપર ખૂબ ભાર મૂકે છે, તો જ તે નારીમુક્તિની વાત કરી શકશે... કામકાજ, નોકરી, વ્યવસાય કંઈ પણ પકડીને બહેનો સ્વાયત્ત, આત્મનિર્ભર બને એ જરૂરી છે, તો જ તે મુકત-સ્વતંત્ર બની વિચારી શકશે. આ ધ્યેય હાંસલ કરવામાં, આવતા વ્યવહારુ અવરોધોની પણ અંતમાં ચર્ચા કરવામાં આવી છે.

આ રીતે The Second Sex એ સીમોં દ બુવાનું આધુનિક નારીવાદી ચિંતનનું પાયાનું પુસ્તક બની રહ્યું છે. ૧૯૪૯માં જયારે એ પ્રથમ પ્રકાશિત થયું એ જમાનામાં, આજથી પોણી સદી પહેલાં, એણે ખાસ્સો તરખાટ મચાવેલો, વિવાદ જગાવેલો કે ‘સ્ત્રીને વળી આવી આઝાદી-વિકાસની તકો આપવાનું શું કામ છે? એ તો ઘરની ચાર દીવાલોમાં જ સારી, એને ઉંબરની બહાર ન કઢાય..’ વગેરે. આજે તો સ્ત્રી સશક્તિકરણ આટલું મજબૂત થયું, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી દેખાય છે, પણ સાત-આઠ દાયકા પહેલાંના વિશ્વ સમાજને સ્ત્રીશક્તિનો સૂર્યોદય બતાવવો એ લેખિકાની હિંમતભરી પહેલ હતી, ખરું ને? હજી એનાં સૂર્યકિરણો જગતને રોશની આપી રહ્યાં છે અને જગત એના પ્રકાશમાં નૂતન નારીને નીરખી રહ્યું છે !

આગામી વિભાગોમાં, લેખિકાની વિચારયાત્રામાં આપણને, માનવ સમાજના ઇતિહાસમાં સ્ત્રીની ઐતિહાસિક ભૂમિકાનું નિદર્શન જોવા મળે છે. આ યાત્રામાં, સ્ત્રીઓને પુરુષોના છાયા-પડછાયામાં રાખનારો, ‘સ્ત્રી’નો ખ્યાલ, concept કેવી રીતે ઉદ્ભવ્યો તે પણ બતાવ્યું છે.

આ વાચનસફરમાં આગળ વધતાં પહેલાં, લેખિકાની રજૂઆતના કેટલાક ચાવીરૂપ ખ્યાલોનો પરિચય પામી લઈએ :

૧. The other : સીમોંના આ વિચાર માળખામાં દરેક પ્રતિપાદન અને તેનું ખંડન પણ ગૂંથેલું છે. ખંડન અને મંડન, પક્ષ અને વિપક્ષ-એકમેકનાં પૂરક છે. વિરોધી લાગે પણ હોતાં નથી. તેથી જ તો વસ્તુસ્થિતિ પૂર્ણરૂપે રજૂ કરી અને સમજી શકાય છે. જેમ કે સ્વામી અને સેવક, શેઠ અને નોકર એકબીજા વિના અસ્તિત્વ ધરાવતા નથી. માલિકને માલિકપણું બતાવવા તેનો ગુલામ કે મજૂર તો જોઈએ જ. તેમ પુરુષ અને સ્ત્રી પણ વિરોધી શબ્દ/અસ્તિત્વ જણાય, પણ વાસ્તવમાં તેમ નથી, એકમેકનાં પૂરક છે. other(સ્ત્રી)છે તો જ self(પુરુષ)ને વ્યાખ્યાયિત કરી શકાય, સમજી શકાય.

૨. સ્થિરતા-બદ્ધતા v/s ગતિશીલતા-મુક્તિ : પુરુષ અને સ્ત્રીની ભૂમિકાની સીમારેખા સૂચવતા આ બે શબ્દો લેખિકા અવારનવાર પ્રયોજે છે. સ્થિરતા, ચોકઠા-બદ્ધતા, પૂર્વનિર્ધારિત રૉલ એ સ્ત્રીની ઓળખ છે, તો નિષ્ક્રિય, અપરિવર્તનશીલ, પોતાનામાં જ ગૂંથાયેલી-એ સ્ત્રીનાં લક્ષણો છે; જ્યારે પુરુષ ગતિશીલ, સર્જનાત્મક, ઉત્પાદક, મુક્તિ માણનારો, બાહ્ય જગતમાં વિસ્તરતો જીવ છે.

આવા કેટલાક કેન્દ્રવર્તી ખ્યાલોને સાથે રાખી આપણે લેખિકાની વિચારયાત્રામાં જોડાઈએ.

ચાવીરૂપ ખ્યાલો :

૧. વિવિધ પ્રજાતિઓમાં નર અને નારી વચ્ચે કેટલાક ભેદો તો જરૂર રહેલા હોય છે, પરંતુ એ તફાવતો તેમના સામાજિક દરજ્જાની વિસંગતતામાં લાગુ પડતા નથી હોતા.

પશુ-પક્ષી જગત હોય કે માનવ જાતિ, નર અને નારી વચ્ચેના ભેદો તો દેખીતા જ છે, અને તે તો સર્જનહારે સર્જેલા છે, તેથી રહેવાના જ છે. પરંતુ કેટલાક સગવડિયા દલીલબાજો આ કુદરતી ભેદોને સ્ત્રી-પુરુષની સામાજિક ભૂમિકામાં પણ ખેંચી લાવે છે કે ભાઈ, કુદરતે જ નર-નારીને અલગ બનાવ્યા જ છે તો પછી આપણે સમાનતાની વાત શા માટે કરવી? પણ આ તર્કને ઝાઝો સપોર્ટ કે સમર્થન મળ્યાં નથી.

પરંતુ ખરેખર, સ્ત્રી-પુરુષ વચ્ચે જૈવિક-શારીરિક ભેદો છે જ, તેથી કાંઈ પુરુષને આધિપત્ય જમાવવાનો અધિકાર થોડો જ મળી જાય છે? એ તો અન્યાયી છે. હા, એ ખરું કે વધુ શારીરિક તાકાત, વધારે સંખ્યામાં લાલ રક્તકણ હોવાં, ફેફસાંની ક્ષમતા વધુ હોવી-આવા કેટલાક શારીરિક વધારાના લાભો પુરુષના પક્ષે છે, છતાં આ લક્ષણોનું મૂલ્ય-મહત્ત્વ તેના સામાજિક મૂલ્ય ઉપર અવલંબે છે. વધુ મસલ પાવરથી પુરુષ સારો શિકાર કરી શકતો, મહેનતનાં કામો કરી શકતો, ટોળીઓની લડાઈઓમાં બળપ્રયોગ-હિંસા-ક્રૂરતા આચરી શકતો. પરંતુ જે સંસ્કૃતિઓમાં હિંસા-બળજબરી-ક્રૂરતાનો નિષેધ છે, ત્યાં પુરુષની શારીરિક તાકાતથી આધિપત્ય ધરાવવાની વાત ટકતી નથી. ઘર-પરિવારમાં-સભ્ય સમાજમાં પુરુષે કાંઈ હિંસા કે મારામારી કરવાની હોતી નથી, તો પછી ત્યાં સ્ત્રીએ એની શરણાગતિ, તાબેદારી કેમ સ્વીકારવી? પુરુષના મસલ પાવરનાં જે ક્ષેત્રો છે. તેમાં (રમતગમત, વીરતા, ખેતીવાડી, કુસ્તી વગેરે) ભલે તેઓ છવાઈ જતા, પોતાની શક્તિનો મુક્ત ઉપયોગ કરતા.

જીવવૈજ્ઞાનિક દલીલોની સાથોસાથ, મનોપૃથક્કરણ થીયરીઝ -પુરુષ-સ્ત્રીની અસમાનતાને સમજાવવા આગળ કરાઈ છે. જોકે એની પણ કેટલીક આંતરિક નબળાઈઓ રહી છે. દા.ત. સીગ્મંડ ફ્રોઈડ જણાવે છે કે સ્ત્રી અને પુરુષના ભેદો તો એમના જીન્સ અથવા ગર્ભાધાન કાળથી જ નક્કી થઈ જતા હોય છે, અને તરુણાવસ્થા આવતાં તેઓ એકબીજાથી સ્વાભાવિક રીતે જ આકર્ષાતા હોય છે. તરુણને માટે તેનું જનનાંગ(ઈંદ્રીય) આનંદનું સાધન-સ્રોત બને છે અને તરુણીને માટે ક્લીટોરલથી યોનિગત રૂપાંતર આનંદ આપનારું બને છે. આમ ઇન્દ્રિયના યોનિપ્રવેશની તીવ્ર ઇચ્છા બંનેને આનંદદાયક લાગે છે. ફ્રોઈડ તો મનોવિજ્ઞાની તબીબ હતા, તેથી હજી આગળ વધીને કહે છે કે સ્ત્રીઓને ‘penis envy’- પોતાની પાસે પુરુષ જેવી ઇન્દ્રિય ન હોવાની ઈર્ષ્યા થાય છે, કે અમને ભગવાને કેમ ઇન્દ્રિયથી વંચિત રાખ્યાં છે, તેથી તેનામાં લઘુતાગ્રંથિ જન્મે છે.

તેમ છતાં, ફ્રોઈડની થીયરીમાં એક પાયાની ભૂલ રહી ગઈ છે : તે પુરુષ-કેન્દ્રી મોડેલ ઉપર આધારિત છે. એનો આ ‘ઇન્દ્રિય-ઈર્ષ્યા’વાળો ખ્યાલ ત્યારે જ ટકે છે જયારે પુરુષ જનનાંગને સ્ટાન્ડર્ડ, પ્રમાણભૂત ગણવામાં આવે અને સ્ત્રી જનનાંગને ખામીભર્યા, ઉતરતી કક્ષાનાં કે the other લેખવામાં આવે. પણ એવું તે કાંઈ થોડું હોય? બંનેનાં જનનાંગોનાં કાર્યો જુદાં છે, માટે આકાર-પ્રકાર જુદા છે, એમાં વળી ચડિયાતું ને ઊતરતું, ઉત્તમ અને ખામીભર્યું એવું કાંઈ હોતું હશે? તુલનાનો કે ઈર્ષ્યાનો સવાલ જ નથી. આ દૃષ્ટિએ જોઈએ તો, સ્ત્રી અને પુરુષના સ્ટેટસની અસમાનતા કે વિસંગતિ માટેનો જીવવિજ્ઞાન કે મનોવિજ્ઞાનનો પાયો ટકતો નથી, તો પછી આ અસમાનતાનો આધાર કયો લેવો? વિચારો, વાચકો !

૨. માતૃપ્રધાન સમાજરચનામાંથી પિતૃપ્રધાન સમાજરચનામાં પરિવર્તન થયું તેથી સ્ત્રી the other (અન્ય) તરીકે ઊભરી આવી.

મહત્ત્વના સત્તા-પદ ઉપર પુરુષોના આધિપત્ય અને સુપ્રીમસીને લીધે, સામ્પ્રત સમાજ પિતૃસત્તાક-પુરુષપ્રધાન ગણાયો. આ ખ્યાલ એટલો હાવી(અને હેવી) થયો કે ઘણા લોકો માનવા લાગ્યા કે ‘એ તો એમ જ હોય ને?’ જોકે ઐતિહાસિક વાસ્તવિકતા તો કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે. ભૂતકાળમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ મહત્ત્વનાં સત્તાસ્થાનો ધરાવતી હતી. પ્રાગૈતિહાસિક કાળના કૃષિપ્રધાન સમાજોમાં ઘણી જગ્યાએ માતૃસત્તા પ્રવર્તમાન હતી, એ એનું પ્રમાણ છે. આવા સમાજો, સંયુક્ત કોમી સંપત્તિના સિદ્ધાંત ઉપર રચાયા હતા, અને બાળકો મૂલ્યવાન રિસોર્સ અને સમાજનું લાઈફ બ્લડ ગણાતાં હતાં. જ્યાં બાળકોનું આવું માનનીય અને મહત્ત્વનું સ્થાન હોય ત્યાં એમની જનનીનું તો પવિત્ર-દૈવી સ્ટેટસ ગણાવાનું જ ! એને લીધે, બાળકોને ત્યારે માતાના કબીલાનું નામ મળતું, અત્યારે તો આપણે સંતાનના નામ પાછળ તેના પિતાનું નામ-અટક લગાવીએ છીએ... તદુપરાંત, ત્યારે સ્ત્રીની ફળદ્રુપતા ઉપર વિશેષ ભાર મૂકાતો, તેથી પૂજા પણ દેવીઓની વધુ થતી. જેમ કે પ્રાચીન બેબિલોનમાં અને Gaeaની ઇસ્થર દેવી અને ગ્રીક ધરતીમાતા તરીકે પૂજાતી... આ કાળમાં, પુરુષો, સ્ત્રીની રહસ્યમયતાને લીધે તેના પ્રત્યે આદર અને ભય બંને ભાવ સેવતા, કે આ તો કંઈક ‘જુદી’ જ છે... ત્યારથી કદાચ, સ્ત્રીને માટે the otherનો ખ્યાલ શરૂ થયો હશે... અને પછી તો પિતૃસત્તાક વ્યવસ્થા આવી ત્યારથી આ othernessનો ખ્યાલ વધુ દૃઢ થયો.

ગુલામોના લે-વેચની પ્રથાએ તો સ્ત્રીને otherની જડબેસલાક ચોકઠામાં ધકેલી જ દીધી. સ્ત્રી ગુલામો વધુ મહેનતી કામ ન કરી શકે, તેથી પુરુષ ગુલામોના ભાવ વધ્યા, અને સ્ત્રીને લગભગ વર્કફોર્સમાંથી બાકાત જ કરી દીધી. જેના પરિણામે, પુરુષો કાર્ય અને વિચારના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવવા લાગ્યા, આથી સ્ત્રીઓનું સ્ટેટસ બદલાયું. તેમને હવે રહસ્યમયી સર્જક તરીકે નહિ, પણ પુરુષો દ્વારા આપવામાં આવતા સર્જક બીજ(વીર્ય) સ્વીકારનારી તરીકે ઓળખવામાં આવી. આ ખ્યાલ ગ્રીક ફિલોસોફર એરિસ્ટૉટલે સાકાર કર્યો, કે જગતના(માનવજાતના) સર્જનને ગતિમાં રાખનાર જો કોઈ સક્રિય જીવ જવાબદાર હોય તો તે નર છે, નારી નહિ, એ તો નિષ્ક્રિય સ્વીકારનારી છે સર્જક નથી. આને એણે Male Principle નામ આપ્યું. નારી તો એના ગર્ભાશયમાં જીવને માત્ર ઉછેરી આપે છે, એટલું જ, બાકી બીજ પોતાનાં શરીરમાં બનાવનાર પુરુષ ખરો સર્જક ગણાય. આથી પિતૃસત્તાક વિચારણાને વધુ બળ મળ્યું, પણ તે દેવીપૂજાના ખ્યાલને સંપૂર્ણ રીતે ઊખેડી ન શક્યો, આથી દેવીઓની મૂર્તિને દેવતાઓની મૂર્તિથી નીચી, ઊતરતી કક્ષાએ ગોઠવવામાં આવી. Gaea દેવી નિષ્ક્રિય સ્થિરતાનું પ્રતીક બની રહી અને પુરુષ દેવ Zeus ચડિયાતે પાટલે બેઠો.

અને આમ પણ, પુરુષો દુનિયા ખેડવા સાગર સાહસે નીકળ્યા એટલે સ્ત્રીઓએ ધીમો ધીમો એમનો પ્રભાવ સહજ રીતે ઘટાડ્યો, તે ઘરમાં જ સ્થિર રહી, અંતર્મુખી, નિષ્ક્રિય બની રહી. એટલે સાથોસાથ, પુરુષો બાહ્ય જગતમાં પ્રગતિની સીડી ચડતા ગયા અને આધિપત્યમાં પણ ઊંચે ગયા.

૩. વારસા અને લગ્નના માળખા દ્વારા પિતૃસત્તાક સમાજરચનાનો ઐતિહાસિક પાયો નંખાયો.

સમગ્ર ઇતિહાસમાં, લગ્ન અને વારસા જેવાં સંસ્થાગત માળખાએ, પિતૃસત્તાને મજબૂત કરી છે, આથી પુરુષ એ જીવનદાતા/જીવનસર્જક સક્રિય માધ્યમ તરીકે હોવાનો ખ્યાલ સુદૃઢ થયો. સામાજિક ધારાધોરણમાં, સ્ત્રીના મહત્ત્વ પરથી, પુરુષના મહત્ત્વ ઉપર બદલાવ આવ્યો તેથી પિતૃસત્તાક માનસિકતા મજબૂત થવા માંડી. પ્રાઇવેટ પ્રોપર્ટી અને પારિવારિક વારસાઈના ખ્યાલના ઉદ્ભવથી મહત્ત્વપૂર્ણ પરિવર્તનો આવ્યાં. પહેલાંના સમયમાં સંપત્તિ સામૂહિક હતી તે ખ્યાલ હવે મટી ગયો અને ધન-સંપત્તિ, માલ-મિલ્કત વ્યક્તિગત કે પારિવારિક સ્તરે વધારવાની હોડ મચી, જેમાં પુરુષનો કમાનાર કે આવક લાવનાર તરીકેનો રોલ મહત્ત્વનો મનાવા લાગ્યો તેથી એનું પ્રભુત્વ વધ્યું. એટલું જ નહિ, પિતાનો વારસો-સંપત્તિ પુત્રને જ મળે તેવા ધારાધોરણમાં, પુત્રીને કશું ન મળતાં સ્ત્રીનું તો પત્તું જ કપાઈ ગયું. બાપની સંપત્તિમાં એ ભાગ ન માગી શકે. એના પ્રોપર્ટી હક્ક છીનવાવાથી, સ્ત્રી પણ એક ‘માલિકીની વસ્તુ’ના સ્ટેટસમાં આવી ગઈ. એને ‘માણસ’ કરતાં ‘વસ્તુ’ તરીકે જોવાની શરૂઆત થઈ. સંપત્તિના સમુદાયમાંથી પ્રાઈવેટ હોવાના/બનવાના બદલાવને લીધે પુરુષના હાથમાં સંપત્તિ-નિયંત્રણ આવ્યું આથી સ્ત્રી તો તેનાથી દૂર થઈ એટલું જ નહિ, તે સમાજથી પણ એકાકી થઈ ગઈ. લગ્નસંસ્થાએ, પારિવારિક વારસા ઉપર પુરુષના નિયંત્રણની ભૂમિકાને વધારે મજબૂત બનાવી. એણે વારસાની વહેંચણીમાંથી તો સ્ત્રીને બહાર કાઢી જ, પરંતુ એ વ્યવસ્થામાં એને એક asset-સંપત્તિ ગણી dehumanize કરી, અપમાનિત કરી. તેની માનવીય સ્વતંત્રતા પણ છીનવી. પિતા કે વડીલ પુરુષ સગાઓ યુવાન છોકરી ઉપર રક્ષાત્મક નજર રાખવા માંડ્યા. તે ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે ફરે છે તેની ચિંતા ને ચોકસાઈ રાખવા માંડ્યા. તેના લગ્ન થઈ જાય પછી આ કામ(જમાદારી) તેનો પતિ કરવા લાગ્યો. કેટલાક સમાજોમાં તો તેના પતિના અવસાન પછી સ્ત્રી(પત્ની)ને પતિની સંપત્તિથી પણ વંચિત કરવામાં આવી...પરંતુ પ્રાચીન ગ્રીસમાં, Epiklerate નામની વ્યવસ્થામાં, વિધવાને, તેના મૃત પતિના પરિવારના જ કોઈ વડીલ પુરુષ જોડે પરણવા ફરજ પડાઈ, જેથી તે પરિવારની સંપત્તિ એમના જ પિતૃસત્તાક વારસામાં જળવાઈ રહે... રોમન પુસ્તકોમાં, પ્રાચીન Brittanyમાં એક વધુ ‘સુધારાવાદી’ રિવાજ નોંધાયેલો છે, તે મુજબ કેટલાક એક જ પરિવારના પુરુષો, તે પરિવારની પત્નીઓને સામુદાયિક સંપત્તિ તરીકે શેર કરતા. એમાંથી એકાદ પુરુષનું અવસાન થાય તો તે સ્ત્રીને પતિની સંપત્તિનો વારસો મળતો નહોતો. આવાં પ્રાચીન દૃષ્ટાંતો જોતાં, હજી આજે પણ પરિસ્થિતિ વધુ સુધરી હોવાનું લાગતું નથી. અત્યારની સમકાલીન સામાજિક હાલતમાં એક દૃષ્ટિપાત કરવા આગળ વધીએ.

૪. કહેવાતી સામાજિક પ્રગતિ અને સ્ત્રીની ચાલુ રહેલી તાબેદારી : સ્ત્રીની ઉદ્ભવતી ભૂમિકા...

થોડું ઇતિહાસ-ચિંતન કરીએ તો આપણને એક સુરેખ ગતિમાં પ્રગતિ થયેલી જણાશે કે સુધારા તો ઘણા થયેલા દેખાય છે. પરંતુ એમાંથી સ્ત્રીઓની દશાને લાગુ પડે તેવા કેટલા છે? બહુ ઓછા. એનાં કેટલાંક પાસાં જરૂર સુધર્યાં છે—શિક્ષણ, કૌશલ્ય વૃદ્ધિ, સ્ત્રીની સામાજિક ભાગીદારી વગેરે—પરંતુ સ્ત્રી હજી પુરુષને આધીન, તાબે તો રહી જ છે.

૧૫મી સદીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. સ્ત્રીઓએ સાંસ્કૃતિક જીવનમાં પોતાની એક વધુ સારી ભૂમિકા ભજવવા માંડી. જોકે તેમના જીવનમાં લગ્નનો પ્રભાવ તો જબરદસ્ત રહ્યો જ, પરંતુ કેટલીક સ્ત્રીઓએ ધીમે ધીમે, પહેલાં જે ક્ષેત્રો પુરુષોનાં જ આરક્ષિત ગણાતાં હતાં, તેમાં પણ પ્રવેશવાના માર્ગો શોધી કાઢ્યા. દા.ત. ૧૭મી સદીમાં ફ્રાન્સમાં, અમુક સાહિત્યિક વર્તુળોમાં સ્ત્રીઓ તત્ત્વજ્ઞાન, કલા, સંસ્કૃતિ જેવા વિષયો ઉપર ચર્ચામાં ભાગ લેવા લાગી. સ્ત્રીઓને ઔપચારિક શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટી પ્રવેશથી વંચિત રાખવામાં આવતી હતી છતાં, Marie de Gournay અને Mademe de La Fayette જેવી તેજસ્વી મહિલાઓ તેમના પતિઓ કરતાં પ્રતિષ્ઠામાં ઘણી આગળ નીકળી શકી.

સ્ત્રીઓએ રાજકારણમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું. The Duchesse d’ Aiguillionનું ઉદાહરણ જાણીતું છે, જેનો ફ્રાન્સના કીંગ લુઇસ ૧૨માના ચીફ મિનિસ્ટર કાર્ડિનલ Richelieu ઉપર ખાસ્સો પ્રભાવ હતો. બીજી મહિલાઓએ પણ તેમના દેશનાં ઉચ્ચ રાજદ્વારી પદ શોભાવ્યાં હતાં, જેમ કે, એલિઅબેથ ૧, ઇંગ્લેન્ડનાં રાણી, ક્રીસ્ટીના, સ્વીડનનાં રાણી, અપરણીત રહીને તેઓ પતિની આધિનતાથી મુક્ત રહ્યાં. તેમના પિતાના અવસાન પછી, ખૂબ સત્તાશાળી પુરુષોને મળતી સ્વતંત્રતા તેમણે સુપેરે માણી અને દેશને માટે જવાબદારીભર્યું કામ કર્યું... આવાં તો ગણ્યાં-ગાંઠ્યાં ઉદાહરણ હોય, પરંતુ આવા વિકાસની તકો છતાં સ્ત્રી સમુદાયનો મોટો વર્ગ તો પુરુષોના આધિપત્ય હેઠળ જીવ્યો.

૧૯મી સદીના પ્રારંભમાં આવીએ તો, પણ સ્ત્રીનું સ્ટેટસ પુરુષથી પછાત જ જોવા મળે છે. ૧૯૧૮માં અમેરિકામાં પુરુષોને જેટલો પગાર મળતો તેનાથી અડધાથી પણ ઓછો સ્ત્રીઓને મળતો, અને આ સમયગાળામાં જર્મનીમાં ખાણોમાં કામ કરતી સ્ત્રીઓ, તેના પુરુષ મજૂરો જેટલો જ કોલસો કાઢતી હોવા છતાં, તેમને પા ભાગ જેટલી ઓછી રોજી મળતી.

આ ઉપરાંત બાળઉછેર અને ઘરકામમાં વ્યસ્ત મહિલાઓ, પુરુષો કરતાં ઊતરતી લેખાતી અને પુરુષ જેટલું કામ કરી શકવા અસમર્થ ગણાતી. સ્ત્રીઓને ઘરકામ અને બાળઉછેરનું કાંઈ આર્થિક વળતર નહોતું મળતું તેથી તેમણે પુરુષના આર્થિક આધારના મોહતાજ રહેવું પડતું. વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થવા છતાં, પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હજી અસમાનતાનો સામનો કરી રહી હતી.

૫. સ્ત્રીઓને the other ગણવાના વિચારને ઘડવામાં મુખ્ય ફાળો ધર્મનો :

સમગ્ર ઇતિહાસ જોતાં જણાશે કે, માનવીનાં વિચાર-વાણી-વર્તનને ઘડવામાં ધર્મ મોટો અને પ્રભાવક ભાગ ભજવે છે. સ્ત્રીને ગૌણ સ્થિતિમાં રાખવાના સામાજિક ખ્યાલને ધર્મે સારું પોષણ આપ્યું છે. ઘણા ધર્મોએ તો એના સ્થાપના કાળથી જ સ્ત્રીને પુરુષથી નીચા સ્તરે જ મૂકી રાખી છે. દા.ત. Judaism અને ખ્રિસ્તી ધર્મમાં-આદમ અને ઈવની માનવજાતિની ઉત્પત્તિની વાતમાં આદમને હરિયાળા ગાર્ડન ઑફ ઈડનમાં મુક્ત રીતે વિહાર માણતો બતાવ્યો છે. એની એકલતા દૂર કરવા ભગવાને એને એક સાથી-ઈવ-આદમની એક હાંસડી દૂર કરીને સર્જી આપી. હવે બંને જણાં લીલુડી ધરતી પર વિચરણ કરતાં થયાં, પછી આગળ વધતાં, ઈવે(સ્ત્રીએ) જ્ઞાનવૃક્ષનું ફળ ચાખવા આદમને મનાવ્યો અને આદમે તે ફળ ખાધું. આથી ઈડન ગાર્ડનમાંથી બંનેની હકાલપટ્ટી થઈ. અહીં નોંધનીય એ છે કે સ્ત્રીએ જ પુરુષને પતન માટે લલચાવ્યો અને એ ઘટનાથી માનવજાતિના પતનની ઝડી વરસી (જોકે ત્યારથી આપણા બધાના આ ધરતી પર આવવાનાં દ્વાર ખૂલ્યાં...) આ ધરીરૂપ ઘટનાથી સ્ત્રી, આ ધરતી પર આદમ પછી બીજા નંબરે અવતરી હતી, માટે the other કહેવાવાનાં બીજ રોપાયાં. પુરુષ સ્વતંત્રતા અને સર્જકતાનું પ્રતીક હતો. તેનાથી ઉલટું, સ્ત્રીની મહત્તાને/અસ્તિત્વને રક્ત-માંસ-મજ્જા અને પાપના દાયરા સુધી ઘટાડી દેવામાં આવી. ખ્રિસ્તી સિદ્ધાંતમાં તો, આ અપવિત્ર/કલંકિત સ્ત્રી-માંસ ‘orijinal sin’-મૂળભૂત પાપનું વાહક ગણાયું, અને એ દ્વારા દરેક નવજાત શિશુને (એના જન્મ પહેલાં પણ) guilt - અપરાધ ભાવથી જોવાનું વલણ રહ્યું. જોકે, આ sinful female flesh (સ્ત્રીના પાપયુક્ત માંસ-મજ્જા)નો દૃષ્ટિકોણ માત્ર ખ્રિસ્તીધર્મમાં જ છે તેવું નથી. દા.ત. રોમન સામ્રાજ્યમાં, સમરાંગણમાં યુદ્ધ કરવા જતાં પહેલાં રોમન સૈનિકોને તેમની પત્નીઓ(કે અન્ય સ્ત્રીઓ) સાથે જાતિય આનંદ માણવાનો પ્રતિબંધ હતો. રોમાન્સ માનતા સ્ત્રીના શરીરમાં(રક્ત-માંસ-મજ્જામાં) પુરુષની શારીરિક શક્તિ(મસલ પાવર)ને વાપરી નાખવાની અને ઘટાડી નાખવાની તાકાત રહેલી હોય છે. જોકે એ પણ મહત્ત્વપૂર્ણ અને નોંધનીય છે કે ‘female flesh’નો આ દૃષ્ટિકોણ બધી સ્ત્રીઓને સાર્વત્રિકરૂપે લાગુ પડતો નથી. માસિકધર્મમાં ન આવી હોય તેવી નાની છોકરી અથવા પ્રજોત્પત્તિની ઉંમર વટાવી ગઈ હોય તેવી વૃદ્ધા-જેમનામાં જાતીય આકર્ષણનાં લક્ષણો ન હોય-તેઓ આમાંથી બાકાત છે.

૬. Myths - કલ્પના કથાઓ દ્વારા નારીની ‘otherness’નું દૃઢીકરણ...

ધર્મ એકલો જ સ્ત્રી પ્રત્યેના આવા દૃષ્ટિકોણને પોષવામાં જવાબદાર છે એવું નથી, ધર્મ સિવાયની કલ્પિત કથાઓ, દંતકથાઓ, વાર્તાઓનો પણ એમાં મોટો ફાળો છે. દા.ત. સ્ત્રીના માસિકધર્મની સાથે જોડાયેલી અસંખ્ય (ગેર)માન્યતાઓ કે કલ્પના કથાઓ, આ માત્ર સ્ત્રીની જ એક વિશિષ્ટ શારીરિક ઘટના છે, પણ તેને સમાજ, રૂઢિ, પરંપરાગતતા કેવી કેવી નજરે જુએ છે. ૧૯૪૦ સુધી દક્ષિણ ફ્રાન્સમાં ઘણા લોકો એવું માનતા કે માસિક(પીરીયડ્સ)માં હોય તેવી સ્ત્રી જો હેમ અથવા બૅકન માટેના પોર્કના(ખાવાની ચીજવસ્તુઓ-માંસાહારી) સંપર્કમાં આવે તો તે વસ્તુ બગડી જાય. (આપણે ત્યાં તો હજી પણ માસિકવાળી સ્ત્રીનો પડછાયો/સંસર્ગ, અથાણાં-પાપડ વગેરે બનાવતા હોય ત્યારે દૂર રખાય છે ને?) જોકે હવે સુધરેલા અને પ્રગતિશીલ સમાજ અને સમયમાં આવી માન્યતા વિચિત્ર લાગે, તોયે ‘એ તો અત્યારે માસિક(પીરીયડ)માં છે’ એવું બોલી-વિચારી જરા જુદો ભાવ દર્શાવાય છે. (ગરબામાં-ધાર્મિક પૂજાવિધિ-આરતીમાં પણ તેઓ ભાગ નથી લેતી). એવું બોલીને જાણે ચાલાકીપૂર્વક એવું ઠસાવાય છે કે રજોદર્શન કે માસિકસ્રાવ જાણે સ્ત્રી ઉપર કોઈ રહસ્યમય પ્રભાવ પાડે છે, જેથી ક્યારેક તે સ્વનિયંત્રણ ગુમાવીને વિચિત્ર વર્તન પણ કરે છે. સ્ત્રીના શરીરમાં આવું કંઈક વિશિષ્ટ છે એવી મીથ, વાયકા, ગેરમાન્યતા, રૂઢીવાદી ખ્યાલોથી સ્ત્રી કંઈક ‘જુદી’, ‘other’ હોવાનો ખ્યાલ વધુ પુષ્ટિ પામે છે. હવે ગ્રીક માયથોલોજી(પૌરાણિક કથા)માં મ્યૂઝીસ(જે તે દેવી) એવા ખ્યાલનું પ્રતિનિધિત્વ કરે છે કે સ્ત્રી તો માત્ર પ્રેરણાનો સ્રોત છે, નિષ્ક્રિય being છે જે પુરુષની (કામ)ઇચ્છાને જગાડે છે, બાકી બીજું કાંઈ નથી કરતી, કોઈ જીનિયસ કૃતિનું સર્જન નથી કરતી. તદુપરાંત, આ પ્રેરક દેવીઓને એવી ચિતરવામાં આવે છે કે એમની પાસે કોઈ રહસ્યમય અને ન સમજાય તેવી ક્ષમતા છે, જે પુરુષને વાસ્તવિક સ્ત્રીને સમજવાથી રોકે છે. આથી સ્ત્રીની otherness વધુ મક્કમ બને છે. દેખીતી રીતે જ આવાં નારીચિત્રણ પોઝિટીવ સ્વરૂપે લેવા માટે થયાં હોય છે—જેમ કે પવિત્ર મેડોનાનું સૌદર્ય, ઇશુની વર્જીન મધર તરફ પૂજ્યભાવ વગેરે... પણ એનાં નેગેટીવ ભાવ કે સ્વરૂપ પણ ક્યારેક સપાટી પર આવે—જેમ કે પોતાના પુરુષ શય્યાસાથી જોડે સંભોગ કર્યા પછી તેને ખાઈ જનારી રાક્ષસિણી...! આવાં અતિસરળ આદ્યરૂપો(archetypes)થી પુરુષ સહજ રીતે જ, સ્ત્રીની માનવીય સંકુલતાઓ સમજવાથી દૂર ચાલ્યો જાય છે. પુરુષે, સ્ત્રી જાતિની તકલીફો, મર્યાદાઓ, મુશ્કેલીઓને સમજીને તેમાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરવો જોઈએ, તેને બદલે પુરુષ તો ‘બૈરાં તો આવાં જ હોય… ગુસ્સાવાળાં, રીસાવાવાળાં, વિચિત્ર, ગૂઢ, રહસ્યમય-એ આપણાથી ન સમજાય, ભાઈ!’ આવું વલણ રાખે છે. (જે બરાબર ન કહેવાય, ભાઈઓ!)

૭. “સ્ત્રી” બનવાની પ્રક્રિયા તો એના બાળપણથી જ શરૂ થઈ ગઈ હોય છે...

જો નારીપાણું, ઇતિહાસ, ધર્મ, મીથ દ્વારા સાકાર થયું હોય તો વર્તમાનમાં, ‘સ્ત્રી’ બનવાની યાત્રામાં કોઈ કેવી રીતે જોડાઈ જાય છે?

સ્ત્રીને ‘સ્ત્રી’ બનાવવાની પ્રક્રિયા, ઘર-પરિવાર સમાજ બાળકીના જન્મથી જ શરૂ કરી દે છે: (‘લો, આ તો લક્ષ્મીજી પધાર્યાં! જલેબી વહેંચો...’ અને કુળદીપક પધારે તો પ્રસન્નતાના પેંડા વહેંચાય…) જાણે બંને-બાબો/બેબી માનવ અસ્તિત્વના જુદા જુદા આર્વિભાવો કે અલગ માર્ગો હોય તેવા gender roles અને gender category માં તેમને ઢાળી દેવાય છે.

નવજાત શિશુને તો ભાન પણ નથી કે તે બાબો છે કે બેબી, તેથી તેઓ એકસરખી રીતે સ્તનપાન કરશે, ડાયપર બદલાવવા દેશે અને મોટે ભાગે ઊંઘતાં રહેશે, એક સરખું જ રડશે-હસશે... પણ બાળકને ધાવણ છોડાવ્યા પછી અસમાન ઉછેરનાં બીજ રોપાય છે—છોકરાએ તો ‘પુરુષ’ થવાનું છે—વધુ તાકાવાન, ખડતલ, શક્તિશાળી, મજબૂત, સ્વતંત્ર રીતે આગળ વધી શકે એવો... ચાલતાં પડી જાય તો એને જાતે ઊભા થવા દે, બેબી પડી જાય તો ઊંચકી લે, નાજુક છે, વાગ્યું તો નથી ને?

આ તફાવત, બાળકો મોટાં થાય અને પોતાનાં જાતીય અંગો પ્રત્યે સભાન થાય ત્યાર પછી વધુ મુખર, સ્પષ્ટ અને સુરેખ બનતો જાય છે. છોકરાઓને તેના શરીર-સૌષ્ઠવ-પ્રદર્શનની છૂટ અને પ્રોત્સાહન અપાય. તે ઊભો ઊભો પેશાબ કરી શકે, એ જાણે તેની વિશિષ્ટ ક્ષમતા, તેનાથી ઊલટું છોકરીથી અંગપ્રદર્શન ન થાય, તેવાં વસ્ત્ર ન પહેરાય. તેણે બેસીને સંકોચશીલ બનીને પેશાબ કરવાનો, કોઈ જોઈ જાય તો શરમજનક! જયારે છોકરો ઊભો ઊભો ગમે ત્યાં પેશાબ કરે તે તેનું ગૌરવ ! આમ, બંનેનાં જાતીય અંગો અંગે એક પ્રકારની શરમ અને ગુપ્તતા, નિષિદ્ધપણાની ભાવના વિકસી.

બાળપણમાંથી જેમ જેમ બાળકી બહાર આવતી જાય, આ ખાઈ, વિભાગીકરણ વધુ ઊંડું બનતું જાય છે, જે છોકરીને વધુ નિષ્ક્રિય ભૂમિકામાં ધકેલતું જાય છે. તેને ઢીંગલી રમવા આપાય છે, તેને સજાવવાની, સુવડાવવાની, રમાડવાની, કાળજીથી નજાકતથી ઊંચકવાની-આવી માનસિકતા આથી વિકસે કે સ્ત્રી નાજુક છે. રફ એન્ડ ટફ નથી... ઢીંગલીને દીકરી તરીકે ટ્રીટ કરવાથી છોકરીમાં માતૃત્વ-સંસ્કાર ઘર કરી જાય છે. આને ફ્રેંચ ભાષામાં ‘poupee’ કહેવાય છે. જયારે છોકરો તેના જનનાંગ સાથે રમતો હોય છે, છોકરીને એવું ‘રમકડું’ નથી, તેથી એને ઢીંગલી પકડાવવામાં આવે છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે, આ બધું તો ‘સ્ત્રી’ બનવાની પ્રક્રિયાના પહેલા પગથિયા જેવું છે.

૮. છોકરીનું સ્ત્રીમાં રૂપાંતર : કિશોરાવસ્થામાં ‘otherness’ને આલિંગન.

તરુણાવસ્થા તરફ છોકરીની ગતિ-પ્રગતિ કયાં પાસાંઓ પ્રગટ કરે છે?

છોકરા-છોકરી વચ્ચેની ભેદરેખા વધુ સજ્જડ અને જડ બનતી જાય તેમ તેમ છોકરી એની સમાજ-નિર્ધારિત ભૂમિકામાં વધુ ને વધુ બંધાતી જાય છે, જકડાતી જાય છે. શરૂ શરૂમાં તેમને માતૃત્વનો વિચાર મનોહર લાગે છે. કારણ કે માતાના કાળજીપૂર્ણ-પ્રેમભર્યા સંસર્ગમાંથી હમણાં હમણાં જ ઉછરીને બહાર આવી હોય છે. હવે તે સ્વનિર્ભર થઈ હોઈ માતાની કાળજીની એટલી ચિંતા નથી રાખતી, માતા ઉપર બહુ આધાર નથી રાખતી. પણ હવે તે પોતે માતા બનવાની થશે એટલે ઘરમાં પૂરાઈ-પરોવાઈ, બંધાઈ જવાનો ડર સેવવા માંડે છે. એને હવે પપ્પા તરફ નજર કરતાં પુરુષનો રોલ વધુ આકર્ષે છે - બસ, કમાઈને લાવવાનું ને બેફીકર ફરવાનું, ઘરની-રસોડાની-બાળકોની ઝંઝટની કોઈ ચિંતા નહિ, એ તો સંભાળનારી ઘરરખુ અને ઘરકૂકડી સ્ત્રી છે ને! તે સંભાળ્યા કરે. ચાલો, આ અંગેનો એક ચોંકાવનારો આંકડાકીય સંશોધન-આધાર લઈએ. હેવલોક ઍલિસ નામના અંગ્રેજ ડૉકટરે સર્વેક્ષણ કર્યું તો જોયું કે માત્ર ૧% છોકરાને છોકરી બનવું હતું, જયારે ૭૫% છોકરીઓને છોકરા બનવું હતું. આનો અર્થ એ થયો કે સ્ત્રીઓ તેમની ભૂમિકાથી/અસ્તિત્વથી સંતુષ્ટ નથી, એને પુરુષ થવાનું સારું લાગે છે.

તરુણાવસ્થામાં, આવી ‘છોકરી-ઓળખ’ ત્યજવાની ઇચ્છા, તેનામાં શારીરિક પરિવર્તનો થતાં બળવત્તર બનતી જાય છે, આ જ તેનામાં સ્ત્રીપણું આવી રહ્યાનાં લક્ષણ સમાન છે. દા.ત. છોકરીમાં સ્તનનો વિકાસ થતાં તેના તરફ જોવાની સમાજની નજર બદલાય છે, તેને પોતાને પણ તેનો ખ્યાલ આવે છે કે પુરુષ તેને કેવી દૃષ્ટિથી જુએ/જોઈ રહ્યો છે—એક વસ્તુ, ઉપભોગની ચીજ તરીકે! અને એનું અસ્તિત્વ એ બે સુંદર, માંસલ સુડોળ સૌંદર્યબિંદુઓમાં સીમિત થઈ જાય છે. આનાથી તે છોકરાથી જુદી પડે છે, ઘણી વાર તો સ્તન વિકાસથી જ તે ઓળખાય પણ છે, એ એની એક નારી તરીકેની પરિચાયક ઓળખ બની રહે છે, જે પુરુષ પાસે નથી, આથી તે ‘other’ની પગથિયાંવાળી વાવમાં બે ડગલાં નીચે જાય છે. એમાં વળી પાછી રજોદર્શન-માસિકધર્મની શરુઆત સામેલ થતાં તે લગભગ વાવના પાણી પાસે પહોંચી જાય છે, એટેલે કે હવે તો એ ‘સંપૂર્ણ સ્ત્રી’ -છે. પુરુષથી જુદી જ છે એવી પાક્કી ઓળખ પામે છે.

છોકરીનું સૌથી પહેલું માસિકસ્રાવનું સર્કલ તેને શારીરિક કષ્ટ, માનસિક વ્યગ્રતા, શરમ-સંકોચ-ડર અને સામાજિક પ્રતિબંધવાળું વીતે છે. અત્યાર સુધી તો એનાં જનનાંગનું કાર્ય માત્ર મૂત્ર વિસર્જનનું જ એણે જોયું હતું, હવે તેમાં ગર્ભધારણ ક્ષમતાનું બહુ મોટું જોખમી આયામ જોડાઈ રહ્યું છે તેનું તેને ભાન થવા લાગે છે, માતા પણ તેને સમજાવે છે કે ‘છોડી...તું હવે ઉંમરમાં આવી છે. ધ્યાન રાખજે. કશે પગ લપસી ન જાય, છોકરાઓની કુદૃષ્ટિથી બચીને ચાલજે...વગેરે’

૯. સ્ત્રીની ‘સ્ત્રી’ તરીકેની ઓળખયાત્રામાં, માતૃત્વધારણ સર્વોચ્ચ પડાવ છે, જે એને ગહન પરિવર્તન અને મુક્તિની ભાવના—બંને પ્રદાન કરે છે.

સ્ત્રી અને પુરુષના પ્રેમાળ સંવનન અને સંભોગનું અનિવાર્ય પરિણામ તે બાળજન્મ ! સ્ત્રીને માટે માત્ર એના બાળકનો જ જન્મ નથી, પોતાનો એક માતા તરીકેનો પણ એ જન્મ છે. અહીંથી એના ઉચ્ચતમ રૂપાંતરણનો પ્રારંભ થાય છે.

પિતૃસત્તાક સમાજરચનામાં, સ્ત્રીનું ગર્ભધારણ, એ પુરુષની જીવ-બીજારોપણની સમર્થતાનું પ્રતીક (ગુડ ન્યૂઝ) મનાય છે કે, ચાલો, ‘એ બાપ બનવા શક્તિમાન છે !’ સ્ત્રી પણ બાળક જન્માવવા સમર્થ છે-માતા બની શકાશે-એ નજરંદાજ કરાય છે અને પુરુષને જશ વધુ (અભિનંદન) અપાય છે. સ્ત્રીએ તો હવે તો ગર્ભસ્થ શિશુની પણ જરૂરિયાતો પૂરી કરવાની છે. જન્મ પહેલાં પણ, ગર્ભાશયમાં રહેલા ભ્રૂણને આગળ શું થવાનું છે તેનાં અણસાર, સંવેદન આવતાં હોય છે. એ ખાસ નોંધનીય છે કે, મનોવિજ્ઞાની વિલ્હેમ સ્ટેકેલ તો ત્યાં સુધી કહે છે કે—સ્ત્રીની પ્રેગ્નન્સીની પ્રારંભિક અવસ્થામાં થતી Morning sickness Sensation-ઉબકા-ઉલ્ટીની સંવેદના, સ્ત્રીના અવચેતન મનમાં, પેટમાં ન પચેલો ખોરાક ઉલ્ટીથી બહાર કાઢી નાખવાનું મન થાય છે તેમ, ગર્ભસ્થ ભ્રૂણને પાડી નાખવાનું મન થાય છે. બધી જ સ્ત્રીઓને આવું થાય જ એવું નથી. ઘણી સ્ત્રીઓને તો બાળજન્મ પૂર્વેથી જ, તેના પ્રેગ્નન્સી કાળથી જ ગર્ભ(સ્થ-શિશુ) જોડે લગાવ, માયા, એકત્વનો ભાવ થઈ જાય છે. એ પેટમાં હોય ત્યાં સુધી આ સંલગ્નતાનો ભાવ રહે છે. પણ જન્મ થઈ જાય, શિશુની ગર્ભનાળ કપાઈ જાય, શિશુનું અસ્તિત્વ સ્વતંત્ર થઈ જાય પછી માતાને ખૂબ એકલતા-ગોદ ખાલી થઈ જવાની શૂન્યતા પણ સતાવતી હોય છે. નવજાત માતાને હવે લાગે છે કે બચ્ચું પહેલાં જે રીતે, જેટલું મારી સાથે સંલગ્ન હતું તે હવે રહ્યું નથી... આથી માતા એ શિશુની જરૂરિયાતોની કાળજી કરવામાં મન પરોવે છે, તેના પોષણ, આરોગ્ય, સુખ-સુવિધાને માટે પોતાને બધો સમય સમર્પે છે. આથી પુરુષોની આધીનતાના વાડામાંથી એટલી તો એ છૂટી થાય છે. એટલું જ નહિ એનું ભાવજગત પણ બદલાય છે. યુવાવસ્થાનાં એનાં સુડોળ, આકર્ષક, કામોત્તેજક સ્તન હવે શિશુના પોષણ, કાળજી અને સાંત્વનની જવાબદારી ઉપાડી લે છે. સ્તનો હવે પુરુષના સ્પર્શસુખનાં શિરમોર અંગો તરીકે ન જોવાતાં, બાળકના અસ્તિત્વના આધારસ્તંભ તરીકે જોવાય છે, તેથી જ ધાત્રી મહિલા (માતા) બાળક ભૂખે રડે એટલે ગમે ત્યાં-જાહેરમાં પણ-સાડીનો છેડો ઢાંકી એને પ્રેમ અને વહાલથી સ્તનપાન કરાવે છે, હવે એને સામાજિક શરમનો બોજ બાજુએ મૂકવો પડે છે.

૧૦. લગ્ન સંસ્થા સ્ત્રીને આર્થિક સ્થિરતા અને ચિંતામુક્તિ તો આપે છે, પણ સાથોસાથ તેને કેટલીક સીમાઓમાં બાંધી પણ દે છે...

સ્ત્રીઓ ઉપર લગ્નની સમકાલીન અસર તપાસતાં જણાશે કે, ઉપરોક્ત શીર્ષક મુજબ, તેની હાલતમાં ખાસ કાંઈ ફરક પડ્યો નથી. લગ્ન સંસ્થાએ પણ સ્ત્રીને એક વિશિષ્ટ પ્રકારના ‘પેસીવ સોશ્યલ રોલ’માં જ રાખી છે. ભૂતકાળની જેમ જ, પુરુષ ‘હેડ ઓફ ધ ફેમીલી’ની પોઝીશન સંભાળવી ચાલુ રાખે છે, પત્નીના નામની પાછળ (પહેલાં પિતાનું નામ લાગતું) હવે પતિદેવનું નામ આવી જાય છે, પતિનો ધર્મ Religion હવે પત્નીએ અપનાવવાનો થાય છે. ૧૯૪૨ સુધી ફ્રાન્સના કાયદા, પત્નીને, પતિને આજ્ઞાંકિત રહેવાની ફરજ પાડતા હતા, આ તો કેવું આઘાતજનક ગણાય ! જો કે આવા કાયદા તો ઘણા દેશોમાં બન્યા હતા, એ હકીકત છે. બસ, સ્ત્રીને કાયદાકીય રીતે પણ તાબામાં, દાબમાં રાખો! અરે, હજી આજે પણ પતિની પૂર્ણ સત્તાને પત્નીએ માનવી પડે, અનુસરવી પડે તેવા કાયદા-પ્રથા કેટલીક જગ્યાએ તો છે જ.

આજની તારીખમાં પણ, લગ્નસંસ્થાની લગામ જ્યાં જરાક ઢીલી છે તેવા પ્રગતિશીલ સમાજોમાંયે, ઘરેલુ સ્તરે સ્ત્રીને ‘પેસીવ રોલ’માં જ મૂકવામાં આવે છે. જો કે એમ છતાં ગૃહ વ્યવસ્થાપન-સંચાલનમાં સ્ત્રી જ ખરેખર તો વધારે જવાબદારી નિભાવતી રહે છે, એ એક કમનસીબ કઠોર વાસ્તવિકતા છે. ૧૯૪૭ના એક રિપોર્ટ મુજબ સ્ત્રી ઘરનાં રોજિંદા કંટાળાજનક કામોમાં સપ્તાહના ૩૦ કલાક આપે છે. અને તે પણ ‘મફતમાં મજૂરી’! પુરુષ આટલું કામ કશે પણ કરે (૩૦ કલાક/સપ્તાહના) તો એને સારી રોજી મળી રહે, તો સ્ત્રીના કામનું કોઈ મૂલ્ય જ નહિ? ઉલટાનું, સ્ત્રી પોતાની કારકિર્દી, ઘડી શકે તેવાં બધાં મૂલ્યવાન સમય અને શક્તિ તે ઘરમાં જ ઘરને-પરિવારને માટે મૂંગા મોઢે ખર્ચી કાઢે છે, તો એની દરકાર, નોંધ આપણે લેવાની કે નહિ? હા, પુરુષ તેને આર્થિક સલામતીનો ધાબળો ઓઢાડે છે તે વાત સાચી, જેથી સ્ત્રી તેની સાથે હુંફાળા-સુંવાળા સંબંધમાં રહી શકે છે.

આ રૂપકાત્મક તબક્કામાં, મોટેભાગે સ્ત્રીઓ જીવનમાં સ્થિરતાનો અનુભવ કરતી હોય છે. સંતાનો અને પતિની કાળજી લેવાની વચ્ચે ક્યારેક પોતાના અંગત રસ-શોખ-કલા પ્રવૃત્તિને પોષવા સમય શોધતી હોય છે. વ્યાપક સમાજે તો બહાર એવી ઘણી તકો(ક્લબો, મહિલા મંડળો, કેમ્પ, વયસ્ક મંડળો) ઊભી કરેલી હોય છે, પણ તેમાં તે ઝાઝી સક્રિય સમર્પિત થઈ શકતી નથી. વળી ઘરમાં હવે બાળકો મોટાં થઈ ગયાં હોય, બધું ઘરતંત્ર બરાબર ગોઠવાયેલું ચાલતું હોય, સ્ત્રીની પહેલાં જેટલી દબાણયુક્ત જવાબદારી ન રહી હોય ત્યારે સ્ત્રી ઘરમાં પણ અને બહાર પણ એકલતા, બિનમહત્ત્વની કે બિનઉપયોગી હોવાની ભાવના મનમાં ઘૂંટતી થઈ જાય છે.

૧૧. સ્ત્રીને વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી, એનાં વસ્ત્રો(ડ્રેસીંગ) પણ પુરુષની અધીનતાને પોષનારું એક (આકર્ષક, અસરકારક) સાધન/માધ્યમ બની રહે છે.

માત્ર આર્થિક પાસાથી જ સ્ત્રી, પુરુષને આધીન રહે છે એવું નથી, બીજાં પણ પરિબળ એમાં ભાગ ભજવે છે. જેમ કે, સ્ત્રીને, પુરુષની નજરમાં પ્રેમથી વસવાનું, દેખાવડી-આકર્ષક-મનમોહક લાગવાનું અંદરખાને (ખૂબ) ગમે છે. કેવું ડ્રેસીંગ, સ્ટાઈલ, ફેશન (લટકા-મટકા) કરું કે પુરુષની નજર એના તરફ જાય અને મંડાયેલી રહે. (યુવાનીમાં આ ભાવ તીવ્રતમ હોય, પછી વયસ્ક થતાં એમાં ઓટ આવે) ભલે શરીરનાં અંગોને આરામદાયક ન લાગે તો પણ ટાઈટ અને ટૂંકાં સ્કર્ટ, (ચાલવા-બેસવામાં જરા તકલીફ પડે તો સહન કરી લઈશ) (એના કરતાં લાંબા-ખુલતા વ્યવસ્થિત ટ્રાઉઝર્સપહેરતા હો તો? ના, ના.) અને હાઈ હીલનાં સેન્ડલ, ભલે મારો પગ મચકોડાઈ જાય તોયે પહેરીશ. અંગ પ્રદર્શન કરતી લીંગેરી કે અન્ય લો કટ વસ્ત્રો પહેરવાનો વાસ્તવમાં કોઈ હેતુ નથી. કોરસેટ, ટાઈટ બ્રા કે ઉત્તેજક ઉરવસ્ત્ર પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે તોયે સ્ત્રી ના ન પાડશે. બની ઠનીને, મેઇકઅપ કરીને નીકળશે. બસ, પુરુષની ચાતક અને ચકોર નજર એના પર પડવી જ જોઈએ, એમાં એને ઊંડો આત્મસંતોષ મળે છે. આથી તે માનતી થઈ જાય છે કે (અ)‘યોગ્ય’ વસ્ત્ર પરિધાન, પુરુષને આકર્ષવાની ચાવી છે, ‘આમંત્રણ’ છે. વાસ્તવમાં, આનાથી જ તે પુરુષની પ્યાસી નજરમાં કામ્યા અને રમ્યા, કમનીય-રમણીય object of desire બની રહે છે... આવી કામુક કાયાની માયા જાળવવી કેવી રીતે તેનું પ્રેશર ઉંમર વધવાની સાથે એને વધતું જાય છે, આથી તે બ્યૂટી પાર્લર જઈ એન્ટી-એજીંગ કોસ્મેટીક્ષ અને ટ્રીટમેન્ટ કરાવતી થાય છે— મારું દેહાકર્ષણ ઘટવું ન જોઈએ... પુરુષની નજરમાં હું ઢીલી, ઘરડી ન લાગવી જોઈએ. હવે, આનાથી ઊલટું, પુરુષની બાબતમાં, યુવાન ઉંમરમાં વધતો જાય તેમ તેમ તેનામાં સ્નાયુબદ્ધ શરીર-સૌષ્ઠવ, મર્દાનગી પૌરુષી સ્વાયત્તતા વધવાં જોઈએ એવું યુવાનને લાગે છે. અને તે માટે એ પ્રયત્નશીલ પણ રહે છે. (જીમ જોઈન કરશે, સીક્ષ પૅક હીરોના ફોટા રાખશે, ચાલવા-દોડવા-રમવા જશે વગેરે). સ્ત્રીને માટેનો આદર્શ યૌવન-નૂર ટકાવવું અને ફળદ્રુપતા (સંતાનક્ષમતા) જાળવવી એ રહે છે... પણ સમયપ્રવાહમાં ને ઉંમર-બહાવમાં બધું ધીમે ધીમે ઓસરે છે. ઘણી સ્ત્રીઓ એમની આ યૌવન-ઓટને સ્વીકારવા તૈયાર જ નથી, ઉલટાની ઉંમર સાથે લડી લેવા જાત જાતનાં શસ્ત્રો વાપરશે ને વૈદકશાસ્ત્રોના સહારા શોધશે, વધતી ઉંમરનો પ્રતિકાર કરશે, વૃદ્ધિ પામતી વય-નૌકાને પાછી વાળવા ઊંધાં હલેસાં મારશે- ‘ચાલ, મારી કાયા, પાછી યુવાનીના બંદરે!’ ‘આ ઘડપણના કિનારા ને હતાશાના ઓવારા મારે નથ જો’તા !’ પેલા માળિયા કે જૂના કબાટમાં સરકી ગયેલી કંચૂકી, કટોરી બ્રા પાછી કાઢ, લો કટ ડ્રેસીંગ મને પાછું આપો, મારો માનુની-મારકણી આંખો ને મદહોશી અદાઓવાળો યુવાનીનો રોલ, હે વધતી ઉંમર તું શીદ છીનવી રહી છે?— આવો ઉંમર સામે સંઘર્ષ સ્ત્રીમાં જીવનસંધ્યાકાળ સુધી ટકી રહે છે, વયસ્કતાનો કે વૃદ્ધત્વનો સહજ સ્વીકાર ન થાય ત્યાં સુધી સ્ત્રીની આ છૂપી છટપટાહટ છૂટતી નથી... અરે, સન્માનનીય સન્નારીઓ, શ્વેતકેષા બનવું શરમ નથી, સૌંદર્યમય છે. વધતી વયને વટથી વધાવો. પુરુષની કામુક નજરથી છૂટકારો પામ્યાની હાશ માણો.

આવી મુક્તિ તમને વરદાન મળી છે. કારણ કે પુરુષ ઉંમરવાન નારીઓને ‘જાતીય વસ્તુ’ sexual commodity - નથી માનતો. તમારું objectification-વસ્તુકરણ-હવે બંધ થયું છે. તમારા પતિ કે યુવા સંતાનોની પણ હવે તમારે કાળજી નથી રાખવી પડતી. આથી, સમયની વણથંભી કૂચને સ્વીકારો, elderly status-માસીબા કે દાદીમા-માઁજી બનવાનું સમાજ માન આપે જ છે તે હવે માણો. હવે તમારો ‘gender role’ પૂરો થયો. તમે સ્ત્રીત્વના બોજમાંથી મુક્ત થયાં. પણ કમનસીબે, આવો સ્વાતંત્ર્યનો શ્વાસ લેવાનો સમય ઘણી મોટી ઉંમરે આવે છે... આ ‘નૂતન સ્વતંત્રતા’ને માણવા દાદી પાસે દિવસો કેટલા રહ્યા? જે રહ્યા તે, ઘરમાં દેવસેવા કરો યા મંદિર જઈને માળા કરો !

૧૨. લગ્નવ્યવસ્થાને સંતુલિત કરનારા એક કાનૂની બળ તરીકે વેશ્યા વ્યવસાયને જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં, એ પણ સ્ત્રી શોષણ અને સ્ત્રી-નિમ્નીકરણનું જ પ્રગટીકરણ છે.

લગ્ન-વિધિના માધ્યમે છોકરી, પત્ની બને, ઘર-પરિવાર સંભાળનાર સ્ત્રી બને, માતા બને, તો પછી કુંવારી રહેનારી મહિલાઓનું શું થતું હશે? પુરુષ-પ્રધાન સંસ્કૃતિનાં બંધનોથી તે મુક્ત રહી શકતી હશે? એણે નથી લગ્ન કરવાં, આથી નથી બાળકો પેદા કરવાં કે નથી સાસરે જઈ પતિની આધીનતા સ્વીકારવી, તો પછી એ તો પુરુષની તાબેદારીથી મુક્ત જ છે ને? કમનસીબે, એનો જવાબ છે, ના ! મુક્ત હોવી તો જોઈએ, પણ સમાજનો પુરુષ એને કોઈને કોઈ પ્રકારે તાબે કરે છે.

ઘણી મુકત લાગતી સ્ત્રીઓ, વાસ્તવમાં, ઘણી અદૃશ્ય બેડીઓથી બંધાયેલી હોય છે, જેમકે વેશ્યા વ્યવસાયમાં સંકળાયેલી (સપડાયેલી) સ્ત્રીઓ ! કેટલાક તેમને જાતીયવૃત્તિની મુક્તિનું પ્રતીક માને છે, પણ ખરેખર તો, વેશ્યાવૃત્તિ એ સ્ત્રીની જાતિયતાના શોષણમાં રોપાયેલો ગુલામીનો જ એક પ્રકાર છે.

સ્ત્રીઓને વિભાજિત કરવાના એક સાધન તરીકે વેશ્યાવૃત્તિ ઑપરેટ થાય છે, જે તેમને વધુ સંવેદનશીલ આધિપત્યના દાયરામાં ધકેલી દે છે. અહીં એણે એના ઈશ્વરદત્ત શરીરને ‘બજારુ ચીજ’ બનાવવું પડે છે અને ‘હલકા ચારિત્ર્યવાળી’નું કલંકિત લેબલ વેઠવું પડે છે. પરિણામસ્વરૂપે, એક પત્નીત્વવાળી-એકવિધતાવાળી લગ્નવ્યવસ્થાની અપીલને વધારી આપે છે. કેટલાક માને છે કે વેશ્યાઓ સ્વેચ્છાએ એ વ્યવસાયમાં આવી હોય છે, પણ કટુ વાસ્તવિકતા એ છે કે એમને હતાશા અને બળજબરીથી એમાં ધકેલવામાં જ આવી હોય છે. સ્ત્રી માટે આ કલંકિત માર્ગ, તેનું બદનસીબ લઈને આવ્યો હોય છે. અસ્તિત્વ માટે માણસ કંઈ પણ નાછૂટકે કરવા તૈયાર થાય—‘પાપી પેટકા સવાલ’ હોય ત્યારે સ્ત્રી પાપનો પંથ પકડે છે.

છેક ૧૮૩૬માં, ફ્રેંચ ડૉક્ટર પેરન્ટ Duchatelet ‘પેરિસમાં વેશ્યાવ્યવસાય’ ઉપરના પુસ્તકમાં લખે છે કે ‘ગરીબી, અપૂરતી રોજી, કામનો અભાવ, જેવાં કારણે સ્ત્રી વેશ્યા બની જાય છે.’ આજે ૨૦૦ વર્ષ પછી પણ આ સાચું જ લાગે છે. લેખિકાના યુગમાં પણ વેશ્યાવૃત્તિમાં ગયેલી સ્ત્રીઓ, પહેલાં મધ્યમ અને ભદ્રવર્ગીય પરિવારોમાં ઘરકામ કરતી હતી. પણ સુખ-સગવડ અને ઘરકામમાં મશીનો આવતાં એ ‘કામવાળી’ બાઈઓ નવરી થઈ ગઈ, હજારો વેશ્યાઓ જન્મી. ૧૯મી સદીના અંતિમ દાયકાઓ સુધી આવી અડધોઅડધ સ્ત્રીઓ maids/servants જ હતી, તેમને નાછૂટકે ‘રેડ લાઈટ એરિયા’નાં શરણે જવું પડયું, શું કરે? ભૂખે મરવા કરતાં, પુરુષની ભૂખ ભાંગવી, બીજું શું? નસીબ!

૧૩. સ્ત્રીઓ તેમની પરાધીનતા, અસહાયતા, અસંગઠિતતાને કારણે સમાજ સામે વિદ્રોહ કરવા સક્ષમ ન બની શકી....

કોઈને પણ સીધો સવાલ થાય કે સ્ત્રી જો આટલી ત્રસ્ત, દબાયેલી, પરાધીન હતી તો તેમણે તેમના શોષકો સામે અવાજ કેમ ન ઊઠાવ્યો, બળવો કેમ ન કર્યો?

આ પુસ્તક જયારે લખાયું તે કાળમાં (૧૯૪૯) સ્ત્રીઓના અધિકારોની ચળવળ, સ્ત્રી સમાનતા આંદોલન એટલાં વ્યાપક નહોતાં થયાં. અરે, હાલના સમયમાં પણ, ઘણી અગ્રણી-તેજસ્વી સ્ત્રીઓ, સ્ત્રીજાતિના અધિકારો માટે લડત આપી જ રહી છે, તોયે બહુમતી સ્ત્રીઓ તેમની અધીનતાની સ્થિતિ હજી ભલે ચાલુ રહે એવું જ માને છે. આવી પ્રવર્તમાન માનસિકતાથી સ્ત્રીઓ શક્તિહીન છે એવો મેસેજ જાય છે. એમને જ બદલાવ નથી જોઈતો, પુરુષ-પરાધીનતા સારી લાગે છે. તો પછી એમનું ભાગ્ય સુધારવાની જવાબદારી કોની રહે?

આ પરવશતા અને શક્તિહીનતાની લાગણી છોકરીઓમાં નાનપણથી જ નાખવામાં આવી હોય છે, આથી મોટી થતાં તે માનવા લાગે છે કે તેમનો જીવનપંથ કોઈ બાહ્ય પરિબળોએ જ કંડારી આપવો જોઈએ. તેમને એવું શીખવવામાં આવે છે કે તેમનું સુખ, તેમના જીવનમાં પુરુષોની હાજરીની આસપાસ જ ટકેલું હોય છે. આથી તેઓ પોતાની યાતના, અસુખ ઉપર બીજી કોઈ એજન્સીને સ્વીકારવા તૈયાર નથી થતી.

આ ‘પુરુષની જ સક્રિયતા અને સ્ત્રીની નિષ્ક્રિયતા’નો મેસેજ સ્ત્રીને માટે ધીમે ધીમે દીવાલ પરનું લખાણ બની જાય છે. પાશ્ચાત્ય દૃષ્ટિકોણથી એ અન્યાયી લાગશે કે ઘણા દેશો હજી સ્ત્રીઓના મતાધિકાર રદ કરવાના કે સીમિત કરવાના અને બિઝનેસ સ્થાપવાના અધિકાર ઓછા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

આર્થિક બાબતમાં સ્ત્રી, હજી પુરુષ ઉપર જ આધારિત હોય છે, એ તેની મુક્તિયાત્રાનો મોટો ભયજનક અવરોધ છે, પતિના કબજામાં તિજોરીની ચાવી હોવાથી, પત્ની પોતાના જીવનનિર્વાહના જોખમે બળવો પણ નથી કરી શકતી. આથી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વનિર્ભર થવા પર વધુ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે. વ્યક્તિગત પ્રયાસોથી મુક્તિ મેળવવાની આશા અને ઝંખના કરતાં, સામૂહિક પ્રયાસથી જ નાજુકડાં પક્ષીઓ પણ શિકારીની આખી જાળી ઉડાડીને લઈ જઈ શકે છે. દાણાના મોહમાં તેઓ ફસાઈ તો ગયાં, પગ ભેરવાયા, પણ પાંખમાં જોર છે તો ઉડાશે, બધાં સાથે ઊડો !

કેટલીક પ્રગતિશીલ અને તેજસ્વી સ્ત્રીઓ માને છે કે રાજકારણ, બિઝનેસ જેવાં પુરુષ-પ્રભાવી ક્ષેત્રોમાં પ્રવેશવાથી સ્ત્રીઓની બેડીઓ તૂટશે, પણ એમાં તે સફળ થશે તો પણ, તેમણે રહેવાનું તો મહદ્ અંશે પુરુષ-સંચાલિત જગતમાં જ થશે ને?

૧૪. Narcissism આત્મરતિ-self-love અને પ્રેમ જેવી પ્રવિધિઓ દ્વારા, સ્ત્રી, પોતાના પુરુષજાતિને આધીન હોવાના ભાવને યોગ્ય ઠેરવે છે.

તમે રોમેન્ટીક કોમેડી ફિલ્મ જુઓ છો, તેમાં એવાં દૃશ્યો કેટલી વાર આવે છે, જેમાં એક અયોગ્ય, અભિમાની, અવિવેકી છોકરો એક યોગ્ય છોકરીને પ્રેમ કરતો રહે છે, છતાં છોકરી તેનો સ્વીકાર કરતી જાય છે, બસ, એમ કહીને—‘એ ભલે ગમે તેવો હોય, મારી સાથે ગેરવર્તન પણ કરતો હોય- પણ હું તો એને ચાહું છું ને?’

સ્ત્રીઓ શા માટે આવાં જસ્ટીફીકેશન આપી, આવા પ્રેમને શરણે જાય છે? એનો જવાબ છે-પ્રેમની પ્રચંડ તાકાત ! એ સ્ત્રીને નીચી, ઊતરતી, દબાયેલી, અને પુરુષને આધીન રહેવાનાં કારણોને બળ આપે છે, બળતણ આપે છે.

જ્યારે છોકરી સમજવા લાગે છે તે છોકરા કરતાં જુદી છે અને ક્યારેય છોકરાનું સ્ટેટસ મેળવી શકવાની નથી, તે ઘણીવાર વૈકલ્પિક માર્ગ શોધી કાઢે છે-તેમનો પ્રેમ પામવાનો (અથવા તેમને પ્રેમમાં પાડવાનો) કારણ કે એને બરાબર ખબર છે કે પત્નીત્વ અને માતૃત્વ પ્રાપ્ત કરવા ભવિષ્યનો જીવનસાથી તો જોઈશે જ. તો લગ્ન એ એનો સમાજમાન્ય માર્ગ છે, અને લગ્ન માટે સાથી શોધવાનો મનગમતો માર્ગ-પ્રેમ છે, એ માર્ગે સામાજિક સુવર્ણ પિંજરમાં પુરાવાને માટે આ નાજુક-ભોળું પંખી પ્રેમની પાંખો પ્રસારે છે, અને તેને યોગ્ય પણ માને છે. છતાં, સ્ત્રી જયારે પુરુષની ઇચ્છાપૂર્તિનું પાત્ર તરીકે રૂપાંતરિત થાય છે ત્યારે ગૂંચવાડા તો ઊભા થાય જ છે. કયારેક મહિલાઓ આત્મરતિ, સ્વ-મોહમાં ફસાયેલી હોય છે, પોતે જ પોતાનું ‘વસ્તુકરણ’ કરી પુરુષની આધિનતાને યોગ્ય માની સ્વીકારી લેતી હોય છે. ‘નાર્સિસિઝમ’ એટલે નાર્સિસસ નામનો ગ્રીક કથાનાયક પાણીમાં પડતા પોતાના પૌરુષી દેહના પ્રતિબિંબને જોઈને પોતાના જ પ્રેમમાં પડી જાય છે... ‘વાહ, હું કેવો હેન્સમ છું !’ તેમ સ્ત્રીઓ પણ પુરુષની નજરને પોતાનામાં આત્મસાત કરીને પોતાની કાયા કેટલી કમનીય-રમણીય-આનંદદાયક છે એવો આત્મરતિભાવ સેવે છે. અને પછી આ કાયા પુરુષની (કામ)ઇચ્છાનું સાધન બને, વસ્તુ તરીકે જોવાય તો શું વાંધો છે? એવી માનસિકતા બતાવે છે. એ રૂપગર્વિતા પોતાનાં જ અરીસામાં એનાં અનાવૃત્ત અંગો, કોમળ સ્પર્શ, માદકતા, સૌંદર્યાકર્ષણમાં રાચતી રહે છે.

યુક્રેનની શિલ્પી Marie Bashkirt seff આવા નાર્સિસિસ્ટ માઈન્ડ સેટનું સરસ ઉદાહરણ આપે છે. એ પોતાનું જ દર્પણ-પ્રતિબિંબ જોઈ એટલી બધી સ્વ-મોહમાં પડી ગઈ કે એને થયું કે આ અપ્રતિમ કાયા-સૌંદર્યને ચિરસ્થાયી બનાવવા મારી જ માર્બલની મૂર્તિ બનાવવી જોઈએ. મારું દેહસૌંદર્ય તો કાળ હરી લેશે, પણ શિલ્પમાં તે શાશ્વત થઈ જશે. પણ આવું ભવ્ય-ઉત્તમ શિલ્પ કંડારવાને માટે મોંઘો માર્બલ અને શિલ્પકારને ઊંચું મહેનતાણું આપવું પડે, આથી તે એક ધનાઢ્ય પુરુષને પરણી ગઈ.

૧૫. સ્ત્રી અને પુરુષ બંને એકમેકને સમાન સમજે-સ્વીકારે, ત્યારે જ સાચી જાતીય સમાનતા સાધી શકાય.

એક પડકારજનક પ્રક્રિયા દ્વારા, આપણે નારીને ‘સ્ત્રી’માં ઢાળનારાં વિવિધ પરિબળોની તપાસ કરી. પણ હવે, સ્ત્રી-પુરુષ સમાનતાની દિશા કેવી રીતે શોધવી? એની કેવી શક્યતાઓ છે?

સાચી સમાનતા, ઐક્યભાવ તો ત્યારે આવે જયારે સ્ત્રી અને પુરુષ પરસ્પરને સાથી, સહાયક, પૂરક સમજે. બંને એકમેકના આત્મલક્ષીપણાને સ્વીકારે, અને વસ્તુલક્ષી માનવાનું બંધ કરે. દા.ત. અંડરવેયરની જાહેરાતમાં દર્શાવાતો પુરુષનો આકર્ષક માંસલ દેહ સ્ત્રીઓના (જાતીય)આનંદ માટે છે એવો ભાવ પ્રગટાવે છે. આ શક્તિનું રૂપાંતરણ, શારીરિક આકર્ષણ કેટલીક સ્ત્રીઓને ખૂબ સંતોષપ્રદ લાગે છે, પણ તે ખરેખર તો, બંને વચ્ચે ઈર્ષ્યાભાવ, વિરોધ-વિદ્રોહભાવને દૃઢ કરે છે.

આ ઉપરાંત, સ્ત્રીએ પણ સ્થિરતા, જડતા, બંધિયારપણું છોડવાની તૈયારી રાખવી જોઈએ અને ગતિ-પ્રગતિ કરવાની તક લેવી જોઈએ. જોકે ઘણી બહેનોને નિષ્ક્રિયતા, આધીનતા જ કોઠે પડી ગઈ હોય છે તે છોડીને તેણે હિંમત દાખવી સક્રિય થવું જોઈએ; એ પણ એટલું જ અગત્યનું છે કે સમગ્ર સમાજે પણ સ્વીકારવું જોઈએ કે ‘સ્ત્રીપણું’ એ સામાજિક ખ્યાલ છે, સમાજે સર્જેલો, લાદેલો, ઊભો કરેલો ખ્યાલ છે. બાકી ખરેખર તો સ્ત્રી-પુરુષ સમાન જ છે. આગળ બતાવ્યું તેમ, ‘સ્ત્રીપણું’ જન્મજાત–અંતર્નિહિત નથી હોતું, પણ એક એવી સ્થિતિ છે જેને સ્ત્રી પ્રાપ્ત કરે છે. પુરુષને અપેક્ષિત હોવો જોઈએ તેવો જ કાર્યદરજ્જો, સ્ત્રીને પણ માંગવાની હિંમત જોઈએ.

તેમ છતાં, આ રૂપાંતર એકલી સ્ત્રીઓ દ્વારા જ થશે એવું નથી. સ્ત્રીમુક્તિને સાકાર કરવા પૂરા સમાજે બદલાવું પડશે. આ માટે સ્ત્રી-અધિકાર-સુરક્ષા, જન્મનિયંત્રણ, જરૂર પડ્યે ગર્ભપાતની કાનૂની મંજૂરી વગેરે દાખલ કરવું પડશે, કારણ કે સ્ત્રીનું શરીર એનું પોતાનું છે, એને માટે શ્રેષ્ઠ શું છે તે એને નક્કી કરવા દો. વધુમાં, સમાજે મફત બાળઉછેર અને સવેતન પેરન્ટલ રજાઓ જેવી સગવડ પણ આપવી પડશે, આવા સમાજનો કે માનવજાતનો જૈવિક તંતુ ચલાવનારી સ્ત્રી પોતાને બાળક જોઈતું હશે તો આર્થિક આધાર વિના એકલી ન પડી જાય. પતિ-પત્નીને ચાલુ પગારે બાળજન્મ-ઉછેરની રજા મળે તો સમાનતા લાગે, એકબીજાની હૂંફ મળે, સહયોગ મળે. આવા સમયે જીવનસાથીપણું સાર્થક થતું લાગે.

ઉપસંહાર :

સ્ત્રીપણું એ આંતરિક, જન્મજાત સ્થિતિ નથી, પણ સ્ત્રીએ મેળવેલી ભૂમિકા છે. જીવવૈજ્ઞાનિક કક્ષા હોવાં ઉપરાંત, તે એક ઐતિહાસિક, ધાર્મિક, પૌરાણિક નેરેટિવ છે, જે પુરુષ-પ્રધાન સમાજથી પ્રભાવિત થયેલ છે. સ્ત્રી સ્વાતંત્ર્ય સ્વીકારવું હોય તો સ્ત્રીત્વને એક સમાજિક લદાયેલી બાબત તરીકે ઓળખવું પડશે.

નારીવાદી વિચારણાનું આ એક બહુ પ્રભાવી પુસ્તક છે. આજે પણ સીમોંનું નારી ઉત્પીડનનું પૃથક્કરણ એટલું જ પ્રસ્તુત છે. જે સ્ત્રી-સમાનતા-સંઘર્ષને પોષક પ્રેરણ પૂરું પાડતું રહેશે. સ્ત્રીને ફાળવેલા પારંપરિક રોલ અંગે વાચકને પુનર્વિચાર કરવા મજબૂર કરે અને સ્ત્રીનું વસ્તુકરણ કરનારને કે તેમને હાંસિયામાં ધકેલનારને પડકારે તેવા શક્તિશાળી એના વિચારો છે. અંતે, નારીશક્તિને તેમની આત્મલક્ષિતા સ્થાપિત કરવા અને તેમના ભાગ્યને પણ વશમાં કરવા લેખિકા આહ્વાન કરે છે.

મુખ્ય ચાવીરૂપ બિંદુઓ :

• ઐતિહાસિક અને પૌરાણિક પૃથક્કરણ :

લેખિકા અહીં ઇતિહાસ, ધર્મ, પુરાણમાં સ્ત્રીના ચિત્રણને તપાસીને તારવી બતાવે છે કે સ્ત્રીને હંમેશા પુરુષના સંદર્ભે ‘બીજી’ તરીકે જ વર્ણવી છે. આવા શાશ્વત સ્ત્રૈણપણાના ખ્યાલનું મૂળ ઉદ્ભવસ્થાન ધાર્મિક-સાંસ્કૃતિક નેરેટીવ્ઝમાં તે જુએ છે. • જીવવૈજ્ઞાનિક નિર્ધારણ : સ્ત્રીનું ભાગ્ય તેના જીવવૈજ્ઞાનિક /શારીરિક પાસાંથી જ માત્ર નક્કી થાય છે એવા ખ્યાલને અહીં પડકારાયો છે. સ્ત્રીની ભૂમિકાઓના વ્યાપક તફાવતો અને અનુભવો, માત્ર તેની બાયોલોજીથી જ ઘડાયેલા નથી હોતા એવું ઇતિહાસ અને સંસ્કૃતિને તપાસતાં જણાય છે.

• સ્ત્રીની લઘુતા, નિમ્નતા એ કાલ્પનિક છે : ‘સ્ત્રી’ કુદરતી રીતે જ પુરુષથી નિમ્ન, ઉતરતી કક્ષાની છે’ એવી કલ્પનાકથાનો લેખિકા છેદ ઉડાડી દે છે. તેની કહેવાતી લઘુતા તેના ઉપર, તેને શિક્ષણ-સત્તા-સ્વાયત્તતાથી વંચિત રાખીને, લાદવામાં જ આવેલી છે.

• સ્ત્રીના આત્મલક્ષીપણાનો પ્રશ્ન : કેવી રીતે સ્ત્રીની આત્મલક્ષિતાને નકારીને તેને માત્ર પુરુષની ઇચ્છાનું રમકડું બનાવી દેવાઈ છે તેની ઊંડી તપાસ સીમોંને કરી છે. સમાજે તેને નિષ્ક્રિય અને પરાવલંબી, પુરુષ-આધીન બનાવી મૂકી છે.

• અધિકૃતતાની ખોજ : ‘શાશ્વત સ્ત્રીપણા’ની ભૂમિકાને ઊખેડીને ફેંકી દેવા અને તેને બદલે પોતાની અધિકૃતતા અને સ્વના આંતરિક વાસ્તવની ખોજ કરવા લેખિકા બહેનોને જગાડવા માંગે છે.

• સ્ત્રીઓ, પુરુષોથી inferior જન્મતી નથી : સ્ત્રી-પુરુષના શારીરિક તફાવતો જૈવિક છે, કુદરતે સહેતુક બનાવેલા છે. એનું અલગ અલગ કાર્ય છે. પણ તેથી કાંઈ સ્ત્રીને પીડવાનો, શોષવાનો પરવાનો પુરુષને મળી જતો નથી.

• સ્ત્રીને inferior બનાવે છે-સમાજ : સ્ત્રીને પુરુષથી જુદી, ઊતરતી, ગૌણ, નીચી રાખવા/બતાવવા સમાજે જ gender roles ઘડેલા છે, ભગવાને નહિ.

• સ્ત્રીને the other તરીકે ગણવામાં/ઓળખાવવામાં આવે છે : આનો અર્થ એ થયો કે સ્ત્રીને હંમેશા પુરુષના સંદર્ભમાં જ જોવા-સમજવામાં આવે છે. તેમને એક વ્યક્તિ કે માનવી તરીકે સ્વતંત્રપણે કેમ જોવામાં નથી આવતી?

• સ્ત્રી-ઉત્પીડનના અનેક પ્રકારો છે : સ્ત્રીનું ઉત્પીડન, પીડા-યાતના, શોષણ, ગુલામી અનેક પ્રકારે થાય છે—આર્થિક અસમાનતા, નોકરી કે કામની જગ્યાએ જાતીય હેરાનગતિ, ખરાબ નજર, દુષ્કર્મ, સ્ત્રી ઉપર ઘરેલુ અત્યાચારો, બળાત્કાર-પછી તેની હત્યા...વગેરે.

તો, આવાં બધાં સામાજિક, યાતનાકારી, જુલ્મી, અન્યાયી constructsને પડકારશો તો જ બહેનો, તમે સ્વાયત્તતા, સ્વતંત્રતા અને સંતુષ્ટિ મેળવી શકશો.

નોંધનીય અવતરણો :

• ‘માનવજાત પૌરુષી છે, અને પુરુષો જ સ્ત્રીની વ્યાખ્યા કરે છે અને તે પણ પોતાની રીતે; સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વની રીતે નહિ. આથી તેને સ્વાયત્ત અર્થ મળતો નથી.’

• ‘સ્ત્રી જન્મતી નથી, તેને ‘સ્ત્રી’ બનાવવામાં આવે છે.’ • ‘સ્ત્રી એવી દુનિયામાં દ્વિતીય છે, જ્યાં પુરુષ પ્રથમ (ગણાય) છે.’ • ‘કોઈનું ભાગ્ય જીવવિજ્ઞાન નક્કી કરતું નથી.’ • ‘પુરુષો જ સ્ત્રીઓને પોતાના ભયનો શિકાર બનાવે છે.’ • ‘દુનિયા જેવી છે તેવી ચિતરવી એ માનવીનું(પુરુષનું) કામ છે, પણ તેઓ પોતાના દૃષ્ટિકોણથી જ તેમ કરતા હોય છે, અને એ જ પૂર્ણ સત્ય છે એવી ભ્રમણામાં રાચે છે.’