સોરઠી બહારવટિયા ભાગ-1/4. ભીમો જત

From Ekatra Wiki
Revision as of 07:45, 20 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ભીમો જત

[આશરે સન 1800 — 1850]


નાથાણીનો નર છે વંકો,
રે ભીમા, તારો દેશમાં ડંકો!
ભાદરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત,
રાત પડ્યો, ભીમા, રીડિયા રે, ગામેગામ ગોકીરા થાય.
                                              — નાથાણીનો.
ઓળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારું થાય,
ઉપલેટા ગામના બ્રાહ્મણ જમાડ્યા, ગોંડળ થરથર થાય.
                                              — નાથાણીનો.
તરવારુંનાં તારે તોરણ બંધાણાં ને ભાલે પોંખાણો ભીમ,
ઢોલ ત્રાંબાળુ ધ્રશકે વાગે, વારું ચડી છે હજાર.
                                              — નાથાણીનો.
ઓચિંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોટ,
લાલબાઈ તને ધ્રુસકે રોવે, ફૂલબાઈ [1] જોવે વાટ.
                                              — નાથાણીનો.

ગોંડળ-તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેર બે દીકરીઓ ને એક દીકરો છે. “ભીમા મલેક!” મેરવદરના ફોજદારે ધીરેધીરે ડારા દેવા શરૂ કર્યા : “ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે.” “શું કહેવરાવ્યું છે, સાહેબ?” ભીમા જતે સલામ કરીને પૂછ્યું. “કહેવરાવ્યું છે કે બે સાંતી જમીન ખેડો છો તે છૂટી જશે.” “પણ કાંઈ વાંકગુનો?” “બહારવટિયાને તમે રોટલા આપો છો.” “ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા, આપવા પડે છે. કાલે ઊઠીને કાકાઓ મેરવદરને ફૂંકી મારશે, જાણો છો? અને ખેડુનાં સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસતીને માથે એક કોરથી બહાવટિયા આદુ વાવે ને બીજી કોરથી તમે.” ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડળ પહોંચાડ્યો એ વાંચીને ભા કુંભાજીએ એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલી દીધું અને બહાવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાંતીની જમીન ખાલસા કરી. સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો. “અમારો ચાર ભાઈઓનો જુવાર-બાજરીનો આછો-જાડો જે રોટલો હતો, તે પડાવી ભા કુંભોજી ગોંડળના રાજમો’લમાં હવે દૂધચોખા શૅ દાવે જમશે?” એટલું બોલીને એણે ચારેય ગમ આંખો ફેરવી. “અને, ભીમા મલેક!” ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યો : “મેરવદરને માથે સો મકરાણીનું થાણું બેઠું; તારે એકને પાપે આખા ગામની બેડલી બૂડી!” ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. ચારેય ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પરિયાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે પૂછ્યું : “તારી શી મરજી છે, જતાણી?” “મરજી બીજી શી હોય?” જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો : “ભા કુંભાજીની હારે ભરી પીઓ.” “અને તું?” “હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરાં મોટાં કરીશ.” “ગોંડળની ફોજ કનડશે તો?” “તો મનેય હથિયાર વાપરતાં ક્યાં નથી આવડતાં?” “ઠીક ત્યારે, અલ્લાબેલી!” “અલ્લાબેલી! અમારી ચિંતા મ કરજો.” ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઊંચેરી દેખાય. માથું જાણે આભમાં રમતું હતું. ભવાં જાડાં, આંખો કાળી ચમકતી ને ઠરેલી : અને એ ગૌરવરણા ચહેરાને ફરતી કાજળઘેરી દાઢીમૂછ એક વાર જોયા પછી કદી ન ભુલાય તેવો મારો બતાવતી હતી. એવા જવાંમર્દ ભાયડાને ‘અલ્લાબેલી’ કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું. ચારેય ભાઈઓએ સૂરજ આથમવા ટાણે ભાદરકાંઠે જઈને નમાજ પઢી. ભાદર માતાનાં ભરપૂર વહેતાં નીરમાંથી ખોબોખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની બે સાંતીની સીમ હતી તેમાંથી ચપટીચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યો : “માતાજી, તેં આજ સુધી અન્ન દીધાં ને ભાદર માતાએ પાણી આપ્યાં. એ અન્નપાણીથી બંધાયેલી આ કાયા જો ઉપરથી ને ભીતરથી પાક રહી હોય, તો તો બા’રવટામાં ભેરે રે’જો, ને જો તમારું કણ સરખુંયે કૂડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોતપનોત નીકળી જજો.” એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારેય ભાઈઓએ એકસાથે વગડાની વાટ લીધી અને જતોનાં ગામડાંમાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા. પચાસ ઘોડેસવાર અને બાર પેદલ સિપાઈ; ચાર ભાઈઓ પોતે : પણ છાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું. શું કરવું, તેનો વિચાર ભીમાને મૂંઝવે છે. તેટલામાં એક સહાય મળી. કુતિયાણા-તાબાનું રોઘડા ગામ : અને એ ગામમાં તૈયબ સંધી નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે “પ્રથમ આપણે બેય જણા એક ગામતરું કરીએ. પછી મોટે બહારવટે નીકળીએ, માટે તું અહીં આવ.” બાસઠ માણસની ફોજ સાથે ભીમો રોઘડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલાં જ માણસો પોતાનાં લીધાં. ભાદરકાંઠે બેસીને પરિયાણ કર્યું. ભીમે વાત છેડી : “તૈયબ ગામેતી! હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કકળતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માગું છું, પણ તમે ખાનદાન રે’જો, એટલું કહી મેલું છું.” એવા સોગંદ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોંણ ગામ ભાંગ્યું. ભાંગી, લૂંટીને ગાંસડીઓ બાંધી. તૈયબ કહે કે “ભીમા મલેક, હવે ભાગીએ, ઝટ ઠેકાણે થઈ જાઈએ.” “તૈયબ ગામેતી!” ભીમાએ મલકીને કહ્યું : “ભીમાથી કાંઈ એમ ભગાશે? તો તો જૂનાગઢવાળા શું કહેશે?” “ત્યારે?” “જૂનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે. અને વાર આવવાની વાટ જોઈએ.” એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. ત્રણ દિવસ ધજા ચડાવીને રોજની અક્કેક ચોરાસી જમાડી. રોજ રાત બધી ડાંડિયારાસ રમ્યા. ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા, ત્યાં જૂનાગઢની વારનાં ભાલાં ઝબક્યાં. તૈયબ ગામેતીએ કહ્યું : “ભીમા મલેક! તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝળાવશે. હવે શું કરવું? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે.” “મારો વાંક હોય તો તમે કહો તેમ કરું, તૈયબ ગામેતી!” “ત્યારે તમે ઊભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનો ઉપાડ કરી નાખું.” ભોળે ભીમડે કહ્યું : “ભલે!” ઘરેણે-લૂગડે લાદેલ સાંઢિયા અને ઘોડાં હાંકીને તૈયબ રોઘડે આવ્યો. રોઘડામાં માલ સંતાડીને પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે “દોંણ ગામ ભીમડે ભાંગ્યું છે.” આ બાજુ ભીમો જૂનાગઢની વાર સામે ધીંગાણાં કરતો કરતો, તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે. આગળ પોતે છે ને પાછળ જૂનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા, અને બન્ને ફોજની ભેટંભેટા થઈ ગઈ. “ભીમાભાઈ!” નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી : “આજ હવે મારો વારો છે.” એમ બોલીને ત્રણસો જૂનાગઢિયા સિપાહીઓની સામે પોતે એકલો ઊતર્યો ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો.

મીં ગજે ને કેસરી મરે, રણમેં ધધુકે રત.
હસન મલેક પડકારે મરે, જાચો [2] ચોજાં [3] જત.

  1. બન્ને ભીમાની દીકરીઓ.
  2. જાચો = સાચો.
  3. ચોજાં = કહું છું (કચ્છી બોલી).