ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/કાબરી

Revision as of 07:02, 28 June 2021 by NileshValanki (talk | contribs)
કાબરી

અનિલ જોશી

મેડીબંધ મકાનનાં વિલાયતી નળિયાં ઉપરથી ફળિયામાં સાંજ ઊતરી આવે ત્યારે પપનસ વૃક્ષનાં પાંદડાં હલે. થોડીક ચકલીઓ ઊડે. થોડાક કાગડા બોલે. થોડાંક ચામાચીડિયાં ઊડે. ચૂલા સંધ્રુકાય. ખીચડીનાં આંધણ મુકાય. ધુમાડો થાય. આથમણી જાળીમાંથી ચાંદરણાં પાડતાં સૂર્યનાં કિરણો ઓસરી સુધી લંબાય ત્યારે એવું લાગે કે ધુમાડાની લાકડીઓથી ઓસરી ભરાઈ ગઈ છે. થાંભલીનો પડછાયો છેક નવેળાની પછીત લગી પહોંચે. ડેલીના આગળિયા ઊઘડે. કાબરી ગાયને ધણમાંથી પાછા ફરવાનું ટાણું થાય. ખીલે નીરણ નખાય. ત્રાંબાકુંડી મુકાય. સાંકળની કડી ખોલાય. શેલાની ગાંઠ છોડાય. કાબરી ગાય આવ્યા પહેલાંની શાંતિ ફળિયામાં પથરાઈ જાય. મછા ભરવાડનું પણ સીમમાંથી પાછું વળે ત્યારે એની ખબર ખળાવાડમાંથી પડતી. ખળાવાડમાં ઘૂઘરા સંભળાય. ગોરજનું વાદળું દેખાય એટલે શેરીમાં રમતાં છોકરાંઓના હાથમાંથી દડા પડી જાય. લખોટી વછૂટી જાય. ‘કાબરી આવી કાબરી આવી’ કહેતાં બધાંય છોકરાંઓ આઘાંપાછાં થઈ જાય. મછા ભરવાડનું ધણ અમારી શેરીમાં પ્રવેશે ત્યારે આખી શેરી ઘૂઘરિયાળી બની જાય. ખરીઓના એકસામટા અવાજથી અમારી મૃત શેરી જીવતી થઈ જાય. ધણનો વેગ એટલો બધો હોય કે શેરીમાં ડૂચો થઈને પડેલાં કાગળિયાં ઊડે. ડેલીના આગળિયા હલે.

મછાના ધણમાં અમારી કાબરી ગાયનો વટ પડતો. અમારી શેરીની બધી ગાયોમાં એ જુદી તરી આવતી. કાબરી પાંચ હાથ પૂરી હતી. એની કાળી ચામડીમાં સફેદ ધાબા ઝગારા મારતા. એ ધૂળમાં આળોટીને આવી હોય તો સફેદ ધાબાં થોડાંક મેલાં દેખાય પણ એની ચામડી એટલી બધી સંવેદનશીલ કે એ ચામડી થથરાવી ધૂળ ખંખેરી નાંખે. કાબરી ખરી પછાડતી ધણમાંથી પાછી ફરતી હોય ત્યારે કોઈની મગદૂર નથી કે એની હડફેટ ચડે. ભૂલેચૂકેય કોઈ એની હડફેટ ચડ્યું તો એને છ મહિનાનો ખાટલો થતો. કાબરી પોતાના વેગમાં દોડતી હોય ત્યારે પવન પણ મારગ આપીને આઘોપાછો થઈ જાય. સામાન્ય રીતે મછાના ધણમાંથી આવતી ગાયો પોતાની ડેલી ઓળખીને ઊભી ઊભી ભાંભરે, પણ કાબરી એવી કે એના વેગ ઉપર એનોય કાબૂ ન રહે. એ દોડતી આવીને અમારી ડેલી સાથે ભટકાય. ભટકાય તો એવી ભટકાય કે ડેલીનાં લાકડાં હચમચી જાય. કાબરી આવી હોય અને આખરી ડેલી બંધ હોય તો ડેલી ઉઘાડવા જનારનાં મોતિયાં મરી જતાં. એ બીતો બીતો ડેલી પાસે જાય. હળવેકથી આગળિયો ખોલીને તરત બારણાં પાછળ સંતાઈ જાય. જો સંતાય નહીં તો એ કાબરીને શિંગડે ફળિયા સુધી ઘસડાઈ આવે.

ડેલી જેવી ઊઘડે કે કાબરી ખરી પછાડતી આખા ફળિયામાં વાવાઝોડાની જેમ ફરી વળે. આ કાબરીને ખીલે બાંધવી એટલે વાવાઝોડાને પંખામાં બાંધવા બરાબર હતું. કાબરીને ખીલે બાંધવાનું અમારા ઘરમાં કોઈનું ગજું નહોતું. એટલે એને ખીલે બાંધવા માટે અમે ઉકા ભરવાડને ખાસ રોક્યો હતો. ઉકો હાથમાં સાંકળ લઈને ખીલા પાસે બુચકારા બોલાવતો ઊભો હોય. ઉકાના એક હાથમાં સાંકળ અને બીજા હાથમાં કપાસિયાંનું તગારું જોઈને કાબરીનું વાવાઝોડું થોડુંક મોળું પડે. કાબરી કપાસિયા ખાવા જેવું તગારામાં મોઢું નાખે કે તરત જ ઉકો ગળામાં સાંકળ નાખી દેતો. કાબરી ખીલે બંધાઈ જાય પછી જેમ દરમાંથી ઉંદરડા બહાર નીકળે એમ અમે બહાર નીકળી પડતા. કાબરીની બીકે મેડી ઉપર ચડી ગયેલા મોટાભાઈઓ લેંઘાની લબડતી નાડીએ પગથિયાં ઊતરતા દેખાય. ઓસરીના ખૂણામાં ભરાઈ ગયેલાં દાદીમા હાથમાં ખડનો પૂળો લઈને ફળિયામાં ફરતાં દેખાય. મારી બા સૂપડામાં દાળ ઝાટકતી ઝાટકતી ફળિયામાં આવીને ઊભી રહી જાય. પડોશનાં નંદુબહેન હાથમાં રૂની વાટ વણતાં વણતાં પપનસના ઝાડ નીચે બેસી જતાં દેખાય.

કાબરીને ખીલે બાંધી હોય તોય એ સખણી ન રહે. કપાસિયાં ખાતી હોય કે પાણી પીતી હોય, એ સતત ખરી પછાડ્યા કરે. સાંકળ ખખડાવ્યા કરે. પૂંછડું હલાવ્યા કરે. ચામડી થથરાવ્યા કરે. કાબરીની ચામડી લજામણીના છોડ જેવી હતી. તડકાનું ચપટીક જેટલું ચાંદરણું કાબરી ઉપર પડે તોય એની ચામડી ધ્રૂજે. એ જોરુકી એવી કે એકવાર એ ખીલાસોતી છૂટી ગઈ. એ દિવસે હું ઓસરીને કોરે થાંભલીને ટેકો દઈને ગણિતના દાખલા ગણતો હતો. એક ઝંઝાવાતની જેમ કાબરી આવીને મારું ગણિત ચાવી ગઈ. મારાં બધાંય મનોયત્નો અને ગણતરીઓ કડડભૂસ દઈને ભાંગી પડ્યાં. હું ફડકનો માર્યો એકઢાળિયામાં ભરાઈ ગયો. કાબરી તો ખરી પછાડતી, માથું હલાવતી, સાંકળસોતી, ખીલો ઘસડતી બધે ફરી વળી. આ નાયગરાને ખાળવા માટે મારાં દાદી શેરીમાંથી બેચાર ભરવાડોને બરકી લાવ્યા. એ દિવસે ફળિયામાં હાહાકાર મચી ગયો.

એક વાર કાબરીના પગે નાલ નાખવા માટે નાલબંધ આવ્યો. એ બિચારાને ખબર નહોતી કે અમારા ખીલે વાવાઝોડું બંધાયું છે. એ જેવો કાબરી પાસે ગયો કે કાબરી ભડકી. કાબરીએ એ નાલબંધને એવી તો ઢીંક મારી કે એ ભોંય ભેગો થઈ ગયો. કાબરીને સ્પર્શ કરવાની કોઈનામાં તાકાત નહોતી. એ સતી જેવી હતી. એની ચામડીનું તેજ કંઈક એવું હતું કે સ્પર્શ કરનારનાં આંગળાં દાઝી જાય.

કાબરીને દોહવા માટે અમારે ત્યાં જીવો ભરવાડ આવતો. મજબૂત બાંધાનો જીવો પાણકોરાની ચોરણી અને કેડિયું પહેરતો. મૂછોના થોભિયા રાખતો. એનાં લૂગડાંમાંથી ગાયોની વાસ આવતી. અમારી કાબરી સવારે અને સાંજે બોઘરણાં ભરીને દૂધ આપતી. કાબરીનાં આચળ સદાય ભરેલાં રહેતાં. અમારી શેરીની ધણમાં જતી બીજી સોજી ગાયોને કોઈ બારોબાર દોહી લેતું એવી ફરિયાદો આવતી પણ કાબરીનાં આંચળને અડવાની કોઈ માઈના લાલમાં હિંમત નહોતી. જીવો ભરવાડ કાબરીને દોહવા આવે ત્યારે કોણ જાણે કેમ કાબરી એને ઓળખતી હોય એમ ચૂપચાપ ઊભી રહી જતી. જીવો કાબરીના પાછલા બેય પગને શેલાથી કચકચાવીને બાંધી દેતો. એ તાંબાના લોટામાંથી પાણી લઈને કાબરીનાં આંચળ ધોતો. આંચળ ધોયા પછી જીવો પોતાના બે પગ વચાળે બોઘણું દબાવીને ‘સૈડધમ… સૈડધમ…’ દોહવા લાગતો. જીવો આંચળ દબાવતો જાય ને દૂધની સેડ્યું ફૂટતી જાય. થોડી વારમાં તો આખું બોઘરણું દૂધથી ભરાઈ જાય. કાબરીના એ ફીણસોતા દૂધની વાસ મને એટલી બધી ગમતી કે હું શેડકઢા દૂધનું બોઘરણું સૂંઘવા જતો. કાબરી દોહવાઈ રહ્યા પછી દરરોજ જીવા ભરવાડ સાથે મારાં દાદીમાની રકઝક ચાલતી. મારાં દાદી કહેતાં: ‘માડી, દૂધનું છેલ્લું ટીપુંયે ખેંચી લીધું છે. હવે જો વધારે દોહીશ તો આઉમાંથી લોહીના ટશિયા ફૂટશે.’ જીવા સાથે મારાં દાદીમાનો આ રોજનો સંવાદ હતો, મારાં દાદી કટાણું મોઢું કરીને જીવાના હાથમાંથી બોઘરણું લઈ લેતાં. કાબરીના પાછલા પગેથી શેલો છૂટતો. કાબરી થોડીક મોકળી થતી. થોડાક ફૂંફાડા મારતી પૂંછડું ઉછાળતી. ખરી પછાડતી બેસી પડતી.

મને બરાબર યાદ છે કે કાબરી ગાભણી હતી ત્યારે અમારા ફળિયાની વચ્ચોવચ્ચ એને મરેલો વાછડો આવ્યો હતો. તરિયવાડના ચારપાંચ ભરવાડોએ કાબરીમાંથી વાછડો ખેંચી લીધો ત્યારે એને જોવા ફળિયું હકડેઠઠ ભરાઈ ગયું હતું. વિયાતી કાબરી જોઈને હું એટલો બધો હેબતાઈ ગયો હતો કે મુઠ્ઠી વાળીને અગાશી ઉપર ચડી ગયો. અગાશીની પરપેટ ઉપરથી હું બીતી આંખે આ બધો તમાશો જોયા કરતો હતો. થોડી વાર થઈ હશે ત્યાં ખાટકીના બેચાર છોકરા બીડી પીતા પીતા ફળિયામાં આવ્યા. એકના હાથમાં મોટું દારડું હતું અને બીજાના હાથ ખાલી હતા. ખાટકીના એ છોકરાઓએ કાબરીના મરેલા વાછડાને મુશ્કેટાટ બાંધ્યો. વાછડો બંધાઈ ગયા પછી એને ખેંચતાં ખેંચતાં શેરીમાં આવ્યા. છોકરાઓ દોરડું ખેંચતા જાય ને વાછડો ઘસડાતો જાય. એ છોકરાઓ કાબરીના મરેલા વાછડાને શેરી સોંસરવો ઘસડાતો ઘસડાતો ખાટકીવાડે લઈ ગયા. આ ક્ષણે હું બહુ સમજણો નહોતો. મને રોવું બહુ આવતું હતું પણ બીજા કોઈને મેં રોતા જોયા નહીં એટલે હુંય ન રોયો. કાબરી વિયાઈ અને વાછડો મરી ગયો. એને બીજે દિવસે જાણે આ ઘટના બની જ નથી એમ સૌ કોઈ વર્તવા લાગ્યા. કાબરીના પહેલવારકા દૂધની બળી આખા ફળિયામાં વહેંચાઈ પણ હું એ બળી ન ખાઈ શક્યો. આજે મોટો થયો છું ત્યારે કોઈ મારી સામે બળી ધરે છે ત્યારે નાક બંધ કરીને હું મોઢું ફેરવી લઉં છું એની પાછળ આ ઘટના રહેલી છે. કાબરી દૂઝતી થઈ એનો હરખ અમારા ઘરમાં સમાતો નહોતો. કાબરીનો વછવછાટ સુવાવડ પછી ઘણો વધી ગયો હતો. કાબરીને જાણે ખબર પડી ગઈ હોય કે મારું વાછરડું મરી ગયું છે એટલે એ વધુ વિફરેલી દેખાતી. એ વાછડાને બદલે થાંભલીને ચાટ્યા કરતી. પછીતને ચાટ્યા કરતી. કોઈ વાર ખીલો પણ ચાટી લેતી. કાબરીને સુવાવડ પછી પહેલી વાર ધણમાં મોકલવા ખીલેથી છોડી ત્યારે એ જમીન સૂંઘતી સૂંઘતી આખા ફળિયામાં ફરી વળી. ફળિયાનો ખૂણેખૂણો એણે સૂંઘી નાખ્યો પણ ક્યાંય એના મરેલ વાછડાની ગંધ એને ન મળી. મૃતકનું પગેરું ન મળ્યું એટલે એ વધુ વિફરી. છીંકોટા નાખતી ચાર પગે ઊલળતી એ ડેલી ઠેકીને મછાના ધણમાં ભળી ગઈ.

કાબરી દૂઝણી થઈ પછી અમારા ઘરમાં દરેકની કામગીરી ખૂબ વધી ગઈ હતી. પહેલા વેતર પછી કાબરી ધણમાં ગઈ એટલે તરત મારી બા ખોળો વાળીને છાણના પોદળા ભેગા કરતી અને છાણાં છાપવાં અગાસીની પરપેટ ઉપર ચડી જતી. મારાં દાદી જાડી સળીનો સાવરણો લઈને ફળિયું વાળવામાં લાગી જતા. મોટાભાઈ કાબરી માટે રજકા જેવું લીલું ઘાસ લેવા ચક્કરબાગની ઘાસપીઠે ચાલ્યા જતા. અમારાં કુટુંબના ગલઢેરાઓ એમ માનતા કે દૂઝણી ગાયને મગફળીના ખોળ અને કપાસિયાં ખવડાવીએ તો વધારે દૂધ આપે એટલે અમારી ઓસરીમાં કપાસિયાં અને ખોળની ગૂણો ખડકાતી. હું બહુ નાનો હતો એટલે મારે ભાગે કોઈ કામ આવ્યું નહોતું પણ હું દરેકનો હાથ વાટકો બની રહેતો.

કાબરીને મરેલો વાછડો આવ્યા પછી એ થોડીક બદલાયેલી લાગતી. એનો વછવછાટ વધી ગયો હતો. સાંજ પડ્યે જીવો ભરવાડ દોહવા આવે ત્યારે એ બોધરણું ભરીને દૂધ તો દેતી પણ કપાસિયાના તગારામાં મોઢું નાખતી નહીં. મગફળીનો ખોળ ખીલે મૂક્યો હોય તો એને સૂંઘીને તરત મોઢું ફેરવી લેતી. એ ખીલો ચાટ્યા કરતી. થાંભલી ચાટ્યા કરતી. ખરી ઠપકાર્યા કરતી. પોદળા કર્યા કરતી. મૂતર્યા કરતા અને અડધી રાતે ભાંભરતી.

કાબરીનો આ બદલાયેલો મૂડ બહુ લાંબો સમય ટક્યો નહીં. થોડા દિવસોમાં એ લાઇન ઉપર આવી ગઈ. એ બધું ખાવા લાગી. ધણમાં જવા લાગી. પહેલાંની જેમ જ ચામડી થથરવા લાગી. પણ કોણ જાણે કેમ એનું દૂધ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. એક દિવસ જીવો ભરવાડ કાબરીને દોહવા આવ્યો ત્યારે એણે માંડ અડધું બોધરણું દૂધ આપ્યું. જીવો ભરવાડ ઢોરઢાંખરનો સારો એવો જાણતલ હતો એટલે એણે તો કહી દીધું કે કાબરી હવે વસૂકી જશે. જીવા ભરવાડની આગાહી સાચી પડતી હોય એમ થોડા દિવસમાં કાબરી સાવ વસૂકી ગઈ. મારાં દાદીને ખોટો આત્મવિશ્વાસ હતો કે કાબરી વસૂકી નથી પણ દૂધ ચોરી ગઈ છે એટલે એ વારંવાર બુચકારા બોલાવીને આઉ પંપાળ્યા કરતાં. પણ કાબરીના આંચળમાંથી દૂધનું એકેય ટીપું પડતું નહીં.

એ દિવસથી અમારા ઘરમાં કાબરી વિશે બહુ ઓછી વાતો થવા લાગી. કાબરી માટે રોજ સવારે આપતો રજકો બંધ થઈ ગયો. ઓસરીમાંથી કપાસિયાં અને ખોળની ગૂણો અદૃશ્ય થઈ ગયાં. મછા અને જીવા ભરવાડને છેલ્લો પગાર આપી છૂટા કરી દેવાયા. પહેલાં તો કાબરી માટે કોઈ રાવ ફરિયાદ લઈને અમારે ઘેર આવે તો મારાં દાદી એની ધૂળ કાઢી નાખતાં અને કાયમ કાબરીનું ઉઘરાણું લેતાં. પણ હવે કોઈ કાબરીની રાવ ખાવા આવે તો કાબરીનો વાંક સૌ કોઈની આંખે વળગતો. એક દિવસ કાબરી બીજા કોઈની ડેલીમાં ઘૂસી જઈને ફળિયામાં સૂકવેલી ચોખાની કણકી ખાઈ ગઈ. ડેલીનો ઘરધણી એટલો બધો વીફર્યો કે એણે કાબરીને લાકડીએ લાકડીએ ટીપી નાખી. જેમ પિંજારો રૂ ભરેલા ગાદલાને ટીપે એમ એણે કાબરીને ટીપી. કાબરી બામ્બૈડા નાખતી અમારી ડેલીમાં ધસી આવી. એની કાબરચીતરી ચામડી ઉપર લોહીભીના સોળ ઊઠી આવ્યા. એ સાવ નખાઈ ગયેલી હાલતમાં ખીલે આવીને બેસી પડી. એ દિવસે મેં કાબરીની સતી જેવી ચામડી ઉપર પહેલી વાર લોહીની ઝાંયવાળા સોળ જોયા. મને પેલા ઘરધણી ઉપર એવી તો ખીજ ચડી કે એને ટીપી ના ખું. પણ અમારી આખી શેરીને કાબરીનો વાંક દેખાયો એટલે મારું ચેંચૂં બહુ ચાલ્યું નહીં. હુંયે બધાયની હાર્યે કાબરીનો વાંક કાઢવા લાગ્યો. મને યાદ છે કે એક વાર કાબરીને મેં લાકડી મારેલી ત્યારે મારાં દાદી મને ખૂબ વઢ્યાં. એ કહેતાઃ ‘ગાયને નો મરાય, ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે.’ દાદીની આ વાત મારા મનમાં એટલી બધી ઠસી ગઈ હતી કે હું ક્યારેય કોઈ ગાયને હાથ અડાડતો નહીં. પરીક્ષા દેવા જાઉં ને રસ્તામાં ગાયનાં શુકન થાય તો હું ગાયને પગે લાગતો. એ સમયે આખા ભારતની કુલ વસ્તી જેટલા દેવતાઓ એક નાનકડી ગાયમાં કેવી રીતે રહી શકતા હશે એનું મને ભારે વિસ્મય રહેતું. પણ પડોશીની ડેલીના ઘરધણીએ કાબરીને જે રીતે ટીપી એ જોઈને વિસ્મય ઘવાયું. મને થયું કે કાબરીના દૂધની સાથે તેત્રીસ કરોડ દેવતાય વસૂકી ગયા?

એક દિવસ સાંજે હું નિશાળેથી પાછો આવ્યો ત્યારે કાબરીનો ખીલો સાવ ખાલી હતો, ફળિયું ચોખુંચણાક હતું. મેં દફતર ઓસરીની થાંભલી પાસે મૂક્યું. મને કાબરી ક્યાંય ન દેખાઈ. એ સાંજે મને ખબર પડી કે તરિયવાડના ત્રણ-ચાર ભરવાડો આવીને કાબરીને પાંજરાપોળમાં લઈ ગયા. એ સાંજે મેં કાબરી વિનાનું ફળિયું પહેલી વાર જોયું. આખું ફળિયું પાણીથી ધોયેલું લાગ્યું. કાબરીને બાંધવાનો ખીલો દેખાયો પણ સાંકળ ન દેખાઈ. નવેળામાં સંઘરી રાખેલા ખડના પૂળા અદૃશ્ય થઈ ગયા. કાબરી વિના મને આખું ફળિયું મરેલું લાગ્યું. એ ક્ષણે અમારા ફળિયામાં પપનસનું ઝાડ ઊભું ઊભું સાંજના તડકાનાં ચાંદરણાં ફળિયાની છો ઉપર પાડતું ઝૂલતું હતું. ત્યારે એ કાબરચીતરાં ચાંદરણાંથી આખું ફળિયું ભરાઈ ગયું. જાણે કે કાબરી ખીલેથી વિસ્તરીને ફળિયા જેવડી થઈ ગઈ!

કાબરીને પાંજરાપોળમાં મૂક્યા પછી એક દિવસ એ ત્યાંથી છટકીને દોડતી દોડતી અમારા ફળિયામાં ઘૂસી ગઈ. ખરી પછાડતી આખા ફળિયામાં ફરી વળી. ખીલો સૂંઘવા લાગી. થાંભલી ચાટવા લાગી. ભાંભરવા લાગી. અમારું ફળિયું થોડી વાર માટે જાણે જીવતું થઈ ગયું. પિયેરથી દીકરી પાછી આવી હોય અને જે રીતે ફળિયામાં ફરે એ રીતે કાબરી ફરવા લાગી. પણ કાબરીને એ ખબર નહોતી કે આ ફળિયું હવે એનું ફળિયું નથી. કાબરીને જોતાંવેંત મારાં દાદી શેરીમાંથી બેચાર ભરવાડોને કાબરીને પાંજરાપોળમાં પાછી મૂકવા બરકી લાવ્યાં. એ કદાવરા ભરવાડો હાથમાં ડાંગ લઈને ધસી આવ્યા. એ ભરવાડોએ કાબરીને એવી તો ફટકારી કે એ પડતી પડતી ડેલી બહાર નીકળી ગઈ. ડેલીના આગળિયા ફટાક કરતા બંધ થઈ ગયા. આ પ્રસંગ બન્યા પછી કાબરી કોઈ દિવસ અમારી ડેલી પાસે ઢૂકી નથી.

સમયના વહેવા સાથે કાબરીને પાંજરાપોળમાં ફાવ્યું નહીં એટલે હવે એ ભટકતી થઈ ગઈ. કોઈ વાર એ ખળાવાડ પાસે દેખાય તો કોઈ વાર વડવાળી જગ્યા પાસે દેખાય. હવે એનામાં કોઈ વછવછાટ રહ્યો નહોતો. એક દિવસ મેં એને અબેદના બંગલા પાસે જોઈ ત્યારે એ સાવ હાડકાંના માળખા જેવી થઈ ગઈ હતી. એની ગતિ મરી ગઈ હતી. એની મોટી મોટી આંખોમાંથી પાણી છલકાતાં હતાં. વહી ચૂકેલા પાણીના ચીલા એની આંખ નીચે લીલાછમ રહેતા. એ ગમે ત્યાં બેસી પડતી હતી. કાબરીને મેં જોઈ છે, એ વાત હું ઘરમાં કહેવા જતો પણ કોઈ સાંભળતું નહીં.

એક દિવસ ખરા બપોરે મછો ભરવાડ અમારે ઘેર આવ્યો. મછાને આમ ઓચિંતો આવેલો જોઈને અમને બધાંને નવાઈ લાગી. એ ફળિયામાં આવીને થાંભલી પાસે બેઠો. એનો મેલોદાટ પાઘડો એણે ઉતારીને પડખે મેલ્યો. મછાને જોઈને મને કાબરી યાદ આવી ગઈ. હું મેડીનાં પગથિયાં ઊતરીને મછા પાસે આવીને ઊભો રહી ગયો. રસોડામાંથી લોટવાળા હાથે મારી બા આવી. ઓસરીમાંથી સંજવારી કાઢતાં કાઢતાં દાદી આવ્યાં. મછો પોતાની મૂંજી ગાય વેચવા માગતો હતો. એના ખબર અમને દેવા આવ્યો હતો. એ મારા દાદી સાથે વાતે વળગ્યો. એણે મૂંજી ગાય વિશે અનેક વાતો કરીઃ ‘એ ઘણી સોજી છે. અખોવન છે. બીજું વેતર છે. કોઈને મરતાને મર્ય કહેતી નથી. બેય વખત બોઘરણાં ભરીને દૂધ આપે છે. મછો કહેતો જાય ને મારાં દાદી ડોકું હલાવતાં જાય. કાબરીની વાત નીકળી ત્યારે મછાનું મોઢું પડી ગયું. કાબરીના તાજા સમાચાર આપતાં મછાએ કહ્યું કે ‘કાબરી ગઈ કાલે જ ગેટવાળી શેરીના ચોકમાં મરી ગઈ.’ આ ખબર સાંભળીને મારા ઉપર મેડી તૂટી પડી. હું મુઠ્ઠી વાળીને ઉઘાડે પગે ડેલી ઠેકતોક શેરીના પાણાની ઠેસ ખાતો ગેટવાળી શેરી સોંસરવો તરિયાવાડાની મસ્જિદ વટાવતો કૂકડા હડફેટે લેતો ઉઘાડી ગટર કૂદતો કૂતરા સાથે ભટકાતો ખાટકીવાડ તરફ જતાં ગાડાં તારવતો વળાંક લેતો પડતો આખડતો ધોડતો ધોડતો એક બેઠાઘાટના મકાનની છાપરીએ આવીને ઊભો રહ્યો. આ છાપરી ભલા ખાટકીની હતી. ખાટકીવાડો અસહ્ય દુર્ગંધથી ઊભરાતો હતો. બેચાર છોકરા ટિનના ઘોબાવાળા તપેલામાં માંસ લઈને જતા હતા. ભલા ખાટકીના વાડામાં બહુ અવરજવર નહોતી. થોડાક છોકરા મરેલા ઢોરના પૂંછડાના વાળ તોડતા ઝાંપલી પાસે બેઠા હતા. એ ઝાંપલીથી થોડેક આઘે લોખંડના જાડા તાર ઉપર કાબરીનું ચામડું સુકાતું હતું. કાબરીના એ ચામડા ઉપર કાગડો બેઠો હતો. એ કાગડો થોડુંક ઊડ્યો ને ફરી પાછો કાબરીના ચામડા ઉપર બેસી ગયો.