ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચનની પદ્ધતિઓ

From Ekatra Wiki
Revision as of 10:22, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવેચનની પદ્ધતિઓ : કૃતિવિવેચનની ભિન્નભિન્ન પદ્ધતિઓના ઉદ્ભવવિકાસને લક્ષમાં લેતાં અંગ્રેજી વિવેચનમાં અને એકંદરે સમગ્ર પાશ્ચાત્ય વિવેચનમાં, બે સ્પષ્ટ તબક્કાઓ આંકી શકાય છે. એમાં પહેલા તબક્કાના આરંભ વિશે ચોક્કસ સમય નક્કી કરવાનું મુશ્કેલ હોય તો પણ આ સદીના આરંભે એ પૂરો થતો હોવાનું કહી શકાય. એ ગાળામાં ઘણું કરીને પરંપરાગત ઢાંચાનાં કૃતિવિવેચનો લખાતાં રહ્યાં છે, અને એની પાછળ પરંપરાગત સાહિત્યવિચારણાની ભૂમિકા પડેલી છે. બીજો તબક્કો આ સદીના આરંભથી શરૂ થયો છે. પશ્ચિમના વિદ્યાજગતમાં આધુનિક ભાષાવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, પુરાણમીમાંસા, ફ્રોય્ડનો મનોવિશ્લેષણવાદ, માર્ક્સવાદ, ફિનોમિનોલોજી, સંરચનાવાદ, અનુસરંચનાવાદ, નવ્ય ઇતિહાસવાદ, નારીદૃષ્ટિવાદ આદિ ક્ષેત્રોમાં વિભિન્ન વિચારધારાઓના જન્મ સાથે સાહિત્યસિદ્ધાન્તમાં ય નવા નવા વિચારો ઊપસતા ગયા; તે સાથે સાહિત્યકૃતિનાં અધ્યયનો-વિવેચનોમાં પણ નવીનવી પદ્ધતિઓ આકાર લેતી ગઈ. વિદ્યાજગતમાં અનેક વિષયની જુદી જુદી વિચારધારાઓ પરસ્પર નિકટ આવી પરસ્પરને પ્રભાવિત કરતી રહી, તેથી વળી સાહિત્યની સિદ્ધાન્તચર્ચામાં પરસ્પર ભિન્ન દિશાનાં દૃષ્ટિબિંદુઓ વિકસતાં ગયાં. એટલે પરંપરાગત અને આધુનિક તબક્કાના અસંખ્ય અભિગમો અને પદ્ધતિઓ લક્ષમાં લેતાં તેની સંખ્યા નિશ્ચિત કરવાનું મુશ્કેલ બન્યું છે. આગલી સદીઓના પરંપરાગત માળખાનાં કૃતિવિવેચનોનું નિકટતાથી અવલોકન કરતાં જણાશે કે એમાં એના વિવેચકોનો ઉપક્રમ ચુસ્તપણે આ કે તે કોઈ એક જ પદ્ધતિને અનુસરવાનો નહોતો. પ્રસ્તુત સાહિત્યકૃતિના વિવેચનમાં, તેના ચોક્કસ સાહિત્યિક સ્વરૂપનાં પરંપરાગત લક્ષણોની દૃષ્ટિએ તપાસ, કર્તાના જીવનપ્રસંગો અને ચારિત્ર્યની વિગતો, યુગનાં પ્રેરક અને પ્રભાવક બળો, કૃતિના વર્ણ્યવિષયોના મૂળસ્રોતો, પાઠના સંશોધનના મુદ્દા, મુખ્યગૌણ પાત્રોનું સ્વભાવદર્શન, વસ્તુસંયોજન, શૈલી, પદ્યબંધ, કૃતિનો નૈતિક પ્રભાવ આદિ મુદ્દાઓનું યથાવકાશ વિવેચન હાથ ધરાતું. કૃતિના નાનામોટા ગુણદોષોની નોંધ લઈ વિવેચક સમગ્રપણે કૃતિનું મૂલ્યાંકન રજૂ કરવા પ્રેરાતો. કૃતિનાં રસલક્ષી તત્ત્વોની પ્રસંગે માર્મિક ઓળખ પણ તે આપતો, પણ વિશેષત : કૃતિ અને કર્તાને લગતા સાક્ષરી પ્રશ્નોમાં તેનું ધ્યાન રોકાયેલું રહેતું. કૃતિને તેના વિશાળ માનવતાવાદી ચિંતનના સંદર્ભે પણ અવલોકવામાં આવતી. એ સાથે, એ વિવેચનમાં, પ્રગટપણે કે પ્રચ્છન્નપણે માનવીય મૂલ્યોની સમીક્ષા સાથે અને વ્યાપકપણે સાંસ્કૃતિક સાહિત્યિક પરંપરાઓ સાથે જીવંત અને સઘન અનુસન્ધાન રહેતું. કૃતિનાં આકાર શૈલી કે ભાષાની ચર્ચા એને અનુષંગે જ થતી. પરંપરાગત કૃતિવિવેચનોમાં વત્તેઓછે અંશે સંયોજિત થઈને પ્રવર્તતી પદ્ધતિઓ/ અભિગમો અને તેની મુખ્ય ભૂમિકા અહીં સંક્ષેપમાં રજૂ કરી છે. સાહિત્યસ્વરૂપલક્ષી પદ્ધતિ(Generic method) : કૃતિવિવેચનના ઇતિહાસમાં આ પદ્ધતિ સૌથી જૂની, છેક એના આરંભકાળથી યોજાતી રહેલી દેખાય છે. એનું એક સંભવિત કારણ એ છે કે સાહિત્યની સિદ્ધાન્તવિચારણામાં મુખ્ય કે પાયાનાં સ્વરૂપોની તાત્ત્વિક ચર્ચાઓ આંતરિક રીતે જોડાયેલી રહી છે. દરેક સાહિત્યમાં ખેડાતાં રહેલાં મુખ્ય કે ગૌણ સ્વરૂપોની, વળી, સતત બદલાતા સંદર્ભમાં નવેસરથી વ્યાખ્યાઓ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. એટલે, વિવેચક જે કૃતિ હાથમાં લે છે તે કોઈ મહાકાવ્ય પ્રકારની રચના છે. મધ્યકાલીન ગુજરાતીનું આખ્યાન છે, કે સામાજિક નવલકથા છે, કે ટ્રેજિડીના વર્ગનું નાટક છે. એવા સ્વરૂપલક્ષી બોધ સાથે, ઘણુંખરું અસંદિગ્ધ પણ કેટલીક વાર સંદિગ્ધ મનોદશામાં, તેનું વાચનઅધ્યયન શરૂ કરે છે. ઘણુંખરું વિવેચનપરંપરામાં પ્રસ્તુત કૃતિના સ્વરૂપ અંગે તારવી કાઢવામાં આવેલાં લક્ષણો કે ગુણધર્મોની સમજ તેને એમાં એક મુખ્ય સંદર્ભ પૂરો પાડે છે. સ્વરૂપના નિયત ગુણધર્મો કૃતિમાં તે લાગુ પાડવા પ્રેરાય છે તેની સામે એ ગુણધર્મો જ એક ધોરણોનો ગણ રચે છે. એને ધ્યાનમાં રાખીને કૃતિના અમુક ગુણદોષોનો તે નિર્ણય કરે છે શેક્સ્પીયરનાં નાટકો વિશે સત્તરમીઅઢારમી સદીમાં અંગ્રેજ વિવેચકોએ જે વિવેચનો લખ્યાં તેમાં સ્વરૂપવાદી અભિગમનાં જ્વલંત દૃષ્ટાંતો મળે છે. એરિસ્ટોટલે ટ્રેજિડી અને કૉમેડી એ બંને નાટ્યપ્રકારોની આગવીઆગવી આંતરક્ષમતા જોઈ એ બંનેના વિશુદ્ધ આવિર્ભાવનો મહિમા કર્યો. શેક્સ્પીયરના કેટલાક વિવેચકોએ હેમ્લેટમેકબેથ આદિ ટ્રેજિડીઓમાં પ્રસંગે કૉમિક તત્ત્વો પ્રવેશી ગયાં હોવાની ટીકા કરી છે. વળી, એરિસ્ટોટલે નાટ્યકૃતિમાં કાર્યની એકતા સાથે સ્થળ અને કાળની એકતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો હતો, તેને નજરમાં રાખીને ટીકાકારોએ શેક્સ્પીયરની કૃતિઓમાં સ્થળ અને કાળની એકતા કેટલેક અંશે સચવાઈ નથી, એ રીતે દોષ બતાવ્યો. વાસ્તવમાં, શેક્સ્પીયર વિશેનાં આ રીતનાં વિવેચનો તો માત્ર દૃષ્ટાંતરૂપ છે. પરંપરાગત ઢાંચાનાં મોટાભાગનાં કૃતિવિવેચનો કંઈક આ રીતે જ પ્રસ્તુત સ્વરૂપ વિશેનાં રૂઢ લક્ષણો કે ધોરણોનો સ્વીકાર કરીને ચાલે છે. આ પદ્ધતિની ગંભીર મર્યાદા એ રહી છે કે, પ્રતિભાશાળી સાહિત્યકાર નવી વર્ણ્યવસ્તુ કે નવી અનુભવસામગ્રી સાથે, પરંપરાપ્રાપ્ત સ્વરૂપના બાહ્ય કે આંતરિક બંધારણમાં વત્તુંઓછું પરિવર્તન કરે, કે જૂની રચનારીતિમાં અમુક વિચલન સાધે, ત્યારેય રૂઢિચુસ્ત વિવેચકો જે તે સ્વરૂપનાં રૂઢ લક્ષણોને જ વળગી રહે છે. નવ્ય વિવેચકોએ દરેક કૃતિના અપૂર્વ અને વિશિષ્ટ રૂપનો પરમ મહિમા કર્યો, ત્યારે સ્વરૂપલક્ષી અભિગમની મૂળભૂત મર્યાદાઓ એકદમ છતી થઈ. પશ્ચિમના કેટલાક તરુણ અભ્યાસીઓ સાહિત્યસ્વરૂપ (genre)ની વિભાવના, કૃતિવિવેચનમાં ખરેખર પ્રસ્તુત બને અને ઉપયોગી નીવડે, એ દૃષ્ટિએ એની પુનર્વિચારણા કરી રહ્યા છે. ચરિત્રલક્ષી પદ્ધતિ(Biographical method) : પરંપરાગત કૃતિવિવેચનમાં આ પદ્ધતિ/પણ વત્તેઓછે અંશે જોડાયેલી રહી છે. એની પાછળ એક સામાન્ય ધારણા એ રહી છે કે સાહિત્યકૃતિમાં રજૂ થતા વિશ્વને તેના લેખકના ચારિત્ર્ય સાથે – તેના વ્યક્તિત્વ અને તેની મનોસૃષ્ટિ સાથે-નાભિનાળ સમો સજીવ સંબંધ હોય છે. કવિ, નાટ્યકાર કે નવલકથાકાર જે રીતનું માનવીય વિશ્વ રચે છે તેમાં તેના અનુભવો, વિચારો, સંસ્કારો આદિ નિર્ણાયક ભાગ ભજવે છે. પ્રતિબદ્ધ લેખકો તો અમુક સામાજિક મૂલ્યો અને આદર્શોનું કૃતિમાં સંપ્રજ્ઞ પદ્ધતિએ નિરૂપણ કરવા પ્રવૃત્ત થાય છે. અર્થાત્ વ્યક્તિજીવન, સમાજજીવન અને વિશ્વપ્રકૃતિ વિશેનું તેનું નિજીદર્શન કૃતિમાં સાકાર થયું હોય છે. ચરિત્રલક્ષી અભિગમ લઈને ચાલતો વિવેચક, આથી, પ્રસ્તુત કૃતિમાં તેના કર્તાના જીવનપ્રસંગો કે તેનું મનોગત જોવા પ્રેરાય છે. કૃતિના જન્મ પૂર્વે કે પછીથી કર્તાએ જે જે ચિંતનમનન કર્યું હોય તે સર્વ કૃતિના વિશ્વમાં તે શોધે છે. વિવેચક એ રીતે કૃતિમાંથી કર્તાના મનોગતમાં, તેમ કર્તાના મનોગતથી કૃતિમાં આવતોજતો દેખાય છે. આપણે ત્યાં ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશે લખાયેલાં કેટલાંક વિવેચનોમાં આ અભિગમ સ્પષ્ટ દેખાઈ આવે છે. એ મહાનવલમાં ગોવર્ધનરામની જે વિચારણાઓ રજૂ થઈ તેને તેમની સ્ક્રેપબૂકસની તેમજ અન્ય જીવનમીમાંસાઓ સાથે સાંકળીને જોવાના એમાં પ્રયત્નો છે. પણ એ રીતે આ અભિગમ લેનારો વિવેચક પ્રસ્તુત કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે, અને ખરેખર તો એ રૂપબદ્ધ કૃતિ જ વિવેચનનો વિષય છે, કર્તાનું મનોગત નહિ, એ એક અત્યંત મહત્ત્વની હકીકતની અવગણના કરે છે. આ અભિગમની આ ઘણી ગંભીર મર્યાદા છે. નીતિવાદી અભિગમ(Moral Approach) : આ અભિગમ લઈને ચાલતો વિવેચક સાહિત્યકૃતિમાં રજૂ થતા માનવવૃત્તાંતોનું – તેમાંના પ્રસંગોનું, પાત્રોના ભાવજગતનું, તેમ તેમનાં વાણીવર્તનોનું – સમાજમાં રૂઢ થયેલા નીતિમત્તાના કે સંસ્કારિતાના ખ્યાલોને આધારે મૂલ્યાંકન કરે છે. જીવનમાં આચારવિચાર અને નીતિમત્તાનાં જે ધોરણો પ્રચારમાં હોય તેને જ સીધેસીધાં કૃતિના માનવપ્રસંગોમાં અને ભાવનિરૂપણમાં લાગુ પાડવાનાં છે એમ તે માને છે. સાહિત્યાદિ કળાઓ નીતિપ્રેરક હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. આ ખ્યાલને વિસ્તારીને કળાકારનું અંગત જીવન પણ નીતિશુદ્ધ અને ચારિત્ર્યવાન હોવું જોઈએ એવો ખ્યાલ પ્રચલિત થયો છે. કળાકારે માનવજીવનના અભદ્ર અને અશ્લીલ ભાવોને રજૂ ન કરવા જોઈએ, એમ પણ નીતિવાદી વિવેચકો માને છે. આપણે ત્યાં ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ આદિ ગાંધીપરંપરાના તેમજ એ પરંપરાથી પ્રભાવિત થયેલા રામનારાયણ પાઠક, ઉમાશંકર આદિ ચિંતકો-વિવેચકોનાં સાહિત્યકૃતિઓ વિશેનાં લખાણોમાં તેમનો નીતિવાદી અભિગમ એકદમ ધ્યાન ખેંચે છે. પણ આ અભિગમની મોટી મર્યાદા એ છે કે સાહિત્યમાં રજૂ થતાં માનવચરિત્રોની સીધેસીધી સમાજમાં પ્રચલિત નીતિમત્તા અને સદાચારનાં ધોરણોથી સમીક્ષા કરવામાં આવે છે. કૃતિમાં રજૂ થયેલો ભાવ, વિચાર કે કાર્ય એની સાથે સુસંગત હોય તો જ એ સાહિત્યકૃતિ સાચકલી અને ઊંચી-એમ આ જૂથના ચિંતકો-વિવેચકો માને છે. પણ કૃતિને આ રીતે વ્યવહારની ભૂમિકાએ મૂકીને તપાસવા જતાં એના સર્જકના ગહનસંકુલ વિશ્વની અવગણના જ થાય છે. નીતિઅનીતિનાં, શ્લીલ-અશ્લીલનાં તત્ત્વો સર્જકના દર્શનની અખિલાઈમાં કેટલાં અનિવાર્ય છે, તે અંતે તો નિર્ણાયક પ્રશ્ન છે. પણ નીતિવાદી વિવેચકો ઘણુંખરું રૂપનિર્માણની ભૂમિકાએથી વિચારવાનું ટાળતા હોય છે. ઐતિહાસિક અભિગમ(Historical Approach) : પરંપરાગત વિવેચનમાં આ અભિગમ સહજ સ્વીકાર પામતો રહ્યો છે. હિપોલિટ ટેઈન, એડમંડ વિલ્સન, વુડહાઉસ, રોય હાર્વે પિયર્સ, લાયોનલ ટ્રિલીંગ, રિચાર્ડ એલ્મન આદિ અભ્યાસીઓનાં લખાણોમાં એની મુખ્ય ભૂમિકા મળે છે. આ અભ્યાસીઓની સૌથી કેન્દ્રવર્તી સિદ્ધાન્તભૂમિકા એ છે કે સાહિત્યપદાર્થ, કહો કે સાહિત્યકૃતિ, સ્વરૂપત : એક ઐતિહાસિક નિર્માણ છે, ઐતિહાસિક ઘટના છે. એનો કર્તા ઇતિહાસના કોઈ એક ચોક્કસ સમયખંડમાં, એના ચોક્કસ સંયોગો અને પરિબળો વચ્ચે જીવ્યો છે. એનું માનસ એ યુગની જ કોઈ વિચારધારા કે આંદોલનથી ઘડાયું છે એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓએ જાણ્યેઅજાણ્યે ય તેની ચેતનાને સંકોરી છે. એ યુગની પરંપરાઓનો પ્રભાવ પણ તેણે ઝીલ્યો છે. કૃતિમાં રજૂ થતા વર્ણ્યવિષયો તેના પ્રેરણાસ્રોતો, તેના આકારપ્રકાર, ભાષાશૈલી, રચનાપ્રણાલિ, વિશ્વદર્શન, સૌન્દર્યભાવના–એમ સર્વ સ્તરે ઐતિહાસિક તત્ત્વો પ્રગટપણે કે પ્રચ્છન્નપણે સક્રિય રહ્યાં હોય છે. એ રીતે એ સાહિત્યકૃતિ એનાં ચોક્કસ ઐતિહાસિક સંયોગો, પરિબળોના મિલનબિંદુએ સંભવી હોય છે. વર્તમાનની ક્ષણ પર ઊભેલા વાચક માટે એ એક ઐતિહાસિક અસ્તિત્વ છે, વર્તમાન જેને સરળ રીતે ભેદી ન શકે, એવું એ ઐતિહાસિક અસ્તિત્વ છે. આ ભૂમિકાએથી વિચારતાં પ્રસ્તુત કૃતિનો ‘અર્થ’ તેના શબ્દપાઠમાં નહિ, કૃતિનિર્માણમાં પ્રેરક અને વિધાયક બની રહેલાં સર્વ બહિર્ગત તત્ત્વોની સમર્પકતામાં રહ્યો છે, એવા તાર્કિક તારણ પર એ વિવેચકો આવ્યા છે. આ અભિગમથી વિવેચન કરતો વિવેચક, આથી, કૃતિ અને કર્તા, તેના સંયોગો, સ્રોતો આદિ વિષયોમાં શક્ય તેટલું સર્વગ્રાહી શોધન કરે છે. કૃતિની મૂળ હસ્તપ્રતની શ્રદ્ધેયતા, પાઠનિર્ણય, વર્ણ્યવસ્તુના મૂળ સ્રોતો, કર્તાનું માનસઘડતર, તેની સાહિત્યવિભાવના, પરંપરાઓ સાથે તેનું અનુસન્ધાન, આકારપ્રકારની પ્રણાલિ–એમ મૂળ કૃતિ નિમિત્તે સંબંધિત સર્વ પાસાંઓનું શોધન–અધ્યયન એમાં મહત્ત્વની પ્રવૃત્તિ બની રહે છે. આપણી પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓના વિવેચનમાં સામાન્ય રીતે આ ઐતિહાસિક પદ્ધતિ સ્વીકારાતી રહી છે. પણ આ પદ્ધતિની મર્યાદા એ સંભવે છે કે કૃતિનો ‘અર્થ’ કૃતિમાં જ સમાહિત નહિ, તેનાં પ્રેરક વિધાયક બળોમાં વહેંચાઈ જાય છે. એક રીતે કૃતિનો ‘પૂર્ણ અર્થ’ એ એક પ્રાપ્તવ્ય માત્ર છે. બાહ્ય પરિબળો કે સમર્પક તત્ત્વોનો જેટલો વધુ પરિચય મળે તેટલા પ્રમાણમાં જ તેનો ‘અર્થ’ વધુ પ્રકાશિત થાય, એમ એમાં અભિપ્રેત છે. સૌન્દર્યવાદી/પ્રભાવવાદી અભિગમ(Aesthetic/Impressionistic Approach) : પાશ્ચાત્ય જગતમાં ગઈ સદીમાં સૌન્દર્યવાદ(Aestheticism)નું એક આંદોલન જન્મ્યું, જેને પરિણામે ‘કળા ખાતર કળાનો વાદ’ જન્મ્યો, અને સૌન્દર્યવાદી વિવેચનની એક ધારાય જન્મી. અંગ્રેજીમાં ઓસ્કાર વાય્લ્ડ અને વોલ્ટર પેટર જેવા સૌન્દર્યવાદીઓએ, એ સમયના સાહિત્યવિવેચનમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રભાવ નીચે જે સાક્ષરીવલણો પ્રવેશી ચૂક્યાં હતાં તેની સામે, તીવ્ર પ્રતિક્રિયા દર્શાવી. કળા માત્ર સૌન્દર્યનું સર્જન છે, અને સૌન્દર્યજન્ય આનંદ એ જ એનું પરમ પ્રયોજન છે એમ તેમણે કહ્યું. આ વિચારને સુસંગત રહીને તેમણે સૌન્દર્યવાદી કે પ્રભાવવાદી વિવેચનનું નિર્માણ કર્યું. રસલક્ષી કૃતિ વાંચતાં વિવેચકના ચિત્તમાં તેનો જે સમગ્રલક્ષી સંસ્કાર (કે પ્રભાવ) અંકિત થાય છે, જે અવર્ણ્ય આનંદ અનુભવાય છે, તેનો જ તેણે જીવંત સૌન્દર્યલક્ષી પરિચય આપવાનો છે. કૃતિમાં વર્ણવાયેલા ભાવો, વિચારો, ચિત્રાંકનો જે કંઈ તેને ઊંડેઊંડે સ્પર્શી ગયાં હોય તેની તેણે પૂરી મુક્તતાથી, કશાય અવરોધ વિના, અભિવ્યક્તિ આપવાની છે. પાશ્ચાત્ય વિવેચનના ઇતિહાસમાં સૌન્દર્યવાદની ઘટના એ રીતે અપૂર્વ છે કે સાહિત્યના રમણીય અંશો પર જ એની દૃષ્ટિ મંડાયેલી છે. પણ આ અભિગમ લઈને ચાલતા વિવેચકોએ કૃતિના સૌંદર્યાત્મક પ્રભાવના વર્ણનમાં વારંવાર અંગત લાગણીઓ, સ્મૃતિસંવેદનો, સાહચર્યો કે વૈયક્તિક ઝંખનાઓના જગતમાં મનસ્વી વિહાર કરવાનું વલણ કેળવ્યું. પરિણામે મૂળ કૃતિની સામે સાવ નોખું રંગરાગી ભાવજગત રચાતું રહ્યું. આ અભિગમની ગંભીર મર્યાદા એ રીતે જન્મી આવી. પાછળથી નવ્ય વિવેચકોએ કૃતિની એક સ્વતંત્રસ્વાયત્ત અને આત્મપર્યાપ્ત વિશ્વ તરીકે પ્રતિષ્ઠા કરી, અને તેની નિજી તાત્ત્વિક સત્તાનો મહિમા કર્યો, તેમાં એ મર્યાદા ઓળંગી જવાનો પ્રયત્ન હતો. સમાજશાસ્ત્રીય-સાંસ્કૃતિક અભિગમ(Socio-Cultural Approach) : સાહિત્ય અને સમાજ વચ્ચે પ્રગટપણે કે ગર્ભિત રીતે, કોઈક સ્તરે, સંબંધ રહ્યો જ છે, એ હકીકતનો સદીઓથી સાહિત્યકારો અને વિવેચકો દ્વારા સ્વીકાર થતો રહેલો છે. પણ સાહિત્યના વિવેચનમાં સમાજશાસ્ત્રીય-સાંસ્કૃતિક અભિગમની એક સ્વતંત્ર અને અલગ અભિગમ લેખે પ્રાણપ્રતિષ્ઠા ખાસ તો આ સદીમાં થઈ. અઢારમી-ઓગણીસમી સદીમાં સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને સંસ્કૃતિ-ચિંતન જેવી ગાઢ રીતે સંકળાયેલી વિદ્યાશાખાઓમાં વૈજ્ઞાનિક વૃત્તિથી જે વિચારણાઓ આરંભાઈ તેમાં એના મુખ્ય પ્રેરણાસ્રોતો રહ્યા છે – ખાસ કરીને વિકો, મદામ દ સ્ટીલ, ટેઈન, ડિલ્વી, ફ્રેઝર, ટાય્લર, મેથ્યુ આર્નલ્ડ, માર્ક્સ, એંગલ્સ આદિની વિચારણાઓ એમાં વિશેષ પ્રેરક બની છે. સિદ્ધાન્તવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સમાજશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પાસાંઓ અનિવાર્યપણે જોડાયેલાં રહ્યાં છે. જોકે ‘સમાજ’ અને ‘સંસ્કૃતિ’ એ બે વિભાવનાઓ એકરૂપ નથી. ‘સમાજ’ સંજ્ઞા વિશેષત : સમાજનું બંધારણ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સામાજિક ઘટકો વચ્ચેની સતત ચાલતી ક્રિયાપ્રતિક્રિયાઓ અને ગતિશીલ સંબંધો એ પાસાંઓ સૂચવે છે; તો ‘સંસ્કૃતિ’ સંજ્ઞાથી સમાજની વિશિષ્ટ જીવનરીતિ – તેની આગવી વિદ્યાઓ, કળાઓ, હુન્નરો, સાધનસરંજામ, ધર્મ અને અધ્યાત્મ વિષયક માન્યતાઓ, કર્મકાંડો, રિવાજો, આચારવિચારનાં ધોરણો, કેળવણી, પરંપરા આદિ જે કંઈ બાબતો તેની વિશેષ મુદ્રા ઉપસાવે છે તે – સમગ્ર જીવશૈલી અભિપ્રેત છે. ‘સંસ્કૃતિ’ અને ‘સમાજ’ બંને દેખીતી રીતે પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. જોકે ‘સંસ્કૃતિ’ કેટલેક અંશે સ્વાયત્તપણે પ્રવર્તે છે, તો પણ બંને એકબીજા પર નિર્ભર છે. કોઈ એકનો વિચાર કરતાં અનિવાર્યપણે અન્યને લક્ષમાં લેવું પડે જ છે. એટલે વિવેચનમાં બંનેય અભિગમોનો સંયોજિત રૂપે વિચાર કરવામાં મોટું ઔચિત્ય રહ્યું છે. અહીં એ ય નોંધવું જોઈએ કે પરંપરાગત ઐતિહાસિક અભિગમ અને આ સદીમાં વિકસતો રહેલો માર્ક્સવાદી અભિગમ પણ વત્તેઓછે અંશે એ બંને સાથે સંકળાયેલા રહ્યા છે. આરંભના તબક્કામાં સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો સાહિત્ય કૃતિઓને પોતાના ક્ષેત્રીય અધ્યયન અર્થે દસ્તાવેજ માત્ર લેખવતા રહ્યા. કળાકૃતિ એ સર્જનાત્મક કલ્પનાનું વિશિષ્ટ કોટિનું નિર્માણ છે, સ્વતંત્ર અને સ્વાયત્ત એવું વિશ્વ છે, એ હકીકતની તેઓ અવગણના કરતા હતા. વિવેચનાત્મક તપાસના તેમના પ્રશ્નો જ બહિર્લક્ષી અને ઉપરછલ્લા હતા. કર્તા સમાજના કયા વર્ગ કે સ્તરમાંથી આવે છે, કયાં વર્ગહિતો તે આગળ ધરે છે, કયા વાચકસમૂહને નજરમાં રાખીને લખે છે, કયાં સામાજિક/સાંસ્કૃતિક મૂલ્યોનું સંક્રમણ કરવા ચાહે છે, કામદાર વર્ગમાં કયું સાહિત્ય વંચાય છે, પુસ્તકોનાં છાપકામ પ્રકાશન અને વહેંચણીની શી વ્યવસ્થા છે, ભૌતિક ઉત્પાદન અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે તેને કેવો સંબંધ છે વગેરે પ્રશ્નોની આસપાસ ચાલતું વિવેચન, દેખીતી રીતે જ, કળાકૃતિનાં બાહ્ય પાસાંઓને લક્ષતું હતું. કૃતિમાંથી ઉપલક સામગ્રી સીધેસીધી ઉપાડી લઈ તેને સમાજશાસ્ત્રીય વિચારણાની આગવી કોટિઓ (categories) અને આગવી વિભાવનાઓમાં ઘટાવવી એ મુખ્ય પ્રવૃત્તિ બની રહી. પણ આરંભકાળનો આ રીતનો સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક અભિગમ સાહિત્યકળાના પક્ષકાર વિવેચકો-અભ્યાસીઓને માન્ય નહોતો. ગોલ્ડમાન, યૉસ, બાખ્તિન આદિ અભ્યાસીઓએ આથી, સાહિત્યકૃતિની સ્વતંત્ર વિશ્વ લેખે પ્રતિષ્ઠા કરી. તેની રૂપરચનામાં સમાજશાસ્ત્રીય/સાંસ્કૃતિક તત્ત્વો કેવા રૂપે પ્રવેશે છે, તેની સંરચનામાં કેવી રીતે નિર્ધારક બને છે, અને ખાસ તો કૃતિની રૂપરચનાને તેના બાહ્ય સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભો સાથે જુદા જુદા સ્તરોએ કેવા સંકુલ સંબંધો રહ્યા છે તેની વિચારણા કરી. કૃતિની ભાષા, વિચારધારા, સંરચનાવાદ અને ઐતિહાસિકવાદ – એ સર્વની વૈચારિક ભૂમિકાઓ એમાં સમર્પક બની. બાખ્તિન એમ કહેવા ચાહે છે કે સમાજશાસ્ત્રીય/ સાંસ્કૃતિક અભિગમ લેનાર વિવેચકે વિચારધારા – સ્વયં એક સામાજિક-સાંસ્કૃતિક વિચારતંત્ર – અને સાહિત્યવિશ્વ, એ બે વચ્ચેના પ્રાણભૂત અને સજીવ સંબંધોનું વિશ્લેષણ કરવું જોઈએ. જે રચનાપ્રક્રિયા દ્વારા ‘આઇડિયોલોજી’નું કાવ્યમાં રૂપાન્તર થાય તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવી જોઈએ. યોસે જે અભિગ્રહણસિદ્ધાન્ત વિકસાવ્યો તેમાં કૃતિનો ‘અર્થ’ સમાજ અને ઇતિહાસની અતંર્ગત વિસ્તર્યો હતો. કૃતિનું રસકીય મૂલ્ય કોઈ એક ભાવકની ચિત્તદશાની સિદ્ધિ નહિ, પણ ઐતિહાસિક સામાજિક/સાંસ્કૃતિક તત્ત્વોની સંયોજિત ઉપલબ્ધિ છે. બાખ્તિનની વિચારણાને યૉસમાં એક વિશેષ ઐતિહાસિક પરિમાણ પ્રાપ્ત થાય છે. ગોલ્ડમાનના જેનેટિક સંરચનાવાદમાં વ્યક્તિચેતનાનો કેન્દ્રસ્થાને સ્વીકાર છે. સાહિત્યકૃતિ એની એકીભૂત અને સંગતિયુક્ત રૂપરચનામાં ચોક્કસ વિશ્વદર્શન રજૂ કરે છે. સાહિત્યકૃતિની અંતર્ગત રહેલાં તત્ત્વો, એની સમગ્ર સંરચના એટલે અંશે અર્થપૂર્ણ સંભવે, જેટલે અંશે એના સામાજિક-ઐતિહાસિક ઉદ્ભવ રૂપે અને સક્રિય માનવચેતના સાથેના સંબંધો રૂપે એ પ્રગટ થાય. કૃતિના અર્થબોધમાં, ખરેખર તો, સમગ્ર સંસ્કૃતિના સંદર્ભે, તેનું અર્થઘટન જ નિહિત રહ્યું છે. મહાન સાહિત્યકૃતિઓ કોઈ એકાકી વ્યક્તિચેતનાની નહિ, કોઈ એક સમાજ કે તેના જૂથની શક્ય તેટલી મહત્તમ ચેતના વ્યક્ત કરે છે. કૃતિ વિવેચનમાં, આથી, છેક ભાષાસંરચનાની ભૂમિકાએથી ‘આઈડીયોલોજી’ના કળાત્મક રૂપાન્તરણની પ્રક્રિયા તપાસવામાં આવે છે. મનોવિશ્લેષણવાદી અભિગમ(Psycho-analytic Approach) : વિવેચનનો આ અભિગમ સિગ્મંડ ફ્રોય્ડના મનોવિજ્ઞાનમાં કેન્દ્રસ્થાને રહેલા મનોવિશ્લેષણવાદ(Psychoanalysis) પર મંડાયેલો છે. ફ્રોય્ડના મૂળ મનોવિશ્લેષણવાદનું પછીથી એડલર, હર્ની, ફ્રોમ, સલિવન, યુંગ, રેંક વગેરે મનોવૈજ્ઞાનિકોએ આગવીઆગવી રીતે અર્થઘટન કે સ્પષ્ટીકરણ કર્યું છે. પરંપરાગત સાહિત્યવિચારના પ્રશ્નોને મનોવિશ્લેષણવાદના પ્રકાશમાં બિલકુલ નવો જ પરિપ્રેક્ષ્ય અને નવી જ પરિભાષા મળી છે. માનવીય વાસ્તવિકતાની વિભાવના એમાં મૂળભૂત રીતે બદલાઈ છે, જ્ઞાનમીમાંસા(epistemology)ની મૂળ ભૂમિકા ય બદલાઈ છે, તે સાથે કળાનું સ્વરૂપ, કાર્ય, અને પદ્ધતિ વિશે નવાં દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે. જોકે, મનોવિશ્લેષણવાદ પર આધારિત પૂર્ણ વ્યવસ્થિત સાહિત્યશાસ્ત્ર હજુ રચાયું નથી. પણ અભ્યાસીઓ એ દિશામાં વિચારતા રહ્યા છે. ફ્રોય્ડના મનોવિશ્લેષણવાદનો ઉદ્ભવ, એ તો જાણીતું છે કે, માનસિક રોગીઓની ચિકિત્સાપદ્ધતિમાંથી થયો. ફ્રોય્ડે આ પદ્ધતિ પાછળ અસંપ્રજ્ઞાત ચિત્ત(the unconscious)નો વિશિષ્ટ ક્રાંતિકારી ખ્યાલ સ્વીકાર્યો છે. મનોવૈજ્ઞાનિક સંકુલતાવાળી સાહિત્યકૃતિઓ, સ્વપ્નો, પુરાણકથાઓ, આદિમ જાતિઓના ‘ટબૂઝ’, રમૂજી ટૂચકાઓ, શબ્દોચ્ચારનાં સ્ખલનો જેવી વિભિન્ન સામગ્રીઓની ઝીણવટભરી તપાસમાંથી ‘અસંપ્રજ્ઞાત’ની વિભાવનાનું તેમણે સમર્થન મેળવ્યું. માનસિક રોગીનું અસંપ્રજ્ઞાત ચિત્ત તેની અંદર પડેલાં દમિત ઇચ્છાઓ-વૃત્તિઓનાં દબાણો અનુભવતું રહે છે. ઇપ્સિત પદાર્થ/વ્યક્તિને લગતા ભાવો અને વૃત્તિવલણો અન્ય કશામાં તે આરોપે છે કે તેનું સ્થાનાંતર કરે છે. નિષ્ણાત ચિકિત્સક ‘મુક્ત સાહચર્યો’ની પદ્ધતિએ દર્દીના અજ્ઞાત ભય, ચિંતા, તણાવ, કે સંઘર્ષના મૂળ સ્ત્રોતની તપાસ કરે છે. ‘મનોવિશ્લેષણ’ સંજ્ઞા એના પ્રાથમિક અને સીમિત અર્થમાં ‘સાયકોથેરાપી’ની આ પ્રત્યક્ષ તપાસપદ્ધતિ સૂચવે છે. પણ એના વિસ્તૃત અર્થમાં વ્યક્તિની ભાષા, વર્તન, સ્વપ્નોદિવાસ્વપ્નો, સાહિત્ય આદિ ઘટનાઓમાંથી અસંપ્રજ્ઞાત સ્તરના ગૂઢ અર્થો બહાર લાવવાની પદ્ધતિ સૂચવે છે. ફ્રોય્ડની ચિત્તના બંધારણ વિશેની વિચારણાઓમાં ક્રમશ : વિચારવિકાસ જોવા મળે છે. ૧૮૯૦-૧૯૨૩ના પહેલા તબક્કામાં ચિત્તના બે અલગ ખંડો તેમણે સ્વીકાર્યા છે – એક અસંપ્રજ્ઞાત, બીજો સંપ્રજ્ઞાત (પૂર્વસંપ્રજ્ઞાત એનો પેટાખંડ). ૧૯૨૩માં ચિત્તના બંધારણની તેઓ પુનર્રચના કરે છે. એમાં અસંપ્રજ્ઞાત(unconscious), અહમ્(ego) અને મહદ્અહમ્ (super-ego) એવા ત્રણ ગતિશીલ વ્યાપારો તેમણે અલગ તારવ્યા છે. ૧૯૫૦ પછી માણસમાં વિશિષ્ટ વ્યક્તિત્વના વિકાસનો પ્રશ્ન તેઓ વિગતે ચર્ચે છે. એમાં વ્યક્તિનો ‘સેલ્ફ’ અન્ય પદાર્થોના સંદર્ભે કેવો વિશેષ આકાર લે છે તે મુદ્દો કેન્દ્રમાં છે. એ રીતે ફ્રોય્ડ વ્યક્તિના સમાજ અને સંસ્કૃતિ સાથેના સંબંધોને ય સ્પર્શી રહે છે. ફ્રોય્ડે, જોકે, સાહિત્ય અને કળાઓ વિશે કોઈ સર્વગ્રાહી સુગ્રથિત ચર્ચા કરી નથી : પ્રસંગોપાત્ત કેટલીક ત્રૂટક વિચારણાઓ જ એમાં મળે છે. પણ પરંપરાગત સાહિત્યવિચારથી બિલકુલ ભિન્ન વિભાવનાઓનું માળખું એમાં તરત ધ્યાન ખેંચે છે. તેમની આરંભના તબક્કાની ‘ઈડસાયકોલોજી’ એમાં મુખ્ય આધારસ્થાન છે. તેમના મતે ‘ઇડ’ અર્થાત્ અસંપ્રજ્ઞાતના અંધારિયા તળમાં અવિરત અનેકવિધ દૈહિક આવિષ્કાર સમી ઇચ્છાઓ-વૃત્તિઓ ઊઠ્યા કરે છે, પણ બહારના જગતમાં એની સંતુષ્ટિ અર્થે તક ન હોવાથી એનું દમન થતું રહે છે. માનવીની જાતીય ઇચ્છા એમાં સાર્વભૌમ ઉન્મેષ છે : ઇડિપસગ્રંથિ/ઇલેક્ટ્રાગ્રંથિ એનું એક પ્રચ્છન્ન પરિણામ છે. અસંપ્રજ્ઞાતમાં ‘પ્રાયમરી પ્રોસેસથી એવી ઇચ્છા/વૃત્તિનું જે રીતે દમન થાય છે, તેમાં ‘ફિક્સેશન’ પામીને ટકી રહેલા પદાર્થોનું ઘનીભવન કે સ્થાનાંતર થાય છે. ઇચ્છા અતિપ્રબળ હોય અને પૂર્વ સંપ્રજ્ઞાતની સપાટી સુધી ઉપર ઊઠવા પામે તો કઠોર સેન્સરશીપ નીચે વિકૃત થઈને કે કોઈ compromised formમાં તે દેખા દે છે. સ્વપ્નનિર્માણમાં અસંપ્રજ્ઞાતની ક્રિયાશીલતા વધુ ગતિશીલ અને વધુ જટિલ સંભવે છે. સાહિત્યના નિર્માણને ફ્રોય્ડે આ સ્વપ્નનિર્માણના સાદૃશ્યથી સમજાવ્યું છે. તેમની દૃષ્ટિએ સાહિત્ય એ તેના સર્જકના અસંપ્રજ્ઞાતમાં અવરુદ્ધ પડેલી અતૃપ્ત ઇચ્છાનું જ પ્રચ્છન્ન રૂપાન્તર માત્ર છે. સ્વપ્નસૃષ્ટિમાં તેમ સાહિત્યકૃતિમાં ‘પ્રગટરૂપ સામગ્રી’ એ તો કેવળ છદ્મરૂપ જ છે, સાચી વાસ્તવિકતા તો સ્વયં અસંપ્રજ્ઞાતમાં પડેલી અવરુદ્ધ સામગ્રી છે. કળાના સાચા રૂપ અને તેનાં મૂલ્યો વિશે ફ્રોયડ્ સાવ અનભિજ્ઞ નહોતા, પણ તેમનો મુખ્ય રસ અંદરની સામગ્રીના ‘પ્રગટરૂપ’ સુધીમાં ચાલતા વિસ્તૃત ગહન રૂપાન્તર વ્યાપારની ઓળખમાં રહ્યો છે. આ ભૂમિકાએથી કર્તા/ કૃતિ સંદર્ભે નીચેની તપાસપ્રવૃત્તિ જન્મી છે. એક, કોઈ એક લેખકની બધી જ કૃતિઓમાંની ‘પ્રગટ સામગ્રી’ને આધારે તેના મૂળમાં ઊતરી તેના કર્તાની સુષુપ્ત ઇચ્છાઓની અને એ રીતે અસંપ્રજ્ઞાતમાં સક્રિય બનતી આદ્ય સંચલનાઓની તપાસ કરવી; બે, સાહિત્યકૃતિના મુખ્ય/ગૌણ ચરિત્રોના પ્રગટ વાણીવર્તનને આધારે તેના અસંપ્રજ્ઞાત ચિત્તની તપાસ કરવી : મેરિ બોનાપાર્તે એડગર એલન પોની ટૂંકી વાર્તાઓને આધારે પોના અસંપ્રજ્ઞાત ચિત્તમાં જે ખોજ કરી તે પહેલા પ્રકારનું, અને અર્ન્સ્ટ જોન્સે હેમ્લેટ નાટકના મુખ્ય પાત્ર હેમ્લેટના અસંપ્રજ્ઞાત માનસનું જે ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું, તે બીજા પ્રકારનું નિદર્શન છે. ફ્રોય્ડની ‘ઈગો-સાયકોલોજી’નો આધાર લઈ પાછળના અભ્યાસીઓએ જે સાહિત્યચર્ચા કરી તેમાં અસંપ્રજ્ઞાતની સ્વૈર ઇચ્છાની ક્રિયાશીલતા પર નહિ, તેની સામે ego-અહમ્ની નિયંત્રણશક્તિ પર ભાર મુકાયો. ફ્રોય્ડની ઉત્તરકાલીન વિચારણામાં ego-અહમ્ એ ‘અસંપ્રજ્ઞાત’નો જ અમુક અંશ વિકાસ પામીને વિશેષ ‘સાધન’ રૂપે કાર્ય કરે છે. અને તે ‘ego’ તરીકે ઓળખાવાય છે. હકીકતમાં, ‘ઇડ’માંથી ઊઠતી સ્વૈર ઇચ્છાઓ-વૃત્તિઓની પ્રબળ ભીંસ અને ‘સુપર-ઇગો’ – ‘મહદ્અહમ્’ દ્વારા સામાજિક નૈતિક આદર્શો અને ધોરણો પરત્વે અનુકૂલન સાધવાનો આગ્રહ-એ બે વિરોધી બળો વચ્ચે ‘અહમ્’ સંતુલન સાધવા મથે છે. ‘અહમ્’ના પ્રભાવ નીચે જે શક્તિ ચિત્તની ‘પ્રાયમરી-પ્રોસેસ’ને નિયંત્રત કરે છે તે જ શક્તિ સાહિત્યના રૂપનિર્માણમાં ય પ્રવર્તે છે. ઇડ-સાયકોલોજી પર નિર્ભર સાહિત્યવિચારમાં લેખકની અવરુદ્ધ ઇચ્છાઓની સંપૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું; ઇગો-સાયકોલોજી પર આધારિત સાહિત્યવિચારમાં અહમ્નું સાધન જે રીતે અસંપ્રજ્ઞાતની ઇચ્છાઓ વૃત્તિઓ સામે પ્રબળ પ્રતિક્રિયારૂપે સામાજિક-નૈતિક ધોરણોએ તેનું વિશિષ્ટ વ્યવસ્થા રૂપે નિર્માણ કરે છે તે પાસું દૃષ્ટિકેન્દ્રમાં આવ્યું છે. દરેક સફળ કળાકૃતિની રૂપરચનામાં સંપ્રજ્ઞ અહમ્ નિર્ણાયક ભાગ ભજવે છે. ક્રિસ અને એમ્પ્સન જેવા અભ્યાસીઓએ ઇગો સાયકોલોજીની ભૂમિકાએથી કૃતિની સમૃદ્ધ અર્થસંદિગ્ધતાઓની સૂક્ષ્મ તપાસ કરી છે. ફ્રોય્ડની ઉત્તરકાલીન વિચારણામાં સ્થપાયેલી ‘ઓબજેક્ટરિલેશન્સ’ સિદ્ધાન્ત અનુયાયી અભ્યાસીઓને સાહિત્યચર્ચાના વિકાસ અર્થે નવી ભૂમિકા રચી આપે છે. આ સિદ્ધાન્તમાં સર્જકચિત્તની અતિ સંકુલ પ્રક્રિયાનું વર્ણન છે. બાહ્ય જગતના પદાર્થો સાથેના સંબંધો રચાતાં લેખકના વિશિષ્ટ ‘સેલ્ફ’ના ઘડતરની પ્રક્રિયા, અને એવા સંબંધોમાં ભાષાના માધ્યમની કામગીરી, અને એ સમગ્ર સંકુલ ક્રિયાપ્રતિક્રિયાઓની કળાત્મકરૂપમાં નિર્ણાયક અસર-એને લગતા પ્રશ્નો એમાં છણાયા છે. બાળક પુખ્ત વયનો થાય એ ગાળામાં અસંપ્રજ્ઞાતના બહિર્લક્ષી પ્રક્ષેપન(projection) દ્વારા થતું સંરચન, અને બાહ્ય જગતની સંરચનાનું અંતર્વંર્તીં પ્રક્ષેપન(introjection)-એમ પરસ્પર વિરોધી સંરચનપ્રક્રિયાઓ ચાલતી રહે છે. કળાનિર્માણ આ રીતે સમાજ અને સંસ્કૃતિ સાથે સજીવ રીતે જોડાય છે. એરિનઝ્વી, એડ્રિઅન સ્ટોક્, અને રિચર્ડ કુહ્ન જેવા અભ્યાસીઓએ આ દિશામાં મૂલ્યવાન વિચારણા કરી છે. જેક લકાંએ ફ્રોય્ડની મૂળ વિચારણામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અસંપ્રજ્ઞાતની વિભાવના તેમણે સંરચનાવાદના માળખામાં રચી. આ અસંપ્રજ્ઞાત કંઈ આદિમ વૃત્તિઓ, ઇચ્છાઓ અને કલ્પનાનો અતંત્ર યાદૃચ્છિક સંચયમાત્ર નથી; ભાષાની જેમ એ પણ સંરચના ધરાવે છે. બાળક એની ભાષા-પૂર્વ દશાના ઇડિપસગ્રંથિ-પૂર્વ ચિત્તમાં હજુ કેવળ કાલ્પનિક વિશ્વનો પ્રક્ષેપ કરે છે. આ તબક્કે ego-અહમ્ સ્વયં ઘેરી ભ્રાંતિ સમો હોય છે. પણ તે જ્યારે ભાષાતંત્રમાં પ્રવેશે છે ત્યારે પોતાની એ ‘કાલ્પનિક સૃષ્ટિ’ અને ભાષાતંત્ર વચ્ચે એક ખાઈ રચાય છે. ભાષા સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ છે, અને તેની સંરચનાઓમાં સામાજિક જીવનના આદર્શો અને આદેશો અન્વિત રહ્યાં હોય છે. એટલે, લંકા જેને કઠોર વાસ્તવ કહે છે તેના પર એ કાલ્પનિક સૃષ્ટિ અને ભાષાતંત્ર વચ્ચેની આંતર-ક્રિયાપ્રતિક્રિયા અસર પાડે છે. અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત એ બે વચ્ચે એ રીતે સંગતિ સ્થપાય છે. લંકાની દૃષ્ટિએ સમગ્ર મનોઘટના ‘પાઠ’(Psyche as text) રૂપે ઊપસે છે. એડ્ગર એલન પોની ‘ધ પરલોઈન્ડ લેટર’ શીર્ષકની વાર્તાનું તેમણે આ દૃષ્ટિએ વિશ્લેષણ કર્યું છે. અનુસંરચનાવાદી મનોવિશ્લેષણની વિચારધારામાં દેરિદાનું દૃષ્ટિબિંદુ નોંધપાત્ર છે. પાઠ(text) સ્વયં તેમને માટે મનોઘટના (psyche) સમો છે. વિરચનની પદ્ધતિએ તેઓ પાઠના અંશોને ઉકેલવા ચાહે છે. લંકાની વિચારણામાં લેખક/ભાવકનો ‘સબ્જેક્ટ’ ‘આત્મ’-પાઠથી જ નિર્ધારિત થાય છે. એ ‘આત્મ’ પોતાનાં કાર્યોમાં signifierને ચઢિયાતું લેખવે છે. દેરિદાની વિચારણામાં signifier એટલું મહત્ત્વનું નથી. લેખન એકીસાથે desireને અવરોધે પણ છે, અને પ્રગટ પણ કરે છે. બોલાયેલો કે લિખિત શબ્દ differanceની અસર નીચે જ સંભવે છે. તેમના મતે અસંપ્રજ્ઞાત હંમેશાં ભાષામાં જ કાર્યરત હોય છે. લંકા એ વાત પર ભાર મૂકે છે કે ભાષા સ્વયં એ એવો ઢાંચો લાદે છે જે અસંપ્રજ્ઞાતનું નિર્માણ કરે છે. અર્થાત્, ભાષા શાસનકર્તા રહે છે. દેરિદા એ વાત પર ભાર મૂકવા ચાહે છે કે અસંપ્રજ્ઞાત સ્વયં એવા ઢાંચાની બહાર નીકળી જાય છે. અસંપ્રજ્ઞાત signifying systemમાં સક્રિયપણે ઉત્પાદક બને છે. કાફકાની ‘પેરેબલ બિફોર ધ લૉ’ એ વાર્તાના પાઠનું પોતાની રીતે વિશ્લેષણ તેમણે કર્યું છે. પુરાકલ્પનો અને આદ્યરૂપોને લક્ષતું વિવેચન (Criticism pertaining to myths and archetypes) : સાહિત્યવિવેચનમાં ‘પુરાકલ્પન’(myth) અને ‘આદ્યરૂપ’(archetype) એ બે વિભાવનાઓ જુદા જુદા વિષયોમાંથી ઊતરી આવી છે, પણ એ બંનેને લક્ષતું વિવેચન ઘણી ગાઢ રીતે સંકળાઈ જતું દેખાય છે. એ બે પૈકી પુરાકલ્પનનો ખ્યાલ ઘણો પ્રાચીન છે. સદીઓ પહેલાં માનવજાતિને પુરાણકથાઓનો જે વિશાળ વારસો મળ્યો તેનો એ નિર્દેશ કરે છે. પણ આ વિષયમાં ચુસ્ત વૈજ્ઞાનિક સંશોધન-અધ્યયન છેલ્લાં દોઢસોબસો વર્ષોમાં જ આરંભાયું છે. ફ્રેઝર, ટાય્લર, હેરિસન, મેક્સમૂલર, ફ્રોય્ડ, યુંગ, યોસેફ કેમ્પબેલ, ક્લાય્ડ ક્લક્ હોમ, નોર્થ્રોપ ફ્રાય, આદિ અનેક અભ્યાસીઓએ આગવીઆગવી દૃષ્ટિએ ખેડાણ કર્યું છે. મૂળ હકીકત એ છે કે પુરાકલ્પનની વિચારણા ધર્મ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિચિંતન, નૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ અને સાહિત્યાદિ કળાઓ એમ અનેક વિષયો સાથે જોડાયેલી રહી છે. અને એ દરેક વિષયના અભ્યાસીઓએ એના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન પરત્વે પરસ્પરથી ઘણી ભિન્ન ભૂમિકાએથી ચિંતન કર્યું છે. એટલે એ સર્વ વિચારણાઓમાં પુરાકલ્પનની કોઈ એક સ્થિર, નિશ્ચિત અને એકાત્મરૂપ વ્યાખ્યા કે વિભાવના પ્રાપ્ત થતી નથી. એની સામે ‘આદ્યરૂપ’(archetype)ની વિભાવના જાણીતા મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગની collective unconscious‘સામૂહિક અવચેતન’ની વિશિષ્ટ ધારણા સાથે જોડાયેલી છે. આ સામૂહિક અવચેતનમાંથી ઉદ્ભૂત થતાં આદ્યરૂપો જ પુરાણકથાઓમાં અંશભૂત રહ્યાં હોય છે. પુરાણકથાઓનું વિશ્વ એ ઐતિહાસિક સમયની પેલે પારનું આદ્યવિશ્વ છે. દિવ્ય શક્તિ ધરાવતાં ચરિત્રો અને અદ્ભુતઅલૌકિક બનાવોનું એ વિશ્વ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, દેવદેવતાઓનાં અદ્ભુત દિવ્ય હેતુવાળાં કાર્યો, દેવતાઈ શક્તિવાળા અવતારી પુરુષની કથા, દેવદાનવસંગ્રામ, કોઈ માનવજાતિની પૃથ્વી પર આગમનની કથા, માનવ અને પ્રાણીઓનાં યોનિપરિવર્તનો, સ્વર્ગ-નરકની રચના, વિશ્વપ્રકૃતિમાં ચમત્કૃતિપૂર્ણ ફેરફારો. વગેરે વર્ણ્ય વિષયો પુરાણકથાઓમાં રજૂ થયા હોય છે. ધર્મકથાઓ, વિધિવિધાનો, પ્રાચીન મહાકાવ્યો અને અન્ય પ્રશિષ્ટ સાહિત્ય, મૌખિક પરંપરાનું સાહિત્ય, ચિત્રશિલ્પસ્થાપત્ય અને અન્ય પરંપરાઓ રૂપે પ્રજાને એ વારસામાં મળે છે. અનેક પ્રજાઓને ધર્મ અને પુરાણકથાઓનો સંયુક્ત વારસો મળ્યો હોય છે; એવાં દૃષ્ટાંતોમાં બંને એકબીજાનો આશ્રય લઈને વિકસતાં રહ્યાં હોવાનું જણાય છે. પણ અનેક આદિમ જાતિઓને ધર્મથી અલગપણે સાદીસરળ પુરાણકથાઓનો વારસો મળ્યો છે. એ પરથી સૂચિત થાય છે કે ધર્મસંસ્થાના ઉદ્ભવથી સ્વતંત્ર રીતે પુરાણકથા અસ્તિત્વ ધરાવે છે. પણ, ધર્મના સંયોગે તે જન્મી છે ત્યાં તે વધુ સત્તાવાહી નીવડી છે. એવી પુરાણકથાઓ પવિત્ર અને લોકોત્તર રહસ્યવાળી લેખાતી રહી છે. લોકોએ પૂરી આસ્થા સાથે એનો સ્વીકાર કર્યો હોય છે. ધર્મવિચારની સાથોસાથ આ પુરાણકથાઓ પણ લોકોને સમાજવ્યવસ્થા, વિધિવિધાન, રિવાજ, પર્વોઉત્સવોમાં પ્રેરે છે, બલકે, ધર્મનીતિ અને આચારવિચારનાં ધોરણો અને મૂલ્યોનું અર્ધપ્રગટ અર્ધપ્રચ્છન્ન માળખું પૂરું પાડે છે વળી, સાહિત્ય અને અન્ય કળાઓએ સતત ધર્મ અને પુરાણકથાઓમાંથી પ્રેરણા મેળવી છે. ધર્મ અને પુરાણકથાઓના અતીન્દ્રિય અનુભવો અને દર્શનો, કથાનકો અને ચરિત્રો તેમાં વર્ણ્યવસ્તુ તરીકે સ્વીકારાતાં રહ્યાં છે. આધુનિક યુગમાં પુરાણોનું વિશ્વ પ્રખર બૌદ્ધિકતાવાદ અને વૈજ્ઞાનિક વિચારના પ્રભાવ નીચે સંશયનો વિષય બન્યું ત્યારેય આધુનિક કવિઓ નાટ્યકારો અને કથાસર્જકો પુરાણકથાઓમાંથી આગવી આગવી રીતે સામગ્રી લઈ તેને નવું કળાત્મક રૂપ આપવા પ્રેરાયા છે, કે તેની કોટિનું રહસ્યસભર વિશ્વ સર્જવા મથ્યા છે. પુરાણકથાઓની સંરચના, પ્રતીકમંડળ, ભાષાભિવ્યક્તિ, અને તે સર્વ અંશોમાં કામ કરતી mythopoetic ચેતના આધુનિક સાહિત્યમાં વ્યાપકપણે ગૂંથાયાં છે. સમકાલીન વિવેચનવિચારમાં સાહિત્ય અને પુરાકલ્પન/પુરાણકથાને જુદા જુદા સ્તરેથી સાંકળવાના અનેક ગહનગભીર પ્રયત્નો થયા છે. નોર્થ્રોપ ફ્રાય, લેવિ સ્ટ્રોસ, આદિ ચિંતકોની વિચારધારા એમાં નોખી તરી આવે છે. પુરાણકથાઓની સંરચનાઓમાં બંને જુદી જુદી ભૂમિકાએથી તપાસ કરે છે. પણ આ વિશેનું કૃતિલક્ષી વિવેચન માત્ર સંરચનાની તપાસમાં સમાઈ જતું નથી. પૌરાણિક વિષયવસ્તુના જુદા જુદા સર્જકો દ્વારા નવસંસ્કરણો કે રૂપાન્તરો, પૌરાણિક વિષયોની તરેહો, પુનરાવર્તનો, મનોવિશ્લેષણવાદની દૃષ્ટિએ કૃતિના ‘પ્રગટ સામગ્રીરૂપ’ અને ‘પ્રચ્છન્ન અસંપ્રજ્ઞાત’ના આશય/અર્થ વચ્ચેનો સંબંધ, કૃતિની રૂપરચનામાં વિધિવિધાનની પ્રેરણા, પૌરાણિક પ્રતીકો/આદ્યરૂપોના ગૂઢાર્થોની ખોજ, બે નિકટનાં સાહિત્યોમાં એક પુરાણવૃત્તાંતનાં ભિન્ન સાહિત્યસર્જનોનું તુલનાત્મક અધ્યયન – એમ અનેક દૃષ્ટિએ એનું વિશ્લેષણાત્મક વિવેચન હાથ ધરાયું છે. આ રીતનાં અધ્યયનો અર્થે કોઈ સુનિશ્ચિત પદ્ધતિ સ્વીકાર પામી નથી. પુરાકલ્પનોને લક્ષતા વિવેચનમાં, આમ જુઓ તો, સાહિત્ય બહારની કોઈ ખાસ વિચારધારા એમાં માળખું રચી આપતી નથી. કૃતિનો વર્ણ્યવિષય, સંરચના, અનુભવવિશ્વ અને તેમાં નિહિત મૂલ્યો આદિની તપાસ તેની પ્રેરણારૂપ વિશિષ્ટ પુરાણકથા અને વ્યાપકપણે પુરાણકથાઓના પોતાના જ સર્વગ્રાહી માળખામાં થાય છે. કૃતિનો સાચો અર્થ એવા વ્યાપક સંદર્ભમાં જ નિર્માણ થાય છે. ફ્રાન્સિસ ફર્ગ્યૂસનની જાણીતી ગ્રીક ટ્રેજિડી ‘ધ ઇડિપસ કિંગ’માં અન્વિત રહેલી પુરાણકથા ને વિધિવિધાનની તપાસ, હર્બર્ટ વાય્ઝાગરની એ રીતે શેક્સ્પીયરની ટ્રેજિડીઓની તપાસ, જ્હોન વિકરીની ડી. એચ. લૉરેન્સની લઘુનવલોમાં એ રીતની ખોજ આ પ્રકારના વિવેચનના ધ્યાનપાત્ર નમૂનાઓ છે. કાર્લ યુંગે ‘આદ્યબિંબ’(archetype)ની સત્તા ‘સામૂહિક અવચેતન’ના સ્તરે પ્રતિષ્ઠિત કરી છે. ફ્રોય્ડના મનોવિજ્ઞાનમાં અસંપ્રજ્ઞાત/અવચેતન મુખ્યત્વે વ્યક્તિની પોતીકી માનસિકતાનો જ વિશેષ અંશ છે, વ્યક્તિની અવરુદ્ધ ઇચ્છાઓ-વૃત્તિઓના શેષરૂપે એ અસ્તિત્વ ધરાવે છે, સ્વયં એક સક્રિય આત્મતત્ત્વ છે. આથી ભિન્ન, યુંગ એવા વ્યક્તિસીમિત અસંપ્રજ્ઞાતને નર્યો ઉપરછલ્લો વિસ્તાર લેખવે છે. તેમની ભૂમિકા એ છે કે એવા વ્યક્તિસીમિત અસંપ્રજ્ઞાતની નીચે સામૂહિક અસંપ્રજ્ઞતાનો વિરાટ પ્રસાર પડેલો છે. અસાધારણ પ્રાણશક્તિથી સભર, ગુહ્ય રહસ્યમાં આવૃત્ત, એવાં ‘આદ્યબિંબ’ એમાં સાકાર થાય છે. જુદી જુદી જાતિઓ/પ્રજાઓના અનુભવોમાં સાંસ્કૃતિક ભેદને કારણે દેખીતી ભિન્નતાઓ વચ્ચેય એની પાછળ રહેલાં આદ્યબિંબોની એકરૂપતા પ્રત્યક્ષ થઈ જાય છે. વિશાળ વિશ્વસાહિત્યમાં તેમ અન્ય લલિતકળાઓમાં એવાં ‘આદ્યરૂપો’ની ઉપસ્થિતિ તરત ધ્યાન ખેંચે છે. સૂર્યદેવતા, ધરતીમાતા, સમુદ્ર, ચંદ્ર, અગ્નિ, આદિજલ, વિશ્વમરુત, અગ્નિચક્ર, અરણ્ય, ગુફા, સુવર્ણપંખી, પડછાયો, હોડી, સ્વર્ગ, નરક, દાનવ, સરિતા, રથચક્ર, વેદી, અશ્વારોહી, ઉદ્યાન, પરી, મહાવૃક્ષ, મંદિર આદિ વ્યક્ત બિંબો/ પ્રતીકોનો હાર્દમાં એનું અવ્યક્ત ‘સાર્વત્રિક આદ્યબિંબ’ રહ્યું હોય છે. આ પ્રકારનાં ‘આદ્યબિંબો’ સાહિત્યના અનુભવમાં અપૂર્વ સાક્ષાત્કાર જેવાં સંભવે છે. દરેક યુગમાં માનવજાતિને જે ગહનાતિગહન અનુભવો થતા રહ્યા છે તેનું સારસત્ત્વ આદ્યબિંબોમાં સંચિત થતું રહે છે. એની આ સાર્વત્રિકતા અને આદ્યરૂપતાને કારણે સાહિત્યમાં એના વિનિયોગે વ્યાપક અપીલ જન્મે છે. મૉદ બૉદકિને ‘આર્કિટાય્પલ પેટર્ન્સ ઈન પોયેટ્રી’ ગ્રન્થમાં પાશ્ચાત્ય સાહિત્યમાં યોજાયેલાં કેટલાંક પ્રભાવક આદ્યબિંબોની ઊંડી મર્મગ્રાહી વિવેચના કરી છે. આ પ્રકારના વિવેચનનું એ ઘણું ધ્યાનાર્હ દૃષ્ટાંત છે. આ ઉપરાંત માર્ક્સવાદી, રશિયન સ્વરૂપવાદી, નવ્યવિવેચનપરક, શૈલીવિજ્ઞાનપરક, સંરચનાવાદી, અનુસંરચનાવાદી, વિરચનવાદી, પ્રતિભાસમીમાંસાપરક, નારીવાદી – વગેરે અનેક અભિગમો છે, જેની ચર્ચા આ ગ્રન્થમાં અન્યત્ર કરવામાં આવી છે. પ્ર.પ.